You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હિપ્પીઓની દુનિયા : ઇશ્વરના નામે ડ્રગ્સ, સેક્સ અને લાંબા વાળ સાથે યુરોપથી ઇન્ડિયા સુધીના પ્રવાસની કહાણી
- લેેખક, મુસ્તફા વકાર
- પદ, પત્રકાર અને સંશોધક
સિત્તેરના દાયકાની વાત છે. ભારતમાં ઝીનત અમાન સંગીતના તાલે ઝૂમીને ‘દમ મારો દમ’ ગીત ગાય છે, જ્યારે પાકિસ્તાનની એક ગુફામાં હાથમાં સિગારેટ લઈને શબનમ ગાય છે ‘દમ, દમા, દમ મસ્ત, પીકે દેખો જરા..’
પહેલું ગીત 1971ની ફિલ્મ 'હરે રામા, હરે ક્રિષ્ના' માટે આશા ભોંસલેએ ગાયું હતું, જ્યારે બીજું ગીત 1974ની ફિલ્મ 'મિસ હિપ્પી' માટે નીરા નૂરે ગાયું હતું.
અનોખા સ્થળે શૂટ થયેલાં આ બંને ગીતમાં મોટા ભાગના ચહેરાઓ યુવાન છે. તેમનાં પહેરવેશ અને વર્તનમાં સ્વાતંત્ર્ય ઝળકે છે. તેઓ બધા હિપ્પી છે.
1960ના દાયકામાં અમેરિકન મીડિયાએ આવા ભૌતિકવાદવિરોધી યુવા હિપ્પીઓને “બીટનિક” ઉત્ક્રાંતિ તરીકે ઓળખાવ્યા હતા. બીટનિકોએ 1950 તથા 1960ના દાયકાની શરૂઆતમાં અમેરિકન સંસ્કૃતિને ફગાવી દીધી હતી અને સાહિત્ય, કવિતા, સંગીત તેમજ ચિત્રો દ્વારા પોતાની ભાવના વ્યક્ત કરવાનું શરૂ કર્યું હતું.
વિયેતનામ યુદ્ધ અને તેમાં અમેરિકાની સંડોવણીનો વિરોધ કરતાં આ યુવાનોએ ગાંજો ફૂંકવાનું, વાળ ના કપાવવાનું અને જાતીય સ્વાતંત્ર્યને અનુસરવાનું શરૂ કર્યું હતું.
આઝાદ બળવાખોરોની ‘હિપ્પી ટ્રેઇલ’
1965થી 1980 સુધી ડ્રગ્ઝની શોધમાં યુરોપથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત અને નેપાળ (અથવા શિયાળામાં ગોવા) સુધીની વિદેશી હિપ્પીઓની સફર બ્રિટનમાં ‘હિપ્પી ટ્રેઇલ’ તરીકે ઓળખાય છે. તેને અમેરિકન મીડિયા ‘ચરસ ટ્રેઇલ’ કહે છે. જોકે, 1967 સુધી બીટનિક શબ્દનું સ્થાન હિપ્પી શબ્દએ લઈ લીધું હતું.
બીટલ્સ સંગીત વૃંદે 1968માં ભારતનો પ્રવાસ કર્યો ત્યારે પશ્ચિમ યુરોપમાં યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો હતો. એ પૈકીના કેટલાકને માત્ર દુનિયા જોવી હતી.
હિપ્પી ટ્રેઇલના દિવસોમાં એક વ્યક્તિ પાસે કેટલી રોકડ હોવી જોઈએ તેના પર નિયંત્રણો હતાં. બ્રિટનમાં 1974માં તે મર્યાદા 25 પાઉન્ડ હતી. એ માટે દરેક વ્યક્તિએ કમિશન ચૂકવીને બૅન્કમાંથી ટ્રાવેલર્સ ચેક ખરીદવા પડતા હતા. પ્રવાસીઓ અમેરિકન ડૉલરની દાણચોરી પણ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંજો હિપ્પી જીવનનો એક હિસ્સો છે. મોટા ભાગના હિપ્પીઓ યુવાન હતા. તેમનાં પહેરવેશ અને વર્તન મુક્ત હતાં. તેઓ શાંત તથા વિચારશીલ સ્વભાવના હતા.
