LGBTQ+: પ્રાચીન ભારતમાં સમલૈંગિકતા સ્વીકાર્ય હતી? ક્યાં અને કેવી રીતે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, પ્રાજક્તા ધુળપ
- પદ, બીબીસી મરાઠી
દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાની માગણી કરતી અરજી બાબતે ચુકાદો આપી દીધો છે.
વડા ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ એસ રવિન્દ્ર ભટ્ટ, ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની બનેલી એક બંધારણીય ખંડપીઠે આજે ચુકાદો આપ્યો હતો.
2018માં સુપ્રિમ કોર્ટે એવો ચુકાદા આપ્યો હતો કે સમલૈંગિકતા ગુનો નથી.
માનવ શરીરને મળેલાં અંગ અને તેનાથી વિપરીત જણાતી જાતીય ઓળખ બાબતે છેલ્લાં કેટલાંક વર્ષોથી જાહેર ચર્ચા થઈ રહી છે. આજના સમાજમાં સમલૈંગિકતા ‘ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી,’ તેવું માનવામાં આવે છે. તેનો સમગ્ર ભારતીય ઇ
તિહાસમાં ઉલ્લેખ સાંપડે છે. હિંદુ શાસ્ત્રો, પૌરાણિક કથાઓ અને લોકકથાઓ શું કહે છે, એ બાબતે દેશમાં ભરપૂર સાહિત્ય ઉપલબ્ધ છે.
આ જે લોકો લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર, ઈન્ટરસેક્સ એટલે કે LGBTQ+ તરીકે ઓળખાય છે તેમના વૈદિક ભારતમાં સ્વૈરિણી, કિલબા, કામી, ષંઢ અને નપુંસક જેવાં નામ હતાં. પ્રાચીન ભારતમાં જાતીય ઓળખ અને જાતીયતાના નિશાન તેમજ એ વિશેના દાવા ક્યાં જોવા મળે છે તે જાણીએ.
‘મારામાં પુરુષ અને સ્ત્રી બન્ને જીવંત છે’

ઇમેજ સ્રોત, Getty Images
કિરણ સાથે વાત કરતી વખતે પ્રાચીન ભારતમાંની આ સંકલ્પના વિશે જિજ્ઞાસા જાગી હતી.
કિરણ મુંબઈમાં રહેતી ઉચ્ચ શિક્ષિત, પાંચ ફૂટ ચાર ઈંચની ઉંચાઈ, શ્યામવર્ણી ત્વચા, મધ્યમ બાંધાની સ્માર્ટ દેખાતી વ્યક્તિ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિરણ કહે છે, “મેં ઘણીવાર અરીસામાં જોઈને મારી જાતને પૂછ્યું છે કે મારામાં કેટલા ટકા પુરુષ છે અને કેટલા ટકા સ્ત્રી છે. હું એ પણ જાણું છું કે હું ટ્રાન્સજેન્ડર નથી. હું ક્રોસ ડ્રેસિંગથી સંતુષ્ટ નથી. તેથી મૂડ હોય તેવા વસ્ત્રો પહેરું છું. મારી સૌથી નજીક જે ઈમેજ છે, તે મારી છે. તેને આસપાસ જોવાનું આસાન નથી. હા, હું અર્ધનારીશ્વર જેવી પ્રાચીન મૂર્તિ જોઉં છું ત્યારે મને લાગે છે કે હું કોઈક રીતે તેની સાથે જોડાયેલો છું. અડધો પુરુષ અને અડધી નારી. મારી અંદર પુરુષ પણ જીવંત રહેવો જોઈએ અને સ્ત્રી પણ, એવું મને લાગે છે.”
કિરણની વય 50થી વધુ વર્ષની છે, પરંતુ તેઓ હજુ સુધી તેમની સ્પષ્ટ લૈંગિક ઓળખ પામી શક્યા નથી. અમે તેમને પહેલીવાર મળ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે “હું ખુદને મહિલા તથા પુરુષની સામાજિક રીતે સ્વીકૃત લૈંગિક ઓળખ સાથે જોડી શકતો નથી. હું એવું વિચારતો નથી.”
આવા જ કિરણ ભારતીય પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને મંદિરોની મૂર્તિઓમાં પણ જોવા મળે છે.
ક્વિઅર તરીકે શોધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કૉર્પોરેટ કંપનીઓ સાથે કામ કર્યા બાદ હવે કિરણની નિમણૂંક બહુરાષ્ટ્રીય સંસ્થામાં એક મોટા પદ પર કરવામાં આવી છે. સર્જનાત્મક ક્ષેત્રના ઘણા લોકો તેમના પરિચિત હોવાથી તેમણે તેમની ખરી ઓળખ ગુપ્ત રાખવાની શરત મૂકી હતી. તેમની સફળ વ્યક્તિગત અને જાતીય સફરને સમજવા માટે મેં તેમની સાથે વાત કરી હતી. ક્વિઅર (સમલિંગ કામી) વ્યક્તિ તરીકેની તેમની યાત્રા ભારતના પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલી છે.
કોઈ વ્યક્તિની ઓળખ ‘સેક્સ’ અને ‘જેન્ડર’ના સંદર્ભમાં વર્ણવવામાં આવે ત્યારે આ બે શબ્દ વચ્ચેના તફાવતને સમજવો જરૂરી છે.
સેક્સ એટલે લિંગ. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો જૈવિક અથવા શારીરિક તફાવત, જ્યારે જેન્ડર એટલે લિંગભાવ, લૈંગિક તફાવત સંબંધી સામાજિક અપેક્ષા, ભૂમિકા અને મળતી તકો.
