ગુજરાતથી કાશ્મીર સુધી : ભીષણ ગરમી પછી જળબંબાકારની સ્થિતિ, વરસાદની પૅટર્ન કેમ બદલાઈ ગઈ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે મે-જૂનમાં દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી જોવા મળી હતી. હવે પંજાબ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિતના દેશના અનેક વિસ્તારો મુશળધાર વરસાદ તથા પૂરનો સામનો કરી રહ્યા છે.
છેલ્લા બે મહિનામાં મોસમ સંબંધી ઘટનાઓમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં 500થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા ગુમ થઈ ગયા છે. તેમાં મોસમમાં થયેલા પરિવર્તનને કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતોમાં માર્યા ગયેલા લોકોનો પણ સમાવેશ થાય છે.
હવામાન વિભાગે પાછલા કેટલાક દિવસોમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને જમ્મુ-કાશ્મીર માટે જોરદાર વરસાદની ઍલર્ટ જાહેર કરી હતી.
હવામાનમાં થયેલા આ ફેરફારને વિજ્ઞાનીઓ તથા નિષ્ણાતો જળવાયુ પરિવર્તન સાથે જોડી રહ્યા છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ, હીટવૅવ અને ચોમાસાની પૅટર્નમાં થતા પરિવર્તનનું કારણ પૃથ્વી પર વધતી ગરમી છે.
દેશના હવામાન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડૉ. કે જે રમેશ બીબીસીને કહે છે, "આ હવામાનની આ આત્યંતિક ઘટનાઓ અને જળવાયુ પરિવર્તન વચ્ચે સીધો સંબંધ છે."

ગ્રીનપીસ સાથે જોડાયેલા સંશોધક આકિઝ ભટ પણ માને છે કે હવામાનને કારણે અત્યારે જે આપદાઓ સર્જાઈ રહી છે તે જળવાયુ પરિવર્તનની સીધી અસર છે.
બીજી તરફ ભારતીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ ડૉ. રાજીવન માધવન નાયરે એક નિવેદનમાં કહ્યું છે, "1950થી 2015 દરમિયાન મધ્ય ભારતમાં એક દિવસમાં 150 મિલિમીટરથી વધારે વરસાદની ઘટનાઓમાં 75 ટકા સુધી વધારો થયો છે. શુષ્ક સમયગાળો પણ પહેલાંથી લાંબો થઈ રહ્યો છે."
ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ ગત શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું, "ભારે વરસાદને કારણે ક્લાઉટ બર્સ્ટ, ભૂસ્ખલન અને માર્ગો ધસી પડવાની ઘટનાઓ બની શકે છે. અનેક નદીઓ ઉત્તરાખંડમાંથી નીકળે છે. તેથી ભારે વરસાદનો પ્રભાવ નીચલા વિસ્તારો પર પડી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહાડોમાં થતા ભારે વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ પૂર આવવાની આશંકા જાહેર કરવામાં આવી છે અને વહીવટીતંત્ર ઍલર્ટ પર છે.

