You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ જેવો પુણેનો ‘હિટ ઍન્ડ રન’નો મામલો, બે લોકોનાં મૃત્યુ પણ કોર્ટે નિબંધ લખવાની શરતે જામીન આપી દીધા
- લેેખક, પ્રાચી કુલકર્ણી
- પદ, બીબીસી માટે, પુણેથી
પુણેમાં બનેલી એક દુર્ઘટનામાં એક સગીરે કાર ચલાવતા સમયે એક દ્વિચક્રી વાહનને કચડી નાખતા બે લોકોનાં મોત થયાં છે. આ ઘટના શનિવારે 18મે ની રાત્રે પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં બની હતી.
છત્રપતિ સંભાજીનગરની ક્રાઇમ બ્રાન્ચે સગીર આરોપીના પિતાની ધરપકડ કરી છે.
આ ઘટનાને કારણે લોકોને અમદાવાદમાં ઇસ્કૉન બ્રિજ પર બનેલ બહુચર્ચિત ‘તથ્ય પટેલ હિટ ઍન્ડ રન કેસ’ની યાદ તાજી થઈ છે.
આ અકસ્માતમાં અનીશ અવધિયા અને અશ્વિની કોસ્ટાનાં મૃત્યુ થયાં છે. તેઓ બંને એક જ બાઇક પર સવાર થયા હતા.
આ ઘટના બાદ આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો પરંતુ કોર્ટે તેને કેટલીક શરતો હેઠળ જામીન આપી દીધા હતા.
આ મામલામાં સગીરના પિતા તથા જે પબમાં તે દારૂ પી રહ્યો હતો, તેના મૅનેજર અને કર્મચારીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. છત્રપતિ સંભાજીનગરની ક્રાઇમ બ્રાન્ચે સગીર આરોપીના પિતા સાથે કોઝી ઍન્ડ બ્લૅક બારના મૅનેજર, અને બાર ટેન્ડરની પણ ધરપકડ કરી છે.
બાળકની ઉંમરની તપાસ કર્યા વગર તેને દારૂ આપવા બદલ પબના કર્મચારીઓ સામે તથા સગીર પુત્રને કાર ચલાવવા માટેની મંજૂરી આપવા બદલ પિતા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
એફઆઈઆર પરથી એ સ્પષ્ટ થાય છે કે સગીરે કલ્યાણીનગર પાસે બે પબમાં જઈને દારૂ પીધો હતો. ત્યારબાદ મોડી રાત્રે તેણે લાઇસન્સ વગર લાપરવાહી સાથે કાર હંકારી હતી અને પલ્સર પર સવાર બે લોકોને ટક્કર મારી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એફઆઈઆરમાં શું કહેવામાં આવ્યું?
આ દુર્ધટનામાં એક સગીર વ્યક્તિએ ગ્રે રંગની કારથી બાઇકસવારને ટક્કર મારી દીધી હતી.
એફઆઈઆરમાં આપવામાં આવેલી જાણકારી અનુસાર, અકસ્માતના સમયે તેની સાથે તેના કેટલાક મિત્રો પણ હતા.
શનિવાર,18મી મેના રોજ રાત્રે 10થી 12ની વચ્ચે તેઓ પાર્ટી કરવા માટે પુણેના મુંડવા વિસ્તારની એક હોટલમાં ગયા હતા, જ્યાં તેમણે અલગ-અલગ પ્રકારના અનેક દારૂ પીધા હતા. પરંતુ પાર્ટી અહીં જ પૂરી થઈ ન હતી.
ત્યારપછી આ તમામ યુવકો રાત્રે 12થી 1 વચ્ચે મુંડવાની અન્ય એક હોટલમાં ગયા હતા. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે ત્યાં પણ દારૂ પીધો હતો.
સવારે અંદાજે અઢી વાગ્યે તેઓ એક મોંઘી ગ્રે કારમાં સવાર થઈને નીકળ્યા હતા અને તેમણે એક દ્વિચક્રી વાહનને ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કારની બંને તરફ કોઈ નંબર પ્લેટ નથી. કાર ચલાવનાર આરોપીની ઉંમર 17 વર્ષ અને આઠ મહિના છે એટલે કે તે પુખ્તવયનો નથી.
આ પાંચ શરતો પર મળ્યા જામીન
બેજવાબદારીપૂર્વક ગાડી ચલાવીને લોકોનો જીવ લેનાર આ સગીરને કોર્ટે જામીન આપી દીધા છે. પરંતુ કોર્ટે તેને જે શરતો પર જામીન આપ્યા છે તેની ચર્ચા થઈ રહી છે.
- આ આરોપીએ 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસ સાથે ચાર રસ્તે ઊભા રહીને ટ્રાફિકનું નિયમન કરવું પડશે. ટ્રાફિક નિયમો સમજ્યા પછી એક રિપોર્ટ તૈયાર કરીને આરટીઓને સોંપવાનો હોય છે.
- આરોપીએ સડક દુર્ઘટના અને તેના નિવારણ પર 300 શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે.
- સગીર આરોપીએ દારૂ છોડવા માટે મનોચિકિત્સકો અને વિશેષજ્ઞો પાસે સારવાર કરાવવાની રહેશે.
- આરોપીએ દારૂથી છુટકારો મેળવવા માટે મુક્તાંગન વ્યસનમુક્તિ કેન્દ્રની મદદ લેવી જોઈએ.
- જો ભવિષ્યમાં તેને કોઈ દુર્ઘટના દેખાય તો તેણે દુર્ઘટના પીડિતોની મદદ કરવાની રહેશે.