આ લિંગભાવ, સત્તા સંઘર્ષથી પેદા થાય છે, તે લિંગ વચ્ચેના અંતરને લીધે ઉત્પન્ન થાય છે. આ સત્તા સંઘર્ષના માધ્યમથી જ જાતિ અને ધર્મકેન્દ્રીત હિત સમૂહ કે ઘટક નક્કી કરે છે કે પુરુષની છબી ચોક્કસ કેવી હોવી જોઈએ અને સ્ત્રીઓએ કેવી રીતે વર્તવું જોઈએ. જેને જેન્ડર પોલિટિક્સ કહેવામાં આવે છે. આ લિંગભાવનાં બીજનું વાવેતર ઘરમાં અને ઘર બહારના વાતાવરણમાં કરવામાં આવે છે.
જો એવું ન કરવામાં આવે તો પુરુષ અને સ્ત્રી સ્વાભાવિક તથા સામાજિક રીતે સમાન લાગે છે તેમજ અન્ય લૈંગિક વૈવિધ્ય પણ પ્રગટ થઈ શકે છે.
કિરણનું બાળપણ મુંબઈમાં પસાર થયું હતું. તેમનો ઉછેર એક પરંપરાગત ઉચ્ચ જ્ઞાતિના મરાઠી, મધ્યમવર્ગીય પરિવારમાં થયો છે.
કિરણ કહે છે, “મારો યૌવનપ્રવેશ બહુ મૂંઝવણભર્યો હતો. કેટલાક શિક્ષકો પ્રત્યે આકર્ષણ થયું હતું. મારા કલ્પનાવિહારમાં પણ તેમનો પ્રભાવ રહેતો. ત્યારે એનો જવાબ મારી પાસે ન હતો. મનમાં બહુ દોષભાવના થતી હતી, કારણ કે મેં તો એવું જ જોયું તથા સાંભળ્યું હતું કે આકર્ષણ સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોય છે. મને એ ખ્યાલ ન હતો કે જે આકર્ષણ હું અનુભવતો હતો તે સમલૈંગિક આકર્ષણ છે. તેમાં માતા અને પિતાની ભૂમિકા નક્કી થતી હતી. બાળપણમાં ઘર-ઘર રમતી વખતે અમે એવું જ કરતા હતા. હું એવું વિચારતો હતો કે વાસ્તવમાં આપણે કોના જેવું બનવાનું છે. તેથી ગૂંચવાડો વધ્યો.”
કિરણના કહેવા મુજબ, યૌવનપ્રવેશ બાદ દોષભાવનાયુક્ત મન અને અસમંજસની સ્થિતિમાંથી પસાર પછી પણ તેમને એ ખબર ન હતી કે વાસ્તવમાં સેક્સ અને રિલેશનશિપનો અર્થ શું થાય છે. એ કારણે તેમણે અસલામત લૈંગિક સંબંધનો સામનો કરવો પડ્યો હતો.
પુરુષ અને સ્ત્રી વચ્ચેના સાચા સંબંધનું ચિત્ર મનમાં હોવાને લીધે કિરણ લાંબા સમય સુધી તેમની લૈંગિકતાનો સ્વીકાર કરી શક્યા ન હતા. તેમણે તેને દૂર ધકેલવાનો પ્રયાસ કર્યો હતો.
કિરણ કહે છે, “મેં બાળપણથી, પુસ્તકોમાં, પાઠ્યપુસ્તકોમાં, ફિલ્મોમાં, ઘરમાં, સગાસંબંધીઓમાં, કોલેજમાં જોયું હતું કે એકમાત્ર અસલી સંબંધ પુરુષ અને સ્ત્રી વચ્ચે જ હોય છે. તે કદાચ સોશિયલ કન્ડિશનિંગનો હિસ્સો હશે કે મેં ત્યાં સુધી મારી લૈંગિકતાનો અસ્વીકાર કર્યો હતો અને સમાજની અપેક્ષાને અનુરૂપ બનવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનાથી જટિલતા વધી હતી. આજુબાજુ સમલૈંગિક લોકો જોવા મળતા હતા, ફિલ્મોમાં જોવા મળતું હતું, પણ મને એવું કશું લાગતું ન હતું.”
કિરણ માને છે કે આજે સમલૈંગિક સંબંધનો સ્વીકાર કરવો તે પોતાના પરિવાર તથા સમાજમાં પોતાની પ્રતિષ્ઠા ગૂમાવવા અને પોતાના સ્થાન સાથે સમાધાન કરવા જેવું છે. તેમને ડર છે કે તેમણે જે સફળતા મેળવી છે તે પત્તાના મહેલની માફક એક જ પળમાં ઢળી પડશે. કિરણ આજે જે સંગઠનમાં કામ કરે છે ત્યાં માત્ર ટ્રાન્સજેન્ડર લોકો બાબતે જ થોડી દિલચસ્પી દેખાડવામાં આવે છે.
અર્ધનારીશ્વર સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
કિરણ તેમની લૈંગિકતા અને સોશિયલ કન્ડિશનિંગની યાત્રા વાત કરતાં કરતાં કહે છે, “આપણે શું કરવું જોઈએ એ બાબતે આપણા પર ચારે તરફથી જોરદાર દબાણ હોય છે. આપણી પાસે ખુદને તલાશવાની પૂરતી આઝાદી નથી. આધુનિક સમયમાં તો નથી જ. પોતાને સાબિત કરવા દરેક જગ્યાએ સંઘર્ષ કરવો પડે છે. જાતની ઓળખ માટે, પોતાને શું પસંદ છે, પોતાની જાતીય પસંદગી શું છે એ માટે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો પાસે વધારે સમય હોય છે. તે જાણવું આસાન છે, પરંતુ સ્ત્રીઓ પર જાતીય દબાણ વધારે હોય છે.”
હું પુરુષ છું કે સ્ત્રી તેનો નિર્ણય સમાજે શા માટે કરવો જોઈએ, તેવો સવાલ કિરણ કરે છે.
