You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દલિત હત્યાકાંડનો ભારતનો એકમાત્ર એ કિસ્સો જેમાં દોષિતને ફાંસી અપાઈ હતી
- લેેખક, વિષ્ણુ નારાયણ
- પદ, બેલછીથી પરત ફરીને, બીબીસી માટે
દલિતો વિરુદ્ધ હિંસાના નોંધાયેલા ઇતિહાસને જોસો તો એક પૅટર્ન દેખાશે. આ પૅટર્નમાં જોઈ શકાય છે કે મોટા ભાગના મામલામાં ન્યાયતંત્ર આવી ઘટનાઓમાં જાતિને હિંસાનો આધાર ગણાવવાનું ટાળતું હોય એવું દેખાય છે અને જો આ ગુનો સાબિત થઈ જાય તો પણ પુરાવાના અભાવે ગુનેગાર સાબિત નથી થઈ શકતા.
બિહારનો બેલછી હત્યાકાંડ આ પ્રમાણે એક ઐતિહાસિક મામલો છે. ભારતના ઇતિહાસમાં બેલછી હત્યાકાંડમાં થયું એવું ક્યારેય અગાઉ નહોતું થયું.
હાલમાં છપાયેલા પુસ્તક ‘કાસ્ટ પ્રાઇડ – બેટલ્સ ફૉર ઇક્વાલિટી ઇન હિંદુ ઇન્ડિયા’માં પહેલી વાર આ હત્યાકાંડ સાથે સંબંધિત એવાં તથ્યા સામે આવ્યાં છે જેમાં ખબર પડી કે બેલછી પ્રથમ અને અત્યાર સુધીનો એકમાત્ર એવો મામલો છે જેમાં દલિત હત્યાના દોષિતોને ફાંસીની સજા થઈ હતી.
બેલછીએ સંસદ અને પક્ષવિપક્ષના રાજકારણથી દૂર સાંસદોની એકતાનું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું.
સવાલ એ છે કે લગભગ પાંચ દાયકા પહેલાં આ ઉદાહરણ સ્થાપવાનું કામ કેવી રીતે શક્ય બન્યું અને આ મામલાએ દલિતો માટે ન્યાયની જમીન કેવી રીતે તૈયારી કરી?
27 મે 1977ના દિવસને યાદ કરતા બેલછી હત્યાકાંડના એકમાત્ર જીવિત સાક્ષી 81 વર્ષીય જાનકી પાસવાન કહે છે કે, “મામલો મતભેદનો હતો. એ વાતનો મતભેદ કે અમે મોટા કે તમે. ખેતરની સિંચાઈ અને એક ગુંઠા જમીન અંગે વિવાદ શરૂ થયો હતો.”
“ગોહાર (બહારના લોકો) બોલાવી લેવાયા. લોકોને ભાગવાની તક ન મળી. ઘેરીને મૃત્યુ નિપજાવી દેવાયાં. મહાવીર મહતો(મુખ્ય આરોપી)એ વિચાર્યું કે તાકતથી જમીન પડાવી લેશે.”
જાનકી પાસવાનના પરિવારના ચાર લોકો આ હત્યાકાંડમાં મૃત્યુ પામ્યા હતા. એક 12 વર્ષીય મનોવિકલાંગ બાળ સહિત 11 લોકોની ધોળા દહાડે હત્યા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુસાધ જાતિના આઠ અને સોનાર જાતિના ત્રણ, આમ કુલ 11 લોકોની હત્યા કરી દેવાઈ. જે પૈકી દુસાધ દલિત હતા. લોકો પર પહેલાં ગોળીબાર કરાવાયો બાદમાં રસ્સા વડે બાંધીને બધાને આગમાં ફેંકી દેવાયા.
જાનકી પાસવાન અનુસાર, “આમાં નોંધનીય વાત તો એ છે કે એ (મહાવીર મહતો) પણ નિર્બળ બની ગયા અને અમે પણ. કોઈ શક્તિ કામે ન લાગી. આજે દુ:ખ તો બંનેને છે. ન રાજ થયું ન રાજ થઈ શકે છે. રાજ તો માત્ર એટલું થયું કે મારી નાખ્યા. બાળી દીધા પરંતુ રાજ ક્યાં રહ્યું?”
બેલછી હત્યાકાંડ અને રાજકીય ભૂકંપ
આ ઘટના વર્ષ 19777માં બની હતી. અને ભૂતકાળમાં ડોકિયું કરતાં ખબર પડે છે કે એ સમયે બિહાર સહિત મોટા ભાગનાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લદાયેલું હતું.
