ગુજરાત: 12 વર્ષમાં 125 મહિલા રેપ બાદ ગર્ભવતી બની, કયા જિલ્લામાં સૌથી વધુ કેસ?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

“બળજબરીના કિસ્સામાં દીકરી ભલે પાંચ વર્ષની હોય કે 50ની અંતે તો વાંક દીકરી અને તેના ઘરનાનો જ કાઢવામાં આવે, એવી માનસિકતા મને મારા અનુભવ દરમિયાન જોવા મળી છે.”

“જ્યારે કોઈ દીકરી સાથે બળાત્કારની ઘટના બને ત્યારે સમાજમાં બધા એવું જ વિચારવા લાગે છે કે એ તો ખરાબ છોકરી હતી. કોઈ છોકરા પર આળ નથી નાખતું. હંમેશાં છોકરીને જ ખરાબ ચીતરવામાં આવે છે.”

“જ્યારે બળાત્કારની ઘટના બને છે ત્યારે સમાજના લોકો સંવેદનશીલતાને નેવે મૂકી એટલું જ કહે છે કે ફલાણાની છોકરી સાથે આવું થયું. કોઈ એવું નથી કહેતું કે ફલાણાના છોકરાએ છોકરી પર બળાત્કાર કર્યો. ઘણી વાર તો સત્તાધીશો પણ સર્વાઇવરે માત્ર વળતરનાં નાણાં માટે પોતાની સાથે આવું કૃત્ય થવા દીધું હોવાનો આળ નાખતા પણ ખચકાતા નથી.”

ગુજરાતમાં મહિલાકેન્દ્રી પ્રવૃત્તિઓમાં જોતરાયેલી સંસ્થા આનંદીના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પ્રૅક્ટિસ લીડ તરીકે કાર્યરત સીમા શાહ અને અરવલ્લી જિલ્લામાં બાળકો અને સ્ત્રીઓના અધિકારો માટે ઝઝૂમતાં સમાજસેવિકા સમીમબહેન બાકરોલિયા રેપ સર્વાઇવર પ્રત્યે સમાજમાં રહેલી અસંવેદનશીલતા અને સ્ત્રીઓને ગુનેગાર ચીતરવાના ચિંતાજનક વલણ અંગે કંઈક ઉપરોક્ત વાત કરે છે.

ગુજરાત રાજ્યમાં પાછલાં 12 વર્ષમાં રેપ બાદ સર્વાઇવર ગર્ભવતી બની હોય એવા કુલ 125 કિસ્સા સામે આવ્યા છે.

બીબીસી ગુજરાતીને માહિતી અધિકારની અરજીના જવાબમાં આ આંકડા મળ્યા છે.

મહિલા અધિકારોનાં હિમાયતી અને સમાજસેવકો આ આંકડાને ‘ચોંકાવનારા’ અને ‘આંખ ઉઘાડનારા’ ગણાવે છે.

રેપના કિસ્સામાં સમાજની માનસિકતા અંગે જણાવતાં સમીમબહેન આગળ કહે છે કે, “જો આવા કિસ્સામાં દીકરી ગર્ભવતી થઈ જાય તો સમાજ તરફથી આખા કુટુંબનું જીવન સમાપ્ત થઈ ગયું હોય એવી ભાવનાને ઉત્તેજિત કરાય છે.”

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ‘અવારનવાર રેપ બાદ સર્વાઇવર પ્રેગનન્ટ થયાં હોવાના કિસ્સા સામે આવતા રહે છે.’

ગુજરાતમાં બનેલા રેપ બાદ ગર્ભવતી બન્યાના કિસ્સા અંગે સરકારી વિભાગોની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ગુજરાત સરકારના ગૃહરાજ્યમંત્રી, ન્યાય મંત્રાલય અને મહિલા અને બાળવિકાસ મંત્રાલય સહિતના ત્રણ વિભાગોનો ફોન દ્વારા સંપર્ક સાધી શકાયો નહોતો. ઉપરાંત સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ ઇમેઇલ ઍડ્રેસ દ્વારા સંપર્ક સ્થાપિત કરી શકાયો નહોતો.

