એશિયન પૅઇન્ટ્સથી દેશની દીવાલોને રંગનાર અશ્વિન દાણીની કહાણી

અશ્વિન દાણી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એશિયન પૅઇન્ટ્સના પૂર્વ ચૅરમૅન અશ્વિન દાણીનું અવસાન થયું છે, તેઓ 79 વર્ષના હતા. તેમણે ભારતમાં પૅઇન્ટિંગ ઉદ્યોગને આધુનિક બનાવવામાં અને ભારતીય કંપનીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

તત્કાલીન મુંબઈના ગુજરાતી વણિક પરિવારમાં જન્મેલા અશ્વિનભાઈ નજીકના લોકોમાં દાણી 'અશ્વિનભાઈ' તરીકે ઓળખાતા. નજીકના વર્તુળોમાં મજાકમાં તેઓ કહેતા કે 'હું પૅઇન્ટ ખાઉં છું, પૅઇન્ટ પીવું છું અને મને સપનાં પણ પૅઇન્ટ'ના જ આવે છે. તેