ગુજરાત : સુરતમાં અમદાવાદ કરતાં વધારે 'હિટ એન્ડ રન' અકસ્માતના કેસ કેમ થાય છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

“તથ્ય પટેલની ગાડીથી જે દિવસે મારો દીકરો મર્યો તે દિવસે તેના ખિસ્સામાં 10,000 રૂપિયા હતા. તેના માસ્ટર્સ કોર્સની ફી ભરવા માટે તે બોટાદથી અમદાવાદ આવ્યો હતો અને રોડ પરના તે ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.”

આ શબ્દો 51 વર્ષના અનિલ પટેલના છે, જેમણે પોતાના 21 વર્ષના દીકરા અક્ષત પટેલને રોડ અકસ્માતમાં ગુમાવ્યા હતા.

દેશભરમાં માત્ર 2022ના વર્ષમાં પાંચ લાખથી વધુ લોકો અલગ અલગ પ્રકારના માર્ગ અકસ્માતોનો ભોગ બન્યા હતા.

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરો(એનસીઆરબી)ના આંકડા પ્રમાણે વર્ષ 2022માં દેશભરમાં 4 લાખ 78 હજાર 29 ગુનાઓ નોંધાયા છે, જેનો ક્રાઇમ રેટ 10.9 ટકા છે.

જ્યારે તેમાંથી 27 હજાર 232 જેટલા કેસો તો માત્ર ગુજરાતમાં નોંધાયા છે. જેનાં ભોગનારા 11 હજાર 197 લોકો છે. દેશમાં આ પ્રકારના ગુનાનો દર એટલે કે ક્રાઇમ રેટ એક લાખ લોકોની વસ્તીએ 35.7 છે, જ્યારે ગુજરાતમાં તેનો દર 38.4 છે.

એનસીઆરબીનાં આંકડા પ્રમાણે આ પ્રકારના ગુનાઓની સંખ્યા 2021માં 24,492 હતી, જ્યારે તે સંખ્યા 2020માં 28,520 હતી. જોકે, એક તરફ જ્યારે 2021ની સરખામણીએ 2022માં આ પ્રકારના ગુનાઓના દરમાં ઘટાડો થયો છે, પરંતુ કેસોની સંખ્યા અને ભોગ બનનારા લોકોની સંખ્યા વધી છે.

મેટ્રોસિટીમાં હાલત કથળી?

2022માં 11 હજાર 197 લોકો ગુજરાતના રસ્તાઓ પર રોડ અકસ્માતને કારણે મૃત્યુ પામ્યા હતા, જ્યારે તે સંખ્યા 2021 માં 10,732 અને વર્ષ 2020માં 10,642 હતી.

જોકે, મેટ્રોસિટીની વાત કરવામાં આવે તો એનસીઆરબીના આંકડામાં ગુજરાતનાં બે શહેરોને મેટ્રોસિટી તરીકે સામેલ કરવામાં આવ્યાં છે, જેમાં અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે. 2022માં અમદાવાદમાં કુલ રોડ અકસ્માતના 464 કેસો નોંધાયા હતા, જેમાં 488 લોકો મૃત્યુ પામ્યા હતા.

આમ, તેનો ક્રાઇમ રેટ 7.3નો નોંધાયો છે. અમદાવાદ શહેરના અકસ્માતોમાં આ આંકડામાં નોંધાયેલા કેસો, ભોગ બનનારા લોકો અને ક્રાઇમ રેટ ત્રણેયમાં વધારો જોવા મળ્યો છે.

જેમકે, 2021માં 398 કેસો નોંધાયા છે, જ્યારે 403 લોકો તેનો ભોગ બન્યા છે અને 6.3 નો ક્રાઇમ રેટ નોંધાયો હતો. 2020માં આ ક્રાઇમ રેટ 5.2નો નોંધાયો હતો.