દેશભરમાં પ્રવાસ ખેડી ચૂકેલા લેખક ફારુખ સોહેલ ગોઈંદી લખે છેઃ “સંપત્તિ અને મૂડીવાદી જીવનશૈલી સામેના આ બળવાખોરો જ્યાં પણ ગયા ત્યાં પોતાની છાપ છોડી. કૃત્રિમ ખોરાક એટલે કે પ્રિઝર્વેટિવ્ઝ અને રસાયણોના ઉપયોગ વડે સાચવવામાં આવતા ખોરાકને સ્પર્શ સુધ્ધા કરવો એ તેમના માટે પાપ હતું. તેઓ ભાગ્યે જ સ્નાન કરતા હતા. બને તેટલાં ઓછા કપડાં પહેરતાં હતાં. વાળ કાપવાનું આ બળવાખોરોમાં બહુ જ ખરાબ માનવામાં આવતું હતું.”
તેઓ આગળ લખે છેઃ “આ બળવાખોરોનું નેતા વિનાનું વિચિત્ર આંદોલન હતું. તેની કોઈ ઓફિસ ન હતી, સચિવાલય ન હતું, કોઈ ગુપ્ત ચાર્ટર ન હતું, કોઈ અધિકારી ન હતા અને કોઈ સભ્યપદ પણ ન હતું.”
એ પૂર્ણપણે મુક્ત અને સ્વતંત્ર ચળવળ હતી. શીત યુદ્ધ દરમિયાન જન્મેલા આ બળવાખોરોએ વૈશ્વિક રાજકારણ અને સંસ્કૃતિ પર એવો પ્રભાવ પાડ્યો હતો કે વિશ્વની મહાસત્તાઓનાં સંસાધનો તથા પ્રચાર તેમની સામે ઝાંખાં પડી ગયાં હતાં.
હિપ્પીઓ અફઘાનિસ્તાનમાં કેમ જતા?
રિચાર્ડ ગ્રેગરી પોતે કિશોરાવસ્થામાં હિપ્પી ટ્રેઇલમાં જોડાયા હતા. તેમણે લખ્યું છે તેમ, ઇસ્તંબૂલમાં યુરોપના તમામ માર્ગો એકઠા થાય છે અને હિપ્પી ટ્રેઇલ ઈસ્તંબૂલથી શરૂ થઈ હતી.
ઈસ્તંબુલમાં 'ગુલહાને', તહેરાનમાં 'અમીર કબીર', કાબુલમાં 'મુસ્તફા', પેશાવરમાં 'રેમ્બો', લાહોરમાં 'એશિયા હોટલ', દિલ્હીમાં 'ક્રાઉન' અને મુંબઈમાં 'રેક્સ ઍન્ડ સ્ટિફલ્સ' હિપ્પી ટ્રેઇલની પ્રખ્યાત હોટલો હતી. ગ્રેગરીના જણાવ્યા મુજબ, આ વિકલ્પો વધુ સારા (સામાન્ય રીતે સસ્તા) હતા.
ગ્રેગરીએ લખ્યું છે, “મને કંદહારમાં 'ન્યુ ટુરિસ્ટ', કાબુલમાં 'પીસ' અને પોખરા(નેપાળ)માં 'વ્હાઇટ હાઉસ'નાં નામ યાદ છે. શ્રીનગરમાં હાઉસબોટનો વ્યાપક ઉપયોગ થતો હતો, જ્યારે ગોવામાં લોકો સ્થાનિક મકાન ભાડે રાખતા હતા. પેશાવર અને લાહોરમાં આધુનિક લક્ઝરી હોટલોનો ઉપયોગ થતો હતો.”
“હું ઇસ્તંબૂલ જતો હતો ત્યારે ગુલહાને હોટલ પોલીસના દરોડા માટે કુખ્યાત હતી. તેની નજીકમાં બીજા ઘણા વિકલ્પો હતા (જેમાંથી એકનો મેં ઉપયોગ કર્યો હતો),” એમ તેમણે ઉમેર્યું હતું.
