You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જિમ જોન્સ: એક પાગલ ધર્મગુરુ, જેણે પોતાના 900 ભક્તોને ઝેર પીવડાવીને મારી નાખ્યા
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
8મી નવેમ્બર, 1978ના રોજ ગુયાનાના જોન્સટાઉન નામની એક દૂરની વસાહતમાં પહોંચેલી પોલીસને આઘાતજનક દૃશ્ય જોવા મળ્યું હતું.
900થી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મૃત હાલતમાં પડ્યાં હતાં. એમના મૃતદેહો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. કોઈક એકલા તો કોઈક જૂથોમાં, પરંતુ તેમના પર નજર કરો તો એવું લાગે કે તેઓ આરામથી સૂઈ રહ્યા છે.
કેટલાંક બાળકો તેમનાં માતાપિતાના ખોળામાં સૂતાં હતાં તો કેટલાક પ્રેમીઓ હાથમાં હાથ પરોવીને બેઠા હતા.
દરેકના હોઠ કાળા અને વાદળી હતા. ઘટનાસ્થળેથી મોટા પ્રમાણમાં પોટૅશિયમ સાઇનાઇડ મળી આવ્યું હતું. એ ઝેર ભેળવેલા સરબતના અનેક ગ્લાસ પણ મળી આવ્યા હતા.
આ બધાનાં મોત માટે માત્ર એક જ માણસ જવાબદાર હતો : જિમ જોન્સ. તે દિવસે અથવા તેની અગાઉના દિવસોમાં શું થયું હતું?
કોણ હતો જિમ જોન્સ?
(ચેતવણીઃ આ લેખમાંની કેટલીક વિગત વાચકોને અસ્વસ્થ કરી શકે છે)
ઘણા લોકો તેમને દેવદૂત માનતા હતા, જ્યારે અન્ય લોકો એવું માનતા હતા કે જિમ પાસે ચમત્કારિક શક્તિ છે અને તેઓ તેમના સ્પર્શથી કૅન્સરનો ઇલાજ પણ કરી શકે છે.
તેમના હજારો ભક્તો હતા. તેમણે એક સંપ્રદાય શરૂ કર્યો હતો. તેમણે તેમના સંપ્રદાયના એક નવા ચર્ચની સ્થાપના કરી હતી અને તેનું નામ 'પીપલ્સ ટેમ્પલ' રાખ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો જન્મ અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના એક ગામમાં થયો હતો. તેઓ નાના હતા ત્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું.
તેમની વયનાં બાળકો યુદ્ધની રમત રમતાં હતાં, પરંતુ જિમ જોન્સ ધાર્મિક ઉપદેશ સાંભળવા જતા હતા. તેમણે પાંચ ચર્ચનું સભ્યપદ લીધું હતું અને નિયમિત રીતે પાંચેય ચર્ચમાં હાજરી આપતા હતા.
જિમના પુત્ર સ્ટીફન જોન્સ કહે છે, "મારા પિતા એ પાંચેય ચર્ચના ધાર્મિક નેતાઓના ઉપદેશો અને તેને આપવાની શૈલીનો અભ્યાસ કરતા હતા. કોણ શું કહેતું હતું, ક્યા શબ્દો પર ભાર મૂકવામાં આવતો હતો, લોકો તેમના શબ્દો પર કેવી રીતે ભરોસો કરતા હતા તેનો અભ્યાસ કરતા હતા."
સ્ટીફનના જણાવ્યા મુજબ, જિમ જોન્સ બાળપણથી જ દરેકના આકર્ષણનું કેન્દ્ર બનવા ઇચ્છતા હતા. તેઓ લોકોના હૃદય પર રાજ કરવા ઈચ્છતા હતા.
મોટા થયા પછી તેમણે પોતાનું ચર્ચ શરૂ કર્યું હતું અને પોતે પાદરી બન્યા હતા.
જિમ જોન્સના અનુયાયીઓ કોણ હતા?
વધુ સારા જીવન અને સમાન તકો શોધતા સામાન્ય લોકો તેમના અનુયાયી હતા. આ સામૂહિક હત્યાકાંડ થયો અને જે લોકો તેમાંથી બચી ગયા હતા તેમણે આખી જિંદગી પોતાના મનમાંના રાક્ષસનો, સરકારી તપાસનો અને લોકોની ઘૃણાસ્પદ નજરનો સામનો કરવો પડ્યો હતો.
અલબત, એ ઘટનામાં થોડાક લોકો જ બચ્યા હતા. બીબીસી-4એ તે ઘટના વિશેની દસ્તાવેજી ફિલ્મમાં જિમના ભૂતપૂર્વ અનુયાયીઓ અને તેમના બે દીકરાઓ સાથે વાત કરી હતી.