કેન્દ્રની સત્તામાંથી પ્રથમ વખત કૉંગ્રેસ બેદખલ થઈ હતી. કટોકટી બાદ થયેલી સામાન્ય ચૂંટણીમાં ખુદ ઇંદિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધી ચૂંટણી હારી ગયાં હતાં. જનતા પાર્ટીની સરકાર બની હતી. મોરારજી દેસાઈ દેશના વડા પ્રધાન ચૂંટાઈ આવ્યા હતા. એ સમયે આ ઘટના ઘટી હતી.
બેલછી હત્યાકાંડના પડઘા દેશની સંસદમાં પડવા લાગ્યા. એ સમયે સીપીઆઈ નેત્રી અને તામિલનાડુના કોયંબટૂર લોકસભાનાં પ્રતિનિધિ પાર્વતી કૃષ્ણન ‘બેલછી’ પર ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ લઈ આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટોના હવાલાથી તેમણે બેલછી હત્યાકાંડની જાતિઆધારિત અત્યાચાર ગણાવ્યો હતો તેમજ તત્કાલીન ગૃહમંત્રી ચૌધરી ચરણસિંહે આ હત્યાકાંડમાં જાતિની ભૂમિકાની વાત નકારી કાઢી હતી. તેમના પ્રમાણે આ મામલો જાતિ આધારિત સંઘર્ષનો નહીં પરંતુ બે જૂથો વચ્ચે વર્ચસ્વનો હતો.
વરિષ્ઠ પત્રકાર મનોજ મિટ્ટાએ પોતાના પુસ્તક ‘કાસ્ટ પ્રાઇડ - બેટલ્સ ફૉર ઇક્વાલિટી ઇન હિંદુ ઇન્ડિયા’માં પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ નેતા ચૌધરી ચરણસિંહનું નિવેદન નોંધ્યું છે. ચૌધરી ચરણસિંહે કહ્યું હતું કે, “આ ઘટનામાં જાતિ કે સંપ્રદાયનો કોઈ ઍન્ગલ નથી. કેટલાંક પ્રેસ સંસ્થાનોમાં જે પ્રકારે લખાઈ રહ્યું છે એ પ્રકારના ઉત્પીડનનો પણ આ મામલો નથી.”
પાર્વતી કૃષ્ણને એ સમયે ગૃહમંત્રીના નિવેદનનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘ગૃહમંત્રી બિહાર સરકાર દ્વારા ઘડી કઢાયેલા રિપોર્ટ પર વિશ્વાસ કરી રહ્યા છે.’ તેમણે આ મામલાને લઈને ન્યાયિક તપાસ કમિશનની રચનાની માગ કરી હતી, જે સરકારે નજરઅંદાજ કરી હતી.
જ્યારે ચૌધરી ચરણસિંહે સ્ટેન્ડ બદલવું પડ્યું
જોકે, આ હત્યાકાંડનો એટલો વિરોધ થયો કે ચૌધરી ચરણસિંહે પોતાનું સ્ટેન્ડ બદલવું પડ્યું અને તેમણે આઠ સભ્યોવાળી ફૅક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી, જેનું અધ્યક્ષપદ ઉત્તરપ્રદેશના નેતા રામધનને સોંપાયું હતું. તેમાં રામવિલાસ પાસવાનને પણ સામેલ કરાયા હતા જેઓ પણ દુસાધ જાતિના હતા, જે જાતિના આઠ લોકોનાં આ ઘટનામાં મૃત્યુ થયાં હતાં.
આ સમિતિએ 2 જુલાઈ, 1977ના રોજ બેલછીનો પ્રવાસ કર્યો અને રિપોર્ટ સોંપ્યો.
સંસદીય ઇતિહાસમાં પક્ષવિપક્ષવાળા રાજકારણથી ઉપર ઊઠીને આ હત્યાકાંડની તપાસની માગ કરવાની વાતને પણ અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવ મનાય છે. આ એક અનોખું ઉદાહરણ હતું.
14 જુલાઈના રોજ પ્રકાશિત રિપોર્ટમાં સ્પષ્ટપણે લખાયું હતું કે, ‘આ નરસંહાર એકતરફી હતો, જેમાં આઠ દલિતોને મારી નખાયા.’ રિપોર્ટ અનુસાર, “તેઓ ભૂમિહીન મજૂર હતા, જેઓ ભાગે ખેતી કરતા હતા. તેમની હત્યા કુર્મી જાતિના મહાબીર મહતો અને તેમના લોકોએ કરી હતી.”
