ભાજપના આ બે સાંસદ કૉંગ્રેસમાં કેમ જોડાયા? ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ શું બોલ્યા?

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, રાજસ્થાનથી બીબીસી માટે

રાજસ્થાનના ચુરુ જિલ્લાથી સતત બીજી વખત ભાજપના સાંસદ બનેલા રાહુલ કસ્વાંએ સોમવારે પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું અને કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા.

રાહુલ કસ્વાંએ એક્સ પર રાજીનામાની જાહેરાત કરી અને થોડા સમયમાં જ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કૉંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. એક દિવસ અગાઉ જ હરિયાણામાં ભાજપના સાંસદ બૃજેન્દ્ર ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી, કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

લોકસભા ચૂંટણી માટે રાજસ્થાનની 25માંથી 15 બેઠકો માટે ગત દિવસોમાં ભાજપે તેના ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં હતાં.

ચૂરુથી સાંસદ રાહુલ કસ્વાંની ટિકિટ કાપીને પૅરાલિમ્પિક રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક જીતનારા દેવેન્દ્ર ઝાઝડિયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે.

કૉંગ્રેસમાં સામેલ થયા પછી રાહુલ કસ્વાંએ કહ્યું, "મારા લોકસભા વિસ્તારમાં ખેડૂતો પરેશાન હતા, તેમના અવાજને દબાવવામાં આવી રહ્યો હતો. સામંતવાદી લોકોના વિચારો આગળ વધી રહ્યા હતા. ખેડૂતોના અવાજને અવગણવામાં આવતો હતો. આવા અનેક મુદ્દાઓ હતા. જે મુદ્દાઓ પર મેં આજે કૉંગ્રેસ પરિવારનો ભાગ બનવાનું નક્કી કર્યું, જ્યાં મારા લોકોનો અવાજ સાંભળવામાં આવશે."

આ અગાઉ તેમણે ચુરુની જનતાને સંબોધિત કરતા એક્સ પર લખ્યું હતું, “મારા પિરવારજનો, તમારા બધાની લાગણીઓને અનુરૂપ, હું સાર્વજનિક જીવનનો એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છું. રાજકીય કારણોસર આજે આ જ ક્ષણે, હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદ અને સંસદ સભ્યપદ પરથી રાજીનામું આપી રહ્યો છે.”

"આખી ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીનો આભાર વ્યક્ત કરું છું, જેમણે મને દસ વર્ષ સુધી ચુરુ લોકસભા વિસ્તારમાં સેવા કરવાની તક આપી."

રાહુલ કસ્વાંના પિતા રામસિંહ ચુરુ બેઠક પરથી ભાજપની ટિકિટ પર સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમનાં માતા કમલા કસ્વાં ચુરુની સાદુલપુર બેઠક પરથી ભાજપનાં ધારાસભ્ય રહ્યાં છે.

ટિકિટ કપાઈ ગયા પછી એક્સ પર રાહુલ કસ્વાંએ લખ્યું હતું, “આખરે મારો ગુનો શું હતો? શું હું પ્રામાણિક નહોતો? શું મેં મહેનત નહોતી કરી? શું વફાદાર નહોતો? શું મારી છબિ સારી નહોતી? શું મેં કામ પૂરું કરવામાં કોઈ કસર રાખી હતી? વડા પ્રધાનની બધી યોજનાઓને અમલી બનાવવામાં હું સૌથી આગળ હતો. એનાથી વધારે શું જોઈતું હતું? જ્યારે પણ મેં આ પ્રશ્ન પૂછ્યો તો આનો જવાબ કોઈ નહોતું આપી શકતું.”

બૃજેન્દ્રસિંહે ભાજપ કેમ છોડ્યો?

નોંધનીય છે કે હિસારના લોકસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્રસિંહના પુત્ર બૃજેન્દ્રસિંહે રવિવારે ભારતીય જનતા પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

કૉંગ્રેસમા જોડાયા પછી બૃજેન્દ્રસિંહે જણાવ્યું કે ભાજપથી તેઓ અલગ કેમ થયા. તેઓ બોલ્યા, "ભાજપમાંથી રાજીનામું આપી કૉંગ્રેસમાં જોડાઈ રહ્યો છું. કેટલાંક રાજકીય કારણો જે પાછલા કેટલાક સમયથી નિર્માણ પામી રહ્યાં હતાં, તેનાથી કંટાળીને મારે આ નિર્ણય લેવો પડ્યો. આમાં એ વૈચારિક મુદ્દા સામેલ હતા, જેના પર મારી સંમતિ નહોતી બનતી. તેમાં ખેડૂતો, અગ્નિવીર અને આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાનોના મામલે મારી સંમતિ નહોતી."

બૃજેન્દ્રસિંહે સોશિયલ મીડિયા એક્સ પર એક ટ્વીટમાં લખ્યું, "મેં મજબૂર કરી દેતી રાજકીય સ્થિતિઓને કારણે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે."

તેમણે લખ્યું, "હિસારના સાંસદ તરીકે લોકોની સેવા કરવાની તક આપવા બદલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અને અમિત શાહજીનો આભાર વ્યક્ત કરું છું."

આ પછી રવિવારે બપોરે જ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના નિવાસસ્થાને વરિષ્ઠ કૉંગ્રેસી નેતા અજય માકનની હાજરીમાં બૃજેન્દ્રસિંહને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું. 51 વર્ષના બૃજેન્દ્રસિંહ હરિયાણા કૅડરના આઇએએસ અધિકારી રહ્યા છે. તેમણે આશરે બે દાયકા સુધી અધિકારી તરીકે કામ કર્યું હતું.

જેજેપી અને ભાજપના ગઠબંધનથી નારાજ હતા

જાટ સમુદાયના નેતા ચૌધરી બીરેન્દ્રસિંહ અને તેમના પુત્ર વિશે એવું માનવામાં આવે છે કે તેઓ તેમના જ સમુદાયના દુષ્યંત ચૌટાલાના ભાજપ સાથેના ગઠબંધન કરવાથી અસહજ હતા. અમુક અઠવાડિયાં અગાઉ બીરેન્દ્રસિંહે કહ્યું હતું, "દુષ્યંત ચૌટાલા અને ભાજપનું સમાધાન જો હરિયાણામાં ચાલશે તો બીરેન્દ્રસિંહ નહીં રહે, આ વાત સ્પષ્ટ છે."

તેમના આ નિવેદન પર જનનાયક જનતા પાર્ટી(જેજેપી) નેતા અને હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શનિવારે ચૌધરી બીરેન્દ્રસિંહ પર નિશાન સાધ્યું. તેમણે જેજેપી સાથે ગઠબંધન યથાવત્ રહેતા ભાજપ છોડી દેવાની ચૌધરી બીરેન્દ્રસિંહની ધમકી પર કટાક્ષ કરતાં તેમને ‘તારીખ પર તારીખ’ આપનારા નેતા ગણાવ્યા હતા.

ચૌટાલાએ કહ્યું, "ચૌધરી બીરેન્દ્રસિંહ જેવા કોઈ નેતા આખા રાજ્ય જ નહીં, આખા દેશમાં ક્યાંય નહીં હોય, જે અલ્ટીમેટમ પર અલ્ટીમેટમ આપી રહ્યા છે. જો તેમને કોઈ નિર્ણય લેવો છે, તો પોતના રાજકીય કદ પ્રમાણે લે, જેજેપીની ચિંતા કરવાનું છોડી દે."