આપણા ભોજન અને શરીરના કોષો સુધી પ્લાસ્ટિક કેવી રીતે પહોંચી જાય છે?

    • લેેખક, ઇસાબેલ ગેરેટસન
    • પદ, ફીચર્સ સંવાદદાતા, બીબીસી

આપણી આધુનિક લાઇફસ્ટાઇલને વ્યાખ્યાયિત કરતા વારસા પૈકી એક પ્લાસ્ટિકનું પ્રદૂષણ પણ છે. પરંતુ હવે આ પ્રદૂષણ એટલું વ્યાપક બન્યું છે કે હવે તેણે ફળો અને શાકભાજીમાં પણ ઘૂસવાનો રસ્તો કરી લીધો છે.

માઇક્રોપ્લાસ્ટિક પૃથ્વીના દરેક ભાગમાં ઘૂસણખોરી કરી ચૂક્યું છે. આ પદાર્થ ઍન્ટાર્કટિક બરફના સમુદ્રમાં દટાયેલો જોવા મળે છે. એ સિવાય દરિયાની સૌથી ઊંડી ખીણમાં વસતા દરિયાઈ પ્રાણીઓનાં આંતરડાંમાં અને સમગ્ર વિશ્વના પીવાના પાણીમાંથી પણ મળી આવ્યું છે.

પ્લાસ્ટિક પ્રદૂષણ દૂરના નિર્જન ટાપુઓના દરિયાકિનારા પર જોવા મળ્યું છે અને તે આખી ધરતીના દરિયાઈ પાણીના નમૂનાઓમાં પણ દેખાઈ આવે છે. એક અભ્યાસમાં એવું અનુમાન કરાયું છે કે વિશ્વના મહાસાગરોના ઉપલાં ક્ષેત્રોમાં માઇક્રોપ્લાસ્ટિક્સના લગભગ 24.4 ટ્રિલિયન ટુકડા છે.

આ માત્ર પાણી પૂરતું જ વ્યાપક નથી. તે જમીન અને તેની અંદર પણ વ્યાપકપણે ફેલાયેલા છે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં પણ તે હોઈ શકે છે. અજાણતાં જ આપણે લગભગ દરેક કોળિયા સાથે પ્લાસ્ટિકના નાના ટુકડા આરોગીએ છીએ.

માઇક્રોપ્લાસ્ટિક ક્યાં ક્યાં ફેલાયેલું છે અને તે અત્યાર સુધીમાં દુનિયાની કેટલી જમીનને પ્રદૂષિત કરી ચૂક્યું છે? પ્લાસ્ટિક એ છોડનાં મૂળમાં કઈ રીતે એકઠું થાય છે? તેની આપણા સ્વાસ્થ્ય પર કેટલી ઘાતક અસરો પડે છે અને તેને કઈ રીતે રોકી શકાય?

2022માં બિનનફાકારક સંસ્થા એન્વાયર્ન્મેન્ટલ વર્કિંગ ગ્રૂપના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ગટરના કાદવથી લગભગ 20 મિલિયન એકર (80,937 ચોરસ કિમી) જેટલી યુનાઇટેડ સ્ટેટ્સની ખેતીની જમીનમાં પોલિફ્લોરોઆલ્કિલ પદાર્થો (PFAS)થી પ્રદૂષિત ચૂકી છે. આને સામાન્યપણે "કાયમી રસાયણો" કહેવામાં આવે છે, કારણ કે આ તત્ત્વો પ્લાસ્ટિકમાં જોવા મળે છે અને સામાન્ય પર્યાવરણીય સ્થિતિઓમાં તે ટકી રહે છે.

મહાનગરપાલિકાએ ગંદા પાણીને સાફ કર્યા પછી વધતો કાદવ એ આડપેદાશ છે. તેનો નિકાલ કરવો ખર્ચાળ છે અને પોષકતત્વોથી ભરપૂર હોવાથી યુએસ અને યુરોપમાં આ કાદવનો ઉપયોગ સામાન્ય રીતે જૈવિક ખાતર તરીકે થાય છે. યુરોપિયન યુનિયને કરેલા એક પરિપત્રના નિર્દેશોના લીધે પણ આ નિકાલના અર્થતંત્રને પ્રોત્સાહન મળ્યું છે. યુરોપમાં દર વર્ષે અંદાજિત આઠ-દસ મિલિયન ટન ગંદા પાણીનો કાદવ ઉત્પન્ન થાય છે અને તેમાંથી આશરે 40% નો ઉપયોગ ખેતીની જમીનમાં થાય છે.

કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરાયેલા અભ્યાસ મુજબ આ પ્રથાને કારણે યુરોપની ખેતીની જમીનો માઇક્રોપ્લાસ્ટિનું સૌથી મોટું જળાશય બની શકે છે. આનો અર્થ એ થાય કે દર વર્ષે 31,000 થી 42,000 ટન માઇક્રોપ્લાસ્ટિક અથવા 86 ટ્રિલિયનથી 710 ટ્રિલિયન માઇક્રોપ્લાસ્ટિકના કણો યુરોપિયન ખેતીની જમીનને દૂષિત કરી રહ્યાં છે.

સંશોધકોએ શોધી કાઢ્યું કે 1મીમી અને 5મીમી (0.04ઇંચ-0.2ઇંચ) વચ્ચેના 650 મિલિયન માઇક્રોપ્લાસ્ટિક કણો યુકેના દક્ષિણ વેલ્સના ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પ્રવેશે છે. આ તમામ કણો ગટરના કાદવમાં ભળી જાય છે. જે તેના કુલ વજનના આશરે એક ટકા જેટલા હોય છે.

આ અભ્યાસના સહલેખકોમાંના એક અને કાર્ડિફ યુનિવર્સિટીના હાઇડ્રો-એન્વાયરન્મેન્ટલ રિસર્ચ સેન્ટરનાં ડેપ્યુટી ડિરેક્ટર કેથરિન વિલ્સન કહે છે કે, "ખેતરની જમીનમાં ઘૂસતાં આ માઇક્રોપ્લાસ્ટિકની સંખ્યાનો "અંદાજ ઓછો બાંધ્યો છે."

તેઓ કહે છે કે, "માઇક્રોપ્લાસ્ટિક દરેક જગ્યાએ ફેલાયેલા છે અને (ઘણી વાર) તે એટલા નાના હોય છે કે તેને આપણે નરી આંખે જોઈ શકતાં નથી."

આ માઇક્રોપ્લાસ્ટિક ઘણા લાંબા સમય સુધી ટકી શકે છે.

ફિલિપ્સ-યુનિવર્સિટી મારબર્ગ ખાતેના માટીના વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરના એક અભ્યાસ મુજબ બે ખેતીની જમીનોની નીચેથી 90 સેમિ (35 ઇંચ) સુધીનાં માઇક્રોપ્લાસ્ટિક જોવા મળ્યાં હતાં. આ ખેતરોમાં 34 વર્ષ પહેલાં છેલ્લે ગટરના કાદવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ખેડાણને કારણે પ્લાસ્ટિક એવા વિસ્તારોમાં પણ ફેલાઈ ગયું જ્યાં આ કાદવ નાખવામાં આવ્યો ન હતો.

કાર્ડિફ અભ્યાસના મુખ્ય લેખક અને હાઇડ્રો-પર્યાવરણ સંશોધન કેન્દ્રના પીએચડી સંશોધક જેમ્સ લોફ્ટી કહે છે કે યુરોપમાં ખેતીની જમીન પર માઇક્રોપ્લાસ્ટિકની માત્રા એ સમુદ્રની સપાટીના પાણીમાં જોવા મળતા જથ્થા સમાન જ છે.

વિલ્સન અને લોફ્ટીના સંશોધન મુજબ યુરોપમાં જોઈએ તો યુકેમાં માઇક્રોપ્લાસ્ટિકની સાંદ્રતા સૌથી વધુ છે. દર વર્ષે 500 થી 1,000 માઇક્રોપ્લાસ્ટિકના કણો ખેતરની જમીનમાં ફેલાય છે.

લોફ્ટી ઉમેરે છે કે, "જમીન પર માFક્રોપ્લાસ્ટિક્સનો વિશાળ જળાશય બનાવવાની સાથે સાથે ખાતર તરીકે ગટરના કાદવનો ઉપયોગ કરવાની પ્રથા પણ આપણા મહાસાગરોના પ્લાસ્ટિક સંકટને વધારે છે. આખરે માઇક્રોપ્લાસ્ટિક જળમાર્ગોમાં જશે. કારણ કે વરસાદ જમીનના ઉપરના સ્તરને ધોઈ નદીઓમાં અથવા ભૂગર્ભજળમાં મોકલે છે."