“એ લોકો પાકાં ઘરોમાં રહેતા દબંગ ખેડૂતો હતા. મૃત્યુ પામેલા દલિતો આ દબંગોનો વિરોધ કરતા હતા. આ આપસી ઘર્ષણનો મામલો નથી બલકે જાતિઆધારિત હિંસાનો મામલો છે.”
આ મામલામાં પોલીસની ભૂમિકા પર પણ સવાલ ઊઠ્યા જેના પર આ પ્રકારની જાતિઆધારિત હિંસાના મામલામાં અવારનવાર શંકાની સોય આવે છે.
હાથી પર બેસીને જ્યારે ઇંદિરા ગાંધી પહોંચ્યાં બેલછી
બીબીસી સાથે વાત કરતાં મનોજ કહે છે કે, “કોઈ પણ અન્ય જાતિઆધારિત જુલમની સરખામણીએ બેલછીનો મુદ્દો સમાચારોમાં વધુ છવાયેલો રહ્યો. આવું આંશિકપણે તેની ટાઇમિંગને કારણે થયું. આ ઘટના એ સમયે થઈ, જ્યારે કૉંગ્રેસે પ્રથમ વખત કેન્દ્રમાં પોતાની સત્તા ગુમાવી હતી. જનતા પાર્ટી સરકારના એ દાવાએ દલિત સાંસદોમાં આક્રોશ પેદા કરી દીધો, જેમાં કહેવાયું હતું કે બેલછીનો નરસંહાર એક ગૅંગવૉર હતો ના કે જાતિઆધારિત અત્યાચાર.”
“જોકે, બાદમાં જનતા પાર્ટીની સરકારે માફી માગવી પડી અને આનું કારણ હતું દલિત સાંસદોની અભૂતપૂર્વ ફૅક્ટ ફાઇન્ડિંગ.”
“તે બાદ ઇંદિરા ગાંધી હાથી પર સવાર થઈને બેલછી પહોંચ્યાં અને જનમાનસને ખૂબ પ્રભાવિત કર્યું. આખરે બેલછી અત્યાચારનો એવો પ્રથમ અને અંતિમ મામલો બન્યો, જેમાં દલિતોના એક હત્યારાને ફાંસી થઈ.”
ઇંદિરા ગાંધીની પીડિત દલિત પરિવારને મળવા ટ્રૅક્ટર, હાથી અને દૂરસ્થ રસ્તા પર ચાલીને જવાની જીદને લોકતાંત્રિક રાજકારણમાં માસ્ટરસ્ટ્રોક મનાય છે. જે હિંદી બેલ્ટમાં કૉંગ્રેસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું, આ ઘટનાએ ગરીબોનાં દિલોમાં આ ક્ષેત્રમાં કૉંગ્રેસ માટે ફરી વાર જગ્યા બનાવવામાં મદદ કરી.
જાતિઆધારિત હિંસાથી જાતિ ગાયબ
બેલછી હત્યાકાંડના મુખ્ય આરોપી મહાવીર મહતો અને પરશુરામ ધાનુક કુર્મી જાતિના હતા. બંનેને મૃત્યુદંડ કરાયો અને બીજા 14 આરોપીઓને ઉંમરકેદની સજા મળી.
બેલછી હત્યાકાંડમાં ન્યાયનો નિર્ણય કરનારા ન્યાયાધીશ ઉદય સિંહા વકીલો સાથે જાતે ઘટનાસ્થળે ગયા હતા અને ઘટનાસ્થળે જઈને તેની તપાસ કરી હતી.
મનોજ મિટ્ટા પોતાના પુસ્તકમાં લખે છે કે, “જ્યારે મહાવીર મહતો અને પરશુરામ ધાનુકને અંતે ફાંસીની સજા થઈ ત્યારે તેમની તરફથી સુપ્રીમ કોર્ટમાં રિટ અરજી દાખલ કરાઈ હતી. ત્યારે રિટ અરજી ટેલિગ્રામ મારફતે મોકલાવાઈ હતી.”
