You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સનાતન ધર્મે મહાત્મા ગાંધીને અસ્પૃશ્યતા સામે લડવા પ્રેર્યા હતા?
- લેેખક, મયૂરેશ કોણ્ણૂર
- પદ, બીબીસી સંવાદદાતા
મધ્ય પ્રદેશમાં એક જાહેર સભામાં સનાતન ધર્મ વિવાદ બાબતે પોતાનું મૌન તોડતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી વિશે કહ્યું હતું, “...જે સનાતને તેમને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન ચલાવવા માટે પ્રેરિત કર્યા હતા...”
તો તાજેતરમાં ગુજરાતમાં પણ સાળંગપુર મંદિરમાં હનુમાનજીનાં શિલ્પચિત્રોના વિવાદ બાદ સનાતન ધર્મનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.
સનાતન ધર્મે મહાત્મા ગાંધીને અસ્પૃશ્યતાની પ્રથા સામે લડવાની પ્રેરણા આપી હતી તેવો વડા પ્રધાનનો દાવો સનાતન સંબંધી તે તર્કથી બિલકુલ ઊલટો છે, જે ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને આપ્યો હતો.
સનાતન ધર્મના વિવાદને મહાત્મા ગાંધી સાથે જોડીને વડા પ્રધાને આ મુદ્દાને રાજકીય રીતે વધુ ધારદાર બનાવી દીધો છે. તેને પગલે એવા સવાલ થઈ રહ્યા છે કે સનાતન ધર્મે જ્ઞાતિના પૂર્વગ્રહોને વેગ આપ્યો હતો કે પછી સનાતન ધર્મે સામાજિક સુધારાની પ્રેરણા આપી હતી?
તાજેતરમાં પ્રકાશિત પુસ્તક ‘કાસ્ટ પ્રાઈડઃ બેટલ્સ ફૉર ઇક્વાલિટી ઇન હિંદુ ઇન્ડિયા’ના લેખક મનોજ મિટ્ટા કહે છે, “મહાત્મા ગાંધીએ આમ તો રૂઢિવાદના સામના માટે ખુદને જાણીજોઈને એક સનાતની તરીકે પ્રસ્તુત કર્યા હતા,” પરંતુ અસ્પૃશ્યતા વિરુદ્ધ ઝુંબેશ ચલાવવાની પ્રેરણા તેમને સનાતન ધર્મમાંથી મળી હોવાના દાવા વિશે સવાલ જરૂર થઈ શકે.
મનોજ મિટ્ટા જણાવે છે કે 1920માં કૉંગ્રેસના નાગપુર અધિવેશનમાં અસ્પૃશ્યતા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો તેમાં મહાત્મા ગાંધીએ મોટી ભૂમિકા ભજવી હતી.
“મહાત્મા ગાંધીએ સમાજના એક વર્ગને અછૂત બનાવવા સંદર્ભે પુરાતનપંથીઓને આરોપીના પાંજરામાં ઊભા કર્યા હતા.”
અસ્પૃશ્યતા વિરુદ્ધનો કૉંગ્રેસનો તે ઐતિહાસિક પ્રસ્તાવ આ શબ્દો સાથે શરૂ થયો હતોઃ “હિંદુ સમાજની આગેવાની કરતા લોકોને અપીલ છે કે તેઓ હિંદુ ધર્મને અછૂત પ્રથાથી છુટકારો અપાવવાના વિશેષ પ્રયાસ કરે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ સમયે પ્રચલિત જ્ઞાતિગત ભેદભાવની ભયાનક તસવીર પ્રસ્તુત કરતા એ પ્રસ્તાવનો આ શબ્દો સાથે અંત આવ્યો હતોઃ કૉંગ્રેસ “સંપૂર્ણ સન્માન સાથે ધર્મગુરુઓને અપીલ કરે છે કે તેઓ સમાજના કચડાયેલા વર્ગ સાથે કરવામાં આવતા વર્તનમાં સુધારાની વધતી મહેચ્છાને સાકાર કરવામાં મદદ કરે.”