"આપણી નદીઓ અને મહાસાગરોમાં (પ્લાસ્ટિક) પ્રદૂષણનો મુખ્ય સ્રોત જમીનની સપાટીનું ધોવાણ છે."

કૅનેડાના ઑન્ટારિયાના સંશોધકો દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 99% માઇક્રોપ્લાસ્ટિક શરૂઆતમાં કાદવ સાથે જમીનમાં ભળ્યાં હતાં, તેને સમય જતાં ત્યાંથી દૂર લઈ જવામાં આવ્યા હતા.

લોફ્ટી જણાવે છે કે આ ધોવાઈ જાય તે પહેલાં માઇક્રોપ્લાસ્ટિક જમીનમાં ઝેરી રસાયણોને ફેલાવી દે છે. માઇક્રોપ્લાસ્ટિક અન્ય ઝેરી પદાર્થોને પણ શોષી શકે છે. જેથી આ પ્રદૂષણ ભેગું થઈને ખેતીની જમીનમાં ઘૂસણખોરી કરે છે.

યુકેની પર્યાવરણ એજન્સીનો એક અહેવાલ કે જે પછીથી પર્યાવરણીય ઝુંબેશ જૂથ ગ્રીનપીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

તે જણાવે છે કે, "બ્રિટિશ ખેતીની જમીનમાં ઉપયોગમાં લેવાતો નિર્ધારિત ગટરનો કચરો "માનવ સ્વાસ્થ્ય માટે જોખમી સ્તરે" ડાયોક્સિન અને પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન સહિતના પ્રદૂષકોથી દૂષિત હોય છે.

કેન્સાસ યુનિવર્સિટીનાં કૃષિશાસ્ત્રી મેરી બેથ કિરખામે 2020 ના પ્રયોગમાં જાણ્યું કે છોડ કેડમિયમ જેવા ઝેરી રસાયણો શોષવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. "પ્લાસ્ટિકવાળી જમીનમાં કેડમિયમ હોય ત્યારે ઘઉંનાં પાંદડાંમાં ખૂબ વધારે કેડમિયમ જોવા મળે છે. જ્યારે જે જમીનમાં આ તત્ત્વો નથી હોતાં, તેમાં ખૂબ કેડમિયમનું પ્રમાણ ઓછું હોય છે.

સંશોધન એ પણ દર્શાવે છે કે માઇક્રોપ્લાસ્ટિક અળસિયાના વિકાસને અટકાવે છે અને તેમનું વજન ઘટાડે છે.

આ વજન ઘટવાનાં કારણો સંપૂર્ણપણે સમજી શકાયાં નથી, પરંતુ એક સિદ્ધાંત એ છે કે માઇક્રોપ્લાસ્ટિક અળસિયાના પાચનમાર્ગમાં અવરોધ લાવી શકે છે. અને તેથી તેની પોષકતત્ત્વોને શોષવાની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે. છેવટે તેમની વૃદ્ધિને ઘટાડે છે. આની નકારાત્મક અસર પર્યાવરણ પર પડે છે.

સંશોધકો કહે છે, "અળસિયા જમીનના સ્વાસ્થ્યને જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમની પ્રવૃત્તિ જમીનનું ધોવાણ અટકાવે છે, પાણીના નિકાલને સુધારે છે અને પોષકતત્ત્વોને રિસાઇકલ કરે છે."

પ્લાસ્ટિકના કણો ખાદ્યાન્નને સીધા જ દૂષિત કરી શકે છે. 2020ના થયેલા એક અભ્યાસમાં ઇટાલીના સિસિલીમાં કેટેનિયામાં સુપરમાર્કેટમાં વેચવામાં આવતાં ફળો અને શાકભાજીમાં માઇક્રોપ્લાસ્ટિક અને નેનોપ્લાસ્ટિક્સ જોવા મળ્યા હતા. સફરજન સૌથી વધુ દૂષિત ફળ હતું. જ્યારે ગાજરના નમૂનામાં માઇક્રોપ્લાસ્ટિકનું સ્તર ખૂબ વધારે હતું.

નેધરલૅન્ડની લીડેન યુનિવર્સિટીમાં એન્વાયરમેન્ટલ ટોક્સિકોલોજી અને બાયોડાયર્વસિટિનાં પ્રોફેસર વિલી પેઇજનબર્ગના સંશોધન મુજબ પાક નેનોપ્લાસ્ટિક કણોને શોષી લે છે. 1-100nm કદના નાના ટુકડા અથવા લોહીના કોષો કરતાં લગભગ 1,000 થી 100 ગણા નાના આ નેનોપ્લાસ્ટિકને છોડ પાણી અને માટીથી ઘેરાયેલાં તેનાં મૂળની તિરાડો દ્વારા શોષી લે છે.