ઘણી વાર અખબારો અને અન્ય સમાચાર માધ્યમોમાં આવી ઘટનાને લગતા સમાચારો સામે આવતાં રહે છે.

કેટલીક વાર રેપ સર્વાઇવર અને તેમના કુટુંબના લોકોએ રેપ બાદ રહેલ ગર્ભ દૂર કરાવવાના આશયથી કોર્ટની શરણે પણ જવું પડે છે. કેટલાક કિસ્સામાં ગર્ભપાતની મંજૂરી અપાય છે તો કેટલાકમાં સર્વાઇવરે ‘મજબૂર બનીને બાળકને જન્મ આપવો પડે છે.’

બીબીસી ગુજરાતીએ આ પ્રકારના કિસ્સા જોઈને આવી ઘટનાઓને પ્રકાશમાં લાવવાના હેતુસર માહિતી અધિકાર કાયદો, 2005 અંતર્ગત પોલીસ અને અન્ય સક્ષમ સત્તામંડળમાં અરજી કરી હતી.

આવા કિસ્સામાં મહિલાઓ અને સ્ત્રીઓને મદદ કરતા સમાજસેવકોનું માનીએ તો આવા ઘણા કિસ્સામાં મહિલાઓ ખાનગીપણે કે રાજ્યની મદદથી ગર્ભપાત કરાવે છે પરંતુ કેટલાક કિસ્સામાં ગર્ભપાતની મંજૂરી ન અપાતા મહિલાઓએ આ ‘વણજોઈતા ગર્ભને પૂરા સમય માટે રાખી અંતે બાળકને જન્મ આપવો પડે છે.’ આવા, કિસ્સામાં કેટલાંક રેપ સર્વાઇવર સગીરા પણ હોય છે.

માહિતી અધિકારની અરજીના જવાબમાં શું સામે આવ્યું?

બીબીસી ગુજરાતીએ કરેલી માહિતી અધિકારની અરજી શરૂઆતમાં રાજ્યના જુદા જુદા જિલ્લા પોલીસવડાની કચેરીમાં તબદીલ કરાઈ હતી. જે બાદ આગળ જુદાં જુદાં પોલીસ સ્ટેશનોમાં અરજી મોકલી કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી.

રાજ્યના કુલ 33 જિલ્લામાંથી 16 જિલ્લાની જુદી જુદી પોલીસ ઑથૉરિટીએ લગભગ 200 કરતાં વધુ પાનાંના જવાબ મોકલાવ્યા હતા. જેના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું હતું કે તમામ 16 જિલ્લા પૈકી રાજકોટમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ એટલે કે 26 રેપ બાદ ગર્ભવતી બન્યાના કિસ્સા સામે આવ્યા હતા.

આ યાદીમાં નવસારી જિલ્લો 24 આવા કિસ્સા સાથે બીજા ક્રમે હતો. જ્યારે અમદાવાદ શહેરનાં અમુક પોલીસ સ્ટેશનોમાંથી મળેલી માહિતી પરથી સામે આવ્યું હતું કે ક્ષેત્રમાં આવા કુલ 15 કિસ્સા નોંધાયા હતા.

અહીં એ નોંધનીય છે કે ઘણા જિલ્લાનાં ઘણાં પોલીસ સ્ટેશનોમાંથી કાં તો માહિતીને સંવેદનશીલ ગણાવીને આપવાનો ઇનકાર કર્યો હતો, તેમજ કેટલાકે અરજીનું મર્યાદિત વિશ્લેષણ કરીને જે તે પોલીસ સ્ટેશનમાં માત્ર મહિલા વિરુદ્ધ રેપ અને શારીરિક શોષણના ગુનાની માહિતી આપી હતી, પરંતુ આ ગુનાના પરિણામે ગર્ભવતી થયાના કિસ્સા અંગે જણાવ્યું નહોતું.

આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું હતું કે રેપ બાદ ગર્ભવતી બન્યાના કિસ્સા પૈકી ‘સ્પષ્ટપણે’ સગીરાના કિસ્સા તરીકે દર્શાવેલ 36 કિસ્સા હતા.

