દિલ્હી રમખાણનાં ચાર વર્ષ: સેંકડો એફઆઈઆર અને ધરપકડ, ન્યાય કેટલાને મળ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
ચાર વર્ષ અગાઉ દિલ્હીના ઉત્તર-પૂર્વમાં 23થી 26 ફેબ્રુઆરી, 2020 વચ્ચે રમખાણ થયાં હતાં.
આ રમખાણોમાં 53 લોકોના જીવ ગયા હતા. ચાર દિવસો સુધી ચાલેલાં રમખાણોમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. કેટલાય લોકોનાં ઘર અને દુકાનોમાં આગ લગાવી દેવાઈ હતી.
દિલ્હી પોલીસના આંકડા જણાવે છે કે મૃત્યુ પામનારામાં 40 મુસલમાન અને 13 હિન્દુ હતા.
પરંતુ આ રમખાણોમાં પીડિતો અને તેમના પરિવારજનોની ન્યાયની લડાઈ હજુ પણ ચાલુ છે.
બીબીસીએ આવા જ કેટલાક પરિવાર સુધી પહોંચીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેમની લડાઈ ક્યાં સુધી પહોંચી છે.
'પોલીસે કહ્યું કે નિવેદન બદલી દો'
આ માટે અમે સૌથી પહેલાં ઉત્તર પૂર્વ દિલ્હીના કર્દમપુરી વિસ્તારમાં ગયા. રમખાણો દરમ્યાન કર્દમપુરી વિસ્તારનો એક વીડિયો વાઇરલ થયો હતો.
આ વીડિયોમાં પોલીસની વર્દીમાં દેખાતા કેટલાક લોકો પાંચ યુવકોને ડંડાથી ફટકારતા નજરે પડતા હતા.
આ લોકો તે યુવકોને ‘જન ગણ મન’ અને ‘વંદે માતરમ’ ગાવાનું કહી રહ્યા હતા. આ વીડિયો આજે પણ ઇન્ટરનેટ પર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દિલ્હી રમખાણોમાં જે મામલાઓને કારણે દિલ્હી પોલીસની ભૂમિકા પર સૌથી વધારે સવાલો ઊભા થયા છે તેમાંથી આ એક મહત્ત્વપૂર્ણ મામલો છે.
વીડિયોમાં નજરે પડેલા પાંચ યુવકોમાં એક ફૈઝાન પણ હતા. 2020માં ફૈઝાનનું મૃત્યુ 26 ફેબ્રુઆરીએ થયું હતું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કર્દમપુરીના સાંકડા વિસ્તારમાંથી પસાર થતા અમે ફૈઝાનના ઘર સુધી પહોંચ્યા.
ઘરે ફૈઝાનનાં માતા કિસ્મતૂન હતાં. ઘરની સ્થિતિ બતાવતાં કિસ્મતૂને અમને કહ્યું કે ફૈઝાનની કમાણીથી જ તેમનું ઘર ચાલતું હતું.
તેઓ અમને એ જગ્યાએ લઈ ગયાં, જ્યાં તેમનો દાવો છે કે તેમના દીકરા સાથે મારપીટ કરાઈ હતી.
ફૈઝાનનું મૃત્યુ કેવી રીતે થયું અને તેમનો કેસ ક્યાં પહોંચ્યો છે? આ સવાલ પર કિસ્મતૂન કહે છે, ''ચાર વર્ષ થઈ ગયાં છે. હજી સુધી કંઈ થયું નથી. આ જ આઘાતમાં મારી તબિયત બગડી જાય છે. એક દિવસે પોલીસવાળા આવ્યા અને કહેવા લાગ્યા કે નિવેદન બદલી દો.''
કિસ્મતૂન જણાવે છે કે આ ઘટના પછી પોલીસ ફૈઝાનને પહેલાં હૉસ્પિટલ લઈ ગઈ અને પછી તે એક દિવસ માટે જ્યોતિનગર પોલીસ સ્ટેશનમાં રહ્યો.
આ પછીના દિવસે પોલીસે અમને કહ્યું કે તમે તમારા દીકરાને લઈ જાવ. 26 ફેબ્રુઆરીએ ફૈઝાનનું મોત થઈ ગયું.
પણ પોલીસ તરફથી કોર્ટમાં અપાયેલા દસ્તાવેજો અનુસાર, “ફૈઝાન સાથે કોઈ દુર્વ્યવહાર નથી કરાયો, તે તેની મરજીથી પોલીસ સ્ટેશનમાં રોકાયો હતો.”
