બિહારમાં મૉબ લિંચિંગ : મૃત જાનવરોનાં હાડકાં લઈ જતાં ટ્રક ડ્રાઇવરની ‘ગોમાંસના શકમાં હત્યા, શું છે સમગ્ર મામલો?

મૉબ લિંચિંગ

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, બિહારના છપરા જિલ્લાના સારણમાં 28 જુને 55 વર્ષના ઝહીરુદ્દીનની ભીડે ઢોર માર મારીને હત્યા કરી નાખી.
    • લેેખક, વિષ્ણુ નારાયણ
    • પદ, બીબીસી હિંદી માટે
    • દ્વારા રિપોર્ટિંગ, સારણ (બિહાર)

"કોઈ આવીને કાચ ફોડે. કોઈ ચાકુ દેખાડે. કોઈકે ટાયરમાંથી હવા કાઢી નાખી. બોલતા હતા કે કાલે આ લોકોનો તહેવાર (બકરી ઈદ) છે. આ લોકોનો તહેવાર આજે જ મનાવી લેવાનો છે. ત્યારબાદ પોલીસ આવી."

"પોલીસ પણ ઈંટ-પત્થર તથા ભાગદોડ જોઈને ભાગવા લાગી, તો ઝહીરુદ્દીનને કોણ બચાવત. તે ભાગવા મજબૂર હતા. વિકલાંગ હતા. તેમની સાથે શું ન થયું? અમે જેમતેમ ભાગીને જીવ બચાવ્યો."

આ શબ્દો છે કય્યૂમ ખાનના જેઓ બુધવારે 28 જૂનના રોજ એ ટ્રકમાં સવાર હતા જેના ડ્રાઇવર ઝહીરુદ્દીનની બિહારના છપરા જિલ્લાની બંગરા ગામ પાસે રસ્તા પર મારી-મારીને હત્યા કરી નાખી.

સ્પૉટ પર જ્યારે અમે પહોંચ્યા તો જોયું કે ટ્રકના તૂટેલા કાચના ટુકડા વેરવિખેર પડ્યા હતા. ચંપલો પણ પડ્યાં દેખાયાં. પોલીસ ટ્રકને નગરા બજાર લઈ આવી.

ટ્રકની હાલત જોઈને એ અંદાજો લગાવવો મુશ્કેલ નથી કે બુધવારે ઝહીરુદ્દીન પર શું વિતી હશે? ડ્રાઇવરની અને તેની બાજુની સીટ પર હજુ પત્થરો પડેલા જોવા મળે છે.

મૉબ લિંચિંગ

28 જૂનની સાંજે શુ થયું?

મૉબ લિંચિંગ

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, કય્યૂમ ખાન કે જેઓ ઘટના વખતે ટ્રકમાં સવાર હતા.

આમ તો આ વાત જગજાહેર છે કે ટ્રકમાં કોઈ ખરાબી હોવાને કારણે ઝહીરુદ્દીનને તેની ટ્રકને બંગરા ગામ પાસે આવેલા હનુમાન મંદિર પાસે રોકવી પડી હતી. ત્યાંથી પસાર થતા કોઈ છોકરાએ તેમને પૂછ્યું કે ટ્રકમાં કયો સામાન ભર્યો છે?

જ્યારે જવાબમાં તેમણે કહ્યું કે તેમાં મૃત જાનવરોનાં હાડકાં છે, એટલે તે છોકરાએ ભીડ ભેગી કરી નાખી. ભીડે તેમને હાડકાં દેખાડવાનું કહ્યું.

કય્યૂમ ખાનના જણાવ્યા પ્રમાણે લોકોએ ટ્રક પર ચઢીને જોયું, છતાં તેઓ માનવા તૈયાર નહોતા કે તેમાં ગોમાંસ નથી.

લોકોએ હાડકાંની ફેકટરીના માલિકને ફોન જોડવાનું કહ્યું અને ઝહીરુદ્દીને ફોન પણ જોડ્યો, છતાં લોકો ન માન્યા. તેમનો આરોપ હતો કે હાડકાંની નીચે ગૌમાંસ છે.

કય્યૂમ ખાન આખી ઘટનાને યાદ કરતા કહે છે, "આવી ઘટનાઓ પહેલાં નહોતી બનતી. આ રસ્તા પર પહેલાં બળદગાડાંમાં પણ ખુલ્લેઆમ હાકડાંઓનું પરિવહન થતું. હવે તો અહીંથી પસાર થવામાં પણ ડર લાગે છે, કે કોઈ આવીને મારી જશે."

