50 રૂપિયાના પગારદાર મોહનસિંહ વિશ્વમાં 35 લક્ઝરી હોટલોના માલિક કેવી રીતે બન્યા?

ઇમેજ સ્રોત, OBEROI GROUP
- લેેખક, વકાર મુસ્તફા
- પદ, પત્રકાર તથા સંશોધક, લાહોર
બ્રિટિશ ભારતની ગ્રીષ્મકાલીન રાજધાની શિમલાની એક હોટલમાં નોકરી કરતી વખતે મોહનસિંહ ઓબેરોયને 10 ફૂટ લાંબું અને એટલું જ પહોળું મકાન નોકરીમાં મળ્યું હતું.
‘ધ સેસલ’ નામની એ હોટલમાં તેઓ કોલસાનો હિસાબ રાખવાનું કામ કરતા હતા. એ શાનદાર હોટલ એક પહાડી પર હતી અને તે પહાડીના અત્યંત નીચલા હિસ્સામાં મોહનસિંહને મકાન આપવામાં આવ્યું હતું. તેઓ દિવસમાં બે વખત પહાડ ચડતા હતા.
પહેલી વખત નોકરી પર આવતી વખતે અને બીજી વખત બપોરે પત્ની ઈશરાન દેવીએ રાંધેલું સાદું ભોજન ખાધા પછી હોટલમાં પાછા ફરતી વખતે.
તેમનો પગાર પચાસ રૂપિયા હતો એટલે કે તેઓ 1922માં ઝેલમ (હવે પાકિસ્તાની પંજાબનું ચકવાલ)ના કસ્બે બહવનથી રવાના થયા ત્યારે તેમનાં માતાએ આપેલા રૂપિયા કરતાં બમણી રકમ હતી.
કૉન્ટ્રાક્ટર પિતા અતરસિંહનું અવસાન તો મોહનસિંહ માત્ર છ મહિનાના હતા ત્યારે જ થઈ ગયું હતું.
પત્રકાર બચી કરકરિયા લખે છે, “તેમનાં માતા ત્યારે 16 વર્ષનાં હતાં. મેણાંટોણાંથી વાજ આવીને તેઓ એક રાતે તેમના દૂધ પીતા દીકરાને ઉઠાવી, 12 કિલોમીટર પગપાળા ચાલીને પોતાના પિયર ચાલ્યાં ગયાં હતાં.”
ગામમાં પ્રારંભિક શિક્ષણ બાદ મોહનસિંહે રાવલપિંડીમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ લાહોરમાં શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા હતા, પરંતુ પછી આર્થિક તંગીને કારણે અભ્યાસ ચાલુ રાખી શક્યા ન હતા.
નોકરી મેળવવા માટે આટલો અભ્યાસ ઓછો લાગ્યો ત્યારે એક દોસ્તના કહેવાથી મોહનસિંહ તેની સાથે રહ્યા અને શૉર્ટહેન્ડ તથા ટાઇપિંગનો કોર્સ કર્યો. તેમ છતાં તેમને નોકરી મળી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કાકાએ લાહોરમાં પગરખાંની તેમની ફેક્ટરીમાં મોહનસિંહને નોકરી તો આપી દીધી પણ પૈસાની તંગીને કારણે ટૂંક સમયમાં એ કારખાનું બંધ થઈ ગયું. તેથી મોહનસિંહે મજબૂર થઈને પોતાના ગામ પાછા ફરવું પડ્યું હતું.
ગામમાં અશ્રાક રોયનાં પુત્રી ઈશરાન દેવી સાથે તેમનાં લગ્ન થયાં પછી કેટલાક દિવસ તેઓ સરગોધામાં તેમના સાળાને ત્યાં રહ્યા હતા.
પ્લેગનો રોગચાળો

ઇમેજ સ્રોત, OBEROI GROUP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ બહવન પાછા આવ્યા ત્યારે ત્યાં પ્લેગનો રોગચાળો ફેલાઈ ગયો હતો. માતાએ મોહનસિંહને સરગોધા પાછા જવાની સલાહ આપી હતી, પરંતુ એ દિવસોમાં સરકારી ઑફિસમાં જુનિયર ક્લાર્કની નોકરી માટેની જાહેરાત સ્થાનિક અખબારમાં જોઈ હતી.
માતાએ આપેલા 25 રૂપિયા લઈને તેઓ નોકરી માટે પરીક્ષા આપવા લગભગ પોણા ચારસો કિલોમીટર દૂર શિમલા ગયા હતા.