ચાર વર્ષ પછી પણ આ કેસમાં પોલીસ તપાસ પૂરી નથી થઈ.
પુત્રને ન્યાય ના મળતો જોઈને કિસ્મતૂને 2020માં દિલ્હી હાઈકોર્ટમાં ધા નાખી.
તેઓ કહે છે કે તેમની બસ એક જ ઇચ્છા છે કે તેમના પુત્રના ગુનેગારોને સજા મળવી જોઈએ.
દિલ્હી હાઈકોર્ટમાં કિસ્મતૂનનો કેસ વકીલ વૃંદા ગ્રોવર લડી રહ્યાં છે.
તેઓ જણાવે છે કે કેસમાં ધરપકડ તો દૂર પણ પોલીસવાળાની ઓળખ પણ નથી થઈ.
દિલ્હી રમખાણોમાં પોલીસનું વલણ કેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
વૃંદા ગ્રોવર કહે છે, ''આમ તો ભારતમાં પોલીસનું વલણ એવું હોય છે કે શંકાના આધારે પણ ધરપકડ કરી લે છે અને ન્યાયાલયમાં કહે છે કે કસ્ટડીમાં પૂછપરછની સખત જરૂર છે. આ કેસમાં દરેક બાબત ધીમી ગતિએ ચાલે છે. દરેક તારીખે કોર્ટ સામે એક નવી વાર્તા રજૂ કરી દેવાય છે.''
તેમણે આગળ જણાવ્યું, ''મુશ્કેલી એ છે કે અહીં એક સામાન્ય ગરીબ વર્ગના મુસલમાન યુવકની હત્યા થઈ છે અને પોલીસે જ તેની તપાસ કરવાની છે. એ દિવસે ફરજ પર કોણ હતું, આ બધાના કાગળ પોલીસ પાસે હોય છે. એના પરથી તમે આ તપાસ કરી શકો છો. અમારું માનવું છે કે આની તપાસ આવી રીતે ચાલતી રહી તો આગામી છ વર્ષ સુધી તપાસ ચાલતી રહેશે. આમાં વિશેષ તપાસ ટીમની જરૂર છે.''
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એ જરૂરી છે કે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કૅમેરા હોય. પરંતુ વકીલ વૃંદા ગ્રોવર કહે છે કે પોલીસે કહ્યું છે કે એ સમયે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કૅમેરા ચાલુ નહોતા.
કૌસરઅલીનું ઘર ફૈઝાનના ઘરથી થોડે દૂર છે. આ જ વીડિયોમાં જેમને માર મારવામાં આવી રહ્યો હતો તે લોકોમાં કૌસરઅલી પણ એક હતા.
તેઓ કહે છે કે તે દિવસની યાદ આજે પણ તેના શરીરમાં કંપારી પેદા કરે છે.
તેઓ કહે છે, “તે દિવસે જે બન્યું તે પછી હું હજી પણ પોલીસથી ડરું છું. એવું લાગે છે કે તેઓ મને ફરીથી લઈ જશે. હું ઇચ્છું છું કે ગુનેગારોને સજા મળે."

હકીકતમાં દિલ્હી પોલીસે એ વાતનો ઇનકાર કર્યો નથી કે આ વીડિયોમાં ફૈઝાન અને કૌસર સહિત લોકોને મારતા દેખાતા લોકો પોલીસકર્મી હતા.
પણ દિલ્હી પોલીસે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું કે તે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.
આ મામલામાં પીડિત પક્ષની દલીલ અદાલતમાં પૂર્ણ થઈ ગઈ છે અને જ્યારે પોલીસે પોતાની દલીલો રજૂ કરવાની છે.
દિલ્હી પોલીસની તપાસમાં આ મામલે કેટલી આગળ વધી એ જાણવા માટે અમે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો.
દિલ્હી રમખાણોની તપાસ માટે બનેલી એસઆઈટીનું નેતૃત્વ કરનારા આઈપીએસ અધિકારી રાજેશ દેવે આ મામલો કોર્ટમાં હોવાથી વાત કરવાનો ઇનકાર કરી દીધો.
હાલ તો અમે એ સમજવાનો પ્રયાસ કર્યો કે આખરે દિલ્હી રમખાણો પર પોલીસના આંકડા શું કહે છે?
શું કહે છે આંકડા?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી પોલીસનાં સૂત્રો પાસેથી બીબીસીને મળેલી માહિતી મુજબ, પોલીસે રમખાણો સંબંધિત કુલ 758 એફઆઈઆર નોંધી છે.