"દૂરથી કામકાજ પતાવીને આવ્યા અને ઘર પાસે આવ્યા તો આવું બન્યું."

સ્પૉટ પર પહોંચવા અને તમામ કોશિશો કરવા છતાં કોઈ આ મામલે સ્પષ્ટ બોલવા તૈયાર નહોતું.

આસપાસના લોકો ધીરેથી કહે છે કે આજકલના છોકરાઓ કોઈના દાબમાં તો નથી, ખબર નહીં ક્યાંકથી બૂમ પડે અને બધુ સ્વાહા થઈ જાય.

મૉબ લિંચિંગ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઝહીરુદ્દીન પોતાની માતાની વૃદ્ધાવસ્થાનો સહારો હતા. વિકલાંગ હોવા છતાં તેઓ ટ્રક ચલાવવા મજબૂર હતા.

ઘટના બાદ ઝહીરુદ્દીનનો પરિવાર વિખેરાઈ ગયો છે.

તેમના માતા લૈલા ખાતૂન બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “તેનો પગ બરાબર ચાલતો નહોતો. કોલકાતામાં તેને અકસ્માત થયો હતો, ત્યારથી તે લંગડાતો ચાલતો હતો. બધા ભાગવામાં સફળ થયા પરંતુ તે ભાગી ન શક્યો. તે જે થોડા રૂપિયા આપતો હતો તેમાંથી હું મારી કમરનો ઇલાજ કરાવતી હતી. મને કમર દર્દ છે, પણ હવે ઇલાજની આશા ભાંગી પડી. તેમનાં બાળકો હજુ પગભર નથી થયાં.”

લૈલા ખાતૂન વધુમાં કહે છે, “આ કારોબાર-ધંધો અમારા માટે નવી વાત નથી. ન આ વિસ્તાર માટે. પહેલાં તો બળદગાડીમાં અને ટ્રેનમાં લૉડ થઈને હાડકાં કાનપુર અને અન્ય વિસ્તારોમાં જતાં હતાં. મારાં સસરા પણ આ જ કામ કરતા હતા. પહેલા આવું ક્યારેય નહોતું થયું, પરંતુ તે દિવસે કોણ જાણે શું થયું કે મારા લાચાર દિકરાને ભીડે મારી નાખ્યો.”

ઝહીરુદ્દીનની પુત્રી સૈદ્દુનિશા કહે છે, “મારા પિતા લાચાર હતા. અમે ઘણીવાર આ કામ છોડવા કહ્યું કારણકે તેમના પગ ચાલતા નહોતા, પરંતુ તેઓ અમારા માટે નાઇટ ડ્યૂટી કરવા લાગ્યા જેથી ઘર ચાલે. મારા પિતા કોઈ અવૈદ્ય કામ તો નહોતા કરતા? અમને ન્યાય જોઈએ છે.”

છપરા જિલ્લાના અલગઅલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 6 મહિનામાં આ બીજી ઘટના છે, જ્યારે ભીડે કોઈ વ્યક્તિની ગોમાંસની તસ્કરીની શંકામાં માર મારીને હત્યા કરી નાખી હોય.

પહેલી ઘટના જિલ્લાના રસૂલપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં નોંધાઈ હતી. બીજો મામલો જમાલપુર પોલીસ સ્ટેશનના બંગરા ગામ સામે.

બંને ઘટના ભલે અલગ-અલગ હોય પરંતુ બંનેમાં લોકોની ભીડે ગોમાંસની તસ્કરીના શકમાં પકડમાં આવેલા શખસને ઢોર માર મારીને મારી નાખ્યો.

મૉબ લિંચિંગ

હાડકાંનું આ ઘટના સાથે શું છે કનેક્શન?

મૉબ લિંચિંગ

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, ઝહીરુદ્દીનનાં માતા લૈલા ખાતૂન

આ ઘટનાક્રમમાં હાડકાંનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારે લોકોના મનમાં સવાલ ઊઠે છે કે હાડકાં શા માટે લઈ જવામાં આવે છે અને તે ક્યાં લઈ જવાતાં હતાં? હાડકાંના કારોબાર સાથે કોણ-કોણ જોડાયેલું છે?

