એ ગુજરાતી જેમણે અંબાણી અને બિરલા સામે પડીને કંપનીને બચાવી

અનિલ નાયક, ગુજરાતી બિઝનેસમૅન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનિલ નાયકનો જન્મ જૂન-1942માં તત્કાલીન બૉમ્બે સ્ટેટમાં વર્તમાન નવસારી જિલ્લાના ખારેલ ગામ ખાતે મણિભાઈ તથા મણિબાના ઘરે થયો હતો
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી

લાર્સન ઍન્ડ ટુબ્રોના માનદ ચૅરમૅન અનિલ નાયકે સમૂહની બે લિસ્ટેડ કંપનીઓ એલટીઆઈ માઇન્ડ ટ્રી તથા એલ ઍન્ડ ટી ટેકનોલૉજી સર્વિસ લિમિટેડના નૉન-એક્ઝિક્યુટિવ ચૅરમૅન તથા બોર્ડના સભ્યપદેથી રાજીનામાં આપી દીધાં છે.

આ સાથે જ તેઓ જૂથની કોઈ પણ કંપનીના બોર્ડમાં સભ્ય નહીં રહે અને સંસ્થામાં એક યુગનો અંત આવી જશે. મૂળે ગુજરાતી વર્ષ 1965માં કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા હતા અને સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા હતા.

નાયકે પોતાના કાર્યકાળ દરમિયાન કંપનીને આદિત્ય બિરલા જૂથ દ્વારા અધિગ્રહિત થવાથી બચાવી હતી અને આ પ્રકરણમાં ધીરુભાઈ અંબાણી જૂથની પણ ભૂમિકા હતી. તેમણે ખરા અર્થમાં એલઍન્ડટીને 'કર્મચારીઓની કંપની' બનાવી હતી.

આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પદ્મવિભૂષણ નાયકે એલઍન્ડટીનું ચૅરમૅનપદ છોડ્યું હતું અને સંસ્થા તથા વ્યક્તિગત સખાવતી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

માયાનગરીમાં મહેનત

અનિલ નાયક, ગુજરાતી બિઝનેસમૅન

ઇમેજ સ્રોત, Getty Images

અનિલ નાયકનો જન્મ જૂન-1942માં તત્કાલીન બૉમ્બે સ્ટેટમાં વર્તમાન નવસારી જિલ્લાના ખારેલ ગામ ખાતે મણિભાઈ તથા મણિબાના ઘરે થયો હતો. તેમના પિતા તથા દાદા ગાંધીવાદી હતા તથા બાળપણમાં દાદાએ જ તેમને શિક્ષણ આપ્યું.

ગાંધીવાદી વિચારોથી પ્રેરાઈને અનેક ગામડાંમા શાળાઓ સ્થપાઈ, ત્યારે આવી જ એક શાળામાં બાળ અનિલના પિતા પ્રિન્સિપાલ હતા. ખારેલમાં પ્રાથમિક તથા પાસેના ગામમાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરીને તેમણે વલ્લભ વિદ્યાનગરની વાટ પકડી, જ્યાં તેમને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ લીધો.

આ સંસ્થાની સ્થાપના માટે જીડી બિરલા પરિવારના શૈક્ષણિક ટ્રસ્ટે સખાવત આપી હતી. આગળ જતાં નાયક પોતાની કંપનીને બચાવવા માટે બિરલા પરિવારના વારસદાર સામે પડવાના હતા. વર્ષ 1964માં નાયકે ગૉલ્ડ મૅડલ સાથે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું.

તેઓ તાતા જૂથ, વૉલ્ટાસ અથવા એલઍન્ડટીમાં જોડાવા માગતા હતા. મુંબઈની એક કંપનીમાં નોકરી મળે તેમ હતી, પરંતુ ત્યાં પરિવારની ઓળખાણ હોવાથી અનિલે તેમાં જોડાવાના બદલે અન્ય એક નાની કંપનીમાં જોડાયા અને ઝડપથી પ્રગતિ પણ કરી, પરંતુ કર્મચારીઓ પ્રત્યે કંપનીના માલિકના દીકરાના વલણને કારણે કંપનીમાંથી તેમનું મન ઊઠી ગયું.

