બિશનસિંહ બેદી : 'સ્પિનના સરદાર'ની કહાણી, જેમનો અવાજ ક્રિકેટના મેદાનની બહાર પણ ગૂંજતો રહ્યો

બિશનસિંહ બેદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બિશનસિંહ બેદી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને સ્પિનર બિશનસિંહ બેદીનું 77 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

તેઓ છેલ્લાં બે વર્ષથી બીમાર હતા. આ દરમિયાન તેમના ઘણાં ઑપરેશન પણ થયાં હતાં. ગયા મહિને જ તેમના ઘૂંટણનું પણ ઑપરેશન કરાયું હતું.

બેદીની ગણના ડાબા હાથના મહાન સ્પિન બૉલર તરીકે થાય છે. ઇરાપલ્લી પ્રસન્ના, બી. એસ. ચંદ્રશખર અને એસ. વેંકટ રાઘવન સાથે તેમને પણ ભારતીય સ્પિન બૉલિંગમાં ક્રાંતિ લાવવાનો શ્રેય અપાય છે.

તેમના 75મા જન્મદિવસ વખતે દિલ્હીમાં આઈઆઈસીના કન્સલ્ટિંગ ઍડિટર અને ભૂતપૂર્વ ક્રિકેટર વેંકટ સુંદરમ્ અને લેખક સચીન બજાજ સંપાદિત પુસ્તક ‘બિશનસિંહ બેદીઃ ધ સ્પિન ઑફ સરદાર’નું વિમોચન થયું હતું. ત્યારે એક સમયે પોતાની વૈવિધ્યસભર બૉલિંગના દમ પર વિશ્વના દિગ્ગજ અને સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅનોની હાલત જેમણે ખરાબ કરી નાખી હતી તે બિશનસિંહ બેદી આરોગ્ય સંબંધી તકલીફોને કારણે વ્હીલચેર પર બેસીને, તેમના પરિવારજનો, ભૂતપૂર્વ ખેલાડીઓ, દોસ્તો, પાડોશીઓ, સંબંધીઓ, સ્પોર્ટ્સ પત્રકારો અને અન્ય લોકોથી ખીચોખીચ ભરેલા સભાગારમાં પહોંચ્યા હતા. એ સમયે આખો હૉલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો.

પંજાબના અમૃતસર શહેરમાં 1946ની 25 સપ્ટેમ્બરે તેમનો જન્મ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન, કોચ, પસંદગીકર્તા અને હવામાં લહેરાતી તથા દિશા બદલતી પોતાના ચતુરાઈભર્યા ફ્લાઇટેડ બૉલના દમ પર 67 ટેસ્ટ મૅચમાં 266 વિકેટ ઝડપી ચૂકેલા બિશનસિંહ બેદીની રમત અને વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા કિસ્સા વાગોળતાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ સરદેસાઈના પુત્ર રાજદીપ સરદેસાઈ અને બિશનસિંહ બેદીના પુત્ર અંગદે એ વખતે અનેક કહાણીઓ કહી હતી.

બિશનસિંહ બેદીની આત્મકથાના વિમોચન સમયની તસવીર

ઇમેજ સ્રોત, ADESH KUMAR GUPTA

ઇમેજ કૅપ્શન, બિશનસિંહ બેદીની આત્મકથાના વિમોચન સમયની તસવીર

રાજદીપ સરદેસાઈએ જણાવ્યું હતું કે ઘણાં વર્ષો પહેલાં એક મૅચમાં તેઓ બિશનસિંહ બેદીનો સામનો કરવા કરતી વખતે પહેલી જ ઓવરમાં બે-ત્રણ બૉલ રમ્યા બાદ તેઓ બૉલ્ડ થઈ ગયા હતા.

એ પછી બિશનસિંહ બેદીએ કહ્યું હતું કે 'અભી ભી મેરા લૅફ્ટ હેન્ડ ચલતા હૈ.'