અમદાવાદ શહેરની સરખામણીએ સુરતમાં 'હિટ ઍન્ડ રન'ના કેસોની સંખ્યા વધારે છે. 2022માં અમદાવાદમાં 51 કેસ નોંધાયા છે, તો આ જ વર્ષમાં સુરતમાં 199 કેસ નોંધાયા છે. અમદાવાદનો ક્રાઇમ રેટ 0.8 ટકા છે, જ્યારે 'હિટ ઍન્ડ રન'ના ગુનામાં સુરતનો ક્રાઇમ રેટ 4.3 છે.

આ વિશે બીબીસી ગુજરાતીએ રોડ સેફ્ટી ઍક્સ્પર્ટ અમિત ખત્રી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “સરકાર પાસે તમામ સંસાધનો હોવા છતાં તેની કામગીરીમાં સમન્વય નથી. એવાં કેટલાંય પૉઇન્ટ્સ છે કે જ્યાં ટ્રાફિક પોલીસ અને સીસીટીવી કૅમેરા બન્ને છે. હું માનું છું કે સીસીટીવી હોય તો તેવાં સ્થળેથી ટ્રાફિક પોલીસને ખસેડીને સીસીટીવી ન હોય તેવાં સ્થળોએ મૂકવા જોઈએ.”

તેઓ વધુમાં કહે છે કે, “આ વધતા આંકડા જણાવે છે કે માર્ગ અકસ્માતની વાત આવે ત્યારે, ગુજરાતમાં પરિસ્થિતિ સામાન્ય નથી, મુખ્યત્વે કૉમર્શિયલ વાહનો અને રાત્રે બેફામ ચાલતા પ્રાઇવેટ વાહનોને કારણે પરિસ્થિતિ કથળી છે.”

તેમણે એમ પણ કહ્યું કે, “વિવિધ સાઇનેજ કે બોર્ડ વગેરેની કમીને કારણે પણ લોકો રસ્તા પર ભૂલ કરતા હોય છે, પરંતુ એએમસી, ઔડા કે પોલીસ આ અંગે ગંભીર હોય તેવું ક્યારેય જણાયું નથી.”

"મારા દીકરા સાથે થયું તેવું કોઈની સાથે ન થવું જોઈએ"

જુલાઇ 2023માં ઇસ્કોન પુલ પરના ગોઝારા અકસ્માતમાં 9 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેમાં બોટાદથી અભ્યાસ અર્થે અમદાવાદમાં આવેલા અક્ષત પટેલનો પણ સમાવેશ થાય છે.

એનસીઆરબીના આંકડાઓ જાહેર થયા બાદ, બીબીસી ગુજરાતીએ અક્ષતના પિતા અનિલ પટેલ સાથે વાત કરી. તેમણે જ્યારે આ આંકડા વિશે જણાવવામાં આવ્યું તો તેમણે કહ્યું, "નવાઈની વાત છે કે, આટલા બધા સીસીટીવી કૅમેરા, પોલીસ અધિકારીઓ અને બીજી અનેક સાધન સામગ્રી હોવા છતાં પણ અમદાવાદ જેવા શહેરમાં આવા ગોઝારા અકસ્માત થાય છે."

"એક વખત આવા અકસ્માતમાં લોકોનાં મૃત્યુ થઈ જાય પછી સરકાર પગલાં લેવાના દાવાઓ કરે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે યોગ્ય પ્લાનિંગ ક્યારેય હોતું નથી, અને આજે પણ એ નથી."

તેઓ વધુમાં કહે છે, "ન્યાય માટે હવે તો અમને ભગવાન પર જ ભરોસો છે. કારણ કે મને એ સમજાતું નથી કે સરકાર પાસે બધું જ હોવા ઉપરાંત આ પ્રકારની ઘટનાઓ, રોડ પર લોકોનાં મૃત્યુ કેમ રોકાતાં નથી.”

શું કહેવું છે સરકારનું?

જોકે, આ પ્રકારના અકસ્માત વિશે બીબીસી ગુજરાતીએ અમદાવાદના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સફીન હસન સાથે વાત કરી. તેમણે એનસીઆરબીના આંકડાઓ વિશે પણ વાત કરી હતી.