ઉપર જણાવ્યા મુજબ, જિમના અનુયાયીઓ વધુ સારા જીવન અને સમાન તકોની શોધમાં હતા, પરંતુ તેનો ખરેખર અર્થ શું? આ માટે આપણે તે સમયના અમેરિકાની સામાજિક પરિસ્થિતિ સમજવી પડશે.
1960 અને 70ના દાયકામાં અમેરિકામાં કાળા અને ગોરા લોકો વચ્ચેનો ભેદભાવ ચરમસીમાએ પહોંચ્યો હતો.
એક એવી વ્યવસ્થા આકાર પામી હતી કે અશ્વેત લોકોએ બહિષ્કૃત જીવન જીવવું પડતું હતું. ગોરા લોકો જતા હોય ત્યાં કાળા લોકોને જવાની છૂટ ન હતી. આંતરજાતીય લગ્નો પરનો પ્રતિબંધ ખતમ થઈ ગયો હોવા છતાં કોઈ સામાજિક સ્વીકૃતિ ન હતી.
ગોરાં-કાળાં યુગલોને સમાજ શાંતિથી જીવવા દેતો ન હતો. અમેરિકન અર્થતંત્રનો વિકાસ થતો ન હતો અને એ ઉપરાંત અમેરિકા વિયેતનામમાં યુદ્ધ લડી રહ્યું હતું. યુવાનોની આખી પેઢી વ્યસની થઈ ગઈ હતી. ડ્રગ્સનું ચલણ વ્યાપક હતું. અમેરિકન સમાજ અનેક સમસ્યાઓથી પીડાતો હતો.
એ બધાથી ગ્રસ્ત કેટલાક લોકો જિમ તરફ આકર્ષાયા હતા.
વર્નોન ગોસ્લી જિમ જોન્સના ભક્ત બન્યા ત્યારે તેઓ ફક્ત 20 વર્ષના હતા. તેઓ પોતે ગોરા હતા, જ્યારે તેમનાં પત્ની અશ્વેત હતાં.
તે સમયે લેસ્લી વેગનર-વિલ્સન પણ 20 વર્ષની ઉપરની ઉંમરના હતા. તેમનાં બહેન ડ્રગ્સની વ્યસની હતાં. તેમના પરિવારને ક્યાંયથી મદદ મળતી ન હતી. તેથી લેસ્લી, તેમનાં માતા અને બહેન પણ પીપલ્સ ટેમ્પલમાં જોડાયાં હતાં. ત્યાં ગરીબ પરિવારના અશ્વેત લોકો માટે વ્યસનમુક્તિનો કાર્યક્રમ ચલાવવામાં આવતો હતો.
જિમ કાર્ટર 19 વર્ષના હતા ત્યારે વિયેતનામ યુદ્ધ લડવા ગયા હતા. એ યુદ્ધની તેમના મન પર ઘેરી અસર થઈ હતી. તેઓ પાછા ફર્યા ત્યારે તેમને એવું લાગતું હતું કે તેઓ કોઈ અંધારામાં ફસાઈ ગયા છે અને તેમને કોઈ રસ્તો દેખાતો નથી.
તેઓ કહે છે, "હું અહીં આવ્યો ત્યારે મને પહેલી વખત એવું લાગ્યું હતું કે હું મારા ઘરમાં છું."
પીપલ્સ ટેમ્પલે એવા સેંકડો લોકોને સ્વીકાર્યા હતા, જેમનું કોઈ ન હતું. જેમની પાસે કોઈ તક ન હતી. જેમણે ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. લોકો જિમ જોન્સને પોતાનો હીરો માનવા લાગ્યા હતા, કારણ કે તેઓ અશ્વેત લોકોના અધિકારો માટે, સંપત્તિના સમાન વિતરણ માટે, સમાન તકો માટે અવાજ ઉઠાવી રહ્યા હતા. તેઓ ખુદને સમાજવાદી કહેતા હતા.
જિમ પાસે પોતાની રાજકીય વિચારધારા હતી. તેઓ ચળવળની ભાષા બોલતા હતા. ત્યાં સુધી ઠીક હતું, પરંતુ બીજી બાજુ તેઓ ખૂદને દેવદૂત પણ કહેતા હતા. જિમ દાવો કરતા હતા કે ફક્ત એક સ્પર્શથી તેઓ લોકોના રોગ મટાડી શકે છે.
તેમના પીપલ્સ ટેમ્પલમાં અનેક કૌભાંડો ચાલી રહ્યાં હતાં.
પીપલ્સ ટેમ્પલમાં શું ચાલતું હતું?
જોન્સ ટાઉનની ઘટના પહેલાં જિમ જોન્સે તેમના પીપલ્સ ટેમ્પલને સાન ફ્રાન્સિસ્કો શહેરમાં ખસેડ્યું હતું. ત્યાં સુધીમાં તેમણે ઘણી ખ્યાતિ મેળવી હતી અને તેમના ચમત્કારોથી લોકો સાજા થઈ શકે છે, તેવી વાતો દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી.