પહેલી સપ્ટેમ્બરે ભારતીય હવામાન વિભાગની ચેતવણી બાદ ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. વહીવટીતંત્રે સાવચેતીનાં પગલાં રૂપે તમામ સરકારી-બિન સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
બીબીસીના સહયોગી પત્રકાર આસિફ અલીના જણાવ્યા મુજબ, ઑગસ્ટમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને અનેક વિસ્તારોમાં લોકો બેહાલ થઈ ગયા છે.
ઉત્તરકાશીના હર્ષિલ અને ધરાલી ગામમાં પાંચમી ઑગસ્ટે અચાનક આવેલા પૂરને કારણે બે લોકો મૃત્યુ પામ્યા હતા અને સરકારી આંકડા મુજબ, 67 લોકો ગુમ થઈ ગયા હતા.
અનેક હોટેલો અને ઘરોની સાથે સૈન્યનો કૅમ્પ પણ પૂરનાં પાણીમાં વહી ગયો હતો. પૂરગ્રસ્ત લોકો સુધી હેલિકૉપ્ટર મારફત રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે અને વૈકલ્પિક માર્ગો બનાવીને ગંગોત્રી હાઇવે તાજેતરમાં જ ખોલવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, TAUSEEF MUSTAFA/AFP via Getty Images
યમુનોત્રી ધામ માર્ગ પરના સ્યાનાચટ્ટી ખાતે યમુના નદીમાં 21 ઑગસ્ટે અચાનક સરોવર રચાયું હતું.
લગભગ 150 લોકોને સલામત સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. અહીં પણ નીચાણવાળા વિસ્તારોમાંના મકાનો તથા હોટેલોમાં પાણી ભરાઈ ગયું હતું.
ચમોલીના થરાલી તાલુકામાં 23 ઑગસ્ટે વાદળ ફાટવાથી એક વ્યક્તિ ગૂમ થઈ ગઈ હતી અને એક મહિલા કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી. અનેક દુકાનો તથા ઘરોને નુકસાન થયું હતું અને મુખ્ય માર્ગો બંધ થઈ ગયા હતા.
ચમોલી, રુદ્રપ્રયાગ અને બાગેશ્વર જિલ્લામાં 29 ઑગસ્ટે ભારે વરસાદ તથા અચાનક આવેલા પૂરને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. બીજું નુકસાન પણ થયું હતું.
આ પ્રાકૃતિક આપદાઓની અસર લોકોના જીવન અને ધંધારોજગાર પર પણ થઈ રહી છે.
ઉત્તરકાશીમાં હોટેલ ધંધાર્થી સમીરે બીબીસીને જણાવ્યું હતું કે આજકાલ ભારે વરસાદને કારણે તેમના બિઝનેસ પર માઠી અસર થઈ છે.
વરસાદને કારણે તેમની હોટેલના બુકિંગ પણ કેન્સલ થઈ રહ્યાં છે.
સમીરનું કહેવું છે કે "આ વર્ષે ધંધાનો દાટ વળી ગયો છે. આ વખતે સ્ટાફને પગાર પણ ખિસ્સામાંથી જ આપવો પડશે, એવું લાગે છે."


ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર પ્રદેશ પણ મોસમનો માર વેઠી રહ્યો છે. પાછલા અનેક દિવસો દરમિયાન જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં ક્લાઉડ બર્સ્ટની ઘટનાઓમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. આવી સૌથી વઘુ ઘટનાઓ જમ્મુ ક્ષેત્રમાં બની છે.
કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટવાને કારણે 60થી વધુ લોકો માર્યા ગયા હતા. અહીં અનેક લોકો હજુ પણ લાપતા છે. જમ્મુના કટરામાં ભૂસ્ખલનની ઘટનામાં 35 લોકો માર્યા ગયા છે.
સતત પડી રહેલા ભારે વરસાદને કારણે જમ્મુ શહેરના અનેક વિસ્તારોમાં પૂરનું પાણી ભરાઈ ગયું છે. તેનાથી મકાનોને પણ મોટું નુકસાન થયું છે.
ભૂસ્ખલને કારણે પાકને નુકસાન થયું છે. માર્ગો તથા પૂલ પૂરના પાણીમાં વહી જવાને કારણે અનેક વિસ્તારોમાં આવાગમન ઠપ્પ થઈ ગયું છે. જમ્મુ અને શ્રીનગર વચ્ચેનો નૅશનલ હાઇવે અત્યારે પણ બંધ છે. અહીં સમારકામ પૂર્ણ થવામાં એક મહિનો થઈ શકે છે.
બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીરના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને પૂરને કારણે દૂરના અનેક વિસ્તારોમાં લોકોનો સંપર્ક થઈ શકતો નથી. વીજ પુરવઠા પર પણ અસર થઈ છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદને ચેતવણી આપી છે, જેનાથી લોકો ચિંતિત છે.