અત્યાર સુધીમાં કુલ 2,619 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાંથી 2,094 લોકો જામીન પર બહાર છે.
કોર્ટે અત્યાર સુધીમાં માત્ર 47 લોકોને જ દોષિત જાહેર કર્યા છે અને 183 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
પૂરતા પુરાવાના અભાવે કોર્ટે 75 લોકો સામેનો કેસ રદ કર્યો છે.
ન્યૂઝ વેબસાઇટ 'ધ પ્રિન્ટ'માં છપાયેલા અહેવાલ અનુસાર, દિલ્હી રમખાણોમાં માર્યા ગયેલા 53 લોકોના મોત સાથે જોડાયેલા મામલામાંથી 14 કેસમાં હજુ પણ તપાસ ચાલી રહી છે.
અમે આવા જ કેસમાં પીડિતાના પરિવારનો સંપર્ક કર્યો છે, પરંતુ તપાસ ચાલુ હોવાથી બીબીસી કુલ કેસોની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી શક્યું નથી.
સીસીટીવી તોડતા 'પોલીસવાળા'

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય એક ઘટનામાં ઉત્તર પૂર્વ દિલ્હીના ખુરૈજીમાં સીએએ વિરોધ સ્થળ નજીક પોલીસ ગણવેશમાં કેટલાક લોકો સીસીટીવી કૅમેરા તોડતા જોવા મળ્યા હતા.
આ વીડિયો પણ ઘણો વાઇરલ થયો હતો.
શું આ કેસમાં પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી હતી?
આ સવાલ પર દિલ્હી રમખાણો સાથે સંબંધિત ઘણા કેસોમાં પીડિતોના પક્ષના વકીલ મહમૂદ પ્રાચા કહે છે, "જે કેસમાં તેમનું નામ આવ્યું છે તેમાં પણ દિલ્હી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. આ રીતે પીઆઈએલમાં જે કાર્યવાહી થવી જોઈતી હતી તે કરવામાં આવી નથી.”
બીબીસીએ પણ દિલ્હી પોલીસ પાસેથી આ મામલાની માહિતી માટે પ્રયાસ કર્યો, પરંતુ હજુ સુધી દિલ્હી પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
રતનલાલ-અંકિત શર્મા કેસમાં શું થયું?

ઇમેજ સ્રોત, DHEERAJ BARI
પણ એવું નથી કે દિલ્હી પોલીસની તપાસની ગતિ બધા મામલામાં ધીમી છે.
દિલ્હી રમખાણોમાં ફરજ દરમિયાન માર્યા ગયેલા હેડ કૉન્સ્ટેબલ રતનલાલના કેસમાં દિલ્હી પોલીસે અત્યાર સુધી ઓછામાં ઓછા 24 લોકોની ધરપકડ કરી. જેમાંથી 10 વ્યક્તિ જામીન પર છૂટી ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગયા વર્ષે રતનલાલ કેસમાં મણિપુર અને બૅંગલુરુમાંથી બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આ કેસમાં પાંચ ચાર્જશીટ દાખલ કરી છે. પરંતુ આ કેસમાં પણ હજુ સુનાવણી શરૂ થઈ નથી.
ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતા અંકિત શર્માની હત્યા કેસમાં 11 આરોપીની ધરપકડ કરાઈ છે.
અંકિત શર્માનો મૃતદેહ ચાંદબાગના એક નાળામાંથી 28 ફેબ્રુઆરી 2020ના રોજ મળ્યો હતો.
ચાર્જશીટ મુજબ તેમના શરીર પર 51 ઘા હતા. મીડિયામાં છપાયેલા સમાચારો મુજબ, આ કેસમાં એક આરોપીને દિલ્હી પોલીસે ઑક્ટોબર 2022માં તેલંગણાથી પકડ્યો હતો.
ગયા વર્ષે માર્ચ મહિનામાં ન્યાયાલયે આરોપીઓ સામે આરોપો ઘડ્યા હતા અને હવે સાક્ષીઓનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે.
ઉમર ખાલિદ અને FIR નંબર 59

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચનું કહેવું છે કે દિલ્હી રમખાણો પાછળ એક ઊંડું કાવતરું હતું, જેનો પાયો 2019માં સીએએ અને એનઆરસીના વિરોધમાં નખાયો હતો.
આ ષડયંત્રનો ઉલ્લેખ એફઆઈઆર નંબર 59/2020માં કરવામાં આવ્યો છે, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.