આ જવાબ જાણવા અમે છપરા જિલ્લાના નગરા પ્રખંડમાં સ્થિત એ ફેક્ટરી સુધી પહોંચ્યા જ્યાં મૃત જનાવરના હાડકાંનું પ્રોસેસિંગ થતું હતું. આ કારોબાર વૈદ્ય છે અને આ કારોબાર વર્ષોથી ચાલુ છે. આ ફેકટરીના સંચાલકના જણાવ્યા પ્રમાણે તેમને વડા પ્રધાન રોજગાર સૃજન યોજના અંતર્ગત સહાય પણ મળી છે.

ફેકટરીના સંચાલક મોહમ્મદ સફાકત બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "અમારું આ કામ કોઈ નવું નથી. પેઢી દર પેઢીથી આ કામ ચાલતું આવે છે."

"અમારા દાદા પહેલા હાડકાં ટ્રેનથી લોડ કરીને કાનપુર મોકલતા હતા. હવે ગુજરાતની સ્ટરલિંગ બાયૉટૅક લિમિટેડ કંપનીમાં જાય છે."

"હાડકાંનો ચૂરો બનાવીને અમે ગુજરાત મોકલીએ છીએ, અને તેનાથી ઘણાનો રોજગાર ચાલે છે."

જ્યારે અમે તેમને હાડકાંને અહીં લઈ જવાના મામલે સવાલો પૂછ્યા તો તેમણે ઊલટો અમને સવાલ કર્યો, "શું રાજ્યમાં આ પ્રકારનો ધંધો કરવો ગુનો છે? અમે કંઇ ગેરકાયદે કામ થોડું કરીએ છીએ?"

તેમણે વધુમાં કહ્યું, "મૃત જાનવરોનાં હાડકાં ઉઠાવવાનું કામ તો અંગ્રેજોના સમયથી ચાલે છે."

"તેનું એક નેટવર્ક છે. ગામની બહાર ફેંકવામાં આવતા મૃત ઢોરને ડોમ સમાજના લોકો ભેગા કરે છે."

તેઓ કહે છે, "અમે પોતાના નેટવર્ક મારફતે તેને લાવીએ છીએ. વજન કરીને તેના પૈસા આપીએ છીએ. અમે તો ગામમાં ફેલાતી ગંધ અને ગંદકી હઠાવવાનું કામ કરીએ છીએ. તો પછી આ પ્રકારનો જુલમ કેમ?"

મૉબ લિંચિંગ

આરોપીની ધરપકડ મામલે પોલીસે શું કહ્યું?

મૉબ લિંચિંગ

ઇમેજ સ્રોત, VISHNU NARAYAN

ઇમેજ કૅપ્શન, છપરા જિલ્લાનું જલાલપુર પોલીસ સ્ટેશન

આ આખા મામલે આરોપીની ધરપકડ મામલે અમે છપરા પોલીસ અધીક્ષકનો સંપર્ક કર્યો.

પોલીસ અધીક્ષકની પ્રેસનોટ અનુસાર, "28 જુનના રોજ મોહમ્મદ ઝહરુદ્દીન જાનવરોનાં હાડકાં ફેક્ટરીમાં લઈ જતા હતા ત્યારે તેમની ગાડી જલાલપુર ક્ષેત્રમાં ખરાબ થઈ ગઈ. ત્યાં દુર્ગંધથી ભીડ જમા થઈ ગઈ અને ભીડે તેમને ઢોર માર મારીને ઘાયલ કરી નાખ્યા. સારવાર દરમિયાન તેમનું મોત થયું."

"આ મામલે સાત પ્રથમદર્શી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોના નિવેદન અનુસાર 20-25 અજ્ઞાત લોકો સામે ગુનો નોંધ્યો છે."

જોકે જે પ્રકારે પોલીસે કાર્યવાહી કરી છે તે યોગ્ય ન હોવાનું નજરે પડે છે. પોલીસે જે છ લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરી છે તે પૈકી એકની પણ ધરપકડ કરવામાં નથી આવી.

જિલ્લાના પોલીસ અધીક્ષકે બીબીસી સાથેની વાતચીતમાં એ સ્વીકાર કર્યો કે આ મામલે 29 જૂનના રોજ જે પ્રથમદર્શી આરોપીની ધરપકડ કરાઈ છે તે સિવાય તપાસ આગળ વધી નથી.

મૉબ લિંચિંગ
મૉબ લિંચિંગ