“એ સમયે સુપ્રીમ કોર્ટમાં ઉનાળુ વૅકેશન ચાલી રહ્યું હતું. જસ્ટિસ એ. વરદરાજને ત્યારે ટેલિગ્રામને જ રિટ અરજી માની હતી. ફાંસીની નક્કી કરાયેલી તારીખ (23મે 1983)ના બે દિવસ પહેલાં જ તેમને સ્ટે મળી ગયો. બાદમાં એ સમયના મુખ્ય ન્યાયાધીનશ વાઈ. વી. ચંદ્રચૂડ અને ત્રણ અન્ય ન્યાયાધીશોની બેન્ચે આ મામલાની પ્રાથમિકતાને આધારે સુનાવણી કરી. આ સુનાવણી 23 સપ્ટેમ્બર, 1983ના રોજ થઈ, અને આ મામલામાં દાખલ કરાયેલી રિટ અરજીને ખારિજ કરી દેવાઈ.”
“મહાવીર મહતો અને પરશુરામ ધાનુકને 9 નવેમ્બર 1983ના દિવસે ભાગલપુર સેન્ટ્રલ જેલ ખાતે ફાંસી આપી દેવાઈ.”
બિહારમાં જાતિઆધારિત હિંસાનો સમયગાળો
બેલછી હત્યાકાંડ બાદ પણ ઘણી વાર ભયાનક જાતિઆધારિત હિંસા જોવા મળી રહી છે.
એ 90નો દાયકો હતો જ્યારે સામાજિક ન્યાયનો ઝંડો લઈને ઘણી સરકારો સત્તામાં હતી. છતાં 1996માં બથાની ટોલામાં 20 લોકોની હત્યા થઈ. જેમાં મોટા ભાગના દલિત અને મુસ્લિમ હતા.
1997માં લક્ષ્મણપુર બાથે જેમા 58 દલિતોની હત્યા કરાઈ હતી. સમગ્ર દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા દલિત હત્યાકાંડને તત્કાલીન રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય શરમ ગણાવ્યો હતો.
1997માં મુંબઈના રમાબાઈનગરમાં 10 દલિતોને મુંબઈ પોલીસે માર્યા. 1999માં બિહારના શંકર બિગહામાં 23 દલિતોની રણવીર સેનાએ હત્યા કરી.
2002માં હરિયાણાના ઝજ્જરમાં ભીડે પાંચ દલિતોની માર મારીને હત્યા કરી અને 2006માં મહારાષ્ટ્રના ખૈરલાંજીમાં એક દલિત પરિવારના ચાર લોકોની ભીડે હત્યા કરી નાખી.
બથાની ટોલા હોય કે પછી શંકર બિગહા જ – તેમાં તમામ આરોપીઓ એક પછી એક છૂટતા ગયા.
બિહારમાં જાતિઆધારિત હિંસાની જમીન પર વંચિતો માટે અવાજ ઉઠાવનારા ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(માલે)એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
બેલછી હત્યાકાંડ જેવા અપવાદોને બાદ કરતાં જાતિઆધારિત હિંસાના મામલામાં દોષિતોને સજા નથી મળી. આના કારણ અંગે ભાકપા(માલે)ના રાજ્ય સચિવ કુણાલ કહે છે કે ન્યાયાલયો પર ગરીબને ન્યાય અપાવવા માટેનું કોઈ દબાણ નથી હોતું.
તેઓ કહે છે કે, “આપણે આવા મામલા કે લડાઈઓને માત્ર કોર્ટના દૃષ્ટિકોણથી નથી જોતા. ખરેખર જ્યાં સુધી ગરીબોની માગ મજૂરી કે વસવાટ-ખેતી માટે જમીન માગવા પૂરતી સીમિત હતી ત્યાં સુધી ‘સામંતી શાસનવ્યવસ્થા’ને કોઈ ખતરો નહોતો.”
“પરંતુ જ્યારે ગરીબો અમારી પાર્ટીના નેતૃત્વમાં સંગઠિત થવા લાગ્યા ત્યારે તેઓ એક રાજકીય તાકત સ્વરૂપે પણ સામે આવવા લાગ્યા હતા. તેમના મુદ્દા ભલે ઇજ્જત, જમીન અને મજૂરીના હતા પરંતુ મામલો માત્ર અર્થકારણ સાથે જોડાયેલો નહોતો.”
“તેઓ સામાજિક અને રાજકીય ફલક પર પણ ઊભરી રહ્યા હતા, તો તેને દબાવવા માટે એ સમયગાળામાં ખાનગી સેનાઓ જેમ કે ‘રણવીર સેના’ બનાવાઈ અ તેમને રાજકીય સંરક્ષણ પણ હાંસલ થયું.”
બેલછીની સાથોસાથ બિહારના અલગ અલગ ભાગોમાં થયેલ જાતિઆધારિત હિંસાના મામલા અને જાતિઓમાં અંદરોઅંદર સામંતવાદ અને વર્ચસ્વના સવાલ અંગે કુણાલ કહે છે કે, “જાતિઓની અંદર સામંતવાદ અને જાતિઆધારિત વર્ચસ્વની સંરચનાને જોતાં ખબર પડે છે કે જાતિઓ પણ કોઈક ને કોઈક દબંગના નેતૃત્વમાં જ સંગઠિત થાય છે, જેમ કે ભૂમિહાર જાતિના દબંગ અને જમીનદાર ન હોત તો રણવીર સેના કેવી રીતે ચાલત?”
તેઓ કહે છે કે, “આપણા દેશમાં જાતિઆધારિત વર્ચસ્વ પણ સામંતોના નેતૃત્વમાં જ જોવા મળે છે અને આવાં તત્ત્વ કહેવાતી ઊંચી જાતિની સાથોસાથ અન્ય જાતિઓમાં પણ જોવા મળે છે. જેમ કે, ‘ભૂમિ સેના, લોરિક સેના અને કિસાન સંઘ’ના ઉદયને કેવી રીતે જોવો જોઈએ?”
“જો સમાજમાં પછાત જાતિની અંદર પણ એક નવધનાઢ્ય વર્ગ પેદા થયો હોય તો તેમણે પણ સામાજિક વર્ચસ્વ માટે ગરીબોનું દમન કર્યું. આ તમામની એવી જ કોશિશ રહી કે ગરીબોને રાજકીય અને સામાજિક દાવેદારી કરવાથી રોકવામાં આવે.”
મનોજ મિટ્ટા આવું થવા પાછળ વ્યવસ્થાના માળખામાં દલિતો વિરુદ્ધ પ્રૂર્વગ્રહને દોષિત ગણાવે છે.
તેમના અનુસાર, “દલિતો વિરુદ્ધ હિંસાના મામલામાં સમાનતાનાં બંધારણીય મૂલ્યો અને ભેદભાવને ખતમ કરવાને લઈને નિવેદનબાજી છતાં દલિતો વિરુદ્ધ સામૂહિક હિંસા માટે ખુલ્લી છૂટ, વ્યવસ્થાના પૂર્વગ્રહનો પુરાવો રજૂ કરે છે.”
“આવા ગંભીર મામલામાં કથિત હત્યારાને છોડવા માટે કોર્ટો તરફથી એવો તર્ક અપાવાની પૅટર્ન રહી છે.”
જોકે, બિહારમાં એસસી/એસટી ઍક્ટર અંતર્ગત પણ આરોપીઓને સજા આપવાના મામલા સંતોષજનક ગણાવી શકાય એવું નથી.
'ઇન્ડિયન એક્સપ્રેસે' પોતાના એક રિપોર્ટમાં બિહાર પોલીસના આંકડાના હવાલાથી લખ્યું હતું કે એસસી/એસટી ઍક્ટ અંતર્ગત વર્ષ 2020માં વધુમાં વધુ 7,574 મામલા દાખલા કરાયા, 2018માં 7,125 મામલા અને વર્ષ 2017માં 6,826 મામલા દાખલ કરાયા. પરંતુ વર્ષ 2011થી માંડીને 2021 સુધી કૂલ 44,150 મામલામાં માત્ર 872 મામલામાં દોષસિદ્ધિ થઈ શકી. એટલે કે માત્ર આઠ ટકા મામલામાં સજા થઈ.
જાતિઆધારિત અસ્મિતાની લડાઈ કે વર્ગસંઘર્ષ?
બિહારની અંદર બેલછીથી માડીને બીજા દલિત નરસંહારોને લઈને એક વાત ઘણી વાર ઊઠતી રહે છે કે તેને જાતિઆધારિત હિંસા કહીએ કે નહીં? શું આ જાતિઆધારિત અસ્મિતાની લડાઈ હતી?
આ સવાલ અંગે જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફેસર ડી. એમ. દિવાકર કહે છે કે, “બિહારમાં જાતિઆધારિત નરસંહાર કહેવાતા મામલાને સામંતો અને મજૂરોની લડાઈ તરીકે જોવું યોગ્ય રહેશે. મૂળ લડાઈ જમીનને લઈને થતી રહી છે.”
