અરુંધતી રૉય પર યુએપીએ હેઠળ કેસનો મતલબ શું અને હવે આગળ શું થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ લેખિકા અરુંધતી રૉય સામે યુએપીએ (અનલોફુલ ઍક્ટિવિટીઝ પ્રીવેન્શન ઍક્ટ) હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી છે. તેમની સાથે જ કાશ્મીરના ડૉક્ટર શેખ શૌકત હુસૈનની સામે આ કડક કાયદા હેઠળ કેસ ચાલશે.
આ મામલો 14 વર્ષ જૂનો છે અને અરુંધતી રૉય પર ભારતની એકતા અને અખંડતા વિરુદ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. વડા પ્રધાન મોદીનાં પ્રખર ટીકાકાર રહેલાં અરુંધતી રૉય પર વર્ષ 2010માં દિલ્હીમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર હેઠળ કેસ ચલાવવામાં આવશે.
ગત વર્ષે ઑક્ટોબરમાં ટેલિવિઝન ચેનલ અલજઝીરાને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા સંબંધે પીએમ મોદી સાથે જોડાયેલા એક સવાલ પર અરુંધતી રૉયે કહ્યું હતું કે, "હું હંમેશાં વડા પ્રધાન મોદીના વિરોધમાં રહી છું. તેઓ જ્યારે વર્ષ 2002માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે પણ હું તેમના વિરોધમાં હતી."
વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે સત્તાધારી ભાજપ ફાસીવાદી પક્ષ છે અને એક દિવસ આ દેશ તેની સામે ઊભો થશે.
અરુંધતી રૉયના કામ વિશે વધુ જાણકારી એકઠી કરવા માટે બીબીસીએ અનેક લેખકો, સમાજવિજ્ઞાનીઓ અને ઍક્ટિવિસ્ટ્સ સાથે વાત કરી હતી.
લેખિકા કે નિર્બળ લોકોનો અવાજ...કોણ છે અરુંધતી રૉય?

ઇમેજ સ્રોત, Getty Images
તેમના પુસ્તક 'ધી ગૉડ ઑફ ધી સ્મૉલ થિંગ્ઝ' માટે 1997માં બૂકર પ્રાઇઝ જીતનાર અરુંધતી રૉયે કુલ નવથી વધુ પુસ્તકો લખ્યાં છે.
તેમનું હાલનું પુસ્તક 'ધી મિનિસ્ટ્રી ઑફ અટમોસ્ટ હેપીનેસ' એ નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ ઍવૉર્ડના ફાઇનલિસ્ટમાંથી એક હતું.
તેઓ લગભગ 60 વર્ષનાં છે અને તેમણે દિલ્હી સ્કૂલ ઑફ આર્કિટેક્ચરથી ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તેમણે પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરુંધતી રૉયની જિંદગી હંમેશાં થોડી અલગ રહી છે. તેમણે 16 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું. તેઓ દિલ્હીની એક આર્કિટેક્ચર સ્કૂલમાં ગયાં, ગોવાના સમુદ્રતટે તેમણે કેક વેચી, ઍરોબિક્સ શીખવવાનું કામ કર્યું અને એક ઇન્ડિ ફિલ્મમાં કામ પણ કર્યું હતું.
તેમણે પોતાની પહેલી નવલકથા લખ્યા પહેલાં લગભગ પાંચ વર્ષ સુધી સ્ક્રીન-પ્લે લખવાનું કામ કર્યું હતું.
રૉયને વર્ષ 2002માં લન્નાન ફાઉન્ડેશન પ્રાઇઝ ફૉર કલ્ચરલ ફ્રીડમ, 2004માં સિડની પીસ પ્રાઇઝ, 2004માં નેશનલ કાઉન્સિલ ઑફ ટીચર્સ ઑફ ઇંગ્લિશ તરફથી આપવામાં આવતો જ્યૉર્જ ઓરવેલ ઍવૉર્ડ અને વિશિષ્ટ લેખન માટે વર્ષ 2011માં નૉર્મન મેલર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
અરુંધતી રૉયે સાત નૉન-ફિક્શનલ પુસ્તકો લખ્યાં છે. તેમાં વર્ષ 1999માં આવેલ 'કોસ્ટ ઑફ લિવિંગ' પણ સામેલ છે, જેમાં વિવાદાસ્પદ નર્મદા બંધ પરિયોજના અને પરમાણુ પરીક્ષણ કાર્યક્રમ માટે સરકારની કડક ટીકા કરવામાં આવી છે.