બીબીસી સંવાદદાતા સરબજીત સિંહ ધાલીવાલના જણાવ્યા મુજબ, એકધારા ભારે વરસાદ અને પૂરને કારણે પંજાબના અનેક વિસ્તારોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે.
પંજાબના વિવિધ વિસ્તારોમાં હવામાન સંબંધી ઘટનાઓમાં અત્યાર સુધી ઓછામાં ઓછા 29 લોકો મૃત્યુ પામ્યા છે અને 12 જિલ્લા પૂરગ્રસ્ત છે.
15,000થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ખેતીની લગભગ એક લાખ હેક્ટર જમીન પૂરના પાણીમાં ડૂબેલી છે.
સરબજીતના જણાવ્યા મુજબ, રાવી નદીમાં પ્રવાહ ઝડપી છે અને તેના કારણે નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકો ભયભીત છે.
કપુરથલાનાં લગભગ 16 ગામ પાણીમાં ડૂબેલાં છે. ફાઝિલ્કા, તરનતારન, ગુરદાસપુર, પઠાનકોટ અને અમૃતસર સહિતના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ સતત વકરી રહી છે.
પંજાબમાં રાજ્યના આપદા રાહત દળ ઉપરાંત ભારતીય સૈન્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ પણ રાહત તથા બચાવ કાર્યમાં જોડાયેલી છે.
બીબીસી સંવાદદાતા સરબજીત ધાલીવાલના જણાવ્યા મુજબ, વરસાદની ઍલર્ટને કારણે લોકોની ચિંતામાં ઉમેરો થયો છે.
પંજાબમાં આટલા મોટા પાયે 37 વર્ષ પહેલાં, 1988માં પૂર આવ્યું હતું. છેલ્લાં વર્ષોમાં પૂર ન આવવાને કારણે આપદા પ્રબંધન સંબંધે પણ રાજ્યમાં બહુ તૈયારી કરવામાં આવી ન હતી.

હિમાચલ પ્રદેશમાં 20 જૂન પછી હવામાન સંબંધી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
રાજ્યના આપદા પ્રબંધન વિભાગના જણાવ્યા અનુસાર, કુદરતી આપદાને કારણે 1280થી વધુ ઘર અને દુકાનો ધ્વસ્ત થઈ ગયાં છે. આપદાને કારણે રાજ્યને મોટું આર્થિક નુકસાન પણ થયું છે.
ભૂસ્ખલન, વરસાદ અને પૂરને કારણે રાજ્યમાં અનેક માર્ગો પણ તૂટી ગયા છે. 20 જૂનથી સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યમાં ફ્લૅશ ફ્લડની 55, વાદળ ફાટવાની 28 અને ભૂસ્ખલનની 48 ઘટનાઓ બની છે.
રાજધાની શિમલામાં ભૂસ્ખલનને કારણે અનેક મકાન બરબાદ થઈ ગયાં છે. ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં પણ રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો.
હિમાચલ પ્રદેશ માટે આ વર્ષ હવામાનના સંદર્ભમાં છેલ્લાં કેટલાંક વર્ષોની સરખામણીએ સૌથી વધુ મુશ્કેલીભર્યું રહ્યું છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ભીષણ ગરમી તો પહેલાં પણ પડતી હતી અને ભારે વરસાદ પણ થતો હતો, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેની તીવ્રતા અને ફ્રીકવન્સી બંનેમાં વધારો થયો છે.
ગ્રીનપીસ સાથે જોડાયેલા આકિઝ ભટ કહે છે, "છેલ્લા દોઢ દાયકામાં તાપમાનમાં, ખાસ કરીને હીટવૅવના મામલામાં સતત વધારો જોવા મળ્યો છે. તેનાથી આત્યંતિક હવામાનની ઘટનાઓ અને ફ્રીકવન્સીમાં વધારો થઈ રહ્યો છે."
ભારતીય હવામાન વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ તથા હવામાન વિજ્ઞાની ડૉ. કે જે રમેશ પણ આ વાત સાથે સહમત છે.
ડૉ. રમેશ કહે છે, "દરેક ઋતુમાં અલગ-અલગ પ્રકારની ઍક્સ્ટ્રિમ વેધર ઇવેન્ટ બને છે. ઉનાળામાં હીટવૅવ, સૂકા વિસ્તારોમાં જંગલમાં આગ લાગવા જેવી ઘટનાઓ બની શકે છે, પરંતુ હવે તેના દરમાં વધારો થઈ રહ્યો છે."
"તેને ગ્લોબલ વૉર્મિંગ સાથે સીધો સંબંધ છે. તાપમાનમાં એક ડિગ્રી વધારો થાય તો વાતાવરણના ભેજ તથા વરાળને જાળવી રાખવાની ક્ષમતામાં સાત ટકા વધારો થાય છે. તેનાથી મોટાં વાદળો બને છે, જે વધુ વરસાદ તથા વીજળીનું કારણ બને છે."

