ડુંગળીના ભાવ વધવાને કારણે ભારતમાં જ્યારે સરકાર પડી ગઈ

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

જાન્યુઆરીનું પહેલું અઠવાડિયું સરકાર માટે રાહતના સમાચાર લઈને આવ્યું. ડુંગળી, ટમેટાં અને ચિકનના ભાવો નીચા રહેવાને કારણે વેજિટેરિયન તથા માંસાહારી થાળીઓના ભાવોમાં ત્રણથી 14 ટકા જેટલો ઘટાડો થયો હતો.

બજારમાં પ્રવર્તમાન સ્થિતિને જોતા આગામી મહિનાના આંકડા પણ સરકારને માટે રાહતજનક રહેશે, જોકે એ પછી સ્થિતિ કપરી અને પડકારજનક બને તેવા આર્થિક અને કુદરતી સંજોગો ઊભા થઈ શકે છે.

ડુંગળીના ભાવમાં વધારો સામાન્ય જનતાને, તો ઘટાડો ખેડૂતોને માટે નુકસાનકારક સાબિત થાય છે. છતાં સમાજનો એક વર્ગ એવો છે કે જેને આ જણસનો ભાવવધારો નડતો નથી.

અગાઉ ચૂંટણી દરમિયાન ડુંગળીના ભાવોએ સત્તારૂઢ સરકારોને ઉથલાવી દેવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોવાના દાખલા છે એટલે ચૂંટણીના વર્ષમાં સરકાર આ મુદ્દે સક્રિય છે. સરકાર ડુંગળી તથા અન્ય ખેતપેદાશો મુદ્દે ટૂંકા, મધ્યમ તથા લાંબા ગાળાની યોજનાઓ ઉપર કામ કરી રહી છે.

માર્ચ-2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર નિષેધ મૂકી દેવામાં આવ્યો છે. આ પહેલાં સરકારે બિન-બાસમતી અને કણકી ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી કરીને તેનો પુરવઠો દેશની જનતા માટે ઉપલબ્ધ બની રહે.

ભારતમાં હજારો વર્ષથી ડુંગળીનું અસ્તિત્વ છે, છતાં તેનું પ્રચલન મધ્યકાલીન સમયમાં વધ્યું અને આધુનિક સમયમાં તે વેજ કે નૉન-વેજ થાળી કે નાસ્તાનો 'લગભગ અનિવાર્ય' બની ગઈ છે.

ભાવ આસમાને, સરકાર જમીને

દેશની આઝાદીના શરૂઆતના ત્રણ દાયકા દરમિયાન અનેક રાજ્યોમાં બિનકૉંગ્રેસી સરકારોની સ્થાપના થઈ હતી, પરંતુ કેન્દ્રીય સ્તરે પાર્ટી માટે કોઈ મોટો પડકાર ન હતો. કટોકટી ઉઠાવાયા બાદ 1977ની ચૂંટણી દેશની પહેલી એવી સામાન્ય ચૂંટણી હતી કે જેમાં કૉંગ્રેસ સામે ખરા અર્થમાં પડકાર ઊભો થયો હતો.

મૂળભૂત અધિકારો પર તરાપ, મોંઘવારી, વિપક્ષની એકતા અને બળજબરીપૂર્વક નસબંધી સામે આક્રોશ જેવા અનેક મુદ્દા સાથે દેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ. ઇંદિરા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસની હાર થઈ અને મૂળ ગુજરાતી મોરારજી દેસાઈના નેતૃત્વમાં પ્રથમ બિનકૉંગ્રેસી સરકારની સ્થાપના થઈ.

ગુજરાતની તર્જ ઉપર કેન્દ્રમાં 'જનતા મોરચા'ની રચના કરવામાં આવી હતી, પરંતુ આ પ્રયોગ લાંબો ન ચાલ્યો. મોંઘવારી અને મોરચાના નેતાઓના આંતરિક ગજગ્રાહને કારણે ત્રણ વર્ષના ગાળામાં ભારતે દેસાઈ અને ચૌધરી ચરણસિંહ એમ બે વડા પ્રધાન જોયા.