લેસ્લી કહે છે, "મેં મારી નજરે એક મહિલાને જોઈ હતી. તેને અકસ્માત થયો હતો અને તેના પગમાં પ્લાસ્ટર હતું. હું તેને જિમનો ઉપદેશ સાંભળવા લઈ ગઈ ગયો હતો. જિમે મહિલાને સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે હવે તું ચાલી જ નહીં, પરંતુ દોડી શકશે. તે સ્ત્રી ઊભી થઈને દોડવા લાગી હતી."
આવા ચમત્કારો જોઈને લોકો જિમની પૂજા કરતા હતા અને બધું તેમને સમર્પિત કરી દેતા હતા. તેમણે કેટલીક બસો ખરીદી હતી અને તેઓ તથા તેમના ભક્તો આખા અમેરિકામાં પ્રવાસ કરતા હતા. વિવિધ શહેરોમાં ઉપદેશ પ્રવચન આપતા હતા.
જિમનો અવાજ, બૉડી લૅન્ગ્વેજ, સમાનતા તથા એકતાની ભાષા જબરદસ્ત હતી. તેમના અનુયાયીઓની સંખ્યામાં સતત વધારો થતો હતો. તેમાં ગોરા, કાળા, યુવાન અને વૃદ્ધ એમ બધા પ્રકારના લોકો હતા.
તેઓ તેમના વર્તન દ્વારા સંદેશો આપતા હતા. નિરાકરણ સૂચવતા હતા. જિમ જોન્સે આઠ કે નવ બાળકો દત્તક લીધા હતાં. તેમાં વિવિધ વંશનાં છોકરા-છોકરીઓ હતાં.
જિમ જોન્સ જુનિયર તેમના થોડા બચી ગયેલાં બાળકો પૈકીના એક છે. તેઓ અશ્વેત છે.
તેઓ કહે છે, "મને કેવી રીતે દત્તક લેવામાં આવ્યો હતો તેની વાત મારા માતાએ કરી હતી. તેઓ મને લઈને અનાથાશ્રમમાં ગયાં ત્યારે ત્યાંના અધિકારીઓએ મને ત્યાં રાખવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ છોકરો અશ્વેત છે અને તમે ગોરા છો. આવું પહેલાં ક્યારેય બન્યું નથી. પછી મારા પિતાએ ભારપૂર્વક કહ્યું હતું કે મારે જે કરવું છે એ જ હું કરીશ."
લોકો જિમ માટે બધું છોડી રહ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો આવતા પહેલાં જેમ કૅલિફોર્નિયાના રેડવૂડમાં રહેતા હતા. ત્યાં તેમણે પીપલ્સ ટેમ્પલ શરૂ કર્યું હતું.
તેમણે રેડવૂડમાં ચર્ચની આસપાસની જગ્યા ખરીદી લીધી હતી. થોડી ખેતી લીધી હતી. થોડાં ઘર બાંધ્યાં હતાં. લોકો પોતપોતાનાં ઘર વેચીને પોતાની સંપત્તિ ચર્ચને આપવા લાગ્યાં હતાં. જેઓ ત્યાંના હતા તેઓ ત્યાં જ સ્થાયી થયા હતા.
જિમ સાન ફ્રાન્સિસ્કો ગયા તો લોકો તેની પાછળ આવ્યા. બાદમાં તેઓ દક્ષિણ અમેરિકાના ગુયાનામાં ગયા તો તેમના અનુયાયીઓ ત્યાં પણ તેમની પાછળ આવ્યા હતા.
એ સમયગાળામાં તેમણે સામાજિક સંવાદિતાનાં પ્રવચનો આપવાનું શરૂ કર્યું હતું. એટલે કે બહુ બધી સંપત્તિ વ્યક્તિની એકલીની નથી હોતી. તેની પાસે જે કંઈ છે તેના પર સમુદાયનો અધિકાર છે. તેથી તેમના એક ઘરમાં વીસ-વીસ ભક્તો રહેતા હતા. આ પ્રકારનાં અનેક ઘર હતાં.
એ લોકો પોતાની નોકરી-ધંધા, સંબંધો છોડીને જિમને અનુસરતા હતા. ત્યાં ખેતરોમાં કામ કરતા હતા, રસોઈ બનાવતા હતા, વાસણો ધોતાં હતાં, બાગકામ કરતાં હતાં અને કારકૂની પણ કરતાં હતાં. એ પણ મફતમાં.
જિમ પોતાને પિતા કહેતા હતા અને તેમનાં પત્ની માર્સિનને માતા કહેવાનું જણાવતા હતા.
રોજ સાંજે ચર્ચાઓ થતી હતી, મજાક-મસ્તી, નૃત્ય અને ગીતના કાર્યક્રમો થતા હતા. આપણે દુનિયા બદલી રહ્યા છીએ, દુનિયા સમક્ષ જીવવા માટે એક આદર્શ સ્થાપિત કરી રહ્યા છીએ, એવી લાગણી અનુયાયીઓમાં પ્રબળ બની હતી. આ લોકો એવા હતા કે જેમને તેઓ કંઈક સારું કરી રહ્યા હોવાની પ્રેરણા મળી હતી.
