You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયાની વીસાવદરમાં જીત પછી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કેટલી મજબૂત બનશે?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વીસાવદર પેટાચૂંટણીનાં પરિણામ પછી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
આપના આક્રમક નેતા ગણાતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં ભાજપના કિરીટ પટેલ સામે લગભગ 17,500 મતથી વિજય થયો તેના માત્ર બે દિવસ પછી બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટીમાં મહત્ત્વના હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું.
મકવાણાએ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ પર આરોપ લગાવ્યો કે આપમાં દલિતો અને પછાત વર્ગની ઉપેક્ષા કરવામાં આવે છે અને સવર્ણોને વધારે મહત્ત્વ આપવામાં આવે છે.
બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પડકાર ફેંક્યો છે કે તેઓ હવે કોઈ પણ ધારાસભ્યને તોડી બતાવે.
આગામી વિધાનસભાની ચૂંટણી આડે અઢી વર્ષ બાકી છે અને થોડા જ મહિનામાં મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ઇટાલિયાની જીત આપને કેટલી મજબૂત બનાવશે તે એક મોટો સવાલ છે.
વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે અને તેનાથી છ મહિના અગાઉ 15 મ્યુનિસિપલ કૉર્પોરેશન અને 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે. આ ચૂંટણીઓ માટે આપ કેવી રણનીતિ ઘડે છે તે જોવાનું રહેશે.
આગામી ચૂંટણીમાં ભાજપનો લિટમસ ટેસ્ટ
શું વીસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મજબૂત થઈ શકશે ખરી? ગુજરાતના રાજકારણમાં આવનારા દિવસોમાં શું થશે? રાજકીય પક્ષો સામે કેવા પડકારો છે?
જાણકારો કહે છે કે આમ આદમી પાર્ટીની હાલની જીત કરતાં વધુ મોટો ભાજપનો પડકાર વર્ષ 2026માં આવનારી કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. તેમના મત પ્રમાણે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આપનું પ્રદર્શન કેવું રહે છે તેના પર આધાર છે કે આપ મજબૂત થઈ છે કે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વિશે બીબીસી ગુજરાતીએ જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ સાથે વાત કરી હતી.
ઘનશ્યામ શાહ કહે છે કે વર્ષ 2027 પહેલાં ભાજપનો લિટમસ ટેસ્ટ ફેબ્રુઆરી 2026માં થશે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે.
ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ગુજરાતના લોકો ભલે 2027ની ચૂંટણીને જોતા હોય, પરંતુ વિધાનસભા ચૂંટણી અગાઉ લિટમસ ટેસ્ટ તો ફેબ્રુઆરી 2026માં થશે, કારણ કે નવી સાત મ્યુનિસિપલ કૉર્પોરેશન ઉમેરાયા પછી હવે કુલ 15 મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ચૂંટણી થશે."
"આ ઉપરાંત 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી આવશે. જેનાં પરિણામો 2027ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની દિશા નક્કી કરશે. કારણ કે, તેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારો આવી જાય છે. લોકોનો ઝુકાવ કઈ તરફ છે તેની ખબર પડી જશે. તેના આધારે જ ભાજપ રણનીતિ નક્કી કરશે."
ગોપાલ ઇટાલિયાની જીતની અસર વિશે વાત કરતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે, "સેફોલૉજીની ભાષામાં આને ઍનાર્કિસ્ટ પૉલિટિક્સ (અરાજકતાનું રાજકારણ) કહેવાય છે."
"કેટલાક લોકોને એવું લાગતું હોય છે કે સત્તા તેમને રક્ષણ કે હક્ક આપતી નથી. આવા લોકોના ગુસ્સાને અંકે કરી મતમાં પરિવર્તિત કરવું એ ઍનાર્કિસ્ટ પૉલિટિક્સનો એક ભાગ છે. ઇટાલિયા આ પૉલિટિક્સમાં કુશળ છે જેનો તેમને ફાયદો થયો છે."
તેઓ કહે છે કે, "ગોપાલ ઇટાલિયા મેઇન સ્ટ્રીમ મીડિયાની પરવા કર્યા વગર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું જાણે છે, જેથી યુવા અને ભાજપથી નારાજ વર્ગ એમની સાથે જોડાઈ રહ્યો છે. આ ઉપરાંત ભાજપની આંતરિક નારાજગીનો આપ કેટલો ફાયદો ઉઠાવી શકે છે તે ત્યાર પછીનાં પરિણામોથી કહી શકાય.
