You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'28 લાખ ખર્ચ્યા પણ પુત્ર હાલીચાલી શકતો નથી', તથ્ય પટેલે કરેલા અકસ્માતમાં ઘાયલ યુવકના પરિવારની પીડા
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"મારા પુત્ર સાથે જે બન્યું છે તેવી સ્થિતિ કોઈ દુશ્મનના ઘરે પણ ન આવે તેવી હું પ્રાર્થના કરું છું. મારો હસતોખેલતો પરિવાર આજે ત્રણ મહિનાથી ઊંધી શકતો નથી. અમને કામમાં પણ મન લાગતું નથી. અમે આખો દિવસ આ જ વિચારોમાં હોઈએ છીએ. અમે આશા રાખીએ છીએ કે અમારો દીકરો જય ફરીથી હસતોબોલતો થઈ જાય."
આ શબ્દો અમદાવાદમાં થયેલા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને ત્રણ મહિનાથી સારવાર હેઠળ રહેલા 21 વર્ષીય જય ચૌહાણના પિતા ભાઈલાલ ચૌહાણના છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારનો છેડો એવા મુમતપુરા ગામના રહેવાસી ભાઈલાલ ચૌહાણ ખેતી અને મિલકત લેવેચનુ કામ કરે છે. તેમના પરિવારમાં બે દીકરા છે, જેમાં નાનો દીકરો જય આજે પણ પથારીવશ છે અને ઘરે એની સારવાર ચાલી રહી છે.
આ પરિવાર દીકરાની સારવાર પાછળ અત્યાર સુધીમાં 28 લાખ રૂપિયા જેવી માતબર રકમનો ખર્ચ કરી ચૂક્યો છે પણ જય આજે પણ પોતાના પગ ઉપર ઊભો થઈ શકતો નથી. તેની દૈનિક ધોરણે ફિઝિયોથેરોપી કરાવવી પડે છે. એની હાલતમાં આંશિક સુધારો છે.
નોંધનીય છે કે ગત 19 જુલાઈની મધ્ય રાત્રીએ અમદાવાદ શહેરના એસજી હાઈવેના ઇસ્કોન બ્રિજ ઉપર એક થાર ગાડીનો અકસ્માત થયો હતો.
આ અકસ્માત વખતે સ્થળ ઉપર લોકો ટોળે વળીને ઊભા હતા તે વખતે 142 સ્પીડથી આવતી જૅગુઆર કાર ટોળા ઉપર ફરી વળી હતી. આ અકસ્માતમાં કુલ દસ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
'મદદ કરવાના આશયથી ગયો હતો'
આ મામલે 6 ઑકટોબર 2023ના દિવસે આરોપીઓની ડીસચાર્જ અરજી પરની સુનાવણી દરમિયાન કોર્ટમાં સરકારી વકીલોએ દલીલ કરી હતી કે, આ ગંભીર અકસ્માતમાં જય નામનો યુવાન ઘાયલ થયો હતો. અને એની હાલતમાં સુધારો થયો નથી. પરિવારે આ યુવાનની સારવાર પાછળ 28 લાખનો ખર્ચ કર્યો છે. કોર્ટે સુનાવણી બાદ આ પીડિત યુવકને સિવિલ હૉસ્પિટલમાં તમામ સારવાર પૂરી પાડવા માટે આદેશ કર્યો હતો.
પીડિત યુવકના પિતા ભાઈલાલ ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અમારા પરિવારમાં હું, મારી પત્ની, મારા બે દીકરા તેમજ મોટા પુત્રની પુત્રવધૂ તેમજ તેનો નાનો દીકરો જય છે. 10 ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ એ અમારી સાથે ખેતીનું તેમજ જમીન ફ્લેટ લે-વેચનું કામ કરતો હતો. આ ઉપરાંત કૅબલ ચેનલના માસિક પૈસાના કલેક્શનનું કામ પણ કરતો હતો. ઇસ્કોન બ્રિજ પર થાર ગાડીનો અકસ્માત થયો હતો. તે અંગે જયને જાણ થતા એ મિત્રો સાથે ત્યાં મદદ કરવાના આશયથી ગયો હતો. ઇસ્કોન બ્રિજ પર લગભગ 150 જેટલા લોકો ઊભા હતા. ટોળા ઉપર તથ્ય પટેલે ગાડી દોડાવી અને લોકોને રહેંસી નાખ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'77 દિવસ સુધી હૉસ્પિટલમાં'
ભાઈલાલે વધુમાં જણાવ્યું, "અકસ્માત થયો તે રાત્રે મારા મોટા દીકરાને કોઈનો ફોન આવ્યો હતો કે જયનો ઇસ્કોન બ્રિજ પર અકસ્માત થયો છે. મારા દીકરાએ મને જગાડ્યો હતો. અમે તરત જ ઇસ્કોન બ્રિજ પર ગયા હતા. ત્યાં અમને જાણ થઈ કે જય અને અન્ય પાંચ યુવકોને ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે બ્રિજ પરની હાલત જોઈને ડઘાઈ ગયા હતા. ચારે તરફ લોહી હતું. "
જય વિશે વધારે માહિતી આપતા ભાઈલાલ ઉમેરે છે, "હસતોરમતો મારો દીકરો બીજાને મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેતો હતો. હૉસ્પિટલમાં એની સારવાર દરમિયાન 300થી વધારે છોકરાઓ આવતા હતા ત્યારે મને પણ ખબર પડી કે તેનું મિત્રવર્તુળ આટલું મોટું છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "મારા દીકરાને ઝાયડસ હૉસ્પિટલમાં 77 દિવસ સુધી રાખવામાં આવ્યો હતો. એનાં બે ઑપરેશન કરાયાં છે, તેમજ જમણા અંગમાં પૅરાલિસીસની અસર છે. જય કોઈને ઓળખી શકતો નથી, બોલી શકતો નથી. હલનચલન પણ કરી શકતો નથી. 77 દિવસ હૉસ્પિટલમાં રાખ્યા બાદ તેને કોઈ ઓક્સિજન કે આઇસીયુની જરૂર ન હોવાથી ડૉક્ટરની સલાહને આધારે અમે તેને ઘરે લઈ આવ્યા છીએ."
