ઇંગ્લૅન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય ક્રિકેટ ટીમ સામે ફિલ્ડિંગ સિવાય બીજી કઈ સમસ્યાઓ છે

શુભમન ગિલે લિડ્સ ખાતેની મૅચ દ્વારા ટેસ્ટ ક્રિકેટની કપ્તાની શરૂ કરી, પરંતુ તેમના માટે પહેલી મૅચ જ ખૂબ કપરી રહી હતી.

એક તબક્કે ભારતની ટીમ વિજયની નજીક કે પરાજયથી ખૂબ જ દૂર જણાતી હતી, આમ છતાં પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનો પાંચ વિકેટે વિજય થયો હતો.

ભારત તરફથી પાંચ-પાંચ સદીઓ ફટકારવા છતાં ભારત હારી ગયું, કારણ કે ભારતની ફિલ્ડિંગ ખૂબ જ ચિંતાજનક રહી હતી.

આ સિવાય શુભમન ગિલની કપ્તાની તથા તેમણે લીધેલા અમુક નિર્ણયો ઉપર સવાલ ઊઠ્યા હતા.

બીજી જુલાઈએ એટલે કે આજથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમૅચ બર્મિંઘામ ખાતે શરૂ થઈ રહી છે, આ લખાય છે ત્યાં સુધી ટીમો જાહેર નથી થઈ.

'છોડો કૅચ, હારો મૅચ'

ટી-20, વન-ડે કે ટેસ્ટ, ક્રિકેટના કોઈપણ ફૉર્મેટ માટે કહેવાય કે કૅચ પકડીને મૅચ જીતી શકાય.

જોકે, લીડ્સ ખાતેની ટેસ્ટમૅચમાં ભારતીય ટીમે ઓછામાં ઓછા 8 કૅચ છોડ્યા હતા, જેનો ઇંગ્લૅન્ડની ટીમે પૂરો લાભ લીધો હતો.

વરિષ્ઠ ખેલ પત્રકાર સંજય કિશોરના કહેવા પ્રમાણે, "ઇંગ્લૅન્ડના આક્રમક ઇરાદાઓ સામે પાંચમા દિવસે 371 રન થતાં અટકાવવા અશક્ય મિશન જણાતું હતું. ગિલે સંરક્ષણાત્મક ફિલ્ડિંગ ગોઠવીને ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનને અટકાવવાનો પ્રયાસ કર્યો, આમ છતાં ભારતે પાંચ વિકેટે પરાજયનો સામનો કરવો પડ્યો. આ સાથે ગિલના નિર્ણયો ઉપર પણ સવાલ ઊઠ્યા."

સંજય કિશોર કહે છે કે એક ટેસ્ટ દ્વારા કોઈની કૅપ્ટનશિપનું ખરું મૂલ્યાંકન ન થઈ શકે, પરંતુ અમુક કસોટી એવી હોય છે કે જે નેતૃત્વના ડીએનએની પહેલી ઝલક દેખાડી દે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બૅટસમૅન સંજય માંજરેકરે જિયો હૉટસ્ટાર પર ચૂંટલી ખણતા કહ્યું હતું, "મોટાભાગના લોકોને લાગ્યું હતું કે ગિલ વધુ પડતાં સંરક્ષણાત્મક થઈ ગયા હતા, પરંતુ મને લાગે છ કે તેઓ બાઉન્ડ્રીઓ અટકાવીને વિકેટ પડવાની આશામાં હતા અને ઇંગ્લૅન્ડને જાળમાં ફસાવવા માગતા હતા."

માંજરેકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિરાટ કોહલીએ ક્યારેય આટલી ડિફેન્સિવ ફિલ્ડિંગ ન ગોઠવી હોત.

