કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ પર દબાણ વધાર્યું છે? નિવૃત ન્યાયાધીશ જણાવે છે કે...

જસ્ટિસ સંજય કિશન કૌલ
    • લેેખક, ઉમંગ પોદ્દાર
    • પદ, બીબીસી સંવાદદાતા

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સંજય કિશન કૌલે કહ્યું કે દેશમાં બહુમતીની સરકાર ન્યાયતંત્ર પર દબાવ બનાવે છે, પરંતુ તે વર્ષોથી થઈ રહ્યું છે.

બીબીસી સાથેની વિશેષ વાતચીતમાં તેમને કહ્યું કે 1950 પછી આવું ઘણી વાર થયું છે.

તેમણે આ વાતચીત દરમિયાન 1975થી 1977 સમયે લાગેલી ઇમર્જન્સીની વાત કરી અને તે દરમિયાન ન્યાયપાલિકા ઉપર ઉઠેલા સવાલોની પણ ચર્ચા કરી હતી.

અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે જસ્ટિસ કોલે કહ્યું કે આ એક સામાજિક સમસ્યા છે અને આ ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે સમાજમાં આવી સમસ્યાઓ વધી છે.

બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે જજોની નિયુક્તિ, સમલૈંગિક લગ્ન અને કલમ 370 પર આવેલા ચુકાદાઓનો પણ બચાવ કર્યો.

વીડિયો કૅપ્શન, સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ એસ. કે. કૌલ નિવૃત્ત થયા. તેમની સાથે ખાસ મુલાકાત.

ન્યાયતંત્રની સ્વતંત્રતા કેટલી છે?

ન્યાયપાલિકા

ઇમેજ સ્રોત, Getty Images

સવાલ – શું તમને લાગે છે પહેલાં ન્યાયાધીશો જે રીતે ચુકાદાઓ આપી શકતા કે આપતા, આજે પણ તે જ રીતે નિર્ણય આપી શકે છે કે તેમાં કોઈ ફર્ક પડ્યો છે?

જસ્ટિસ કૌલ – “જુઓ, આ એક પ્રક્રિયા રહી છે, જો તમે 1950થી જોશો તો આ એક પ્રક્રિયા રહી છે.”

વર્ષ 1975થી 1977 દરમિયાન પણ એક પ્રક્રિયા રહી હતી. હું કહીશ કે ન્યાયતંત્ર અને વહીવટીતંત્રમાં હંમેશાં થોડી ખેંચતાણ રહે છે અને થોડી ખેંચતાણ સારી પણ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ન્યાયતંત્રનું કામ છે, સંતુલન બનાવી રાખવું. આપણી પાસે ચૂંટણી વ્યવસ્થાવાળી લોકશાહી છે. જ્યારે ગઠબંધનવાળી સરકારો ચૂંટાય છે, ત્યારે ન્યાયતંત્ર ઉપર દબાણ થોડું ઓછું થઈ જાય છે.

જ્યારે કોઈ ભારે બહુમતી સાથે ચૂંટાય છે, ત્યારે તેમને લાગે છે કે અમારી પાસે લોકોનું સમર્થન છે તેમ છતાં ન્યાયતંત્ર અમારાં કામમાં રોડાં કેમ નાખે છે? આવી સરકારો ન્યાયતંત્ર ઉપર દબાવ વધારે છે અને આ ખેંચતાણ ચાલતી રહે છે.

સવાલ – શું ન્યાયતંત્ર પર અત્યારે દબાણ વધ્યું છે?

જસ્ટિસ કૌલ – દબાણ એક રીતની એક લાઇન છે, જેની એક તરફ ન્યાયતંત્ર છે અને બીજી તરફ વહીવટીતંત્ર.

મારું માનવું છે કે જ્યારે ગઠબંધનની સરકારો આવે છે ત્ચારે ન્યાયતંત્ર તે લાઇનને પાર કરે છે, પરંતુ જ્યારે પૂર્ણ બહુમતની સરકારો આવે છે, ત્યારે અદાલતોને પીછેહટ કરવી પડે છે.

ન્યાયતંત્ર આવા કિસ્સામાં પીછેહઠ કરે છે કારણ કે બહુમતવાળી સરકારો માને છે કે તે જે કોઈપણ કાયદાઓ લાવે છે તે લોકોના સમર્થન સાથે લાવે છે. આ માટે જનમતનું સમ્માન થવું જોઈએ કારણ કે આ લોકશાહી છે.

કોર્ટની આમાં દખલ ઓછી હોવી જોઈએ. આવા કિસ્સાઓમાં ન્યાયતંત્ર જ્યારે પડકાર આપે છે, ત્યારે તેમને લાગે છે કે સંસદે તો કાયદો પાસ કરી દીધો અને કાયદો બનાવવોએ અમારું કામ છે. ન્યાયતંત્ર આ બાબતોમાં કેમ દખલ કરે છે.