"પરંતુ એટલું નક્કી છે કે સૌરાષ્ટ્ર કૉંગ્રેસ તરફે રહ્યું છે અને વીસાવદરની ચૂંટણીમાં આપણે જોયું કે કૉંગ્રેસનો મોટો વોટ-શૅર ઇટાલિયાને મળ્યો છે, તેથી આપ સૌરાષ્ટ્રમાં સારો દેખાવ કરશે એ નક્કી છે. પરંતુ છ મહિના પછી થનારી ચૂંટણી બાદ ઘણું બધું સ્પષ્ટ થઈ જશે."
ગોપાલ ઇટાલિયાની અલગ રણનીતિ
વરિષ્ઠ પત્રકાર અને ફૂલછાબ અખબારના ભૂતપૂર્વ તંત્રી કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે ગોપાલ ઇટાલિયાની જીતને નાની આંકવા જેવી નથી.
તેઓ કહે છે, "ઉત્તર ગુજરાત ભાજપ વિરોધી છે એવી એક ધારણા છે, પરંતુ ભાજપ સામેના વિરોધી મતો કાયમ કૉંગ્રેસને મળ્યા છે. 2017ની ચૂંટણી તેનું ઉદાહરણ છે. ભાજપને 99 બેઠકો પર સીમિત રાખવામાં સૌરાષ્ટ્રનો મોટો ફાળો હતો."
"મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણી કાયમ નિર્ણાયક બને છે એ વાત સાચી છે. આનંદીબહેન પટેલ વખતે પણ આંદોલનો થયાં હતાં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની હાર થઈ ત્યારે તેમણે પણ રાજીનામું આપવું પડ્યું હતું તથા 2017ની ચૂંટણીમાં આ પરિણામની અસર દેખાઈ હતી."
ઘનશ્યામ શાહે જણાવ્યું કે, "લોકો માને છે કે કેશુભાઈ પટેલ બે પેટાચૂંટણી હાર્યા એમાં તેમનું રાજીનામું લેવાઈ ગયું હતું, પરંતુ એવું ન હતું. બે પેટાચૂંટણીમાં ભાજપનો ગઢ બની ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને સાબરમતી વિધાનસભાની બેઠક 2000ની સાલમાં હાર્યા હતા, જિલ્લા પંચાયતોમાં ભાજપનો દેખાવ નબળો થયો હતો એટલે આ નિર્ણય લેવાયો હતો."
"ત્યાર બાદ 2002માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જુવાળ હતો એમાં ભાજપનો વોટ શેર 1998ની ચૂંટણી કરતા 5.04 ટકા વધ્યો હતો. સામે કૉંગ્રેસની બેઠક ઘટી હતી પણ કૉંગ્રેસનો વોટ શેર 4.43 ટકા વધ્યો હતો, જેની અસર દોઢ વર્ષથી ટૂંકા ગાળામાં થયેલી 2004ની લોકસભાની ચૂંટણીમાં દેખાઈ હતી."
ઘનશ્યામ શાહે જણાવ્યું કે, "તે ચૂંટણીમાં કૉંગ્રેસ 12 બેઠક પર જીતી એટલે કે તેની છ બેઠક વધી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી પરંતુ તેમાં 2017ની ચૂંટણી કરતા ઓછું વોટિંગ થયું હતું."
"ભાજપનો વોટ શેર માત્ર 3.5 ટકા વધ્યો છે. તેની સામે કૉંગ્રેસ, આપ અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટીમાં ભાજપ વિરોધી મતોનું વિભાજન થયું. કૉંગ્રેસને 27.28 ટકા, આપને 12.92 ટકા અને ઔવેસીના પક્ષને એક ટકાની આસપાસ મત મળ્યા હતા."
"એટલે કે ભાજપ વિરોધી મતોનો સરવાળો 41.2 ટકા જેટલો થાય છે જ્યારે 2017માં ભાજપ વિરોધી વોટ 41.44 ટકા હતા. ત્યાર બાદ પટેલ આંદોલન પછી અમરેલી અને ગીર સોમનાથમાં કૉંગ્રેસને પટેલ મતનો ફાયદો થયો અને તેની બેઠકો વધી, જ્યારે ભાજપ 99 બેઠકો પર અટકી ગયો."