ડિસેમ્બર 2019માં કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો પસાર કર્યો હતો. આ અંતર્ગત બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના છ લઘુમતી સમુદાયો (હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી અને શીખ)ના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
તેની સામે દેશભરમાં દેખાવો થયા હતા. કોર્ટના આદેશ અનુસાર, એફઆઈઆર નંબર 59માં અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી છ હાલ જામીન પર બહાર છે. આ કેસમાં પણ હજુ સુનાવણી શરૂ થઈ નથી.
દિલ્હી પોલીસ જેએનયુના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદને દિલ્હી રમખાણના માસ્ટર માઇન્ડ માને છે. ઉમર ખાલિદ સપ્ટેમ્બર 2020થી જેલમાં છે.
તેમના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ) અને ભારતીય દંડ સંહિતા હેઠળ આતંકવાદ, રમખાણો અને ગુનાહિત ષડયંત્ર રચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
યુએપીએ હેઠળ જામીન મેળવવા સરળ નથી. ઉમર ખાલિદની જામીન અરજી બે અલગ-અલગ અદાલતોએ બે વખત ફગાવી દીધી છે.
તેમની જામીન અરજી મે, 2023થી જાન્યુઆરી, 2024 સુધી સુપ્રીમ કોર્ટમાં પૅન્ડિંગ રહી, પરંતુ તેના પર એક વખત પણ ચર્ચા શરૂ થઈ શકી નહીં.
હવે તેમણે સુપ્રીમ કોર્ટમાંથી પોતાની જામીન અરજી પાછી ખેંચી લીધી છે અને કહ્યું છે કે તે હવે ટ્રાયલ કોર્ટમાં તેઓ પાછા જશે.
ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસનું કહેવું છે કે લગભગ 15-20 દિવસ પહેલાં તેમણે તેમના પુત્ર સાથે વાત કરી હતી.
ઉમરના કેસની ટ્રાયલમાં વિલંબ પર તેઓ કહે છે, "જરા કલ્પના કરો, સાડા ત્રણ વર્ષ ટ્રાયલ વગર પસાર થઈ ગયાં. ચાર વર્ષથી કેસ શરૂ થયો નથી. આ હેરાનગતિ નથી તો શું છે? નીચલી કોર્ટમાં દોઢ વર્ષથી જામીન પર ચર્ચા ચાલી હતી. ત્યાર બાદ અમે હાઈકોર્ટમાં ગયા."
તેઓ આગળ જણાવે છે કે, “જામીન અરજી પર છ મહિના સુધી ચર્ચા થઈ અને પછી ઑર્ડરને ચાર મહિના માટે અનામત રાખવામાં આવ્યો. આ કેસ મે, 2023થી સુપ્રીમ કોર્ટમાં લિસ્ટેડ છે. 14 વખત લિસ્ટ થયો છે. તે દર વખતે સ્થગિત થઈ રહ્યો છે. મને લાગે છે કે આ આખો મામલો બનાવટી છે. જ્યારે તે ટ્રાયલમાં જશે ત્યારે પોલીસ કેવી રીતે પોતાનો બચાવ કરશે તે ખબર નથી.”
જોકે, ઉમર ખાલિદના પિતાનું કહેવું છે કે તેમને હજુ પણ દેશની ન્યાય વ્યવસ્થામાં પૂરો વિશ્વાસ છે.
કોર્ટની ટિપ્પણી

ઇમેજ સ્રોત, Getty Images
આ ચાર વર્ષ દરમિયાન કોર્ટમાં સુનાવણી દરમિયાન એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે કોર્ટે દિલ્હી પોલીસ પર આકરી ટિપ્પણી કરી અને તેમની તપાસના સ્તરને નબળું ગણાવ્યું.
ઑગસ્ટ 2023માં દયાલપુર પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર 71/20માં રમખાણોના કેસમાં ત્રણ લોકોની રમખાણો ફેલાવવા મામલે થયેલી ધરપકડ બાબતની સુનાવણી કરતી વખતે, કડકડડુમા કોર્ટમાં ન્યાયાધીશ પુલસ્ત્ય પ્રમચલાએ કહ્યું, "આ ઘટનાઓની યોગ્ય અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે. આ કેસમાં ચાર્જશીટ પૂર્વગ્રહ સાથે અને શરૂઆતમાં થયેલી ભૂલોને છુપાવવા માટે ખોટી રીતે દાખલ કરવામાં આવી છે. જેથી શરૂઆતમાં થયેલી ભૂલોને છુપાવી શકાય.”
આ ત્રણ લોકો પર પથ્થર ફેંકવાની, કારમાં આગ લગાવવી, સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવાનો આરોપ છે.