કિરણ નાસ્તિક છે. તેમ છતાં ખુદને ધારાપુરી ગુફાઓમાંની અર્ધનારીશ્વર પ્રતિમાઓ સાથે જોડવા બાબતે તેઓ કહે છે, “મને મારા અસ્તિત્વની અનુભૂતિ કરાવે, મને આત્મવિશ્વાસ આપે, તેવું કશું જ મારી આજુબાજુમાં નથી. મને એ બધું આ પ્રતિમામાં સાંપડે છે.”
કિરણને મળ્યા બાદ ધારાપુરી ગુફાનાં ચિત્રો નિહાળ્યાં. ધારાપુરી એટલે એલીફન્ટાની ગુફા. તે આઠમી કે નવમી સદીની હોવાનું અનુમાન છે. અર્ધનારીશ્વરની પ્રતિમા ભગવાન શંકર તથા પાર્વતીનું સંયોજન છે.
આજનો સમાજ તેની આસપાસ માત્ર પુરુષ અને સ્ત્રી વચ્ચે વિજાતીય સંબંધને જ સાર્વજનિક સ્વરૂપે મહિમામંડિત કરે છે, તેનો કિરણને ખટકો છે.
આજના સમાજમાંની કિરણ જેવી વ્યક્તિઓ અને પ્રાચીન ભારતના હિંદુ શાસ્ત્રો જેનો દાવો કરવામાં આવ્યો છે તે અલગ લૈંગિક ઓળખવાળી પ્રતિમા વચ્ચે શું સંબંધ છે તે જાણવા માટે અમે કેટલાક વિદ્વાનો સાથે વાત કરી હતી.
અતીતમાં ભારતીય સમાજમાં સમલૈંગિકતા પ્રત્યે કેવો દૃષ્ટિકોણ હતો, તે જણાવવા માટે લોકસંસ્કૃતિના કેટલાક અભ્યાસુઓ અને ઇતિહાસ સંશોધકો મહત્વપૂર્ણ ઐતિહાસિક ઉદાહરણો આપે છે. તે પાંડુલિપિઓ, મૂર્તિઓ, ચિત્રો, લોકકથાઓ, મૌખિક પરંપરા, રીત-રિવાજો અને પરંપરાના માધ્યમથી વ્યક્ત થતા યૌન વિવિધતાના ઉદાહરણ છે.
આજે દરેક જગ્યાએ જોવા મળતી સ્ત્રી-પુરુષ વિષમલૈંગિકતાથી અલગ પ્રકારની લૈંગિકતા તેમાં જોવા મળે છે. હેટરોસેક્સ્યુઅલ એટલે કે વિષમલૈંગિકતાની સાથે હોમોસેક્સ્યુએલિટી એટલે કે સમલૈંગિકતા પણ પ્રાકૃતિક અને આનંદદાયક હોય એવું તેમાં લાગે છે.
આ ઇતિહાસ માત્ર સેક્સ વિશે જ નહીં, પરંતુ લિંગભાવ અને વ્યક્તિની લૈંગિક ઓળખ તથા અભિવ્યક્તિ વિશેનો પણ છે.
વૈષ્ણવ સમલૈંગિક અધિકાર સંઘ

ઇમેજ સ્રોત, AMARA DAS WILHELM
ગે એન્ડ લેસ્બિયન વૈષ્ણવ એસોસિએશન (GALVA-108) નામની એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થાએ વૈદિક સાહિત્યમાં લૈંગિક વિવિધતા બાબતે વિગતવાર સંશોધન અને લેખન કર્યું છે. અમારા દાસ વિલિયમ્સે તેમના ત્રણ સાથીઓ સાથે મળીને 2001માં આ સંસ્થાની સ્થાપના કરી હતી.
અમારા દાસને કિશોરવસ્થામાં સમજાયું હતું કે તેમને સ્ત્રીઓ પ્રત્યે આકર્ષણ નથી. બાદમાં તેમણે વૈષ્ણવ ભક્તિનો માર્ગ અપનાવ્યો હતો અને કોલકાતાના વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયા હતા. ઈસ્કોન સંસ્થાનો ભાગ બન્યા હતા.
1990ના દાયકામાં LGBTI લોકો વિશે થતી નકારાત્મક ટિપ્પણીઓ અને ગેરસમજ ધ્યાનમાં આવ્યા બાદ અમારા દાસે આ બાબતે સંસ્કૃત ગ્રંથોમાં શું કહેવામાં આવ્યું છે તેના સંશોધનનો નિર્ણય કર્યો હતો. તેમને વેદ અને સંસ્કૃત ગ્રંથોમાં તૃતીય પ્રકૃતિ વિશે વિગતવાર વાંચવા મળ્યું હતું.
તેમણે 2010માં સંશોધન પર આધારિત પુસ્તક ‘તૃતિય પ્રકૃતિઃ પીપલ ઓફ થર્ડ સેક્સ’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. એ પુસ્તક વાંચવાથી આશ્ચર્યજનક માહિતી સાંપડે છે.
લેખક કહે છે, “સમલૈંગિકતાના નિષેધ અને અપરાધીકરણના આજના સમાજના દૃષ્ટિકોણ કરતાં પ્રાચીન પરંપરાગત હિંદુત્વનો દૃષ્ટિકોણ વધારે ઉદારમતવાદી અને પરિપકવ હતો.”
પ્રાચીન ગ્રંથોમાં લૈંગિક વિવિધતા

ઇમેજ સ્રોત, AMARA DAS WILHELM
ઘણા પ્રાચીન ગ્રંથોમાં સમલૈંગિકતાનો અભ્યાસ કરતી વખતે લેખક મુખ્યત્વે ત્રણ ગ્રંથનો સંદર્ભ આપે છેઃ વાત્સ્યાયન લિખિત કામસૂત્ર, નારદ સ્મૃતિ અને સુશ્રુત સંહિતા.