આપ માટે સૌરાષ્ટ્રનું મહત્ત્વ
કૌશિક મહેતાએ કહ્યું કે, "અત્યારે સૌરાષ્ટ્રની સ્થિતિ એવી છે કે પટેલ નેતાનો મોટો વેક્યુમ છે. ક્ષત્રિય વિવાદ પછી પરશોત્તમ રૂપાલા હાંસિયામાં ધકેલાયા છે. બીજા નેતા દિલીપ સંઘાણી સહકાર ક્ષેત્રમાં છે ત્યારે લોકો ગોપાલ ઇટાલિયામાં લડાયક પટેલ નેતા જુએ છે. સૌરાષ્ટ્રના લોકોને ખેડૂતો માટે લડે એવા જે બે નેતા મળ્યા તેમાં કેશુભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયા પછી એવી છાપ ઊભી કરવામાં ગોપાલ ઇટાલિયા અમુક અંશે સફળ રહ્યા છે."
તેઓ કહે છે કે, "ઇટાલિયાએ સૌરાષ્ટ્ર અને સુરતનું કનેક્શન બરાબર પકડ્યું છે. છ મહિના પછી આવનારી જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કૉર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવી રહ્યા છે. સુરતમાં તેમને 2021ની ચૂંટણીમાં સૌથી વધુ વોટ મળ્યા હતા એટલે સુરત અને વડોદરાને આપ ધમરોળી રહી છે તેનો તેમને ફાયદો થશે. 2022માં તેમણે સૌરાષ્ટ્રનાં પૉકેટ પકડ્યાં હતાં એ પ્રકારે જીતની સંભાવના વધુ હોય એ બેઠકો પર તૈયારી કરાય તો પટેલ નેતા તરીકે તે ઊભરી શકશે."
કૌશિક મહેતાના કહેવા પ્રમાણે, "આમ આદમી પાર્ટીએ પટેલ નેતા ઉપરાંત ઓબીસીને પણ પોતાની સાથે રાખવા પડશે કારણ કે ચૂંટણીની અનામત બેઠક માટે તેમને અન્યાય થયો હોય એવી લાગણી છે."
તેઓ માને છે કે "ઓબીસી અને પટેલનું કૉમ્બિનેશન કરીને આપ ગોપાલ ઇટાલિયાની જીતનો ફાયદો ઉઠાવે તો સૌરાષ્ટ્રના રાજકારણમાં તેના માટે દ્વાર ખૂલે તેમ છે. એટલું જ નહીં, ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાની ધરી બને તો દક્ષિણ ગુજરાતમાં મોટો ફાયદો થાય એમ છે અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને ગાંધીનગર કૉર્પોરેશનમાં સારો દેખાવ કરી શકે એમ છે. કારણ કે કૉંગ્રેસની વોટબૅન્ક તૂટી રહી છે અને ભાજપથી નારાજ મતદારો આપ તરફ જઈ રહ્યા છે."
કૌશિક મહેતાએ જણાવ્યું કે, "વીસાવદરમાં આપણે જોયું કે 2022માં 11 ટકાથી વધુ વોટ લેનારા કૉંગ્રેસના ઉમેદવારને ડિપોઝિટ ગુમાવવી પડી છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં કૉંગ્રેસની તૂટતી વોટબૅન્ક આપના ઉદય માટે કારણ બનશે. જોકે, તેમણે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે ભાજપ અને કૉંગ્રેસથી નારાજ લોકો હવે 2022ની જેમ ફરી આપ તરફ વળશે. પરંતુ તેમને ટિકિટ અપાશે તો આપ માટે ઊભી થયેલી ઊજળી તકો સામે પ્રશ્નો ઊભા થઈ શકે છે."
ભાજપ, કૉંગ્રેસ અને આપ શું કહે છે?
બીબીસીએ ગુજરાતમાં ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો સાથે વાત કરીને આગામી ચૂંટણીઓના પડકારો વિશે પૂછ્યું.
આપના પ્રવક્તા ડૉ. કરન બારોટે કહ્યું કે આપને ત્રીજો પક્ષ ગણીને તેની ઉપેક્ષા કરવામાં આવી હતી, પરંતુ વીસાવદરની જીતે દેખાડી દીધું કે લોકોને કૉંગ્રેસમાં ભરોસો નથી. અમે ખુલ્લો પડકાર ફેંકીએ છીએ કે અમારા ધારાસભ્યને તોડી બતાવો.
