લોકસભા ચૂંટણી 2024 : મોહન કુંડારિયાની ટિકિટ કાપીને ભાજપે પરશોત્તમ રૂપાલાને કેમ રાજકોટની ચૂંટણી લડવા મોકલ્યા?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તા. 23મી જાન્યુઆરીએ ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભાનું ઉમેદવારીપત્રક ભરવા આવ્યા હતા, ત્યારે તેમણે રાજ્યની તમામ 26 લોકસભા બેઠક ઉપર ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું.

નડ્ડા અને ભાજપના દિગ્ગજ નેતાઓએ ગાંધીનગર બેઠકના કાર્યાલયમાં રૂબરૂ હાજર રહીને ખુલ્લું મૂક્યું હતું, જ્યારે અન્ય મધ્યસ્થ કાર્યાલયોને વર્ચ્યુઅલી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

જે-તે બેઠક પરથી વર્તમાન સંસદસભ્યની દાવેદારી ન જણાય તે માટે અમિત શાહ ગુજરાતમાં હાજર હોવા છતાં પોતાના મતવિસ્તારના કાર્યક્રમમાં પણ હાજર નહોતા રહ્યા. અન્ય બેઠકો પર પણ આમ જ થયું હતું, જે-તે બેઠકના પ્રભારી, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા.

પરંતુ રાજકોટમાં રૈયા ટેલિફોન ઍક્સ્ચેન્જ ખાતેના કાર્યક્રમમાં સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયા હાજર રહ્યા, ત્યારે ઘણાંને આશ્ચર્ય થયું હતું. તેમણે કમળને ભાજપનો ઉમેદવાર જણાવીને આ બેઠક પરથી પાંચ લાખની સરસાઈ સાથે પાર્ટીને વિજયી બનાવવાની વાત કહી હતી. માર્ચના પહેલા અઠવાડિયામાં ભાજપે ગુજરાતની 26માંથી 15 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે રાજકોટની બેઠક પરથી કુંડારિયાનું નામ ગાયબ હતું.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ સંસદસભ્ય કુંડારિયાને પડતા મૂકાવા વિશે જે આગાહી કરી હતી, તે સાચી પડી હતી. બંને નેતા વચ્ચેના મતભેદ અને મનભેદ સાર્વજનિક છે.

મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની અને નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્યકક્ષાના કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા છે, જેના નિહિતાર્થ જણાય આવે છે.

પાંચ ટર્મ એમએલએ, બે ટર્મ એમપી રહેલા કુંડારિયાનું પત્તું કપાયું

મોહનભાઈ કુંડારિયા રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામીણ અને જસદણ ઉપરાંત મોરબી જિલ્લાની વાંકાનેર અને ટંકારા બેઠકના મતદારોનું દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરે છે.

પાંચ ટર્મ સુધી ધારાસભ્ય એવા કુંડારિયાએ વર્ષ 2001- '02 ની મુખ્ય પ્રધાન તરીકેની સૌપ્રથમ કૅબિનેટમાં ગ્રામીણ વિકાસનો સ્વતંત્ર પ્રભાર સંભાળ્યો હતો. વર્ષ 2011- '12 દરમિયાન તેમને ફરીથી આ જવાબદારી મળી હતી. આ પહેલાં વર્ષ 1998-2001 દરમિયાન તેઓ ગુજરાત બીજ નિગમના ચૅરમૅનપદે પણ રહ્યા. પરંપરાગત રીતે ટંકારા વિધાનસભા બેઠકએ મોહનભાઈ કુંડારિયાનો ગઢ રહી છે. 1983થી તેઓ પાર્ટી સાથે જોડાયેલા છે.

જીતુભાઈ સોમાણી પાસેની વાંકાનેર બેઠક પર ધારાસભ્ય છે. ટંકારા અને વાંકાનેર બેઠકો મોરબી જિલ્લા હેઠળ આવે છે. મોરબીસ્થિત સ્વતંત્ર પત્રકાર રવિ મોટવાણીના કહેવા પ્રમાણે, "કુંડારિયા અને સોમાણી વચ્ચેના મતભેદ અને મનભેદ પાર્ટીમાં જ નહીં, સામાન્ય લોકોની વચ્ચે પણ જાહેર છે."