જોકે, એ ભ્રમ ટૂંક સમયમાં ભાંગી જવાનો હતો.
જિમના ટેમ્પલમાં દુર્વ્યવહાર વધી રહ્યો હતો. તેમણે પરિવારો તોડ્યા હતા. બાળકોને તેમનાં માતાપિતાથી દૂર લઈ ગયા હતા. કોઈ માતાપિતાને તેમના સંતાનોની સંભાળ રાખવાની છૂટ ન હતી. તેમણે બીજાનાં બાળકોની સંભાળ રાખવી પડતી હતી.
વર્નોન કહે છે કે તેમણે મારો પુત્ર બીજી સ્ત્રીને આપ્યો હતો અને અને હું પોતે ચાર અન્ય લોકોનાં સંતાનોની સંભાળ રાખતી હતી.
તરુણ વયની છોકરીઓનું જાતીય શોષણ થઈ રહ્યું હતું. જિમને તેમના સંપ્રદાયમાં ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા અને તેઓ એ સ્ત્રીઓને કહેતા હતા કે હું તમારો ઉદ્ધાર કરી રહ્યો છું.
ટેમ્પલમાં ઘણા પૈસા આવતા હતા, પરંતુ તેનો હિસાબ રાખવામાં આવતો ન હતો.
અનુયાયીઓને જાતે કોઈ નિર્ણય લેવાની, બોલવાની, કોઈપણ સાથીદાર સાથે સંબંધ સ્થાપિત કરવાની અથવા સેક્સ કરવાની છૂટ પણ ન હતી.
જિમે નક્કી કરેલા નિયમોનું ઉલ્લંઘન કરનારને નિર્દયતાથી માર મારવામાં આવતો હતો. એ દંડ આપવાની તેમની એક પદ્ધતિ હતી. ઉલ્લંઘનકર્તા વ્યક્તિને બૉક્સિંગ રિંગમાં લાવવામાં આવતી હતી અને એક ખૂબ જ શક્તિશાળી માણસ તેને વારંવાર મુક્કા મારતો હતો. જેને સજા થઈ રહી હોય તે વ્યક્તિ પોતાનો બચાવ કરતી ન હતી, કારણ કે શિક્ષા તેના "પિતા"ની ઇચ્છા હતી.
જિમના ટેમ્પલમાં એકવાર પ્રવેશે તે વ્યક્તિને ત્યાંથી બહાર નીકળવાની મંજૂરી ન હતી. કોઈ જાતે સંપ્રદાય છોડી શકતું ન હતું. બહાર નીકળવાની વાત કરે તેને મોતની ઘમકી આપવામાં આવતી હતી.
જિમે તેના ટેમ્પલના દરેક સભ્ય પાસે કોરા કાગળ પર સહી કરાવી રાખી હતી. તે કાગળ પર સંબંધિત વ્યક્તિ ચોર છે, લૂંટારો છે, બળાત્કારી છે ત્યાંથી માંડીને મેં અમેરિકાના રાષ્ટ્રપતિને મારી નાખવાનું કાવતરું ઘડ્યું છે એવું કઈ પણ જિમ લખી શકતા હતા.
ગર્ભિત સંદેશો સ્પષ્ટ હતોઃ તમે બહાર નીકળવાનો પ્રયાસ કરશો તો અમે તમારા જીવનને નર્ક બનાવી દઈશું.
જિમના અનુયાયીઓમાં ગ્રેસ સ્ટોન એક હતાં. તેમને જિમના સહવાસથી એક પુત્ર થયો હતો. ગ્રેસ સ્ટોન પીપલ્સ ટેમ્પલના જીવનથી કંટાળી ગયાં હતાં અને એક દિવસ ત્યાંથી ભાગી જવામાં સફળ થયાં હતાં, પરંતુ તેમનો ચાર-પાંચ વર્ષનો પુત્ર ટેમ્પલમાં જ રહી ગયો હતો.
અગાઉ જે લોકો ટેમ્પલમાંથી નાસી છૂટ્યા હતા તેમણે અને ગ્રેસે મીડિયાને મુલાકાતો આપી હતી. ટેમ્પલમાં શું-શું થઈ રહ્યું છે તે લોકોને જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને સાજા કરવા માટે જે ચમત્કારો કરવામાં આવતા હતા તે નકલી હતા.
લેસ્લીએ બીબીસી સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું, "જે સ્ત્રીના પગમાં ફ્રૅક્ચર થયું હતું અને જે જિમના સ્પર્શથી જ દોડવા લાગી હતી તેનો પગ વાસ્તવમાં તૂટ્યો જ ન હતો. ટેમ્પલના લોકોએ તે સ્ત્રીને ડ્રગ્સ આપ્યું હતું અને કહ્યું હતું કે તમારો પગ તૂટી ગયો છે. સ્ત્રીએ તે વાત સાચી માની લીધી હતી."