મહિલાઓના અધિકારો માટે ઝઝૂમતા કાર્યકરો પ્રમાણે આ તમામ આંકડા રાજ્યમાં રેપ બાદ ગર્ભવતી બનવાના કિસ્સાને લઈને ‘સંપૂર્ણ ચિત્ર રજૂ કરતા નથી.’

તેમના મતાનુસાર અસલ આંકડો ‘ખૂબ મોટો હોઈ શકે છે.’ અને આ આંકડો તો માત્ર ‘પર્વતની ટોચ સમાન છે.’

‘માંડ માંડ થાય છે ફરિયાદ, સંવેદનશીલતાનો અભાવ’

ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વર્ષ 2023માં એક સગીરા સાથે ઘણા દિવસ સુધી બળજબરી કરાયા બાદ સગીરા ગર્ભવતી થયાનો મામલો સામે આવ્યો હતો.

ગરીબ પરિવારની સગીરા સાથે બનેલા આ અપરાધને કારણે પરિવાર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયો હતો.

આ સમગ્ર મામલામાં સગીરાના પરિવારની મદદ કરનાર સમાજસેવિકા સમીમબહેને કેસની વિગતો આપતાં કહ્યું : “જાન્યુઆરી 2023ની એક રાત્રે લગભગ 15 વર્ષની સગીરાનું વિસ્તારના જ એક યુવકે અપહરણ કર્યું હતું. જે બાદ ચાર માસ સુધી તેની સાથે બળાત્કાર કરાયો હતો.”

આ સમગ્ર બનાવ બાદ પરિવારે ફરિયાદથી માંડીને દીકરીની શોધખોળમાં ‘અપાર મુશ્કેલીઓ’ વેઠવી પડી હોવાનું સમીમબહેન જણાવે છે.

તેઓ કહે છે કે, “આ કિસ્સામાં પોલીસે પહેલાં તો ફરિયાદ નહોતી લીધી. પરંતુ જ્યારે સમાજસેવિકા બહેનોએ પોલીસ સ્ટેશનમાં ભેગા થઈને માગણી કરી અને ઉપરી અધિકારીને રજૂઆત કરી ત્યારે જઈને ફરિયાદ લેવાઈ હતી.”

આ કિસ્સા અંગે વધુ માહિતી આપતાં તેઓ કહે છે કે દીકરીને શોધાયા બાદ તેની તપાસ કરાતા તેને આઠ અઠવાડિયાંનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મોડાસા સ્પેશિયલ પોક્સોના હુકમથી સગીરાનું ગર્ભપાત કરાયું હતું.

સમીમબહેન કહે છે કે, “જે કુટુંબમાં આવું બને છે એની મન:સ્થિતિની વાત કરીએ તો તેમના દેહમાંથી જીવ ઊડી ગયો હોય એવું લાગે છે. અને આ ભાવના નિકટના કુટુંબીજનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા ઊભી કરવામાં આવે છે. પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરવાનું જણાવનારા ખૂબ ઓછા હોય છે.”

બળાત્કાર બાદ સર્વાઇવર ગર્ભવતી બનવાના કિસ્સામાં પણ તેઓ અનુભવ આધારે કહે છે કે, “આવા કિસ્સામાં પણ સંવેદનશીલતા જોવા મળતી નથી. સર્વાઇવર અને તેના કુટુંબીજનોને ન્યાયતંત્ર, પોલીસ અને વકીલના અમુક હદે પૂર્વગ્રહગ્રસ્ત માનસિકતાવાળા અનુભવો થાય છે. ઘણા કિસ્સામાં અપરાધની પીડિત વ્યક્તિને જોગવાઈ પ્રમાણેનું વળતર આપવા અને અપાવવા સંદર્ભે પણ તંત્ર સજાગપણે કાર્યરત હોય તેવું દેખાતું નથી.”

જોકે, તેઓ આવા કિસ્સામાં કેટલીક વાર સારા અનુભવ થયાનું પણ જણાવે છે.

તેઓ કહે છે કે, “ફરિયાદથી માંડીને મહિલાની શોધ સુધીની પ્રક્રિયામાં ઘણા કિસ્સામાં સંવેદનશીલતાનો અભાવ જણાય છે. ઘણી વખત ફરિયાદી મહિલા કે તેનાં સગાં પર જ બળાત્કારની ઘટનાનો દોષ નાખી દેવાય છે.”

સમીમબહેન કહે છે કે આવા કિસ્સામાં ઘણી વખત એવું બને છે કે ‘પોલીસ ફરિયાદ લેવામાં ગલ્લાંતલ્લાં કરે છે.’

“દીકરીની વાત કરીએ તો તે પણ સતત તેના ભવિષ્યને લઈને ચિંતા અનુભવે છે. આસપાસના લોકો સાંત્વના આપવાને સ્થાને ‘હવે તારું શું થશે? કોણ તારો હાથ પકડશે?’ જેવા પ્રશ્નો કરીને દીકરીને એવો અનુભવ કરાવે છે કે આ ઘટના બાદ હવે તેનું કોઈ ભવિષ્ય નહીં રહે.”

રેપ અને ગર્ભપાત બાદ પરિવાર અને દીકરીને પડેલી મુશ્કેલીઓ અંગે સમીમબહેન કહે છે કે, “રેપ બાદ દીકરી અને તેનાં માતાપિતા દિવસો સુધી બહાર નીકળવાની અવસ્થામાં પણ નહોતાં. તેમને ઘણું સમજાવ્યા બાદ તેઓ કામધંધે જવાનું શરૂ કરી શક્યાં. હવે તેઓ અન્યો સાથે હસવા-બોલવામાં પણ સંકોચ અનુભવે છે. તેમનું તો જાણે આખું જીવન જ બદલાઈ ગયું.”

‘સહાય માટેનાં તંત્રોનું પૂર્વગ્રહયુક્ત વલણ’

સમાજસેવિકા સીમા શાહ પણ રેપ અને રેપ બાદ ગર્ભવતી બન્યાના કેટલાક કિસ્સાઓમાં મહિલાઓ અને તેમના પરિવારજનોને મદદ પૂરી પાડી ચૂક્યાં છે.

તેઓ આ સમયે સર્વાઇવર અને તેમના કુટુંબીજનોને પડતી મુશ્કેલીઓ અંગે કહે છે કે, “રેપ અને રેપ બાદના કિસ્સામાં સૌથી મોટો દુશ્મન સમાજ બની જાય છે. સમાજમાં આવા કિસ્સાને લઈને સંવેદનશીલતા અને સ્વીકાર્યતાનો સીધો અભાવ જોઈ શકાય છે.”

સીમા શાહ જણાવે છે કે, “અપરાધનાં સર્વાઇવર મહિલા સાથે તેમની સહાય માટે સ્થપાયેલાં તંત્રોમાં પણ પૂર્વગ્રહયુક્ત વલણ જોવા મળે છે. ઘણા કિસ્સામાં સર્વાઇવર પર જ દોષારોપણ કરાય છે.”

આવા કિસ્સામાં પોલીસ સાથેના પોતાના અનુભવો શેર કરતાં તેમણે કહ્યું હતું કે, “રેપના કિસ્સામાં ઘણી વખત પોલીસે મારા અનુભવમાં સહાય પણ કરી છે.”

જોકે, તેઓ પોલીસ સાથે થયેલા પોતાના અન્ય અનુભવો અંગે કહે છે કે, “રેપ અને રેપ બાદ પ્રૅગનન્સીના કિસ્સામાં સર્વાઇવરને મેડિકલ કાઉન્સેલિંગ કરાવવાની જોગવાઈને પણ ઘણી વખત નથી અનુસરાતી. તેમજ ફરિયાદ નોંધાવા માટે આવેલા લોકો પછી ભલે એ ફરિયાદી મહિલા પોતે હોય કે તેમનાં સગાં પરંતુ પોલીસ તેમની સાથે સારો માનવીય વ્યવહાર કરવામાં ઘણી વાર ઊણી ઊતરતી હોય તેવું લાગે છે.”

સીમાબહેન આગળ જણાવે છે કે, “ઘણી વાર પોલીસના આવા વલણની મર્યાદાઓને કારણે અથવા તો આવું ધારી લેવાને કારણે અપરાધનો સામનો કરનાર મહિલાઓ ફરિયાદ કરવા જતાંય ખચકાટ અનુભવે છે.”