1980ની લોકસભા ચૂંટણી દરમિયાન પહેલી વખત ડુંગળીનો મુદ્દો ઊછળ્યો અને છવાયેલો રહ્યો. વિભાજિત વિપક્ષ દ્વારા અલગ-અલગ મુદ્દા ઉછાળવામાં આવ્યા હતા, જ્યારે ઇંદિરા ગાંધી દ્વારા માત્ર ડુંગળીના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. તેઓ સફળ રહ્યાં અને ચૂંટણીમાં તેમની જીત થઈ.

1984-'85ની લોકસભા ચૂંટણી ઇંદિરા ગાંધીની હત્યાના સહાનુભૂતિના જુવાળમાં યોજાઈ; તો 1989ની ચૂંટણી બૉફોર્સ કૌભાંડ, પંજાબમાં ઉગ્રવાદ અને શ્રીલંકામાં ભારતીય સેનાને થયેલી ખુંવારી ઉપર લડાઈ હતી.

1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મંડલ પંચ અને રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ ચૂંટણીપ્રચાર અભિયાન દરમિયાન કૉંગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવાર રાજીવ ગાંધીની આત્મઘાતી બૉમ્બવિસ્ફોટમાં હત્યા થવાને કારણે બાકી રહેલી ચૂંટણીઓમાં કૉંગ્રેસતરફી સહાનુભૂતિનું મોજું જોવા મળ્યું હતું.

વર્ષ 1996, 1998 અને 1999માં અગિયારમી, બારમી અને તેરમી લોકસભાના ગઠન માટે ચૂંટણીઓ યોજાઈ, જેમાં પહેલી ચૂંટણી જૈન ભાઈઓની ડાયરી અને રામમંદિર ઉપર યોજાઈ, પરંતુ એ પછીની બે ચૂંટણી દરમિયાન રાજકીય સ્થિરતા જ મહત્ત્વપૂર્ણ મુદ્દો હતો.

વર્ષ 1998માં દિલ્હીમાં મુખ્ય મંત્રી સુષ્મા સ્વરાજના પરાજયને માટે ડુંગળીના ભાવવધારાને જવાબદાર માનવામાં આવે છે અને ડુંગળીના ભાવો કેવી રીતે રાજનેતા કે ચૂંટણીને અસર કરી શકે છે, તેના ઉદાહરણ તરીકે વારંવાર ટાંકવામાં આવે છે.

સુષ્મા સ્વરાજના પુરોગામી સાહિબસિંહ વર્માએ ડુંગળીના ભાવવધારા અંગે કહ્યું હતું કે, 'ગરીબ ક્યાં ડુંગળી ખાય છે? ' તેમના આ નિવેદનની મીડિયામાં ભારે ટીકા થઈ હતી.

સુષ્મા સ્વરાજે માત્ર રૂ. પાંચમાં એક કિલો ડુંગળી ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પાર્ટીનો રકાસ અટકાવી શક્યાં ન હતાં. એ પછી હજુ સુધી ભાજપ દિલ્હીમાં સત્તા ઉપર આવી નથી શક્યો.

એ ખરું કે તેઓ સીએમ બન્યા પછી તૈયારી અને પ્રચાર માટે સુષ્માને માંડ ચાલીસેક દિવસનો સમય મળ્યો હતો. ભાજપે પાંચ વર્ષમાં મદનલાલ ખુરાના, સાહિબસિંહ વર્મા અને સુષ્મા સ્વરાજ એમ ત્રણ મુખ્ય મંત્રી બદલ્યાં હતાં.

મે-1998માં પોખરણમાં કરવામાં આવેલા અણુધડાકામાં વિકિરણને શોષવા માટે ડુંગળી-બટાટાનો ઉપયોગ થયો હોવાની થિયરી પણ વહેતી થઈ હતી. એ ચૂંટણીમાં દિલ્હીમાં શિલા દીક્ષિત મુખ્ય મંત્રી બન્યાં અને વધુ બે ટર્મ માટે આ પદ પર રહેવાનાં હતાં અને વર્ષો પછી આ જ મુદ્દો તેમને પણ કનડવાનો હતો.