આ અરસામાં લાર્સન ઍન્ડ ટુબ્રોની ડ્રીમ જોબ માટે જાહેરાત આવી. વર્ષ 1965માં તેઓ કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા. કંપની આઈઆઈટી કે અન્ય પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કૉલેજોમાંથી જ ભરતી કરતી, એટલે નાયક તેમાં સીધા જ જોડાય શકે તેમ ન હતા.

'હાઉ અનિલ નાયક બિલ્ટ એલઍન્ડટીસ ગ્રૉથ ટ્રૅજેક્ટરી'માં આર. ગોપાલક્રિષ્નન તથા પલ્લવી મોદી તેમના પુસ્તકના બીજા તથા ત્રીજા પ્રકરણમાં આ વિગતો આપી છે.

બીબીસી ગુજરાતી

એલઍન્ડટીમાં આગમન અને ઉદય

અનિલ નાયક, ગુજરાતી બિઝનેસમૅન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ઇન્ટરનેશલ ડિરેક્ટરી ઑફ કંપની હિસ્ટ્રીઝ, વૉલ્યૂમ 117 'માં (પૃષ્ઠ 228-232) આપવામાં આવેલી વિગતો પ્રમાણે, ડેનમાર્કના બે એન્જિનિયર હેન્નિંગ હોલૉક લાર્સન અને સોરેન ક્રિસ્ટન ટુબ્રો કૉપનહેગનસ્થિત સિમેન્ટની ફૅક્ટરીના મશીન બનાવવાની કંપની માટે કામ કરતા હતા.

1930ના દાયકાની શરૂઆતમાં તેઓ ભારત આવ્યા. હૈદરાબાદ પાસે સિમેન્ટની ફૅક્ટરી નાખવા માટે તેમને બોલાવવામાં આવ્યા હતા. એ પછી એક પછી એક સિમેન્ટની ફેક્ટરીઓ નાખવામાં તેઓ વ્યસ્ત રહ્યા.

1938માં માથેરાનમાં રજાઓ ગાળતી વખતે તેમણે પોતાની કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો અને બૉમ્બેથી શરૂઆત કરી. તેઓ ચીન તથા મડાગાસ્કર સુધી પોતાનો વ્યાપક વિસ્તારવા માગતા હતા, પરંતુ છેવટે તેમણે ભારત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. એક ભાગીદાર ઑફિસમાં બેસે તથા બીજો પાર્ટનર બજારમાં જઈને નવો વેપાર લાવે તેવી વ્યવસ્થા હતી.

હજુ થોડો સમય જ થયો હશે કે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. વર્ષ 1940માં હિટલરની નાઝીસેનાએ ડેનમાર્ક તથા નૉર્વે પર હુમલો કરી દીધો. તેઓ દેશમાં પરત ફરી શકે તેમ ન હતા. સિમેન્ટ, ડેરી, કાચ કે અન્ય ઉદ્યોગ સ્થાપવા માટેની મશીનરી વિદેશથી આવી શકે તેમ ન હતી, એટલે તેમણે ભારતમાં જે મશીનરી હોય તેના રિપૅરિંગના કામ શરૂ કરવા લાગ્યા.

ભારતના દરવાજા સુધી યુદ્ધ પહોંચી ગયું, ત્યારે તેમણે ઇટાલીના એક યુદ્ધજહાજને ખરીદી લીધું અને તેને વર્કશૉપ બનાવી દીધું. આ જહાજ મધદરિયે બ્રિટિશ જહાજોની પાસે જઈને તેમનું સમારકામ કરતું. યુદ્ધ સમાપ્ત થયે વર્ષ 1946માં કંપનીએ પ્રાઇવેટ લિમિટેડનું સ્વરૂપ ધારણ કર્યું અને ચાર વર્ષ બાદ જાહેર ભરણું લાવી.