મોહનસિંહના જણાવ્યા અનુસાર, પરીક્ષામાં નાપાસ થવાથી તેઓ નિરાશ હતા. એક દિવસ ‘ધ સેસલ’ હોટલ પાસેથી પસાર થતા હતા ત્યારે અંદર જઈને નસીબ અજમાવવાની ઇચ્છા થઈ હતી.
“ઍસોસિએટેડ હોટલ્સ ઑફ ઇન્ડિયાની માલિકીની આ ઊંચા દરજ્જાની હોટલના મૅનેજર એક અંગ્રેજ હતા. તેમનું નામ ડીડબલ્યુ ગ્રૂવ હતું. તેમણે મને રૂ. 40ના માસિક પગારે બિલિંગ ક્લાર્ક તરીકે નોકરીએ રાખ્યો હતો.”
“ટૂંક સમયમાં મારો પગાર વધારીને રૂ. 50 કરવામાં આવ્યો હતો. પત્ની પણ શિમલા આવી ગઈ એટલે અમે ખસ્તા હાલમાં ઘરમાં રહેવાં લાગ્યાં હતાં. મકાનની દીવાલ પર જાતે જ ચૂનો લગાવ્યો હતો. તેને લીધે હાથમાં છાલાં પડી ગયાં હતાં, પરંતુ અમે નસીબદાર હતા કે અમારી માથે છત હતી.”
મોહનસિંહ ઓબેરોયે તેમના જીવનની બધી વાતો સંશોધક ગીતા પીરામલ સાથે 1982માં શેર કરી હતી.
“સેસલ હોટલનું મૅનેજમૅન્ટ બદલાયું ત્યારે અર્નેસ્ટ ક્લાર્ક મૅનેજર બની ગયા હતા. હું સ્ટેનોગ્રાફી જાણતો હતો એટલે ક્લાર્કે મને કૅશિયર અને સ્ટેનોગ્રાફરનું પદ આપ્યું હતું.”
“એક દિવસ પંડિત મોતીલાલ નેહરુ સેસલ હોટલમાં રોકાયા હતા. એ વખતે તેઓ સ્વરાજ પાર્ટીના નેતા હતા. પંડિતજી એક મહત્ત્વનો રિપોર્ટ જલદી અને સાવધાનીપૂર્વક ટાઈપ કરાવવા ઇચ્છતા હતા. મેં આખી રાત જાગીને તે રિપોર્ટ પૂર્ણ કર્યો અને બીજા દિવસે સવારે તેમને આપ્યો ત્યારે તેમણે આભાર કહીને 100 રૂપિયાની નોટ મારા હાથમાં આપી હતી.”
“મારી આંખોમાં આંસુ આવી ગયાં અને હું ઝડપભેર ઓરડામાંથી બહાર નીકળી ગયો. 100 રૂપિયા, જેને પૈસાદારો ફેંકી દેતા હતા એ મારા માટે ઘણુંબધું હતા. રૂપિયાની ખરીદશક્તિ ત્યારે એટલી બધી હતી કે મેં પત્ની માટે ઘડિયાળ, બાળક માટે કપડાં અને મારા માટે રેઈનકોટ ખરીદ્યાં હતાં.”
શિમલાની કાર્લટન હોટલ

ઇમેજ સ્રોત, OBEROI GROUP
અર્નેસ્ટ ક્લાર્કનો ઍસોસિએટેડ હોટલ્સ ઑફ ઇન્ડિયા સાથેનો કૉન્ટ્રાક્ટ પૂર્ણ થયો પછી તેમણે દિલ્હી ક્લબ માટે કેટરિંગનો કૉન્ટ્રાક્ટ લીધો હતો. તેમની સાથે નોકરી કરવાની ઑફર મોહનસિંહે સ્વીકારી લીધી હતી. હવે તેમનો માસિક પગાર રૂ. 100 હતો.
દિલ્હી ક્લબ સાથેનો કરાર માત્ર એક વર્ષનો હતો અને ક્લાર્કે ટૂંક સમયમાં નવા બિઝનેસની શોધ શરૂ કરી દીધી હતી.
શિમલામાં કાર્લટન હોટલ બંધ થઈ ગઈ હતી. ક્લાર્ક તેને લીઝ પર લેવા ઇચ્છતા હતા, પરંતુ એ માટે કોઈ ગૅરંટરની જરૂર હતી.