અસ્પૃશ્યતા બાબતે મહાત્મા ગાંધીના વિચાર ભલે સ્પષ્ટ હોય, પરંતુ મનોજ મિટ્ટા પુરાવા સાથે જણાવે છે કે મહાત્મા ગાંધી તેમની રાજકીય કારકિર્દીના મોટા હિસ્સા દરમિયાન જ્ઞાતિ વ્યવસ્થાના મૂળ એટલે કે વર્ણવ્યવસ્થામાં વિશ્વાસ કરતા રહ્યા હતા.
મહાત્મા ગાંધીએ 1924-25માં વાયકોમ વિદ્રોહને માત્ર એટલા માટે સમર્થન આપ્યું હતું કે તેમાં અછૂતો માટે મંદિર તરફ જતો માર્ગ ખોલવાની માગ કરવામાં આવી હતી. મંદિરમાં પ્રવેશની માગ કરવામાં આવી ન હતી.
મહાત્મા ગાંધી અને માલવિયા વચ્ચે મોટો વિવાદ
મનોજ મિટ્ટાના મતાનુસાર, “1932માં પુણે કરાર કર્યા પછી મંદિરોમાં દલિતોના પ્રવેશના અધિકાર બાબતે મહાત્મા ગાંધીના વિચાર બદલાયા હતા. એ કરાર હેઠળ અછૂતોએ અલગ ચૂંટણી વ્યવસ્થાનો અધિકાર છોડી દીધો હતો. વાસ્તવમાં એ અધિકાર તેમને લાંબી લડાઈ પછી મળ્યો હતો. એ પછી મહાત્મા ગાંધીને લાગવા માંડ્યું હતું કે તેના બદલામાં તેમણે પણ અછૂતો માટે કશુંક કરવું જોઈએ.”
ત્યારે પણ મહાત્મા ગાંધીએ અછૂતો માટે અવાજ ધીમે-ધીમે જ ઉઠાવ્યો હતો. તેમણે કહેલું કે દલિતો માટે મંદિરોના દરવાજા ખોલવાના પ્રસ્તાવનો અમલ અલગ-અલગ મંદિરો અનુસાર થવો જોઈએ અને તેનો નિર્ણય સ્થાનિક શ્રદ્ધાળુઓનો જનમત લીધા બાદ કરવો જોઈએ. તેને દલિતોને અધિકાર આપવાનો મામલો ગણવો ન જોઈએ.
મનોજ મિટ્ટા જણાવે છે કે, મહાત્મા ગાંધીએ દલિતોને મંદિરોમાં પ્રવેશનો અધિકાર આપવા માટે કાયદાકીય સુધારાને ટેકો આપ્યો ત્યારે તેમની મદનમોહન માલવીય સાથે ઉગ્ર દલીલો થઈ હતી.
મદનમોહન માલવીય મંદિર પ્રવેશના મુદ્દે કોઈ પણ પ્રકારની સરકારી દખલના વિરોધી હતા.
આમ તો મહાત્મા ગાંધીજીનો ટેકો ધરાવતા વિધેયકમાં અંતિમ નિર્ણય લેવાનું કામ ત્યારે પણ સવર્ણ હિંદુઓ પર છોડી દેવામાં આવ્યું હતું, પરંતુ મદનમોહન માલવીયે 1933ની 23 જાન્યુઆરીએ વારાણસીમાં સનાતન ધર્મ મહાસભા યોજીને તે વિધેયકનો વિરોધ કર્યો હતો.
ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને પગલે વિવાદ
તામિલનાડુના મુખ્ય મંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને થોડા સમય પહેલાં કહ્યું હતું કે, સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાનો વિરોધી છે. તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. સનાતન ધર્મ વિશેની તાજેતરની ચર્ચા સ્ટાલિનના આ નિવેદન પછી શરૂ થઈ છે.
ઉદયનિધિના આ નિવેદન બાબતે ભાજપ અને વિરોધ પક્ષના નેતાઓ વચ્ચે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે ત્યારે સવાલ એ છે કે સનાતન ધર્મ જ્ઞાતિવ્યવસ્થામાં માને છે અને તે સમાનતાની વિરુદ્ધ છે?
સનાતન ધર્મ બાબતે ચાલી રહેલા વિવાદ વિશે વરિષ્ઠ ભાષાવિજ્ઞાની અને માનવશાસ્ત્રી ડૉ. ગણેશ નારાયણદાસ દેવીનું કહેવું છે કે સમયની સાથે સનાતન ધર્મની પરિકલ્પના પણ બદલાતી રહી છે.