જે મીડિયાએ જિમને સેલિબ્રિટી તરીકે ઓળખાવ્યો હતો તે જ મીડિયા જિમની પાછળ હાથ ધોઈને પડી ગયું હતું. ગ્રેસે તેમનો પુત્ર પાછો લાવી આપવાની માગણી કરી હતી.
જિમે તેના ભક્તોને જણાવ્યું હતું કે આ તો મજાક છે. તેઓ તેમની નવી જીવનશૈલી અપનાવી શકતા નથી. આપણે તેમની આંખોમાં ખૂંચીએ છીએ, એવો આક્ષેપ કરવામાં આવે છે. જિમે તેમના પર આત્મઘાતી બૉમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યાનું નાટક પણ કર્યું હતું.
જિમે લોકોને કહ્યું હતું, "મારા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મારા શર્ટમાં બે કાણાં પડી ગયાં, પણ મને સાદો ઉઝરડો પણ ન પડ્યો, કારણ કે હું ભગવાન છું." ભક્તોએ તેમની વાત ભાવપૂર્વક સાંભળી હતી.
જોકે, જિમને અંદરખાને ખ્યાલ આવી ગયો હતો કે સમાજના બાકીના લોકોમાં તેમનો સેલિબ્રિટી તરીકેનો જે દરજ્જો છે તેને ધક્કો લાગ્યો છે અને તેમને જે રાજકીય સમર્થન મળતું હતું તે હવે મળશે નહીં.
આજે નહીં તો કાલે, પણ પોલીસ ચર્ચના દરવાજે તપાસ કરવા ટકોરા મારશે. તેથી તેમણે બીજી યોજના બનાવી હતી.
અમેરિકામાંથી પલાયન
જિમના હાથમાંથી સત્તા સરકી રહી હતી. તેઓ બેચેન થઈ ગયા હતા. તેઓ છેલ્લાં ઘણાં વર્ષોથી ગોળીઓના સ્વરૂપમાં ડ્રગના વ્યસની હતા. તેમ છતાં તેમણે તેમના ભવિષ્ય માટે તૈયારી કરી રાખી હતી.
દક્ષિણ અમેરિકાના એક દેશ ગુયાનાની સરકાર સાથે વાટાઘાટ કરીને જિમે વિશાળ જમીન મેળવી હતી. એ જમીન ગાઢ જંગલમાં હતી. ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ 300 કિલોમીટર દૂર હતી.
તેમણે એ ગાઢ જંગલમાં એક નવું ગામ બનાવવાનું નક્કી કર્યું હતું અને તેનું નામ જોન્સટાઉન રાખ્યું હતું. જ્યોર્જટાઉનથી જોન્સટાઉન પહોંચવાના બે જ માર્ગ હતા.
એક માર્ગ જ્યોર્જટાઉનથી ખાનગી વિમાન લઈને જોન્સટાઉનથી દસ કિલોમીટર દૂર આવેલી ઍરસ્ટ્રીપ પર ઉતરાણ કરવાનો હતો.
બીજો માર્ગ જ્યોર્જટાઉનથી નદીમાં પ્રવાસ કરીને આવવું પડતું હતું. એ પ્રવાસમાં લગભગ 19 કલાકનો સમય લાગતો હતો. અહીં આવનાર વ્યક્તિએ જિમની પરવાનગી ક્યાંય જવાનું નહીં અને ભાગી જવાનો તો વિચાર સુદ્ધાં કરવાનો નહીં. સૌથી અગત્યની વાત એ કે બહારની કોઈ વ્યક્તિ અહીં હસ્તક્ષેપ ન કરી શકે તેવી વ્યવસ્થા તેમણે કરી હતી.
મીડિયાનું દબાણ વધી રહ્યું હતું. 1976-77ની આસપાસ અમેરિકાથી ભાગીને તેઓ અહીં આવ્યા હતા. એ પછીના મહિનાઓમાં તેમના ભક્તો ધીમે ધીમે અહીં આવ્યા હતા.
1977 સુધીમાં 1,000 લોકો અહીં આવી પહોંચ્યા હતા. હંમેશની જેમ શરૂઆતમાં બધા ખુશ હતા, પરંતુ બાદમાં તેઓ ત્રાસ અનુભવવા લાગ્યા હતા. લોકો પાસે પૂરતું ભોજન પણ ન હતું. રહેવા માટે જગ્યા ન હતી. જંગલમાં આગ લાગતી હતી. સતત વરસાદ પડતો હતો અને જિમ એ બધા પાસે ઢોરની જેમ કામ કરાવતા હતા.
