સોફિયા દુલીપસિંહ, જેમણે બ્રિટનમાં મહિલાઓને મતાધિકાર અપાવવા લડત ચલાવી

    • લેેખક, મેરીલ સેબાસ્ટીયન
    • પદ, બીબીસી ન્યૂઝ, કોચી

બ્રિટનમાં મહિલાઓને મતાધિકાર માટે લડેલાં રાજકુમારી સોફિયા દુલીપસિંહ તેમના વંશના દેશ ભારતમાં બહુ ઓછાં જાણીતાં છે.

1910માં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન એચએચ એસ્કિવથ સાથે મુલાકાતની માગણી સાથે 300 મહિલાના એક પ્રતિનિધિમંડળે લંડનમાં સંસદ તરફ કૂચ કરી હતી. સોફિયા દુલીપસિંહ એ પ્રતિનિધિમંડળનો હિસ્સો હતાં.

એસ્કિથે તે મહિલાઓને મળવાનો ઇનકાર કર્યો હતો. બિલ્ડિંગની બહારની ભીડમાંના પુરુષો તથા પોલીસે મહિલાઓને માર મારતાં વિરોધપ્રદર્શન હિંસક બન્યું હતું.

ઘણા પ્રદર્શનકારી ગંભીર રીત ઘાયલ થયા હતા. એ દિવસને બ્રિટનમાં બ્લૅક ફ્રાઈડે ગણાવાયો હતો. આ સંદર્ભે સોફિયા સહિતની 119 મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

સોફિયા પંજાબના છેલ્લા શીખ સમ્રાટ મહારાજા સર દુલીપસિંહનાં પુત્રી હતાં અને રાણી વિક્ટોરિયાનાં ધર્મપુત્રી હતાં.

તેમના જીવનચરિત્રકાર અનિતા આનંદે એક મુલાકાતમાં કહ્યું હતું, “નવેમ્બર, 1910માં સોફિયાએ આંદોલનમાં ભાગ લીધો ત્યારે તેમને એક વિખ્યાત વ્યક્તિ સાથે ગાઢ સંબંધ હતો.”

અનિતા આનંદલિખિત સોફિયા દુલીપસિંહના જીવનચરિત્ર ‘સોફિયાઃ પ્રિન્સેસ, સફ્રજેટ, રિવોલ્યુશનરી’નું પ્રકાશન 2015માં કરવામાં આવ્યું હતું.

તેમણે લોકો સાથે વ્યક્તિગત મુલાકાતોના આધારે તથા સરકારી, પોલીસ અને ગુપ્તચર રેકૉર્ડ્ઝમાં વિગતવાર સંશોધન કરીને આ પુસ્તક લખ્યું છે. સોફિયા વિશેની મોટા ભાગની માહિતી તેમાંથી મળે છે.

સોફિયાનો જન્મ 1876માં થયો હતો અને તેઓ દુલીપસિંહને તેમનાં પ્રથમ પત્ની બમ્બા મુલરથી થયેલાં છ સંતાન પૈકીનું પાંચમું સંતાન હતાં.

દુલીપસિંહ બહુ નાના હતા ત્યારે 1949માં તેમના સામ્રાજ્યને બ્રિટને પોતાનામાં ભેળવી લીધું હતું. એ પછી દુલીપસિંહનો ભારતમાંથી ઇંગ્લૅન્ડમાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો. શિક્ષાત્મક સંધિ હેઠળ દુલીપસિંહનો અમૂલ્ય કોહીનૂર હીરો પણ બ્રિટનને સોંપી દેવામાં આવ્યો હતો.

અનિતા આનંદ લખે છે, સોફિયાનો ઉછેર સફોક ખાતેના પરિવારમાં થયો હતો, પરંતુ તેનું બાળપણ બહુ પ્રક્ષોભકારી હતું. 1886માં રાજગાદી પાછી મેળવવાના નિષ્ફળ પ્રયાસો બાદ દુલીપસિંહને ફ્રાંસમાં દેશવટો આપવામાં આવ્યો હતો અને તેઓ પરિવાર માટે દેવાનો બોજ ખડકીને ચાલ્યા ગયા હતા.