"વાંકાનેર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન સોમાણીએ કહ્યું હતું, 'અમુક લોકો જે સત્તા ઉપર બેઠા છે, તે 2024ની ચૂંટણી પૂરતા જ છે.' તેમનો ઇશારો સંસદસભ્ય કુંડારિયા તરફ હતો. એ પછી રાજ્યસભાની ચૂંટણીમાં વાંકાનેરના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતા કેસરીદેવસિંહ ઝાલા સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. તેમને કુંડારિયા જૂથની નજીકના માનવામાં આવે છે."

"ઝાલાના વિજયસરઘસ દરમિયાન મોહનભાઈ કુંડારિયાએ કહ્યું હતું કે 'ગાડા નીચે શ્વાન ચાલ્યું જતું હોય તો તેને એમ થાય કે ગાડાનો ભાર તે ખેંચે છે, પરંતુ વાસ્તવમાં ભાર નંદી ખેંચતો હોય છે. હવે 2029 સુધી વાંકાનેરના સંસદસભ્ય રહેવાના છે.' આ તેમનો સોમાણીને જવાબ હતો. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય હોવા છતાં સોમાણી હાજર રહ્યા ન હતા."

"કુંડારિયાની ટિપ્પણીનો જવાબ આપતા સોમાણીએ કહ્યું હતું કે 'એમની ઉંમર થઈ ગઈ છે એટલે આવો બફાટ કરતા હશે.' મારા વિજયસરઘસમાં એ લોકોએ હાજરી નહોતી આપી, એટલે હું પણ નહોતો ગયો. કહેવાય છે કે એ પછી હાઈકમાન્ડે બંને નેતાઓને ઠપકો આપ્યો હતો અને બંનેએ સાર્વજનિક રીતે એકબીજા વિરૂદ્ધ ટિપ્પણી કરવાનું બંધ કર્યું હતું."

આ પહેલાં બાળકોના પીઠ ઉપર ચાલવું અને મત માટે સહકારી ક્ષેત્રના આગેવાનને કથિત રીતે ધમકાવવા જેવા વિવાદમાં પણ કુંડારિયા સપડાયા હતા. ભૂતકાળમાં સોમાણીએ આરોપ મૂક્યા હતા કે તેઓ ભાજપના ઉમેદવાર હોવા છતાં કુંડારિયાએ તેમને હરાવવા માટે પ્રયાસ કર્યા હતા.

શું સોમાણી સાથેના વિવાદને કારણે તેમનું પત્તું કપાયું? તેનો જવાબ નકારમાં આપતા મોટવાણી કહે છે, "ટંકારામાં તાલુકાકક્ષાએથી રાજકારણ શરૂ કરનારા કુંડારિયાને પાર્ટીએ પાંચ વખત ધારાસભ્ય અને બે વખત સંસદસભ્ય બનાવ્યા. તેઓ નરેન્દ્ર મોદીની રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહ્યા. હવે, તેમની ઉંમર 73-74 વર્ષની થઈ છે, ત્યારે આ વિવાદે કુંડારિયાને પડતા મૂકવામાં કોઈ ભૂમિકા ભજવી હોય તેમ નથી લાગતું."

"એવી વ્યાપક ચર્ચા હતી અને કદાચ મોહનભાઈને પણ અંદાજ હતો કે આગામી ચૂંટણીમાં તેમને રીપિટ કરવામાં નહીં આવે."

આ અહેવાલ માટે કુંડારિયાને કૉલ અને ટેક્સ્ટ મૅસેજ કરવામાં આવ્યા છે, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો, પ્રતિક્રિયા મળ્યે અપડેટ કરવામાં આવશે.