લોકો ભૂખ્યા પેટે ઊંધી જતા હતા. અનેક લોકો પાછા જવા ઇચ્છતા હતા. જિમ પહેલેથી જ જાણતા હતા કે શું થશે. તેથી તેમણે લોકોના પાસપૉર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમની પાસે એક રૂપિયો રહેવા દીધો ન હતો. ખિસ્સામાં એક ફદિયું પણ ન હોય તો લોકો પાછા કેવી રીતે જઈ શકે?
જિમ કાર્ટર કહે છે, "અમને બંધક બનાવવામાં આવ્યા હતા તે સ્પષ્ટ હતું."
તપાસ સમિતિ
જોન્સાટાઉનમાં રહેતા લોકો હવે આતંકના પડછાયામાં જીવી રહ્યા હતા, જ્યારે અમેરિકામાં રહેતા તેમના સંબંધીઓને તેમના સુખદુઃખની ચિંતા હતી.
ગ્રેસ સ્ટોને તેમના પુત્રની કસ્ટડી મેળવવા માટે જિમ જોન્સ પર કોર્ટમાં દાવો કર્યો હતો.
દરમિયાન કૅલિફોર્નિયાના અમેરિકન કૉંગ્રેસનાં સભ્ય લીઓ રાયને જિમ જોન્સની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી અને જાહેરાત કરી હતી કે મીડિયાના પ્રતિનિધિઓને સાથે લઈને સમિતિ જોન્સટાઉન જશે.
જિમે જોન્સે શરૂઆતમાં તેની પરવાનગી આપી ન હતી.
જિમ કાર્ટર કહે છે, "ઑગસ્ટ-સપ્ટેબર 1978ના એક દિવસે જિમ જોન્સે તેમના સૌથી વિશ્વાસુ લોકોની એક બેઠક યોજી હતી. પોતાનો જોન્સટાઉનનો પ્રયોગ નિષ્ફળ ગયો છે, એ તેઓ જાણી ગયા હતા. હવે અમેરિકન સરકાર પણ પાછી હટી ગઈ હતી. તેથી તેમણે તેમના સાથીદારોને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ, જેથી ઇતિહાસમાં આપણું નામ નોંધાય."
"એ સાંજે તેમણે જોન્સટાઉનમાં રહેતા બધા ભક્તોને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે લોકો આપણને સુખેથી જીવવી દેવા ઇચ્છતા નથી, પણ આપણે આપણું નામ ઇતિહાસમાં નોંધાવવાનું છે. ચાલો, આપણે બધા ક્રાંતિકારી રીતે સામૂહિક આત્મહત્યા કરીએ...મને કહો, કોણ તૈયાર છે?..ફક્ત ત્રણ લોકોએ હાથ ઊંચા કર્યા હતા."
સામૂહિક આત્મહત્યાનો તેમનો વિચાર દ્રઢ નિશ્ચય હતો. તેમણે જોન્સટાઉનના લોકોના મનમાં એવો ડર બેસાડયો હતો કે પેલા લોકો આવીને આપણાં બાળકોને આપણી પાસેથી છીનવી લેશે. તેમને ત્રાસ આપશે. આપણે આપણાં બાળકોનું રક્ષણ કરવા માટે શસ્ત્રો ઉપાડવાં જોઈએ.
વર્નોનના કહેવા મુજબ, તેમની પાસે બંદુકો જેવા હથિયારો હતાં.
લીઓ રાયન આવે તે પહેલાં જોન્સટાઉનમાં વાતાવરણ તંગ બની ગયું હતું. લોકો બહાર નીકળવા ઇચ્છતા હતા. તેઓ તપાસ સમિતિને પોતાની સાચી પરિસ્થિતિ જણાવવા માંગતા હતા, પરંતુ કોના પર ભરોસો કરવો એ તેઓ જાણતા ન હતા.
જોકે, લેસ્લી, વર્નોન અને જીમ કાર્ટરે નક્કી કર્યું હતું કે ગમે તે થાય, તેઓ તેમનાં બાળકોને લઈને અહીંથી ચાલી નીકળશે.
એ દિવસે...
લીઓ રાયનનું પ્રતિનિધિમંડળ આવ્યું ત્યારે એક અદ્ભૂત કાર્યક્રમ હતો.
જોન્સટાઉન ફાર્મ, રસોડું, ડાઇનિંગ હોલ, લોકોનાં નૃત્ય અને ગાયનનો કાર્યક્રમ બધું જ તેમને દેખાડવામાં આવ્યું હતું.
લીઓએ તેમના ભાષણમાં એમ પણ કહ્યું હતું કે અહીંના લોકો એટલા ખુશ હતા કે તેમને તેમની ઇચ્છા વિરુદ્ધ અહીં રાખવામાં આવ્યા હોય એવું લાગતું ન હતું. તાળીઓનો ગડગડાટ થયો હતો.