અમારાના જણાવ્યા મુજબ, કામસૂત્રમાં તૃતીય પ્રકૃતિ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. સુશ્રુત સંહિતા અનુસાર, સમલૈંગિક પુરુષો એટલે કે કિલબાને તેમના જાતીય અભિગમ અનુસાર પાંચ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. તેમાં અસેક્ય, સુગંધિકા, કુંભિકા, ઈર્ષક અને ષંઢનો સમાવેશ થાય છે.
નારદ સ્મૃતિમાં તેમના ત્રણ પ્રકાર – મુખેભાગ, સેવ્યકા અને ઈર્ષકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ આ પ્રકારના પુરુષો સાથે સ્ત્રીઓ લગ્ન ન કરવાં જોઈએ, તેવું લખેલું છે. વાત્સ્યાયને ગે પુરુષો માટે પાંડા શબ્દ હેઠળ 14 વિવિધ પ્રકારના પુરુષોનો ઉલ્લેખ કર્યો છે.
સમલૈંગિક સ્ત્રીઓ માટે અને સ્ત્રીની લૈંગિક ઓળખ માટે નસ્ત્રીય શબ્દ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. વિવિધ ગ્રંથોમાંના સંદર્ભને આધારે લેખકે દસ પ્રકારની નસ્ત્રીય(ગણિકા)ની નોંધ કરી છે.
એ મુજબ અન્ય સ્ત્રીઓ સાથે પ્રેમસંબંધ ધરાવતી સ્ત્રીને સ્વૈરિણી કહેવાય છે, સ્ત્રી તથા પુરુષ સાથે સંબંધ ધરાવતી મહિલા કામિની કહેવાય છે. જે સ્ત્રી પુરુષવાચી વલણ ધરાવતી હોય તે સ્ત્રીપુંસા કહેવાય છે, પુરુષ જેવી દેખાતી હોય અને માસિકસ્ત્રાવ થતો ન હોય તથા સ્તન ન હોય તેવી સ્ત્રીને નપુંસક કહેવાય આવે છે. જેનું સ્ત્રીત્વ સંપૂર્ણપણે નાશ પામ્યું હોય તેને નરષંઢ કહેવામાં આવે છે. સ્ત્રીબીજ ગર્ભાશયમાં ફલિત ન થતું હોય તેને વર્તા કહેવામાં આવે છે. જેની યોનિ અવિકસિત અથવા નાની હોય તેને સુશિવકત્ર અથવા સુસિમુખી કહેવામાં આવે છે, જ્યારે જેને માસિકસ્ત્રાવ ન થતો હોય તેવી સ્ત્રીને વંધ્યા કહેવામાં આવે છે. ગર્ભધારણ ન કરી શકતી સ્ત્રીને મોઘાપુષ્પા, જ્યારે વારંવાર ગર્ભપાત થતો હોય એ સ્ત્રીને પુત્રઘ્ની કહેવામાં આવે છે.
સંસ્કૃત શબ્દ ષંઢનો ઉપયોગ, જેણે જન્મજાત પુરુષત્વ ગૂમાવી દીધું હોય અને સ્ત્રી જેવું વર્તન કરતા હોય એવા પુરુષો માટે કરવામાં આવે છે. તેનો વિરોધી શબ્દ એવી સ્ત્રી માટે છે, જે પુરુષ તરીકે જીવવા ઈચ્છે છે.
નપુંસક એટલે જે વ્યક્તિનું લિંગ જન્મ સમયે નક્કી ન કરી શકાય તે છે. અવિકસિત જનનેન્દ્રિયો માટે વપરાતો સંસ્કૃત શબ્દ છે નિસર્ગ. તેનો સંદર્ભ શરીરમાં અવિકસિત પ્રજનન પ્રણાલીનો છે. આવી વ્યક્તિઓ વિજાતીય અથવા હોમોસેક્સ્યુઅલ હોઈ શકે છે.
સંસ્કૃત શબ્દ કામીનો અર્થ આપતાં લેખક જણાવે છે કે આવી વ્યક્તિઓ પ્રેમ, રોમાન્સ માટે ઉત્સુક હોય છે. તેઓ તેને વિવિધ રીતે પ્રદર્શિત કરે છે. તેઓ પુરુષો તથા સ્ત્રીઓ બન્ને તરફ આકર્ષાય છે.

ઇમેજ સ્રોત, AMARA DAS WILHELM
લેખકના જણાવ્યા મુજબ, પ્રાચીન વૈદિક ભારતમાં ટ્રાન્સજેન્ડરોએ સમાજથી તેમની લૈંગિક ઓળખ છુપાવવાની જરૂર ન હતી. અંડકોશને દૂર કરવાની કોઈ પ્રથા ન હતી, પરંતુ જનનાંગોને કપડાથી ચુસ્તપણે ઢાંકવાની પ્રથા જરૂર હતી.
અમારા દાસ કહે છે, “પંદરમી સદીમાં વૈષ્ણવ ધર્મનો પ્રસાર કરનાર ચૈતન્ય મહાપ્રભુ (ઈસ્કોન)ના ઉપદેશ અનુસાર અમારી સંસ્થાનો ઉદ્દેશ સમાજમાં તૃતીય પંથીઓને પણ સમાવી લેવાનો છે.”
તેમના જણાવ્યા અનુસાર, ઈસ્કોનના સંત ચૈતન્ય મહાપ્રભુ પણ કૃષ્ણનું ઉભયલિંગી સ્વરૂપ હતા.
ગાલ્વા-108 સંસ્થા એકપત્નીત્વ-એક પતિત્વ વિવાહને સમર્થન આપે છે, કારણ કે તે સ્વસ્થ જીવન માટે વધુ પોષક છે એવું તેઓ માને છે.