ઇસ્તંબૂલના સલ્તનતમાં 1957માં શરૂ થયેલી 'લેલે રેસ્ટોરાં' વિશ્વભરમાં પુડિંગ શોપ તરીકે જાણીતી છે. બ્લુ મસ્જિદ અને હાગિયા સોફિયા નજીકનાં સ્થાનો પરફેક્ટ હતાં. કાઠમંડુ જતી દરેક વ્યક્તિ ઇસ્તંબુલમાંથી પસાર થતી હતી અને ઓવરલૅન્ડ બસો સસ્તી હોટલો પાસે ઊભી રહેતી હતી.
ગ્રેગરીના જણાવ્યા મુજબ, ઇસ્તંબુલમાં ઘણાં આકર્ષણો છે, પરંતુ તે યુરોપમાં છે. “તમે આ બધું પાછળ ન છોડો ત્યાં સુધી હિપ્પી ટ્રેઇલ પરનું તમારું સાહસ શરૂ થતું નથી.”
કેટલાક મધ્ય-પૂર્વના મુખ્ય ચરસઉત્પાદક દેશ લેબનોન તરફ દક્ષિણમાં પ્રયાણ કરતા હતા અથવા તુર્કીના માર્ગે, પછી શાહ (રેઝા શાહ પહેલવી) શાસિત બિનસાંપ્રદાયિક દેશથી ઈરાન માર્ગે થઈને અફઘાનિસ્તાન જતા હતા.
અફઘાનિસ્તાનનાં મોટાં શહેરોમાં થોડી હોટલો, કાફે અને રેસ્ટોરાં હતાં. એ બધાના ગ્રાહકો માત્ર હિપ્પી ટ્રેલર્સ હતા.
ગ્રેગરીના જણાવ્યા મુજબ, વિશ્વના સર્વોત્તમ હેશ-સ્મૉકિંગ પ્રવાસીઓ એકમેકને કથાઓ સંભળાવતા હતા અને આગળ કયા શહેરની મુલાકાત લેવી જોઈએ તેની સલાહ આપતા હતા. દરેક સ્થળની વિશિષ્ટતા એટલે ગ્રંથાલય. એવાં ગ્રંથાલયો જેમાં વિશ્વભરના પ્રવાસીઓ દ્વારા છોડી જવામાં આવેલા અનેક ભાષાનાં પેપરબેક પુસ્તકોનો સંગ્રહ હોય.
હિપ્પીઓનો અડ્ડો
ગ્રેગરીના કહેવા મુજબ, “અફઘાનિસ્તાનનું હેરાત શહેર હિપ્પી ટ્રેઇલ પરનો પ્રથમ વાસ્તવિક મુકામ હતું. ત્યાં બધું શાંતિપૂર્ણ હતું. બહુ ઓછો ટ્રાફિક હોય. ઘોડા, ગધેડા, ઊંટગાડાં અને ઘોડાગાડી રસ્તા પર જોવા મળે એવું શહેર એ હતું.”
હિપ્પી ટ્રેઇલ પરની એક અન્ય લોકપ્રિય રેસ્ટોરાં 'જર્મન સિગ્ગી' હોટલ હતી. તે કાબુલમાં હતી. તેમાં સારું ભોજન અને ચોખાની ખીર તેમજ આયુર્વેદિક પાનની કોરી ચા મળતી હતી અને ત્યાં ચેસ રમી શકાતી હતી.
રિચાર્ડ નેવિલે તેમના 1966ના લેખમાં કાબુલની 'ખૈબર રેસ્ટોરા'નો ઉલ્લેખ કર્યો છે. તે સમયે એ એકમાત્ર એવું સ્થળ હતું, જ્યાં પશ્ચિમી શૈલીનું ભોજન પીરસવામાં આવતું હતું.
અફઘાનિસ્તાનમાં હોટલોની આસપાસ ઘણા વેપારીઓ હેન્ડલૂમનું કાપડ, ચામડાની વસ્તુઓ તથા કાર્પેટ વેચતા હતા. મોટા ભાગના વેપારીઓ પાસે પોતાના માટે તથા વેચાણ માટે હશીશનો જથ્થો રહેતો. કદાચ એ કારણસર ઘણા લોકો અફઘાનિસ્તાનથી આગળ જતા નહોતા.
અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાનમાં પ્રવેશાતું અને પાકિસ્તાનમાં પ્રવેશ્યા પછી ઉત્તરમાં સ્વાત અને ચિત્રાલ તરફ જઈ શકાતું હતું.
લેખક નદીમ ફારુક પરચાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન હિપ્પીઓ માટે કેન્દ્રીય સ્થાન બન્યું હતું, જ્યારે પેશાવર, સ્વાત, લાહોર અને કરાચી હિપ્પીઓ માટે મહત્ત્વપૂર્ણ સ્થાન બન્યાં હતાં.
તેમના કહેવા મુજબ, “હિપ્પીઓ ખૈબર પાસ થઈને રાવલપિંડી આવતા હતા. ત્યાંથી લાહોર અને પછી બસ દ્વારા ભારત જતા હતા. ઘણા હિપ્પી કરાચીના દરિયાકિનારે મજા માણતા હતા.”
પાકિસ્તાનમાં હિપ્પીઓનો બીજો લોકપ્રિય અડ્ડો એટલે લાહોર અને કરાચીની સૂફી મસ્જિદો. એ સમયે મધ્યમ વર્ગના ઘણા યુવાનો સૂફી મસ્જિદોની મુલાકાતે આવતા થયા હતા. ખાસ કરીને ગુરુવારે રાતે મસ્જિદોમાં પરંપરાગત સૂફી સંગીત અને કવ્વાલીનો કાર્યક્રમ થતો ત્યારે તેઓ આવતા હતા.
તેઓ લખે છે, “હિપ્પી વસ્ત્રો પાકિસ્તાની યુવાનોમાં લોકપ્રિય બન્યાં હતાં. જેઓ ટૂંકા વાળ રાખતા હતા તે યુવાનોએ સિત્તેરના દાયકાની શરૂઆતમાં લાંબા વાળ રાખવાનું શરૂ કર્યું હતું. સ્ત્રીઓનાં વસ્ત્રો બગડવા લાગ્યાં હતાં.”
ફારુક સોહેલ ગોઈંદીના કહેવા મુજબ, “પ્રવાસ દરમિયાન ઘણા હિપ્પીઓ સાથે મારી દોસ્તી થઈ હતી. અપર મૉલ (લાહોર) ખાતેની ઇન્ટરનેશનલ હોટલમાં ઘણી વખત મુલાકાત થતી હતી. ત્યાં તેમની પ્રસિદ્ધ ડબલ ડૅકર બસ ઊભી રહેતી હતી.”
એ સમયે વિદેશીઓ અહીં આવતા ગભરાતા ન હતા, પણ પોતાને ખૂબ સલામત માનતા હતા.
‘ભારતમાં કદી દારૂ પીધો નહીં, લસ્સી ફેવરિટ પીણું હતી’
“મેં લાહોર કૅન્ટોનમેન્ટમાં અમારા ઘર પાસેના પાર્કમાં એક હિપ્પીને સતત ચાર દિવસ સુધી પડેલો જોયો હતો. પાંચમા દિવસે હું તેની પાસે ગયો ત્યારે તે ભૂખથી અધમૂવો થઈ ગયો હતો. એ યુવાન હિપ્પી ભૂતપૂર્વ યુગોસ્લાવિયાનો હતો. તે મારી સાથે અનેક દિવસો સુધી ખાતો, પીતો અને સૂતો હતો, પરંતુ મેં તેને સ્નાન કરવા તથા કપડાં ધોવાં માટે દબાણ કર્યું પછી અમારી મૈત્રી એવી ગાઢ થઈ કે દુનિયા બદલાઈ ગઈ, પરંતુ અમારી દોસ્તીમાં કોઈ ફરક પડ્યો નહીં.”
આ પ્રવાસીઓની સુવિધા માટે ઘણી સસ્તી હોટલોનું નિર્માણ થયું અને પેશાવર, લાહોર તથા કરાચીમાં પ્રવાસનઉદ્યોગ વિકસ્યો.