એ પછી રાજદીપ સરદેસાઈએ વાતચીતમાં કહ્યું હતું કે, "બેદીસાહેબની યાદો તો મારા બાળપણ સાથે પણ જોડાયેલી છે. કારણ કે મને બાળપણથી ક્રિકેટનો શોખ હતો અને બેદી એ સમયે ભારતીય ટીમના કૅપ્ટન પણ હતા. તેઓ મારા પિતા સાથે પણ રમ્યા હતા તેની સ્મૃતિ પણ છે. બિશનસિંહ બેદીએ મેદાન બહાર પણ ઘણું બધું કામ કર્યું હતું અને કાયમ સાચું બોલવાનો પ્રયાસ કર્યો હતો. ખાસ કરીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જેવી શક્તિશાળી સંસ્થા બાબતે પણ તેઓ હંમેશાં સાચું બોલ્યા છે."

એક ક્રિકેટરનો અવાજ માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ તેની બહાર પણ સંભળાતો હોય છે એ વાત તેમણે સાબિત કરી બતાવી હતી.

બિશનસિંહ બેદી સાથે જોડાયેલી સ્મૃતિ બાબતે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પસંદગીકાર અને ક્રિકેટર આકાશલાલે કહ્યું હતું કે જ્યારે1969માં દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાનમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ રમાઈ હતી ત્યારે ઑસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં ડગ વૉલ્ટર્સને બેદીએ જે રીતે આઉટ કર્યા હતા, તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.

તેમના કહેવા મુજબ, "ડગ વૉલ્ટર્સ બેદીના હવામાં ધીમે-ધીમે લૂપ બનાવતા ચાર બૉલ ડીફેન્સિવ રીતે રમ્યા હતા. એ પછીનો બૉલ ક્રીઝના ખૂણેથી તેમણે ફેંક્યો ત્યારે મારા મોંમાથી શબ્દો સરી પડ્યા કે અબ વૉલ્ટર્સ ગયા. એ બેદીનો ઝડપી આર્મ બૉલ હતો. વૉલ્ટર્સે તેને સ્ક્વેર કટ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સ્ટમ્પ વિેખેરાઈ ગઈ હતી. તેઓ બૉલ્ડ થઈ ગયા હતા."

આકાશલાલના જણાવ્યા મુજબ, તેઓ એ ક્ષણને અને એ બૉલિંગ ઍક્શનને ક્યારેય ભૂલી શકે તેમ નથી.

ક્રિકેટર બેદીની સોનેરી સ્મૃતિઓ

બિશનસિંહ બેદીની આત્મકથા

ઇમેજ સ્રોત, ROLI BOOKS

ઇમેજ કૅપ્શન, બિશનસિંહ બેદીની આત્મકથા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બિશનસિંહ બેદી નિર્વિવાદ રીતે સર્વશ્રેષ્ઠ હતા પરંતુ તેઓ ભારતીય ક્રિકેટના એક એવા ખેલાડી પણ હતા જેમને ક્યારેય સાચી રીતે સમજવામાં આવ્યા ન હતા. વિજય હઝારે પણ એવા જ હતા. બન્નેએ પોતાના વિશે ક્યારેય કશું કહ્યું નહીં. બેદી વિશે જાણવાના સૌએ બહુ પ્રયાસ કર્યા, પરંતુ તેઓ કશું બોલ્યા નહીં, જે તેમની મહાનતા હતી. તેમના જેવી યોગ્યતા બહુ ઓછા ક્રિકેટરોમાં જોવા મળે છે. તેઓ કાયમ ન્યાયની પડખે ઊભા રહેતા હતા. તેઓ ક્યારેય ખોટા માણસને સાથ આપતા નહોતા. તેમણે કાયમ ક્રિકેટની ઉન્નતિ માટે કામ કર્યું હતું, કારણ કે તેઓ ક્રિકેટને પ્રેમ કરતા હતા.