ઇસ્કોન કોઈ પણ સમલૈંગિક લગ્નને ઔપચારિક રીતે માન્યતા આપતું નથી ત્યારે ઇસ્કોનના કેટલાક વરિષ્ઠ લોકો આવાં લગ્ન તથા સંબંધોને સમર્થન આપે છે, એમ જણાવતાં અમારા દાસ ઉમેરે છે, “આધુનિક સમાજમાં સમલૈંગિક સમુદાય વિશેના અમારા સતત અભિયાનને લીધે ઘણા લોકો એ બાબતે શિક્ષિત થયા છે. અમે સમલૈંગિકતા, ટ્રાન્સજેન્ડર અને ઈન્ટરસેક્સ વિશેના વૈદિક દૃષ્ટિકોણને લોકો સુધી લઈ જવામાં સફળ થયા છીએ.”
એ સમયગાળામાં ભારતમાં એક સંશોધન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ગીતી થડાનીએ 90ના દાયકામાં હિંદુ શક્તિ દેવતાઓ સંબંધે કરેલું સંશોધન મહત્વનું ગણાય છે.
તેમણે ‘સખિયાનીઃ લેસ્બિયન ડિઝાયર ઇન એન્સિયન્ટ એન્ડ મોર્ડન ઈન્ડિયા’ નામનું પુસ્તક લખ્યું હતું. એ જ સમયગાળામાં ડૉ. રુથ વનિતા અને સલીમ કિદવાઈનું પુસ્તક ‘સેમ સેક્સ લવ ઈન ઈન્ડિયા’ પણ પ્રકાશિત થયું હતું. આ પુસ્તકોમાંથી વૈદિક તેમજ પૌરાણિક સંદર્ભો અને વર્તમાન સમયના દૃશ્ય-અદૃશ્ય પુરાવા સાંપડે છે.
સેક્સ, પ્રેમ અને ઇતિહાસ

ઇમેજ સ્રોત, PALGRAVE.COM
‘સેમ સેક્સ લવ ઇન ઇન્ડિયા’ના પ્રથમ ભાગમાં વ્યાસે સંસ્કૃતમાં લખેલા મહાભારત, પાલી ભાષામાં લખાયેલા મણિકંઠ જાતક, વિષ્ણુ શર્મા દ્વારા સંસ્કૃતમાં લખાયેલ પંચતંત્ર, વાત્સ્યાયન દ્વારા સંસ્કૃતમાં લખાયેલા કામસૂત્ર વિશે, જ્યારે બીજા ભાગમાં પુરાણો તથા લોકકથાઓ વિશે વિગતવાર વાત કરવામાં આવી છે.
એ ઉપરાંત આ પુસ્તકમાં મધ્યકાલીન ભારતની ફારસી અને ઉર્દૂ પરંપરામાં પ્રેમ તથા લૈંગિકતા વિશેની સંકલ્પના, ઉદાહરણની નોંધ કરવામાં આવી છે. આધુનિક ભારતમાં તે કેવી પ્રત્યક્ષ રીતે અભિવ્યક્ત થયું તેનું વિગતવાર નિરુપણ પણ અહીં છે.
ડૉ. રુથ વનિતા મોન્ટાના યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે લિંગભાવ, ભારતમાં સમલૈંગિક વિવાહ અને સમલૈંગિક પ્રેમ વિશે પુસ્તકો લખ્યાં છે. તેઓ અનુવાદક અને નવલકથાકાર તરીકે પણ જાણીતાં છે.
તેમના અને ઇતિહાસકાર સલીમ કિદવાઈ દ્વારા સંપાદિત ‘સેમ સેક્સ લવ ઇન ઇન્ડિયા’ પુસ્તકે દિલ્હી હાઈકોર્ટના “સમલૈંગિકતા ગુનો નથી” એ ચુકાદામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકમાં સેક્સને બદલે સમલૈંગિક પ્રેમ પર ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય ઇતિહાસની કથાઓ તેમાં વિગતવાર જાણવા મળે છે.
સ્ત્રીઓ વચ્ચેનો અને પુરુષો વચ્ચેનો પ્રેમ દક્ષિણ એશિયાના સાહિત્યમાં કેવી રીતે વ્યક્ત થયો છે, તેનું ઉદાહરણ સાથે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ડૉ. રુથ વનિતાએ નેવુંના દાયકામાં આ સંશોધનાત્મક અભ્યાસ શરૂ કર્યો હતો. આ અભ્યાસે ભારતમાં LGBTIQ ચળવળને વેગ આપ્યો હતો. આ સંશોધનાત્મક પુસ્તકમાંથી અનેક લેખકોને પ્રેરણા મળી હતી. સમલૈંગિકતાનું અર્થઘટન પૌરાણિક કથાઓ અનુસાર કરવામાં આવ્યું હતું.
પૌરાણિક સાહિત્યના કિસ્સામાં ઇતિહાસના વિદ્વાનો અને સંશોધકો આવા નક્કર દાવા કરતા નથી. ધાર્મિક વિદ્વાનોના મતાનુસાર, મહાપુરાણ નવમી સદી સુધીમાં અને ઉપપુરાણ તેરમી સદી સુધીમાં લખાયાં હતાં. તેમાં સમયાંતરે ઘણા ફેરફાર થયા હતા.
પુરાણસંહિતા, વેદો જેટલી નિશ્ચિત નથી. તેથી તેનું અલગ-અલગ અર્થઘટન થવાની સંભાવના હોય છે.
પ્રખ્યાત લેખક અને પૌરાણિક સાહિત્યના અભ્યાસુ દેવદત્ત પટનાયકના કહેવા મુજબ, “પૌરાણિક કથાઓ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે. બ્રાહ્મણો હજારો વર્ષોથી શાસ્ત્રોની વાત કરતા રહ્યા છે. તેઓ શાસ્ત્રોને સર્વોચ્ચ માને છે. કઈ વાત શાસ્ત્ર કહે છે અને કઈ બ્રાહ્મણ કરે છે તે મહત્વનું છે. તેથી દરેક વ્યક્તિ પોતાના દૃષ્ટિકોણ મુજબ તેનું અર્થઘટન કરે છે.”