ગ્રેગરીના મતાનુસાર, પેશાવરમાં 'રેમ્બો ગેસ્ટ હાઉસ' એક લોકપ્રિય ‘ફ્રીક હેંગ આઉટ’ હતું. લાહોરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલી 'એશિયા હોટલ' પશ્ચિમી લોકોમાં લોકપ્રિય પર્યાય હતી. બસની સુવિધા ન હોવાથી બહુ થોડા હિપ્પીઓ ચિત્રાલ સુધી ગયા હતા. ત્યાં 'માઉન્ટેન ઈન' નામની એક હોટલ હતી, જેનું સંચાલન હૈદરઅલી શાહ 1968થી કરતા હતા.
મોટા ભાગના લોકો પાકિસ્તાન થઈને ભારત આવતા હતા. ડ્રગ્ઝ શોધતા લોકો કાશ્મીર જતા હતા. હિપ્પીઓ માટે બીજું લોકપ્રિય સ્થળ ઉત્તર ભારતનું કુલુ-મનાલી હતું. તે હશીસની ખેતીનું બીજું કેન્દ્ર હતું.
શિયાળાની શરૂઆતમાં મોટા ભાગના હિપ્પીઓ દક્ષિણ તરફ ગોવાના દરિયા કિનારે જતા હતા. ગોવામાં હશીશનું ઉત્પાદન થતું ન હતું, પણ કાયમ મળી રહેતું હતું.
રિચાર્ડ ગ્રેગરી કહે છે, “બીડી સસ્તી હતી અને હું તે ઘણી વાર પીતો હતો. દૂરના અંતરે જવાનું હોય તો હું મોટા ભાગે સાયકલ ટેક્સી અથવા સ્થાનિક લોકો દ્વારા ચલાવવામાં આવતા ત્રણ પૈડાવાળા ખુલ્લા વાહનનો ઉપયોગ કરતો હતો.”
કેટલાક હિપ્પીઓ ભારતમાં મફત સૂવાની છૂટ હોય અને મફત ભોજન મળતું હોય તેવાં મંદિરોનો લાભ લેતા હતા.
ગ્રેગરી દિલ્હીના પહાડગંજની ‘વિકાસ’ હોટલમાં રહ્યા હતા. દિલ્હીની હોટલ ક્રાઉન વિશે પણ ઘણું સાંભળ્યું છે. બ્રિટિશ ગિટારવાદક અને કવિ વિલ્કો જોનસન 1970ના દાયકામાં ત્યાં રહેતા હતા. તેમણે કહ્યું હતું, “ઑલ્ડ દિલ્હીની ક્રાઉન હોટલમાં એક રાતે બર્થડે ક્રીમ કેક લઈને નાસી જતા ડુક્કરને જોયું હતું.”
મુંબઈ રહેવા માટે મોંઘું શહેર હતું. વિલ્કોના કહેવા મુજબ, તેઓ બૉમ્બેમાં વિક્ટોરિયા ટર્મિનસ પર સૂતા હતા.
હિપ્પી ટ્રેઇલનું એક અન્ય લોકપ્રિય હેંગઆઉટ બૉમ્બે અને મિસ્ટન રોડ પરનું 'દિપ્તી હાઉસ ઑફ પ્યોર ડ્રિંક્સ' હતું.
ગ્રેગરીએ કહ્યું હતું, “એક શાકાહારી તરીકે ભારત મને એક અદ્ભૂત સ્થળ લાગ્યું છે. મારી પ્રિય જગ્યા ચર્ચગેટ સ્ટેશન પરની એક રેસ્ટોરાં હતી. તેમાં સ્વાદિષ્ટ ઢોસા અને થાળી પીરસવામાં આવતી હતી. એ ઉપરાંત મને કલંગુટમાં આવેલો ભેળપુરીનો એક સ્ટોલ પણ સારી રીતે યાદ છે.”