તેમણે કહ્યું કે, "વીસાવદરની ચૂંટણી અમારા માટે નવું બળ પૂરું પાડનારી હતી. આ ચૂંટણીમાં આપે ભાજપને જે રીતે મ્હાત આપી, તેના કારણે કૉંગ્રેસના ઘણા નારાજ નેતાઓ અને ભાજપમાં એકબાજુ મૂકી દેવાયેલા નેતાઓ અમારા સંપર્કમાં છે, જેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્રના છે."
"અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે 2027ની ચૂંટણીના આયોજનની સાથે સાથે અમે 2026ની ફેબ્રુઆરીમાં થનારી મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીની રણનીતિ અને સદસ્યતા અભિયાન શરૂ કરીશું."
બીજી તરફ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, "વીસાવદરના પરિણામને ગુજરાતની રાજનીતિની પારાશીશી તરીકે જોઈ ન શકાય કારણ કે આપ પાસે વીસાવદરની બેઠક પહેલેથી હતી અને તેમણે તે જાળવી રાખી છે. તેની સામે કડીમાં આપને માંડ પાંચ ટકા મત મળ્યા છે જ્યારે ભાજપને કડીમાં જંગી મત મળ્યા છે. "
યજ્ઞેશ દવેએ આપના આંતરિક અસંતોષ તરફ ધ્યાન દોરતા કહ્યું કે, "આપને એક બેઠક મળી પરંતુ તરત ઉમેશ મકવાણાના રાજીનામાથી તેમનું સંખ્યાબળ ફરી ચાર થયું છે. આગામી ચૂંટણી અગાઉ સાબરમતીમાંથી ઘણું પાણી વહી જશે, ભાજપ પાસે માઇક્રો મૅનેજમેન્ટ છે, કાર્યકરો તૈયાર છે અને ભાજપ માટે ચિંતાનું કોઈ કારણ નથી."
તાજેતરની પેટાચૂંટણીમાં કૉંગ્રેસને ક્યાંય સફળતા નથી મળી અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ વિશે કૉંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, "કૉંગ્રેસને મનોમંથન કરવાની જરૂર છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે અમારી વોટ બૅન્ક તૂટી રહી છે."
મનહર પટેલે કહ્યું કે "ગુજરાતમાં આંદોલન પછી એક ઉન્માદ હતો જે શમી ગયો છે. 2022માં ભલે કૉંગ્રેસની મોટી હાર દેખાતી હોય પરંતુ હકીકતમાં ભાજપ વિરોધી મતોનું વિભાજન થયું છે."
ભાજપની જેમ કૉંગ્રેસે પણ દાવો કર્યો કે, "ગોપાલ ઇટાલિયાની જીત એ કોઈ પારાશીશી નથી. કૉંગ્રેસ જાતિવાદના ઉન્માદમાં નથી માનતી. જાતિવાદનો ઉન્માદ ઘટતો જાય છે તેથી કૉંગ્રેસ માટે આપ કોઈ પડકાર નહીં બને. ફેબ્રુઆરી 2026ની ચૂંટણી અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ ઉન્માદ ઠરી જશે."
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ વિશે મનહર પટેલે કહ્યું કે, "અમારે એક એવા પ્રમુખ નક્કી કરવાના છે જે દરેક સમાજમાં સ્વીકૃત હોય, ભાજપ અને આપે જે જાતિવાદ પેદા કર્યો છે તેને ખાળી શકાય."
તેમણે દાવો કર્યો કે આગામી ચૂંટણીઓ માટે કૉંગ્રેસે રણનીતિ નક્કી કરી છે અને આગામી ચૂંટણીઓમાં તેની ઝલક જોવા મળશે.
આપના ડૉ. કરન બારોટે દાવો કર્યો કે, "હવે અમે ભાજપ અને કૉંગ્રેસ બંનેથી નારાજ મતદાતાઓને અમારી તરફ ખેંચી લાવીશું , અમારા માટે વીસાવદરની જીત ક્વાર્ટર ફાઇનલ હતી. મ્યુનિસિપલ કૉર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ સેમી ફાઇનલ હશે, ત્યાર પછી 2027ની ચૂંટણી ફાઇનલ હશે. તેમાં અમારો વોટ શૅર વધારવાનો પ્લાન છે. ઓબીસી સમુદાય ભાજપથી નારાજ છે તેથી અમે ઓબીસી, પટેલ, દલિત, આદિવાસી એમ બધા વર્ગને ભેગા કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન