You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કેરી કયા દેશની સારી, ભારતની કે પાકિસ્તાનની?
- લેેખક, નિયાઝ ફારુકી અને તરહબ અસગર
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતના મલીહાબાદની કે પાકિસ્તાનના શહેર મુલતાનની, કઈ કેરી શ્રેષ્ઠ છે? આ સવાલ વિદેશમાં રહેતા લોકો માટે જેમ ‘વિરાટ કોહલી શ્રેષ્ઠ છે કે બાબર આઝમ’ જેવી ચર્ચામાં બદલાઈ જાય છે.
દક્ષિણ એશિયાના આ બંને દેશ કેરી માટે જાણીતા છે. દુનિયાની 40 ટકા કેરી ભારતમાં થાય છે, પરંતુ નિકાસની દૃષ્ટિએ પાકિસ્તાન અને ભારત લગભગ સરખા છે.
એવામાં ફળોનો રાજા કહેવાતા આ ફળની ખેતી વિશે ભારત અને પાકિસ્તાન બંનેમાંથી કોણ આગળ છે, આ ચર્ચામાં પડતા પહેલાં અમે બંને દેશના ખેડૂતો સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે તેમની કેરી કેમ ખાસ છે.
કેરી પ્રત્યેના તેમના પ્રેમ અંગે જાણીતા શાયર મિર્ઝા ગાલિબે એક વાર કહ્યું હતું કે કેરીમાં માત્ર બે ખૂબી હોવી જોઈએ, એક તો તેની મીઠાશ અને તેની માત્રા વધુ હોવી જોઈએ.
જોકે ભારતના ‘મૅન્ગોમૅન’ કલીમુલ્લાહ ખાન આમાં ઉમેરો કરે છે કે, “તેની ઘણી બધી જાતો પણ હોવી જોઈએ”, કારણ કે મલીહાબાદમાં તે આ કારણથી જ મશહૂર છે.
કેરીની અલગ-અલગ જાત ઉછેરવા માટે જાણીતા કલીમુલ્લાહ ખાન કહે છે કે, ચૌસા, દશેરી અને લંગડો જેવી મશહૂર કેરીઓ સિવાય પણ કેરીની એક દુનિયા છે.
તેઓ કેરીઓનાં નામ ગણાવે છે, ‘ખાસુલખાસ, ગુલાબખાસ, શમસુલ અસમાર, બદરુલ અસમાર, મહમુદુલ અસમાર, અમીન કલા, અમીન ખુર્દ, સોરખા ખાલિસપુર, સોરખા મુર્શિદાબાદ, સોરખા શાહાબાદ, કચ્છ મીઠા, ગોલ ભદૈયાં, રામકેલા, ફજરી, હુસ્નઆરા, રતૌલ, જરદાલુ, બેગમપસંદ, ગુલાબજામુન.....’
બીજી તરફ પાકિસ્તાનના શહેર મુલતાનના ખેડૂત સોહેલ ખાન બાબર મજાક કરતા કહે છે કે મુલતાનના લોકો સાથે લોકો મિત્રતા જ એ માટે કરે છે, કારણ કે અહીંની કેરી મશહૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવો, પહેલા મલીહાબાદ જઈએ અને ભારતની કેરી વિશે ‘મૅન્ગોમૅન’ પાસેથી જાણીએ.
કેરીની 300થી વધુ જાત ધરાવતો આંબો
બદલાઈ રહેલા વાતાવરણ પછી ઉત્તર પ્રદેશના મલીહાબાદમાં પડેલા વરસાદે ‘મૅન્ગોમૅન’ કલીમુલ્લાહ ખાનના ચહેરા પર ખુશી લાવી દીધી છે.
પરંપરાગત રીતે આંબા માટે પ્રખ્યાત આ પ્રદેશમાં આ વર્ષે અસામાન્ય ગરમી પડી, ગરમીમાં અસામાન્ય રીતે ઠંડી આવી અને આ દરમિયાન અકાળે વરસાદ પડવાથી કેરીના ઉત્પાદન પર ખરાબ અસર પડી.
કલીમુલ્લાહ કહે છે કે, “1919માં મલીહાબાદમાં કેરીની 1300 જાત હતી, પરંતુ હવે સમગ્ર ઉત્તર પ્રદેશમાં લગભગ 600 જાત પણ નથી બચી અને આ આંકડો ઘટી રહ્યો છે.”