એ સિવાય તેમણે વર્ષ 2001માં 'પાવર પૉલિટિક્સ' નામનું પુસ્તક લખ્યું હતું જે નિબંધોનું સંકલન છે. એ જ વર્ષે તેમનું પુસ્તક 'ધી અલજેબ્રા ઑફ ઇન્ફાઈનાઈટ જસ્ટિસ' પણ આવ્યું હતું. એ પછી વર્ષ 2004માં 'ધી ઑર્ડિનર પર્સન્સ ગાઇડ ટુ એમ્પાવર' લૉન્ચ થયું હતું.
વર્ષ 2009માં અરુંધતી રૉયે 'ઇન્ડિયા: લિસનિંગ ટૂ ગ્રાસહૉપર્સ: ફીલ્ડ નોટ્સ ઑન ડેમૉક્રસી' નામનું પુસ્તક લઈને આવ્યાં. આ પુસ્તક એવા નિબંધો અને લેખોનો સંગ્રહ હતો, જે સમકાલીન ભારતમાં લોકશાહી તળે અંધારાની વાત કરતા હોય.
અરુંધતી રૉય અને વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
અરુંધતી 'નર્મદા બચાવો આંદોલન' સહિત દેશનાં અન્ય કેટલાંક આંદોલનોમાં સક્રિયપણે સામેલ હતાં. નર્મદા બચાવો આંદોલનનું નેતૃત્વ મેધા પાટકર દ્વારા કરવામાં આવ્યું હતું, આ માનવાધિકાર કાર્યકરોનું જૂથ ગુજરાતમાં સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત આદિવાસીઓના અધિકારોની હિમાયત કરી રહ્યું હતું.
આ ચળવળમાં રૉયની સહભાગિતાને ગુજરાતના ઘણા રાજકારણીઓ 'ગુજરાત વિરોધી વલણ' તરીકે જોતા હતા.
અરુંધતી રૉયના લેખ 'ધ ઍન્ડ ઑફ ઇમેજિનેશન'એ એક રાજકીય લેખિકા તરીકે તેમની શરૂઆતનો સંકેત આપ્યો. રૉયના લેખને ટાંકીને સિદ્ધાર્થ દેબે ધ ન્યૂયૉર્ક ટાઈમ્સમાં એક લેખમાં લખ્યું હતું, "રૉયે પરમાણુ પરીક્ષણના સમર્થકો પર સૈન્યશક્તિના પ્રદર્શનમાં આનંદ લેવાનો આરોપ મૂક્યો હતો. તેમણે (સમર્થકોએ) એ અંધરાષ્ટ્રવાદને અપનાવ્યો હતો કે જેના બળે આઝાદી પછી ભાજપ બીજી વખત સત્તામાં આવ્યો હતો."
રૉયનો આ લેખ આઉટલૂક અને ફ્રન્ટલાઈન જેવા પ્રતિષ્ઠિત સામયિકોમાં એક સાથે પ્રકાશિત થયો હતો અને તેમણે રાજકીય લેખક તરીકે ડેબ્યુ કર્યું હતું.
2002માં ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોથી તેઓ નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યાં છે. બાદમાં તેમણે ઓડિશામાં બૉક્સાઇટ ખાણકામ માટેની યોજનાઓ પર પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
રૉયે ભારતમાં નક્સલવાદી ચળવળ પર પણ ઘણું લખ્યું છે. તેમણે ઘણી વખત કહ્યું છે કે, "એક આદિવાસી કે જેને કશું જ નથી મળતું, તે સશસ્ત્ર સંઘર્ષોમાં સામેલ થવા સિવાય બીજું શું કરશે?"
ભાજપે આ વિશે શું કહ્યું?
દિલ્હીના ઉપરાજ્યપાલે યુએપીએ હેઠળ અરુંધતી રૉય સામે કાર્યવાહીને મંજૂરી આપ્યા બાદ ભાજપના પ્રવક્તા તુહિન સિંહાએ અરુંધતી રૉયના 14 વર્ષ જૂના નિવેદનની ટીકા કરી હતી.
તેમણે એક ન્યૂઝ ચેનલને કહ્યું કે રૉયને આવા બેજવાબદાર નિવેદનો કરવાની આદત છે.
આ એક જ કિસ્સા પર નજર કરીએ તો તે વર્ષ 2010નો કિસ્સો છે. જેમાં રૉયે કથિતપણે કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી. આ મામલાને એક તર્કસંગત અંત સુધી લાવવા માટે ઉપરાજ્યપાલની પ્રશંસા થવી જોઈએ.