માંજરેકરે કહ્યું હતું, "મને કોહલી સાથે સરખામણી કરવી સારું નથી લાગતું, કારણ કે ગિલ હજુ નવા છે, પરંતુ જો વિરાટ કોહલી હોત તો તેમણે કહ્યું હોત કે – આપણી પાસે પૂરતા રન છે. હું તમને ટી-બ્રૅક પહેલાં આઉટ કરી દઈશ. શક્ય છે કે તેમને વિકેટો ન મળી હોત, પરંતુ તેમણે દબાણ જાળવી રાખ્યું હોત."

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૉચ ગ્રૅગ ચૅપલના મતે, લીડ્સ ખાતેની મૅચમાં ભારતે અનેક કૅચ છોડ્યા હતા, જેના કારણે ભારતે મૅચ ગુમાવી હતી. ભારતીય ટીમની મોટાભાગની સમસ્યાઓ જાતે ઊભી કરેલી હતી.

ઈએસપીએનક્રિકઇન્ફો પર ગ્રૅચ ચૅપલે લખ્યું, "મને લાગે છે કે યશસ્વી જયસ્વાલમાં આત્મવિશ્વાસનો અભાવ છે અથવા તો તેમને હાથમાં ઈજા થઈ છે."

એમાંથી અમુક કૅચ યશસ્વી જયસ્વાલ તથા રવિન્દ્ર જાડેજાએ છોડ્યા હતા, જેઓ સામાન્યતઃ સારી ફિલ્ડિંગ કરે છે. મૅચ દરમિયાન હૅરી બ્રૂકને મળેલું જીવતદાન ભારતીય ટીમને ખૂબ ભારે પડ્યું હતું.

બીજી પણ સમસ્યાઓ

વિરાટ કોહલી અને રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ બાદ ટીમ મૅનેજમૅન્ટ પાસે નવા કૅપ્ટન કોઈ સમજી-વિચારેલી યોજના ન હોવાનું સંજય કિશોર સહિતના નિષ્ણાતો માને છે.

સંજય કિશોર કહે છે, "હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ પરિર્તનમાંથી પસાર થઈ રહી છે અને એવા સમયે ગિલ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. જોકે, અમુક બૅટ્સમૅને જે ઝનૂન અને તકનીક સાથે રન બનાવ્યા, તેમાં ન તો વિરાટ કોહલીની લડી લેવાની માનસિકતા કે રોહિત શર્માનો ક્લાસિક સંયમ જોવા મળ્યો."

"કૅપ્ટનશિપની બાબતમાં આ બંને સિનિયરોની ગેરહાજરી વર્તાઈ હતી. વ્યૂહાત્મક સ્પષ્ટતા, ફિલ્ડિંગમાં સ્ફૂર્તીભર્યા નિર્ણય અને બૉલિંગ રૉટેશનની સમજ – આ તમામ મોરચે ભારતની ટીમ ડગમગી ગઈ હતી. કદાચ તેની પાછળનું કારણ એ છે કે કોહલી અને શર્મા પછી શું, તેના વિશે ભારતીય ટીમ પાસે કોઈ નક્કર યોજના ન હતી. જે ખેલાડીને નેતૃત્વ મળ્યું, તેની પાસે અનુભવ તો છે, પરંતુ તે ખુદને નવી ભૂમિકામાં ખોજી રહ્યો છે."

આ સિવાય ભારતીય બૉલિંગમાં વૈવિધ્યનો અભાવ છે. જો ટોચના બૅટ્સમૅન નિષ્ફળ રહે તો, એવા વિચાર સાથે બેટિંગ કરી શકે એવા બૉલર્સને પણ સામેલ કરવામાં આવ્યા.

આ અંગે ગ્રૅગ ચૅપલ લખે છે, "ભારતના બૉલિંગના આક્રમણમાં વૈવિધ્યને બાદ કરતાં મોટાભાગના સીમર્સ એકસરખાં છે – જમણેરી, મીડિયમ-ફાસ્ટ અને સરખામણી થઈ શકે તેવા ઍંગલ્સ. જ્યારે બૉલર બદલાય, ત્યારે વિકેટો પડે, કારણ કે બૅટ્સમૅને ફરી પોતાની જાતને ગોઠવવી પડે."

