હ્યુમન રાઇટ્સ વૉચના ‘વર્લ્ડ રિપોર્ટ 2024’માં ભારતમાં માનવાધિકાર મામલે ગંભીર આરોપ

માનવાધિકાર માટે કામ કરતા સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે ભારત સરકાર પર ધાર્મિક લઘુમતી વિરુદ્ધ ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે.

હ્યુમન રાઇટ્સ વૉચે ‘વર્લ્ડ રિપોર્ટ 2024’માં માનવાધિકાર મોરચે ભારતનાં વલણ અને નીતિઓ અંગે ગંભીર આરોપ કર્યા છે.

ગુરુવારે જાહેર કરાયેલ વર્લ્ડ રિપોર્ટ 2024માં સંગઠને કહ્યું છે કે અધિકારોના સન્માન કરનારા લોકતંત્ર સ્વરૂપે વૈશ્વિક નેતૃત્વનો ભારત સરકારનો દાવો આનાથી નબળો પડ્યો છે.

હ્યુમન રાઇટ્સ વૉચ લગભગ 100 દેશોમાં માનવાધિકારો સાથે સંકળાયેલી નીતિઓ અને કાર્યવાહી પર નજર રાખે છે. તેના આધારે જ એ પોતાનો એક વાર્ષિક વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરે છે.

740 પાનાંના પોતાના રિપોર્ટમાં સંગઠને મણિપુરમાં થયેલા વંશીય ઘર્ષણથી માંડીને દિલ્હીના જંતરમંતરમાં મહિલા પહેલવાનોના વિરોધપ્રદર્શન અને જમ્મુ-કાશ્મીરની સ્થિતિનો ઉલ્લેખ કર્યો છે.

ભારત આ પ્રકારના રિપોર્ટોને ભૂતકાળમાં રદિયો આપતું આવ્યું છે. હ્યુમન રાઇટ્સ વૉચના હાલના આ રિપોર્ટ અંગે સરકારની પ્રતિક્રિયા નથી આવી.

રિપોર્ટમાં શું છે?

હ્યુમન રાઇટ્સ વૉચનું કહેવું છે કે ગત વર્ષે ભારતમાં માનવાધિકારોનાં દમન અને ઉત્પીડનની ઘણી ઘટનાઓ બની છે.

સંગઠને પોતાના નિવેદનમાં ભારતમાં ભાજપના નેતૃત્વવાળી સરકારને હિંદુ રાષ્ટ્રવાદી સરકાર ગણાવી છે.

સાથે જ કહ્યું છે કે સરકારે ગત વર્ષે સામાજિક કાર્યકરો, પત્રકારો, વિપક્ષના નેતા અને સરકારના ટીકાકારોની ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર આ લોકો પર આતંકવાદ સહિત રાજકારણથી પ્રેરિત આરોપ લગાવાયા છે.

રિપોર્ટ અનુસાર, “દરોડા પાડીને કથિત આર્થિક અનિયમિતતાના આરોપ અને બિનસરકારી સંગઠનોને મળી રહેલી આર્થિક મદદ માટે બનાવાયેલા ફોરેન કૉન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન કાયદાનો ઉપયોગ કરીને પત્રકારો, સામાજિક કાર્યકરો, ટીકાકારોને પરેશાન કરાયા.”

સંગઠનનાં એશિયા ઉપનિદેશક મીનાક્ષી ગાંગુલીએ કહ્યું, “ભાજપ સરકારની ભેદભાવપૂર્ણ અને વિભાજનકારી નીતિઓને કારણે લઘુમતી વિરુદ્ધ હિંસાના કિસ્સામાં વધારો થયો છે. આના કારણે ભયનો માહોલ બન્યો છે, સરકારની ટીકા કરનારામાં ડર પેદા થયો છે.”

ગાંગુલીએ કહ્યું, “પરેશાન કરનારી વાત એ રહી કે સરકારી તંત્રે આના માટે જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવાના સ્થાને પીડિતોને સજા કરી અને સવાલ ઉઠાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરી.”

રિપોર્ટમાં કઈ કઈ ઘટનાઓનો ઉલ્લેખ

બીબીસીની ઑફિસ પર દરોડા

રિપોર્ટમાં ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં બીબીસીની ઑફિસો પર પડેલા દરોડાથી માંડીને મણિપુરમાં હિંસા અને પાટનગરમાં મહિલા પહેલવાનોનાં વિરોધપ્રદર્શનોની વાત કરી છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે બે ભાગમાં જાહેર કરાયેલી એક ડૉક્યુમૅન્ટરી અંગે સરકારે દિલ્હી અને મુંબઈની બીબીસીની ઑફિસો પર દરોડા પાડ્યા.

ડૉક્યુમૅન્ટરીમાં એ વાતનો ઉલ્લેખ કરાયો હતો કે નરેન્દ્ર મોદીની સરકાર મુસ્લિમોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.

આઇટી કાયદા અંતર્ગત મળેલી ઇમર્જન્સી સત્તાનો ઉપયોગ કરીને સરકારે આ ડૉક્યુમૅન્ટરીને ભારતમાં બ્લૉક કરી દીધી હતી.

બીબીસીએ “ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન” નામે બે એપિસોડની એક ડૉક્યુમૅન્ટરી બનાવી હતી. તેનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીના રોજ બ્રિટનમાં પ્રસારિત થયો હતો તેમજ બીજો એપિસોડ 24 જાન્યુઆરીના રોજ પ્રસારિત કરાયો હતો.

પ્રથમ એપિસોડમાં નરેન્દ્ર મોદીની પ્રારંભિક રાજકીય કારકિર્દી બતાવાઈ હતી, જેમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આગળ પડતા નેતા બનીને ગુજરાતના મુખ્ય મંત્રીના પદ સુધી પહોંચે છે.

નૂંહમાં સાંપ્રદાયિક હિંસા

હ્યુમન રાઇટ્સ વૉચના રિપોર્ટમાં કહેવાયું છે કે જુલાઈમાં હરિયાણાના નૂંહમાં હિંદુ ધર્મને માનનારા અમુક લોકોએ એક સરઘસ કાઢ્યું હતું, જે બાદ વિસ્તારમાં ખૂબ ઝડપથી હિંસા ફેલાઈ હતી.

રિપોર્ટ અનુસાર સરકારે મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી કરીને ઘણા મુસ્લિમોની સંપત્તિ તોડી પાડી અને તેમની ધરપકડ કરી લીધી.

રિપોર્ટ અનુસાર 31 જુલાઈના રોજ નૂંહમાં બજરંગદળે ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં બજરંગદળના કાર્યકરોએ ભાગ લીધો હતો.

યાત્રા નૂંહમાં મંદિરથી આગળ પહોંચી ત્યારે અચાનક જ પથ્થરમારો શરૂ થઈ ગયો અને જોતજોતામાં આગચંપીની ઘટનાઓ પણ થવા માંડી.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભીડે શહેરના રસ્તા અને મંદિરની બહાર ગોળીઓ ચલાવી. ભારે સંખ્યામાં લોકો મંદિરમાં ફસાયેલા રહ્યા, જેમને તંત્રની મદદથી બહાર કઢાયા.

રિપોર્ટ અનુસાર મામલો એટલો વધી ગયો કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ભાજપના નેતૃત્વવાળી હરિયાણા સરકારને આ મામલે આકરા સવાલ કર્યા.

મણિપુરમાં હિંસા

ગત વર્ષે મે માસમાં દેશના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ત્યાંના બહુમતી ધરાવતા વર્ગ મૈતેઈ અને લઘુમતી કુકી સમુદાયો વચ્ચે ભીષણ હિંસા શરૂ થઈ ગઈ. ઘણાં અઠવાડિયાં સુધી ચાલેલી હિંસામાં લગભગ 200 લોકોનાં મૃત્યુ થયાં, હજારો વિસ્થાપિત થયા અને સેંકડો ઘરો અને ચર્ચોને નષ્ટ કરી દેવાયાં.

હિંસા ચાલુ રહેવાને કારણે આ વિસ્તારમાં ઘણા સમય સુધી ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ લદાયેલો રહ્યો.

રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રદેશના મુખ્ય મંત્રી એન. બીરેનસિંહે કુકી સમુદાયના લોકો પર કથિતપણે નશાની તસ્કરી અને મ્યાનમારથી આવતા લોકોને આશરો આપવાનો આરોપ લગાવ્યો અને એક પ્રકારે હિંસાને પ્રોત્સાહિત કરી.

રિપોર્ટમાં કહેવાયું છે કે ગત વર્ષે બે મેના રોજ તેમણે કહેલું કે મણિપુર મ્યાનમારથી ભારે સંખ્યામાં આવેલા ગેરકાયદેસર પ્રવાસીઓના ખતરાનો સામનો કરી રહ્યું છે. તે બાદ 3 મેના રોજ હિંસા શરૂ થઈ ગઈ.

રાજ્યમાં મુખ્ય મંત્રી બીરેનસિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારનો આ સતત બીજો કાર્યકાળ છે.

ખરેખર મણિપુરનું બહુમતી મૈતેઈ સમુદાય પોતાના માટે અનુસૂચિત જનજાતિનો દરજ્જો ઇચ્છે છે. પરંતુ પહાડ પર વસેલા કુકી અને નાગા જનજાતિઓ આના વિરોધમાં છે.

હાલમાં જ મણિપુર હાઇકોર્ટે મૈતેઈ ટ્રાઇબ યુનિયનની એક અરજી પર સુનાવણી કર્યા બાદ રાજ્ય સરકારને આ મુદ્દા અંગે વિચારવાનું કહ્યું હતું.

આના વિરોધમાં 3 મેના રોજ ઑલ ઇન્ડિયા ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયને ચુરાચાંદપુરમાં ‘આદિવાસી એકતા માર્ચ’ નામે એક રેલી કાઢી અને આ બનાવ બાદથી જ હિંસા ભડકી ઊઠી.

મામલો સંસદમાં પણ ગુંજ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્થિતિ રાજ્ય પોલીસના ‘નિયંત્રણમાં નથી.’ કોર્ટે હિંસા અને એ દરમિયાન થયેલી યૌન હિંસાના મામલામાં તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના કરવાનું પણ કહ્યું.