મોહનસિંહે ગીતા પીરામલને કહ્યું હતું, “મેં મારા કેટલાક પૈસાદાર સગાં અને દોસ્તોનો સંપર્ક સાધ્યો હતો. કાર્લટન હોટલ હવે ક્લાર્ક હોટલ બની ગઈ હતી. પાંચ વર્ષ પછી ક્લાર્કે નિવૃત્ત થવાનો અને હોટલ વેચવાનો નિર્ણય કર્યો હતો. તેમણે મને ઑફર કરતાં જણાવ્યું હતું કે તેઓ હોટલ ચલાવવા માટે કોઈ એવી વ્યક્તિને અગ્રતા આપશે, જે તેની પરંપરા અને પ્રદર્શનને જાળવી રાખે.”
“જરૂરી પૈસા માટે મારે મારી કેટલીક સંપત્તિ અને પત્નીનાં ઘરેણાં ગિરવે મૂકવાં પડ્યાં હતાં. મેં મારા એક મહેરબાન કાકાની મદદથી ક્લાર્ક હોટલની માલિકી સંભાળી લીધી હતી. કાકા પહેલેથી જ મારી પડખે ઊભા રહ્યા હતા.”
મોહનસિંહ 1934ની 14 ઑગસ્ટ સુધીમાં ક્લાર્કની દિલ્હી તથા શિમલા હોટલના એકલા માલિક બની ચૂક્યા હતા.
મોહનસિંહ અને તેમનાં પત્ની હોટલ માટે માંસ તથા શાકભાજી જાતે ખરીદતા હતા. આ રીતે તેમણે ખર્ચમાં 50 ટકા ઘટાડો કર્યો હતો. ધીમે-ધીમે દાર્જિલિંગ, ચંડીગઢ અને કાશ્મીરમાં વધુ હોટલોનો વધારો કર્યો.
મોહનસિંહે કહ્યું હતું, “મેં મારી હોટલ બનાવવા માટે વિચારવાનું શરૂ કર્યું અને પહેલો પ્રયાસ ઓડિશાના ગોપાલપુર ઓન સીમાં એક નાનકડી હોટલનો હતો.”
તેમના કહેવા મુજબ, તેમના જીવનનો દરેક વળાંક કોઈને કોઈ મહામારી સાથે જોડાયેલો રહ્યો છે એ અજબ યોગાનુયોગ છે.
કોલકાતામાં કોલેરા ફેલાયો

ઇમેજ સ્રોત, PENGUIN
કોલકાતામાં 1933માં કોલેરા ફેલાયો હતો. આર્મીનિયાના રિયલ એસ્ટેટ માંધાતા સ્ટીફન આરાથોનની ગ્રાન્ડ હોટલ 100થી વધુ વિદેશી મહેમાનોનાં મોત પછી બંધ કરી દેવામાં આવી હતી. લોકો કોલકાતા જતાં ડરતા હતા. મોહનસિંહ દૃઢ વિશ્વાસ અને સંકલ્પ સાથે એ હોટલને એક અત્યંત નફાકારક બિઝનેસ બનાવવામાં સફળ થયા હતા.
1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાથે જ કોલકાતા સૈનિકોથી ભરાઈ ગયું હતું. બ્રિટિશ સૈન્ય રહેવા માટે જગ્યા શોધી રહ્યું હતું.
મોહનસિંહે કહ્યું હતું, “મેં તરત જ પ્રતિ વ્યક્તિ 10 રૂપિયા લેખે લગભગ 1,500 સૈનિકોના રહેવા તથા ખાવાપીવાની વ્યવસ્થા કરી આપી હતી. મેં માસિક રૂ. 1,500ના પગારે મિસ્ટર ગ્રૂવને નોકરીએ રાખ્યા હતા. એ ગ્રૂવ, જેમણે મને સેસલ હોટલમાં રૂ. 50ના માસિક પગારે પહેલી નોકરી આપી હતી.”
એ હોટલનું સંચાલન તેમની કારકિર્દીનો એક મહત્ત્વપૂર્ણ તબક્કો હતો. ભારત સરકારે 1941માં ભારતીય હોટલ ઉદ્યોગની સેવા બદલ સન્માન સ્વરૂપે તેમને રાય બહાદુરનો ખિતાબ આપ્યો હતો.
મોહનસિંહે 1943માં ઍસોસિએટેડ હોટલ્સ ઑફ ઇન્ડિયા લિમિટેડના શેર ખરીદીને રાવલપિંડી, પેશાવર, લાહોર, મરી અને દિલ્હીમાં બનેલી હોટલોની એક મોટી શૃંખલાની માલિકી પ્રાપ્ત કરી લીધી હતી. તેમણે જ્યાં પહેલી નોકરી કરી હતી એ હોટલના માલિક પણ તેઓ બની ગયા હતા.