પૃથક્કરણથી જાણવા મળ્યું છે કે મોટા ભાગનું પ્લાસ્ટિક છોડનાં મૂળમાં જ એકઠું થાય છે. બહુ ઓછા કિસ્સામાં તે ઉપર અંકુર સુધી જાય છે. પ્રોફેસર ચેતવણી આપતાં કહે છે કે, "કોબી જેવાં પાંદડાંવાળી શાકભાજીમાં પ્લાસ્ટિકની સાંદ્રતા પ્રમાણમાં ઓછી હશે. પરંતુ જે જમીનમાં મૂળ રૂપે ઊગે છે, તેવી ગાજર અને મૂળા જેવી શાકભાજીમાં માઇક્રોપ્લાસ્ટિકનું જોખમ વધારે હોય છે."

પેઇજનેનબર્ગ અને તેના સાથીદારો દ્વારા કરવામાં આવેલા અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એક જાતની ભાજી (લેટીસ) અને ઘઉં બંનેમાં માઇક્રોપ્લાસ્ટિકની સાંદ્રતા તેની આસપાસની જમીન કરતાં દસ ગણી ઓછી હતી.

પીજેનેનબર્ગ કહે છે કે, "અમને જાણવા મળ્યું છે કે છોડ દ્વારા ફક્ત નાના કણોને જ શોષવામાં આવે છે મોટાને નહીં."

પીજેનેનબર્ગ કહે છે કે આ બાબત આશ્વાસન આપનારી છે. પરંતુ ઘણાં માઇક્રોપ્લાસ્ટિક ધીમે ધીમે તૂટશે ને નેનોપાર્ટિકલ બનશે. જે "છોડના શોષણનો સ્રોત" છે.

પીજનેનબર્ગના સંશોધન મુજબ, પ્લાસ્ટિકના કણોના શોષણથી પાકની વૃદ્ધિ અટકી જતી નથી. પરંતુ આપણા ખોરાકમાં પ્લાસ્ટિકના આ સંચયથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે તે ઓછું સ્પષ્ટ છે.

પીજેનેનબર્ગ કહે છે કે, "જ્યારે કે આ સમસ્યા આગામી સમયમાં વધશે જ ત્યારે આને સમજવા માટે વધુ સંશોધનની જરૂર છે."

તેઓ ઉમેરે છે કે, "પર્યાવરણમાંથી પ્લાસ્ટિકને સંપૂર્ણપણે દૂર કરવામાં દાયકાઓ લાગી જશે. હાલમાં આનું જોખમ વધારે નથી, છતાં આવાં રસાયણોને જમીન પર રાખવામાં ડહાપણ નથી. કારણ કે સમય જતાં ઢગલામાં જ પરિવર્તિત થશે અને જોખમ ઊભું કરશે."

માનવ સ્વાસ્થ્ય પર પ્લાસ્ટિકના કણોના સેવનની અસર હજુ સુધી સંપૂર્ણ રીતે સમજી શકાઈ નથી. કેટલાંક સંશોધનો છે કે જે સૂચવે છે કે આ હાનિકારક હોઈ શકે છે. અભ્યાસો દર્શાવે છે કે પ્લાસ્ટિકના ઉત્પાદન દરમિયાન ઉમેરવામાં આવેલાં રસાયણો માણસની અંતઃસ્રાવની પ્રણાલી અસર કરી શકે અને વિકાસ માટે જરૂરી હોર્મોન્સને અટકાવી શકે.

પ્લાસ્ટિકમાં જોવા મળતાં રસાયણો કૅન્સર, હૃદયરોગ અને નબળા ગર્ભવિકાસ સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડાયેલો છે. યુકેમાં યુનિવર્સિટી ઑફ હલના સંશોધકો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ મુજબ આ માઇક્રોપ્લાસ્ટિકનું વધારે પડતું ખોરાકમાં આવવાથી કોષોને નુકસાન થઈ શકે છે. જે બળતરા અને ઍલર્જી જેવી સમસ્યા પેદા કરી શકે છે.

સંશોધકોએ અગાઉના 17 અભ્યાસોની સમીક્ષા કરી હતી જે માનવ કોષો પર માઇક્રોપ્લાસ્ટિકની ઝેરી અસર અંગેના હતા.