"અમને સલાહ આપવામાં આવી હતી કે તેને ઘરના વાતાવરણમાં લઈ જવામાં આવે, આસપાસ ઘરના સભ્યો એ જુએ, તો એની હાલતમાં કદાચ સુધારો આવી શકે. "
ભાઈલાલ ચૌહાણના જણાવ્યા અનુસાર જયને ઘરે લાવ્યા બાદ એની હાલતમાં થોડો સુધારો જણાયો છે.
સારવાર માટે જયના પરિવારે ઘરે જ હૉસ્પિટલનો વૉર્ડ ઊભો કર્યો છે. 24 કલાક માટે બે અટેન્ડન્ટ રાખ્યા છે. મેડિકલ બૅડ ઉપરાંત સારવાર માટે જરૂરી અન્ય સાધનો પણ ઘરે વસાવવામાં આવ્યાં છે.
આરોપી તથ્ય પટેલ વિશે વાત કરતા ભાઈલાલ ભાઈ કહે છે કે, "તથ્ય પટેલની ગાડીના રિપોર્ટ તેમજ આંખના રિપોર્ટ મુજબ બધું જ બરાબર હતું , છતાં એણે ટોળા પર ગાડી ચડાવી દીધી હતી. જેના કારણે લોકોના ઘર ઊજળી ગયાં. તેને કડક સજા થવી જોઈએ."
કેવી રીતે અકસ્માત સર્જાયો હતો?
ગત 19 જુલાઈની મોડી રાત્રે અમદાવાદના ઇસ્કોન ફ્લાયઓવર પર એક ડમ્પર અને કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલક સગીરે રસ્તા પર આગળ ચાલતા ડમ્પરને ટક્કર મારતાં કાર ડિવાઇડર પાસે પહોંચી ગઈ હતી.
આ ટક્કરનો અવાજ સાંભળીને બ્રિજની નીચે રહેલા લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે બે પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન પણ હાજર હતા.
‘મદદ કરવાના’ ભાવે સ્થળ પર કેટલાક માણસોનું ટોળું ભેગું થયું હતું. એ જ સમયે લગભગ રાત્રે એક વાગ્યે ‘ગંભીર અકસ્માત’ સર્જનાર જેગુઆર કાર ફરી વળી હતી.
જેગુઆર કારે ટોળામાં ઊભેલા લોકોને ટક્કર મારતાં કેટલાક રસ્તા પર ફંગોળાયા હતા, તો કેટલાક લગભગ 200 મીટર સુધી કાર સાથે ઢસડાયા હતા.
ઘટના બાદ જેગુઆર કારના ‘ચાલક’ તથ્ય પટેલને અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેતુ રખાયો હતો. બાદમાં 20 વર્ષીય ચાલક તથ્ય પટેલ અને તેમના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરાઈ હતી.
પ્રજ્ઞેશ પટેલ પર તથ્ય પટેલને અકસ્માતના સ્થળેથી ‘ભગાડી લઈ જવા માટે પબ્લિકના લોકોને ધાકધમકી આપવાનો, ગાળાગાળી કરવાનો અને ગન બતાવવાના’ આરોપ લગાવાયા હતા.
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે આ બંને સામે આઈપીસીની અલગઅલગ કલમો જેવી કે 279 (રેશ ડ્રાઇવિંગ), 337 અને 338 (બેદરકારીભર્યા કૃત્યથી ગંભીર ઇજા પહોંચાડવી), 304 (ગેરઈરાદે હત્યા), 308 (ગેરઈરાદે હત્યાનો પ્રયાસ) અને 504 હેઠળ કેસ નોંધ્યો હતો.
આ સિવાય આઇપીસીની કલમ 506(2) (ગુનાહિત ધમકી), 114 (ઉશ્કેરણી) અને 188 (જાહેર સેવક દ્વારા જાહેર કરાયેલ હુકમનો અનાદર), મોટર વાહન અધિનિયમની કલમ 177 (ટ્રાફિક કાયદાનું ઉલ્લંઘન), 184 (ખતરનાક ડ્રાઇવિંગ) અને 134 (બી) (અકસ્માત અને વ્યક્તિને ઇજાના કિસ્સામાં ડ્રાઇવરની ફરજ) હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.