જીએન સાઈબાબા: 'અધિકારીઓએ પણ નહોતું વિચાર્યું કે હું આટલો લાંબો સમય જેલમાં જીવી જઈશ'

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા
"જેલના અધિકારીઓને એ વિશ્વાસ ન હતો કે હું આટલું લાંબુ જીવી શકીશ."
આ શબ્દો દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાના છે. તેમની વર્ષ 2014માં અનલોફુલ ઍક્ટિવિટીઝ (પ્રીવેન્શન) ઍક્ટ હેઠળ ધરકપકડ કરવામાં આવી હતી. તેમના પર માઓવાદી સંગઠનો સાથે સંબંધો રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
વર્ષ 2017માં તેમને દોષિત ઠેરવતા કોર્ટે જનમટીપની સજા સંભળાવી હતી. પરંતુ 14 ઑક્ટોબર, 2022ના રોજ બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બૅન્ચે જીએન સાઈબાબાને છોડી મૂક્યા હતા.
24 કલાકની અંદર જ 15 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહ અને જસ્ટિસ બેલા ત્રિવેદીની બૅન્ચે હાઈકોર્ટના આ નિર્ણયને પલટાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટનું માનવું હતું કે સાઈબાબા સમેત અન્ય આરોપીઓ ‘દેશની સંપ્રભુતા અને અખંડતા સામે ખૂબ જ ગંભીર અપરાધના દોષી છે.’
આ વર્ષે પાંચ માર્ચે બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બૅન્ચે તેમને ફરી એકવાર નિર્દોષ જાહેર કર્યા છે અને કહ્યું છે કે ઇન્ટરનેટ પરથી સામ્યવાદી કે નક્સલી સાહિત્ય ડાઉનલોડ કરવું કે કોઈ વિચારધારાના સમર્થક હોવું એ યુએપીએ હેઠળ આવતા અપરાધોની શ્રેણીમાં આવતું નથી.

ઇમેજ સ્રોત, ANJANI
જોકે, મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર સાઈબાબાની મુક્તિના બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટ જવાનું નક્કી કર્યું છે અને આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં 11 માર્ચે થશે.
તેને લઈને શું સાઈબાબા ચિંતિત છે? આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "હું લાંબા સમય પછી જેલમાંથી બહાર નીકળીને આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યો છું. મને જેલમાં તકલીફ પડી હતી, બીમારીઓ થઈ ગઈ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એટલે મારી પહેલી પ્રાથમિકતા હજુ ઇલાજ કરાવવાની છે. આ કાયદાકીય લડાઈને હું દેશની અદાલતો અને વકીલો પર છોડું છું."
પ્રોફેસર સાઈબાબા લકવાના દર્દી છે અને 90 ટકા વિકલાંગતાની શ્રેણીમાં આવે છે.
જીએન સાઈબાબાએ આ મામલાને કારણે તેમના જીવનનાં લગભગ દસ વર્ષ કોર્ટમાં કે જેલમાં વિતાવ્યાં છે.
તેઓ કહે છે, "મેં આ દસ વર્ષોમાં ઘણું ગુમાવ્યું છે. મારા વિદ્યાર્થીઓ સાથેનો મારો સંપર્ક તૂટી ગયો છે અને હું વર્ગોમાં હાજર રહી શક્યો નથી."
"હું હંમેશાં શિક્ષક રહ્યો છું અને મને ખબર છે કે તે કેટલું મહત્ત્વનું છે. હું જેલમાં સપનાં જોતો હતો કે હું વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છું, તેમની સાથે વાત કરી રહ્યો છું."
"હું અને મારી પત્ની વસંતા નાનપણથી સાથે રહ્યાં છીએ, અમે એક દિવસ પણ અલગ રહી શકતાં ન હતાં. પરંતુ પાછલાં કેટલાંક વર્ષોમાં, અમે બંને લગભગ સાડા આઠ વર્ષ દૂર રહ્યાં."
"તેના કારણે મેં શું ગુમાવ્યું છે તેનો અંદાજ પણ હું લગાવી શકતો નથી."
‘ધરપકડ નહીં, કિડનેપિંગ થયું’