“રાત્રિભોજનમાં સામાન્ય રીતે શાક, રોટલી અથવા પૂરી મળતા હતા. નાસ્તા માટે ભજિયા, સમોસા, કચોરી અને ચાટ હોય. હું શેકેલી દાળ અને ચેવડો ખાતો. હલવો, બરફી, લાડુ, ગુલાબજાંબુ અને કાલાજાંબુ જેવી મિઠાઈઓ મને બહુ ગમતી હતી. લસ્સી મારું મનપસંદ પીણું હતી, પણ હું સામાન્ય રીતે જમતી વખતે એક જ ગ્લાસ પાણી પીતો હતો. મેં ભારતમાં દારૂ ક્યારેય પીધો નથી.”
તેમણે ઉમેર્યુ હતું, “એ પછી ગોવાના પ્રવાસમાં મેં ભેળપુરી, ઢોસા અને થાળીનો સ્વાદ માણ્યો હતો. ત્યારે કુલ્ફી, શ્રીખંડ અને રોઝ મિલ્કનો પરિચય પણ થયો હતો. બૉમ્બેમાં એક રસ્તા પર શેરડીના તાજા રસનો સ્વાદ ચાખ્યો હતો.”
‘મેં ચા પુષ્કળ પીધી’
તેમના કહેવા મુજબ, “કાનપુરમાં રેલ્વે સ્ટેશન પાસે ચાની એક દુકાન છે. ચા વિશ્વભરમાં વિવિધ રીતે બનાવવામાં આવે છે, પરંતુ મારી મનપસંદ ચા, ભારતીય ટ્રક ડ્રાઈવરો માટે માત્ર દૂધમાંથી બનાવવામાં આવતી ચા છે. ચાયપત્તી, ખાંડ, એલચી અને લવિંગના મિશ્રણને ઉકાળીને એ ચા બનાવવામાં આવે છે.”
“સ્ટેશન સામે પાઘડી પહેરીને બેઠેલા એક વૃદ્ધે મને ઈશારો કર્યો હતો અને તેમની ચિલમ બહાર કાઢી હતી. અમે સાથે ધૂમ્રપાન કર્યું હતું. અમારો તમાશો જોવા અનેક લોકો એકઠા થયા હતા. અમે વારાણસીમાં થોડા દિવસ રહ્યા હતા. વારાણસીને અંગ્રેજો બનારસ તરીકે ઓળખતા હતા.”
“બીજા દિવસે અમે સરકાર સંચાલિત ગાંજાની દુકાન શોધી કાઢી હતી. વારાણસીમાં કાયદેસર રીતે ચરસ ખરીદી શકાય એવી વ્યવસ્થા પૈકીની તે એક જગ્યા હતી,” એવું તેમણે સ્પષ્ટ કર્યું હતું. આવી કેટલીક જગ્યાએ કાયદાની વારંવાર અવગણના કરવામાં આવતી હતી.
“એક દુકાનમાંથી ભાંગ ખરીદી હતી. સ્થાનિક યુવકે તેની દહીં સાથે મેળવીને તૈયાર કરેલી ભાંગ-લસ્સી અમને આપી હતી.”
‘હું ભાષા વિના સંવાદ કરતાં શીખ્યો’
હિપ્પીઓ પરંપરાગત પ્રવાસીઓ કરતાં અલગ
ક્લાસિક હિપ્પી ટ્રેઇલ કાઠમાંડુ ખાતે સમાપ્ત થાય છે. અહીં સુધી તમે વાહન ચલાવી શકો છો. તિબેટ અને યારકંદ દુર્ગમ પ્રદેશો હતા. બર્માનો રસ્તો બંધ હતો. આ રીતે વ્યક્તિ કાં તો બૅંગકૉક જતી અથવા ઘરે પરત ફરી શકતી હતી.
કાઠમાંડુ એક સુંદર શહેર હતું. તેમાં મુખ્યત્વે લાકડાની બનેલી સુંદર ઇમારતો હતી. કાઠમાંડુના 'કૅફે ધ ગ્લોબ' અને 'ધ કૅમ્પ'નો ઉપયોગ બીટનિક્સ કરતા હતા. એ બન્ને કાયમી અતિથિગૃહ બની ગયાં હતાં, પરંતુ 1969માં બધું બદલાઈ ગયું હતું.