જો કે ન્યાયતંત્રનું કામ જ એ જોવાનું છે કે કયા કેસમાં દખલ દેવાની જરૂર છે. ન્યાયતંત્ર અને વહીવટીતંત્ર વચ્ચે થોડોક મતભેદ રહે તે સારું છે અને તે સિસ્ટમનું વૈવિધ્ય દેખાડે છે.

સવાલ – તમે જ્યારથી ન્યાયાધીશ બન્યા છો, ત્યારથી અત્યાર સુધીમાં તમને ભારતમાં બોલવાની સ્વતંત્રતા વિશે કોઈ પ્રકારનું વલણ દેખાઈ રહ્યો છે? તમને લાગે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતામાં ઘટાડો થયો છે?

જસ્ટિસ કૌલ – મારો મત એ છે કે જે લખે છે, તેમને લખવાની સ્વતંત્રતા આપો. જે ચિત્રો બનાવે છે તેને ચિત્રો બનાવવાની સ્વતંત્રતા મળે. મારું પોતાનું માનવું છે કે ભારતનો સમાજ ખૂબ જ ઉદાર રહ્યો છે.

દરેક ધર્મની અલગ-અલગ માન્યતાઓ છે અને આટલી વિવિધતાથી ભરેલા દેશને એકસાથે રહેવા માટે એકબીજાને સહન કરવાનું તો શીખવું જ પડશે. મને એ વાતનો પૂરો વિશ્વાસ છે કે આ દેશમાં દરેક વ્યક્તિને તેનું જીવન પોતાની મરજીથી જીવવાનો અધિકાર છે.

સવાલ – શું તમને એવું લાગે છે કે આ સમયમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નકારાત્મક અસર પડી છે? જેમકે ભારતનો પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક ઘણો નીચે ગયો છે. કંઈ લખવા કે કંઈ કરવાને લીધે પત્રકારો વિરુદ્ધ મુકદ્દમાઓ વધી રહ્યા છે?

જસ્ટિસ કૌલ – જુઓ ક્યાંકને ક્યાંક અમુક સમસ્યાઓ સામે આવી છે, પરંતુ હું તેને કોઈ એક નિશ્ચિત સમયગાળામાં નહીં બાંધું.

હું એને એક સામાજિક સમસ્યા રૂપે જોઉં છું. તમે જો આપણા સમાજનું નિરિક્ષણ કરશો તો કયાંક ને કયાંક એકબીજા પ્રત્યે આપણી સહનશીલતા ઓછી થઈ છે.

હું અહીં માત્ર દેશની જ વાત નથી કરી રહ્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ સમસ્યા છે.

હું માનું છું કે દર વખતે 'હું જ સાચો છું' તેવું ન હોવું જોઈએ. જ્યારે આવું થાય છે, ત્યારે જ કોઈ કહે છે કે તું ભક્ત છે કે તું વિરોધી છે.

ન્યાયતંત્રમાં યૌનશોષણનાં કેસો

સર્વોચ્ચ ન્યાયાલય

ઇમેજ સ્રોત, ANI

સવાલ – ઉત્તર પ્રદેશની એક મહિલા સિવિલ જજે ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્રમાં લખ્યું છે કે તેમના જિલ્લા જજે તેમનું યૌન શોષણ કર્યુ છે. ત્યાર પછી પણ તેમને આઈસીસીમાં ફરિયાદ નોંધાવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મહિલા જજે હવે કહી રહ્યાં છે કે તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી મળે કેમકે હવે તેમને જીવવાની કોઈ ઇચ્છા રહી નથી. આવા કિસ્સા આપણે પહેલાં પણ જોયા છે જેમકે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ઉપર પણ આ પ્રકારના આરોપ લાગ્યા હતા. હવે જિલ્લા ન્યાયતંત્રના જજ પર આવા આરોપ લાગી રહ્યા છે. શું તમને લાગે છે કે ન્યાયતંત્ર આ ફરિયાદોનું નિવારણ કરવામાં સંપૂર્ણપણે અસમર્થ રહ્યું છે?

જસ્ટિસ કૌલ – જુઓ, ભગવાન ન્યાયાધીશોને કંઈ ઉપરથી નથી મોકલતા. તે પણ આપણા સમાજનો એક ભાગ જ છે. ન્યાયાધીશો પાસેથી સ્વાભાવિક રીતે લોકોની અપેક્ષાઓ વધારે હોય છે. અમુક કેસો છે જેનું નિવારણ લાવી શકાય છે, પરંતુ આ એક ખાસ કેસ છે જેની મને જાણકારી નથી.