સપ્ટેમ્બર 2021માં દિલ્હીની કડકડડુમા કોર્ટમાં ન્યાયાધીશ વિનોદ યાદવે આ ત્રણ લોકોને નિર્દોષ જાહેર કરતી વખતે ટિપ્પણી કરી હતી, "જો ઇતિહાસ આઝાદી પછી દિલ્હીમાં સૌથી ભયાનક સાંપ્રદાયિક રમખાણો જોશે, તો આમાં તપાસ એજન્સીઓની નિષ્ફળતા પર લોકશાહીના સમર્થકોની નજર જશે કે કેવી રીતે તપાસ એજન્સીઓ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં કેવી રીતે નિષ્ફળ રહી.”
અગાઉ 2022માં ચાર ભૂતપૂર્વ ન્યાયાધીશો અને ભારતના ભૂતપૂર્વ ગૃહ સચિવે દિલ્હી રમખાણો પર એક ફૅક્ટ ફાઇન્ડિંગ અહેવાલ બહાર પાડ્યો હતો.
રિપોર્ટમાં દિલ્હી પોલીસની તપાસ પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રાલય, દિલ્હી સરકાર અને મીડિયાની ભૂમિકા પર પણ આકરી ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
પટના હાઈકોર્ટનાં ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સુપ્રીમ કોર્ટનાં વકીલ અંજના પ્રકાશ આ અહેવાલનાં સહ-લેખિકા હતાં.
તેઓ કહે છે, “ઘણા સાક્ષીઓનાં નિવેદનો મોડેથી નોંધવામાં આવ્યા હતા. હવે દિલ્હી પોલીસ આ નિવેદનોને આરોપીઓના નિવેદનો સાથે મૅચ કરવાનો પ્રયાસ કરી રહી છે. કરોળિયાના જાળાની કલ્પના કરો, પરંતુ કરોળિયાના જાળાને યોગ્ય રીતે રાખવું મુશ્કેલ છે. તેમાં જો એક તાર પણ તૂટે તો આખું જાળું તૂટી જશે."
આ જ ફૅક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટમાં કહેવાયું હતું કે કપિલ મિશ્રા જેવા ભાજપના નેતાઓએ આપેલાં ભાષણોએ લોકોને ઉશ્કેર્યા હતા, જેનાથી હિંસા ફેલાઈ હતી. જોકે હજુ સુધી ભાજપના નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.
સામાજિક કાર્યકર્તા હર્ષ મંદરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવે.
આ અરજી હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
જુલાઈ 2020માં દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે ભાજપના નેતા કપિલ મિશ્રા અને અન્ય ભાજપના નેતાઓ વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી કે તેમના ભાષણથી રમખાણો ભડક્યાં.
શું કહ્યું દિલ્હી પોલીસે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ દિલ્હી પોલીસ પરના તમામ આરોપો અને કેસની સ્થિતિ અંગે દિલ્હી પોલીસ સાથે વાત કરવાના ઘણા પ્રયાસો કર્યા.
દિલ્હી પોલીસના એડિશનલ જનસંપર્ક અધિકારી રંજય અત્રિશ્યાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "અત્યાર સુધી જે તપાસ હાથ ધરાઈ છે તે કાયદા અનુસાર કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ અમે ઘણા કેસોમાં અમારો અંતિમ અહેવાલ દાખલ કર્યો છે. કેસની સુનાવણી હજુ ચાલી રહી હોવાથી તે અદાલતોના કાર્યક્ષેત્રમાં આવે છે. જે કેસોમાં તપાસ ચાલુ છે, અમે અંતિમ અહેવાલ સુપરત કરીશું. દોષિતો સામે દંડનીય કાર્યવાહી કરાશે. ભલે તે કોઈ પણ હોય.”
આ રમખાણોમાં અનેક લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. વર્ષો વીતી ગયાં પણ પીડિત પરિવારોની ન્યાય માટેની લડતનો અંત આવતો નથી.
રમખાણો કેવી રીતે શરૂ થયાં અને આ રમખાણોને કોણે ફેલાવ્યાં?
રમખાણો દરમિયાન પોલીસની ભૂમિકા અને તેની તપાસ પર કેવા પ્રકારના સવાલો ઉઠાવવામાં આવ્યા હતા? દિલ્હી પોલીસે તેના વિશે શું કર્યું? આવા ઘણા પ્રશ્નો છે, જેના જવાબો હજુ સુધી મળ્યા નથી.