આ ફેરફારના કારણે વૃદ્ધ કલીમ ખાન ચિંતિત છે. તેઓ એક પ્રાયોગિક આંબાથી આ થઈ રહેલા ઘટાડાનો સામનો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ આંબા પર તેમણે કેરીની 300થી વધુ જાતો પેદા કરી છે.
આ આંબો 120 વર્ષથી પણ જૂનો છે અને કલીમ ખાનના કલમ લગાવવાના પ્રયોગના કારણે તેની લગભગ દરેક ડાળી પર અલગ-અલગ પ્રકારની કેરી આવે છે.
તેઓ કહે છે કે, “વાતાવરણને કારણે કેરીનું ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે અને એથી આ આંબા પર આ વર્ષે 30થી વધુ પ્રકારની કેરી થઈ છે.”
આ દરેક કેરી એક જ આંબા પર અલગ આકાર, રંગ અને શકલની છે, તેથી તે સજાવટી અને કૃત્રિમ આંબા જેવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં આ આંબો લોકોના સ્વાદને શ્રેષ્ઠ બનાવવામાં લાગેલા એક વ્યક્તિના ઝનૂનનું ઉદાહરણ છે.
આ આંબાની મૂળ કેરીનું નામ ‘અસરારુલ મુકર્રર’ છે. આ વિશે કલીમ ખાન કહે છે કે અહીં એક આંબો પણ છે, બાગ પણ અને આ દુનિયાની કેરીઓની કૉલેજ પણ છે.
તેમને આશા છે કે તેમનો આ પ્રયોગ આવનારી પેઢીને કામ આવશે. જોકે આ કૉલેજના પ્રિન્સિપાલ હવે 83 વર્ષના થઈ ચૂક્યા છે અને નિવૃત્તિના આરે છે, પરંતુ દૂરદૂરથી તેમની નર્સરીમાં કોઈને કોઈ કેરીના ચાહકો આવતા જ રહે છે અને તેમની ‘કેરીની મુસાફરી’ વિશે સવાલો કરે છે.
કલીમ ખાન કેરી વિશેના તેમના પ્રથમ પ્રયોગને યાદ કરતા કહે છે કે, એ પ્રયોગ નિષ્ફળ ગયો હતો અને જ્યાં તેમણે પહેલો આંબો લગાવ્યો હતો, એ જગ્યા હજુ પણ ખાલી છે, એક પ્રકારે એ જગ્યા ડાઘવાળી થઈ ગઈ છે.
પાકિસ્તાનની કેરી મીઠી, ભારતની રસદાર અને સુગંધિત
કલીમ ખાનની નર્સરીમાં પાકિસ્તાનમાં જોવા મળેલી કેરીના પ્રકાર પણ હતા, જેમાં અનવર રતૌલ, ચૌસા અને લંગડો મશહૂર છે. તેઓ કહે છે કે પાકિસ્તાનની સિંઘડી કેરીનાં વખાણ સાંભળ્યાં પછી તેમણે આ જાત પણ ત્યાંથી મંગાવીને ઉછેરી છે.
પરંતુ બંને દેશના સંબંધો સારા નથી, એવામાં તેમના માટે એ પુષ્ટિ કરવી મુશ્કેલ હતી કે શું તે કેરી નિશ્ચિતપણે સિંઘડી જ છે. તેના માટે તેમણે લોકો પાસેથી ફોન પર માહિતી મેળવી, ઇન્ટરનેટ પર અભ્યાસ કર્યો અને યૂટ્યૂબ પર વીડિયો જોયા કે સિંઘડી કેરી કેવી દેખાય છે અને તેનો સ્વાદ કેવો છે.
કલીમ ખાનના પુત્ર નાઝીમ કહે છે કે, “આ અમારી શાખનો કમાલ છે. અમે તેમાં ભૂલ ન કરી શકીએ.”
પરંતુ જળવાયુ પરિવર્તન, હાનિકારક કેમિકલ અને મોંઘવારી જેવાં કારણોની સાથે જેમ જેમ પેઢી દર પેઢી બાગના ક્ષેત્રફળમાં ઘટાડો થઈ રહ્યો છે અને બીજા દેશ સાથેની પ્રતિસ્પર્ધામાં વધારો થઈ રહ્યો છે. તે જોતા ખેડૂતોની નવી પેઢી કમાણીના બીજા રસ્તા અપનાવવા મજબૂર થઈ રહી છે.
