તમારા માટે સ્વાસ્થ્યવર્ધક કઠોળ કેવી રીતે દુનિયાને પણ સંકટમાંથી બચાવી શકે?

માનવતા આજે અનેક પ્રકારના ખતરાઓ સામે લડી રહી છે. દુનિયામાં જળવાયુ પરિવર્તનથી લઈને કુપોષણ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનું સતત મોંઘુ થવું એ નવા પડકારો છે.

એવું લાગે છે કે આ સંકટથી બચવા માટે આપણે કોઈ નાયકની જરૂર છે. પરંતુ એ જરૂરી નથી કે દરેક નાયક તમારી સામે કોઈ મુગટ પહેરીને સામેથી પ્રગટ થાય.

ક્યારેક આવા નાયકો આપણને એવી જગ્યાએ પણ મળી શકે છે કે જ્યાં કોઇએ તેની કલ્પના પણ કરી ન હોય. જેમ કે એ નાયક બ્રેકફાસ્ટમાં તમે ખાધેલો ટૉસ્ટ પણ હોઈ શકે છે.

તો શું દુનિયાભરની સમસ્યાઓનો ઉકેલ કઠોળમાં મળી શકે છે? કારણ કે દુનિયાભરનાં લોકો કઠોળને તેમના આહારમાં સામેલ કરે છે.

સમગ્ર દુનિયામાં તેની 40 હજાર પ્રજાતિઓ જોવા મળે છે. તેનો ઉપયોગ અનેક રીતે થઈ શકે છે. એ ભરપૂર પોષક, સસ્તું અને પર્યાવરણ હિતકારી હોઈ શકે છે.

સ્વાસ્થ્ય માટે કઠોળ કેટલા ફાયદાકારક?

દુનિયાભરમાં કઠોળનો ઉપયોગ દાળ,ચણાથી લઇને વટાણાનાં રૂપે થાય છે.

જો તમે એ નક્કી નથી કરી શકતા કે તેને શાક ગણવું કે પ્રોટીન તો અમે તમને જણાવીએ કે તેને બંનેમાં ગણી શકાય.

ઉદાહરણ તરીકે તાજા વટાણા અને લીલા કઠોળને સ્ટાર્ચયુક્ત શાકભાજી ગણવામાં આવે છે જ્યારે રાજમામાં પ્રોટીન વધુ હોય છે. તમે શાકભાજી અને પ્રોટીન બંને શ્રેણીમાં કાળા કઠોળ અને ચણા રાખી શકો છો.

વિશ્વમાં જ્યારે 25 મિલિયનથી વધુ લોકો વધુ વજનવાળા, મેદસ્વી અથવા કુપોષિત છે, ત્યારે કઠોળ પોષણનો ઉત્તમ સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે.

કઠોળ માત્ર સસ્તા નથી પણ તે પ્રાણીજન્ય ઉત્પાદનોનો વિકલ્પ પણ છે. કઠોળમાં ઓછી ચરબી અને વધુ પોષણ હોય છે. તેમાં પ્રોટીન, આયર્ન, ઝિંક અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

તેમાં જટિલ કાર્બોહાઇડ્રૅટ્સ હોય છે જે મોટા આંતરડામાં હાજર બૅક્ટેરિયાને પોષણ આપે છે. તેનાથી આપણા આંતરડા સ્વસ્થ રહે છે.

જોકે તમામ પ્રકારનાં કઠોળમાં ચોક્કસ પ્રમાણમાં ઍમિનો એસિડ હોય છે. પરંતુ આપણા સ્વાસ્થ્ય પ્રમાણે આ પ્રમાણ સોયાબીનમાં સૌથી સારી રીતે જળવાય છે.

એમિનો ઍસિડનું આ સંતુલન અન્ય કઠોળમાં એટલું સારું નથી, પરંતુ વિશ્વભરના લોકો અનાદિકાળથી તેમના ખોરાકમાં તેનો સમાવેશ કરતા આવ્યા છે જેથી કરીને ખોરાકને સંપૂર્ણપણે પૌષ્ટિક બનાવી શકાય.

કઠોળને અલગઅલગ રીતે ખાવામાં આવે છે. ટોસ્ટ બીન્સ, મટર-ચાવલ, રાજમા-ચાવલ એ કેટલાંક લોકપ્રિય ભોજન છે. કઠોળ સાથે ખાવાની દરેક વસ્તુઓ ભળી જાય છે અને શ્રેષ્ઠ લાગે છે.

જોકે કઠોળ પેટમાં ગૅસ પેદા કરી શકે છે, પરંતુ તે પેટમાંથી ગૅસ દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત કઠોળ જંગલો, ગોચર અને પોચી જમીનનો સમાવેશ કરતી ઇકોસિસ્ટમને પણ સાચવે છે.