પોલીસ તપાસ કરશે કે આરોપી પુખ્તવયનો છે કે નહીં
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે પ્રેસ કૉન્ફરન્સમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી.
અમિતેશ કુમારે જણાવ્યું કે આરોપી સગીર હોવાને કારણે તેને જામીન મળી ગયા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ તેની સામે સેશન્સ કોર્ટમાં અરજી કરશે.
અમિતેશ કુમારે કહ્યું કે, "એ સ્પષ્ટ છે કે આ છોકરો દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. આ કેસમાં કોઈને પણ બક્ષવામાં આવશે નહીં."
"શું છોકરો ખરેખર સગીર છે? તેમણે એમ પણ કહ્યું હતું કે તેની શાળાની મુલાકાત લઈને તપાસ કરવામાં આવી રહી છે. નંબર પ્લેટ વગર કાર આપનાર વેપારી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે."
છોકરાના પિતા અને દારૂ પીરસનાર પબના માલિક પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. અમિતેશ કુમારે એમ પણ કહ્યું છે કે તેઓ કલ્યાણીનગર, કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા પબ અને બાર સામે કાર્યવાહી કરવા એક્સાઇઝ વિભાગ સાથે મળીને કામ કરશે.
એમ જણાવવામાં આવ્યું છે કે આ કેસની તપાસ આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસને સોંપવામાં આવી છે.
પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવશે. શું કોઈએ રાજકીય દબાણ કર્યું? તેમણે એમ પણ કહ્યું કે જલ્દી જ આ વાત સામે આવી જશે.
ફડણવીસે કડક કાર્યવાહીના આદેશ આપ્યા
નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે લાપરવાહીથી ડ્રાઇવિંગના કારણે બે લોકોનાં મોતના મામલામાં કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
દેવેન્દ્ર ફડણવીસે પુણે પોલીસ કમિશનરને ફૉન કરીને મામલાની માહિતી મેળવી હતી અને કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા.
ફડણવીસે કહ્યું છે કે આરોપીને જામીન મળી ગયા હોવા છતાં તેની સામે અપીલ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ફડણવીસે એમ પણ કહ્યું કે આ કેસમાં આરોપીઓ સાથે વિશેષ વ્યવહાર કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનના સીસીટીવી તપાસ્યા બાદ જો આ દાવામાં સત્યતા જણાય તો સંબંધિત અધિકારીઓ સામે પણ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.
રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી
પુણેમાં બનેલી આ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પણ સામે આવ્યા છે.
ભાજપે સોમવારે (20 મે) પુણે પોલીસ કમિશનરને ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ કેસમાં કાર્યવાહી કરવા માટેનો પત્ર લખ્યો છે. આ પત્રમાં ભાજપે કહ્યું છે કે આવી ઘટનાઓ માટે ‘નાઇટ લાઇફ કલ્ચર’ જવાબદાર છે.
આવી પરિસ્થિતિમાં ભાજપે આ નિવેદનમાં 'નાઇટ લાઇફ કલ્ચર'ને પ્રોત્સાહન આપતા પબ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
ભાજપે પબમાં ડીજે પર વગાડવામાં આવતાં ગીતો અને ચાર રસ્તે ઉધામા કરનાર લોકો પર પણ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.
કૉંગ્રેસ નેતા રવીન્દ્ર ધાંગેકરે હિટ ઍન્ડ રન મામલાનો વિરોધ કરતાં પબ અને બાર સામે કાર્યવાહીની માગ કરી છે.
તેમણે કાર્યકર્તાઓ સાથે યરવડા પોલીસ સ્ટેશને ધરણાં પણ આપ્યા હતા.
કાયદો શું કહે છે?
આ સમગ્ર ઘટનાના કાયદાકીય પાસાં સમજવા માટે બીબીસીએ વરિષ્ઠ વકીલ ડૉ. અસીમ સરોદે સાથે વાત કરી હતી.
તેમના જણાવ્યા અનુસાર, પોલીસે સગીરને દારૂ પીરસનાર પબ સંચાલક, કાર આપનાર માતાપિતા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. આ મામલે પુણે પોલીસે મોટર વ્હીકલ ઍક્ટ 199A હેઠળ કેસ નોંધ્યો છે.
"સગીર જે કાર ચલાવતો હતો તેની નંબર પ્લેટ ન હતી. તેથી, આ મામલે નવા કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ જોગવાઈ મુજબ સગીર બાળકોના કારણે કોઈ અકસ્માત થશે તો વાલીઓ સામે કેસ નોંધવામાં આવશે અને વાલીઓને સજા પણ થઈ શકશે."
જો આ કાયદા હેઠળનો ગુનો કોઈ સગીર દ્વારા કરવામાં આવશે, તો ગુનામાં વપરાયેલ વાહનનું રજિસ્ટ્રેશન 12 મહિનાના સમયગાળા માટે રદ કરવામાં આવશે. ઉપરાંત, જો કોઈ સગીર દ્વારા ગુનો કરવામાં આવ્યો હોય, તો તે 25 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી તે લર્નર્સ લાયસન્સ માટે પાત્ર રહેશે નહીં.
જો કોઈ સગીર કે સગીર ગુનેગાર કોઈ ગુનો કરે તો તેને કાયદા મુજબ દંડની સજા થશે. જ્યારે જુવેનાઈલ જસ્ટિસ ઍક્ટ, 2000ની જોગવાઈઓ અનુસાર કોઈપણ કસ્ટોડિયલ સજા આપી શકાય છે. ભારતીય દંડ સંહિતા અનુસાર આ સજામાં હજુ પણ વધારો કરવામાં આવ્યો છે.