બોટાદમાં દલિત યુવાનના જીવલેણ હુમલામાં મૃત્યુને પરિવારે કેમ 'ષડ્યંત્ર' ગણાવ્યું?

ગુજરાતના સુરેન્દ્રનગરના સમઢિયાળા ખાતે ગત જુલાઈ માસમાં જમીન વિવાદને લઈને બે દલિત ભાઈઓની ‘સરાજાહેર હત્યા’ના કેસના માત્ર બે જ માસની અંદર જ ગુજરાતમાં વધુ એક કથિત ‘દલિત હત્યાકાંડ’નો મામલો સામે આવ્યો છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામ પાસે ગત 6 સપ્ટેમ્બરના રોજ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકોએ 45 વર્ષીય રાજેશભાઈ મકવાણા પર કથિતપણે જીવલેણ હુમલો કરાયાનો મામલો સામે આવ્યો છે.

જે બાદ 14 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ભાવનગરની સર ટી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન રાજેશભાઈનું મૃત્યુ થયું હતું.

આ મામલાના ત્રણ આરોપીની પોલીસે અટક કરી હતી. જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવ્યાની માહિતી આપી હતી.

નોંધનીય છે કે મૃતક રાજેશભાઈ અને આરોપીઓ બગડ ગામના હતા.

રાજેશભાઈ ભૂતકાળમાં બનેલી અન્ય એક હત્યાના કેસમાં સાક્ષી હતા. પરિવારજનોનો આરોપ છે કે આ વાતને લઈને રાજેશભાઈની હત્યાના મુખ્ય આરોપી ધીરુભાઈ ખાચર અને તેમના પુત્રો સહિત સાત લોકોએ કાવતરું ઘડી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.

મૃતકના સ્વજનોએ અન્ય આરોપીઓની ધરપકડ, કેસમાં ઝડપી ન્યાય અને પરિવારજનોને વળતર આપવાની માગણી પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે.

મૃતકના પરિવારમાં હવે 11 અને 13 વર્ષના બે પુત્રો અને પત્ની છે.

સ્થાનિક દલિત આગેવાનો અને પરિવારજનોએ હૉસ્પિટલે એકઠા થઈ ઘટનાનો ઉગ્ર વિરોધ કરી ઝડપથી ન્યાય નહીં મળે તો સ્થિતિમાં આંદોલનની કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

બીજી તરફ રાજેશભાઈના મૃત્યુના સમાચાર બાદ તેમના ઘરે કલ્પાંતનાં કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.

બોટાદ પોલીસે આ મામલે એટ્રોસિટી ઍક્ટ અને ભારતીય દંડ સંહિતા અંતર્ગત હત્યાની કોશિશ અને હત્યાની કલમો અંતર્ગત કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હોવાની વાત કરી હતી.

ઘટના બાદ પોલીસે મૃતકનાં ઘર અને ગામ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હોવાની જાણકારી મળી રહી છે.

પરિવારજનોના આરોપો અનુસાર મૃતક રાજેશભાઈ મકવાણાએ અગાઉ પોલીસ પ્રૉટેક્શનની માગ કરી હતી, જેની પોલીસ ‘ઉપેક્ષા’ કરી હતી.

જ્યારે સામેની બાજુએ પોલીસ અધિકારીઓએ ‘પોલીસ પ્રૉટેક્શન માટેની લેખિત અરજી ન મળ્યા’ની વાત કહી, આ મામલે તપાસ કરવાનું જણાવ્યું હતું.

આ સમગ્ર મામલાની બીબીસી ગુજરાતીએ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.

શું હતો સમગ્ર મામલો?

પરિવારજનોના જણાવ્યાનુસાર મૃતક રાજેશભાઈ વર્ષ 2019માં બોટાદના જ જાળીલા ગામના દલિત આગેવાન મનજીભાઈ સોલંકીની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી હતા.

આરોપો મુજબ ઉપરોક્ત હત્યા કેસમાં મુખ્ય સાક્ષી રાજેશભાઈ પર આ હત્યાકેસમાં તેમની ભૂમિકાને કારણે કાવતરું ઘડી બોટાદ રોડ પર ધીરુભાઈ ખાચરે અન્ય છ જણ સાથે મળીને ‘જીવલેણ હુમલો’ કર્યો હતો.

ઘટનાની વિગતો અનુસાર બપોરે રાજેશભાઈ મકવાણા દીકરાના કપડાંની ખરીદી કરીને બોટાદ તરફ પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન જ ઘટનાના આરોપી ધીરુભાઈ ખાચર અને તેમના દીકરા હરેશ, કિશોર અને રઘુ સહિત અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ રાજેશભાઈ પર હુમલો કરી દીધો હતો.

મળી રહેલ માહિતી અનુસાર આરોપીઓએ હુમલો કરતી વખતે રાજેશભાઈનો ફોન તોડી નાખ્યો હતો. અને પગ અને શરીર પાઇપ અને ધોકાના ફટકા મારીને તેમને ગંભીર ઈજા પહોંચાડી હતી.

પરિવારજનોના જણાવ્યાનુસાર ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં રસ્તે પડેલા રાજેશભાઈએ રસ્તેથી પસાર થઈ રહેલા અન્ય ગ્રામજન મારફતે પોતાના પરિવારજનોને જાણ કરી હતી

બાદમાં ઈજાગ્રસ્ત થયેલા રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાની તુરંત બાદ ઈજાગ્રસ્ત અવસ્થામાં રાજેશભાઈને ઍમ્બુલન્સમાં હૉસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા એ સમયે તેમના નિવેદનનું વીડિયો રેકૉર્ડિંગ કરાયું હતું.

