કર્ણાટકમાં કોણ આવશે સત્તામાં? ભાજપ કરતાં કૉંગ્રેસને વધારે બેઠકો? : ઍક્ઝિટ પોલનાં તારણો

ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોની ‘ઐતિહાસિક જીત’ નોંધાવી ભારતીય જનતા પાર્ટી ‘દક્ષિણમાં પોતાનો એક માત્ર ગઢ’ કર્ણાટકમાં સત્તા ટકાવી રાખવા મેદાને છે. બીજી તરફ, કૉંગ્રેસ રાજ્યમાં સત્તામાં આવવા માટે આશાવંત છે.

છ વાગ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સમાપ્ત થતાં જુદી જુદી એજન્સીઓ દ્વારા ચૂંટણીપરિણામ અંગે અંદાજ માંડતાં સરવે જાહેર કરાયા હતા. પાંચ વાગ્યા સુધી રાજ્યમાં 65.59 ટકા મતદાન થયું હતું.

ન્યૂઝ નેશન-સીજીએસના ઍક્ઝિટ પોલમાં ભાજપને 114, કૉંગ્રસ ગઠબંધનને 86, જેડી (એસ)ને 21 અને અન્યને એક બેઠક મળશે એવું અનુમાન કરાયું હતું.

જ્યારે ઝી-ન્યૂઝ-મૅટ્રિઝ એજન્સીના ઍક્ઝિટ પોલમાં ભાજપને 79-94, કૉંગ્રેસ ગઠબંધનને 103-118, જેડી (એસ)ને 25-33 અને અન્યને બેથી પાંચ બેઠક મળશે તેવું અનુમાન કરાયું છે.

ઉપરાંત રિપબ્લિક-પી માર્કના ઍક્ઝિટ પોલમાં ભાજપને 85-100, કૉંગ્રેસ ગઠબંધનને 94-108, જેડી (એસ)ને 24-32 અને અન્યને બેથી છ બેઠક મળવાનું અનુમાન કરાયું છે.

ટીવી નાઇન ભારતવર્ષ અને પોલ્સટ્રેટના એક્ઝિટ પોલમાં ભાજપને 88-98 કૉંગ્રેસ ગઠબંધનને 99થી 109, જેડી (એસ)ને 21થી 26 અને અન્યને લગભગ ચાર બેઠકો મળવાનું અનુમાન કરાયું છે.

નોંધનીય છે કે કર્ણાટકમાં પાછલાં 38 વર્ષોથી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ સત્તા ટકાવી રાખવામાં સફળ રહ્યો નથી.

આ ચૂંટણીમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવેગોડાની આગેવાનીવાળા પક્ષ જનતા દળ (સેક્યુલર) (જેડી (એસ)) દ્વારા પણ આ ચૂંટણીમાં ‘કિંગમેકર’ નહીં પરંતુ ‘કિંગ’ તરીકે સામે આવવા માટે પ્રયાસ કરાયા હતા. પરંતુ શું પાર્ટી બંનેમાંથી શું બનીને સામે આવશે તે તો પરિણામ બાદ જ ખબર પડશે.

નોંધનીય છે કે બીબીસી પોતાની નીતિ અંતર્ગત ચૂંટણી પહેલાં કે પછી સ્વતંત્ર રીતે પોતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા કોઈ પણ પ્રકારના કોઈ સરવે નથી કરાવતું. ભૂતકાળમાં એક કરતાં વધુ વખત બીબીસીના નામે ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ પર બનાવટી સરવે ફરતા થયા છે.

ચૂંટણીપ્રચારમાં કયા કયા મુદ્દા ઊઠ્યા?

જો ચૂંટણીપ્રચારની વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ આ મતદાન પહેલાં 206 મિટિંગો અને 90 રોડ શો યોજ્યાં હતાં, આ સંખ્યા ભાજપ માટે કર્ણાટકમાં જીતનું મહત્ત્વ જણાવી દે છે.

કર્ણાટકમાં જીત ભાજપના કાર્યકરો માટે આ વર્ષે આગામી સમયમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રોત્સાહક સાબિત થઈ શકે છે.

કૉંગ્રેસે પણ આ ચૂંટણીમાં 224માંથી 150 બેઠકો મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. કૉંગ્રેસના પ્રચારની વાત કરીએ તો પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ દ્વારા 99 જાહેર સભા અને 33 રોડ શો યોજવામાં આવ્યાં હતાં.

સામેની બાજુએ જેડી(એસ)ના પ્રચારની કમાન એચ. ડી. દેવેગોડાના પુત્ર કુમારાસ્વામીએ સંભાળી હતી.

આ દરમિયાન તેમની પાર્ટીએ મોટા ભાગે આગામી પાંચ વર્ષ માટે ઘડેલી યોજના ‘પંચરત્ન’નો પ્રચાર કર્યો હતો. આ યોજનામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, હાઉસિંગ, પરિવાર કલ્યાણ અને રોજગાર જેવા મુદ્દા મુખ્ય હતા.

ભાજપના ચૂંટણીપ્રચારમાં પણ સરકારના વલણની માફક ‘હિંદુત્વ’નો મુદ્દો આગળ પડતો દેખાયો.

આ સાથે જ ભાજપે પોતાના ચૂંટણીપ્રચારમાં જુદી જુદી ‘જાતિ’ઓને આકર્ષવા માટેની વ્યૂહરચના પણ અપનાવી. જેમાં રાજ્યમાં અનુસુચિત જાતિની અનામતમાં વિભાગીકરણની વાત અને અનામતના માપદંડો પર ભાર મુકાયો હતો.

ચૂંટણીના માહોલના કારણે સર્જાયેલ તાણમાં ચૂંટણીપ્રચાર દરમિયાન નેતાઓ એકબીજા પર વ્યક્તિગત હુમલા કરતાં પણ આ વખત અચકાયા નહોતા.

ભાજપે પોતાની સરકારની સિદ્ધિઓ અને વડા પ્રધાન મોદીના નામ પર પ્રચારમાં વધુ ભાર મૂક્યો હતો.

જોકે પાર્ટીના નેતાઓ કૉંગ્રેસ પર શાબ્દિક હુમલાની કોઈ તક ચૂક્યા નહોતા. વડા પ્રધાન મોદીએ જાતે કૉંગ્રેસને પ્રચાર દરમિયાન ‘રૉયલ ફૅમિલી’ ગણાવી હતી.

ઉપરાંત કૉંગ્રેસ તરફથી જમણેરી બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાની વાત આવતાં, તેનો પણ ઉપયોગ મોદી સહિત ભાજપના નેતાઓએ ચૂંટણીપ્રચારમાં કર્યો હતો.

વડા પ્રધાને આ મુદ્દાને લઈને કૉંગ્રેસને ‘ઍન્ટિ-બજરંગબલી’ અને ‘ઍન્ટિ-હિંદુ’ ગણાવી હતી.

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રચાર વખતે એક રેલીમાં કથિતપણે વડા પ્રધાનને ‘ઝેરી સાપ’ કહેતાં આ ટિપ્પણીનો ઉપયોગ પણ ભાજપના નેતાઓએ પ્રચારમાં કર્યો હતો.

આ સિવાય ભાજપના ચૂંટણીઢંઢેરાએ પણ ધ્યાન ખેંચ્યું હતું. જેમાં પક્ષ સત્તામાં પાછો ફરે તો રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન બનાવવાની કાર્યવાહી શરૂ કરવાની વાત કરાઈ હતી.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત પક્ષના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓએ ચૂંટણીપ્રચાર દરમિયાન ભાજપ પર ભ્રષ્ટાચાર મામલે શાબ્દિક હુમલા કર્યા હતા.

કૉંગ્રેસના સમગ્ર ચૂંટણીપ્રચારમાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને ગોટાળા કેન્દ્રીય મુદ્દો રહ્યા હતા.

આ સાથે પક્ષે પોતાની પાંચ ‘ગૅરંટી’નો પણ પ્રચાર કર્યો હતો. તેમજ પ્રચારમાં કૉંગ્રેસે ભાજપ પર ગત ચૂંટણીના પોતાના મોટા ભાગના વાયદા પૂરા ન કર્યાનો આરોપ મૂક્યો હતો.

આ સિવાય કૉંગ્રેસ તરફથી પણ વ્યક્તિગત હુમલા થયા હતા.

કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી દ્વારા ચૂંટણીપ્રચાર દરમિયાન કર્ણાટક માટે ‘સાર્વભૌમત્વ’નો મુદ્દો ઉઠાવાતાં નવો વિવાદ શરૂ થયો હતો.

ભાજપે આ મામલે ચૂંટણીપંચને ફરિયાદ કરી હતી તેમજ સોનિયા ગાંધી પર ફરિયાદ નોંધવામાં આવે એવી માગણી પણ કરી હતી.

કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરામાં બજરંગદળ પર પ્રતિબંધની વાતના ઉલ્લેખે પણ વિવાદ સર્જ્યો હતો.

જનતા દળ (સેક્યુલર)એ ચૂંટણીપ્રચારમાં સ્થાનિક મુદ્દા પર ધ્યાન વધુ કેન્દ્રિત કર્યું હતું.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કુમારાસ્વામીના પક્ષે સ્થાનિક ગૌરવ અને કન્નડિગા ઓળખ પર ભાર મૂક્યો હતો. આ સાથે પક્ષે ખેડૂત કલ્યાણ અને ગરીબ મતદારોના મુદ્દા ઉઠાવ્યા હતા.

કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?

આપણા દેશના મીડિયા હાઉસ દ્વારા ચૂંટણી પહેલાં અને પછી પણ સરવે કરાવે છે.

રાજકીય પક્ષો પોતાની આંતરિક વ્યવસ્થા ઉપરાંત બહારના વ્યાવસાયિક નિષ્ણાતો દ્વારા પણ સરવે કરાવતા હોય છે. જે તે રાજ્યમાં વ્યાવસાયિક હિતો ધરાવતાં મોટાં ઉદ્યોગગૃહો પણ પોતાની ભાવિ યોજનાઓ માટે રાજકીય પરિસ્થિતિનો તાગ મેળવતા હોય છે.

અગાઉ સેફૉલૉજિસ્ટ અને હવે રાજનેતા ડૉ. યોગેન્દ્ર યાદવના કહેવા પ્રમાણે, "ઑપિનિયન પોલ અને ઍક્ઝિટ પોલ એક પ્રકારના માપદંડ હોય છે. એટલે જ તે સમયાંતરે બદલાઈ શકે છે. કયા વિસ્તારમાં, કયા સમયે અને કયા પ્રકારના મતદાતાઓના અભિપ્રાયો સર્વેક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા છે તેના પર ઍક્ઝિટ પોલનો મદાર હોય છે."

દેશની ટોચની સરવે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજયકુમારે અગાઉ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઍક્ઝિટ પોલમાં વૉટર મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને સવાલ પૂછવામાં આવે છે.

સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. તેના દ્વારા અપ્રત્યક્ષ રીતે એ વાતનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો હશે.

હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.

ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત કરવી પડે છે અને આ લાંબી પ્રક્રિયા હોય છે.

ઍક્ઝિટ પોલ સાચા જ હોય છે?

ઍક્ઝિટ પોલના તારણમાં સૅમ્પલસાઇઝ, અમીર-ગરીબનું પ્રતિનિધિત્વ, શહેરી કે ગ્રામીણ વિસ્તારનું પ્રતિનિધિત્વ વગેરે જેવી બાબતો અસર કરે છે.

ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? આ સવાલના જવાબમાં સંજયે કહ્યું હતું, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે, જેમાં લગભગ બધી એજન્સીઓનાં આકલન ખોટાં પડ્યાં હતાં."

"સરવે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખે એ જરૂરી છે કે તેઓ સમાજના દરેક વર્ગ અને તબક્કાના મતદારો સુધી પહોંચે. આપણે ત્યાં ગુપ્ત મતદાન પ્રણાલીથી વોટિંગ થાય છે, ત્યારે મતદારોએ કોને મત આપ્યો છે તે જાણવું પડકારરૂપ બની રહે છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."

જોકે, સંજયકુમારને તેનાથી આશ્ચર્ય થતું નથી.

તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.

(ફરી એક વખત અમે આપને જણાવીએ કે બીબીસી કોઈ ચૂંટણી સરવે કરાવતું નથી. અહીં માત્ર અન્ય સંસ્થાઓ દ્વારા કરવવામાં આવતા સરવે, પદ્ધતિ અને તેનાં તારણો વિશે જ ચર્ચા કરવામાં આવી છે.)