આ પહેલાં દેશમાં મોટું રાજકીય પરિવર્તન આવ્યું. બ્રિટિશરો ભારત છોડી ગયા અને દેશ સ્વતંત્ર થયો. સ્વતંત્ર દેશમાં માળખાકીય સુવિધાઓના વિસ્તારમાં મોટા પાયે સિમેન્ટની જરૂર હતી તથા એલઍન્ડટીની આ ક્ષેત્રમાં નિપુણતા હતી.

વીજમથક, ઍરપૉર્ટ વગેરે જેવી મોટી અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં તેમની નિપુણતા હતી. લાર્સનના મતે, 'ભારત સ્વતંત્ર થયો તે પછી કંપનીના મૅનેજમૅન્ટનું ભારતીયકરણ શરૂ કર્યું, કારણ કે તેમાં બહુ વિદેશી હતા.'

વર્ષ 1966 સુધી તે દેશની ટોચની 75 કંપનીઓમાંથી એક હતી. એ પછીના એક દાયકા કરતાં ઓછા સમયમાં તે દેશની ટોચની 25 કંપનીઓમાંથી એક થઈ ગઈ હતી. પહેલાં ટુબ્રો અને પછી લાર્સન સક્રિય સંચાલનમાંથી નિવૃત્ત થયા. ધીમે-ધીમે સંચાલનના દરેક સ્તરે ભારતીયો માટે માર્ગ મોકળો થવા લાગ્યો.

ગોપાલક્રિષ્નન-મોદી તેમના પુસ્તકમાં લખે છે કે વર્ષ 1965માં નાયક કંપનીમાં જોડાયા, ત્યારે ઑફિસબૉય ડિઝાઇન લઈને ફૉરમૅન પાસે જાય, તેને કોઈ સવાલ હોય તો તે એન્જિનિયર પાસે પહોંચે. આમ કરવા પાછળ ખૂબ જ સમય જતો. નાયકના પોતે સૌ પહેલાં પહોંચતા તથા સૌથી છેલ્લે બહાર નીકળતા. તેઓ સીધા જ ફૉરમૅન પાસે પહોંચી અને ડિઝાઇન બતાવી તથા સમજાવી દેતાં. જો કોઈ સમસ્યા હોય તો તત્કાલીન ઉકેલી દેતાં.

આવા અનેક નુસખા તથા કર્મચારીઓનાં નામ-સરનામાં યાદ રાખીને તેમની સાથે સન્માનજનક રીતે વર્તવાને કારણે નાયક કારીગરોમાં લોકપ્રિય બની ગયા હતા. કામ તથા માનવીય સમજને કારણે તેઓ ઝડપભેર પ્રોજેક્ટ પૂર્ણ કરી શકતા અને કંપનીમાં ઝડપભેર પ્રગતિની સીડીઓ ચઢવા લાગ્યા.

વર્ષ 1979માં અબુધાબીના ઍરપૉર્ટના નિર્માણનું કાર્ય એલઍન્ડટીને મળ્યું. આ દાયકામાં મધ્યપૂર્વીય દેશોમાં માળખાયી સુવિધાઓ અસામાન્ય ઝડપે વધી રહી હતી અને ભારતીય શ્રમિકો જ તેના માટે પરસેવો પાડી રહ્યા હતા. ભારતીય કંપનીઓને આ ઉછાળનો લાભ મળ્યો તથા એલઍન્ડટી તેમાંથી બાકાત ન હતી.

અંબાણીનું આગમન-નિર્ગમન

અનિલ નાયક, ગુજરાતી બિઝનેસમૅન

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 1987થી 2003નો 16 વર્ષનો ગાળો કંપની માટે અનિશ્ચિતતાનો રહ્યો હતો. આ દરમિયાન કંપનીને ટેકઑવર કરવાના ત્રણ પ્રયાસ થયા હતા. જેના કારણે કંપનીના સ્વતંત્ર અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થયું હતું.