ગ્રૅગ ચૅપલ આગળ લખે છે, "ઇંગ્લૅન્ડની પરિસ્થિતિ માટે રવીન્દ્ર જાડેજા યોગ્ય બૉલર નથી. જો તેમની બેટિંગને યોગ્ય માનવામાં આવતી હોય, તો બરાબર છે, તેઓ સહાયક સ્પીનર તરીકે યોગ્ય છે, અન્યથા તેમના નામ ઉપર પુનર્વિચાર કરવો જોઈએ."

યુવા ખેલાડીઓને નેતૃત્વની તક મળે તે વિચાર સાથે શુભમન ગિલને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું, જેથી કરીને ભવિષ્ય માટે સજ્જતા કેળવાય. જોકે, મૅચ દરમિયાન વારંવાર લાગતું હતું કે મેદાન ઉપર ગિલ નહીં, પરંતુ બીજું કોઈ કૅપ્ટન છે.

ફિલ્ડિંગ સેટ કરતી વખતે કેએલ રાહુલ સક્રિય જણાયા હતા, ક્યારેક વિકેટની પાછળતી ઋષભ પંત પણ નિર્દેશ આપતા જણાયા હતા. કૅમેરા ઉપર અનેક વખત જોવા મળ્યું કે શુભમન ગિલ બાજુએ ઊભા છે અને નિર્દેશ બીજું કોઈ આપી રહ્યું છે. આ બાબત ટીમ સ્પિરિટની દ્યોતક હોય શકે છે, પરંતુ શું કૅપ્ટનની ભૂમિકા માત્ર નામની જ હોય છે.

પહેલી ટેસ્ટની પૃષ્ઠભૂમિ

પહેલી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે ટોસ જીતીને બૉલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે તમામ વિકેટ ગુમાવીને 471 રન બનાવ્યા હતા, તો પહેલી ઇનિંગમાં ઇંગ્લૅન્ડની ટીમ 465 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.

બીજી ઇનિંગમાં ભારતે 364 રન બનાવ્યા હતા, ઇંગ્લૅન્ડની ટીમે 371 રન બનાવવાના હતા, પરંતુ પાંચ વિકેટના ભોગે 373 રન ખડક્યા હતા.

કૅપ્ટન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની એક-એક તથા ઋષ પંતની બે સદીઓ એળે ગઈ હતી.

જસપ્રીત બૂમરાહે ઇંગ્લૅન્ડના પહેલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી અને બીજા દાવમાં ખાલી હાથ રહ્યા હતા. પ્રસિદ્ધ ક્રિષ્નાએ બંને ઇનિંગમાં કુલ પાંચ વિકેટો ખેરવી હતી. સિરાજ અને શાર્દૂલ ઠાકુરે બે-બે તથા રવીન્દ્ર જાડેજાએ એક ખેલાડીને પેવોલિયન ભેગા કર્યા હતા.

ઇંગ્લૅન્ડ વતી પહેલી ઇનિંગમાં ઑલિ પોપે 106 તથા હેરી બ્રૂકે 99 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં જો રુટે 53 તથા જેક ક્રાઉલીએ 65 રન ફટકાર્યા હતા. બૅન ડકેટે પહેલી ઇનિંગમાં 62 તથા બીજી ઇનિંગમાં 149 રન બનાવ્યા હતા.

ઇંગ્લૅન્ડ તરફથી જૉશ ટંગ (7) અને કૅપ્ટન બૅન સ્ટૉક્સે (5) પહેલી ટેસ્ટમાં ભારતીય બૅટ્સમૅનની મુશ્કેલીઓ વધારી હતી. સાથે જ શોએબ બશીર (3) અને બ્રાયડન કાર્સથી (4) પણ ભારતીય બૅટ્સમૅનોએ ચેતવું પડશે.

ગ્રૅગ ચૅપલનું કહેવું છે કે ભારતીય સિલેક્ટરોએ રિસ્ક લઈને આકરા નિર્ણયો લેવા પડશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન