You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'પ્રસૂતિ માટે પૈસા જોઈતા હતા, 2 હજાર રૂપિયા માટે ગટરમાં ઊતર્યા ને પાછો આવ્યો મૃતદેહ'
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
દાહોદ જિલ્લાના એક નાનકડા ગામમાં એક ઘરના અંધારા ઓરડામાં 15 દિવસના પોતાના બાળક સાથે અંજનાબહેન ખાટલા પર સૂતાં છે. એમની આંખોમાંથી અવિરત વહેતા આંસુઓએ આખા ઓરડાને ગમગીન બનાવી રાખ્યો છે.
તેમના ખાટલાની બાજુમાં ઊભેલા તેમનાં ભાભી પણ તેમની સાથે રડી રહ્યાં છે, જ્યારે તેમનાં માતા અંજનાબહેનના મોટા દીકરાને સંભાળી રહ્યા છે. અંજનાબહેનના 23 વર્ષના પતિ ઉમેશે દીકરાનું નામ પ્રિન્સ રાખ્યું હતું. જોકે, તેમના બીજા પુત્રનો જન્મ થાય એ પહેલાં જ ઉમેશનું મૃત્યુ થઈ ગયું હતું.
અંજનાબહેનનાં આંસુ એમના દુ:ખની ચાડી ખાય છે. એમના જીવનની જે ક્ષણ સૌથી વધુ ખુશાલ હોવી જોઈતી હતી, એ જ સૌથી વધુ ગમગીન બની ગઈ હતી અને એનું કારણ હતું એમના પતિ ઉમેશનું અકાળે થયેલું અવસાન.
ઉમેશ એપ્રિલ મહિનામાં થરાદ નગરપાલિકાની ગટર સાફ કરવા માટે ગયા હતા અને ઝેરી ગૅસથી ગૂંગળાઈ જવાના લીધે એમનું મૃત્યુ થઈ ગયું હતું. તેમના મૃત્યુ બાદ થરાદ નગરપાલિકાના કૉન્ટ્રેક્ટર સામે ફરિયાદ થઈ છે અને અંજનાબહેનને સરકાર તરફથી દસ લાખ રૂપિયાની સહાય પણ મળી ચૂકી છે. પરંતુ અંજનાબહેનના કહેવા પ્રમાણે એમની દુનિયા જ ખતમ થઈ ગઈ છે.
કાદવમાં લથપથ ઉમેશના મૃતદેહને જ્યારે ફાયર-બ્રિગેડના જવાનોએ ગટરમાંથી બહાર કાઢ્યો ત્યારે અંજનાબહેન પોતાના ગામ, પોતાના નવજાત સાથે નવા જીવનનાં સપનાં જોઈ રહ્યાં હતાં. એ વખતે પ્રસૂતિ માટે વધારે પૈસાની જરૂર પડે તો એને પહોંચી વળવા માટે ઉમેશ માત્ર 2 હજાર રૂપિયા માટે ગટરમાં ઊતર્યા હતા.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અંજનાબહેનએ જણાવ્યું, "એપ્રિલ મહિલાનામાં તેઓ મને જ્યારે છેલ્લી વખત મળ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે 'આ વખતે વધુ પૈસા લઈને પાછો આવીશ, કેમ કે ઘરમાં લગ્ન છે એટલે વધારે પૈસાની જરૂર પડશે,' પણ મને એમનો મૃતદેહ જ જોવા મળ્યો."
ઉમેશની જેમ ગટરમાં ઊતરતી વખતે ગૂંગળાઈ જવાથી અનેક લોકોનાં મૃત્યુ થતાં આવ્યાં છે અને આ મૃત્યુની હારમાળા હજુ પણ ચાલુ છે. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલયે રજૂ કરેલા આંકડા અનુસાર વર્ષ 2018થી 2023 દરમિયાન 330 લોકોનાં ગટરમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયાં છે. જોકે, કર્મશીલો પ્રમાણે તો આ આંકડો માત્ર 'હિમશિલાની ટોચ' માત્ર છે અને સાચો આંક રિપોર્ટ જ થતો નથી.
'માનવગરિમા' નામની સંસ્થાએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરેલા આંકડા અનુસાર રાજ્યમાં 2013થી અત્યાર સુધીમાં આવી રીતે 152 લોકોનાં મૃત્યુ થયાં છે અને તેમાંથી કેટલાય પરિવારોને હજુ સુધી સરકારી સહાય પણ મળી નથી.
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના 2021ના આંકડા અનુસાર દેશમાં લગભગ 58 હજાર લોકો માથે મેલું ઉપાડે છે. આ લોકો હાથ વડે માનવમળને સાફ કરવા માટે મજબtર છે અથવા ગટરની અંદર ઊતરવા માટે મજબૂર છે. બેંગ્લુરુસ્થિત 'સફાઈ કર્મચારી આંદોલન' નામની સંસ્થાના જણાવ્યા પ્રમાણે યોગ્ય સરવેના અભાવે આ કામ કરી રહેલા કુલ લોકોની ચોક્કસ સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. જોકે, એમ છતાં સંસ્થાનું માનવું છે કે દેશમાં 7,70,000 લોકો માથે મેલું ઉપાડવા મજબૂર છે.
અહીં નોંધનીય છે કે મોદી સરકારે જુલાઈ માસમાં જાહેરાત કરી હતી કે ઑગસ્ટ માસ સુધીમાં દેશને 'મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ' એટલે કે માથે મેલું ઉપાડવાના કામથી મુક્ત કરી દેવાશે. સંસદમાં બીજી ઑગસ્ટ, 2023ના રોજ રજૂ કરાયેલા એક જવાબ પ્રમાણે દેશના કુલ 766 જિલ્લાઓમાંથી 639 જિલ્લાને 'મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ'થી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
શું સ્થિતિ છે મૅન્યુઅલ સ્કેવેન્જીંગની દેશમાં?
સફાઇ કર્મચારી આંદોલનના કન્વીનર બેઝવાડા વિલ્સન નીતિઆયોગ સહિત સરકારની વિવિધ સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ કહે છે, "સરકાર માત્ર સૅમ્પલ સરવે કરીને, ઉપરઉપરથી કામ કરીને આવી મોટી જાહેરાતો કરી દે છે. જોકે, આ જાહેરાતોનું જમીની વાસ્તવિક્તા સાથે કોઈ સંબંધ નથી હોતો."
તેઓ એવો આરોપ પણ લગાડે છે કે "સરકાર આ જાહેરાતો પાછળ દેશના પોલીસખાતાનો ઉપયોગ કરી રહી છે. એટલે કે ગટર સાફ કરવા કે માનવમળને ઉપાડવાના કામમાં સંકાળાયેલા લોકોનો સર્વે કરવા માટે પોલીસકર્મીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવું કરીને સરકાર લોકોને ડરાવી રહી છે અને એટલે માથે મેલું ઉપાડનારી કોઈ પણ વ્યક્તિ સામે આવવા હવે તૈયાર નથી."
દેશમાં હાલ 'મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ ધેર રિહેબિલિએશન ઍક્ટ 2013' ઉપરાંત 2024ના સુપ્રીમ કોર્ટના એક આદેશમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ કાયદાનો કડક રીતે અમલ થવો જોઈએ. વિલ્સન ઉમેરે છે, "આજના જમાનામાં એક વ્યક્તિ, બીજી વ્યક્તિનું મળ સાફ કરે એ પરિસ્થિતિનું નિર્માણ થવું જ ન જોઈએ અને આ પ્રકારના કાયદાની જરૂર હોવી જ ન જોઈએ. જોકે, અહીં તો સ્થિતિ એવી છે કે આ માટે કાયદો છે, આદેશ છે અને છતાં પણ આવી પ્રવૃત્તિ સમાપ્ત નથી થતી."
માનવગરિમા સંસ્થાના કન્વીનર પુરુષોત્તમ વાઘેલા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "આજે પણ ગુજરાતની તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ તેમ જ ગ્રામ પંચાયતોમાં ગટર સાફ કરવા માટે લોકોને અંદર પ્રવેશવું પડે છે. સરકારના દાવા બિલકુલ પોકળ છે અને એનો જમીની વાસ્તવિક્તા સાથે કોઈ સંબંધ નથી."
તેઓ વધુમાં ઉમેરે છે, "આજે પણ અમદાવાદ જેવાં શહેરોમાં ડ્રાય લૅટરિન જોવા મળે છે અને એને સાફ કરવા માટે વાલ્મીકિ સમુદાયના લોકોને મજબૂર કરવામાં આવે છે. કૉન્ટ્રેક્ટર એની પાસેથી પોતાને ગમે એ રીતે કામ લે છે."
ઑગસ્ટ માસ સુધીમાં દેશને માથે મેલું ઉપાડવાના કલંકમાંથી મુક્ત કરવાની સરકારી જાહેરાત સંદર્ભે ભાજપના અનસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સરકાર યોગ્ય રીતે જ સરવે કરી રહી છે. જોકે, કોઈ રાજ્ય હજુ સુધી આ કાયાદાનો અમલ ના કરી રહ્યું હોય તો એની સામે કડક પગલાં લેવાં જોઈએ, એવું મારું માનવું છે. સરકારની સંબંધિત જાહેરાત પાછળ વર્ષોથી કચડાયેલા વર્ગને એમાંથી બહાર કાઢવાની મનસા છે."