આ વાતને સમજાવતાં તેઓ કહે છે, “18મી સદીની શરૂઆતમાં બંગાળ ક્ષેત્રમાં એક ચર્ચાનો પ્રારંભ થયો હતો. તેમાં બે પક્ષ હતા. એક તરફ નૂતન વર્ગ હતો, જ્યારે બીજી તરફ સનાતનના સમર્થકો હતા. નૂતન વર્ગની માગણીમાં અંગ્રેજીમાં અભ્યાસ અને સતીપ્રથા તથા બાળવિવાહની પ્રથાને ખતમ કરવાનો સમાવેશ થતો હતો. બીજી તરફ સનાતનના સમર્થકોનું કહેવું હતું કે આ બધા સુધારાથી સમાજ દૂષિત થઈ જશે.”
તેઓ કહે છે, “બંગાળમાં એ ચર્ચા લગભગ ત્રણ દાયકા સુધી ચાલતી રહી હતી. એ પછી બંગાળમાં પુનર્જાગરણના યુગની શરૂઆત થઈ હતી. 18મી સદીમાં સનાતન શબ્દનો ઉપયોગ પ્રાચીન પરંપરા માટે કરવામાં આવતો હતો. એ પછીના દોરમાં તેમાં અનેક પરંપરા સામેલ થઈ ગઈ હતી. તેમાં વેદ, ઉપનિષદ, ધર્મગ્રંથ અને ધર્મ સંબંધી તમામ રિવાજ સામેલ થઈ ગયા હતા.”
ગણેશ દેવીના કહેવા મુજબ, સનાતનની પરંપરાઓ લગભગ દોઢ હજાર વર્ષ પુરાણી છે, પરંતુ સનાતન કોઈ એક પરંપરા કે વ્યાખ્યામાં વિશ્વાસ રાખતો વિચાર ન હતો. 18મી સદીમાં એ પૈકીની એક પરંપરા એટલે કે જ્ઞાતિવ્યવસ્થાને સનાતન સાથે મજબૂત રીતે જોડી દેવામાં આવી હતી.
સનાતન ધર્મ, જ્ઞાતિવ્યવસ્થા અને 19મી-20મી સદીમાં ઊથલપાથલ
સનાતન ધર્મ બાબતે છેડાયેલી ચર્ચાના કેન્દ્રમાં ઉદયનિધિ સ્ટાલિનનું એ નિવેદન છે, જેમાં તેમણે સનાતનને સામાજિક ન્યાય તથા સમાનતાના અધિકારનો વિરોધી ગણાવ્યો હતો.
19મી અને 20મી સદીમાં સમાજસુધારાના આંદોલનોએ વેગ પકડ્યો ત્યારે કેટલાક સમુદાય વચ્ચે એવાં જૂથ ઊભર્યાં હતાં, તેઓ પોતાને સનાતન અથવા સુધારક કહેતા હતા.
ડૉ. ગણેશ દેવીના વિશ્લેષણથી જાણવા મળે છે કે આધુનિક યુગની આ ચર્ચાનો મુખ્ય મુદ્દો જ્ઞાતિવ્યવસ્થા અને તેને લીધે સર્જાતી અસમાનતા હતી. અલગ-અલગ વિસ્તારોમાં એ સવાલોના જવાબ શોધવાના પ્રયાસ પણ અલગ-અલગ પ્રકારના હતા.
ચેન્નાઈનાં સામાજિક કાર્યકર અને લેખિકા વી. ગીતા સામાજિક આંદોલનોના ઐતિહાસિક સંદર્ભ પરના સંશોધનનાં નિષ્ણાત છે.
તેમના કહેવા મુજબ, સનાતન ધર્મ વાસ્તવમાં જ્ઞાતિઆધારિત વ્યવસ્થા છે. તે જ્ઞાતિવ્યવસ્થા વગર પણ જેનું અસ્તિત્વ ટકી રહે તેવો કોઈ ધર્મ કે આસ્થા નથી. સનાતન ધર્મને જ્ઞાતિવ્યવસ્થા સાથે કોઈ સંબંધ જ નથી એવું પણ નથી.