રાણી વિક્ટોરિયા સાથેના તેમના પરિવારના ગાઢ સંબંધને કારણે તેમને પોતાનું ઘર અને બ્રિટનની ઇન્ડિયા ઑફિસ તરફથી વાર્ષિક ભથ્થું આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ચાર વખત ભારતની મુલાકાતે આવ્યાં

સોફિયા મોટાં થયાં ત્યારે તેમને હેમ્પટન કોર્ટ પૅલેસમાં રાણી દ્વારા ગ્રેસ ઍન્ડ ફેવર ઍપાર્ટમેન્ટ આપવામાં આવ્યો હતો. એ જ સ્થળની બહાર સોફિયાએ મતદાનના અધિકાર માટે બાદમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.

‘ધ બ્રિટિશ વીમેન્સ સફ્રજેટ કેમ્પેઈન’ નામના પોતાના પુસ્તકના એક પ્રકરણમાં ઇતિહાસકાર એલિઝાબેથ બેકર લખે છે, “બ્રિટિશ સામ્રાજ્યના ચરમ દિવસોમાં એક ભારતીય મહિલા તરીકે બ્રિટનના ભદ્ર વર્ગના સભ્યના દરજ્જા અને પોતાની અસ્પષ્ટ સ્થિતિ વચ્ચે સોફિયા નાનપણથી જ પરિસ્થિતિનો સામનો કરતાં શીખ્યા હતાં.”

પોતાના જીવનકાળ દરમિયાન સોફિયા લગભગ ચાર વખત ભારતની મુલાકાતે આવ્યાં હતાં. એ દરેક મુલાકાત પર બ્રિટિશ અધિકારીઓએ ચાંપતી નજર રાખી હતી, કારણ કે દુલીપસિંહના પરિવારજનની હાજરીથી ભિન્નમત વકરવાનો તેમને ડર હતો.

1906-07માં સોફિયા સ્વાતંત્ર્ય સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલે અને લાલા લજપતરાયને (હવે પાકિસ્તાનમાંના) લાહોર ખાતે મળ્યાં હતાં. ગોખલે અને લાલાજીએ આપેલાં ભાષણો તથા તેમની રાજકીય પ્રતીતિથી સોફિયા પ્રભાવિત થયાં હતાં.

અનિતા આનંદ લખે છે, “સોફિયાએ એપ્રિલ, 1907 સુધીમાં ભારતમાં સાત મહિના ગાળ્યા હતા અને ભારતમાં વધતી જતી રાજકીય ઊથલપાથલના સાક્ષી બન્યાં હતાં. ભારતના આત્મનિર્ધારથી તેઓ બહુ પ્રભાવિત થયાં હતાં.”

1908માં બ્રિટન પરત ફર્યાના થોડા મહિના પછી સોફિયા બ્રિટિશ રાજકીય કાર્યકર એમેલિન પંકહર્સ્ટની આગેવાની હેઠળના મતાધિકાર જૂથ વિમેન્સ સોશિયલ ઍન્ડ પૉલિટિકલ યુનિયન (ડબલ્યુએસપીયુ)માં જોડાયાં હતાં.

બાદમાં તેઓ વિમેન્સ ટેક્સ રેઝિસ્ટન્સ લીગમાં પણ જોડાયાં હતાં, જેનું સૂત્ર હતું: નો વોટ, નો ટેક્સ.

સોફિયાએ આવી ચળવળોમાં જોરશોરથી ભાગ લીધો હતો. 1911માં વડા પ્રધાનની કાર ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે સોફિયા, ‘મહિલાઓને મતાધિકાર આપો’ એવું લખાણ ધરાવતા બેનર સાથે એ કાર સામે કૂદી પડ્યાં હતાં. એ જ વર્ષે તેમણે વસ્તીગણતરીનું ફૉર્મ ભર્યું ન હતું અને કર ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.