કાયદો, સરકારના દાવાઓ અને મેન્યુઅલ સ્કેવેન્જરની હાલની પરિસ્થિતિ?
'મૅન્યુઅલ સ્કૅવેન્જર્સ ઍન્ડ ધેર રિહેબિલિએશન ઍક્ટ 2013' પ્રમાણે જો કોઈ વ્યક્તિ આ પ્રકારના કામમાં જોતરાયેલી હોય તો એને એ કામમાંથી હઠાવીને એના પુનર્વસનની જવાબદારી સરકારના શિરે છે.
ગટરમાં ઊતરવા કે માનવમળ સાફ કરવા માટે માટે લોકોને કામે રાખનારા કૉન્ટ્રેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિત સંબંધિત સરકારી અધિકારીઓ સામે પણ ફરિયાદ થઈ શકે છે. આવા કામમાં જોતરાયેલી વ્યક્તિનું કામ દરમિયાન મૃત્યુ થતાં મૃતકના પરિવારજનોને 10 લાખ રૂપિયાની રકમ વળતર પેટે ચૂકવવાની પણ જોગવાઈ કરાયેલી છે.
આવી જોગવાઈ હોવા છતાં ઘણા પીડિતો સરકારી સહાયથી વંચિત રહી જાય છે, જેમ કે અમદાવાદના ચાંગોદરમાં રહેતાં રત્નાબહેન વાલ્મીકિ. અંજનાબહેનના પતિની માફક જ રત્નાબહેનના પતિ પણ ગટર સાફ કરતી વખતે મૃત્યુ પામ્યા હતા. તેઓ પણ અંજનાબહેનની માફક નાની વયે વિધવા થયાં હતાં. તેમના શિરે પણ બે છોકરાઓને મોટાં કરવાની જવાબદારી આવી પડી હતી. તેમના પતિ શંભુભાઈ વાલ્મીકિનું એક વર્ષ 2008માં એક ખાનગી ફેકટરીની ગટર સાફ કરતી વખતે મૃત્યુ નીપજ્યું હતું. જોકે, રત્નાબહેનને અંજનાબહેનની માફક દસ લાખ રૂપિયાની સહાય હજુ સુધી મળી નથી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રત્નાબહેન કહે છે, "હવે તો હું ઘરડી થઈ ગઈ. તેમના મૃત્યુના ત્રણ દિવસ બાદ મને એમનો મૃતદેહ સોંપાયો હતો અને નોકરી આપવાના, પૈસા આપવાના, પ્લૉટ આપવાના, રહેવા માટે ઘર આપવાના અનેક વાયદાઓ કરવામાં આવ્યા હતા પણ કંઈ આપ્યું નહીં. આટલાં વર્ષો મેં કાગળ વીણીવીણીને મારા બે છોકરાઓને મોટા કર્યાં છે."
રત્નાબહેનને ન મળેલી હાય અંગે બીબીસી ગુજરાતીએ અમદાવાદના કલેક્ટર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે એમનો સંપર્ક થઈ શક્યો નહોતો.
રત્નાબહેનના દીકરા વિજય સાથે પણ અમારી વાત થઈ. તેઓ હાલમાં એક પ્રાઇવેટ ફેકટરીમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે, “હું કે મારો ભાઈ ભણ્યા નથી, માટે અમારી પાસે આ કામ કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી.”
હાથથી માનવમળ સાફ કરવા કેમ મજબૂર છે આ લોકો?
અમદાવાદમાં એક જાહેર શૌચાલય પર કામ કરતાં રમેશભાઈ વાળાએ તેમના કામકાજ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરી. તેમના જણાવ્યા અનુસાર એ જાહેર શૌચાલયની ગટર ઊભરાઈ જાય તો તેમણે પોતાના હાથે કે ગટરની અંદર ઊતરીને એને સાફ કરવાની ફરજ પડે છે. તેઓ કહે છે, "આ માટે અમને આજ સુધી કોઈ પણ પ્રકારનાં સાધનો મળ્યાં નથી."
રમેશભાઈનાં પત્ની હજુ પણ આસપાસના વિસ્તારમાં માનવમળ સાફ કરવાનું કામ કરે છે.
ગુજરાતમાં હજુ પણ માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ અંગે માનવગરિમા ટ્રસ્ટે કરેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને હુકમ કર્યો હતો. એ આદેશ અનુસાર મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ દરમિયાન મૃતકનો આંકડો 'ગુજરાત સફાઈ કામદાર નિગમ'ના ડિરેક્ટર 12 સપ્ટેમ્બર 2023 સુધી રજૂ કરવાનો રહેશે. તેની સાથે જ કૉર્પોરેશન, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓએ મશીન વગેરેની ખરીદી કરીને આ પ્રવૃતિને સદંતર બંધ કરવાની રહેશે.