વિભાજન પછી 1961 સુધી રાવલપિંડીમાં ફ્લેશ મેંસ, લાહોરમાં ફ્લિટીઝ, પેશાવરમાં ડેંસ અને મરીમાં સેસલ હોટલ આ કંપની પાસે જ હતી.
બાદમાં તેનો ઍસોસિએટેડ હોટલ્સ ઑફ પાકિસ્તાન નામની કંપનીમાં તેનો વિલય કરી નાખવામાં આવ્યો હતો, પરંતુ મેજોરિટી શેર્સ ઓબેરોય પરિવાર પાસે જ હતા. જોકે, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી એ બધી હોટલોનો દુશ્મન દેશની સંપત્તિ ગણીને જપ્ત કરવામાં આવી હતી.
જનરલ ઝિયા ઉલ હકનું મોત

ઇમેજ સ્રોત, Getty Images
પત્રકાર પોલ લુઈસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ ઝિયા ઉલ હકે તે હોટલ પાછી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ મોહનસિંહ સાથે મુલાકાત થાય એ પહેલાં જ જનરલ ઝિયા પ્લેન અકસ્માતમાં માર્યા ગયા હતા.
પોલ લુઈસ લખે છે કે મોહનસિંહ ઓબેરોયે ભારતીય હોટલ ઉદ્યોગને વીસમી સદીની જરૂરિયાત અનુસારનો આકાર આપ્યો હતો.
“તેઓ ભારતના કોનરાડ હિલ્ટન કહેવાતા હતા. તેઓ જર્જર અને ઓછી કિંમતની પ્રોપર્ટી શોધવામાં તથા તેના આધુનિકીકરણમાં નિષ્ણાત હતા.”
“તેમણે જૂના, ખખડધજ મહેલો, ઐતિહાસિક સ્મારકો અને ઇમારતોને શાનદાર હોટલમાં પરિવર્તિત કરી નાખ્યાં હતાં. તેમાં કોલકાતાની ધ ઓબેરોય ગ્રાન્ડ, કૈરોની ઐતિહાસિક મીના હાઉસ અને ઑસ્ટ્રેલિયાની ધ વિન્ડસરનો સમાવેશ થાય છે. શિમલામાં ઓબેરોય સેસલની ઇમારત પણ વીસમી સદીની શરૂઆતમાં બનાવવામાં આવી હતી. તેને મોટી અને વિશાળ ડિઝાઇન તથા સજાવટ બાદ એપ્રિલ, 1997માં ફરી શરૂ કરવામાં આવી હતી.”
ભારત, શ્રીલંકા, ઇજિપ્ત અને હંગેરીમાં લગભગ 35 લકઝરી હોટલ્સ સાથે ઓબેરોય ગ્રૂપ, ટાટા ગ્રૂપ પછી ભારતની બીજી સૌથી મોટી હોટલ કંપની બની ગયું હતું. મોહનસિંહના નેતૃત્વમાં ઓબેરોય ગ્રૂપ તેની બીજી બ્રાન્ડ ‘ટ્રાઈડન્ટ’ લાવ્યું હતું. ટ્રાયડન્ડ ફાઇવ સ્ટાર હોટલ છે.
આ ગ્રૂપનો એક વધુ મહત્ત્વપૂર્ણ પડાવ 1966માં ઓબેરોય સ્કૂલ ઑફ હોટલ મૅનેજમૅન્ટની સ્થાપના હતો. હવે આ સ્કૂલ ધ ઓબેરોય સેન્ટર ઑફ લર્નિંગ ઍન્ડ ડેવલપમૅન્ટ નામે ઓળખાય છે અને મહેમાનગતિ માટે ઉચ્ચ સ્તરીય તાલીમ આપે છે.
મહિલાઓને નોકરી
પોતાની હોટલોમાં મહિલાઓને નોકરી આપવાનો અને ઊંચું સ્ટાન્ડર્ડ જાળવી રાખવા માટે સહયોગી ઉદ્યોગોની સ્થાપના કરવાનો તેમનો નિર્ણય પણ ઉલ્લેખનીય છે. ઓબેરોય ગ્રૂપે 1959માં પહેલી વાર ભારતમાં ફ્લાઇટ કેટરિંગ કામગીરી શરૂ કરી હતી.