“લોકો આ મામલા અલગ-અલગ ચશ્માં વડે જરૂર જુએ છે. ટુકડામાં જુઓ તો વસ્તુઓ અલગ-અલગ દેખાય છે, જેમ કે ક્યાંક સિંચાઈ માટે તો ક્યાંક ઊઠવા-બેસવાને લઈને ઝઘડા થઈ ગયો પરંતુ વિશ્લેષણ કરવાથી માલૂમ પડે છે કે આ વર્ગસંઘર્ષ જ હતો.”
પ્રોફેસર દિવાકર ‘બેલછી’, ‘લક્ષ્મણપુર બાથે’ અને ‘બથાની ટોલા’ જેવા હત્યાકાંડોમાં જાતિ અને વર્ગની ભૂમિકાના સવાલે કહે છે કે, “આ તમામ મામલામાં એક વસ્તુ સામાન્ય હતી એ એ કે ઝઘડો જમીનને લઈને થયો હતો.”
“બિહારની અંદર જાતિ અને વર્ગને એક ક્રમમાં જોવાની કોશિશ કરાય છે. ઘણા લોકોએ આ અંગે લખ્યું પણ છે. મોટા ભાગના જમીનમાલિકો ઉજળિયાત વર્ગના છે. પરંતુ જ્યાં જમીન ઉજળિયાતના સ્થાને પછાત જોડે કે દલિત પાસે છે, તેઓ પણ આવી જ રીતે વર્તે છે.”
તેઓ કહે છે કે, “આને સામૂહિક રીતે જોવામાં આવે તો જાતિ અને વર્ગ એકબીજામાં ભળી ગયાં હોવાનું જણાય છે.”
સામાજિક ન્યાયના ઇતિહાસમાં નોંધાયેલ આજનું બેલછી
આ ઘટનાના એકમાત્ર જીવિત સાક્ષી જાનકી પાસવાનની અંતિમ ઇચ્છા એ છે કે તેમના ગામમાં એક હાઇસ્કૂલ બની જાય. જેથી ગામની દલિત પરિવારની છોકરીઓને ભણવા ત્રણ કિલોમીટર દૂર ન જવું પડે.
બેલછી હત્યાકાંડમાં બિહાર સરકારે પીડિત પરિવારો માટે વળતર પેટે જમીન(બે એકર)ની જાહેરાત કરી હતી, પરંતુ એ જમીન પણ અગાઉ ખેતીનાં કામોમાં ક્યારેય ઉપયોગ ન લેવાઈ હોય એવી હતી.
જાનકી પાસવાન સહિત બીજા પીડિત પરિવારોને વળતર તરીકે જમીનો જરૂર મળી પરંતુ બાદમાં એ જ જમીનથી થઈને ગામની સડક નીકળી.
કવિંદર પાસવાને આ હત્યાકાંડમાં પોતાના મોટા ભાઈ(રાજારામ પાસવાન)ને ગુમાવ્યા હતા. તેમને પણ એ સમયે વળતર પેટે બે એકર જમીન મળી હતી, પરંતુ આજની તારીખે તેમની પાસે તે પૈકી થોડી જમીનમાં બનેલ ઘર જ બાકી બચ્યું છે.
પતિ-પત્ની પેટિયું રળવા મજૂરી કરવા મજબૂર છે. જે જમીન સડક અને નદીમાં ગઈ તેના બદલામાં તેમને અન્ય ક્યાંય જમીન નથી મળી. સરકારે બાદના દિવસોમાં આ પરિવારો પર ધ્યાન ન આપ્યું.
જાનકી પાસવાન કહે છે કે, “ન્યાય મળ્યો. જે પોલીસવાળો આરોપીઓ સાથે મળી ગયો હતો તેની નોકરી જતી રહી.”
“બે લોકોને ફાંસીની સજા થઈ અને તમામને ઉમરકેદ. અમને ઇનામ-બક્ષિસ આપીને બદલવાની પણ કોશિશ થઈ પરંતુ અમે કહ્યું કે હવે શું થશે? અમે ઝૂક્યા નહીં. અમે ધારી લીધું હતું કે ધન-દોલત જાય કે જીવ. અમે છોડીશું નહીં. જ્યાં સુધી જાતિની વાત છે એ તો સમાજની સચ્ચાઈ છે.”