“શાસ્ત્રોમાં ખરેખર શું કહેવામાં આવ્યું છે તે આપણે કેવી રીતે સમજી શકીએ? શાસ્ત્ર રચનારાઓ વાત્સ્યાયન, મનુ, ચાણક્ય, વશિષ્ઠ, ગૌતમ ઋષિ, વિશ્વામિત્ર બધા પુરુષો હતા. તેથી શાસ્ત્રોમાં સ્ત્રી વિશે જે કહેવામાં આવ્યું છે તે પુરુષોના દૃષ્ટિકોણથી કહેવામાં આવ્યું છે.”
હિંદુ દેવી-દેવતાઓ તથા લૈંગિક પ્રવાહિતા (જેન્ડર ફ્લ્યુઈડિટી) વિશે હિંદુ તત્વજ્ઞાનના વિદ્વાનો, અભ્યાસુઓ અને લેખકોએ વિગતવાર આલેખન કર્યું છે. તેમાં વૈંકુઠ કમલજા એટલે કે વિષ્ણુ અને લક્ષ્મીનું સંયોજન ધરાવતા એક દેવતા છે. હરિહર એ શિવ તથા વિષ્ણુનું સંયુક્ત સ્વરૂપ છે.
શિખંડી પુરુષ હતો કે સ્ત્રી?

ઇમેજ સ્રોત, DEVDUTT PATTANAIK
મહાભારતમાં શિખંડીની કથા વિખ્યાત છે. આ કથા મહાભારતમાં કહેવામાં આવી છે. કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવોની સેનાઓ સામસામે આવી હતી. ભીષ્મ અને અર્જુન સામસામે આવ્યા ત્યારે બંનેની કસોટી થઈ હતી.
મહારથી શિખંડી પાંડવોની સેનામાં હતા. શિખંડીની પાછળ રહીને અર્જુને ભીષ્મને બાણ માર્યાં હતાં. ભીષ્મે પ્રતિકાર કર્યો ન હતો, કારણ કે ભીષ્મે સ્ત્રી સામે યુદ્ધ ન કરવાનું વચન આપ્યું હતું અને શિખંડી સ્ત્રી હતો. અર્જુનના બાણોથી ઘાયલ થઈને ભીષ્મ અંતે યુદ્ધના મેદાનમાં ઢળી પડ્યા હતા.
કથા મુજબ, શિખંડીનો જન્મ રાજા દ્રુપદની પુત્રી તરીકે થયો હતો, પરંતુ રાજાએ તેનો ઉછેર પુત્રી તરીકે કર્યો હતો. શિખંડીને તમામ પ્રકારની વિદ્યા શીખવીને યુદ્ધશાસ્ત્રમાં નિપુણ બનાવી હતી. શિખંડીના લગ્નની પહેલી રાતે તેની પત્નીને ખબર પડી કે શિખંડી પુરુષ નથી ત્યારે તેના પિતાને ફરિયાદ કરી હતી. એ વખતે શિખંડી આત્મહત્યા કરવા જંગલમાં જાય છે ત્યારે યક્ષ તેની વાર્તા સાંભળીને થોડા સમય માટે તેનું પુરુષત્વ સ્થાપિત કરે છે.
મહાકાવ્ય મહાભારતમાં યુદ્ધની ઘટના કોઈ સંયોગ ન હતી, પરંતુ તે હેતુપૂર્વક રચવામાં આવી હતી. દેવદત્ત પટનાયક માને છે કે શિખંડીની લૈંગિકતા અને બ્રહ્મચારી ભીષ્મની અલૈંગિકતા વચ્ચેનો સંઘર્ષ કરાવવામાં આવ્યો છે.
આ વાર્તા સંદર્ભે શિખંડી પુરુષ હતો કે સ્ત્રી તેનું વિવેચન પુરાણોના અભ્યાસુ લેખકે કર્યું છે.
ગદાધરને રાધેનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે મહાભારતમાં અર્જુન બ્રુહન્નલ્લાના વેશમાં તૃતીયપંથી બને છે.
અરાવન સાથે લગ્ન કરવા કૃષ્ણ સ્ત્રીનું રૂપ ધારણ કરે છે. તામિલનાડુમાં આજે પણ ચૈત્ર મહિનામાં આ કથા સંબંધિત પરંપરાગત તહેવાર ઉજવવામાં આવે છે.
વિદ્વાનોના જણાવ્યા મુજબ, કૃષ્ણ સાથે સંકળાયેલી ઘણી પૌરાણિક કથાઓ, લોકકથાઓ અને હજુ પણ પ્રવર્તમાન રિવાજોમાં કૃષ્ણની પ્રવાહી લૈંગિકતા જોવા મળે છે.
કૃષ્ણભક્તિ કરતા પુરુષો આજે પણ સ્ત્રીઓના વસ્ત્રો પહેરે છે. દેવદત્ત પટનાયક આ પરંપરાનો ઉલ્લેખ સખી-ભાવ પરંપરા તરીકે કરે છે.
તેમના કહેવા મુજબ, “આ સખી-ભાવ પરંપરા કદાચ પંદરમી અને અઢારમી સદી વચ્ચે ભક્તિ તથા તાંત્રિક સંપ્રદાયોના સંમિશ્રણથી સર્જાઈ છે. ઘણા નૃવંશશાસ્ત્રીઓનું અનુમાન છે કે રાસલીલાની શરૂઆત યોગિની સ્ત્રીઓના રાસ નૃત્ય તરીકે થઈ હતી. કૃષ્ણ તેમાં ભૈરવ હતા. ભૈરવ આ દેવીઓના સમુદાયમાં એકમાત્ર પુરુષ છે. એ તેમના પ્રેમી, પુત્ર, ભાઈ એમ વિવિધ સ્વરૂપમાં દેખાય છે.”