જોકે, પુરુષોત્તમ વાઘેલા જણાવે છે, "અમે પોતે કેટલીય વખત સરકારમાં રજૂઆત કરીને આ પ્રવૃતિ તરફ ધ્યાન દોર્યું છે. પરંતુ સરકારની ઇચ્છાશક્તિ ન હોવાથી રાજ્યમાં આ પ્રવૃત્તિનો અંત નથી આવતો."
પુનર્વાસના દાવા અને બજેટની રકમ
2019-20થી 2022-23 સુધી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે લગભગ 390 કરોડના બજેટનું અનુમાન કર્યું હતું. જેનું રિવાઇઝ્ડ બજેટ આ સમય દરમિયાન 184.34 કરોડ થયું હતું. જોકે, તેમાંથી 32.84 કરોડ રૂપિયા વપરાયા વગર પડ્યા હતા. આ રકમ માથે મેલું ઉપાડવાના વ્યવસાયમાં જોતરાયેલા લોકોના પુનર્વસન માટે વપરાવવી જોઈતી હતી.
બેઝવાડા વિલ્સન કહે છે, "પ્રથમ તો પુનર્વાસ માટે ખૂબ ઓછી રકમ ફાળવવામાં આવે છે અને તેમાંથી પણ પુનર્વાસ માટેની રકમ વપરાતી જ નથી. જે સરકારની ઇચ્છા પર શંકા વ્યક્ત કરે છે."
ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે રૂ. 100 કરોડની રકમ ‘નમસ્તે’ યોજના અંતર્ગત મૅન્યુઅલ સ્કૅવેન્જિંગ'ની પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જાહેર કરી છે.
મૅન્યુલ સ્કેવેન્જર્સનાં મૃત્યુ જે નોંધાયાં છે અને જે નથી નોંધાયાં
જો, કર્મશીલો અને નિષ્ણાતોનું માનીએ તો સરકારે આજ સુધી ક્યારેય માથે મેલું ઉપાડનારા લોકોનાં મૃત્યુનો સાચો આંકડો બહાર પાડ્યો જ નથી.
સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય કમિશનના 2019-20ના રિપોર્ટ અનુસાર 1993થી 2020 સુધી 928 લોકોનાં ગટર સાફ કરતી વખતે મૃત્યુ થયાં હતાં, જેમાં તામિલનાડુ અને ગુજરાત અનુક્રમે 201 અને 161 મૃતાંક સાથે મોખરે હતાં
સામાજિક અધિકારિતા મંત્રી રામદાસ આઠવલેએ સંસદમાં કહ્યું હતું કે દેશમાં વર્ષ 2018થી 2022 સુધી 330 લોકોનાં મત્યુ ગટરમાં ગૂંગળાઈ જવાના લીધે થયાં હતાં. 2023ના ચાલુ વર્ષે નવ લોકોનાં આવી રીતે મૃત્યુ થયાં છે, જ્યારે 2023માં 66 અને 2021માં 58 લોકોનાં આ રીતે મૃત્યુ થયાં હતાં.
રિપોર્ટમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે મૃત્યુના સંબંધિત કિસ્સામાં એવું જાણવા મળ્યું છે કે લાગતીવળગતી સંસ્થા આવાં મૃત્યુઓની જવાબદારીમાંથી છટકી જાય છે અને તર્ક આપે છે કે મરનાર વ્યક્તિ કૉન્ટ્રેક્ટર માટે કામ કરતી હતી. જેના લીધે આ પ્રકારનાં મૃત્યુઓ રાજ્ય સરકારના રેકૉર્ડ પર આવતાં નથી અને પરિવારજનોને ક્યારેય સહાય મળતી નથી.
કમિશને પોતાના રિપોર્ટમાં એવું પણ નોંધ્યું છે કે 'ગટરમાં ઊતરીને સફાઈકામ દરમિયાન આજે પણ અનેક લોકોનાં મૃત્યુ થાય છે. ગટર સાફ કરવાનો કૉન્ટ્રેક્ટ લેતા, કૉન્ટ્રેક્ટર પર કોઈ પણ પ્રકારનો અંકુશ એ સંસ્થા રાખતી નથી. જેના લીધે કૉન્ટ્રેક્ટર સફાઈ કર્મચારીઓને ગટરમાં જવા માટે મજબૂર કરે છે અને કોઈ અઘટીત ઘટના બન્યા બાદ કૉર્પોરેશન, તાલુકા પંચાયત, નગરપાલિકા વગરે જેવી સંસ્થાઓ સાથે સાથે રાજ્ય સરકાર પણ પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે.'