રસ્તા પરના અકસ્માતના આંકડામાં વધારો કેમ થઈ રહ્યો છે એ વાતનો જવાબ આપતા સફીન હસને કહ્યું, “દર વર્ષે વસ્તી વધે છે અને તેની સાથે વાહનોની સંખ્યા પણ વધે છે. તેની સાથે સાથે કૉમર્શિયલ પ્રવૃત્તિમાં પણ વધારો થતો રહે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળતો હોય છે.”

અમદાવાદના આંકડાઓ અંગે તેઓ જવાબ આપે છે કે, “જીવલેણ અકસ્માતો થવાનાં અનેક કારણો હોય છે. જેમાં સૌથી મહત્ત્વનું કારણ હોય છે વાહનચાલકની બેદરકારી અને તેની સાથે ખામીયુક્ત રોડ-રસ્તાઓ. તેમાંય જો રસ્તાનો ઉપયોગ કરનારા લોકો જો સેફ્ટી નિયમોનું પાલન ન કરે તો આવા અકસ્માતો થવાની ઘણી શક્યતા હોય છે.”

“રોડ અકસ્માતો માટે કોઈ એક જ એજન્સી અથવા હિસ્સેદારને જવાબદાર ન માની શકાય. જે રસ્તાનો ઉપયોગ કરે છે, તે ભૂલ કરશે તેવું પણ માનવું જ પડે. પરંતુ રસ્તાઓ અને રોડની બનાવટ એ પ્રકારની કરવી પડે કે જેમાં જો રોડ વાપરનાર કોઈ વ્યક્તિ જો ભૂલ કરે, તો પણ કોઈની જાનનું જોખમ ન થાય.” “આવું કરવું અશક્ય નથી. ઇન્ડિયન રોડ્સ કૉંગ્રેસ (આઈઆરસી)ના સ્ટાન્ડર્ડ્સનું પાલન કરીને, લોકોમાં વધુને વધુ જાગૃતિ લાવીને, અને સરકારી ધારાધોરણોનું ચુસ્તપણે પાલન કરીને, આ લક્ષ્યને પ્રાપ્ત કરી શકાય છે.”

અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે લીધેલાં પગલાંઓ વિશે જણાવતા તેઓ કહે છે, “અમદાવાદ ટ્રાફિક પોલીસે અનેક નવીન પ્રયોગો કર્યા છે. ઓવર-સ્પીડિંગ વાહનોનું ચુસ્તપણે મોનિટરીંગ કરીને તેમને દંડ કરવાનું શરૂ કર્યું છે. તેના માટે અમે ઇન્ટરસેપ્ટર વાહનો અને મેન્યુઅલ સ્પીડગનનો ઉપયોગ વધારી દીધો છે.”

“અમદાવાદના સીટીએમ, ડફનાળા, ક્રિષ્નાનગર જંકશન જેવા વિસ્તારોમાં રોડ પર અમુક બદલાવો કરવા માટે એએમસી અને ઔડાને વિનંતી કરવામાં આવી હતી, જેનાથી છેલ્લા થોડા સમયથી આ વિસ્તારોમાં અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.”

“આ ઉપરાંત રાજ્ય સરકાર પણ સતત આ દિશામાં કામ કરી રહી છે. હાલમાં જેની રચના થઈ છે તે ‘ધ ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટી’ સરકારનાં વિવિધ ખાતાં વચ્ચે સમન્વય બેસાડીને કામ કરી રહી છે, જેનાથી પણ આવનારા દિવસોમાં હકારાત્મક બદલાવ આવવાની શક્યતા છે.”

માર્ગ અકસ્માતોમાં અમદાવાદ કરતાં સુરતમાં હિટ એન્ડ રનની ઘટનાઓનું પ્રમાણ વધારે કેમ છે, તે મુદ્દે સુરતના ટ્રાફિક પોલીસ વિભાગના વડા તેમજ સુરત પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે આ મુદ્દે વાતચીત કરવાનો ઇનકાર કર્યો હતો.