દરેક કેસમાં એક આરોપ હોય છે અને એક બચાવનો પક્ષ હોય છે. શું આપણે આરોપોને જ અંતિમ માની લેવા જોઈએ? શું આરોપોની તપાસ વગર બીજા વ્યક્તિનું જીવન બરબાદ કરી દેવું કેટલું યોગ્ય છે?

હું એને આવેશમાં આવીને આપેલો એક પ્રતિસાદ માનું છું કે, 'મને મરવાની અનુમતિ આપો.' તેમણે પત્ર લખ્યો છે તો તેની નોંધ લેવાઈ છે. મુખ્ય ન્યાયાધીશે તે પત્રની નોંધ લીધી છે, એવું તો નથી કે તે પત્રને અવગણવામાં આવ્યો છે.

સવાલ – હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ્ઞાતિના પ્રતિનિધિત્વને તમે કઈ રીતે જુઓ છો? વિવિધ મંત્રાલયો અનુસાર, પાંચ વર્ષોમાં થયેલી 659 નિમણૂકોમાં 75 ટકા લોકો સામાન્ય વર્ગના હતા. અનુસૂચિત જાતિનાં માત્ર 3.5 ટકા અને અનુસૂચિત જનજાતિના માત્ર 1.5 ટકા જ લોકો હતા અને સર્વોચ્ચ ન્યાયાલયમાં પણ આ સ્થિતિ છે. તેના માટે કયાં કારણો જવાબદાર છે?

જસ્ટિસ કૌલ – ન્યાયતંત્રમાં નિમણૂકો ત્રણ ચરણોમાં થાય છે – સબ-ઓર્ડિનેટ ન્યાયાધીશોની નિમણૂંકમાં આરક્ષણ છે અને તેનો અમલ પણ થાય છે.

હાઈકોર્ટમાં ત્રીજા ભાગના ન્યાયાધીશો આ પ્રક્રિયા થકી થાય છે.

આપણે વાત કરી રહ્યાં છીએ જે બાર (વકીલોના સંઘ)માંથી આવે છે. આપણે જોવાનું છે 45થી 50 વર્ષની ઉંમરના લોકો તરફ અને હમણાંના આઠ-દસ વર્ષનાં પ્રતિનિધિત્વને જોવુ પડશે.

જો કોઈ વિશેષ સમુદાયમાંથી વકીલ દેખાય તો કોઈ છૂટ આપી શકાય પરંતુ જો કોઈ ન મળે તો જબરદસ્તી આ વસ્તુને કઈ રીતે કરી શકીએ.

મહિલાઓની નિમણૂકની વાત કરીએ તો હું ઘણી વખત કહું છું કે ઘણાં પદો પર મહિલાઓની નિમણૂક 50 ટકાથી વધારે થઈ રહી છે. હવે 25 વર્ષ પહેલાં મહિલાઓ ન હતી તો તેમને આજે કેવી રીતે ગણવામાં આવે?

જોકે આમ છતાં પણ તે પાસું જોવામાં આવે છે. ઘણી વખત જ્યારે સરકારને રસ હોય છે, ત્યારે એવું નથી કે તે જાતિ કે સમુદાયને નથી જોતી. ન્યાયતંત્રમાં પ્રતિનિધિત્વ તો છે, પરંતુ યોગ્ય પ્રતિનિધિત્વમાં થોડો સમય લાગશે.

સવાલ – શું ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારે કોર્ટના આદેશનું પાલન નથી કર્યું?

જસ્ટિસ કૌલ – જ્યારથી આ કૉલેજિયમ સિસ્ટમ આવી છે, ત્યારથી રાજકીય વર્ગને એવું લાગી રહ્યું હતું કે જજોની નિમણૂકમાં અમારી પણ કોઈ ભૂમિકા હોવી જોઈએ.

એનજેસીનો સરકારે સંપૂર્ણ રીતે સ્વીકાર નથી કર્યો. એક તરફ તેઓ સ્વીકાર નથી કરી રહ્યા અને બીજી તરફ કૉલેજિયમ પોતાની ભલામણો આપી રહ્યું છે.

સવાલ – ન્યાયાધીશોની નિમણૂકને લાગતી સુનાવણીમાં તમે કહ્યું હતું કે અમુક વિષયો વિશે કંઈ પણ કહ્યા વગર જ તેમને છોડી દેવા જોઈએ. તેની પાછળ તમારો આશય શું હતો?

જસ્ટિસ કૌલ – મેં તારીખ આપી હતી, પરંતુ મને તે લિસ્ટિંગ મળી નહીં. કોર્ટની રજિસ્ટ્રી શાખા મુખ્ય ન્યાયાધીશ હેઠળ કામ કરે છે. તે લિસ્ટિંગ લગાવે નહીં તો હું આ વિષયમાં વધારે પડીશ નહીં. કારણ કે મારું માનવું છે કે એ તેમનો અધિકાર છે.