પોલીસ બાદ ન્યાયતંત્રને લઈને સર્વાઇવર મહિલા અને તેમના પરિવારે જે પડકારોનો સામનો કરવો પડે છે એ અંગે પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે ઘણી વખત ન્યાયતંત્ર દ્વારા આવા કિસ્સામાં વચગાળાની સહાય અપાતી નથી.”

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે અહીં એ વાત પણ નોંધવી ઘટે કે આવા કિસ્સાને લઈને ન્યાયતંત્ર બિલકુલ સંવેદનશીલ નથી એવું કહેવું ખોટું ઠરે, કારણ કે ઘણા કિસ્સામાં કોઈ સંસ્થાનો હસ્તક્ષેપ ન હોવા છતાં ગુનેગારને સજા કરાઈ છે.

ગુજરાત અને સમગ્ર દેશમાં નોંધાયેલા રેપ બાદ સગર્ભા બનાવાના કિસ્સા

આ વર્ષે જુલાઈ માસમાં ગુજરાતના વલસાડ જિલ્લામાં સ્પેશિયલ પોક્સો કોર્ટે રેપ બાદ ગર્ભવતી બન્યાના બે કિસ્સામાં ગર્ભપાતની મંજૂરી આપી હતી.

બંને કિસ્સામાં ગર્ભવતી થનાર માત્ર 13 વર્ષની સગીરા હતી. એક મામલામાં સગીરાને 16 અઠવાડિયાંનો ગર્ભ થઈ ગયો હતો.

આવી જ રીતે મે 2023માં રાજકોટના ગોંડલમાં મૂકબધિર યુવતી સાથે રેપનો મામલો સામે આવ્યો હતો. આ રેપના પરિણામે યુવતીને આઠ માસનો ગર્ભ રહી ગયો હતો.

સમગ્ર ઘટના સામે આવતાં આ ઘટના બાદ બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી અને મૂકબધિર યુવતીએ અંતે બાળકને જન્મ આપ્યો હતો.

આવા જ એક કિસ્સામાં તાજેતરમાં જ 19 ઑગસ્ટ એટલે કે શનિવારે સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે રેપ સર્વાઇવરની ગર્ભપાત માટેની અરજી અંગે 12 દિવસ બાદ સુનાવણી કરવાનું ઠરાવવા બદલ ગુજરાત હાઇકોર્ટના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

આ મામલો બીજા દિવસે લગભગ તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક સમાચારપત્રોમાં છવાઈ ગયો હતો.

આ મામલામાં બળજબરી બાદ રહી ગયેલ ગર્ભ દૂર કરાવવાની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરાઈ હતી.

સર્વાઇવરને ગર્ભપાત કરાવવાના નિર્ણયને સમર્થન આપતો મેડિકલ રિપોર્ટ રજૂ કરાયાના 12 દિવસ બાદ આ કેસની સુનાવણી માટે તારીખ અપાતા સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું હતું.

ગર્ભ રહ્યાને 26 અઠવાડિયાંનો સમય વીતી ગયો હોવા છતાં ગર્ભપાતની મંજૂર માટે ગુજરાત હાઇકોર્ટે લાંબી મુદ્દત આપી હતી.

પ્રૅગનન્સીને 27 અઠવાડિયાંનો સમય પસાર થઈ ગયો હોઈ સુપ્રીમ કોર્ટે શનિવારે ફરી એક વાર સર્વાઇવરની મેડિકલ તપાસ કરાવવાનો હુકમ કરી સોમવારે અરજીની સુનાવણી કરતાં ગર્ભપાતની મંજૂરી આપી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે મામલા અંગે પોતાની સુનાવણીમાં કહ્યું હતું કે, “ભારતીય સમાજમાં લગ્ન બાદ ગર્ભધારણ કરવું એ દંપતી અને સમાજ માટે રાજીપાનું કારણ હોઈ શકે પરંતુ જો ગર્ભ વણજોઈતું હોય તો એ મહિલાના માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.”