મોહનસિંહ ઓબેરોય 1962માં રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા અને સફળ થયા હતા. 1947માં લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરી અને 46,000થી વધુ મતથી જીત્યા હતા. ભારત સરકારે 2001માં તેમને દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન ‘પદ્મભૂષણ’થી સન્માનિત કર્યા હતા.
બચી કરકરિયાએ મોહનસિંહ ઓબેરોયનું જીવનચરિત્ર લખ્યું છે. તેનું નામ છેઃ ડેર ટુ ડ્રીમઃ અ લાઇફ ઑફ રાય બહાદુર મોહનસિંહ ઓબેરોય.
બચી કરકરિયાના જણાવ્યા અનુસાર, મોહનસિંહ ઓબેરોયે પોતાની આગવી સંચાલન શૈલી બનાવી હતી. શિમલાની 50 ઓરડાવાળી ક્લાર્ક હોટલમાં કિચનથી મહેમાનો માટે ફ્લોર પર ભોજન લાવવા માટે 1934માં લિફ્ટ બનાવડાવી હતી.
“કિચનમાં આંટો મારતી વખતે તેમણે જોયું હતું કે માખણના બચેલા ટુકડા કચરામાં ફેંકવામાં આવતા હતા. એ ટુકડાઓ ફેંકવાને બદલે તેનો ઉપયોગ તેમાંથી મજેદાર પેસ્ટ્રી બનાવવાનો નિર્ણય તેમણે કર્યો હતો. તેઓ અને તેમનાં પત્ની ખરીદી પર ચાંપતી નજર રાખતાં હતાં.”
દાયકાઓ પછી લગભગ 90 વર્ષની વયે તેઓ તેમના પુત્ર પૃથ્વીરાજ ‘બિકી’ની લાંબી બીમારી દરમિયાન રાજી થઈને કામ પર પાછા ફર્યા હતા.
“તેમણે દિલ્હીની હોટલમાં ગરમ પાણીના થર્મોસ્ટેટમાં થોડું એડજસ્ટેન્ટ કરવા જણાવ્યું હતું. મહેમાનોએ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ તેનાથી વીજળીના બિલમાં મોટો ફરક પડ્યો હતો. પાણીના ગ્લાસની સપાટીથી માંડીને ફ્લાવરપોટમાં ગુલાબની ઊંચાઈ કેટલી હોવી જોઈએ એ બધું તેઓ જણાવતા હતા.”
પૈસા અને કામનો સંબંધ

ઇમેજ સ્રોત, OBEROI HOTELS
બચી કરકરિયા લખે છે કે તેઓ એકમાત્ર બિન-શાહી વ્યક્તિ હતા, જેમણે પોતાના ખેતરમાં પોતાના અંગત સ્મશાનનું નિર્માણ કરાવ્યું હતું. રાજપૂત શૈલીનાં છત્રો સાથેની એક શાંત, વૃક્ષોથી ઢંકાયેલી સેન્ડસ્ટોનની જગ્યા. જોકે, તેમણે એ સ્મશાનનો ઉપયોગ 1984માં તેમના પુત્ર તિલક રાજ ‘ટિકી’ અને તેના ચાર વર્ષ પછી પોતાનાં પત્ની માટે કરવો પડ્યો હતો.
“મોહનસિંહે તેમના જન્મના વર્ષને 1898થી 1900 કરાવી નાખ્યું હતું, કારણ કે તેમને 19મી સદીની વ્યક્તિ ગણવામાં આવે એવું તેઓ ઇચ્છતા ન હતા. તેમના પુત્ર બિકીએ સંયમ રાખ્યો હોત તો આ રહસ્ય ઉઘાડું પડ્યું ન હોત. 1998માં તેમણે તેમાં ફેરફાર કરાવ્યો હતો, કારણ કે તેમના પિતાના 100 વર્ષ કોઈ ઉત્સવ વિના પસાર થઈ જાય તેવું તેઓ ઇચ્છતા ન હતા.”
રાય બહાદુર મોહનસિંહ ઓબેરોય 104 વર્ષ જીવ્યા હતા. મોહનસિંહ ભારપૂર્વક માનતા હતા કે તમે માત્ર પૈસા વિશે જ વિચારશો તો તમે યોગ્ય કામ નહીં કરો, પરંતુ તમે યોગ્ય કામ કરશો તો પૈસો આપોઆપ આવી જશે.