'સરકારોના પતનનું નિમિત્ત ડુંગળી'

1993ની વિધાનસભા ચૂંટણી દરમિયાન બહુમતથી હાથવેંતનું છેટું રહ્યું હોવા છતાં, રાજસ્થાન ભાજપના નેતા ભૈરોંસિંહ શેખાવતે તેમનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

ડિસેમ્બર-1998માં દિલ્હીની સાથે રાજસ્થાનમાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં ભાજપનો પરાજય થયો હતો. અણુપરીક્ષણ માટેની પોખરણ રેન્જ પણ આ રાજ્યમાં જ આવેલી છે. આ ચૂંટણી વિશે ટિપ્પણી કરતાં ભૈરોંસિંહે કહ્યું હતું કે, 'ડુંગળી અમારી પાછળ પડી ગઈ હતી. '

રાજકીય વિશ્લેષક ડૉ. શિરીષ કાશીકરના કહેવા પ્રમાણે, "ડુંગળીને 'ગરીબોની કસ્તુરી' તરીકે ઓળખવામાં આવે છે. ગરીબ કંઈ ન હોય તો પણ રોટલો અને ડુંગળી ખાઈને પણ ટંક ટૂંકાવી લે. તે વેજિટેરિયન તથા નૉન-વેજિટેરિયન ખાનારા લોકો દ્વારા સમાનપણે ઉપયોગમાં લેવાય છે. ગરીબ અને પૈસાવાળા બંનેથી થાળીમાં તે જોવા મળે છે. તે રસ્તા ઉપરના ઢાબાથી માંડીને ફાઇવ-સ્ટાર હોટલની થાળીમાં હોય છે એટલે બધાને સ્પર્શે છે."

"બટાકા અને ટમેટાંની જેમ તે દરેક શાક સાથે ભળી જાય છે એટલે તેમના ભાવ સામાન્ય નાગરિકના ઘરેલુ બજેટને તરત જ અસર કરે છે. સામાન્ય ભાવવધારો એ તંદુરસ્ત અર્થતંત્રની નિશાની છે. ડુંગળીના ભાવ અસામાન્ય વધે તો જનતાને મુશ્કેલી પડે અને જો વધુ પડતા ઘટી જાય તો ખેડૂતો નારાજ થાય."

"જ્યારે ભાવોમાં અસામાન્ય વૃદ્ધિ થાય છે, ત્યારે તેનો લાભ ખેડૂતોને થાય છે કે વેપારીઓ કે પછી વચેટિયા લાભ લઈ જાય છે તે સવાલ હંમેશાં રહ્યો છે. સમય આવ્યે તે રાજનેતાને પણ રડાવી શકે છે."

"સરકારનો દાવો છે કે મોંઘવારી કાબૂમાં છે, પરંતુ એ વિપક્ષની જવાબદારી છે કે તે જનતાને સ્પર્શતા મુદ્દા ઉઠાવે અને શા માટે તે સામાન્ય જનતાને માટે મહત્ત્વપૂર્ણ છે તે વાત લોકો સુધી પહોંચાડે અને તેને ગળે ઉતારે."

2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી અને ભાજપે સસ્તી ડુંગળી આપવાના સ્ટૉલ નાખ્યા હતા. કૉમનવેલ્થ ગેમ્સમાં ભ્રષ્ટાચાર ઉપરાંત ડુંગળીમાં ભાવવધારાને શિલા દીક્ષિતના પરાજય માટે જવાબદાર માનવામાં આવે છે. કદાચ આ રીતે સમયનું એક ચક્ર પૂર્ણ થયું હતું.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે મોંઘવારી ચોક્કસથી મુદ્દો હતો, પરંતુ તે માત્ર ડુંગળી પૂરતો મર્યાદિત ન હતો. દરેક ચૂંટણીમાં હારજીત માટે એક કરતાં વધુ પરિબળ પણ જવાબદાર હોય છે. યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન થયેલા કથિત કૌભાંડ પણ મોટો મુદ્દો હતો.