આવી જ રીતે દેશમાં પણ ઘણી વાર રેપના પરિણામે સર્વાઇવર ગર્ભવતી થયાના મામલા સામે આવતા રહે છે.

તાજેતરમાં જ દિલ્હીમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરની તેમની ગાર્ડિયનશિપમાં રહેતી 14 વર્ષીય સગીરા પર વારંવાર બળાત્કાર ગુજારવાના આરોપસર ધરપકડ કરાઈ હતી. આ કૃત્યને કારણે સગીરા પ્રૅગનન્ટ થઈ હોવાનો આરોપ પણ મુકાઈ રહ્યો છે.

આ સિવાય મે 2023માં જ બૉમ્બે હાઇકોર્ટે પણ એક રેપ સર્વાઇવરને 23 અઠવાડિયાંનો ગર્ભ કઢાવી નાખવાની મંજૂરી આપી હતી.

‘મહિલાનો સેક્સુઅલ ઑબ્જેક્ટ તરીકે ઉપયોગ કરાતો રોકાયો એ જ ઉકેલ’

રેપ અને રેપ બાદ ગર્ભવતી બનવાના કિસ્સાને લઈને કાયદાકીય અને મહિલાઓના અધિકારલક્ષી મુદ્દે પ્રકાશ પાડવા બીબીસી ગુજરાતીએ સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ અને માનવાધિકાર બાબતોનાં ખ્યાત વકીલ ઇંદિરા જયસિંગ સાથે વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, “જ્યાં સુધી મહિલાઓને સેક્સુઅલ ઑબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આ સમસ્યાથી છુટકારો નહીં મળે.”

તેઓ સલાહ આપતાં કહે છે કે, “રેપ એ જાતિગત ઉગ્રતાનું કૃત્ય છે અને તેના કારણે રહેતો ગર્ભ એ મહિલા માટે બિલકુલ અનિચ્છનીય છે. આના માટે જરૂરી છે મેડિકલ પ્રૉફેશનલો વિરુદ્ધ આવા કિસ્સા રિપોર્ટ ન કરવા માટે કાયદાકીય કાર્યવાહીની જોગવાઈ દૂર કરવી જોઈએ. ઘણી મહિલાઓ માત્ર ને માત્ર ગર્ભપાત કરાવવાનો પ્રયત્ન કરવા બદલ જેલમાં છે. ઘણા ડૉક્ટરો આવી બાબતો રિપોર્ટ ન કરવાના કારણે કેસોનો સામનો કરી રહ્યા છે.”

“આવી કાર્યવાહીને કારણે ઘણી વખત ડૉક્ટરો ગર્ભપાત માટે સલામત અને સમયસર અન્ય વૈકલ્પિક સેવા જરૂરિયાતમંદોને પૂરી પાડતા ખચકાટ અનુભવે છે.”

તેઓ મહિલાઓના અધિકારો માટે વાત કરતાં કહે છે કે, “સલામત અને સમયસર ગર્ભપાત કરાવવું એ મહિલાનો મૂળભૂત અધિકાર હોવો જોઈએ. મહિલાઓ મોડું ન થઈ જાય ત્યાં સુધી ડૉક્ટર પાસે જતાં ખચકાટ અનુભવે છે. રેપ સાથે સંકળાયેલી સામાજિક માન્યતાઓને કારણે આવું બને છે.”

તેઓ પોતાની વાતમાં આગળ કહે છે કે, “વણજોઈતી પ્રૅગનન્સી અટકાવવા માટે શિક્ષણ પણ જરૂરી છે. આના માટે કાયદો બદલાય એવી પણ જરૂરિયાત છે.”

તેઓ મહિલાના અધિકાર અંગે વાત કરતાં કહે છે કે, “મહિલાને ગર્ભ પૂરા સમય માટે રાખવો છે કે કેમ એ બાબત નક્કી કરવાનો પૂરો અધિકાર હોવો જોઈએ. મેડિકલ પ્રૉફેશનલ પાસે જ્યારે આ પ્રકારના કેસ આવે ત્યારે તેની પ્રાથમિકતા મહિલાનું સ્વાસ્થ્ય હોવું જોઈએ.”