ઇમેજ સ્રોત, NARINDER NANU/AFP via Getty Images
સમગ્ર દુનિયાના અણુવિજ્ઞાનીઓ ગ્લોબલ વૉર્મિંગ બાબતે સહમત છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તથા બીજા ગ્રીન હાઉસ ગૅસીસના વધતા પ્રમાણને તેનું સૌથી મોટું કારણ માનવામાં આવે છે.
આકિઝ ભટ કહે છે, "મુખ્યત્વે અશ્મિભૂત ઈંધણમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ આપણા વાતાવરણમાં ભેજ વધારે છે. તેની અસર ચોમાસા અને મોન્સૂન પૅટર્ન પર થઈ રહી છે."
ડૉ. રમેશનું કહેવું છે કે, "ચોમાસામાં તો અગાઉ પણ ભારે વરસાદ થતો હતો, પરંતુ અગાઉ ચોમાસા દરમિયાન વરસાદનો સમયગાળો લાંબો રહેતો હતો. હવે તીવ્ર અને ટૂંકા સમયગાળાનો વરસાદ થાય છે. તેનાથી પૂરનું જોખમ વધી જાય છે."
આકિઝ ભટ કહે છે, "વૈશ્વિક અને પ્રાદેશિક બંને તાપમાન વધી રહ્યાં છે તથા હીટવૅવ માટે ભારત એક સારું ઉદાહરણ છે. બદલાતા હવામાનનો માર આજે ભારતના લોકો પર પડી રહ્યો છે."

દિલ્હી જેવા ગીચ વસ્તીવાળા શહેરોમાં તો હવે કેટલાક કલાક વરસાદ થાય તો પણ ઠેકઠેકાણે પાણી ભરાઈ જાય છે. નિષ્ણાતો માને છે કે તેનું મુખ્ય કારણ હરિયાળાં જંગલો તથા ખાલી જમીન પર કૉંક્રિટની ઇમારતોનો કબજો છે.
આકિઝ ભટ કહે છે, "શહેરી વિકાસને કારણે ગ્રીન સ્પૅસમાં ઘટાડો થયો છે. તેનું પરિણામ એ આવ્યું છે કે વરસાદનું પાણી જમીનમાં સમાઈ શકતું નથી અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે."
કુદરતને અવગણવાના ગંભીર પરિણામ પર્વતીય વિસ્તારોમાં વધુ સ્પષ્ટ રીતે દેખાય છે. અગાઉ ક્ષીર ગંગા નદીના વિસ્તારમાં વસેલું ઉત્તરાખંડનું ધરાલી ગામ ભૂસ્ખલનના સપાટમાં આવીને લગભગ વહી ગયું છે.
ડૉ. કે જે રમેશ કહે છે, "ધરાલી બજાર જે જગ્યાએ વસેલું હતું ત્યાં અગાઉ પાણી પ્રાકૃતિક રીતે વહેતું હતું."
"સવાલ એ છે કે પ્રકૃતિની અવગણના કરીને આવો વિકાસ શા માટે કરવામાં આવ્યો? જે લોકો ત્યાં વસવાટ કરતા હતા તેઓ જોખમ બાબતે પૂરતા જાગૃત હતા?"
નિષ્ણાતો માને છે કે આડેધડ વિકાસ કુદરતી જળસ્રોતોને ગળી ગયો છે. શહેરોમાંના સરોવરો અને વોટર બૉડી હવે ઇમારતોમાં પરિવર્તિત થઈ ગયાં છે. તેથી થોડા કલાક વરસાદ પડે તો પણ માર્ગો તળાવ જેવા બની જાય છે અને શહેરો ઠપ થઈ જાય છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં પહાડી વિસ્તારોમાં માર્ગોના નિર્માણ તથા માર્ગોને પહોળા કરવાનું કામ ઝડપભેર થયું છે.
સરકારનું કહેવું છે કે વ્યૂહાત્મક અને સામાજિક-આર્થિક કારણોસર આ વિકાસ જરૂરી છે તેમજ નિર્માણ કાર્યોમાં પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવે છે. આ જ સંદર્ભમાં હિમાલય ક્ષેત્રમાં ઑલ વેધર રોડ યોજનાઓનું કામ ચાલી રહ્યું છે.
જોકે, આ માર્ગો અને જળવિદ્યુત પ્રકલ્પોને કારણે પહાડોમાં ભૂસ્ખલન તથા ફ્લૅશ ફ્લડની ઘટનાઓ વધી રહી હોવાનું નિષ્ણાતો માને છે.
ડૉ. રમેશ કહે છે, "જળવિદ્યુત અને માર્ગ વિકાસને કારણે સ્લૉપ સ્ટેબિલિટી બગડી રહી છે અને તે ભૂસ્ખલનનું મોટું કારણ છે."
તેમના જણાવ્યા મુજબ, ધરતીકંપ જેવી કુદરતી ઘટનાઓ પહેલાંથી જ પર્વતીય સ્થિરતાને પડકારી રહી છે અને માનવ ગતિવિધિઓને કારણે એ જોખમમાં વધારો થયો છે.
આકિઝ ભટ કહે છે, "આપણે આવો વિકાસ કઈ કિંમતે કરી રહ્યા છે એ વિચારવું જોઈએ."