ડુંગળીનો હાર અને વ્યંગ

તા. 14મી જાન્યુઆરી 1980ના ઇંદિરા ગાંધી સત્તા ઉપર આવ્યાં. એ પછી દેશના પ્રથમ મુસ્લિમ ચીફ જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લાહ દેશના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા અને હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન પણ હતા.

વર્ષ 1981માં ઇંદિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન ડુંગળીના ભાવોમાં અસામાન્ય વધારો થયો હતો. એક રૂપિયાની કિલો મળતી ડુંગળીનો ભાવ વધીને રૂ. છ સુધી પહોંચી ગયો હતો.

ઇંદિરા સરકારે સામે વિપક્ષે સંસદના બંને ગૃહમાં હોબાળો કર્યો હતો. લોકદળના ડૉ. રામેશ્વરસિંહ રાજ્યસભામાં વિરોધ નોંધાવવા માટે ગળામાં ડુંગળીનો હાર પહેરીને પહોંચ્યા હતા અને તેમના બંને હાથમાં ડુંગળી હતી.

ડૉ. રામેશ્વરસિંહે ઉપસ્થિત સંસદસભ્યોને ડુંગળી વહેંચવાનું શરૂ કરી દીધું. ચૅરમૅને તેમને ડુંગળીનો હાર કાઢી નાખવા માટે કહ્યું, પરંતુ રામેશ્વરસિંહ એમ જ પોતાની બેઠક ઉપર બેસી રહ્યા, ત્યારે એમ. હિદાયતુલ્લાહે કહ્યું, "રામેશ્વરસિંહ હું વિચારું છું કે ટાયર કે પગરખાના ભાવ ઊંચા જશે તો તમે શું કરશો?"

તેમની રમૂજથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. એ સમયે રાજ્યસભાના સેક્રેટરી જનરલ સુદર્શન અગ્રવાલે એક અખબારના લેખમાં આ કિસ્સો ટાંક્યો હતો.

સાંપ્રત પરિસ્થિતિ ઉપર વ્યંગ કરવા માટે વિખ્યાત કૉમેડિયન જશપાલ ભટ્ટી વર્ષ 1998માં બ્લૅકકેટ કમાન્ડોના વેશમાં સજ્જ લોકો સાથે ડુંગળી ખરીદવા બજારમાં ગયા હતા. આ સિવાય પત્ની સવિતાને ડુંગળીનો હાર પહેરાવા જેવા કાર્યક્રમ આપીને જનતાના અવાજને વાચા આપી હતી.

1998માં મુંબઈમાં ડુંગળીના ભાવ વધીને રૂ. 45 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયા હતા. ત્યારે રાજ્યમાં શિવસેના અને ભાજપની યુતિ સરકાર હતી. શિવસેનાના મનોહર જોશી રાજ્યના મુખ્ય મંત્રી હતા, ત્યારે કૉંગ્રેસના નેતા છગન ભૂજબળે નવેમ્બર-1998માં જોશીને ડબ્બામાં ડુંગળી મોકલી હતી.

ભૂજબળનું કહેવું હતું કે 'દિવાળીમાં એક બીજાને મોંઘી ભેંટ આપવામાં આવે છે અને અત્યારે ડુંગળી જ મોંઘી છે એટલે તમને મોકલાવું છું.' પોતાના પૂર્વ સાથીનો રાજકીય નિહિતાર્થ જોશી સમજી ગયા હતા અને સસ્તા અનાજની દુકાન ઉપર ડુંગળી રૂ. 15માં કિલો મળે તે માટે વ્યવસ્થા કરી હતી.

શિવસેનાથી રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા ભૂજબળ કૉંગ્રેસમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં જોડાયા હતા. 2023માં શિંદે સરકાર વિરુદ્ધ ડુંગળીના હાર પહેરીને તેમણે કાર્યક્રમ આપ્યો હતો. ગણતરીના મહિનાઓ સાથે તેઓ અજિત પવાર જૂથ સાથે ભળી ગયા હતા અને હાલ શિંદે સરકારમાં મંત્રી છે.

પીએમ મોદીએ જ્યારે પાકિસ્તાનથી મગાવવી પડી ડુંગળી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ડુંગળીના ભાવોને કાબૂમાં રાખવા માટે પાકિસ્તાનથી ડુંગળી મંગાવી હતી, તો બીજા કાર્યકાળ દરમિયાન ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

ક્રૅડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ દ્વારા 'રોટી, રાઇસ, રેટ' રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, જે 'આરઆરઆર' તરીકે પણ ઓળખાય છે. જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં તાજેતરનો અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.

રિપોર્ટમાં ડિસેમ્બર-2023 દરમિયાન ઘરમાં બનેલી વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન થાળીના ભાવઘટાડા માટે ડુંગળી, ટમેટાંના ભાવોમાં થયેલો ઘટાડો, બ્રૉઇલર ચિકનના ઓછા થયેલા ભાવ અને તહેવારોની સિઝન પૂર્ણ થવાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.

વેજ અને નૉન-વેજ થાળી અનુક્રમે લગભગ રૂ. 30 અને રૂ. 58માં તૈયાર થઈ જાય છે. ગત વર્ષની સરખામણીમાં વેજ થાળીના ભાવ 12 ટકા વધુ છે, પરંતુ ગત મહિનાની સાપેક્ષે ત્રણ ટકા ઘટ્યા છે. જ્યારે નૉન-વેજ થાળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ચાર ટકા અને ગત માસની તુલનામાં પાંચ ટકા ઘટ્યા છે.

બે દાયકા કરતાં વધુ સમયથી કૉમોડિટી અને બિઝનેસ જગતનું રિપોર્ટિંગ કરી રહેલા વરિષ્ઠ પત્રકાર દીપક મહેતાના કહેવા પ્રમાણે, "દેશની ડુંગળીના કુલ ઉત્પાદનના 65થી 70 ટકા રવી પાક દરમિયાન થાય છે. જે માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન બજારમાં આવે છે. તેની ગુણવત્તા મહિનાઓ સુધી સંગ્રહ થઈ શકે તેવી હોય છે અને મોટા પાયે બગાડ પણ આ ગાળા દરમિયાન જ થાય છે."

મહારાષ્ટ્રમાં થયેલા વરસાદ તથા કુલ્લે ઓછા વાવેતરના કારણે આગામી સિઝન વખતે દેશમાં ડુંગળીનું ઓછું ઉત્પાદન થશે એવું અનુમાન મૂકવામાં આવે છે.

ગુજરાતનાં શાક માર્કેટોમાં (કૉમોડિટી વર્લ્ડ, 12 જાન્યુઆરી 2024, પેજ નંબર 2) લગભગ એક લાખ 69 હજાર કટ્ટા ડુંગળીની આવક થઈ હતી, જેનો રૂ. 60થી 504ની વચ્ચે બોલાયો હતો. મોટા ભાગે ડિસેમ્બર-જાન્યુઆરીના મહિના દરમિયાન ડુંગળીના લઘુતમ અને મહત્તમ ભાવોમાં અસામાન્ય તફાવત જોવા મળે છે. આનું કારણ સમજાવતાં મહેતા કહે છે :

"આ સમયગાળા દરમિયાન બજારમાં જૂની અને નવી ડુંગળી મળતી હોય છે, જે ડુંગળી બજારમાં હોય છે, તેનો લાંબા સમય માટે સંગ્રહ નથી કરી શકાતો એટલે તેને તાત્કાલિક વેચી દેવી પડે છે, જેથી કરીને ભાવો નીચા રહે છે. પાછતરાં ખરીફ વાવેતરની નવી ડુંગળી પણ આવા સમયે જ બજારમાં આવે છે. એટલે આ તફાવત અસામાન્ય હોય છે."