“હાલના કાયદા પ્રમાણે 24 અઠવાડિયાં કરતાં વધુ સમયનો ગર્ભ કઢાવી નાખવા માટે ડૉક્ટરે કોર્ટની પરવાનગીની આવશ્યકતા હોય છે. જો મહિલા કોર્ટ પહોંચવામાં મોડું કરે તો કોર્ટે સમયસૂચકતા દાખવવી જોઈએ. આવામાં એક દિવસનું મોડું પણ ઘાતક નીવડી શકે છે.”

નોંધનીય છે કે તાજેતરમાં વિવિધ રાજ્યોની હાઇકોર્ટોએ સંમતીથી બંધાતા શારીરિક સંબંધો માટેની ઉંમર ઘટાડીને 18થી 16 વર્ષ કરવાની ભલામણ કરી હતી.

તેમજ સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં આ પ્રશ્નને લઈને કરાયેલી એક જાહેર હિતની અરજીમાં આ મુદ્દાને લઈને કેન્દ્ર સરકારનો જવાબ માગ્યો હતો.

ઇંદિરા જયસિંગ આ મુદ્દાને પણ પોતાની વાતચીતમાં સ્પર્શે છે. તેઓ કહે છે કે, “ઘણા રેપ 16થી 18 વર્ષની વચ્ચે બનતા હોઈ શકે છે. આને જોતાં શારીરિક સંબંધ બાંધવાની વય ઘટાડવાની જરૂર છે. જેથી આ પ્રકારના સંબંધ બાંધતાં યુગલોને અને તેમને ગર્ભપાતની સેવા પૂરી પાડનાર ડૉક્ટરોને મુશ્કેલીથી બચાવી શકાય.”

સુપ્રીમ કોર્ટના અન્ય એક સિનિયર વકીલ સંજય પરીખે ઉપર જણાવેલા સુપ્રીમ કોર્ટમાં ગર્ભપાતની મંજૂરીવાળા કિસ્સામાં અરજદાર મહિલાના પક્ષે દલીલ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “કોર્ટે આ કેસમાં કાયદાની જોગવાઈઓને નહીં પરંતુ મહિલાને બંધારણમાં અનુચ્છેદ 21 અંતર્ગત અપાયેલા જીવનના અધિકારને આધારે ગર્ભપાતની મંજૂરી આપી છે. આ વાત ખૂબ અગત્યની છે.”

તેઓ કહે છે કે, “મહિલાને રેપ બાદ ગર્ભપાતના કિસ્સામાં મહિલાની ઇચ્છા સૌથી મહત્ત્વનું પરિબળ છે.”

ઍડ્વોકેટ સંજય પરીખે કહ્યું હતું કે, “રેપ બાદ ગર્ભવતી થનાર મહિલાઓને એકથી બીજી કોર્ટમાં જવું ન પડે એ માટે જિલ્લા સ્તરે જ આના માટે એક માળખું ગોઠવાય એ જરૂરી છે.”

ગુજરાતમાં જાતીય ન્યાય અને સમાનતા માટે કામ કરતી સંસ્થા ઉત્થાનનાં ભૂતપૂર્વ નિદેશિકા અને ટ્રસ્ટી નફીસા બારોટ ગુજરાતમાં પાછલાં અમુક વર્ષોમાં સામે આવેલા રેપ બાદ ગર્ભવતી બન્યાના કિસ્સા અંગે વાત કરતા કહે છે : “આવી ઘટના એક હોય કે હજાર પરંતુ આ પ્રકારની ઘટનાઓ મહિલાના અધિકાર પર સીધી તરાપ સિવાય કશું નથી. જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે મગજમાં આક્રોશની ભાવના પેદા થાય છે. મન એવું વિચારવા માટે મજબૂર બની જાય છે કે આ તે કેવા સમાજ અને કેવા વાતાવરણની આપણે રચના કરી દીધી છે, જ્યાં આટલા બધા કાયદા અને સજાની જોગવાઈઓ હોવા છતાં દીકરીઓ સુરક્ષિત નથી. આ પ્રકારના આંકડા મનમાં અપાર દુ:ખની લાગણી ઊભી કરે છે.”

