યુકેમાં રહેવા અને કામ કરવા માટેના સરળ વિઝા કઈ રીતે મેળવવા?

ભારત અને ગુજરાતમાંથી ઘણા યુવાનો પાછલા ઘણા સમયથી અભ્યાસ અને નોકરીની તકો માટે અમેરિકા, કૅનેડા, યુરોપિયન દેશો અને યુકે જેવાં રાષ્ટ્રોમાં હજારોની સંખ્યામાં પહોંચી રહ્યા છે.

વિદેશ જઈ અભ્યાસ અને નોકરીની તકો મેળવવા માટે ગુજરાતમાં ઘણી ‘ઘેલછા’ પણ જોવા મળે છે.

જો યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં જતા ભારતીયોની વાત કરાય તો પાછલાં અમુક વર્ષોથી તેના પ્રમાણમાં પણ નોંધપત્રા વધારો જોવા મળ્યો છે.

ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ અનુસાર વર્ષ 2022માં યુકેમાં અન્ય દેશોની સરખામણીએ સૌથી વધુ ભારતીયોને વિઝા અપાયા હતા. વર્ષ 2022માં યુકેએ આપેલા 28 લાખ કરતાં વધુ વિઝા પૈકી 25 ટકા ભારતીયોને અપાયા હતા. જેમાં સ્ટુડન્ટ વિઝા પણ સમાવિષ્ટ છે.

આ સિવાય ગત વર્ષે યુકે દ્વારા અપાયેલી કુલ વર્ક પરમિટ પૈકી 39 ટકા ભારતીયોને અપાઈ હતી. આ સંખ્યાને ધ્યાને લઈએ તો ભારતમાં યુકે જવાના વલણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાનું અનુમાન કરી શકાય.

પરંતુ પરંપરાગત વિઝા થકી, લાંબી પ્રક્રિયા અનુસરી યુકે પહોંચવા સિવાય પણ એવા કેટલાક વિકલ્પો છે, જે ખૂબ ઓછી મહેનત અને રોકાણમાં ઝડપથી આપનો યુકે જવાનો રસ્તો ખોલી શકે છે.

એ પૈકી એક છે યુકેના ઇન્ડિયા યંગ પ્રૉફેશનલ્સ સ્કીમ વિઝા.

આ વિઝા કેવી રીતે અને કોણ મેળવી શકે? તે માટેની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો કયા છે?

શું છે આ યોજના?

યુકે સરકારની આધિકારિક વેબસાઇટમાં આપેલ વિગતો અનુસાર ઇન્ડિયા યંગ પ્રૉફેશનલ્સ સ્કીમ વિઝા 18થી 30 વર્ષના ભારતીય નાગરિકોને બે વર્ષ સુધી યુકેમાં રહેવા અને કામ કરવા માટે મળે છે.

આ યોજનાનો લાભ લઈ યુકે જવા માગતી વ્યક્તિએ અરજી કરતા પહેલાં ઇન્ડિયા યંગ પ્રૉફેશનલ્સ સ્કીમ બૅલટમાં સિલેક્ટ થવાનું હોય છે.

જોકે, તમારે બૅલટમાં પ્રવેશ માટે વિઝા માટે અરજી કરતા પહેલાં આ યોજના માટેની લાયકાતો જાણી લેવી જોઈએ.

બૅલટ અંગેની સંપૂર્ણ પ્રક્રિયા વિશે તમે અહીં વાંચી શકો છો.

લાયકાત

આ યોજના અંતર્ગત અરજી કરવા માટેની લાયકાતો નીચે મુજબ છે.

  • અરજદાર ભારતીય નાગરિક હોવા જોઈએ
  • તેમની ઉંમર 18-30 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • સ્નાતક કે તેથી ઉપરની કક્ષાની ડિગ્રી હોવી જોઈએ
  • યુકેમાં રહેવા માટે 2,530 પાઉન્ડ એટલે કે લગભગ 2.64 લાખ રૂપિયા બચત તરીકે હોવા જોઈએ
  • આ નાણાં તમારા બચત ખાતામાં 28 દિવસ સુધી સળંગ હોવા જોઈએ, તેમજ આ 28 દિવસ વિઝા માટે અરજી કર્યાના 31 દિવસમાં હોવા સામેલ હોવા જોઈએ
  • તમારી સાથે 18 વર્ષથી ઓછી વયનું કોઈ બાળક ન રહેતું હોવું જોઈએ જેની દેખરેખની જવાબદારી તમારી હોય

કેવી રીતે અરજી કરવી?

જો તમે ઇન્ડિયા યંગ પ્રૉફેશનલ્સ સ્કીમ બૅલેટ સામેલ થવા માટેની લાયકાત ધરાવતા હો અને તમે બૅલેટમાં સફળ થાઓ તો તમને વિઝા માટે અરજી કરવા માટે આમંત્રિત કરાશે.

તે માટે જરૂરી દસ્તાવેજો તૈયાર કરી લો.

દસ્તાવેજોની યાદી આ પ્રમાણે છે.