નાઝીમ કહે છે કે કેરી માટે હંમેશાં લગનની જરૂર હોય છે, પરંતુ કમાણીનું કોઈ ઠોકાણું હોતું નથી. “નવી પેઢીને તે પસંદ નથી.”
તેઓ કહે છે કે પાકિસ્તાનની કેરી મીઠાશની રીતે તો શ્રેષ્ઠ છે, પરંતુ સુગંધ અને રસમાં ભારતની જ કેરી શ્રેષ્ઠ છે.
પાકિસ્તાની કેરીની વિશેષતા શું છે?
પાકિસ્તાનની કેરીની વાત કરીએ તો તેને ઓળખવા માટે મુલતાન જવું જ શ્રેષ્ઠ રહેશે. મુલતાન મૅન્ગો રિસર્ચ સેન્ટરના પ્રિન્સિપાલ વૈજ્ઞાનિક અબ્દુલ ગફ્ફાર ગ્રેવાલ મુજબ, દુનિયાભરની કેરીથી પાકિસ્તાની કેરી સ્વાદ અને રંગરૂપમાં અલગ હોય છે.
તેઓ કહે છે કે, “આમ તો પાકિસ્તાન અને ભારતમાં એક જેવી જ જાત જોવા મળે છે, પરંતુ પાકિસ્તાને છેલ્લા કેટલાક સમયમાં ઘણી નવી જાતો ઊભી કરી દીધી છે, જેવી કે સેંસેશન કે ચિનાબ ગોલ્ડ, જ્યારે ભારત તેની જૂની જાતો પર જ વધુ કામ કરી રહ્યું છે.”
તેઓ કહે છે કે પાકિસ્તાનમાં લગભગ 200 પ્રકારની કેરી જોવા મળે છે, જ્યારે કૉમર્શિયલ ઉપયોગમાં સામાન્ય રીતે દસ પ્રકારની કેરી છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનનાં બે રાજ્યો પંજાબ અને સિંધમાં જ કેરીનું ઉત્પાદન થાય છે. પાકિસ્તાનની 17 ટકા કેરી પંજાબથી અને 30 ટકા કેરી સિંધમાંથી આવે છે.
“પંજાબમાં જ્યાં કેરી ઉગાડવામાં આવે છે, તે લગભગ 470 કિલોમીટરમાં ફેલાયેલો વિસ્તાર છે. જેમાં રહીમયાર ખાન, મુલતાન અને બહાવલપુરના આસપાસનો વિસ્તાર પણ સામેલ છે.”
પાકિસ્તાની ખેડૂત કેરીના ઉત્પાદન માટે નવું શું કરી રહ્યા છે?
સોહેલ ખાન બાબર મુલતાનના રહેવાસી છે અને પંદર વર્ષની ઉંમરથી તેમના બાગની સંભાળ રાખી રહ્યા છે. તેમને આ કામ કરતા લગભગ 50 વર્ષ થઈ ગયાં છે.
“જેવી રીતે તમે તમારા પુત્રને સંભાળો છો, તેવી રીતે જ આંબાવાડિયું સંભાળવાનું હોય છે. કેરીને આંબા પરથી ઉતારવાની પણ એક કળા છે. જો તેને જોરથી ઉતારીને નીચે ફેંકશો તો તે દબાઈ જશે અને કાળી પડી જશે.”
સોહેલ ખાનના બાગમાં દસથી પંદર પ્રકારની કેરી છે, જેમાં ચૌસા, અનવર રતૌલ અને સિંઘડી સહિત બીજા પ્રકાર પણ સામેલ છે.
તેમના ખેતરમાં ઘણાં એવાં વૃક્ષો પણ છે, જે ચાલીસ વર્ષ જૂનાં છે, જ્યારે તેમણે ઘણા એવા જૂના આંબા કાપ્યા છે, જે ઘણા મોટા થઈ ગયા હતા. એવામાં એ સવાલ પણ થાય કે તેમણે આ પગલું કેમ ઉઠાવ્યું?
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, તેઓ યૂએચડી ટેકનૉલૉજી તરફ વળ્યા છે.