ડુંગળી-ટમેટાંના પ્રવર્તમાન છૂટક ભાવોને કારણે સરેરાશ વ્યક્તિથી થાળી સસ્તી જ રહે તેવી સંભાવના છે.

દેશદેશાવરની ડુંગળી

લાલ, પીળા, જાંબુડિયા અને સફેદ રંગમાં સ્થાનિક વાવેતરના આધારે ડુંગળી અનેક જાતમાં બજારમાં મળે છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની ગણતરી ડુંગળી પકવતાં રાજ્યોમાં થાય છે. આ સિવાય મદ્રાસી ડુંગળી તરીકે ઓળખાતા નાના કદના કાંદા પણ બજારમાં મળે છે.

પશ્ચિમી દેશોમાં મોટા ભાગે બે સિઝન દરમિયાન ડુંગળીનો પાક લેવાય છે, જ્યારે ભારતમાં ત્રણ વખત 'ગરીબોની કસ્તુરી'નું વાવેતર થાય છે. ખરીફના ગાળામાં વાવવામાં આવેલી ડુંગળીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જેથી કરીને તે વહેલી બગડી જાય છે. આ સિવાય આ પાક બજારમાં આવે ત્યારે વરસાદની સિઝન ચાલતી હોવાથી પાણી કે ભેજ લાગી જવાથી સંગ્રહિત ડુંગળી બગડી જવાનો ભય રહે છે.

રવી પાક દરમિયાન વાવવામાં આવેલી ડુંગળીમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે, એટલે તેને પ્રમાણમાં લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. બંને સિઝન દરમિયાન ઊતરેલી ડુંગળીની તીખાશમાં તફાવત હોય છે, પરંતુ સામાન્ય માણસ તે ઓળખી શકે તેટલો મોટો નથી હોતો.

યુએનના અનુમાન મુજબ, વિશ્વના 175 જેટલા દેશોમાં ડુંગળીનું વાવેતર થાય છે, જે ઘઉં ઉત્પાદક રાષ્ટ્રો કરતાં બમણું છે. વિસ્તારની દૃષ્ટિએ તે સૌથી વધુ લેવાતો પાક છે અને કદાચ સૌથી વધુ વપરાતો ખાદ્ય પદાર્થ છે.

મોટા ભાગના દેશોમાં જે ડુંગળી ઉત્પન્ન થાય છે, તેનો સ્થાનિક સ્તરે જ વપરાશ થઈ જાય છે. મલેશિયા, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને મધ્ય-પૂર્વ એશિયાના દેશો ડુંગળી માટે ભારત ઉપર આધાર રાખે છે. જોકે, નિકાસની છૂટમાં અનિશ્ચિતતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતને વિશ્વાસપાત્ર આપૂર્તિકર્તા બનતા અટકાવે છે.

હાલમાં પણ માર્ચ-2024 સુધી ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ છે. જાણકારોનું માનવું છે કે રવી પાક બજારમાં આવે તે પહેલાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ હશે એટલે સરકાર આગોતરી તૈયારી તરીકે ફેબ્રુઆરી મહિનામાં જ ત્રણેક માસ માટે નિકાસબંધી લંબાવી શકે છે.

ન કેવળ ડુંગળી પરંતુ બટાકા, ટમેટાં, ઘઉં, તેલિબિયાં ચોખા, દાળ અને કઠોળના ઉત્પાદન અને સંભવિત ભાવો ઉપર સરકારની નજર છે, જેથી કરીને ચૂંટણીવર્ષમાં ઊંઘતી ન ઝડપાઈ જાય. જરૂર જણાશે તો અમુક ચીજવસ્તુઓની આયાતના ઑર્ડર અગાઉથી જ આપી દેવામાં આવશે, જેથી કરીને ચૂંટણી સમયે વહીવટી જટિલતા ઊભી ન થાય.

ઐતિહાસિક રીતે ભાવવૃદ્ધિ થાય એટલે ભારતે આયાત માટે પાકિસ્તાન, તુર્કી, ચીન, ઇજિપ્ત અને અફઘાનિસ્તાન જેવા દેશો તરફ નજર દોડાવી છે.

જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાનમાંથી થતી આયાત બંધ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના આગમન પછી દેશમાં ડુંગળીની કટોકટી ઊભી નથી થઈ, એટલે સરકાર એ વિકલ્પ વિચારશે કે કેમ તે અનિશ્ચિત છે.

થોડાં વર્ષ પહેલાં તુર્કીથી ડુંગળી મંગાવવામાં આવી હતી, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક સમસ્યા બહાર આવી હતી. જેમ કે, તુર્કીની ડુંગળી ખૂબ જ તીખી હોય છે, જેના કારણે તેની ગ્રેવીમાં યોગ્ય સ્વાદ ન આવતો હોવાથી હોટલમાલિકોએ તેને નકારી હતી.

અન્ય કોઈ શાકની જેમ તેને સુધાર્યા પછી તેનો ફ્રીજમાં કે અન્ય કોઈ રીતે સરળતાથી સંગ્રહ થઈ શકતો ન હોવાથી ગૃહિણીઓમાં પણ તે એટલી લોકપ્રિય ન બની.

ઉપરાંત તુર્કીની ડુંગળીના નંગ મોટા હોય છે. દેશી ડુંગળી એક કિલોમાં છથી સાત નંગ આવે જ્યારે તુર્કીની ડુંગળીના બેથી ત્રણ નંગ જ આવે. વેપારીઓમાં પણ એક નંગ ખરાબ થાય એટલે મોટું નુકસાન થતું હોવાથી તેનો વેપાર કરવાનું ટાળે છે.

મધ્યમ અને લાંબા ગાળાનાં આયોજન

ડુંગળીના ઉત્પાદનમાં બિયારણ, મજૂરી અને બજાર સુધી પહોચાડવાનો ખર્ચ મુખ્ય હોય છે. ઘણી વખત ડુંગળીના ભાવ એટલી હદે ગગડી જાય છે કે ખેડૂત તેને ઘરે પાછી લઈ આવવાના બદલે રસ્તામાં ફેંકી દેવાનું કે વહેંચી દેવાનું પસંદ કરતો હોય છે.

મમરી, પાઉડર, પેસ્ટ, આદુ-ડુંગળીની પેસ્ટ કે તેલસ્વરૂપે લાંબા સમય સુધી સાચવી શકાય છે. તાજેતરનાં વર્ષોમાં ડુંગળીના શૅમ્પૂનું ચલણ પણ વધ્યું છે.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કૃષિસુધારા માટે ત્રણ ખરડા લાવી હતી, તેને લાવતી વખતે સંગ્રહક્ષમતામાં વૃદ્ધિ થશે તથા ખેડૂતોને વૈકલ્પિક બજાર મળશે તેવા તર્ક આપવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂતોના વિરોધને કારણે તે ખરડા સરકારે પાછા ખેંચવા પડ્યા હતા.

આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન અમુક ખેડૂતોની પોતાની અને વેપારીઓની સંગ્રહક્ષમતામાં સુધારો થયો છે. જેના કારણે તેઓ યોગ્ય સમયે માલને બજારમાં વેચી શકે છે.

આ સિવાય ડુંગળીનો લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય તે માટે તેની ઉપર ગામા કિરણ છોડવાની તકનીક ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરે શોધી છે. આ માટે જરૂરી નિયમો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.

આ પ્રકારનું એકમ સ્થાપવા માટે જમીન સિવાય રૂ. 20થી 25 કરોડનો ખર્ચ આવે છે. સંગ્રહક્ષમતા વધારવા માટે બટાકા માટે કિલોદીઠ રૂ. એક અને ડુંગળી માટે રૂ. દસ સુધીનો ખર્ચ આવે છે. દેશભરમાં આવા 20 જેટલા એકમ કાર્યરત છે.