દલિતો સામે હિંસાના મામલા
1968 : ભીડ દ્વારા દલિતોને નિશાન બનાવીને હિંસા કરવાની પ્રથમ ઘટના મદ્રાસ રાજ્યમાં જોવા મળી હતી. જ્યારે કિલવેનમણિમાં 42 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગનાં બાળકો અને મહિલા હતાં.
1973 : મદ્રાસ હાઇકોર્ટે કિલવેનમણિ નરસંહાર મામલાના તમામ આરોપીઓને એવું કહીને છોડી મૂક્યા કે તે પૈકી મોટા ભાગના ‘ધનિકો’ છે અને આવી સ્થિતિમાં ‘એ વાતને લઈને વિશ્વાસ કરવાનું અઘરું છે કે તેઓ જાતે ઘટનાસ્થળે ગયા હશે અને લોકનાં ઘરોમાં આગચંપી કરી હશે.’
1977 : બેલછીમાં એક ભીડે 11 લોકોની હત્યા કરી દીધી, જેમાં આઠ દલિત પણ સામેલ હતા. મોરારજી દેસાઈની સરકારે આને જાતિઆધારિત જુલમના સ્થાને ગૅંંગોની લડાઈનું પરિણામ સાબિત કરવાની કોશિશ કરી. પરંતુ દલિત સાંસદોની એક સમિતિએ બેલછીનો પ્રવાસ કર્યો અને બાદમાં સરકારના આ દાવાને પડકારાયો.
1982 : બેલછી મામલામાં સુપ્રીમ કોર્ટે બે દોષિતોની ફાંસીની સજા બરકરાર રાખઈ હતી.
1983 : બેલછી કાંડના દોષિત મહાબીર મહતોને ફાંસી અપાયાની ઘટના એવી પ્રથમ અને એકમાત્ર ઘટના હતી, જ્યારે દલિતોની હત્યાના દોષિતને ન્યાયતંત્ર દ્વારા મૃત્યુદંડ અપાયો હોય.
1990 : સુપ્રીમ કોર્ટે 1968ના કિલવેનમણિ હત્યાકાંડમાં તમામ આરોપીઓને છોડી મૂકવાનો નિર્ણય બરકરાર રાખ્યો. જોકે, સર્વોચ્ચ ન્યાયલયને ઇરાદાવગર જ એ વાતની ખબર પડી ગઈ હતી કે મદ્રાસ હાઇકોર્ટે આરોપીઓ પર લગાવાયેલા આરોપોને જાણીજોઈને દબાવી દીધા હતા.
1991 : આંધ્ર પ્રદેશના ટિસુંદરમાં આઠ દલિતોની હત્યા કરી દેવાઈ. જે બાદ 1989માં બનેલા એસસી-એસટી ઍક્ટ અંતર્ગત પ્રથમ વખત આ હત્યાના કેસોની સુનાવણી માટે વિશેષ કોર્ટનું ગઠન કરાયું હતું.
1996 : બિહારના ભૂમિહારોના હથિયારબંધ જૂથ રણવીર સેનાએ બથાની ટોલામાં 20 લોકોની હત્યા કરી દીધી હતી. મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો દલિત હતા અને કેટલાક મુસ્લિમ પણ. જેમની હત્યા થઈ તે પૈકી એકને બાદ કરતાં બધાં મહિલા અને બાળકો હતાં. રણવીર સેના દ્વારા કરાયેલી હત્યાઓના સિલસિલાની આ પ્રથમ કડી હતી.
1997 : બિહારના લક્ષ્મણપુર બાથેમાં રણવીર સેનાએ 58 દલિતોની હત્યા કરી દીધી હતી. દેશમાં કોઈ પણ સ્થાને નરસંહારની આ સૌથી મોટી ઘટના હતી. જે બાદ તત્કાલીન રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને આને ‘રાષ્ટ્રીય શરમ’ની ઘટના ગણાવી હતી.
1997 : મોટાં શહેરોમાં દલિતોની સામૂહિક હત્યાનો પ્રથમ મામલો મુંબઈમાં જોવા મળ્યો હતો, જ્યારે પોલીસે રમાબાઈનગરમાં દસ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આવું એ સમયે કરાયું જ્યારે તેઓ આંબેડકરની મૂર્તિને અપવિત્ર કરાયા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.