“જૂની માતૃસત્તાક પ્રણાલીમાં સ્ત્રીઓ અનેક પ્રાણીઓની પ્રજાતિ મારફત વર્તન કરતી હતી અને માત્ર મજબૂત, સુંદર પુરુષોને જ પસંદ કરતી હતી. તેનું આદિજાતિ વર્ચસ ન સ્થપાય જાય એટલા માટે ચોક્કસ સમયગાળા પછી તેનું બલિદાન આપવામાં આવતું હતું. પુરુષ પાસે પોતાનો જીવ બચાવવાનો એકમાત્ર માર્ગ ખચ્ચીકરણનો હતો. આ રીતે પુરુષત્વનો ત્યાગ કરીને તેણે પ્રેમીને બદલે માત્ર દાસીપુત્ર બનીને જીવવું પડતું હતું.”
દેવદત્ત ઉમેરે છે, “ભારતમાં તહેવારો દરમિયાન દેવીના પુરુષ પૂજારીઓ સ્ત્રીઓના વસ્ત્રો પહેરતા હતા. જોકે, પિતૃસત્તાક સમયમાં એ પ્રથા બદલાઈ ગઈ.”
પુરાણમાં આવી જ એક કથા લોકકથા તરીકે પ્રસિદ્ધ છે.
વિષ્ણુનું મોહિની સ્વરૂપ

ઇમેજ સ્રોત, Devvdutt Patnaik
ભસ્માસુરથી પીછો છોડાવવા શિવ વિષ્ણુની મદદ માગે છે પછી વિષ્ણુ મોહિનીનું રૂપ ધારણ કરે છે અને ભસ્માસુરને વિચલિત કરે છે. ભસ્માસુરને શિવજી પાસેથી વરદાન મળ્યું હતું કે તે જેના પર હાથ મુકશે તે ભસ્મ થઈ જશે.
મોહિની નૃત્ય કરતાં-કરતાં ભસ્માસુરને તેનો હાથ તેના જ મસ્તક પર મૂકવા કહે છે. એ સાથે જ ભસ્માસુર ભસ્મ થઈ જાય છે. અહીં શિવ મોહિની સ્વરૂપે દેખાય છે. શિવ અને મોહિનીના મિલનથી અયપ્પાનો જન્મ થાય છે.
હિજડાઓની મૌખિક પરંપરામાં રામાયણનો પ્રસંગ છે. રામ વનવાસ પછી અયોધ્યા પાછા ફરે છે ત્યારે કેટલાક લોકો દ્વાર પર તેમની રાહ જોતા હોય છે. રામ તેમને પૂછે છે ત્યારે તેઓ કહે છે કે તમે વનવાસમાં ગયા ત્યારે સ્ત્રીઓ અને પુરુષોને પાછા જવા કહ્યું હતું, પરંતુ અમે સ્ત્રી કે પુરુષ નથી. તેથી તમારી રાહ જોતા હતા. એ વખતે રામે તેમને વચન આપ્યું હતું કે તમારી ઉપેક્ષા ક્યારેય નહીં થાય. આ બાબતે અનેક લોકકથાઓ કહેવામાં આવે છે.
અયપ્પા જેવા ક્રૉસ-ડ્રેસિંગ દેવતા તરીકે ગુજરાતમાં બહુચર માતા તૃતીય પંથી સંપ્રદાયના સમલૈંગિકોમાં લોકપ્રિય છે.
રાજા ભગીરથના કથામાં તેમની બે પત્નીની વાત છે.
મંદિરોનાં શિલ્પ અને સમલૈંગિકતા

ઇમેજ સ્રોત, DEVDUTT PATTANAIK
ભારતના ઘણા મંદિરોમાં સમલૈંગિકતા વિશેના શિલ્પો જોવા મળે છે. દેવદત્ત પટનાયક કહે છે, “કાંચીપુરમ, કોણાર્ક અને ખજુરાહો જેવા મંદિરોની દિવાલો પર સમલૈંગિક સંભોગની પ્રતિમાઓ છે. તેમાં એકમેકના ઉત્કટ આલિંગનમાં રહેલી સ્ત્રીઓ જોવા મળે છે. તે પ્રેમમાં ગળાડૂબ મહિલાઓ અથવા પુરુષોને ખુશ કરવા નૃત્ય કરતી મંદિરોની નર્તકીઓનું પ્રતિનિધિત્વ કરતી હોઈ શકે.”
“તેમાં બે પુરુષ સેક્સ કરતા હોય તેવી પ્રતિમાઓ પ્રમાણમાં ઓછી છે. દિવાલો પર તૃતીય પંથીઓની પ્રતિમા હોય અને આપણે તેને ભૂલથી સ્ત્રી કે પુરુષ માનતા હોઈએ તે શક્ય છે. તેનો આધાર વ્યક્તિની નજર પર છે.”

ઇમેજ સ્રોત, GETTY IMAGES
વૈદિક ભારત અને પૌરાણિક કથાઓમાં સમય જતાં જાતીયતા વિશેના આ વિચારોનું પ્રમાણ કેવી રીતે ઘટ્યું હતું તે સમજાવતાં દેવદત્ત પટનાયક કહે છે, “આ વિચાર લુપ્ત થયા નથી. આજે પણ વૃંદાવનમાં શિવજીની પૂજા સ્ત્રી સ્વરૂપે થાય છે. આંધ્ર પ્રદેશમાં બ્રહ્મોત્સવ ઉજવાય છે. તિરુપતિ બાલાજીને સાડી પહેરાવવામાં આવે છે. કર્ણાટકમાં પુલિગમ્મા દેવીની પૂજામાં મૂછ રાખવામાં આવે છે. તેનો અર્થ એ છે કે લિંગભાવ કરતાં આપણે વિચારો બહુ વેગળા છે. લિંગ એ બહુ પ્રવાહી બાબત છે.”