તેઓ સમાજમાં રેપની ઘટનાઓ અંગે કહે છે કે, “આ પ્રકારના બનાવો માટે સમાજ અને સરકાર બંને સમાનપણે જવાબદાર છે.”

નફીસાબહેન રેપનાં મૂળ કારણો અને આ સમસ્યાના લાંબા ગાળાના ઉપાયો સૂચવતાં કહે છે કે, “આવી ઘટનાઓના મૂળમાં પિતૃસત્તાક માનસિકતા રહેલી છે, જેમાં પુરુષોને લાગે છે કે તેઓ મહિલાના અધિકારોનું આવું હનન કરી શકે છે, પછી ભલે તેના રક્ષણ માટે ગમે તેટલા કાયદા કેમ ન હોય. આ માનસિકતા બદલાય એવી તાતી જરૂરિયાત છે. સ્કૂલ, કૉલેજોમાં આ વિષયને લઈને ચર્ચા થવી જોઈએ. અને આ વિષયોની જાણકારી અને હકારાત્મક માહિતી સમાજ સુધી આગળ પહોંચાડવા પ્રયત્નો થવા જોઈએ.”

“આ સિવાય સમાજમાં આ પ્રકારના કિસ્સામાં સંવેદનશીલતા કેળવાય તેવા પ્રયાસો થવા જોઈએ. આ બધું લાંબા ગાળાના આયોજનરૂપે કરી શકાય. આ સિવાય રેપ સર્વાઇવરના પુનર્વસન માટે સરકાર પાસેથી પૂરતી મદદ મળે અને તેઓ પગભર બની સ્વમાનભેર પોતાનું જીવન પસાર કરી શકે એ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનું સુનિશ્ચિત કરવાની જરૂર છે.”

ગર્ભપાત અંગે શું છે કાયદો?

1971માં મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રૅગનન્સી ઍક્ટ બનાવાયો હતો. તેમાં વર્ષ 2021માં સંશોધન કરાયું એ ગર્ભપાતનો માન્ય સમયગાળો વિશેષ પરિસ્થિતિ માટે 20 અઠવાડિયાંથી વધારીને 24 અઠવાડિયાં કરી દેવાયો.

જૂના ઍક્ટમાં એવી જોગવાઈ હતી કે જો અમુક મહિલાને 12 અઠવાડિયાંનો ગર્ભ હોય તો તેઓ એક ડૉક્ટરની સલાહને આધારે ગર્ભપાત કરાવી શકે છે. તેમજ 12-20 અઠવાડિયાંમાં ગર્ભપાત કરાવવા માટે બે ડૉક્ટરોની સલાહ અનિવાર્ય હતી.

પરંતુ સંશોધિત કાયદામાં 12-20 અઠવાડિયાંમાં ગર્ભપાત કરાવવા માટે એક ડૉક્ટરની સલાહ લેવાનું જરૂરી કરાયું છે. આ સિવાય 20-24 અઠવાડિયાંની અંદર તેમાં અમુક શ્રેણીની મહિલાઓને બે ડૉક્ટરોની સલાહ બાદ જ પરવાનગી અપાય છે.

20-24 અઠવાડિયાંમાં ગર્ભપાત માટે માન્ય મહિલાઓની શ્રેણી આ પ્રમાણે હતી : રેપ સર્વાઇવર, સગીરા, મનોવિકલાંગ મહિલાઓ, એવી મહિલાઓ જેમના ગર્ભમાં રહેલા ભ્રૂણમાં મોટી તકલીફ હોય તેમજ એવી ગર્ભવતી મહિલો જેઓ ગર્ભાવસ્થા દરમિયાન પતિથી અલગ થઈ ગયાં હોય અથવા વિધવા બન્યાં હોય.

નોંધનીય છે કે પહેલાંના નિયમો અનુસાર 20 અઠવાડિયાં કરતાં વધુ સમયનો ગર્ભ હોય તેવી મહિલાઓએ ફરજિયાતપણે કોર્ટની શરણે જવું પડતું.

હાલમાં પણ 24 અઠવાડિયાં કરતાં વધુની ગર્ભાવસ્થાના કિસ્સામાં મહિલાઓએ કોર્ટમાં અરજી કરવી પડે છે.