મૅચ ટાઈ થઈ, સુપર ઓવર પણ ટાઈ થઈ, બીજી સુપર ઓવરમાં રોહિત શર્માએ એવું શું કર્યું કે અંતે ભારતને જીત મળી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી રોમાંચક ટી-20 મૅચમાં ભારતે અફઘાનિસ્તાનને બીજી સુપર ઓવરમાં હરાવ્યું હતું.
બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચે તમામ દર્શકોના શ્વાસ થંભાવી દીધા હતા.
અતિશય ચઢાવ-ઉતાર સાથે રોમાંચક બનેલી મૅચ પહેલાં ટાઈ થઈ હતી, ત્યારબાદ સુપર ઓવર પણ ટાઈ થઈ હતી, અને અંતે બીજી સુપર ઓવરમાં મૅચનું પરિણામ મળ્યું હતું.
મૅચમાં રોહિત શર્માએ નવા રેકૉર્ડ્સ પોતાના નામે સર્જ્યા હતા તો તેમણે લીધેલા નિર્ણયોને કારણે પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા.
ક્રિકેટ ઍક્સપર્ટ અને કમેન્ટેટર હર્ષા ભોગલેએ આ મૅચ અંગે ટ્વીટ કરતા કહ્યું છે કે, "હું ઊઠ્યો અને મને ખબર પડી કે હું એક અતિશય રોમાંચક મૅચ જોવાનું ચૂકી ગયો. ખરેખર એ સવાલ છે કે ટી20માં કેટલો સ્કોર પૂરતો છે? ટી20માં કોઈ સુરક્ષિત છે ખરું?"
રોહિત શર્માની ઝંઝાવાતી સદી

ઇમેજ સ્રોત, Getty Images
બેંગલુરુમાં રમાયેલી આ મૅચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી પરંતુ તેની શરૂઆત જરાય સારી રહી ન હતી.
ભારતના ટોપ ઑર્ડરના બૅટ્સમેનો સદંતર નિષ્ફળ રહ્યા હતા અને એક તબક્કે ભારતનો સ્કોર 4.3 ઓવરમાં 4 વિકેટે 22 રન થઈ ગયો હતો.
વિરાટ કોહલી અને સેમસન ખાતું ખોલ્યા વગર તો શિવમ દુબે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ત્યારબાદ મેદાન પર ઊતરેલા રિંકુ સિંહે કૅપ્ટન રોહિત શર્માનો સાથ આપ્યો હતો અને ઇનિંગને સ્થિરતા આપી હતી.
ડૅથ ઓવર્સમાં બંને બૅટ્સમેનોએ ઝંઝાવાતી બેટિંગ કરી હતી. રોહિત શર્માએ 69 બૉલમાં આઠ છગ્ગા સાથે 121 રન બનાવ્યા હતા. તો બીજી તરફ રિંકુ સિંહે માત્ર 39 બૉલમાં 69 રન બનાવ્યા હતા જેમાં 6 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા.
બંને બૅટ્સમેનોએ ત્યારબાદ ભારતની એકપણ વિકેટ પડવા દીધી ન હતી અને ભારતે નિર્ધારિત 20 ઓવરોમાં 4 વિકેટે 212 રનનો સ્કોર બનાવ્યો હતો.
અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહમદે 4 ઑવરમાં 20 રન આપીને 3 વિકેટો ઝડપી હતી.
અફઘાનિસ્તાનની આક્રમક બેટિંગ, મૅચ ટાઈ થઈ

ઇમેજ સ્રોત, Getty Images
213 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરી રહેલા અફઘાનિસ્તાનને ઓપનિંગ બૅટ્સમેન ગુરબાઝ અને ઝાદરાને આક્રમક શરૂઆત અપાવી હતી.
બંને બૅટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી અને પહેલી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હતી.
ગુલબદિનના માત્ર 23 બૉલમાં 55 રન અને મોહમ્મદ નાબીના માત્ર 16 બૉલમાં 34 રનની મદદથી અફઘાનિસ્તાન જીતની નજીક પહોંચી ગયું હતું.
ભારત તરફથી મુકેશ કુમાર છેલ્લી ઓવર ફેંકી રહ્યા હતા અને અફઘાનિસ્તાનને જીતવા માટે 19 રનની જરૂર હતી.
છેલ્લા બૉલ પર અફઘાનિસ્તાનને જીતવા માટે માત્ર 3 રનની જરૂર હતી પરંતુ મુકેશ કુમારે સટીક વાઇડ યૉર્કર ફેંક્યો અને અફઘાનિસ્તાન માત્ર 2 જ રન લઈ શક્યું. રોમાંચક મૅચ ટાઈ થઈ.
સુપર ઓવરનો રોમાંચ