બેદી યુવાવસ્થામાં દિલ્હીના પંચશીલ વિસ્તારમાં રહેતા હતા. એ દિવસોની વાત કરતાં તેમના પાડોશમાં રહેતાં એક મહિલાએ જણાવ્યું હતું કે "બેદી મને તેમની માતા સમાન ગણતા હતા. મારી બનાવેલી ઈંડાની ભૂરજી બેદીને બહુ ભાવતી હતી." એ મહિલાએ જણાવ્યુ હતું કે "અગાઉ મારો અવાજ બહુ સારો હતો. અત્યારે પણ સારો હોત તો મેં બિશનસિંહ બેદીને મલ્લિકા પુખરાજનું મારું મનગમતું ગીત “અભી તો મેં જવાન હૂં” સંભળાવ્યું હોત."

બિશન સિંહ બેદી સાથે જોડાયેલા કિસ્સા સંભળાવતાં ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે જણાવ્યું હતું કે, "મેં દિલ્હીની મૉર્ડન સ્કૂલ, બારાખંભા રોડ અને એ પછી સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં અભ્યાસ કર્યો છે. તેમ છતાં હું બિશનજીની અંગ્રેજી ક્યારેય સમજી શક્યો નથી. મને તો તેમના વાક્યના શરૂઆતના બે શબ્દો અને અંતના બે શબ્દો જ સમજાતા હતા."

કીર્તિ આઝાદે ઉમેર્યું હતું કે "બિશન મારા કૅપ્ટન હતા અને દરેક મૅચમાં લંચ પહેલાં લીલા, પછી વાદળી અને પીળા પટકા બાંધીને રમવા માટે વિખ્યાત હતા. તેઓ સોળ વર્ષથી માંડીને સાઠ વર્ષ સુધીની મહિલાઓમાં લોકપ્રિય હતા. મેદાનની બહાર પણ તેઓ સ્ત્રીઓથી ઘેરાયેલા રહેતા હતા. "

રાજદીપ સરદેસાઈએ કહ્યું હતું કે બિશન અને ડ્રિંક્સ એટલે કે મદ્યપાન બાબતે પણ ઘણા કિસ્સા મશહૂર છે. થોડાં વર્ષ પહેલાં તેઓ પાકિસ્તાન ગયા ત્યારે જોયું તો બિશનસિંહ દિલ્હી ઍરપૉર્ટ પર ડ્યૂટી ફ્રી શોપ્સમાંથી એક રમની અને શરાબની બીજી બે-ત્રણ બૉટલ ખરીદી રહ્યા હતા. આ 1978ની વાત છે, જ્યારે બેદી કૅપ્ટન હતા.

રાજદીપે તેમને કહ્યું હતું કે પાકિસ્તાની કસ્ટમવાળા બૉટલ જપ્ત કરી લેશે. તેનો જવાબ આપતાં બેદીએ કહ્યું હતું કે ચિંતા કરશો નહીં. કશું નહીં થાય. તેઓ પાકિસ્તાન પહોંચ્યા અને જોયું તો કસ્ટમમાં બે લાઈન લાગેલી હતી. એક બિશનસિંહ બેદી માટે અને બીજી બાકીના બધા લોકો માટે. બધાએ જોયું કે બેદીસાહેબ રમ અને બીજી બૉટલો સાથે આરામથી નીકળી ગયા હતા. તેમના પાકિસ્તાનમાં ઘણા મિત્રો છે, નવજોતસિંહ સિદ્ધુ કરતાં પણ વધારે.