જેમાં તેઓ દર્દમાં કણસતી અવસ્થામાં આરોપીઓની ઓળખ, હુમલાની વિગતો, હુમલાના સ્થળ વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં તેઓ સંપૂર્ણ ભાનમાં દેખાઈ રહ્યા છે, પરંતુ તેમના બંને પગમાંથી લોહી વહેતું રોકવા માટે કાપડ બંધાયેલાં જોવા મળી રહ્યાં છે.

વીડિયો ઉતારનાર વ્યક્તિ આ વીડિયોમાં બોલતીય સંભળાય છે, તેઓ કહી રહ્યા છે કે, “જુઓ, બંને પગ તોડી નાખ્યા છે.”

પ્રાથમિક સારવાર માટે તેમને બોટાદની સિવિલ હૉસ્પિટલ ખસેડાયા હતા. જોકે બાદમાં તેમને ભાવનગરની સર. ટી હૉસ્પિટલ ખાતે દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન લગભગ આઠ દિવસ બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

રાજેશભાઈના મૃત્યુ બાદ પરિવારજનો અને દલિત આગેવાનોએ આરોપીઓની ધરપકડ, વળતર અને પોલીસની કથિત ‘નિષ્ક્રિયતા’ સંદર્ભે વિવિધ માગ કરી હતી.

મૃતક રાજેશભાઈના ભત્રીજા રવિ મકવાણાએ હુમલાના કારણ અંગે આરોપ કરતાં કહ્યું હતું કે, "રાજેશભાઈ જે કેસમાં સાક્ષી હતા તેમાં બોટાદ સેશન્સ કોર્ટમાં એમણે સચોટ જુબાની આપી, તેનાથી ડરી જામીન પર રહેલા આરોપીઓએ કાવતરું ઘડી તેમના પર હુમલો કરાવ્યો હતો.”

વળતરની માગ કરતાં તેમણે કહ્યું હતું કે, "રાજેશભાઈના બંને દીકરાની જવાબદારી ગુજરાત સરકાર ઉપાડે."

આ સિવાય તેમણે રાજેશભાઈનાં પત્નીને સરકારી નોકરી, પેન્શન અને એટ્રોસિટી ઍક્ટ પ્રમાણે પાંચ એકર જમીન આપવાની માગ કરી હતી.

ઉપરાંત પરિવારજનોને આજીવન પોલીસરક્ષણ, હથિયાર રાખવાનો પરવાનો આપવાની માગણી કરાઈ છે.

પરિવારની માગણી છે કે ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવામાં આવે. આ હેતુ માટે સરકારી વકીલની નિમણૂક કરાય.

પરિવારજનોએ પોલીસરક્ષણ મામલે યોગ્ય પગલાં ન લીધાંનો આરોપ કરીને જિલ્લા એસપી અને પ્રાંત અધિકારી પર પણ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરી હતી.

મૃતક રાજેશભાઈના પરિવારજનો અને સ્થાનિક દલિત આગેવાનોના અનુસાર માગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ ‘મૃતદેહ નહીં સ્વીકારે.’

ભીમસેનાના જિલ્લા પ્રમુખ અરવિંદ પરમારે આ સમગ્ર ઘટના અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું કે, “ગુજરાતમાં છાશવારે દલિતો પર અત્યાચાર થાય છે અને ઢીમ ઢાળી દેવાય છે. અને જો કોઈ અન્ય દલિત એનો સાક્ષી કે પંચપુરાવા બને તો એવા લોકો ઉપર પણ હુમલાની ઘટના પણ રોજબરોજ વધી રહી છે.”

તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે, “આ ઘટના છેલ્લી હોવી જોઈએ અને સરકારને અમે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે હવે આ અત્યાચાર બંધ કરાવો નહીંતર સમગ્ર દલિત સમાજને રોડ પર આવતા વાર નહીં લાગે.”

પોલીસે શું કહ્યું?

બોટાદના એસપી કિશોર બળોલિયાએ આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસ કાર્યવાહીની વિગતો આપી હતી.

તેમણે કહ્યું હતું કે, “રાજેશભાઈ મકવાણા ઉપર એ જ ગામના લોકોએ હુમલો કર્યો હતો. બીજા દિવસે પોલીસે આ મામલે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન બોટાદના ડીવાય.એસપી દ્વારા ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.”

એસપી બળોલિયાએ આગળ જણાવ્યું હતું, “સારવાર દરમિયાન મૃત્યુ બાદ પોલીસે કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 ઉમેરી હતી. સારવાર દરમિયાન મૃત્યુ બાદ ફોરેન્સિક તપાસ અને મૃતદેહનું પોસ્ટમૉર્ટમ હાથ ધરવામાં આવ્યું છે."

તેમણે ઘટનાના આરોપીઓ અને તેમને પકડવા માટે ચાલી રહેલી કાર્યવાહી અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, "આરોપી ધીરુભાઈ ખાચર અને ત્રણ અજાણ્યા શખ્સ ફરાર છે તેમની ઝડપથી અટકાયત અને આગળની કાર્યવાહી માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઈ છે."