મે-2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદી કૅબિનેટનું ગઠન થયું એ પછી નવેમ્બર મહિનામાં તેમણે કૅબિનેટનું વિસ્તરણ કર્યું હતું ત્યારે કુંડારિયાને રાજ્યકક્ષાના કૃષિમંત્રી બનાવવામાં આવ્યા અને તેમના કાર્યકાળ દરમિયાન જ આ મંત્રાલયને કૃષિ અને કૃષક કલ્યાણ વિભાગ એવું નામ આપવામાં આવ્યું. તેઓ જુલાઈ-2016 સુધી આ પદ ઉપર રહ્યા. એ પછી તેઓ કેન્દ્ર સરકારની અનેક ખડી સમિતિના સભ્યપદે પણ રહ્યા.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં રૂપાલા રાજ્યકક્ષાના કૃષિ અને કૃષકકલ્યાણ મંત્રી છે. યોગાનુયોગ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની પહેલી કૅબિનેટમાં રૂપાલા કૃષિ અને સહકાર મંત્રી હતા.

રાજકોટ બેઠક કેમ ભાજપ માટે ખાસ રહી છે?

લોકસભાની રાજકોટ બેઠક એ અપવાદરૂપ બેઠકોમાંથી એક છે, જેના ત્રણ-ત્રણ સંસદસભ્ય ઉચ્છંગરાય ઢેબર, ઘનશ્યામ ઓઝા અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. ઢેબર, ડૉ. વલ્લભ કથીરિયા અને કુંડારિયાએ રાજકોટની બેઠક ઉપરથી ચૂંટાઈને કેન્દ્ર સરકારમાં મંત્રી બન્યા છે.

આ બેઠક હેઠળ આવતી (હાલ) રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી નરેન્દ્ર મોદી તેમની પ્રથમ ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આગળ જતાં વિજય રૂપાણી પણ આ બેઠક પરથી જ ચૂંટાઈને મુખ્ય મંત્રી બન્યા હતા. પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની પણ આ પરંપરાગત બેઠક રહી છે.

છેલ્લા લગભગ ત્રણ દાયકા કરતાં વધુ સમયથી રાજકોટના રાજકારણ ઉપર નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક કાના બાંટવાના કહેવા પ્રમાણે, "અકારણ ચર્ચામાં આવ્યા વગર કામ કરે અને નિર્ધારિત હેતુઓ પાર પાડે, એવી કાર્યશૈલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માફક આવે છે. રૂપાલા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આવી જ રીતે કામ કર્યું હોવા છતાં જાન્યુઆરી મહિનામાં તેમને ઉમેદવાર બનાવવામાં નહોતા આવ્યા."

"ત્યારથી જ ચર્ચા હતી કે બંનેને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે, સવાલ માત્ર કઈ બેઠક એવો હતો. રૂપાલા અને માંડવિયાને પોત-પોતાના વતન અમરેલી અને ભાવનગરમાંથી ટિકિટ આપવાના બદલે વધુ સલામત ગણાતી રાજકોટ અને પોરબંદરની બેઠક પરથી ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા છે. જે દેખાડે છે કે પાર્ટી તેમના વિજય સુનિશ્ચિત કરવા માગે છે."

પાર્ટીએ બંને પાટીદાર સંસદસભ્યોના સ્થાને ગોવિંદ ધોળકિયા સ્વરૂપે એકમાત્ર પટેલ ઉમેદવાર પસંદ કર્યા હતા. અમીબહેન યાજ્ઞિક અને નારણભાઈ રાઠવાએ કૉંગ્રેસના સંસદસભ્ય હતા, પરંતુ સંખ્યાબળ ન હોવાને કારણે પાર્ટી એક પણ સંસદસભ્યને રાજ્યસભામાં મોકલી શકે તેમ ન હતી. ભાજપે પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી સંસદના ઉપલાગૃહમાં મોકલ્યા છે. જ્યારે જસવંતસિંહ પરમાર અને મયંકભાઈ નાયક સ્વરૂપે બે ઓબીસી સંસદસભ્યને દિલ્હીના રાજકારણમાં ઉતારીને જ્ઞાતિ અને ઝોનના સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે.