બેદીની ખાસિયત

ક્રિકેટના મેદાન પરનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, THE SYDNEY MORNING HERALD/GETTYIMAGES

ઇમેજ કૅપ્શન, ક્રિકેટના મેદાન પરનું એક દૃશ્ય - બેટિંગ કરી રહેલા બેદી

ભૂતપૂર્વ ભારતીય બૅટ્સમૅન અને કોચ અંશુમાન ગાયકવાડે બિશનસિંહ બેદી વિશે વાત કરતાં કહ્યું હતું કે બેદી તમામ ખેલાડીઓને એકસમાન ગણતા હતા, પછી ભલે તે સુનીલ ગાવસ્કર હોય કે મદનલાલ હોય કે પછી કરસન ઘાવરી જેવા યુવા ખેલાડી. બેદીએ યુવાનોને કાયમ પ્રોત્સાહિત કર્યા હતા. તેમનામાં બહુ આત્મસન્માન છે. તેઓ જે કહે છે તે જ કરે છે.

ગાયકવાડના કહેવા મુજબ, તેમણે બેદી જેવો કૅપ્ટન જોયો નથી. તેમનો અભિગમ બહુ માનવીય હતો અને પોતાના વિશે બહુ વિચારતા ન હતા. આથી જ તેઓ વડોદરાથી ખાસ આ પુસ્તકના પ્રકાશન સમારંભ માટે દિલ્હી આવ્યા હતા.

1975-76માં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ દરમિયાન એક પછી એક ભારતીય ખેલાડી લોહીલુહાણ થઈ રહ્યો હતો ત્યારે બિશનસિંહ બેદીએ 97 રનમાં પાંચ વિકેટ પડ્યા પછી દાવ ડિક્લેર કરી દીધો હતો અને ભારત હારી ગયું હતું. ગાયકવાડ ઘાયલ હોવાને કારણે પોતે બેટિંગ કરવા ઊતર્યા નહોતા. બેદીના એ નિર્ણય બાબતે ગાયકવાડે જણાવ્યું હતું કે ત્યારે તો પરિસ્થિતિ અલગ હતી અને વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બૉલર્સ જેવી બૉલિંગ કરી રહ્યા હતા તેમાં હારવાનો તો સવાલ જ ન હતો. તેમના જેવો બૅટ્સમૅન જો ઘવાઈ જાય તો બૉલર્સ કેવી રીતે બચી શકે? બિશન પાજીએ જે કર્યું તે સાચું કર્યું, નહીં તો ચંદ્રશેખર અને વેંકટ રાઘવન મેદાનમાં જઈને શું કરવાના હતા?

સ્પોર્ટ્સ પત્રકાર જી. રાજારમણે બિશનસિંહ બેદીની વાત કરતાં જણાવ્યું હતું કે એમના વિશે કોઈ નવી વાત કહેવાનું મુશ્કેલ છે. તેમનું દિલ બહુ સાફ છે. તેઓ પોતાની રીતે જ લોકોને શીખવે છે. ખેલાડી તો મહાન છે જ. તેઓ બહુ ભણેલા-ગણેલા છે. તેમના યોગદાનને ભૂલી શકાય નહીં. તેઓ ભારતીય ટીમના કૅપ્ટન, કોચ અને પસંદગીકર્તા પણ હતા. ભારત આવેલી ન્યૂઝીલૅન્ડની ટીમના ડેનિયલ વેટોરીને પણ તેમણે માર્ગદર્શન આપીને તેમણે દેખાડી આપ્યું કે તેઓ ભારતના જ નહીં, વિશ્વના ગુરુ છે.

તેમણે કહ્યું કે, "ગાવસ્કરની છેલ્લી ટૅસ્ટમેચમાં વિરોધી ટીમ પાકિસ્તાનના તૌસિફ અહમદ અને ઇકબાલ કાસિમને પણ તેમણે સલાહ આપી હતી કે પીચ સારી હોય તો માત્ર બૉલને સીધો રાખો. લોકોએ ભારતના પરાજય પછી તેમની વિરુદ્ધ બહુ લખ્યું હતું, પરંતુ તેઓ બદલાયા ન હતા.