મૂળમાં જોવા મળતા બૅક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજન શોષી લે છે અને તેને જમીનમાં સંગ્રહિત કરે છે. આ પ્રક્રિયાને નાઇટ્રોજન ફિક્સિંગ કહેવામાં આવે છે, જે માત્ર વૃક્ષો અને અન્ય છોડને પોષણ પૂરું પાડે છે, પરંતુ તે કૃષિ માટે કુદરતી પોષક તત્વો તરીકે પણ કામ કરે છે.

પાણી પણ બચાવશે કઠોળ

દુનિયાનું તાપમાન સતત વધી રહ્યું છે પરંતુ તેના કારણે કઠોળ પર કોઈ અસર થઈ નથી. તે અલગ-અલગ જળવાયુ ધરાવતાં વાતાવરણમાં સતત ઉગાડવામાં આવી રહ્યા છે.

બ્રિટનનાં બ્રૉડ બીન્સથી લઇને હિમાલયમાં ઉગાડવામાં આવતાં ચૌરી સુધી કઠોળ પ્રખ્યાત છે. પરંતુ તેઓ ખૂબ જ સખત પ્રકૃતિનાં હોય છે અને ડાંગર, ઘઉં તથા અન્ય ઉત્પાદનો કરતાં તેમને ઓછા પાણીની જરૂર પડે છે.

એક અંદાજ મુજબ 2030 સુધીમાં વિશ્વભરમાં પાણીની માગમાં 40 ટકાનો વધારો થશે. આવી સ્થિતિમાં કઠોળને આપણે સુપરપાવરથી ઓછા આંકવા ન જોઇએ.

કઠોળ વિશે પણ ઘણી ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. એક સમયે સંશોધકોમાં ચિંતા હતી કે સોયાબીનમાં જોવા મળતાં આઇસૉફ્લૅવૉન્સ ઍસ્ટ્રૉજન એ હૉર્મોન્સની નકલ કરીને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

પરંતુ તે ખુશીની વાત છે કે આ અંગે કરવામાં આવેલા વધુ અભ્યાસોએ તેને ખોટું સાબિત કર્યું છે. તેનાથી વિપરીત નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોયાબીન કૅન્સરનું જોખમ ઘટાડી શકે છે અને ફેફસાંને પણ સ્વસ્થ રાખી શકે છે.

કઠોળનાં સેવન સામે શું પ્રશ્નો છે?

બીજી ચિંતા એ હતી કે સોયાબીનનું વધુ ઉત્પાદન કરવાથી ઍમેઝોન જેવાં સ્થળોએ જંગલો ઘટી શકે છે.

પરંતુ સત્ય એ છે કે આ વિસ્તારમાં ઉગાડવામાં આવતા સોયાબીનનો ઉપયોગ પશુ આહાર માટે થાય છે.

જો આપણે ઓછું માંસ અને વધુ સોયાબીન ખાઈશું, તો આપણે ખેતી માટે વપરાતી જમીનની માત્રામાં પણ ઘટાડો કરી શકીશું.

મતલબ કે તેનાથી જંગલો અને અન્ય પ્રાકૃતિક સ્થળો પરનું દબાણ ઘટશે. પાક ઉગાડવા માટે વધુ જંગલ કાપવામાં આવશે નહીં.

જોકે જીવનની દરેક વસ્તુની જેમ કઠોળમાં પણ સંપૂર્ણતા નથી.

જે લોકોને તેમના આહારમાં કઠોળનો સમાવેશ કરવાની આદત નથી તેમને ધીમે ધીમે તેની આદત પાડવી પડશે કારણ કે તેમાં પુષ્કળ ફાઈબર હોય છે.

જોકે તે ભારે ખોરાક પણ ગણાય છે.

કેટલાક લોકો માને છે કે તેનાથી પેટમાં તકલીફ થઈ શકે છે. જો કે, તેમને પલાળીને રાંધવાથી આ સમસ્યા ઓછી થશે.

રાજમા અને કૅનેલિની બીન્સમાં પુષ્કળ પ્રમાણમાં લૅકટીન હોય છે. આ એક એવું પ્રોટીન છે જે તેમને ઝેરી બનાવી શકે છે.

તેથી જ તેમને સારી રીતે રાંધવા જરૂરી છે. ઓછા રાંધેલા રાજમા ફૂડ પૉઈઝનિંગનું કારણ બની શકે છે.

જોકે, કઠોળ વિશ્વની તમામ સમસ્યાઓનો ઉકેલ હોવાની અપેક્ષા રાખવી વ્યર્થ છે.

પરંતુ વિશ્વમાં આટલી મોટી માત્રામાં કઠોળના પ્રકારોની હાજરી, તેમના પૌષ્ટિક અને પર્યાવરણને અનુકૂળ ગુણો અને તે ઉપરાંત તેમની વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓને કારણે તેમની લોકપ્રિયતા આગામી દિવસોમાં વધુ વધશે તેવું લાગે છે.