વિશ્લેષણે માનવીય કોષોને નુકસાન પહોંચાડતા માઇક્રોપ્લાસ્ટિકના જથ્થાની સરખામણી લૅબોરેટરી પરીક્ષણોમાં કરવામાં આવી. જેમાં પીવાના પાણી, દરિયાઈ ખોરાક અને મીઠામાં રહેલા આ સ્તર સાથે કરવામાં આવી. તો જાણવા મળ્યું કે જે માત્રામાં ખોરક લેવામાં આવે છે તે કોષોના મૃત્યુનું કારણ બની શકે છે. આ ઉપરાંત ઍલર્જી પ્રતિક્રિયાઓ, કોષની દીવાલોને નુકસાન, તાણ અને રોગપ્રતિકારક પ્રતિક્રિયાઓ પર અસર કરી શકે.

અભ્યાસના મુખ્ય લેખક અને હલ યોર્ક મેડિકલ સ્કૂલના સંશોધક ઇવાન્ગેલોસ ડેનોપોલોસ કહે છે કે, "અમારું સંશોધન દર્શાવે છે કે આપણે આ માઇક્રોપ્લાસ્ટિકનું સેવન કરીએ છે તે કોષો પર હાનિકારક અસર કરે છે. આ સ્વાસ્થ્ય સબંધિત પ્રાથમિક અસરોમાંની એક છે. અમે જાણીએ છીએ કે માઇક્રોપ્લાસ્ટિક કોષોના અવરોધોને પાર કરી શકે છે અને તેને તોડી પણ શકે છે. તે કોષો પર તણાવ પણ લાવી શકે છે જે પેશીઓને નુકસાનની શરૂઆત છે."

ડેનોપોલોસ કહે છે કે, "માઇક્રોપ્લાસ્ટિક કોષના ભંગાણ તરફ કેવી રીતે દોરી જાય છે. આ અંગે બે સિદ્ધાંતો છે. માઇક્રોપ્લાસ્ટિકની તીક્ષ્ણ ધાર કોષની દીવાલને તોડી શકે છે અથવા માઇક્રોપ્લાસ્ટિકમાં રહેલાં રસાયણો કોષને નુકસાન પહોંચાડી શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અનિયમિત આકારના માઇક્રોપ્લાસ્ટિક કોષોનાં મૃત્યુનું કારણ પણ બને છે."

તેઓ ઉમેરે છે કે, "આપણે હવે એ સમજવાની જરૂર છે કે આપણા શરીરમાં કેટલાં માઇક્રોપ્લાસ્ટિક રહે છે. અને કયા કદ અને આકારના આ કણો કોષ અવરોધને પાર કરવામાં સક્ષમ છે. જો પ્લાસ્ટિક એ સ્તરે એકઠા થાય કે જ્યાં તે સમયાંતરે હાનિકારક બની શકે. આ બાબત માનવ સ્વાસ્થ્ય માટે મોટું જોખમ ઊભું કરી શકે છે."

ડેનોપોલોસ પ્રશ્ન કરે છે કે, "શું માઇક્રોપ્લાસ્ટિકને ખોરાકની સાંકળમાં પ્રવેશતું અટકાવવા માટે વધુ કાળજીની જરૂર છે. જો આપણે જાણીએ છીએ કે કાદવ માઇક્રોપ્લાસ્ટિકથી દૂષિત છે અને છોડ તેને જમીનમાંથી શોષવાની ક્ષમતા ધરાવે છે ત્યારે આપણે શું કામ તેનો ઉપયોગ ખાતર તરીકે કરવો જોઈએ?"

નેધરલૅન્ડ્સમાં 1995 થી ખેતરની જમીન પર ગટરના કાદવના ઉપયોગ પર પ્રતિબંધ છે. પહેલાં નેધરલૅન્ડ્સમાં કાદવને બાળી નખાતું. પરંતુ એમ્સ્ટરડેમના આ બાળવાનાં પ્લાન્ટમાં સમસ્યાઓ થયા પછી તેમણે તેની યુકેમાં નિકાસ કરવાનું શરૂ કર્યું. યુકેમાં આનો ઉપયોગ ખેતરની જમીન પર ખાતર તરીકે થાય છે.