બેદીની લોકપ્રિયતા

મેચની એક તસવીર

ઇમેજ સ્રોત, THE SYDNEY MORNING HERALD/GETTYIMAGES

વેંકટ રમણે આ જ પુસ્તકમાં લખેલા એક લેખનું શીર્ષક છેઃ 'ક્લબ ક્લાસ ટુ વર્લ્ડ ક્લાસ.' વેંકટ જણાવે છે કે તેઓ તો દિલ્હીના ક્લબ ક્રિકેટર હતા. બેદીએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રમવાનું શરૂ કર્યું ત્યારે પહેલાં કશું ન હતું, પરંતુ પછીના દસ વર્ષમાં દિલ્હી પાસે તમામ પુરસ્કારો હતા.

આ સમારંભના અંતમાં બિશનસિંહ બેદીના કોઈ વકીલ દોસ્તે સલાહ આપી હતી કે અંગદ બેદીએ પોતાની દાઢી-મૂછ વધારીને બિશનસિંહ વિશે ફિલ્મ બનાવવી જોઈએ અને બિશનસિંહ બેદીનો રૉલ તેમણે કરવો જોઈએ. આ સંદર્ભે મજાક કરતાં રાજદીપ સરદેસાઈએ કહ્યું હતું કે અંગદ હીરો તો બનશે, પરંતુ એક હિરોઈનથી કામ નહીં ચાલે. બેદી સાહેબની તો ન જાણે કેટલી હિરોઈન છે.

બિશનસિંહ બેદી મીડિયામાં કેટલા લોકપ્રિય હતા તેનું જીવંત ઉદાહરણ મેં તેઓ દિલ્હીના કોચ હતા ત્યારે જાતે જોયું છે. દિલ્હીમાં રણજી ટ્રોફીની એક મૅચના પહેલા દિવસે સતત ધીમો વરસાદ પડી રહ્યો હતો. બપોરના એક વાગ્યા સુધીમાં મેદાન બહુ ભીનું થઈ ગયું હતું. મૅચ રમવાનું શક્ય ન હતું, પરંતુ બેદીસાહેબે બધા ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા. કોઈને મેદાનનું ચક્કર લગાવવા કહ્યું તો કોઈને બેટિંગ પ્રેક્ટિસ તો કોઈને બૉલિંગ અને કોઈને કેચની પ્રેક્ટિસ કરવા કહ્યું હતું.

વચ્ચે-વચ્ચે તેઓ બાઉન્ડ્રી લાઈન પાસે રાખવામાં આવેલી ખુરશી પર બેસીને પાણી પીતા હતા. મેં તેમની સાથે વાત કરવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેમણે દર વખત હસીને વાત કરવાનું ટાળ્યું હતું. મેં જોયું કે ટીવી પત્રકારો સાથે તેઓ સતત વાત કરતા હતા.

સાંજના પાંચ વાગી ગયા ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં. મેં તેમને હસતા-હસતા કહ્યું, બેદીસાહેબ, હું છોકરી હોત તો જ તમે મને ઈન્ટર્વ્યૂ આપત? બેદી સાહેબે મને હસતા-હસતા કહ્યુઃ જે પૂછવું હોય તે જલદી પૂછો. કમાલની વાત એ છે કે ત્યારે મેં દિલ્હીના સહેવાગ કે બીજા ખેલાડીઓ સાથે વાત કરવાનો પ્રયાસ સુધ્ધા કર્યો ન હતો. એવો હતો બેદીસાહેબનો જાદુ.

'સ્પિન ત્રિપુટી'માંથી એક એવા બેદી

કિશનસિંહ બેદી

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

સ્પિન ત્રિપુટી નામે વિખ્યાત બેદી, ચંદ્રા અને એરાપલ્લી પ્રસન્નાની મહત્ત્વની કડી ભાગવત ચંદ્રશેખરે આ પુસ્તકમાં લખ્યું છે કે તેઓ બેદી સાથે 42 ટેસ્ટ મૅચ રમ્યા હતા. તેઓ મોટા ભાગે બેદી સાથે એક જ રૂમમાં રહેતા હતા. ચંદ્રા પાસે મુકેશનાં ગીતોની અને બેદી પાસે પંજાબી, ઉર્દૂ તથા હિંદી ગીતોની કૅસેટો કાયમ રહેતી હતી.

