You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપને સીએએ લાગુ થવાથી લોકસભા ચૂંટણીમાં કેટલો ફાયદો થઈ શકે?
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (સિટિઝનશિપ એમેન્ડમૅન્ટ ઍક્ટ - સીએએ) લાગુ કરી દીધો છે. 11 માર્ચ, સોમવારે તેનું જાહેરનામું બહાર પડાયું હતું.
આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 અગાઉ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલાં હિન્દુઓ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા અપાશે.
ભારતમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી એના પાંચ દિવસ પહેલાં જ સીએએના કાયદાને લાગુ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આથી સરકારના આ પગલાં બાદ વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યા છે.
હકીકતમાં સંસદના બંને ગૃહોમાં પાસ થયા પછી 12 ડિસેમ્બર 2019ના રોજ નાગરિકતા સંશોધન ખરડા પર રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દીધા હતા અને તે કાયદો બની ગયો હતો.
પરંતુ આ પછી તે કાયદો લાગુ નહોતો કરાયો કારણ કે તેને લાગુ કરવાના નિયમોનું જાહેરનામું બનાવવાનું બાકી હતું.
2019ના અંતમાં આ કાયદો બનવા સાથે દેશના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયમાં લોકોએ તેની સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. આવાં જ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસા પણ શરૂ થઈ હતી.
પશ્ચિમ બંગાળને સાધવાનો પ્રયાસ
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી મુજબ, “સીએએના કારણે મતોનું ધ્રુવીકરણ થશે ભાજપને આશા છે કે તેને પશ્ચિમ બંગાળમાં હિન્દુ બંગાળીઓ અને બાંગ્લાદેશી પ્રવાસીઓનો મત મળશે. અહીં ભાજપ 2019 કરતાં વધારે લોકસભા બેઠકો જીતવા માગે છે.”
2019ની લોકસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં 42માંથી 18 બેઠકો પર ભાજપની જીત થઈ હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપની આ જીતમાં ત્રણથી ચાર બેઠકો પર મતુઆ સમુદાયનું મોટું યોગદાન હોવાનું મનાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતુઆ મૂળરૂપે બાંગ્લાદેશથી આવેલા દલિત હિન્દુઓ છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં મતુઆ સમુદાયના મતદારો છે.
મનાય છે કે પશ્ચિમ બંગાળના આશરે 15 વિધાનસભા બેઠકોનો નિર્ણય મતુઆ મતો પર આધારિત છે.
મતુઆ સમુદાય અગાઉ ટીએમસી અને ડાબેરીઓ સમર્થનમાં હતા. બાદમાં મતુઆ સમુદાય ભાજપના પક્ષમાં જતો રહ્યો. પરંતુ મનાય છે કે 2019ની લોકસભા ચૂંટણીઓ પછી મતુઆ સમુદાય સતત ભાજપથી અંતર રાખવા લાગ્યો છે.
મતુઆ સમુદાય
1947માં ભારતના ભાગલા અને 1971માં બાંગ્લાદેશમાં આઝાદીની લડત સમયે મોટી સંખ્યામાં મતુઆ સમુદાયના લોકો ભારતના અલગ-અલગ વિસ્તારોમાં આવીને વસ્યા હતા. ભાજપના સંસદસભ્ય અને કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુર મતુઆ સમુદાયના નેતા છે.
2019ની લોકસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને 40 ટકાથી વધારે મતો મળ્યા હતા. આ પછી 2021ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને 38 ટકા મતો મળ્યા હતા.
પરંતુ 2022માં નગરપાલિકાની અને 2023ની પંચાચતની ચૂંટણીઓમાં ભાજપનો વોટશૅર ઘટીને 15 ટકા પર આવી ગયો છે.
મનાય છે કે મતુઆ સમુદાયના લોકો ભાજપથી દૂર થઈ રહ્યા છે તે આની પાછળનું એક મોટું કારણ છે.
નાગરિકતા સંશોધન કાયદાનો સૌથી વધારે વિરોધ પૂર્વોત્તરના રાજ્યો આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશમાં જ થયો છે કારણ કે આ રાજ્યો બાંગ્લાદેશ સીમા નજીક છે.