અરુંધતીને ઓળખનારા લોકો તેમના વિશે શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, રૉય સાથે કામ કરનારા લોકોનો મત કંઈક અલગ છે.
નર્મદા બચાવો આંદોલનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગુજરાતના પર્યાવરણ કાર્યકર્તા રોહિત પ્રજાપતિએ આંદોલનના દિવસોમાં અનુભવ્યું હતું કે અરુંધતીના મનમાં આદિવાસીઓની સમસ્યાઓ દુનિયા સામે લાવવાનું એક અલગ જ ઝનૂન હતું. તેઓ સરળતાથી સામાન્ય લોકો સાથે જોડાઈ જતાં હતાં.
રોહિત પ્રજાપતિ કહે છે, "તેઓ ભારતના દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો જેવા અવાજહીન લોકોનો અવાજ છે. કાર્યકર્તા તરીકે, અમે તેમના (અવાજ વિનાના લોકો) માટે કામ કરીએ છીએ પરંતુ તેમના (અરુંધતી) જેવા લોકો છે જે આવા અવાજોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડે છે."
તેઓ કહે છે, "મેં આંદોલનોમાં તેમની સાથે કામ કર્યું છે અને અમે સારા મિત્રો છીએ. હું કહી શકું છું કે એ જે પણ વિચારે છે તે કરે છે અને દૃઢપણે કરે છે. અમુક લેખોમાં તેમની છાપથી ઊલટ તેમનો જમીની સ્તરે લોકો સાથે અતિશય ગાઢ જોડાણ છે અને તેમની આસપાસના તમામ લોકોને તેઓ નામથી ઓળખી શકે છે."
મઝદૂર કિસાન શક્તિ સંગઠનના નિખિલ ડેએ પણ નર્મદા બચાવો આંદોલન દરમિયાન અરુંધતી રૉય સાથે કામ કર્યું છે. રૉયના લેખન પ્રત્યેના શોખ વિશે વાત કરતાં તેઓ કહે છે, "તેમની પાસે લખવાનું કૌશલ્ય છે પરંતુ તેની સાથે તેમણે હંમેશાં એક લેખકના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું છે. તેમણે હંમેશાં કોઈ પણ ઍજન્ડા વિના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે."
પ્રખ્યાત લેખિકા અને માનવાધિકાર કાર્યકર્તા કવિતા કૃષ્ણનનું પણ કંઈક આવું જ કહેવું છે. તેઓ માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પરંતુ અરુંધતી જેવા લોકો વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે કહ્યું, "રૉય એક હિંમતવાન લેખિકા છે. મને ખાતરી છે કે જ્યારે તેઓ 2010માં કાશ્મીર પર બોલી રહ્યાં હતાં ત્યારે તેઓ જાણતાં હતાં કે તેમણે કેટલું મોટું જોખમ લીધું છે. તેથી હું તેના વિશે ચિંતિત પણ નથી. પરંતુ આ (યુએપીએ હેઠળનો કેસ) એ દુનિયાને ભારતમાં શું થઈ રહ્યું છે તે જણાવવાની એક સારી તક છે."
વડા પ્રધાન મોદીની ટીકા કરતાં કવિતા કૃષ્ણને કહ્યું હતું કે, "મોદી આવાં પગલાં ભરીને પોતાને વૈશ્વિક સ્તરે માત્ર ઉજાગર જ નથી કરી રહ્યા, પરંતુ પોતાને જ શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે."
અરુંધતી રૉયની ભારતીય સમાજને સમજવાની ક્ષમતા વિશે તેમણે કહ્યું કે, "તેઓ એવા કેટલાક લોકોમાંથી એક છે કે જેમાં ઠાંસીઠાંસીને ઈમાનદારી ભરેલી છે. આપણે તેમના લેખનમાં એ જોઈ શકીએ છીએ. તેઓ જમીનની હકીકતો સાથે જોડાઈ શકે છે અને પોતાને સમાજનો ભાગ ગણે છે. તેમનામાં પોતીકાપણાંની ભાવના છે. તેમના કામમાં ઈમાનદારી અને નિષ્ઠા છે."

ન્યૂયૉર્કમાં રહેતા ભારતીય લેખક અને સંપાદક સલિલ ત્રિપાઠી પણ અરુંધતી રૉયની હિંમત અને તેમનાં પોતાના વિચારોને વ્યક્ત કરવાની સ્પષ્ટતા તથા ઝનૂનનાં વખાણ કરે છે.