આ ત્રિપુટીના ત્રીજા સભ્ય એરાપલ્લી પ્રસન્ના લખે છે કે સ્પિન બૉલિંગની કળામાં બેદી જીનિયસ છે.

ભૂતપૂર્વ વિકેટકીપર ફારુખ એન્જિનિયરે લખ્યું છે, “પાજીની બૉલિંગમાં વિકેટકીપિંગ કરવાનું કામ મહાન વિનુ માંકડનું વિકેટકીપિંગ કરવા જેવું હતું. તેમની આસાન બૉલિંગ ઍક્શન, લયમાં કવિતા વાંચવામાં આવતી હોય તેવી હતી. તેઓ બૅટ્સમૅનથી ક્યારેય ગભરાતા નહોતા. તેઓ બૅટ્સમૅનના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેતા હતા. તેમની આર્મર ઝડપી હતી અને લાઇન-લેન્થમાં વૈવિધ્ય હતું. તેમના ચહેરા પર કાયમ સ્મિત હોય છે અને જ્યાં રમ્યા ત્યાં અત્યંત લોકપ્રિય બન્યા.”

યોગાનુયોગ એ છે કે એન્જિનિયર માત્ર છ વર્ષના હતા ત્યારે તેમને વિનુ માંકડની બૉલિંગમાં વિકેટકીપિંગની તક મળી હતી.

ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે લખ્યું છે કે વસીમ અકરમનો ક્રિકેટ વિશ્વમાં ઉદય થયો ન હતો ત્યાં સુધી બેદી સર્વશ્રેષ્ઠ બૉલર હતા. 1971માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ દરમિયાન ત્રિનિદાદમાં રમાયેલી આખરી ટેસ્ટ વખતે બેદી પહેલીવાર પિતા બન્યા હતા અને તેમણે તેમના સંતાનનું નામ ગાવસ ઈન્દ્રસિંહ રાખ્યું હતું. ગાવસ્કર આ બાબતને પોતાના માટે મોટું સન્માન માને છે.

ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ લખે છે કે મારી કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં મેં બિશનબેદીને ખુલ્લા બટન અને ઊભા કૉલરવાળું શર્ટ પહેરીને બૉલિંગ કરતા જોયા હતા. બેદી કપિલદેવ પહેલાં કૅપ્ટન અને ભારતીય ટીમ 1990માં ન્યૂઝીલૅન્ડ તથા ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ ત્યારે મૅનેજર પણ હતા.

બિશનસિંહ બેદી સાથે દિવસ-રાત ગમે ત્યારે ક્રિકેટની વાત કરી શકાતી હતી. તેઓ 1976માં વેસલીન કાંડમાં સંડોવાયેલા ઇંગ્લૅન્ડના ઝડપી બૉલર જોન લીવર સામે તેમણે એકલે હાથે લડાઈ લડી હતી. કોઈ બૉલર વિકેટ લેવા માટે ખોટી રીત અપનાવે તે બેદીને તદ્દન અસ્વીકાર્ય હતું.

કપિલ લખે છે કે '1983ની વિશ્વકપ વિજેતા ટીમના પસંદગીકર્તાઓ પૈકીના એક બેદી હતા. તેના એક વર્ષ પછી ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમ દિલ્હીમાં હારી ગઈ ત્યારે મને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો ત્યારે પણ બેદી જ પસંદગીકર્તાઓ પૈકીના એક હતા.'

કપિલને તેમની ટેસ્ટ કારકિર્દીમાં એક જ વખત ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા અને એ માટે તેઓ ખુદને જવાબદાર ગણે છે.