1998 : રમાબાઈનગરની ઘટનાની ન્યાયિક તપામાં ખબર પડી હતી કે સબ-ઇન્સ્પેક્ટર મનહોર કદમે પ્રદર્શનકારીઓ પર કોઈ પણ જાતની ચેતવણી વગર અંધાધૂંધ ગોલી ચલાવવાનો હુકમ કર્યો હતો, જે બિનજરૂરી હતું.
1999 : રણવીર સેનાએ બિહારના શંકરબિઘામાં 23 દલિતોનો નરસંહાર કર્યો અને પોલીસે એફઆઇઆરમાં 24 લોકોને આરોપી બનાવ્યા.
2002 : હરિયાણાના ઝજ્જરમાં એક ભીડે, ગોહત્યાની શંકામાં પોલીસ ચોકીમાં ઘૂસીને પાંચ દલિતોની માર મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાસ્થળે હાજર પોલીસબળે ન તો ભીડના શિકાર થયેલા લોકોને બચાવવાની કોશિશ કરી કે ના આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી.
2006 : મહારાષ્ટ્રના ખૈરલાંજીમાં ભીડે એક દલિત પરિવારના ચાર સભ્યોને તેમના ઘરમાંથી ખેંચીને બહાર કાઢ્યા અને માર મારીને તેમની હત્યા કરી દીધી. તેમાં એક વૃદ્ધ માતા અને કિશોરી સામેલ હતી. બાદમાં નજીકની નહેરમાંથી જે પ્રથમ મૃતદેહ કઢાયો એ 17 વર્ષની પ્રિયંકાનો હતો. તેના શરીર પર ઈજાનાં નિશાન હતા અને કોઈ કપડું નહોતું. આ મામલાની આધિકારિક તપાસમાં ખબર પડી કે ‘અપરાધ અને પુરાવાને દબાવવા માટે કાવતરું રચાયું હતું.’
2009 : રમાબાઈનગર ફાયરિંગ કેસમાં ટ્રાયલ કોર્ટે સબ-ઇન્સ્પેક્ટર મોહનદાસ કદમને ‘વગર ઇરાદે હત્યાના દોષિત’ માન્યા અને તેને ઉંમરકેદની સજા સુણાવી. બૉમ્બે હાઇકોર્ટે તેને તરત જ જામીન આપી છોડી મૂક્યો.
2010 : ઝજ્જરમાં માર મારીને હત્યાના મામલામાં કોઈ જાતિઆધારિત બાબત ન હોવાની વાત જણાવી, ટ્રાયલ કોર્ટે સાત લોકોને ઉંમરકેદની સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું હતું કે આરોપીઓને તો, “પીડિતોની જાતિ વિશે જાણકારી પણ નહોતી.”
2012 : બધાની ટોલા હત્યાકાંડ મામલામાં પટણા હાઇકોર્ટે તમામ 23 આરોપીઓને છોડી મૂક્યા હતા, જેમને ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. તેમાં એ ત્રણ આરોપી પણ સામેલ હતા, જેમને મોતની સજા કરાઈ હતી.
2013 : લક્ષ્મણપુર બાથે હત્યાકાંડ કેસમાં પટણા હાઇકોર્ટે તમામ 26 આરોપીઓને છોડી મૂક્યા. તેમાં એ 16 આરોપીઓ પણ સામેલ હતા, જેમને નીચલી કોર્ટે મૃત્યુદંડ આપ્યો હતો.
2014 : 1991માં ટિસુંદર હત્યાકાંડ મામલામાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે એ તમામ 53 આરોપીઓને છોડી મૂક્યા, જેમને નીચલી અદાલતે સજા સંભળાવી હતી, હાઇકોર્ટે એવું પણ કહ્યું કે આરોપીઓની મુક્તિ પર કોઈ ‘ઉજવણી કે વિરોધપ્રદર્શન ન કરાય.’
2015 : શંકરબિઘા હત્યાકાંડમાં બધા સરકારી સાક્ષી એક બાદ એક પોતાનાં નિવેદનો પરથી ફરી ગયા, જે બાદ ટ્રાયલ કોર્ટે 24 આરોપીઓને નક્કર પુરાવાના અભાવે છોડી મૂક્યા.
2019 : ખૈરલાંજીમાં દલિતોની હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે આઠ આરોપીઓને ઉંમરકેદની સજા બરકરાર રાખી. પરંતુ સર્વોચ્ચ અદાલતે દલિત પરિવારની હત્યા પાછળ જાતિઆધારિત દ્વેષની વાતને ખારિજ કરી દીધી.