આ અંધાધૂંધી વચ્ચે વર્નોને લીઓને આપવા માટેની એક ચિઠ્ઠી એક પત્રકારને આપી. તેમાં લેસ્લી અને વર્નોનનું નામ હતું તથા તેમણે લખ્યું હતું કે અમને અહીંથી બહાર કાઢો.
બીજા દિવસે વાતાવરણ ફરી બદલાઈ ગયું. 1978ની 18 નવેમ્બરની સવારે લીઓ રાયને ત્યાંના લોકોને પૂછ્યું હતું કે કોઈ અહીંથી પાછું જવા ઇચ્છે છે? એક, બે, ત્રણ નહીં, લગભગ 20 લોકોએ કહ્યું હતું કે અમે પાછા જવા માંગીએ છીએ.
એ જ સવારે લેસ્લીએ તેમના બાળકને પોતાની પીઠ પર બાંધ્યું અને બે સાથીઓ સાથે જંગલમાં ચાલી નીકળ્યાં. તેમણે 60 કિલોમીટર દૂર એક ગામમાં જઈને આગળ જવાની યોજના બનાવી હતી, પરંતુ તેઓ સતત ડરતાં હતાં કે જિમના વફાદારોની ગોળી ગમે ત્યાંથી આવશે અને તેમનો જીવ લઈ લેશે.
બીજી તરફ વસાહતમાં કશુંક આકાર લઈ રહ્યું હતું. જિમ તેના હોઠ કરડી રહ્યા હતા. લોકો રવાના થતા હતા. એ જ ક્ષણે તેમના એક વિશ્વાસુ સાથીએ લીઓ રાયન પર છરી વડે હુમલો કર્યો. અન્ય લોકોએ તે હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. લીઓ બચી ગયાં, પરંતુ તેમને આઘાત લાગ્યો હતો.
જિમ જોન્સ એટલો વગદાર હતો કે તે અમેરિકન સંસદમાં ચૂંટાયેલા સભ્યને મીડિયાની સામે મારી નાખવાનો પ્રયાસ કરી શકે? કોઈ પણ ક્ષણે હુલ્લડ ફાટી નીકળશે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
એ જ સમયે બે બસ આવી હતી. તેમાં લીયો રાયનના પ્રતિનિધિમંડળ અને વર્નોન સહિતના જોન્સટાઉનમાંથી નીકળી રહેલા લોકોનો સમાવેશ થતો હતો. બસ તેમને લઈને 10 કિલોમીટર લાંબા રન-વે તરફ જવા રવાના થઈ.
આ લોકોને લઈ જવા માટે ત્યાં બે નાનાં વિમાન આવવાનાં હતાં. એ વિમાન તેમને ગુયાનાની રાજધાની લઈ જવાના હતાં અને ત્યાંથી તેઓ અમેરિકા પાછા ફરવાના હતા.
એ લોકો પહોંચ્યાને દસ મિનિટ થઈ હશે ત્યાં જિમના સમર્થકો પાછળથી ટ્રૅક્ટરમાં આવ્યા હતા. વર્નોન સમજી ગયા હતા કે કશુંક થવાનું છે. તેમણે લીયો રાયનને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યારે જ ગોળીબારનો અવાજ શરૂ થયો હતો.
ચારે બાજુથી ગોળીબાર થઈ રહ્યો હતો. લીઓ રાયન અને તેમની સાથે આવેલા પત્રકાર સહિતના પાંચ લોકો મૃત્યુ પામ્યાં. વર્નોન ગોસ્લીને પગમાં અને પેટમાં ગોળી વાગી હતી. તેમના ઘણા સાથીઓ જમીન પર પડી ગયા હતા અને કેટલાક નજીકના ઘાસના મેદાનમાં ભાગી ગયા હતા
ગણતરી શરૂ થઈ ગઈ હતી
જિમ કાર્ટર કહે છે, સમર્થકો ગોળીબાર કરીને પાછા ફર્યા પછી જિમના ચહેરા પર અજબ આનંદ દેખાતો હતો. તેમણે જોન્સટાઉનના બધા રહેવાસીઓને બોલાવ્યા અને પોતાનું ભાષણ શરૂ કર્યું.
"મારાં બાળકો, મેં તમને બધું આપવાનો પ્રયાસ કર્યો છે, તેમ છતાં કેટલાક લોકોએ મને દગો આપ્યો છે. હું તમારો દેવદૂત છું અને આ લોકો આપણને સુખેથી જીવવા નહીં દે તો આપણે એકસાથે ખુશીથી મરી શકીએ છીએ તે લોકોને દેખાડી દઈએ."
જિમે આ ભાષણ રેકૉર્ડ કર્યું હતું. તેથી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને મળી આવ્યું હતું, જે પાછળથી ડેથ-ટેપ નામે પ્રસિદ્ધ થયું હતું.
લોકોની આસપાસ બંદુકધારી રક્ષકો હતા. સરબતના મોટા વાસણમાં સાઇનાઇડ ભેળવવામાં આવ્યું હતું. પહેલો ક્રમ બાળકોનો હતો.