ભારતીય હવામાન વિભાગે તાજેતરનાં વર્ષોમાં હવામાન સંબંધે ચોકસાઈભરી આગાહી કરીને વિશ્વસનીયતા હાંસલ કરી છે.
સેટેલાઇટ અને રિસર્ચ ટેકનૉલૉજીમાં સુધારો થયો છે. તે કારણે હવામાન વિભાગ સમયસર ચેતવણી આપી શકે છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તાજેતરમાં એક નિવેદનમાં કહ્યું હતું, "અમે વરસાદ અને પૂરની આગોતરી ચેતવણી અવધિમાં સુધારો કર્યો છે તેમજ શૂન્ય મૃત્યુદરના અભિગમની સાથે આપત્તિ વ્યવસ્થાપનનો અમલ કરી રહ્યા છીએ."
ભારતમાં 'સચેત' ઍપ પણ છે. તે ઍપ મારફત આપદા પ્રબંધન અને હવામાન વિભાગના અધિકારીઓ દેશના કોઈ પણ ખાસ વિસ્તારમાં લોકોને મોબાઇલ પર તરત ઍલર્ટ મોકલી શકે છે.
આ બધા ઉપાય છતાં ભારતમાં હવામાન સંબંધી દુર્ઘટનાઓમાં લોકો સતત મૃત્યુ પામી રહ્યા છે.

ઇમેજ સ્રોત, X/CMHimachal
ડૉ. રમેશ કહે છે, "ચક્રવાત કે સુનામી વખતે આ વ્યવસ્થા બહુ અસરકારક સાબિત થાય છે, પરંતુ અત્યારે પૂર અને ભૂસ્ખલન જેવી દુર્ઘટનાઓ વખતે તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની જરૂર છે."
ડૉ. રમેશ ઉમેરે છે, "જે વિસ્તારો જોખમી હોય ત્યાં લોકોને વસવાટ કરતા રોકવા જોઈએ અને ગેરકાયદે કબજો અટકાવવો જોઈએ. લોકોને જોખમોથી વાકેફ કરવા જોઈએ. આબોહવા પરિવર્તનની અસર સ્થાનિક હોય છે. એટલે પંચાયત સ્તરે જાગૃતિ તથા સંરક્ષણના પ્રયાસો કરવા જરૂરી છે."
જળવાયુ સંબંધે કોઈ વ્યૂહરચના ન હોવાને કારણે પણ આ પરિસ્થિતિ સર્જાઈ રહી હોવાનું વિશ્લેષકો માને છે.
આકિઝ ભટ કહે છે, "ક્લાટમેટ ઍડોપ્ટેશન સ્ટ્રેટેજીનો અભાવ છે અથવા તેનો અમલ કરવામાં આવતો નથી. એ કારણે આપણે હવામાનની આત્યંતિક ઘટનાઓનો પ્રભાવ ઘટાડી શકતા નથી."
આ માટે નીતિગત પ્રયાસો કરવાની પણ જરૂર છે, એવું આકિઝ ભટ માને છે.
તેઓ કહે છે, "અશ્મિભૂત ઇંધણ ઉદ્યોગની બેદરકારીને કારણે આબોહવા પરિવર્તન વધુ ગંભીર બની રહ્યું છે. ખાસ કરીને પૂર, દુષ્કાળ તથા હીટવૅવના પ્રભાવને લીધે લોકોને થતા નુકસાન બદલ ગ્લોબલ વૉર્મિંગ માટે કારણભૂત કંપનીઓને જવાબદાર ઠેરવવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