‘સ્ત્રી મતાધિકાર માટે ભારતીય કાર્યકર્તા’

1913નો એક ફોટો દર્શાવે છે કે સોફિયા હેમ્પટન કોર્ટ પૅલેસની બહાર, ‘રિવોલ્યૂશન’ લખેલા બોર્ડની બાજુમાં ઊભાં છે અને ધ સફ્રજેટ અખબારની નકલો વેચી રહ્યાં છે.

આ ફોટોગ્રાફને લીધે તેઓ ‘સફ્રજેટ વીક’નો ચહેરો બન્યાં હતાં, એમ જણાવતાં બેકર લખે છે, “વધુ સભ્યોની ભરતી કરવા અને સમગ્ર બ્રિટનમાં પોતાની વગ વિસ્તારવા ડબલ્યુએસપીયુએ સફ્રજેટ વીકની ઉજવણીની શરૂઆત કરી હતી.”

ચોક્કસ કર નહીં ચૂકવવા બદલ સત્તાવાળાઓએ સોફિયાનું ઝવેરાત કબજે કરીને તેનું લિલામ કર્યાના અહેવાલ અખબારોમાં પ્રકાશિત થયા હતા. સોફિયાની અનેક વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મતાધિકારની ઝુંબેશ ચલાવતા અન્ય કર્મશીલોથી વિપરીત સોફિયા સામેના આરોપ હંમેશ પડતા મૂકવામાં આવ્યા હતા.

‘સાઉથ એશિયન રેઝિસ્ટન્સ ઇન બ્રિટન, 1858-1947’ નામના પુસ્તકમાં ઇતિહાસકાર સુમિતા મુખરજીમાં મતાધિકાર આંદોલનમાંના વિરોધાભાસને ઉજાગર કરવા સોફિયાની ભાગીદારી તરફ ઇશારો કરતાં નોંધ્યું છે કે વર્ગવ્યવસ્થા પડકાર્યા વિના કે પૂછપરછ કર્યા વિના તેઓ તેમના દરજ્જાનો લાભ લઈ શકતા હતા.

સોફિયાની હાજરીને કારણે વધારે ચકાસણી પણ કરવામાં આવી હતી.

બેકર લખે છે, “બ્રિટનમાંના ભારતીય ડાયસ્પોરાના રાજકીય સભ્ય તરીકે દુલીપસિંહનાં કૃત્યોને નિયંત્રિત કરવાના પ્રયાસમાં બ્રિટનના ઇન્ડિયા ઑફિસના અમલદારોએ સોફિયાની અંગત તથા નાણાકીય બાબતો વિશેના અખબારી અહેવાલો એકત્ર કર્યા હતા, તેમજ સંદેશાઓની આપ-લે કરી હતી.”

એલિઝાબેથ બેકરે સોફિયાને ‘સ્ત્રી મતાધિકાર માટે ભારતીય કાર્યકર્તાઓ અને શ્વેત બ્રિટિશ કાર્યકર્તાઓ વચ્ચેના એક મહત્ત્વપૂર્ણ સેતુ’ ગણાવ્યાં છે.

બ્રિટિશ સંસદે 1918માં કાયદામાં મહત્ત્વનો સુધારો કર્યો હતો અને સંપત્તિ સંબંધી ચોક્કસ લાયકાત ધરાવતી 30થી વધુ વર્ષની વયની મહિલાઓને મતાધિકાર આપ્યો હતો.

‘અમારી રાજકુમારી અહીં આવી છે’

સોફિયા 1919માં સરોજિની નાયડુ અને એની બેસન્ટ સહિતના રાજકીય કર્મશીલો સાથે લંડનની ઇન્ડિયા ઑફિસે ગયાં હતાં.

