You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નૉન-વેજ ફૂડના વેચાણને લઈને શું વિવાદ છે?
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
મધ્ય પ્રદેશમાં નવા મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતાં જ મોહન યાદવે સૌથી પહેલો આદેશ આપ્યો તેમાં જાહેરમાં મીટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
રાજસ્થાનમાં પણ જાહેરમાં મીટના વેચાણ પર પ્રતિબંધ મુકવાની ચર્ચા ચાલી રહી છે. અગાઉ ગુજરાતમાં પણ નૉન-વેજ ફૂડને જાહેરમાં વેચવાને લઈને વિવાદ થઈ ચૂક્યો છે.
હવે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નૉન-વેજ કૂડ નહીં વેચવામાં આવે, તેવા એક સરકારી ટેન્ડર પછી ગુજરાતમાં એક વખત ફરી વેજ અને નૉન-વેજ ફૂડની ચર્ચા શરૂ થઈ છે.
એક તરફ ગુજરાત રાજ્યમાં ચિકન કે મટનના ઉત્પાદનમાં સમયાંતરે વધારો નોંધાયો હતો. આરબીઆઈના એક રિપોર્ટ અનુસાર 2004-2005ની સરખામણીમાં 2018-19માં ગુજરાતમાં મીટનું ઉત્પાદન વધીને 33 ટકા જેટલું થઈ ગયું હતું.
માર્ચ 2023માં છપાયેલા NABARDના એક રિપોર્ટના આંકડા અનુસાર રાજયમાં ચિકન અને મટનનું ઉત્પાદન 2018-19માં 33,329 મેટ્રિક ટન હતું, જ્યારે 2017-18માં આ ઉત્પાદન 33,231 મેટ્રિક ટન જેટલું હતું એટલે કે 0.30 ટકાનો વધારો. જોકે આ આંકડામાં રજિસ્ટર ન હોય તેવાં કતલખાનાઓમાં વેચાયેલાં મટન અને ચિકનના આંકડાનો સમાવેશ થતો નથી. એટલે કે જો તેનો આંકડો પણ ઉમેરવામાં આવે તો આ આંકડો વધારે હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મીટ માટે કતલ કરવામાં આવેલાં પશુધન અને મરઘાંની સંખ્યામાં 21 ટકાનો ઘટાડો થયો હતો.
બીજી તરફ ગુજરાતમાં નૉન-વેજ ફૂડના વેચાણ પર રોક લગાવવાની ચર્ચા સમયાંતરે થતી રહે છે. ક્યારેય પાલીતાણાને વેજીટેરિયન ટાઉન બનાવવા માટે તો ક્યારેક વિવિધ મ્યુનિસિપાલિટી ઈંડાંની લારીઓ બંધ કરવાને લઈને વિવાદ થયા છે.
2021માં ગુજરાતમાં રાજકોટ, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ જાહેર રસ્તા ઈંડાં અને ચિકનની લારીઓને હઠાવવાના અભિયાન પર વિવાદ થયો હતો. મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.
શું કહેવાયું છે રિવરફ્રન્ટના આ ટેન્ડરમાં?
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (SRFDL)એ નદીના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજ નીચેના વિસ્તારની આશરે 220 વર્ગમીટરની જગ્યામાં લગભગ આઠ જેટલા ફૂડ કિયૉસ્ક બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. આ ટેન્ડરની શરતોમાં ‘23’ નંબરની શરતમાં જણાવવામાં આવ્યું છે કે આ કિયૉસ્કમાં નૉન-વેજ ફૂડ, ઈંડાં કે તમાકુની કોઈ પણ વસ્તુ વેચી શકાશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ટેન્ડરની પ્રક્રિયા દરમિયાન આ શરતને લઈને અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જોકે એસઆરએફડીએલના જનરલ મૅનેજર દીપક પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "આમાં કોઈ વિવાદની વાત નથી. અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે રિવરફ્રન્ટનો પરિસર સ્વચ્છ રહે. અને જો નૉન-વેજ ફૂડ અહીં આપવામાં આવશે તો તેનાથી વધુ ગંદકી થશે, જેના કારણે અમારા માટે બીજા પડકારો ઊભા થશે. માત્ર હાઇજીનને ધ્યાનમાં લઈને આ પ્રકારની શરત મુકવામાં આવી છે."
જોકે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્વચ્છતા અંગે સવાલો તો વેજ ફૂડમાં પણ થઈ શકે છે, તો તેમણે કહ્યું કે નૉન-વેજ ફૂડના કચરાને કારણે વધુ ગંદકી થાય છે, કારણ કે તેનો યોગ્ય નિકાલ જરૂરી છે. લોકો ફૂડ લીધા બાદ જો તે કચરો ગમે તે જગ્યાએ ફેંકે તો પરિસર સ્વચ્છ ન રહી શકે." તેમણે વધુમાં કહ્યું કે આ નિર્ણય થકી કોઈ પણ ધર્મના વિરોધની વાત નથી.