તેઓ કહે છે, "ભલે હું તેમના બધા જ વિચારો સાથે સહમત ન હોઈ શકું, પરંતુ હું તેમના વિચારો વ્યક્ત કરવાના અધિકારનું સન્માન કરું છું અને હંમેશાં તેમના હકનું સમર્થન કરીશ."
રૉયના કામ વિશે વાત કરતાં તેઓ કહે છે, "તેમના કારણે જ કઠોર પ્રતિક્રિયાઓ આવે છે. જે લોકો તેમનાથી સહમત છે તેઓ જોશપૂર્વક તેમનો બચાવ કરે છે. જેઓ તેમની સાથે અસહમત છે તેઓ તેમને એટલી જ ખરાબ રીતે નાપસંદ કરે છે. બંને પક્ષોના વિચારો ભલે મજબૂત થતા જાય પરંતુ અરુંધતી તેમના વિચારો નહીં બદલે, તેમણે અત્યાર સુધી કરેલું કામ આવી ઘટનાઓથી પ્રભાવિત નહીં થાય."
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ અરુંધતી રૉયને ઘણી વાર મળી ચૂક્યા છે. તેમની મુલાકાતો દરમિયાન તેમણે અનુભવ્યું છે કે અરુંધતી ભારતીય સમાજ વિશે અતિશય ઊંડી સમજણ ધરાવે છે અને પોતાના લેખન પ્રત્યે સમર્પિત છે. તેઓ કહે છે, "મેં અનુભવ્યું છે કે તેઓ તેમના વિચારોને લઈને અતિશય દૃઢ છે."
અરુંધતી રૉય પર યુએપીએ હેઠળ કેસનો મતલબ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અરુંધતી રૉય સાથે કામ કરી ચૂકેલા અથવા તો તેમના વાચક રહેલા લોકોનો તેમની સામે કેસ ચાલવા અંગે અલગ-અલગ મત છે.
સલિલ ત્રિપાઠી કહે છે, "પોતાને નબળી અને અસુરક્ષિત માનતી હોય તેવી સરકાર કે સમાજ જ અસહમતિના સ્વરને દબાવી શકે છે."
જ્યારે નિખિલ ડે સવાલ પૂછતાં કહે છે કે, "તેમના પર કેસ ચલાવીને ભારત કેવું ઉદાહરણ વિશ્વ સામે રજૂ કરી રહ્યું છે. હું આ વાતને સમજી નથી શકતો. જો તેઓ પોતાને અભિવ્યક્ત કરી રહ્યાં છે તો તમે તેમની અભિવ્યક્તિ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી શકો છો, પરંતુ તમે યુએપીએ જેવા ગંભીર કાયદા હેઠળ કઈ રીતે કેસ ચલાવી શકો. આ એવો કાયદો છે કે જે આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલો છે. દુનિયાભરના લોકો આ નિર્ણય પણ હસશે."
તેમણે કહ્યું હતું કે યુએપીએ જેવા કાયદાઓ હેઠળ અરુંધતી રૉય પર કેસ ચલાવવાથી નિશ્ચિતપણે એક લોકશાહી દેશ તરીકે ભારતની છબી ખરાબ થશે.
તેઓ કહે છે કે આવું પહેલી વાર બન્યું નથી કે અરુંધતી રૉય સત્તાની વિરોધમાં બોલ્યાં હોય. તેઓ પહેલાં પણ આમ કરતાં રહ્યાં છે અને તમામ મુશ્કેલીઓ વેઠીને તેમણ દલિતો, આદિવાસીઓ, મુસલમાનો અને વંચિત વર્ગો વિશે લખ્યું છે.
તેમણે કહ્યું, "મેં જોયું છે કે આવા દરેક મામલા પછી તેઓ પહેલાં કરતાં વધુ મજબૂત બનીને સામે આવ્યાં છે."
કેટલાક લેખકોએ 14 વર્ષ જૂના મામલામાં કેસ ચલાવવા માટે મંજૂરી આપવા બદલ ઉપરાજ્યપાલની ટીકા કરી હતી.
કવિતા કૃષ્ણને કહ્યું કે યુએપીએ હેઠળ લેખકો, પત્રકારો અને કાર્યકર્તાઓ પર આરોપો મૂકવા એ મોદી અને તેમની સરકાર એટલી હદે કરી રહી છે કે તેનાથી હવે ઊબકાં આવે છે.