મિનાજ મર્ચન્ટે અનિલ નાયક પર 'ધ નેશનાલિસ્ટ' નામથી પુસ્તક લખ્યું છે, જેમાં સામે આવેલા પડકારોનો કંપની અને નાયકે કેવી રીતે સામનો કર્યો, તેના વિશે પ્રકાશ પાડે છે. આ પુસ્તકના છઠ્ઠા પ્રકરણમાં તેઓ લખે છે:

દુબઈસ્થિત મનુ છાબરિયા 'ટેકઑવર ટાયકૂન' તરીકે જાણીતા હતા તથા એમણે અનેક કંપનીઓને સફળતાપૂર્વક હસ્તગત કરી હતી. તેમની નજર એલઍન્ડટી પર પડી હતી. જેણે ભારત તથા મધ્યપૂર્વીય દેશોમાં અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ પૂર્ણ કર્યા હતા.

વર્ષ 1987માં છાબરિયાએ ખુલ્લા બજારમાંથી દોઢ ટકા શૅર ખરીદ્યા હતા. આ વાત કંપનીના ટોચના મૅનેજમૅન્ટની નજરથી બહાર ન રહી. કંપનીના પ્રથમ ભારતીય ચૅરમૅન નરોત્તમ દેસાઈએ ધીરુભાઈ અંબાણીને મદદ માટે વિનંતી કરી. ત્યાં સુધીમાં ધીરુભાઈ સફળ આઈપીઓ લાવ્યા હતા અને સફળ ઉદ્યોગપતિ તરીકે કાઠું કાઢ્યું હતું.

રિલાયન્સના પાતાળગંગા ખાતેના પ્રોજેક્ટને એલઍન્ડટીએ જ પાર પાડ્યો હતો, એટલે તેઓ તેમને કંપનીની ક્ષમતાઓનો અંદાજ હતો. સુરત પાસે હઝીરા ખાતે બંને કંપનીઓ મોટા ઔદ્યોગિક પ્રકલ્પો સ્થાપી રહી હતી.

અંબાણીએ બજારમાંથી 12.5 ટકા એલઍન્ડટીના શૅર ખરીદી લીધા. બાકીનો હિસ્સો સરકારી રોકાણસંસ્થાઓ પાસે હતો, જેથી સ્થિતિ થાળે પડતી જણાય હતી. મુકેશ તથા અનિલ અંબાણીને કંપનીના બોર્ડમાં સ્થાન મળ્યું હતું.

અનિલ નાયક, ગુજરાતી બિઝનેસમૅન

ઇમેજ સ્રોત, ani

એપ્રિલ-1989માં ધીરુભાઈ કંપનીના ચૅરમૅન બન્યા અને તેમને કંપનીમાં લાવનાર દેસાઈએ પદ છોડવું પડ્યું. પવઈ ખાતેના એકમના જનરલ મૅનેજર તરીકે નાયકે જ ધીરુભાઈ તથા મુકેશ અંબામીને ફ્લૉર વિઝિટ કરાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રિલાયન્સને રાજીવ ગાંધીના નેતૃત્વવાળી તત્કાલીન કૉંગ્રેસ સરકારનો ટેકો હતો. કંપનીમાં અંબાણીનો હિસ્સો વધીને 18.5 ટકા સુધી પહોંચી ગયો હતો. આ તબક્કે બજારમાં સેબીનું અસ્તિત્વ ન હતું તથા ટેકઑવર માટે કોઈ માર્ગદર્શિકા-નિયમ ન હતાં.

ચૅરમૅન તરીકે અંબાણીએ નિર્ણય લીધો કે રિલાયન્સને રૂ. 570 કરોડની સપ્લાયર્સ ક્રૅડિટ આપવી. એ સમયે અંબાણીની કંપનીએ એલઍન્ડટીની સૌથી મોટી ખાનગી ગ્રાહક હતી.

