ગુજરાતમાં હવે બદલાશે વરસાદની સ્થિતિ, આગામી દિવસોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થવાની સંભાવના

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે ઑગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ સાવ બદલાવા જઈ રહી છે.
રાજ્યમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી જે બાદ ચોમાસું નબળું પડ્યું અને આગળ વધ્યું ન હતું. 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ હતી અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.
જૂન બાદ જુલાઈ મહિનો ગુજરાત માટે સારો રહ્યો હતો અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. જોકે, કેટલાક વિસ્તારોમાં તેમ છતાં પણ ઓછો વરસાદ થયો હતો.
ઑગસ્ટ મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટવા લાગ્યું હતું અને અડધો મહિનો પૂરો થતાં-થતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી ગયું છે.
જોકે, તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરાપ નીકળવાની રાહ જોવાઈ રહી છે.
હવે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ફરીથી ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અને તેની અસર કેટલાક જિલ્લાઓ પર પડે તેવી સંભાવના છે.
ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?
ગુજરાતમાં હાલ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં થાય તેવી સંભાવના છે. આ સિસ્ટમ હાલ દક્ષિણ ગુજરાત પર છે, જેથી તેની આસપાસના વિસ્તારોમાં થોડો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ આગામી સાત દિવસ સુધી પડતો રહે તેવી સંભાવના છે. જ્યારે આગામી ત્રણ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાત રીજનમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે, ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે-ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 16 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે. જોકે, વરસાદ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય પરંતુ છૂટોછવાયો વરસાદ પડશે અને એ પણ હળવો વરસાદ હશે. આગામી સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
જે બાદ 20 ઑગસ્ટની આસપાસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. એટલે કે ઘણા વિસ્તારોમાં તડકો નીકળવાની સંભાવના છે.

20 ઑગસ્ટથી દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા છે અને વરસાદ બંધ થઈ જવાની સંભાવના છે.
જે બાદ 21 ઑગસ્ટથી ઉપરોક્ત જિલ્લાની સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને વરાપની શરૂઆત થઈ જશે.
વર્ષ 2023માં પણ જુલાઈ મહિનામાં પુષ્કળ વરસાદ બાદ ઑગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો થયો હતો અને જે બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ બહુ પડ્યો ન હતો.
આ વર્ષે પણ જુલાઈ મહિનાની સરખામણીમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ ઓછો થયો છે અને કોઈ મોટી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ હોય એવું બન્યું નથી.
ગુજરાતમાં વરસાદ ઘટશે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. મૉન્સૂન ટ્રફ રેખા હાલ ઉત્તર ભારતના વિસ્તારોમાં છે અને હજી પણ ત્યાં જ રહે તેવી સંભાવના છે જેથી વરસાદ ઉત્તર ભારત તરફ વધારે રહેશે.
અરબી સમુદ્રમાં સિસ્ટમ બનશે અને ગુજરાતમાં વરસાદ વધશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાનની આગાહી કરતાં કેટલાંક મૉડલ એવું દર્શાવી રહ્યાં છે કે કેરળની પાસે એક મજબૂત સિસ્ટમ બનશે અને અને તે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સંભાવના દર્શાવી રહ્યાં છે.
હવામાન વિભાગનું જે આંકડાકીય મૉડલ છે એ પણ એવું દર્શાવે છે કે કેરળ પાસે 18 ઑગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનશે અને તે અરબી સમુદ્રમાં આગળ વધશે. જેના કારણે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કદાચ થોડી મજબૂત બને અને આગળ વધે તેવી શક્યતા છે પરંતુ તે ગુજરાત સુધી પહોંચે અને તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના દેખાતી નથી.
કદાચ તે મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી આવશે અને વિખેરાઈ જાય તેવી સંભાવના છે, જેના કારણે મહારાષ્ટ્ર સુધી વરસાદ પડી શકે છે.
જોકે, હવામાનનાં કેટલાંક મૉડલ્સ આ સિસ્ટમ બને તેવી સંભાવના દર્શાવી રહ્યાં નથી, જેથી હાલ આ સિસ્ટમ બનશે અને ક્યાં જશે તથા કેટલી મજબૂત બનશે તેની ચોક્કસ સ્થિતિ એકાદ-બે દિવસમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.
હાલ ગુજરાતમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હોવા છતાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ઘણા જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