પોતાની વાત આગળ વધારતાં વી. ગીતા કહે છે, “સનાતન શબ્દ પોતાની સચ્ચાઈ જાતે જ જણાવે છે. સનાતનનો અર્થ છે – શાશ્વત, સ્થાયી. 19મી સદીમાં જૂની હિંદુ પરંપરાઓમાં લોકોની દિલચસ્પી બહુ વધી ગઈ ત્યારે સનાતનની પરિકલ્પનાને નવી તાકાત મળી હતી. સમગ્ર દેશમાં સનાતન ધર્મસભાઓની સ્થાપના કરવામાં આવી હતી.”
“આ બધાં સંગઠનો પુરાણા અને રૂઢિવાદી દૃષ્ટિકોણના સમર્થક હતા. જ્ઞાતિ આધારિત અસમાનતાને વાજબી ગણાવીને કોઈને કોઈ રીતે જ્ઞાતિવ્યવસ્થાનું સમર્થન કરતા હતા. આ સનાતન સભાઓ હિંદુ ધર્મની એક જ છબી પ્રસ્તુત કરતી હતી, જેનો અર્થ એ હતો કે તેઓ પોતાને અન્ય ધર્મો સામે, ખાસ કરીને ઉત્તર ભારતમાં ઇસ્લામ સામે ઊભા કરતા હતા, પરંતુ દક્ષિણ ભારતમાં સનાતન શબ્દ કેટલાક બૌદ્ધિક બ્રાહ્મણોમાં જ લોકપ્રિય હતો.”
રાકેશ સિન્હા કહે છે, “સમાજમાં તમામ પ્રકારના સંપ્રદાય, જીવનશૈલીઓ અને વિવિધતા સતત વિકસિત થતી રહે છે. કોઈ પણ તેનો વિરોધ કરતું નથી. તેથી સનાતન અને હિંદુ ધર્મ વચ્ચે ભેદ પાડવો તે મૂળભૂત રીતે ખોટું છે, કારણ કે હિંદુ ધર્મનું મૂળ તત્ત્વ જ સનાતન ધર્મ છે.”
રાજ્યસભાના સાંસદ અને આરએસએસના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારના જીવનચરિત્રના લેખક ડૉ. રાકેશ સિન્હા એ દાવાને ખોટો ગણાવે છે કે સનાતન ધર્મ, જ્ઞાતિ વ્યવસ્થાનું સમર્થન કરતો રહ્યો છે. તેઓ કહે છે, “સનાતન તો સતત પ્રગતિવાદી પ્રક્રિયા છે. સમાનતા, સૌહાર્દ અને વિવિધતા સનાતન ધર્મનાં મૂળભૂત તત્ત્વો છે.”
જ્ઞાતિવ્યવસ્થા અને જ્ઞાતિના આધારે ભેદભાવનો આમ તો જોરદાર વિરોધ થતો રહ્યો છે, પરંતુ સનાતન ધર્મ જ્ઞાતિવ્યવસ્થાનું સમર્થન કરે છે એ દાવા વિશે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નું શું કહેવું છે.
19મી સદીમાં જ્ઞાતિવ્યવસ્થાના વિરોધે સામાજિક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મહાત્મા જ્યોતિબા ફૂલેએ જ્ઞાતિ આધારિત અસમાનતાના વિરોધમાં જોરદાર અવાજ ઉઠાવ્યો હતો અને “સાર્વજનિક સત્યધર્મ”ને તેના વિકલ્પ તરીકે પ્રસ્તુત કર્યો હતો. ડૉ. ભીમરાવ આંબેડકર જ્ઞાતિગત ભેદભાવ સામે નિર્ણાયક લડાઈ લડ્યા હતા.
જ્ઞાતિ આધારિત વ્યવસ્થા વિરુદ્ધ સમાનતાનો અધિકાર માગવાના આંદોલન દેશના દરેક ક્ષેત્રમાં ઊભર્યાં હતાં. દાખલા તરીકે, મહારાષ્ટ્રમાં વારકરી પરંપરાએ આધ્યાત્મિક ક્ષેત્રમાં સમાનતા સ્થાપવાના પ્રયાસ કર્યા હતા.