આ સિવાય કંપનીને બજારમાંથી રૂ. 76 કરોડના રિલાયન્સના શૅર લેવા માટે કહેવામાં આવ્યું. આ સિવાય કંપનીએ વધુ દેવું લેવું, એવો પણ નિર્ણય લેવામાં આવનાર હતો. આ પહેલાં દેશની રાજકીય પરિસ્થિતિ પલટાઈ.

નવેમ્બર-1989માં રાજીવ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસનો લોકસભા ચૂંટણીમાં રકાસ થયો અને તેમના કટ્ટરવિરોધી વીપી સિંહ સરકારમાં આવ્યા અને કંપની સામે તપાસો શરૂ થઈ. ઇન્ડિયન ઍક્સપ્રેસ તથા નસલી વાડિયાએ પણ અંબાણીઓ સામે મોરચો ખોલી દીધો હતો.

સરકારી રોકાણસંસ્થાઓએ પણ ધીરુભાઈ માટે મુશ્કેલીઓ વધારવી શરૂ કરી દીધી હતી. આ સિવાય શારીરિક સમસ્યાઓ પણ હતી એટલે ધીરુભાઈએ કંપનીનું ચૅરમૅનપદ છોડી દીધું. એસબીઆઈના પૂર્વ ચૅરમૅન એસ.એન. ઘોષ કંપનીના નવા ચૅરમૅન બન્યા. તેમણે રિલાયન્સને આપવામાં આવેલી સપ્લાયર્સ ક્રૅડિટ પાછી ખેંચી લીધી અને રિલાયન્સના શૅરબજારમાં ઠાલવવા માંડ્યા.

એ પછી કૉંગ્રેસના ટેકાથી ચંદ્રશેખરની સરકાર સત્તા ઉપર આવી. ઘોષે રાજીનામું આપવું પડ્યું અને અંબાણીઓએ રાહતના શ્વાસ લીધા. પરંતુ દેશ સામે આર્થિક મુશ્કેલીઓ ઊભી હતી અને ચંદ્રશેખર વિદેશમાં ભારતનું સોનું ગીરવે મૂકવા માટે તજવીજ હાથ ધરી.

ગઠબંધન સરકારનું પતન થયું અને મધ્યસત્રી ચૂંટણી આવી. પ્રચાર અભિયાન દરમિયાન રાજીવ ગાંધીની બૉમ્બબ્લાસ્ટમાં હત્યા થઈ. પીવી નરસિમ્હારાવના નેતૃત્વમાં કૉંગ્રેસની લઘુમતી સરકાર કેન્દ્રમાં સત્તા ઉપર આવી.

અંબાણી પિતા-પુત્રોને ફરી બોર્ડમાં લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી. તેમની પાસે પૂરતા શૅર હતા તથા નવી રાજકીય પરિસ્થિતિમાં સરકારી રોકાણસંસ્થાના અધિકારીઓ પણ તેમને ટેકો આપી રહ્યા હતા. જોકે, વિપક્ષનો વિરોધ હતો અને સરકાર પણ ખુલ્લીને પૂરતું સમર્થન કરી શકે તેમ ન હતી.

આવામાં કંપનીમાં અંબાણીના પ્રવેશનો પ્રસ્તાવ પસાર ન થઈ શક્યો અને લગભગ એક દાયકા સુધી તેઓ મૌન ધરી રહ્યા અને માત્ર રોકાણકાર બની રહ્યા. કંપનીનું સંચાલન વ્યાવસાયિક નિષ્ણાતો કરી રહ્યા હતા.

બિરલા : બાજી મારી કે જીતી

કુમાર મંગલમ બિરલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કુમાર મંગલમ બિરલા

પિતા આદિત્યના આકસ્મિક અવસાન પછી કુમાર મંગલમ બિરલાએ ખૂબ જ નાની વયે કંપનીની ધૂરા હાથમાં લીધી. ગ્રાસીમ સમૂહ સિમેન્ટના ધંધામાં હતો અને આદિત્ય બિરલા અધિગ્રહણ દ્વારા વ્યાપ વધારવાની વિચારસરણી ધરાવતા હતા.