પહેલાં બાળકોને સાઇનાઇડનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. બાળકો તેમનાં માતાપિતા સમક્ષ મૃત્યુ પામ્યાં હતાં. જિમ કાર્ટર કહે છે કે બાળકોને પહેલા મારી નાખવામાં આવ્યાં હતાં, જેથી તેમનાં માતાપિતા સંતાનોને બચાવવા માટે બળવો ન કરે અને માતાપિતાની જીવતા રહેવાની ઇચ્છા પણ ન રહે.
"દુનિયા કહે છે કે આ લોકોએ આત્મહત્યા કરી હતી, પરંતુ એવું નથી. તપાસમાં અનેક લોકોનાં હાથ, કપાળ, પેટ, ગાલ પર ઇન્જેક્શનનાં નિશાન જોવાં મળ્યાં હતાં. એ લોકોએ ઝેરનો પ્યાલો ખુશીથી મોઢે માંડ્યો ન હતો. તેમને બળજબરીથી સાઇનાઇડ પીવડાવવામાં આવ્યું હતું. કાં બંદુકની ગોળીથી મરો અને કાં ઝેર પીને મરો, એવા બે જ વિકલ્પ હતા. તેથી જેમણે ઝેર પીધું તેમણે આત્મહત્યા કરી હતી એવું તમે કેવી રીતે કહી શકો."
જિમ કાર્ટર ત્યાં જ હતા, પણ તેમના હાથમાં ઝેરનો પ્યાલો આવ્યો ન હતો. એક મહિલા તેમને અને બે અન્ય લોકોને બાજુ પર લઈ ગઈ હતી અને કહ્યું હતું કે જિમે તમને નોકરી અપાવી છે. પૈસા ભરેલી આ ત્રણ બૅગ ગુયાનાના રશિયન દૂતાવાસમાં લઈ જાવ. આ બંદુકો લઈ જાવ. કશું થાય તો તમે જીવતા કોના હાથમાં આવશો એ ખાસ વિચારજો.
જિમ તે ક્ષણને યાદ કરે છે ત્યારે રડ્યા વિના રહી શકતા નથી. એ ઘટનાની બે મિનિટ પહેલાં જ તેમણે તેમનાં પત્ની અને પુત્રનું ક્રૂર મૃત્યુ નિહાળ્યું હતું.
"મને ખબર ન હતી કે શું કરવું. મને એક બૅગ આપવામાં આવી હતી અને હું ચાલવા લાગ્યો હતો. જંગલમાં પહોંચીને મેં બૅગ બાજુ પર મૂકી અને મારા મોતની રાહ જોવા લાગ્યો. મોત ન આવ્યું. ગુયાનાનું સૈન્ય મને ત્યાંથી લઈ ગયું."
વર્નોન, રન-વે પર ઘાયલ પડેલા લોકો, ઝેર પીવામાંથી બચીને પાડોશના જંગલમાં ભાગી ગયેલા લોકો અને તે સવારે પોતાના પુત્ર સાથે નાસી છૂટેલા લેસ્લી, આ બધાને ગુયાનાના સૈનિકોએ બચાવ્યા હતા.
જિમ જોન્સનાં બાળકો ગુયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં હતા. તેથી બચી ગયાં હતાં.
જોકે, જોન્સટાઉનમાંના 918 લોકો એટલા નસીબદાર ન હતા. તેમને કોઈ બચાવી શક્યું નહીં. તેમાં 300 નાનાં બાળકો પણ હતાં. જિમ જોન્સે ગ્રેસ સ્ટોનની નજર સામે તેમના પુત્રને સાઇનાઇડનું ઇન્જેક્શન આપ્યું હતું. વર્નોનના પુત્રનું પણ મૃત્યુ થયું હતું.
અલબત, જે વ્યક્તિ સૌનો "પિતા" હોવાનો દાવો કરતી હતી તેણે ઝેર પીધું ન હતું.
તેમના માથામાં ગોળી મારવામાં આવી હોવાનું પોલીસને લાગ્યું હતું. આટલા બધા લોકો માર્યા ગયા છતાં માથાફરેલા એ માણસે ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. તેથી એક રક્ષકે ગુસ્સામાં તેના માથામાં ગોળી મારી દીધી હતી કે પછી તેણે આત્મહત્યા કરી હતી તે રહસ્ય ક્યારેય ઉકેલાયું નથી.
તેમનાં પત્ની માર્સેલિન અને ત્યાં રહેતાં હતાં. તેમનાં બાળકો પણ મૃત્યુ પામ્યાં હતાં.
ત્યાં પહોંચેલા સૈનિકોએ અમેરિકન અધિકારીઓને કહ્યું હતું, "અહીં ઘણા બધા મૃતદેહો છે, ખરેખર ઘણા બધા."
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરુમનું પ્રકાશન