રાજકોટમાં કુંડારિયાને સ્થાને રૂપાલાને ઉતારીને ભાજપે પાટીદારોની પેટાજ્ઞાતિનું સમીકરણ સાચવવાનો પણ પ્રયાસ કર્યો છે, એવા સવાલના જવાબમાં બાંટવા કહે છે, "જો આપણે એ પ્રકારના જ્ઞાતિગત સમીકરણથી રાજકોટની બેઠકને જોવી હોય તો જોઈ શકાય, પરંતુ આ બેઠક જ્ઞાતિજાતિના સમીકરણથી પર ભાજપનો ગઢ છે."

સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં વિરોધીઓ ઉપર ચાબખાં મારવાની અને પોતાની વાત કહેવાની લાક્ષ્ણિકતા ધરાવતા રૂપાલાએ તેમનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું, 'અમરેલીના કાર્યકર્તા તરીકે રાજકોટ મીટિંગો માટે આવવાનું થતું, એટલે અહીં ભાજપના પાઠ ભણ્યા છે. જે નગરમાંથી નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ, વજુભાઈ વાળા અને ચીમનભાઈ શુક્લા જ્યાંથી ચૂંટણી લડ્યા હોય ત્યાંથી ઉમેદવારી કરવાની તક આપી એ માટે પાર્ટીનો આભાર માનું છું. ભાજપના કસાયેલા અને નિવડેલા કાર્યકરોની રાજકોટમાં ફોજ છે, એ મારા માટે સૌભાગ્યનો વિષય છે.'

અગાઉ એવી ચર્ચા હતી કે પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટની બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવશે, પરંતુ રૂપાલાની ઉમેદવારી પછી આ વાતનો છેદ ઉડી ગયો છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે 'કોઈ કાર્યકરની ક્ષમતાનો કેવી રીતે પાર્ટીના માટે ઉપયોગ થઈ શકે તે અમે જોતા હોઈએ છીએ, તો પૂર્વ મુખ્ય મંત્રીઓની ક્ષમતાનો ઉપયોગ કરીએ જ.'

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહને વિદિશાની બેઠકથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વસુંધરારાજે સિંધિયા (રાજસ્થાન) અને રૂપાણીના ભાગે ભવિષ્યમાં કઈ ભૂમિકા આવે છે, તે કદાચ ચૂંટણી પછી જ સ્પષ્ટ થશે. રૂપાણી હાલમાં પંજાબમાં ભાજપના પ્રભારી છે.

નવ ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ભાજપને માત્ર એક હાર મળી

ગુજરાતની સ્થાપના બાદ વર્ષ 1962માં પ્રથમ વખેત રાજકોટ બેઠક અસ્તિત્વમાં આવી. એ પહેલાં વર્તમાન રાજકોટ જિલ્લાના વિસ્તાર મહદંશે હાલાર, ઝાલાવાડ અને મધ્ય સૌરાષ્ટ્ર વિસ્તાર હેઠળ આવતા.

2013માં અલગ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જિલ્લાની મોરબી બેઠક નીચલાગૃહની કચ્છ બેઠક હેઠળ આવે છે, જ્યારે ટંકારા અને વાંકાનેર બેઠક રાજકોટ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે. 2008માં પુનઃસીમાંકન થયું તે પહેલાં મોરબી, ગોંડલ અને જેતપુર બેઠકો પણ લોકસભાની રાજકોટ સીટ હેઠળ આવતી.

પુનઃસીમાંકન પછીની 2009ની પહેલી ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. પાર્ટીએ ઉદ્યોગપતિ કિરણ પટેલને પેરાશૂટ ઉમેદવાર બનાવ્યા હતા, જેમને કૉંગ્રેસના કુંવરજીભાઈ બાવળિયાએ પરાજય આપ્યો હતો. વર્ષ 2014માં કુંડારિયાએ કૉંગ્રેસના ઉમેદવાર બાવળિયાને પરાજય આપ્યો હતો. આગળ જતાં બાવળિયાએ કેસરિયો ખેસ ધારણ કરી લીધો હતો અને રાજ્ય સરકારમાં મંત્રી બન્યા.