વર્ષ 1989માં નાયક મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા હતા. વર્ષ 1999માં તેઓ કંપનીના સીઈઓ બન્યા, આ પદ પર તેમને બેએક વર્ષ જ થયા હશે કે કંપની સામે મોટો પડકાર ઊભો થયો. મર્ચન્ટ તેમના પુસ્તકના ઉપરોક્ત પ્રકરણમાં લખે છે :

નવેમ્બર-2001માં તેઓ શિકાગોમાં હતા, ત્યારે સવારે સવા બે વાગ્યા આસપાસ કંપનીના સિમેન્ટ ઉદ્યોગના વડાનો ફોન આવ્યો કે અંબાણીએ તેમનો 10.5 ટકા હિસ્સો કુમાર મંગલમ બિરલાને વેચી દીધો છે.

આ બધું અચાનક બન્યું હતું એટલે આ સમાચાર નાયક માટે આંચકાજનક હતા. થોડા સમય પહેલાં જ એલઍન્ડટીએ જામનગર ખાતે રિફાઇનરીના રિલાયન્સના પ્રૉજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો.

અમુક મિનિટ પછી ફરી વખત અનિલ નાયકનો મોબાઇલ ફોન રણક્યો. સામે છેડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મૅનેજિંગ ડાયરેક્ટર અનિલ અંબાણી હતા.

તેમણે કહ્યું, 'અનિલભાઈ, તમે અમને નહોતા ઇચ્છતા એટલે અમે છોડી જઈએ છીએ. કંપનીમાં અમારો હિસ્સો અમે કુમાર મંગલમ્ બિરલાને વેચી દીધો છે.' આ સિવાય થોડી વાતચીત થઈ.

શિકાગોના સમય પ્રમાણે, સવારે સાતેક વાગ્યા હશે કે નાયકના ફોનની ઘંટડી રણકી. સામે છેડે કુમાર મંગલમ્ બિરલા હતા. તેમણે બહુ વહેલી સવારે ફોન કરવા બદલ માફી માગી અને કહ્યું, 'નાયકજી, તમે અમારી પાસે ન આવ્યા, તો અમે તમારી પાસે આવી ગયા.'

કુમાર મંગલમની વાત ખોટી ન હતી. તેમના પિતા આદિત્યે અનેક વખત અનિલ નાયકને કંપનીમાં લાવવા માટે પ્રયાસ કર્યા હતા. તેઓ કુમાર મંગલમના લગ્નમાં પણ હાજર રહ્યા હતા.

અનિલ નાયક, ગુજરાતી બિઝનેસમૅન

ઇમેજ સ્રોત, ani

એ સમયે ગ્રાસીમ દેશમાં સિમેન્ટ ઉત્પાદનની બાબતે ત્રીજા ક્રમાંકની કંપની હતી, જ્યારે એલઍન્ડટી ટોચ પર હતી. કંપનીમાંથી સારું વૅલ્યૂએશન મળી શકે એમ છે, એવું બિરલાનું કહેવું હતું અને તેઓ 16 ટકા સુધી હિસ્સેદારી લઈ ગયા.

નાયકે દિલ્હીના ચક્કર કાપવાના શરૂ કરી દીધા. આ કામમાં એસ. ગુરુમૂર્તિએ તેમને સહયોગ આપ્યો. સરકારી રોકાણસંસ્થાઓ, સચીવો, મંત્રીઓ તથા વડા પ્રધાનસ્તર સુધી રજૂઆતો કરવામાં આવી અને એલઍન્ડટીનું સ્વતંત્ર રહેવું શા માટે જરૂરી છે, તેના વિશે વાકેફ કરવાના પ્રયાસ હાથ ધર્યા.