તેઓ કહે છે, "મને લાગે છે કે આ મોદી માટે બેકફાયર થઈ શકે છે, કારણ કે આવાં પગલાંથી વિશ્વ જાણશે કે મોદી એક સરમુખત્યાર છે જે આપણા સમયના મહાન લેખકોમાંના એક પર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ લગાવે છે. મને લાગે છે કે આ ઘટનાક્રમ એ ભારતની લોકતાંત્રિક ચળવળ માટે ખૂબ સારો છે, કારણ કે તે મોદીને દુનિયાની સામે ઉજાગર કરશે. મને એ વાતમાં કોઈ શંકા નથી કે ઉપરાજ્યપાલ માત્ર મોદીના નિર્દેશો પર કામ કરી રહ્યા છે."
વૈશ્વિક સ્તરે શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘનશ્યામ શાહનું માનવું છે કે અરુંધતી રૉય સામે કેસ ચલાવવાથી નિશ્ચિતપણે અભિવ્યક્તિની આઝાદી જેવા લોકતાંત્રિક માપદંડોમાં ભારતનો રૅન્ક ખરાબ થશે.
જાણીતા લેખક આકાર પટેલે કહ્યું, "ફ્રીડમ હાઉસ, વેરાયટી ઑફ ડેમૉક્રેસિસ, ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ સહિત વૈશ્વિક સ્તરે અન્ય ઘણા લોકશાહી સૂચકાંકો પ્રમાણે ભારતનું રૅન્કિંગ ઘટ્યું છે. મને લાગે છે કે આ (કેસ) એક વિડંબના છે. તેનાથી દુનિયાને એ સંદેશ જશે કે અસહમતિનો સૂર મોદી સરકાર માટે અસહ્ય છે."
સલિલ ત્રિપાઠી કહે છે, "જો તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે તો એ ભારતની વૈશ્વિક છબીને જ નુકસાન પહોંચાડે છે. સભ્ય ગણાતા લોકશાહી દેશોમાં સમાજ એ તેના પ્રતિષ્ઠિત લેખકો અને કલાકારોનું સન્માન કરે છે. પછી ભલે શક્તિશાળી અને પ્રભાવશાળી ઉચ્ચ વર્ગના લોકો તેના વિચારોને પસંદ ન કરતાં હોય."
"માત્ર તાનાશાહી શાસનમાં જ લેખકોને આવી રીતે હેરાન કરવામાં આવે છે. બીજું કંઈ થાય કે ન થાય આ કેસ એ દૃષ્ટિકોણને મજબૂત કરશે કે સંસદીય બહુમત ન મળવાં છતાં પણ મોદી સરકારના ઈરાદાઓ બદલાયા નથી. તેઓ ચૂંટણી પરિણામોમાંથી ખોટો બોધપાઠ લઈ રહ્યા છે."
અરુંધતી રૉય માટે હવે આગળ શું?
અમદાવાદના વરિષ્ઠ વકીલ આઈ.એચ. સૈયદ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, "આ મામલામાં યુએપીએની કલમોને મંજૂરી આપવામાં અનુચિત રીતે મોડું થયું છે. જ્યાં સુધી મોડું કેમ થયું તેના માટે સ્પષ્ટીકરણ ન મળે ત્યાં સુધી કોર્ટ નિશ્ચિતપણે અરુંધતી રૉયનું જ સાંભળશે."
તેમણે કહ્યું, "અરુંધતી રૉય પણ આ જ તર્ક (મંજૂરીમાં મોડું)ના આધારે કેસને કોર્ટમાં પડકારી શકે છે."
ફ્રંટલાઇનમાં છપાયેલા એક અહેવાલ અનુસાર યુએપીએ હેઠળ અરુંધતી રૉય સામે કેસ ચલાવવો એ કાયદાકીય રીતે નબળું સાબિત થઈ શકે છે, કારણ કે કેસમાં સ્પષ્ટીકરણ ખૂબ ઓછું છે.
રૉય અને કાશ્મીરના શિક્ષણવિદ શેખ શૌકત હુસૈન સામે આઈપીસીની કલમો 153-એ, 153-બી, 504, 505 અને યુએપીએની કલમ 13 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
કલમ 153 ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. કલમ 153-બી રાષ્ટ્રીય એકતા માટે હાનિકારક આરોપો અને નિવેદનો માટે સજાની જોગવાઈ કરે છે. કલમ 505 જાણી જોઈને શાંતિનો ભંગ કરવાના ઈરાદા સાથે સંબંધિત છે.