ગુજરાતમાં આવા ચારેક એકમ કાર્યરત છે, જે મહદંશે મધ્ય ગુજરાતમાં કેન્દ્રિત છે. ડુંગળી ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર એવા ભાવનગર જિલ્લામાં તેને ડિહાઇડ્રેટેડ કરવાના અનેક પ્લાન્ટ આવેલા છે. જે દેશવિદેશમાં તેની નિકાસ કરે છે.

સિલ્કરૂટનો 'સામાન' ડુંગળી

પહેલાં ડુંગળી જંગલી વનસ્પતિ તરીકે દેશમાં અસ્તિત્વમાં ધરાવતી હતી, પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક કારણોસર તેનું સામાન્ય લોકોમાં ચલણ ન હતું. ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં લખવામાં આવેલા આયુર્વેદના ગ્રંથ 'ચરક સંહિતા'માં પેટ તથા પાચનના રોગોમાં ડુંગળીનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ મળે છે.

કેટલાક ઔષધીય ગુણો છતાં તેને તામસિક ખોરાક માનવામાં આવે છે. દક્ષિણ ભારતીયો લાલ કે જાંબુડી રંગની ડુંગળીની સરખામણીમાં સફેદ ડુંગળીને ઓછી તામસિક માને છે એટલે તેનું સેવન કરતી વખતે ખચકાટ નથી અનુભવતા.

ખાદ્ય ઇતિહાસકાર લૉરા કેલી મુજબ, "જિનેટિક ઍનાલિસિસના આધારે અમારું માનવું છે કે મધ્ય એશિયામાં ડુંગળીનો ઉદ્ભવ થયો હતો. મૅસોપોટેમિયાવાસીઓએ તેનો ઉપયોગ શરૂ કર્યો, ત્યાં સુધીમાં તે ખૂબ જ પ્રચલિત થઈ ગઈ હતી. યુરોપમાં તામ્રયુગ દરમિયાન તેનો ઉપયોગ થતો હોવાની માહિતી મળે છે."

કેલીએ 'ધ સિલ્ક રૂટ ગુઅર્મૅન્ટ' નામનું પુસ્તક લખ્યું છે. તેમનું માનવું છે કે ઈસવીસન પૂર્વે બે હજારમાં સિલ્ક રૂટ મારફત તેનો વેપાર થતો. તેનું વાવેતર સહેલું હતું, તે ઓછી સંભાળ માગે છે તથા તેની ઉપર રોગ-કીટકનું જોખમ ઓછું હોય છે એટલે તેનો ઝડપથી ફેલાવો થયો.

છઠ્ઠી અને સાતમી સદી દરમિયાન ભારતમાં આવેલા ચીની મુસાફરો નોંધે છે કે ડુંગળી ખાનારાને ગામ બહાર કરી મૂકવામાં આવતા.

ડુંગળીને કામોત્તેજક પણ માનવામાં આવે છે એટલે એક તબક્કે વિધવા મહિલાઓને લસણ-ડુંગળી ખાવા ઉપર પ્રતિબંધ હતો. સાધુ-સંન્યાસીઓ, ભિક્ષુકો તથા અન્ય ધાર્મિક પ્રચારકો તેનો ઉપયોગ ન કરતા.

ભારતમાં ડુંગળી સાથે કેટલીક ધાર્મિક અને સાંપ્રદાયિક માન્યતાઓ જોડાયેલી છે. જૈન અને બૌદ્ધોનો એક વર્ગ ડુંગળી તથા તેના કુળનાં લસણ-મૂળાનું સેવન નથી કરતો. સ્વામીનારાયણ તથા વૈષ્ણવ સંપ્રદાયના લોકો પણ ડુંગળીનો ઉપયોગ ટાળે છે.

આ સિવાય હિંદુઓનો એક વર્ગ ધાર્મિક માન્યતાઓને કારણે નવરાત્રી, શ્રાવણ મહિના, અધિકમાસ, ચાતુર્માસ દરમિયાન માંસ-માછલી-ચિકન અને શરાબ ઉપરાંત લસણ-ડુંગળીનું સેવન નથી કરતો.