ભારતની ઘણી લોકકથાઓમાં ઉભયલિંગી દેવતાઓ ઉપરાંત બ્રહ્મચારી, સ્વાવલંબી દેવતાઓ અને માણસોની કથાઓ જોવા મળે છે.
‘શિખંડી’ પુસ્તકમાં દેવદત્ત પટનાયકે મહાભારત, રામાયણ, સ્કંદપુરાણ, કામસૂત્ર, ગંગા તટ વિસ્તારની લોકકથાઓ અને બંગાળીની સાથે-સાથે તામિલ લોકકથાઓનો સંદર્ભ પણ આપ્યો છે. તેમણે લૈંગિકતા વિશેની કથાઓનું અર્થઘટન કર્યું છે.
100 વર્ષમાં ઇતિહાસ બદલાઈ ગયો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પ્રત્યેક કાળખંડમાં, ખાસ કરીને રાજકીય પરિવેશમાં સમલૈંગિકતા પ્રત્યેનો દૃષ્ટિકોણ અલગ-અલગ જોવા મળે છે, પરંતુ ક્યારેક આ દૃષ્ટિકોણ ચરમસીમા પર પહોંચી જાય છે.
વિદ્વાન સંશોધક ગીતા થડાનીના પુસ્તકમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. ગીતા થડાની સમલૈંગિક વિવાહને સ્વીકૃતિ આપવાની માગની અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરનાર અરજદારો પૈકીનાં એક છે. તેમણે ભારતમાં સમલૈંગિક સ્ત્રીઓ માટેના સૌપ્રથમ સંગઠન ‘સખી કલેક્ટિવ’ની સ્થાપના 1990માં કરી હતી.
પોતાના સંશોધન માટે તેમણે સંપૂર્ણ ભારતમાં પ્રવાસ કર્યો હતો અને મંદિરો તથા ગ્રામ્ય મહિલાઓને જ્ઞાત પરંપરા, લૈંગિક ધારણાઓનો અભ્યાસ કર્યો છે.
‘સખિયાનીઃ લેસ્બિયન ડિઝાયર ઈન એન્શિયન્ટ એન્ડ મોર્ડન ઈન્ડિયા’ પુસ્તકમાં તેઓ લખે છે, “આપણે ત્યાં સ્ત્રીઓની છબી જાણી જોઈને મર્દાના બનાવવાની પ્રથા સામાન્ય છે. મેં ભુવનેશ્વરના લિંગરાજ મંદિરમાં દેવીની મૂર્તિના કપાયેલાં સ્તન જોયાં છે.”
“એ પછી તેમનો ભગવો રંગ ઉતારી નાખવામાં આવ્યો. તેથી પુરુષની છબીવાળા દેવતાનો જન્મ થયો. દેવતા તારા-તારિણી, જે સમલૈંગિક સ્ત્રી હતી, તેનું મૂળ રૂપ બદલીને વિજાતીય દંપતીનું કરી નાખવામાં આવ્યું. ઘણા મંદિરો તથા પ્રાચીન સ્થળોમાં આવું બન્યું છે.”
ઘણા વિદ્વાનો કહે છે કે બ્રિટિશ સંસ્થાનવાદી નીતિએ લૈંગિકતા વિશેના ભારતીય દૃષ્ટિકોણ પર વ્યાપક અસર કરી હતી.
ઈન્ડિયન કલ્ચરલ ફોરમ સાથેની મુલાકાતમાં ડૉ. રુથ વનિતાએ કહ્યું હતું, “1820થી 1920 વચ્ચેના સમયગાળામાં ભારતમાં માત્ર સમલૈંગિકતા વિશેના જ નહીં, પરંતુ તમામ પ્રકારની લૈંગિકતા પ્રત્યેના વલણમાં વ્યાપક બદલાવ જોવા મળ્યો હતો. એ અગાઉ સેક્સ્યુએલિટી વિશે લખતી વખતે લોકો રોમેન્ટિક, રમૂજી અને આનંદપૂર્ણ અભિવ્યક્તિ કરતા હતા.”
“દાખલા તરીકે, હિન્દી લેખક ઉગ્રએ 1920 પછી લૈંગિકતા વિશે વાર્તાઓ લખી ત્યારે તેમની જોરદાર ટીકા કરવામાં આવી હતી. એ પરિવર્તન બ્રિટીશ સંસ્થાનવાદ દ્વારા લગભગ 100 વર્ષમાં લાવવામાં આવ્યું હતું. આવું પરિવર્તન એક સદીમાં થતું હોય તો તેમાં ફરી પરિવર્તનની શક્યતા છે.”
“આત્મવિશ્વાસ સાંપડે પછી લોકો આગળ આવે છે. તેથી પરિવર્તન થાય છે. પરિવર્તન ફક્ત કાયદો બદલવાથી થાય એવું મને નથી લાગતું. લોકો વિચારો બદલે ત્યારે કાયદો બદલાય છે અને લોકોના સમલૈંગિકતા વિશેના વિચારો બદલાઈ રહ્યા છે તેનો મને આનંદ છે.”
ભારતના વૈદિક અને પૌરાણિક સાહિત્યમાં જ નહીં, પણ લોક પરંપરાઓમાં પણ લૈંગિક વૈવિધ્યનો આવિષ્કાર જોવા મળે છે. ભારતીય સમાજમાં બૌદ્ધ, જૈન, મુસ્લિમ, શીખ ધર્મ અને અનેક સંપ્રદાયોમાં પણ સ્ત્રી-પુરુષની જૈવિક ઓળખની બહાર લિંગભાવના અનેક સંદર્ભ સાંપડે છે. તે એ વાતનો પુરાવો છે કે લિંગ અને લિંગ વૈવિધ્યનું ભારતમાં આજે પણ વિવિધ સ્વરુપે અસ્તિત્વ છે.