મેં મુખ્ય ન્યાયાધીશ સાથે આ વિષયે ચર્ચા કરી હતી, પરંતુ એ વિશે હું ટિપ્પણી નહીં કરું.

આ આંતરિક સિસ્ટમ છે. હા, મેં તેની વાત કરી હતી પરંતુ આ વિશે હું વધારે કહેવા નથી ઇચ્છતો. હું નિવૃત્તિ પછી આ વિષય પર વાત કરવી યોગ્ય નથી માનતો.

મુખ્ય ન્યાયાધીશનો અધિકાર છે કે કઈ કોર્ટમાં કોની લિસ્ટિંગ થશે અને આ મામલે આપણે મુખ્ય ન્યાયાધીશ ઉપર ભરોસો કરવો જોઈએ.

પહેલાં જે ન્યાયાધીશોને આ સિસ્ટમ વિશે ફરિયાદો હતી તે જ્યારે મુખ્ય ન્યાયાધીશ બન્યા ત્યારે તેનું કોઈ યોગ્ય સમાધાન ન શોધી શક્યા.

ભવિષ્યમાં કોઈ મુખ્ય ન્યાયાધીશ આ પ્રક્રિયાને સુધારવાની કોશિશ કરી શકે છે.

સવાલ – એક તરફ ઇલેક્ટોરલ બોંડ જેવા મુદ્દા કોર્ટમાં પડ્યા છે જ્યારે સમલૈંગિક લગ્ન જેવા મુદ્દા પર એક જ વર્ષની અંદર નિર્ણય પણ આવી ગયો?

જસ્ટિસ કૌલ – મારું એવું માનવું છે કે સંવૈધાનિક મુદ્દાઓ ઉપર ઝડપથી નિર્ણય થવા જોઈએ કારણ કે તેનાથી મોટા મુદ્દાઓનું સમાધાન થાય છે. જોકે મુખ્ય ન્યાયાધીશ આ કેસોનું લિસ્ટિંગ કરે છે અને એક હદ સુધી આ તેમના અધિકાર ક્ષેત્ર હેઠળ આવે છે.

સમલૈંગિક લગ્નો, મુખ્ય ન્યાયાધીશનાં અધિકાર ક્ષેત્રમાં એક સામાજિક મુદ્દો હતો. મુખ્ય ન્યાયાધીશના મતે તેને મહત્ત્વ આપવું જરૂરી હતું, પછી પરિણામ ભલે જે કંઈપણ હોય.

ઘારા 370 ઉપર કોર્ટનું વલણ

ઘારા 370

ઇમેજ સ્રોત, Getty Images

સવાલ – કલમ 370 સાથે જોડાયેલા બે મુદ્દા હતા. પહેલો કે આ કલમને હટાવવી કાનૂની હતી કે નહીં. જ્યારે બીજો મુદ્દો હતો કે જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાગ કરવા યોગ્ય હતા કે નહીં. બીજા મુદ્દા પર કોર્ટે કહ્યું કે એક સોલિસિટર જનરલે આશ્વાસન આપ્યું છે કે રાજ્યનો દરજો પાછો મળશે તેથી આ બાબતે અમારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર નથી. પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રોહિંટન નરિમને કહ્યું હતુ કે નિર્ણય ન કરવો પણ એક નિર્ણય છે.

જસ્ટિસ કૌલ - નિવેદન માત્ર સોલિસિટર જનરલનું નથી. ગૃહમંત્રીએ સંસદમાં આપેલા નિવેદનના આધારે આ વાત કરવામાં આવી હતી. હવે જો કોઈ સિદ્ધાંત પર કંઈક નક્કી કરવામાં આવે તો તેમાં કંઈ થતું નથી.

સવાલ - આ રાજ્યનો દરજ્જો પરત કરી શકાય તેવું નિવેદન છે અને તેની કોઈ કાનૂની જવાબદારી નથી. અન્ય કાયદાકીય નિષ્ણાતોનું પણ માનવું હતું કે કોર્ટે નિર્ણય આપવો જોઈતો હતો.

જસ્ટિસ કૌલ – કાયદો એક એવો વિષય છે, જેમાં વિચારોની વિવિધતા રહેશે. અન્ય કાયદાકીય નિષ્ણાતોને શું બરોબર લાગે છે અને બેંચને શું યોગ્ય લાગે છે તેમા ફર્ક હોઈ શકે છે. જોકે જે મુદ્દો હતો તેનું સમાધાન આપવામા આવ્યું છે.

એ નિવેદન સરકારના વકીલે પોતાની જાતે નથી આપ્યું. તેમને પૂછવામાં આવ્યું, સૂચનાઓ લીધી અને પછી પાછા આવ્યા. તે કરે કે ન કરે પરંતુ તે બંધનકર્તા નિવેદન છે.