સરોજિની નાયડુ અને એની બેસન્ટના મહિલાઓના પ્રતિનિધિમંડળે મતાધિકાર બાબતે વિદેશમંત્રી સમક્ષ પોતાની દલીલ રજૂ કરી હતી. વિદેશમંત્રીએ તેમની વાત સાંભળી હતી, પરંતુ કોઈ વચન આપ્યું ન હતું. (દેશ આઝાદ થયા પછી ભારતીયોને સાર્વત્રિક મતાધિકાર મળ્યો હતો)

અનિતા આનંદ લખે છે તેમ સોફિયાને બહુ જ મહત્ત્વ આપવામાં આવતું હોવાને કારણે રાજા જ્યૉર્જ પંચમ બહુ નારાજ હતા. તેઓ “મતાધિકારના વિરોધી” હતા. રાજા જ્યૉર્જ પંચમ કશું કરી શકે તેમ ન હતા, કારણ કે સોફી સંબંધી નાણાકીય બાબતો પર “સંપૂર્ણપણે સંસદનો અંકુશ” હતો.

સોફિયા અન્ય કાર્યો સાથે પણ સંકળાયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં ઘાયલ થયેલા ભારતીય સૈનિકોને તેમણે મદદ કરી હતી અને તેમના માટે ફાળો એકત્ર કર્યો હતો.

અનિતા આનંદના પુસ્તકમાં જણાવ્યા મુજબ, રાજકુમારી સોફિયા સમગ્ર પંજાબમાં પ્રવાસ કરવાના નિર્ધાર સાથે 1924માં બીજી વખત ભારત આવ્યાં હતાં.

તેમણે તેમનાં બહેન બમ્બા સાથે જૂના શીખ સામ્રાજ્યનો પ્રવાસ કર્યો ત્યારે તેમને જોવા મોટી ભીડ ઊમટી પડી હતી. એ પૈકીના કેટલાક “અમારી રાજકુમારી અહીં આવી છે,” એવું કહીને રડતા હતા.

તેમણે અન્ય સ્થળો ઉપરાંત જલિયાંવાલા બાગનો પણ સમાવેશ થાય છે. એ સ્થળે 1919માં જલિયાંવાલા હત્યાકાંડ સર્જાયો હતો અને બ્રિટિશ સૈનિકોએ સેંકડો ભારતીયોને ગોળી મારી હતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સોફિયા તેમનાં બહેન કેથરીન અને લંડનમાંથી હાંકી કાઢવામાં આવેલા ત્રણ લોકો સાથે બકંગહામશાયર ચાલ્યાં ગયાં હતાં.

સોફિયાએ તેમના જીવનનાં અંતિમ વર્ષો તેમના સાથી તથા હાઉસકીપર જેનેટ આઇવી બોર્ડેન સાથે વિતાવ્યાં હતાં. તેમની પુત્રી ડ્રોવનાને સોફિયાએ દત્તક લીધી હતી.

ડ્રોવનાએ અનિતા આનંદને જણાવ્યું હતું કે સોફિયા તેમની સાથે મતદાનના મહત્ત્વ વિશે વારંવાર વાત કરતાં હતાં.

ડ્રોવનાએ કહ્યું હતું, “તેઓ કહેતાં કે તમને મતદાનની છૂટ મળી છે ત્યારે મતદાન કરવાનું ક્યારેય ચૂકશો નહીં. આપણે અહીં સુધી કઈ રીતે પહોંચ્યા છીએ તેની તમને ખબર નથી.”

1948ની 22 ઑગસ્ટે 71 વર્ષની વયે સોફિયાનું નિદ્રાધીન અવસ્થામાં મૃત્યુ થયું હતું. તેમની અંતિમ ઇચ્છા મુજબ, તેમનાં અસ્થિ તેમનાં બહેન બમ્બા લાહોર લઈ ગયાં હતાં, પરંતુ તેને ક્યાં વિખેરવામાં આવ્યાં હતાં તે સ્પષ્ટ નથી.

સોફિયાને આજે પણ ઘણા લોકો પ્રેમપૂર્વક યાદ કરે છે. તેમનું સન્માન કરતી તકતીનું અનાવરણ આ વર્ષની શરૂઆતમાં તેમના પૂર્વેના ઘરે કરવામાં આવ્યું હતું અને તેમના વિશેની એક ફિલ્મ આવતા વર્ષે પ્રદર્શિત થવાની આશા છે.