આ નિર્ણય બાદ વિવિધ હિન્દુ સંગઠનો ખુશ છે. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વિશ્વ હિન્દુ સંગઠનના ગુજરાત પ્રદેશના જોઇન્ટ સેક્રેટરી અશ્વિન પટેલે કહ્યું કે, "અમે આ નિર્ણયને આવકારીએ છીએ અને અમે અમારી અગાઉની રજૂઆતોની સરકારને ફરીથી યાદ અપાવવા માગીએ છીએ, આ નિર્ણયની જેમ જ મક્કમતાપૂર્વક રાજ્યનાં તમામ મંદિરોની આસપાસ 500 મીટરના વિસ્તારના તમામ જાહેર માર્ગો પરથી નૉન-વેજની લારીઓ હટાવી લેવાની દર્ખાસ્ત કરી છે."
બીજી બાજુ માઇનૉરિટી કો-ઓર્ડિનેશન કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "સરકારી જમીન કે જેનું ભાડું સરકાર લેતી હોય તેના પર સરકાર નક્કી કરે કઈ પ્રકારનું ફૂડ લોકોએ ખાવાનું, આ તે કેવી વાત છે?"
મુજાહિદ નફીસે કહ્યું કે, "આ પ્રકારના પ્રતિબંધથી આહાર થકી બે સમાજો વચ્ચે ભેદભાવ પેદા કરાઈ રહ્યો છે."
ગુજરાતમાં નૉન-વેજ ફૂડનો વિવાદ નવો નથી
વર્ષ 2014માં ગુજરાતના પાલીતાણાને દુનિયાનું પ્રથમ વેજીટેરિયન ટાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
આશરે 200 જેટલા જૈન મુનીઓના વિરોધ બાદ પાલીતાણાની તમામ બજારોમાંથી ઈંડાં અને નૉન-વેજ ફૂડના વેચાણ અને પ્રાણીઓની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જોકે આ નિર્ણયના સાત વર્ષ બાદ એટલે કે 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને દબાણ ખસેડવાની ડ્રાઇવમાં માત્ર ઈંડાંની લારીઓને ખસેડવાની ડ્રાઇવ શરી કરી હતી, ત્યારે મામલો ગુજરાત હાઇકોર્ટમાં ગયો હતો. ઈંડાંની લારી ગલ્લાના માલિકો તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર એવો આરોપ હતો કે તે માત્ર ઈંડાંની લારીઓને જ હટાવવામાં આવી હતી.
જોકે હાઇકોર્ટની ટકોર બાદ ઈંડાંની લારીઓ પાછી શરૂ થઈ હતી. ગુજરાત હાઇકોર્ટના 9 ડિસેમ્બર, 2021ના ઑર્ડર પ્રમાણે 'દબાણ કરતા કોઈ પણ તત્ત્વને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સરકારી ધારાધોરણો પ્રમાણે હટાવી શકાય. જે લારી ગલ્લા કૉર્પોરેશન દ્વારા ઉપાડી લેવામાં આવ્યાં છે, તેના માટે જો-જો તેના માલિક 24 કલાકની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો સંપર્ક કરે તો કાયદા પ્રમાણે તેમને તે પરત કરી દેવા.'
જોકે નવેમ્બર 2021 માં જ રાજકોટ, જૂનાગઢ, અને વડોદરા મ્યુનિસિપાલિટીએ ઈંડાંની લારીઓ જાહેર માર્ગ પર ન રહી શકે તેવો ઠરાવ કર્યો હતો, જે બાદ લારી ધારકોની વિવિધ રજૂઆતો બાદ અમુક કૉર્પોરેશન્સએ જાહેર માર્ગથી હટાવીને આ લારીઓને બીજા સ્થળે ખસેડી લેવાની શરતે આ લારીઓ ફરીથી ચાલવા દીધી હતી.
ઈંડાંને મિડ-ડે મીલમાં ન આપવા માટે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પણ રજૂઆત કરી હતી. ગુજરાત સહિત દેશભરમાં નેશનલ ફૂડ સિક્યૉરિટી ઍક્ટ લાગુ કરવા માટે સ્વરાજ અભિયાન નામની એક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી કરી હતી જેમાં મીડ ડે મીલમાં ઈંડાં અને દૂધનો સમાવેશ કરવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકારે મીડ ડે મીલમાં ઈંડાંનો સમાવેશ નહીં કરી શકે તેવી રજૂઆત કરી હતી. સરકારે જણાવ્યું હતું, કે ગુજરાતની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ઈંડાં ખાનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે, મિડ-ડે મીલમાં સરકાર બાળકોને ઈંડાંની જગ્યાએ કઠોળ અને દૂધ આપે છે.
આ આખા વિવાદ બાદ સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની માને છે કે,"નૉન-વેજ ફૂડને કોઈ એક સમાજ સાથે જોડીને ન જોવું જોઈએ. મુસ્લિમ ઉપરાંત ઓછી આવક ધરાવતો હિન્દુ વર્ગ, તેમજ દરિયાકાંઠાનો માછીમારોનો મોટો વર્ગ પણ માંસાહારી છે."
તેઓ વધુમાં કહે છે કે, "ગુજરાતનો ઉચ્ચ વર્ગ શાકાહારી છે. રિવરફ્રન્ટના આ ફૂડ કોર્ટ માટે, માત્ર ગુજરાતના ઉચ્ચ વર્ગને ધ્યાનમાં લઈને કોઈ પણ નિર્ણય લેવો યોગ્ય નથી."