You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટન : નવા વડા પ્રધાન કિઅર સ્ટાર્મર કોણ છે?
બ્રિટનના નવા વડા પ્રધાન અને લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટથી પોતાના પહેલા સંબોધનમાં કહ્યું કે "બદલાવનું કામ તત્કાળ શરૂ થઈ ગયું છે."
પોતાના સમર્થકોનો ઉત્સાહ વધારતા તેમણે કહ્યું કે "અમારું કામ બહુ અગત્યનું છે અને અમે આજથી કામ શરૂ કરી રહ્યા છીએ."
કિઅર સ્ટાર્મરે ભાર દઈને કહ્યું કે "કોઈ પણ દેશમાં બદલાવ કરવો સ્વિચ પાડવા જેવું નથી હોતું, તેમાં થોડોક સમય લાગશે."
તેમણે માન્યું કે "દુનિયા વધુ અસ્થિર છે."
કિઅર સ્ટાર્મરે અગાઉના બ્રિટિશ એશિયન વડા પ્રધાન ઋષિ સુનકના કામનાં પણ વખાણ કર્યાં હતાં.
બ્રિટનમાં છેલ્લાં 14 વરસથી કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર હતી, પરંતુ આ ચૂંટણીમાં લેબર પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે.
બ્રિટનમાં લેબર પાર્ટી 14 વર્ષ બાદ સત્તામાં પુનરાગમન કરી રહી છે.
સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને 412 બેઠકો મળી છે. સંસદમાં બહુમતી માટે 326 બેઠકોની જરૂર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કિઅર સ્ટાર્મર કોણ છે?
61 વર્ષની વયના કિઅર સ્ટાર્મરે લીડ્સ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.
તેમણે ઑક્યુપેશનલ થેરપિસ્ટ વિક્ટોરિયા ઍલેકઝાન્ડર સાથે લગ્ન કર્યાં છે. તેમના પરિવારમાં પત્ની અને એક દીકરો તથા દીકરી એમ બે સંતાનોનો સમાવેશ થાય છે.
તેમનો સંસદીય મતવિસ્તાર 2015થી હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ છે.
લેબર પાર્ટીના આ નેતા પોતાનો ઉલ્લેખ “શ્રમજીવી વર્ગની પશ્ચાદભૂ” ધરાવતી વ્યક્તિ તરીકે વારંવાર કરે છે અને ઘણીવાર તેઓ જ્યાં મોટા થયા હતા તે ઓક્સ્ટેડ, સરેના “પેબલ-ડેશ સેમી”નો સંદર્ભ આપે છે.
તેમના પિતા ટૂલમેકર હતા અને માતા નર્સ તરીકે કામ કરતાં હતાં. તેમના માતા સ્ટીલ ડિસીઝથી પીડિત હતાં. તે એક દુર્લભ ઑટોઈમ્યુન સ્થિતિ છે. તેના કારણે તેમના માતાના બોલવા કે ચાલવા અસમર્થ થઈ ગયાં હતાં.
તેમણે રીગેટ ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક અભ્યાસ કર્યો હતો. તેઓ જોડાયાનાં બે વર્ષ પછી એ સ્કૂલ ખાનગી શાળા બની હતી. તેઓ 16 વર્ષના હતા ત્યાં સુધી તેમની ફી સ્થાનિક કાઉન્સિલ ચૂકવતી હતી.
શાળા અભ્યાસ પછી તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયેલા તેમના પરિવારના પ્રથમ સભ્ય બન્યા હતા. તેમણે લીડ્સ યુનિવર્સિટીમાં અને બાદમાં ઓક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો હતો.
1987માં તેઓ બૅરિસ્ટર અને માનવાધિકાર કાયદાના નિષ્ણાત બન્યા. તેમનું કામ તેમને કૅરેબિયન અને આફ્રિકા લઈ ગયું હતું. ત્યાં તેમણે મૃત્યુદંડનો સામનો કરી રહેલા કેદીઓનો બચાવ કર્યો હતો.
1990ના દાયકાના અંતમાં તેમણે કહેવાતા મૅકલિબેલ કર્મશીલોને મફતમાં સેવા આપી હતી. ફાસ્ટ ફૂડ ક્ષેત્રની દિગ્ગજ કંપનીના પર્યાવરણ સંબંધી દાવાઓ વિશે સવાલ ઉઠાવતી પત્રિકાઓના વિતરણ બદલ મૅકડોનાલ્ડ્સ આ કર્મશીલોની પાછળ પડી હતી.
2008માં તેમને ઇંગ્લૅન્ડ અને વૅલ્સના ડિરેક્ટર ઑફ પબ્લિક પ્રૉસિક્યુશન્શ તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
સત્તા સુધીનો માર્ગ
2015માં તેઓ સેન્ટ પેનક્રાસ અને હોલબોર્નના સંસદસભ્ય બન્યા હતા.
તેમણે લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જૅરેમી કૉર્બિનની ફ્રન્ટબેચ ટીમમાં તેમના શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. તેમણે એ વખતે કહ્યું હતું કે બીજો યુરોપિયન યુનિયન જનમત યોજવાની વિચારણા કરવી જોઈએ.
2019ની સંસદીય ચૂંટણીમાં તેમના પક્ષની કારમી હાર બાદ સર કિઅર સ્ટાર્મર નેતાપદની ચૂંટણી લડ્યા હતા. એપ્રિલ, 2020માં યોજાયેલી એ ચૂંટણી તેમણે જીતી હતી.
તેમના વિજય ભાષણમાં તેમણે લેબર પાર્ટીને “આત્મવિશ્વાસ અને આશા સાથેના નવા યુગમાં” દોરી જવાનું વચન આપ્યું હતું.
કિઅર સ્ટાર્મરનાં મુખ્ય વચનો
લેબર પાર્ટીએ અત્યાર સુધીમાં આપેલાં કેટલાંક નીતિવિષયક વચનોમાં નીચેનાનો સમાવેશ થાય છે.
હેલ્થ કૅરઃ ટેક્સ એવોઈડન્સ સુધારીને તથા ટેક્સ સંબંધી “છીંડાઓ” બંધ કરી દર અઠવાડિયે 40,000 વધુ ઍપોઈન્ટમૅન્ટ્સ આપી અને રાષ્ટ્રીય આરોગ્ય યોજનાના વેઈટિંગ લિસ્ટમાં ઘટાડો કરવો.
ઇમિગ્રેશનઃ માનવતસ્કરી કરતી ટોળકીઓને નાની હોડીમાં લોકોનું ક્રૉસિંગ કરતી અટકાવવા બોર્ડર સિક્યૉરિટી કમાન્ડની શરૂઆત.
હાઉસિંગઃ પ્લાનિંગ કાયદાઓમાં સુધારા કરીને 15 લાખ નવાં ઘરનું નિર્માણ અને પહેલીવાર ઘર ખરીદતા લોકોને નવા હાઉસિંગ ડેવલપમેન્ટ્સમાં “પહેલો અધિકાર” આપવાની યોજના શરૂ કરવી.
શિક્ષણઃ 6,500 શિક્ષકોની ભરતી કરવી અને ખાનગી સ્કૂલ્સને આપવામાં આવતી કરરાહતો બંધ કરીને તેમને પગાર ચૂકવવો.
બ્રિટનમાં લેબર પાર્ટીની સ્થિતિ
લેબર પાર્ટી ઑક્ટોબર, 2021થી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીથી આગળ રહી છે અને 2023ની શરૂઆતથી તેણે લગભગ 20 પર્સન્ટેજ પૉઇન્ટ્સની લીડ જાળવી રાખી છે.
સર કિઅર સ્ટાર્મરે તેમના નેતૃત્વના પ્રારંભિક વર્ષોમાં તેમના પક્ષના નબળા પોલ રેટિંગને વધારવા માટે સંઘર્ષ કર્યો હતો.
2021માં હાર્ટલપુલમાં પેટાચૂંટણીમાં અપમાનજનક હાર પછી કથિત રેડ વૉલમાં મતદારોને પાછા જીતવા પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઇંગ્લૅન્ડના ઉત્તર મિડલેન્ડ્સ મતવિસ્તારના વર્ણન માટે રેડ વૉલ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એક સમયે તે લેબર પાર્ટીના મતનો મુખ્ય હિસ્સો હતો, પરંતુ 2019ની ચૂંટણીમાં અહીંથી કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદસભ્યો જીત્યા હતા.
નીતિ બાબતે પુનર્વિચારણાને પગલે સર કિઅર સ્ટાર્મરે યુનિવર્સિટી ટ્યુશન ફી નાબુદ કરવા તથા ઊર્જા અને જળ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવાની પ્રતિજ્ઞા પડતી મૂકી હતી.
તેમના પક્ષમાંના કેટલાક ડાબેરીઓએ તેમના પર વિશ્વાસઘાત અને વચન તોડવાનો આક્ષેપ કર્યો છે.
ચૂંટણી માટે સંસદનું વિસર્જન કરવામાં આવ્યું તે પહેલાં લેબર પાર્ટી પાસે 205 સંસદસભ્યો હતો. પાર્ટીને બહુમતી મેળવવા માટે તેમણે 326 બેઠકો જીતવી પડશે.