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે દિવસે જીએન સાઈબાબાની ધરપકડ કરવામાં આવી એ દિવસને યાદ કરતા તેઓ કહે છે કે, "મારી ધરપકડ કરવામાં આવી ન હતી પરંતુ મને કિડનેપ કરવામાં આવ્યો હતો."
તેઓ કહે છે, "હું યુનિવર્સિટીના પરીક્ષા કેન્દ્રમાં મુખ્ય પરીક્ષક હતો અને લંચ બ્રેક સુધી આ જ કામ કરતો હતો. હું લંચ માટે કારમાં ઘરેથી નીકળ્યો હતો અને રસ્તામાં સિવિલ ડ્રેસમાં આવીને તેમણે મારી કાર રોકી હતી."
"મારા ડ્રાઈવરની ધરપકડ કરી. તેમણે મને બહાર કાઢ્યો અને મારું અપહરણ કરીને લઈ ગયા."
"મેં પૂછ્યું કે મારી કયા કેસમાં ધરપકડ કરવામાં આવી રહી છે અને મને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે તથા સિવિલ ડ્રેસમાં આવેલા લોકો કોણ છે."
"મને મારા કોઈ પણ પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહીં. મને પહેલાં સિવિલ લાઇન્સ અને પછી ઍરપોર્ટ લઈ જવામાં આવ્યો."
પોતાના પર લાગેલા આરોપો અંગે તેઓ કહે છે, "મને તે સમયે કંઈ કહેવામાં આવ્યું ન હતું, બાદમાં જ્યારે આ લોકો મને કોર્ટમાં લઈ ગયા ત્યારે મને કહેવામાં આવ્યું કે મારી યુએપીએ હેઠળ 10 વર્ષ જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે."
"જ્યારે કોર્ટે પોલીસને પૂછ્યું કે શું તેઓ તેમને પોલીસ કસ્ટડીમાં લેશે, તો પોલીસે કહ્યું કે તેમને કસ્ટડીમાં લેવાની કોઈ જરૂર નથી, તેમને જેલમાં મોકલવા જોઈએ. જો તેમણે મારી પૂછપરછ કરવી હોત તો તેઓ મારી ધરપકડ કરીને મને પોલીસ કસ્ટડીમાં લઈ શક્યા હોત, પણ આવું કંઈ થયું નહીં."
કેમ થઈ ધરપકડ?
તો પછી જીએન સાઈબાબાની ધરપકડ કરીને જેલમાં કેમ મોકલવામાં આવ્યા?
આ અંગે સાઈબાબા કહે છે, "હું આદિવાસીઓના અધિકારો માટે મારો અવાજ ઉઠાવતો હતો અને આ માટે હું સિવિલ સોસાયટીનાં ઘણાં જૂથો અને લોકો સાથે જોડાયેલો હતો. આ મુદ્દા પર કામ કરી રહેલી ઘણી સંસ્થાઓએ મને કન્વીનર બનાવ્યો હતો."
"અમે આદિવાસીઓના અધિકારો, ખનન સામે આદિવાસીઓની સુરક્ષા માટે, આદિવાસીઓના જનસંહાર સામે, ઑપરેશન ગ્રીન હન્ટ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા."
"અમે આ મુદ્દાઓ પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ સંગઠનો સાથે જોડાણ કરીને અવાજ ઉઠાવતા હતા કે આ દેશની 10 કરોડની આદિવાસી વસ્તીને કચડી શકાય નહીં."
"મને ખબર પડી કે અમારો અવાજ દબાવવા માટે મારી સામે કેસ બનાવવામાં આવ્યો અને મારી સામે ખોટા કેસ નોંધાયા. મને ખોટા કેસ હેઠળ દસ વર્ષ જેલમાં રાખવામાં આવ્યો."
જેલમાં કેટલી સુવિધાઓ હતી?

ઇમેજ સ્રોત, SUSHIL KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
જીએન સાઈબાબાને જેલની જે કોઠરીમાં રાખવામાં આવ્યા હતા તે આઠ ફૂટ લાંબી અને 10 ફૂટ પહોળી હતી. ‘અંડા બેરેક’ ના નામે જાણીતી આ કોઠરીમાં કોઈ બારી ન હતી અને તેની એક દીવાલ લોખંડના સળિયાઓથી બનેલી હતી.
જીએન સાઈબાબા બાળપણથી વ્હીલચેરનો ઉપયોગ કરે છે અને એ તેમની મૂળભૂત જરૂરિયાતોમાંથી એક છે.
તેઓ કહે છે, "જેલમાં જે ટોયલેટ હતું ત્યાં સુધી મારી વ્હીલચેર જઈ શકતી ન હતી. નહાવાની જગ્યા પણ ન હતી. હું એકલો મારા પગ પર ઊભો રહી શકતો નથી. મને બાથરૂમ જવા માટે, નહાવા માટે, બેડમાં શિફ્ટ થવા માટે- ચોવીસ કલાક બે લોકોની જરૂર પડે છે."
"હું જેલની કોઠરીની અંદર હલનચલન પણ કરી શકું તેમ ન હતો. આવી પરિસ્થિતિમાં આઠ વર્ષ સુધી મારે જેલમાં રહેવું પડ્યું અને જેલના અધિકારીઓ પણ એ વિશ્વાસ કરી શકતા ન હતા કે હું આટલો સમય જીવી શકીશ. પરંતુ મને એ વાતનો ભરોસો હતો કે આજે નહીં તો કાલે પણ સત્ય બહાર આવશે."
પરંતુ શું આટલો લાંબો સમય જેલમાં પસાર કર્યા બાદ શું જીએન સાઈબાબાનો ભરોસો ભારતની ન્યાય વ્યવસ્થા પર યથાવત્ છે?
તેઓ કહે છે, "હું ઇચ્છું છું કે ભારતીય ન્યાય પ્રણાલી ભારતના લોકો માટે કામ કરે. હું એમ નહીં કહું કે આવું નથી થઈ રહ્યું, પરંતુ હું ચોક્કસ કહીશ કે ભારતીય ન્યાય પ્રણાલીમાં ઘણી ખામીઓ છે. ચીફ જસ્ટિસે પણ વારંવાર પૂછ્યું છે કે કોર્ટ જામીન કેમ નથી આપતી."
"કોર્ટના આદેશો પણ પસાર થાય છે પરંતુ જેમની સામે કેસ પેન્ડિંગ હોય તેમને જામીન મળતા નથી અને તેમના જામીન નામંજૂર થાય છે."
"આદિવાસી, દલિત, લઘુમતીઓ અને ઓબીસીના કેટલાક વર્ગોને તો જામીન મળતી જ નથી. જેલની અંદર આ જ વર્ગોના લોકો ભરેલા છે અને અંડર ટ્રાયલ છે."
‘જેની સામે લડ્યો, એ જ કાયદા હેઠળ જેલમાં જવું પડ્યું’