1962માં ઉચ્છંગરાય ઢેબરે અપક્ષ ઉમેદવાર નરોત્તમ શાહને આ બેઠક ઉપરથી પરાજય આપ્યો. વર્ષ 1967માં સ્વતંત્ર પક્ષના દિગ્ગજ નેતા મીનુ મસાણી આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા.

મૂળ બોમ્બેના અને જ્ઞાતિ-જાતિના પરંપરાગત સમીકરણ મુજબ ફિટ ન થાય તેવા પારસી હોવા છતાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. એ પછીની ચૂંટણીમાં (વર્ષ 1971) મસાણીનો પરાજય થયો અને ઘનશ્યામ ઓઝા ચૂંટાઈ આવ્યા.

1977માં કેશુભાઈ પટેલે ભારતીય લોકદળની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી અને વિજયી થયા હતા. ગુજરાતમાં જ્વલ્લે જ જોવા મળતો એક રેકર્ડ આગામી બે ચૂંટણી દરમિયાન અહીં બનવાનો હતો.

વર્ષ 1980ની લોકસભા ચૂંટણી દરમિયાન ઇંદિરા કૉંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ માવાણીએ જનતા પાર્ટીના ઉમેદવાર ચીમનભાઈ શુક્લાને હરાવ્યા. આગળ જતાં શુકલાએ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપના દિગ્ગજ નેતા તરીકે કાઠું કાઢ્યું.

એ પછીની 1984ની ચૂંટણીમાં ચીમનભાઈને ભાજપની ટિકિટ મળી. કૉંગ્રેસે રામજીભાઈનાં પત્ની રમાબહેનને ઉમેદવાર બનાવ્યાં, જેઓ ફરી ચૂંટાઈ આવ્યાં. 1989માં ભાજપના શીવલાલભાઈ વેકરિયાએ કૉંગ્રેસના રિપીટ ઉમેદવાર રમાબહેનને હરાવ્યાં અને ભાજપના ગઢનો પાયો નાખ્યો.

1991માં વેકરિયા ફરી એક વખત ચૂંટાઈ આવ્યા. તેમણે રાજકોટના પૂર્વ રાજવી પરિવારના મનોહરસિંહ જાડેજાને હરાવ્યા હતા. 1996માં ભાજપે ડૉ. વલ્લભભાઈ કથીરિયાને ટિકિટ આપી હતી, જ્યારે શિવલાલભાઈ કૉંગ્રેસના ઉમેદવાર હતા. વલ્લભભાઈ વિજયી થયા.

દિલ્હીમાં રાજકીય અંધાધૂંધીના એ સમયમાં 1998માં ફરી ચૂંટણી યોજાઈ. આ વખતે વલ્લભભાઈની સામે વિઠ્ઠલભાઈ રાદડિયા હતા. જેઓ શંકરસિંહ વાઘેલા દ્વારા સ્થાપિત ઑલ ઇન્ડિયા રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવાર હતા. શંકરસિંહે ભાજપથી અલગ થઈને આ પક્ષની સ્થાપના કરી હતી. એ પહેલાં રાદડિયા ભાજપમાં જ હતા.

1999માં વલ્લભભાઈએ ફરીથી વિઠ્ઠલભાઈને પરાજય આપ્યો, આ વખતે પરાજિત ઉમેદવારે કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી હતી. શંકરસિંહે તેમની પાર્ટીને કૉંગ્રેસમાં ભેળવી દીધી હતી અને રાદડિયા તેમની સાથે જ રહ્યા અને કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. તેમને વાજપેયી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા.

વર્ષ 2004માં વલ્લભભાઈ કથીરિયાએ બળવંત મણવરને પરાજય આપ્યો. જેઓ જનતા પાર્ટી, જનતાદળ ગુજરાત, કૉંગ્રેસમાં રહ્યા બાદ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટણી લડ્યા હતા. તેઓ વાજપેયી સરકારમાં મંત્રી તો ન બન્યા, પરંતુ અલગ-અલગ સમિતિઓ અને ફોરમમાં તેમને નોંધપાત્ર ભૂમિકા મળી.

ગત વર્ષે તેમને રાજકોટ ખાતે બની રહેલી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝના વડા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપી દીધું હતું.