મનાય છે કે આ વિરોધને કારણે સીએએને લાગુ કરવામાં કેન્દ્ર સરકારને આટલો સમય લાગી ગયો.
આ રાજ્યોમાં તેનો વિરોધ એ બાબતે થઈ રહ્યો છે કે અહીં કથિત રીતે પાડોશી દેશ બાંગ્લાદેશથી મુસલમાન અને હિન્દુ બંને મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે આવીને વસ્યા છે. નાગરિકતા મળ્યા પછી રાજ્યના સંસાધનો પર તેમને પણ અધિકાર મળશે.
‘સીએએથી મતોનું ધ્રુવીકરણ’
આ દરમિયાન સીએએ લાગુ કરવાનો સૌથી વધારે વિરોધ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કર્યો છે.
મમતા બેનરજીએ કહ્યું છે કે જો દેશમાં સમુદાયો વચ્ચે ભેદભાવ થયો તો તે ચૂપ નહીં રહે. તેમનાં મતે સીએએ અને એનઆરસી પશ્ચિમ બંગાળ અને ઉત્તરપૂર્વ ભારત માટે સંવેદનશીલ મુદ્દો છે અને તેઓ નથી ઇચ્છતાં કે લોકસભા ચૂંટણીઓ અગાઉ દેશમાં કોઈ કારણે અશાંતિ ફેલાય.
વિરષ્ઠ પત્રકાર સુરૂર અહેમદ કહે છે, "મતુઆ સમુદાયને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયાસમાં આસામમાં ભાજપને નુકસાન થઈ શકે છે. ભારતના ભાગલાં પછી આસામ એક ‘લૅન્ડ લૉક્ડ’ રાજ્ય થઈ ગયું અને આસામની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ."
તેમના મતે ચાના બગીચા, લાકડું અને જંગલોની અન્ય પેદાશોને કારણે આસામમાં લોકોને કામ મળી જતું હતું. કામ-ધંધા માટે આજે પણ આસામના લોકો રાજ્ય બહાર બહુ ઓછી સંખ્યામાં જાય છે. ત્યાંની નોકરીઓ પર બંગાળનાં લોકો, મજૂરી કામમાં બિહારનાં લોકો અને વેપારમાં અન્ય રાજ્યોનાં લોકોનો કબજો છે.
આસામના સ્થાનિકો માત્ર બાંગ્લાદેશથી આવેલાં મુસ્લમો અહીં આવીને વસ્યા તેનો જ વિરોધ નથી કરી રહ્યા પરંતુ પ્રવાસી હિન્દુઓને પણ નાગરિકતા આપવાનો વિરોધ કરી રહ્યા છે.
રાજ્યમાં સીએએના વિરોધ પર મુખ્ય મંત્રી હેમંતા બિસ્વા સરમાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આસામમાં સીએએનું સમર્થન અને વિરોધ કરનારાં બંને જૂથો છે. જેમને આ કાયદો મંજૂર નથી તેઓ ન્યાયાલય જઈ શકે છે. હકીકતે સીએએ અને એનઆરસી (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) બાબતે આરોપ છે કે આ કાયદાઓની મદદથી ભાજપ તેના હિન્દુ મતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ પત્રકારો સાથે વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે 2024ની ચૂંટણીઓની જાહેરાત અગાઉ સીએએ લાગુ કરીને ભાજપ ચૂંટણી અગાઉ ધર્મનો ઉપયોગ કરવા માગતી હોવાનું સ્પષ્ટ કરે છે. તેમણે કહ્યું કે “આ ભાજપની જૂની રણનીતિ છે.”
ઓમર અબ્દુલ્લાનું કહેવું છે, “ભાજપના લોકો 400 બેઠકોનો દાવો કરી રહ્યા હતા અને કહે છે કે રામમંદિર બન્યા પછી તેમની હાર થવાની જ નથી. પરંતુ તેમને લાગે છે કે તેમની સ્થિતિ નબળી છે એટલે ચૂંટણી અગાઉ આવો દાવ અજમાવી રહ્યા છે.”
ભાજપના સહયોગીઓને નુકસાન થશે?
ભાજપ પર ભલે જ મતોના ધ્રુવીકરણનો આરોપ લાગી રહ્યો હોય પરંતુ એનડીએમાં તેના કેટલાય સહયોગી પક્ષો છે, જેમના વિશે માનવામાં આવે છે કે તેમને મુસ્લિમ સમુદાયનું સમર્થન મળતું રહ્યું છે.
તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ, આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી, મહારાષ્ટ્રમાં એનસીપીના અજીત પવારનું જૂથ અને અન્ય નાના પક્ષો પણ સામેલ છે.
તો શું આ કાયદો લાગુ થવાથી આવા પક્ષોને નુકસાન થઈ શકે છે?
જેડીયૂ આ મામલે હાલ તો સાવધાની સાથે પ્રતિક્રિયા આપે છે. પાર્ટીના નેતા કે. સી. ત્યાગીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે આ કાયદા હેઠળ કોઈની નાગરિકતા નહીં જાય.
જોકે બિહારમાં એનડીએમાં સામેલ એલજેપી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાને સીએએનાં અમલીકરણનું સ્વાગત કર્યું છે.
આવાં રાજકીય દળોમાં ઓરિસ્સાનો રાજકીય પક્ષ બીજૂ જનતા દળ (બીજેડી) પણ ગણી શકાય.
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ કહે છે, "નીતિશકુમાર, ચંદ્રબાબુ નાયડુ કે નવિન પટનાયક જેવા નેતાઓની છબી એવી રહી છે કે તેમને મુસ્લિમોના મતો પણ મળે છે. પરંતુ રાજકીય પક્ષોનાં નેતા ચાલાક હોય છે. તેઓ બધું ગણિત સમજીને જ નિર્ણય લે છે."
તેમના મતે, જે પણ પક્ષ એનડીએ સાથે જોડાણ કરી રહ્યા છે તેમની પોતાની મજબૂરી પણ છે. નીતિશ રાજકીય શાખને બચાવવા અને પોતાની રાજકીય કારકિર્દીને થોડી લંબાવવા ભાજપ સાથે જોડાયા છે. તેમને મુસ્લિમોનાં મતો ભલે ના મળે પંરતુ ભાજપને કારણે હિન્દુ મતોનો એક મોટો ભાગ તેમને મળવાની આશા છે.
મનાય છે કે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશમાં પોતાના વિરોધી જગનમોહન રેડ્ડી સામે નબળા પડી રહ્યા હોય તેમ લાગતું હતું, આથી તેમણે એક રાષ્ટ્રીય સ્તરના પક્ષ ભાજપ સાથે જોડાણ કર્યું છે. જેથી તેમને રાજ્યમાં પકડ મળી શકે.
ઉપરાંત નવીન પટનાયક 24 વર્ષથી ઓરિસ્સાના મુખ્ય મંત્રી છે અને મનાય છે કે રાજ્યમાં તેમની સામે જે ઍન્ટી ઇન્કમ્બન્સી થશે એ ભાજપ અને કૉંગ્રેસ પાસે જતી રહેતી. નવીન પટનાયક ભાજપ સાથે જોડાણ કરીને તેને ખાળવા માગે છે.
રશીદ કિદવઈનું માનવું છે કે વાજપેયી સરકાર દરમિયાન એનડીએમાં રહીને મમતા બેનરજી, નીતિશકુમાર અને રામવિલાસ પાસવાન જેવા નેતાઓએ રામ મંદિર, કલમ 370 અને સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓને અભરાઈએ ચડાવી દીધા હતા, પણ હવે નીતિ બનાવવામાં કોઈ નેતા મોદી કે અમિત શાહને રોકી શકે તેમ નથી.
નાગરિકતા અધિનિયમ, 1955 ભારતીય નાગરિકતા સાથે જોડાયેલો એક કાયદો છે, જેમાં જણાવાયું છે કે કોઈ વ્યક્તિને ભારતની નાગરિકતા કેવી રીતે આપી શકાય છે.
મુસ્લિમ સમુદાયમાં એક ડર એ છે કે સીએએ લાગુ કરાયા પછી રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (એનપીઆર) લવાશે, જેનાથી તેમની નાગરિકતાને જોખમ ઊભું થશે.