  • તમારી ઓળખ અને રાષ્ટ્રીયતા દર્શાવતો માન્ય પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો
  • તમારા બૅંક ખાતામાં જરૂરી રકમ હોવાના પુરાવા, દા. ત. બૅન્ક સ્ટેટમૅન્ટ
  • જો તમે ભારતમાં કે અન્ય લિસ્ટેડ દેશમાં રહેતા હો તો તમારા ટ્યુબરક્યુલોસિસ (ટીબી)ની તપાસનું પરિણામ
  • ભારતમાંથી પોલીસ વૅરિફિકેશન અથવા ક્લીયરન્સ સર્ટિફિકેટ
  • તમારા પાસપોર્ટમાં વિઝા માટે બ્લૅન્ક પેજ હોય એ પણ જરૂરી છે
  • આ સિવાય શૈક્ષણિક લાયકાત અંગેના દસ્તાવેજો – જેના માટે તમારી કૉલેજ કે યુનિવર્સિટી પાસેથી લેખિત પ્રમાણપત્ર મેળવવાનું રહેશે
  • જો તમારા દસ્તાવેજો ઇંગ્લિશમાં ન હોય તો તમારે તેનું પ્રમાણિત ભાષાંતર પૂરું પાડવાનું રહેશે
  • આ સિવાય તમારા સંજોગો અનુસાર વધારાના દસ્તાવેજો આપવા પડી શકે છે, જે માટે હોમ ઑફિસ તમારો સંપર્ક કરી શકે છે

ક્યારે અરજી કરવી?

જો તમે બૅલેટમાં સફળ થાઓ તો તમને આમંત્રણ સમયે અપાયેલ ડેડલાઇન પ્રમાણે અરજી કરવાની રહેશે. જેનો સમયગાળો આમંત્રણ બાદથી 30 દિવસનો હોય છે.

વિઝા અપાયાના છ માસની અંદર યુકે ટ્રાવેલ કરવાનું રહેશે.

તમારી અરજી અનુસાર તમારે ઓળખના અને અન્ય પુરાવા આપવાના રહેશે.

એક વખતે અરજી, ઓળખ પુરવા અને અન્ય દસ્તાવેજો આપ્યા બાદ તમારી અરજી અંગે સામાન્યપણે ત્રણ અઠવાડિયાંમાં નિર્ણય લેવાશે.

કેટલો ખર્ચ થાય?

આધિકારિક વેબસાઇટમાં આપેલી વિગતો અનુસાર અરજી સમયે 298 પાઉન્ડ એટલે કે લગભગ 31 હજાર રૂપિયા, હેલ્થ કેર સરચાર્જ તરીકે 940 પાઉન્ડ એટલે કે લગભગ 98 હજાર અને અગાઉ જણાવ્યું એમ બચત ખાતામાં 2.64 લાખ રૂપિયા રાખવાના રહેશે.

જો તમારી અરજી રદ થાય તો તેવા કિસ્સામાં અરજી માટેની ફી પરત મળતી નથી. તેથી અરજી કર્યા પહેલાં લાયકાતની તમામ શરતો જાણી લેવી જરૂરી છે.

કેટલા સમય સુધી યુકેમાં રહી શકાય અને શું કરી શકાય?

તમને આ યોજના અંતર્ગત યુકેમાં રહેવા અને કામ કરવા માટે 24 માસના વિઝા મળે છે. તમે વિઝા માન્ય હોય ત્યાં સુધી ગમે ત્યારે યુકેમાં આવી, જઈ અને રહી શકો છો.

જો વિઝા અપાય એ દરમિયાન તમે 31 વર્ષના થઈ જાઓ તો પણ તમે વિઝા માન્ય હોય ત્યાં સુધી યુકેમાં રહી શકો છો.

આ દરમિયાન યુકેમાં રહીને અભ્યાસ કરી શકો છો. પરંતુ અમુક કોર્સ કરવા માટે તમારે એકૅડેમિક ટેકનૉલૉજી અપ્રૂવલ સ્કીમ સર્ટિફિકેટની જરૂર પડે છે.

આ સિવાય મોટા ભાગની નોકરીઓમાં જોડાઈ શકો છો.

આ દરમિયાન સ્વરોજગાર અપનાવી શકાય, પોતાની કંપની પણ સ્થાપી શકાય છે. પરંતુ આવું કરવા માટે તમારે કામનું સ્થળ ભાડે રાખવાનું હોય છે. તેમજ કોઈનેય નોકરીએ રાખી ન શકાય અને ઑફિસમાં સાધનોની કિંમત 5.22 લાખ કરતાં વધુ ન હોય.

આ સિવાય આ યોજના અંતર્ગત યુકે પહોંચી શું ન કરી શકાય એ પણ જાણી લેવું જોઈએ.

  • તમે યુકેમાં વધુ સમય સુધી ન રહી શકો
  • મોટા ભાગના લાભો માટે અરજી ન કરી શકો
  • તમારી અરજીમાં સંબંધીઓને ન સામેલ કરી શકો – તેમણે અલગ અરજી જ કરવાની રહે છે
  • પ્રૉફેશનલ સ્પૉર્ટ્સપર્સન તરીકે કામ ન કરી શકો (દા. ત. કોચ)