'ધ ઓરિએન્ટલ લોજ' ફ્રીક સ્ટ્રીટ પરની પ્રથમ હોટલ હતી. ટૂંક સમયમાં જ અન્ય ઇમારતોએ તેનું સ્થાન લીધું હતું, એવું નેપાળના નિષ્ણાત માર્ક લિક્ટીએ તેમના પુસ્તક 'ફોર આઉટ'માં નોંધ્યું છે.
ફ્રીક સ્ટ્રીટનું અસલી નામ જોચ્છન ટોલે હતું. ત્યાં ઘણી રેસ્ટોરા અને હોટલો હતી. તેમાં હિપ્પી ટ્રેઇલર્સ વારંવાર આવતા હતા. “1973 સુધી અહીં ગાંજાની કાયદેસરની ઘણી દુકાનો હતી. તેથી વિશ્વમાં શ્રેષ્ઠ ગાંજો મેળવવાનું આસાન હતું.”
હિપ્પીઓ પરંપરાગત પ્રવાસીઓ કરતાં સ્થાનિકો સાથે વાતચીત કરવામાં વધુ સમય પસાર કરતા હતા. તેમને આલિશાન મકાનમાં રહેવું પરવડતું ન હતું અને તેમને પરવડતું હતું તેમને ત્યાં રહેવામાં રસ ન હતો.
ગ્રેગરીના કહેવા મુજબ, “ભાષાવિના પણ કેવી રીતે સંવાદ સાધવો એ હું શીખ્યો હતો. મોટા ભાગે હાવભાવ વડે એકમેકની વાત સમજતા લોકો સાથે મેં મારો શ્રેષ્ઠ સમય વિતાવ્યો હતો. એ પૈકીના મોટા ભાગના તિબેટીયન શરણાર્થીઓ હતા. તેઓ અંગ્રેજી બોલી શકતા ન હતા, પરંતુ તેમની સંગત ઉત્તમ હતી.”
ફ્રેન્ચ સિરિયલ કિલર ચાર્લ્સ શોભરાજની 1986માં ગોવામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
કાઠમાંડુમાં બે પ્રવાસીની 1975માં હત્યા કરવા બદલ ચાર્લ્સ શોભરાજે નેપાળની જેલમાં 19 વર્ષ વિતાવ્યાં હતાં. તે 1970ના દાયકામાં અન્ય પ્રવાસીઓની હત્યામાં પણ સંડોવાયેલો હતો. ફ્રેન્ચ પ્રવાસીઓને ઝેર આપીને મારી નાખવાનો કેસ ભારતમાં ચલાવવામાં આવ્યો હતો. તેને 20 વર્ષની જેલ સજા થઈ હતી.
ચાર્લ્સ શોભરાજ 1972થી 1982ની વચ્ચે થયેલી 20થી વધુ હત્યામાં સંડોવાયેલો હતો. મૃતકોમાં મોટા ભાગે ભારત અને થાઇલૅન્ડમાં હિપ્પી ટ્રેઇલ પર નીકળેલા યુવાન પશ્ચિમી બૅકપેકર્સનો સમાવેશ થતો હતો. એ સિવાય પણ તેણે કેટલીક હત્યા કરી હતી.
હિપ્પી ટ્રેઈલનો અંત કેવી રીતે આવ્યો?
ગ્રેગરી લખે છે કે સ્વસ્થ રહેવું મુશ્કેલ હતું. ખાસ કરીને અફઘાનિસ્તાનમાં. હિપ્પીઓ પણ ત્યાંની સંસ્કૃતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હશે!
“કેટલાક ગંભીર રીતે બીમાર પડતા હતા, જ્યારે કેટલાકના પૈસા ખૂટી પડતા હતા. પછી તેમણે તેમના ઘરે પાછા ફરવું પડતું હતું. કેટલાક જેલમાં ગયા હતા, પરંતુ મોટા ભાગના બચી શક્યા હોત.”
હિપ્પીઓ ઘણીવાર અન્ય લોકોને હિપ્પી બની જવા પ્રોત્સાહિત કરતા હતા. કેટલાક ખુદને આધાર આપવા અને ભારતમાં કાયમ સ્થાયી થવાના માર્ગ શોધતા હતા.