ઇમેજ સ્રોત, Getty Images
સુપર ઓવરમાં ભારત તરફથી મુકેશ કુમાર જ બૉલિંગ કરી રહ્યા હતા જ્યારે અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન અને નાબી ક્રીઝ પર હતા.
પહેલા બૉલે માત્ર એક જ રન આવ્યો અને ગુલબદિન રનઆઉટ થઈ ગયા. ત્યારબાદ ગુરબાઝના ચોગ્ગા અને નાબીના એક છગ્ગાની મદદથી અફઘાનિસ્તાને સુપર ઓવરમાં 16 રન બનાવ્યા હતા.
ભારત તરફથી 17 રનનો પીછો કરવા રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ક્રીઝ પર હતા તો ઓમરઝાઈ બૉલિંગ કરી રહ્યા હતા.
પહેલા બે બૉલમાં ભારત બે જ રન કરી શક્યું હતું પરંતુ રોહિત શર્માએ ત્યારબાદ બે બૉલમાં બે છગ્ગા ફટકારી દેતા અફઘાનિસ્તાનના કૅમ્પમાં સોપો પડી ગયો હતો.
આખરી બૉલે ભારતને બે રન કરવાના હતા અને યશસ્વી જયસ્વાલ પાસે સ્ટ્રાઇક હતી. રોહિત શર્માએ પોતાને રિટાયર્ડ હર્ટ જાહેર કરીને સ્ટેડિયમમાં પાછા ફરવાનું નક્કી કર્યું અને રિંકુને બોલાવ્યા. રોહિત શર્માનો આશય એવો હતો કે કદાચ ફાસ્ટ દોડવાનું આવે અને બે રન પૂર્ણ કરવાના આવે તો રિંકુ વધુ ઝડપથી દોડી શકે.
પરંતુ અંતે ભારત છેલ્લા બૉલે માત્ર એક જ રન લઈ શક્યું અને સુપર ઓવર પણ ટાઈ પડી.
બીજી સુપર ઓવરનો રોમાંચ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરી એકવાર સુપર ઓવર રમવાની હતી અને નિયમ પ્રમાણે આ વખતે ભારતને પહેલા બેટિંગ કરવાની હતી.
આ વખતે રોહિત શર્મા અને રિંકુ સિંહ ક્રીઝ પર હતા અને ફરીદ અહમદ બૉલિંગ કરી રહ્યા હતા.
રોહિત શર્માએ પહેલા બે બૉલમાં છગ્ગો અને ચોગ્ગો ફટકારી 10 રન કર્યા. પરંતુ ચોથા અને પાંચમાં બૉલે રિંકુ સિંહ અને સેમસન આઉટ થઈ ગયા. ભારતની બે વિકેટ પડી જતાં તે સુપર ઓવરના પૂરા છ બૉલ પણ રમી શક્યું નહીં.
અફઘાનિસ્તાનને સુપર ઓવરમાં માત્ર 12 રનનો ટાર્ગેટ મળ્યો. સુપર ઓવરમાં માત્ર 11 રનને ડિફેન્ડ કરવા ભારત તરફથી કોણ બૉલિંગ કરશે તે પ્રશ્ન હતો.
પરંતુ અહીં રોહિત શર્માએ એક એવો નિર્ણય કર્યો કે જેણે સૌને ચકિત કરી દીધા. તેમણે સુપર ઓવરમાં બોલિંગ યુવા સ્પિનર રવિ બિશ્નોઈને સોંપી.
બિશ્નોઈએ પહેલા બૉલે જ નાબીને અને ત્રીજા બૉલે ગુરબાઝને આઉટ કરીને અફઘાનિસ્તાનની ઇનિંગનો અંત લાવી દીધો. અફઘાનિસ્તાન સુપર ઓવરમાં માત્ર એક જ રન કરી શક્યું. અંતે ભારતની જીત થઈ.
રોહિત શર્માને પ્લૅયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ઑલરાઉન્ડ પ્રદર્શન બદલ શિવમ દુબેને પ્લૅયર ઑફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યા હતા.
મૅચ બાદ રોહિત શર્માએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રોમાંચક મૅચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, "મને યાદ નથી કે છેલ્લે આવી મૅચ ક્યારે થઈ હતી. કદાચ મેં આઇપીએલમાં એકાદવાર આ રીત ત્રણ વાર બેટિંગ કરી હતી."
તેમણે કહ્યું, "મૅચમાં અમને એક સારી ભાગીદારીની જરૂર હતી અને અમે તે કરીને બતાવી. દબાણ ખૂબ હતું, પરંતુ મેં અને રિંકુએ સતત વાતચીત ચાલુ રાખી અને અમે એક સારો સ્કોર બનાવી શક્યા. રિંકુ ખૂબ શાંત દિમાગે બેટિંગ કરે છે અને તે તેની આવડતને જાણે છે."
અફઘાનિસ્તાનના કૅપ્ટન ઇબ્રાહિમ ઝાદરાને કહ્યું હતું કે, "અમે સારું ક્રિકેટ રમ્યા પરંતુ કમનસીબે અમે સુપર ઓવરમાં હારી ગયા. અમે અમારા પ્રદર્શનથી ખુશ છીએ. અમે અહીંથી ઘણું શીખ્યા છીએ અને વર્લ્ડકપમાં અમે વધુ સારું પ્રદર્શન કરીશું."
આખરી સુપર ઓવરમાં બૉલિંગ કરી રહેલા રવિ બિશ્નોઈ કહ્યું કે, "ખૂબ દબાણ હતું, મારા ધબકારા વધી ગયા હતા. પરંતુ મને આત્મવિશ્વાસ હતો કે હું આ કરી બતાવીશ."
મૅચમાં કયા રેકૉર્ડ્સ સર્જાયા?
સતત બે મૅચમાં શૂન્ય પર આઉટ થયા બાદ રોહિતે સદી ફટકારી હતી જે તેની ટી-20 કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી.
આ સાથે જ તેઓ ટી-20માં સૌથી વધુ સદી ફટકારનાર બૅટ્સમન બની ગયા છે.
ટી-20માં કૅપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ઇયોન મૉર્ગનનો રેકૉર્ડ પણ તેમણે તોડી નાખ્યો છે.
આ જીત સાથે ટી-20માં કૅપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવવાના એમએસ ધોનીના રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી છે.
ભારતે આ સીરિઝ 3-0 થી પોતાના નામે કરી લીધી છે.
હવે 25મી જાન્યુઆરીએ ભારત ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝની પ્રથમ મૅચ હૈદરાબાદમાં રમશે.