“પહેલાં આંબો ઉગાડવા અને ત્યાર પછી તેના પર ફળ આવતા પાંચથી છ વર્ષ લાગતા હતા, પરંતુ હવે એ જ આંબો ત્રણ વર્ષમાં તમને એટલી જ કેરીની ઊપજ આપે છે, જેટલી મોટો આંબો આપે છે. એટલું જ નહીં એ આંબાની સાઇઝ પણ નાની હોય છે.”
નવી અને આધુનિક રીતે કેરીની ઊપજ વધારી રહ્યા હોય, તેવા એકમાત્ર ખેડૂત સોહેલ ખાન જ નથી.
ગુલામ કાદિર જલાલપુર પીરવાલા સાથે સંબંધ રાખે છે અને તેઓ પણ આવી કેરી ઉગાડવાના પ્રયાસ કરે છે, જેના ઉત્પાદનામાં ઓછામાં ઓછું ખાતર અને અન્ય કેમિકલનો ઉપયોગ થાય.
તેઓ દાવો પણ કરે છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં તેમણે જે કેરી તેમના ખેતરમાં ઉગાડી છે, તે ઑર્ગેનિક છે.
તેમણે કહ્યું કે તેઓ ખાતરનો વધુ ઉપયોગ કરતા નથી અને પાણીનો પણ વધુ ઉપયોગ કરવાની જરૂર નથી.
“પહેલાં આપણે ઝાડને જે પાણી આપતા હતા, જે તેની આસપાસ જમા થઈ જતું હતું, જેના લીધે ઝાડ જરૂર કરતાં પાણી શોષી લેતું હતું. તેના કારણે ફળ પર પણ ખરાબ અસર પડતી હતી અને પાણી જમા થવાને કારણે લીલ પણ બાઝી જતી હતી.”
“હવે અમે ઝાડની ચારેબાજુ માટીની પાળ બાંધી દઈએ છે, જેનાથી ત્યાં પાણી જમા થતું નથી. તેનાથી ફળને પણ નુકસાન થતું નથી.”
પાકિસ્તાનની ‘મૅન્ગો ડિપ્લોમસી’
આજકાલ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના વધુ પડતા વિદેશપ્રવાસના જે વીડિયો સામે આવ્યા છે, તેમાં તેઓ અન્ય દેશોના નેતાઓને કહી રહ્યા છે કે, “હું તમારા માટે પાકિસ્તાનની શ્રેષ્ઠ કેરી લાવ્યો છું.”
તેમના આ કામને મોટા ભાગના લોકો ‘મૅન્ગો-ડિપ્લોમસી’નું નામ આપી રહ્યા છે.
શું શાહબાઝ શરીફ પહેલા એવા પાકિસ્તાની વડા પ્રધાન છે, જે અન્ય દેશો સાથે સારા સંબંધ બનાવવા માટે કેરીની ભેટ આપી રહ્યા છે?
વાસ્તવમાં 1968માં એ સમયના પાકિસ્તાની વિદેશમંત્રીએ તેમના ચીન પ્રવાસ દરમિયાન ચૅરમૅન માઓને પાકિસ્તાની કેરી આપી હતી. ચીની નેતાએ એ ભેટને ઇતિહાસમાં અસાધારણ બનાવી દીધી હતી.
એ સમયે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિનું આદોલન ચાલી રહ્યું હતું અને માઓએ આ ફળ જાતે ખાવાને બદલે તેમના કાર્યકર્તાઓને આપી દીધા, જેમણે તેને સુરક્ષિત ફળ સમજીને મૂકી દીધાં હતાં.
ચીનનો પરિચય કેરી સાથે કરાવનારું પાકિસ્તાન આજે આ ફળના ઉત્પાદનમાં ચીન કરતાં પાછળ છે, દુનિયાનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ ભારત છે, ચીન ચોથા અને પાકિસ્તાન પાંચમા ક્રમે છે.
કેરીના બાગના માલિક ગુલામ કાદિર કેરીની વધુ નિકાસ કરે છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં જોવા મળેલી સૌથી સારી કેરી મોટા ભાગે પાકિસ્તાનમાંથી બહાર મોકલવામાં આવે છે. તે કેરીની કિંમત પણ પાકિસ્તાનમાં મળતી કિંમતથી વધુ હોય છે.
“જે દેશમાં અમારી કેરી સૌથી વધુ વેચાય છે, તેમાં ઈરાન, સંયુક્ત અરબ અમીરાત, અફઘાનિસ્તાન, ચીન અને યુરોપ સહિતના અન્ય દેશ સામેલ છે.”