નાગરિકતા ગુમાવવાનો ડર
બિહારમાં ગત વર્ષે જારી કરાયેલા જાતિગત સર્વેના આંકડાઓ અનુસાર રાજ્યમાં આશરે 17 ટકા વસતી મુસ્લિમોની છે.
ઉપરાંત આંધ્રપ્રદેશમાં આશરે સાત ટકા, ઓરિસ્સામાં છ ટકા અને મહારાષ્ટ્રમાં આશરે 12 ટકા મુસ્લિમ વસતી હોવાનું મનાય છે. એટલે ભાજપના સહયોગી પક્ષોને મુસ્લિમ મતો ના મળે તો બહુ મોટું નુકસાન થાય એમ લાગતું નથી.
વરિષ્ઠ પત્રકાર સુરૂર અહેમદ કહે છે, "કાશ્મીરમાંથી કલમ 370 હઠાવાયા પછી કોઈ કાશ્મીરી પંડિત કાશ્મીર પરત નથી ફર્યા. પરંતુ 370 ખતમ કરવાનો રાજકીય લાભ ભાજપને મળ્યો છે. આવું જ સીએએના મામલે થશે."
સુરૂર અહેમદ મુજબ ભારત સરકાર વિદેશીઓને નાગરિકતા પહેલાં પણ આપતી હતી અને નાગરિકતા કાયદામાં અગાઉ પણ સંશોધન થયું છે. આ મુદ્દો સીએએનો નથી પણ એનઆરસીનો છે. ઘણા લોકોને લાગે છે કે આનાથી તેમની નાગરિકતા જતી રહેશે અને આનો જ વિવાદ છે.
હકીકતમાં એનઆરસી એટલે કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ હેઠળ લોકોને ભારતમાં પોતાની નાગરિકતા માટે યોગ્ય દસ્તાવેજો બતાવવા પડશે. આના આધારે જ જનસંખ્યાનું એક રજિસ્ટર તૈયાર થશે.
રશીદ કિદવઈ મુજબ સીએએ થકી લોકોને ભારતની નાગરિકતા અપાશે. તો બીજી બાજુ એનઆરસી હેઠળ પહેલાથી જ ભારતમાં રહેતા લોકોએ પોતાની નાગરિકતા સાબિત કરવી પડશે.
રશીદ કિદવઈનુ કહેવું છે, "જ્યારે આધારકાર્ડ બનાવડાવવાની વાત સામે આવી હતી ત્યારે કોઈએ તેનો વિરોધ નહોતો કર્યો. રાજકીય સ્તરે એવું નથી કહેવામાં આવ્યું કે અમે લોકોને ઠોસ દસ્તાવેજ આપીશું પરંતુ તેમણે નાગરિકતા સાબિત કરવી પડશે. આ પણ એક વિચિત્ર વાત છે કે ભારતમાં ભાજપ બહુસંખ્યાવાદનું રાજકારણ કરે છે અને વિદેશીઓ મામલે અલ્પસંખ્યાવાદની."
હકીકતે તો એવું માનવામાં આવે છે કે કેટલાય કિસ્સાઓમાં ગરીબો, પછાતો કે અશિક્ષિત પરિવારો પાસે પોતાની નાગરિકતા સાબિત કરવાના જરૂરી દસ્તાવેજો હાજર નહીં હોય.
કેન્દ્ર સરકાર પર એ આરોપ પણ લગાવાઈ રહ્યો છે કે તેઓ ચૂંટણી બોન્ડ્ઝના મામલાથી લોકોનું ધ્યાન અન્યત્ર ખસેડવા માગે છે એટલે આ સમયે સીએએને લાગુ કરવાનો નિર્ણય કરાયો છે.
સોમવારે સુપ્રીમ કોર્ટે કડક આદેશ સાથે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાને ચૂંટણી બૉન્ડ ખરીદનારાઓની માહિતી 12મી માર્ચની સાંજ સુધીમાં ચૂંટણીપંચને સોંપવાનો આદેશ કર્યો હતો. ચૂંટણીપંચે આ જાણકારી આ જ મહિનાની 15 તારીખ સુધીમાં પોતાની વેબસાઇટ પર મૂકવાનો આદેશ પણ અપાયો છે.
કોર્ટના આ આદેશના કેટલાક કલાકોમાં જ કેન્દ્ર સરકારે સીએએ લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.