સ્વિટ્ઝર્લૅન્ડે 2003માં ખાતર તરીકે ગટરના કાદવના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેમાં ઉદ્યોગ અને ખાનગી ઘરો દ્વારા ઉત્પાદિત હાનિકારક પદાર્થો હતા. યુએસના એક રાજ્ય મૈને પણ એપ્રિલ 2022 માં આ પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો. કારણ કે સત્તાધીશોને ખેતરની જમીન, પાક અને પાણીમાં PFAS નું જોખમી સ્તર મળી આવ્યું હતું. ખેડૂતોના લોહીમાં પણ PFAS નું ઊંચુ સ્તર જોવા મળ્યું હતું. આ વ્યાપક દૂષણને કારણે ઘણાં ખેતરો બંધ કરવાની ફરજ પણ પડી હતી.

મૈને રાજ્યનો નવો કાયદો ગટરના કાદવવાળા ખાતરના ઉપયોગ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકે છે. જોકે કાયદો નિકાસ પર પ્રતિબંધ નથી મૂકતું.

પરંતુ કાર્ડિફ યુનિવર્સિટીના વિલ્સન કહે છે કે, "ખાતર તરીકે ગટરના કાદવના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ ઉકેલ નથી. તેના બદલે ખેડૂતોને કુદરતી ગૅસમાંથી બનેલા વધુ કૃત્રિમ નાઇટ્રોજન ખાતરોનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ."

વિલ્સન કહે છે, "(ગટરના કાદવ સાથે) એટલે કે આપણે અશ્મિભૂત બળતણ ખાતર પેદા કરવાને સ્થાને નકામા કચરાનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ છીએ. કાદવમાં રહેલો કચરો કાર્બનને જમીનમાં પરત મોકલવામાં પણ મદદ કરે છે અને તેને ફોસ્ફરસ અને નાઇટ્રોજન જેવાં પોષકતત્ત્વોથી સમૃદ્ધ બનાવે છે. જે જમીનની ગુણવત્તામાં થતા ઘટાડાને પણ અટકાવે છે.

વિલ્સન કહે છે, "આપણે ગટરના કાદવમાં રહેલાં માઇક્રોપ્લાસ્ટિકનું પ્રમાણ નક્કી કરવાની જરૂર છે." તેઓ સૂચવે છે કે માઇક્રોપ્લાસ્ટિકના ઉચ્ચ સ્તરવાળાં સ્થળોએ તેનો ઉપયોગ ખાતર તરીકે નહીં, પરંતુ ઊર્જા ઉત્પન્ન કરવા માટે થઈ શકે. ખેતીની જમીનના દૂષણને રોકવાનો એક માર્ગ એ પણ છે કે ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં ચરબી, તેલ અને ગ્રીસ (જેમાં ઉચ્ચ સ્તરનું માઇક્રોપ્લાસ્ટિક હોય છે) તેને અલગ કરવાં અને તેનું કાદવ સાથે મિશ્રણ કરવાને બદલે આનો બાયોફ્યુઅલ તરીકે ઉપયોગ કરવો.

કેટલાક યુરોપિયન દેશો જેમ કે ઇટાલી અને ગ્રીસ લૅન્ડફિલ સાઇટ્સમાં ગંદા પાણીના કાદવનો નિકાલ કરે છે. સંશોધકો ચેતવણી આપે છે કે આ સાઇટથી પર્યાવરણમાં માઇક્રોપ્લાસ્ટિક ભળશે અને તે આસપાસની જમીન અને જળાશયોને તે દૂષિત કરે તેવું જોખમ છે.

વિલ્સન અને ડેનોપોલોસ બંને કહે છે કે ખેતીની જમીન પર માઇક્રોપ્લાસ્ટિકની માત્રા, પર્યાવરણ અને આરોગ્ય પરની સંભવિત અસરો માટે હજુ વધારે સંશોધનોની જરૂર છે.

ડેનોપોલોસ કહે છે, "માઈક્રોપ્લાસ્ટિક હવે દૂષણમાંથી પ્રદૂષણમાં બદલાઈ જવાની આરે છે."

"દૂષિત પદાર્થ એને કહેવાય કે એ જ્યાં જ્યાં ન હોવો જોઈએ, ત્યાં એ મળી આવે છે. માઇક્રોપ્લાસ્ટિક આપણાં પાણી અને જમીનમાં ન હોવાં જોઈએ. જો આપણે તેની પ્રતિકૂળ અસરો સાબિત કરવામાં સફળ થઈએ તો તે પ્રદૂષક બની જશે અને આપણે આ અંગે કાયદા અને નિયમો લાવવા પડશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.