જ્ઞાતિવ્યવસ્થા વિકસવાની સાથે તેમાં જડતા પ્રવેશી અને તેનાથી સમાજમાં વ્યાપક અસમાનતા ફેલાઈ. તેનો વિરોધ થવા લાગ્યો, કારણ કે આ વ્યવસ્થામાં કેટલીક જ્ઞાતિઓએ ખુદને સમાજમાં ઊંચો દરજ્જો આપ્યો હતો અને તેઓ બીજા પર જુલમ કરવા લાગ્યા હતા.
ડૉ. ગણેશ દેવી કહે છે, “જ્ઞાતિ અને વર્ણની પરિકલ્પના બિલકુલ અલગ છે. સનાતન યુગમાં લખાયેલા પ્રાચીન ગ્રંથોમાં વર્ણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વર્ણને અર્થ વર્ગ છે, જ્ઞાતિ નહીં. વર્ણાશ્રમ વ્યવસ્થા એક છદ્મ આધ્યાત્મિક આધારે સામાજિક વર્ગીકરણનો પ્રયાસ હતી, જે પુનરાવતારની પરિકલ્પના પર આધારિત હતી. જોકે, જ્ઞાતિવ્યવસ્થા વ્યવસાય પર આધારિત હતી અને તેનો કોઈ આધ્યાત્મિક આધાર ન હતો. તેને કોઈ દૈવી, વૈદિક કે ઉપનિષદ તરફથી સ્વીકૃતિ મળી ન હતી.”
આરએસએસનું વલણ શું છે?
રાકેશ સિન્હા ભલે એવું કહે કે સનાતન ધર્મમાં સમાનતાનો વિચાર નિહિત છે, પરંતુ આરએસએસએ સનાતન ધર્મની વ્યાખ્યા અને તે બાબતે હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે જ્ઞાતિની સચ્ચાઈનો સ્વીકાર કરી લીધો હોય એવું લાગે છે.
સનાતન ધર્મ વિશેના ઉદયનિધિના નિવેદન બાબતે ધમાલ થઈ ત્યારે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે સાતમી સપ્ટેમ્બરે નાગપુરમાં એક ભાષણમાં કહ્યું હતું, “આપણા આપણા સાથી મનુષ્યોને 2,000 વર્ષ સુધી દબાવી રાખ્યા હતા. જે સમાજના કેટલાક વર્ગોએ 2,000 વર્ષ સુધી અન્યાયનો સામનો કર્યો હોય ત્યાં આપણે અન્યોને તેમના માટે 200 વર્ષ સુધી થોડું કષ્ટ સહન કરવા માટે શા માટે ન કહી શકીએ.”
મોહન ભાગવતના આ નિવેદનને પૉલિટિકલ સાયન્ટિસ્ટ સુહાસ પલશિકર વિરોધાભાસ તરીકે જુએ છે.
પોતાની વાત સમજાવતાં તેઓ કહે છે, “જે લોકો સનાતન ધર્મ વિશે જોરશોરથી વાતો કરે છે તેમને, ઉદયનિધિએ સનાતન ધર્મનો આકરો વિરોધ કર્યો ત્યારે બહુ પરેશાની થઈ. તેઓ સનાતન ધર્મની તરફેણમાં તો બોલે છે, પરંતુ જ્ઞાતિવ્યવસ્થાને કારણે સમાજ પર ઠોકી બેસાડવામાં આવેલી અસમાનતાને પણ સ્વીકારે છે. તેમના પાસે વર્તમાન જ્ઞાતિવ્યવસ્થાનું કોઈ નિરાકરણ નથી. એ કારણસર જ મોહન ભાગવત, એક બાજુ જ્ઞાતિના આધારે અનામતની તરફેણ કરે છે, જ્યારે બીજી તરફ સનાતન ધર્મનું સમર્થન પણ કરે છે.”
સનાતન ધર્મના મુદ્દે છેડાયેલી આ ચર્ચા ત્રણ રાજ્યોમાં થનારી ચૂંટણીમાં ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચેની રાજકીય તકરારનો એક મોટો મુદ્દો નિશ્ચિત રીતે બનશે.
હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મધ્ય પ્રદેશની ચૂંટણી પહેલાં આ મુદ્દાને વેગ આપ્યો છે. તેનાથી એટલું નક્કી થઈ ગયું છે કે હવે ચૂંટણી સભાઓ અને ભાષણોમાં આ મુદ્દો છવાયેલો રહેશે.