સરકારે વધુ શૅર ન ખરીદવા માટે બિરલાને કહ્યું. બિરલા પણ લાંબી ઘટમાળથી થાકી ગયા હતા. તેમને એલઍન્ડટીના કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક કે અન્ય કોઈ વેપારમાં રસ ન હતો અને માત્ર સિમેન્ટ એકમ ઇચ્છતા હતા. તેમણે આ વાત ગુરુમૂર્તિને જણાવી. સિમેન્ટ ઉદ્યોગને કારણે એલઍન્ડટી ઉપર દેવું ઊભું થયું હતું તથા તેને ચાલુ રાખવામાં પણ તેની રોકડ તરલતા વપરાય જતી હતી, એટલે તેમના માટે આ રાહતજનક સમાચાર હતા.

એલઍન્ડટીએ તેના સિમેન્ટના ઉદ્યોગને અલગ કર્યો અને તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. બિરલાના પ્રવેશ પછી શૅરના ભાવોમાં અસામાન્ય ઉછાળ આવ્યો હતો. હવે, પ્રશ્ન એ હતો કે સિમેન્ટ ઉદ્યોગ સિવાયની વધતી રકમની અવેજ એલઍન્ડટી કેવી રીતે ઊભી કરશે?

નાયકે દેશભરમાં એલઍન્ડટીના એકમોનો પ્રવાસ ખેડ્યો. તેમણે ફરી એક વખત દિલ્હીના ચક્કર શરૂ કર્યા. વિજય મેનને તેમના પુસ્તક 'ઇનોવૅશન સ્ટ્રૉરીઝ ફ્રૉમ ઇન્ડિયા ઇન્ક.'માં એક પ્રકરણ અનિલ નાયક પર લખ્યું છે. નાયકને ટાંકતા તેઓ લખે છે કે : સિમેન્ટ ઉદ્યોગની સાટે બિરલા તેમના રૂ. 425 કરોડના શૅર એલઍન્ડટી કર્મચારી કલ્યાણ ફાઉન્ડેશનને આપવા. જેનું નિયમન કર્મચારીઓ કરે.

કેન્દ્ર સરકારે વ્યાજમુક્ત રૂ. 275 કરોડ ફાઉન્ડેશનને આપ્યા, જેને 11 વર્ષમાં પરત કરવાના હતા. કર્મચારીઓને કંપનીના સાત વર્ષના ડિબૅન્ચરમાં રોકાણ કર્યું. આ સિવાય બે બૅન્કોએ પણ ધિરાણ આપ્યું.

સિમેન્ટ ઉદ્યોગ જવાથી કંપનીની આર્થિક સ્થિતિ તથા ધિરાણ લેવાની ક્ષમતામાં વધારો થયો હતો. ફાઉન્ડેશન પાસે શૅર હતા, જેમાંથી ડિવિડન્ડ મળવા લાગ્યું હતું. આ સિવાય બજારની સ્થિતિ પણ સુધરી હતી અને કંપનીની આવક વધી, જેના કારણે કર્મચારીઓની રકમ ચાર વર્ષમાં તથા સરકારની લૉન આઠ વર્ષમાં કંપનીએ ભરી દીધી.

જ્યારે સોદો થયો ત્યારે બિરલાએ નાયક સાથે હાથ મિલાવતા કહ્યું હતું, "ઇતિહાસમાં તમારું નામ લખાશે. કારણ કે તમે એલઍન્ડટીની માલિકી તેના કર્મચારીઓને અપાવી છે. આવું ભારતના કૉર્પોરેટ જગતમાં અગાઉ ક્યારેય નથી થયું."

સ્ટૉકએજના ડૅટા પ્રમાણે, તા. 26 જૂનના આદિત્ય બિરલા જૂથની માર્કેટ કૅપિટલ આઠ લાખ 95 હજાર જેટલી હતી. જ્યારે એલઍન્ડટીની કંપનીઓનું વૅલ્યુએશન રૂ. સાત લાખ 44 હજાર 300 કરોડ જેટલું છે. વલ્લભ વિદ્યાનગરની જે કૉલેજમાં અનિલે અભ્યાસ કર્યો હતો, ત્યાં બિરલાના નામની ઇમારત છે અને એક નવું બિલ્ડિંગ પણ બન્યું છે, જેની ઉપર નામ છે, એએમ નાયક.