આ મામલા અંગે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ચિંતા વ્યક્ત કરાઈ અને સંગઠને કહ્યું કે મણિપુરમાં મહિલાઓ અને છોકરીઓને નિશાન બનાવીને થયેલી યૌન હિંસાનાં સમાચાર અને તસવીરો ચિંતાજનક છે.

જમ્મુ-કાશ્મીરનો મામલો

હ્યુમન રાઇટ્સ વૉચે પોતાના રિપોર્ટમાં જમ્મુ-કાશ્મીરમાં અભિવ્યક્તિની અને વિરોધપ્રદર્શનની સ્વતંત્રતા પર કથિત પાબંદીનો ઉલ્લેખ કર્યો છે.

રિપોર્ટમાં સુરક્ષા દળના હાથે કથિત ઍક્સ્ટ્રા જ્યુડિશિયલ મોતો વિશે પણ વાત કરાઈ છે.

5 ઑગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણના આર્ટિકલ 370ને ખતમ કરી દેવાયો હતો અને પ્રદેશનું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ એમ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરી દેવાયું હતું.

ઑગસ્ટ 019થી પોતાના ઘરમાં કથિતપણે નજરબંધ કરાયેલા જમ્મુ-કાશ્મીરમાં હુર્રિયત કૉન્ફરન્સના ચૅરમૅન મીરવાઇઝ ઉમર ફારૂકની ચાર વર્ષ મુક્તિ થઈ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે આ દરમિયાન ત્યાંથી સામાન્ય લોકોનાં મૃત્યુના સમાચાર આવતા રહ્યા.

ડિસેમ્બરમાં પુંછ જિલ્લામાં ઉગ્રવાદી હુમલા બાદ સેનાએ પૂછપરછ માટે નવ લોકોને ‘ઉઠાવ્યા’ હતા. તે પૈકી ત્રણનાં સંદિગ્ધ અવસ્થામાં મૃત્યુ થયાં.

રસ્તા પર મહિલા પહેલવાન

ગત વર્ષે દેશના મીડિયામાં કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ મહિલા પહેલવાનોનું વિરોધપ્રદર્શન ચર્ચાના કેન્દ્રમાં રહ્યું.

રિપોર્ટમાં કહેવાયું છે કે મહિલા પહેલવાનોનો આરોપ હતો કે મહાસંઘના અધ્યક્ષપદે રહેતા બ્રિજભૂષણસિંહે એક દાયકા સુધી યૌન ગેરવર્તન કર્યું. જેમાં ઑલિમ્પિક મેડલવિજેતા મહિલા ખેલાડીઓ પણ સામેલ હતાં.

હ્યુમન રાઇટ્સ વૉચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સરકારે બ્રિજભૂષણસિંહને બચાવવાની કોશિશ કરી.

રિપોર્ટમાં કહેવાયું છે કે બ્રિજભૂષણ વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી રહેલાં મહિલા પહેલવાનોના વિરોધપ્રદર્શનને બળજબરીપૂર્વક ખતમ કરી દેવાયું અને તેમની સાથે ગેરવર્તન કરાયું.

વર્ષના અંતે ભારતીય કુશ્તી સંઘની ચૂંટણીનાં પરિણામ આવ્યાં, જેમાં સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણસિંહના નિકટ મનાતા સંજયસિંહ સંઘના અધ્યક્ષ ચૂંટાયા.

તે બાદ એક મહિલા પહેલવાને પ્રેસ કૉન્ફરન્સ કરીને કુશ્તી છોડવાની વાત કરી અને પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન પોતાનાં પગરખાં ટેબલ પર છોડી દીધાં.

કેટલાક અન્ય પહેલવાનોએ તેમને સરકાર પાસેથી મળેલાં સન્માન પરત કરવાની વાત કરી.

તે બાદ કેન્દ્રીય રમતગમત મંત્રાલયે કાર્યવાહી કરીને કુશ્તી સંઘની નવી ચૂંટાયેલી કારોબારીને સસ્પેન્ડ કરી દીધી.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત સરકારે ગત વર્ષે દેશમાં ડિજિટલ સુવિધાઓ વધારવા માટે કામ કર્યું અને પ્રયત્ન કર્યા કે આ સુવિધાઓ સામાન્ય લોકો સુધી પહોંચી શકે પરંતુ ઇન્ટરનેટ પર પાબંદીઓ અને ડેટા પ્રોટેક્શનની કમી આ હેતુને પ્રાપ્ત કરવામાં મોટો પડકાર સાબિત થઈ. સાથે જ ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચ પણ મોટી સમસ્યા રહી.

હ્યુમન રાઇટ્સ વૉચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતે આ વર્ષે જી20નું અધ્યક્ષપદ સંભાળ્યું અને જી20 સંમેલનનું આયોજન કર્યું. ભારતના પ્રયત્નોથી આ સંગઠનને સમાવેશી બનાવવા માટે આફ્રિકન સંઘને તેનું સ્થાયી સભ્યપદ આપ્યું.