46 સિક્સર સાથે અણનમ 404 રન, યુવરાજનો 25 વર્ષ જૂનો રેકૉર્ડ તોડનાર પ્રખર કોણ છે?

પ્રખર ચતુર્વેદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકના પ્રખર ચતુર્વેદીએ અંડર-19 કૂચ બિહાર ટ્રૉફીની ફાઇનલમાં મુંબઈની સામે 636 બૉલમાં અણનમ 404 રન ખડકી દીધા છે.

પ્રખર કોઈ પણ ટુર્નામેન્ટની ફાઇનલમાં 400 રન ફટકારનાર પહેલા ખેલાડી છે. આ સાથે જ તેમણેે યુવરાજસિંહનો 25 વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.

ભારતની 2007 અને 2011ના વિશ્વકપની જીત પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવનાર યુવરાજસિંહે 1999માં બિહાર સામે 358 રન બનાવ્યા હતા.

પ્રખરે પોતાની ઐતિહાસિક ઇનિંગમાં 46 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

જોકે ભારતમાં ટોચની અંડર-19 સ્થાનિક ક્રિકેટ સ્પર્ધામાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકૉર્ડ મહારાષ્ટ્રના વિજય જોલના ખાતે છે.

2011-12ની સિઝનમાં વિજય જોલે મહારાષ્ટ્ર તરફથી રમતી વખતે આસામ સામે અણનમ 451 રન બનાવ્યા હતા.

શિવમોગામાં રમાયેલી અંડર-19 કૂચ બિહાર ટ્રૉફીની ફાઇનલમાં પ્રખર ચતુર્વેદીના 404 રનની અણનમ ઇંનિગના સહારે કર્ણાટકે 222 ઓવરમાં 890 રન કર્યા અને મુંબઈ વિરુદ્ધ પહેલી ઇનિંગમાં મળેલી લીડના કારણે વિજેતા બની.

પ્રખર માટે આ એક ચમત્કારથી ઓછું નથી, કારણ કે તેમની પસંદગી અંડર-19 ટીમમાં થઈ ન હતી. જોકે હવે તેમની પસંદગી કર્ણાટકની રણજી ટીમમાં પણ થઈ શકે તેવી આશા છે.

પ્રખરની ઐતિહાસિક ઇનિંગ વિશે વાત કરતા તેમના કોચ, કર્ણાટકના પૂર્વ ઑલરાઉન્ડર અને અને મુખ્ય ચયનકર્તા કે જશવંતે સ્પૉર્ટસ વેબસાઈટ ક્રિકઇન્ફો સાથે વાત કરતા કહ્યું, “દુર્ભાગ્યવશ તેની પસંદગી અંડર-16માં ન થઈ. પ્રખરને એક તક આપવા માટે પસંદગીકારોએ ધ્યાન આપવું જોઈતું હતું.”

પ્રખરના કોચે શું કહ્યું?

ક્રિકઇન્ફોમાં છપાયેલા અહેવાલ અનુસાર પ્રખર એવા પરિવારમાંથી આવે છે જ્યાં શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. તેમના પિતા એક સૉફ્ટવૅર એન્જિનિયર છે અને માતા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થામાં (ડીઆરડીઓ) વૈજ્ઞાનિક છે.

તેમના કોચના કહેવા અનુસાર, પ્રખર સિક્સ ઍકેડૅમીમાં 2017માં જોડાયા જ્યારે તેમની ઉંમર 11 વર્ષની હતી.

પ્રખર ક્રિકેટ માટે ઘરેથી રોજ 80 કિલોમીટરની યાત્રા કરે છે. તેઓ દક્ષિણ બૅંગલુરુના ઇલેકટ્રોનિક સિટીથી ઉત્તર બૅંગલુરુના દેવનહલ્લી આવે છે.

મૅચમાં શું થયું?

પ્રખર ચતુર્વેદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંડર-19 કૂચ બિહાર ટ્રૉફીનો ફાઇનલમાં કર્ણાટકે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

શિવમોગામાં રમાઈ રહેલી ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા મુંબઈએ 114 ઓવરમાં 380 રન ફટકાર્યા હતા. મુંબઈના ઓપનિંગ બૅટ્સમૅન આયુષ મ્હાત્રેએ 17 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 145 રન ફટકાર્યા હતા. ઉપરાતં આયુષ વાર્તકે 98 બૉલમાં 73 રન કર્યા હતા.

કર્ણાટક તરફથી એચ. રાજે ચાર, એન સમર્થે અને એસ દ્રવિડે બે-બે વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ડી ગૌડા અને એ. રાજુએ પણ એક-એક વિકેટ ઝડપી હતી.

કર્ણાટક તરફથી પ્રખરે ઓપનિંગ કરતા 638 બૉલમાં અણનમ 404 રન ફટકાર્યા. ઉપરાંત હર્ષિલ ધામાણીએ પણ 228 બૉલમાં 19 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 169 રન ફટકાર્યા હતા.

કાર્થિકેય કેપી, હાર્દિક રાજ અને એન સમર્થે પણ અરધી સદી ફટકારી અને પ્રથમ ઇનિંગમાં કર્ણાટકનો સ્કોર 223 ઓવરના અંતે આઠ વિકેટે 890 પહોંચાડ્યો હતો.

મુંબઈ તરફથી પ્રેમ દેવકરે 136 રન આપીને ત્રણ વિકેટો ઝડપી હતી. જ્યારે મનન ભટ્ટ અને નૂતન ગોયલે બે-બે વિકેટ ઝડપી હતી. તો આકાશ પવારે 161 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી.

આમ, આ મૅચ ડ્રો રહી હતી. જોકે અંડર-19 કૂચ બિહાર ટ્રૉફીનો ફાઇનલમાં પ્રથમ ઇંનિગમાં મળેલી લીડના સહારે કર્ણાટક વિજયી બન્યું હતું.