તમે ધાર્મિક વિદ્વાન અને બીબીસીના પત્રકાર જ્હોન મુહમ્મદ બટ્ટની કથા વાંચી હશે.
તેઓ સાઠના દાયકામાં 'જ્હોન માઈકલ બટ્ટ'ના નામે હિપ્પી ટ્રેઇલનો હિસ્સો બન્યા હતા. પાકિસ્તાનમાં ઇસ્લામ અંગીકાર કર્યો હતો. પછી ભારતમાં ધાર્મિક શિક્ષણ લીધું હતું. ‘એક તાલિબ કી કહાનીઃ ધ લાઈફ ઑફ એ પશ્તુન ઈંગ્લિશમૅન’ નામે તેમનું સંસ્મરણ પુસ્તક પ્રકાશિત થયું છે.
સમીક્ષકો તે પુસ્તકને પશ્તુન જીવનનું એક અનોખું અને તેને અજવાળતું ઉદાહરણ માને છે. જ્હોન મુહમ્મદ બટ્ટની એ સંસ્મરણ કથા વાચકોને ઈંગ્લૅન્ડથી પાકિસ્તાનની સ્વાત ખીણ અને કેથલિક ધર્મથી ઇસ્લામ સુધીની સફર કરાવે છે.
જોકે, આ હિપ્પી ટ્રેઇલનો અંત કેવી રીતે આવ્યો?
રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું અને પશ્ચિમી પ્રવાસીઓ માટે સરહદ બંધ કરી દીધી ત્યારે 1979માં ક્લાસિક હિપ્પી ટ્રેઇલનો અંત આવ્યો હતો.
ઈરાનમાં 1979ની ઈસ્લામિક ક્રાંતિને પગલે આ જમીનમાર્ગ તત્કાળ બંધ થયો ન હતો, પરંતુ બસ કંપનીઓ કોઈ જોખમ લેવા તૈયાર ન હતી. ઈરાકે 1980માં ઈરાન પર આક્રમણ કર્યું પછી આ સેવા ટૂંક સમય માટે બંધ કરવામાં આવી હતી. બલૂચિસ્તાનથી દક્ષિણનો માર્ગ વાપરવાનું શક્ય રહ્યું ન હતું. લેબનોન પહેલાંથી જ ગૃહયુદ્ધમાં ડૂબેલું હતું. કાશ્મીરમાં તણાવ વધ્યો હતો અને નેપાળે બાદમાં શાંતિ ગુમાવી દીધી હતી.
તે ઓવરલૅન્ડ હિપ્પી ટ્રેઇલનો અંત હતો. વિમાન પ્રવાસ સસ્તો બની ગયો હતો અને ગોવા હિપ્પીઓનું કેન્દ્ર બની ગયું હતું. તેથી હવાઈ માર્ગે હિપ્પી ટ્રેઇલ ચાલુ રહી હતી.
ગોઈંદી લખે છે કે થોડાં વર્ષો પહેલાં તેમની મુલાકાત એક હિપ્પી યુગલ સાથે થઈ હતી. તે ઇટાલિયન યુગલ ઈસ્તંબૂલમાં હાગિયા સોફિયાની બાજુમાં રહસ્યમય પોશાકમાં જોવા મળ્યું હતું. તે ઇટાલિયન સૂફી દંપતીએ કહ્યું હતું કે લગ્ન પહેલાં તેઓ હિપ્પી હતાં.
એ યુગલે ઉમેર્યું હતું, “અમે ખાલી ખિસ્સે આખી દુનિયાનો પ્રવાસ કર્યો છે. અમે બંને એકમેકની સફરના સાથી બન્યાં છીએ. એક દિવસ હરે રામ હરે કૃષ્ણ તો બીજા દિવસે દમાદમ મસ્ત કલંદર જેવાં ગીતો ગાયાં છે.”
“એક દિવસ અમે મુસ્લિમ બની ગયાં. તેમ છતાં અમે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ છીએ. તેમાંથી સમય મળે તો વતન ઇટાલી આંટો મારી આવીએ છીએ. આખી દુનિયા અમારી જ છે.”