ઇમેજ સ્રોત, ANJANI
યુએપીએ વિશે સાઈબાબા કહે છે કે આ કાયદો દેશના બંધારણની વિરુદ્ધ છે. તેઓ કહે છે, "આ દુનિયાના સૌથી ક્રૂરતમ કાયદાઓ પૈકી એક છે. આટલા ક્રૂર રૂપે કાયદાઓ એકપણ દેશમાં અમલમાં નથી. બંધારણે દેશના લોકોને જે મૂળભૂત અધિકારો આપ્યા છે તેની વિરુદ્ધમાં છે."
"હું આ જ કાયદાની સામે લડી રહ્યો છું અને મને એ જ કાયદા હેઠળ જેલમાં રાખવામાં આવ્યો અને મારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો."
જેલમાં ગયા પછી દિલ્હી યુનિવર્સિટીએ જીએન સાઈબાબાને નોકરી પરથી હઠાવી દીધા હતા. તેના પર સાઈબાબા કહે છે, "હું શિક્ષક તરીકે જીવવું અને શિક્ષક તરીકે મરવું પસંદ કરીશ. હું ઇચ્છું છું કે મારી નોકરી મારી પાસે રહે અને મને તેના માટે લડવું ન પડે."
અત્યાર સુધી શું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2013માં હેમ મિશ્રા અને પ્રશાંત રાહીની ધરપકડ કરાઈ હતી. પોલીસ પ્રમાણે તેઓ માઓવાદી નેતાઓ સાથે મુલાકાત કરવાના હતા, આ મુલાકાત કન્ફર્મ કરવામાં પ્રોફેસર સાઈબાબાની ભૂમિકા હતી.
- સપ્ટેમ્બર 2013 – પોલીસે દિલ્હીસ્થિત તેમના ઘરની તલાશી લીધી
- ફેબ્રુઆરી 2014 – પોલીસે ધરપકડ વૉરંટ જાહેર કર્યું, પરંતુ ધરપકડ ન કરી શકી
- મે 2014 – માઓવાદીઓ સાથે સંબંધના આરોપમાં ધરપકડ કરાઈ
- જૂન 2015 – મેડિકલ ગ્રાઉન્ડ પર બૉમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા
- ડિસેમ્બર 2015 – ફરી પાછા જેલ મોકલાયા
- એપ્રિલ 2016 – સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા
- માર્ચ 2017 – યુએપીએની કલમો અંતર્ગત જનમટીપની સજા કરાઈ. સાઈબાબાએ બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં અપીલ કરી.
- એપ્રિલ 2021 – દિલ્હી યુનિવર્સિટીએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા
- ઑક્ટોબર 2022 – બૉમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે દોષમુક્ત જાહેર કર્યા
- ઑક્ટોબર 2022 – સુપ્રીમ કોર્ટે બૉમ્બે હાઈકોર્ટના નિર્ણયને બદલ્યો
- માર્ચ 2024 – બૉમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ફરી એક વાર તેમને છોડી મૂક્યા
મહારાષ્ટ્ર સરકાર ફરી એક વાર સાઈબાબાના છુટકારાના હાઈકોર્ટના હુકમ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. આ મામલાની આગામી સુનાવણી 11 માર્ચે થવાની છે.












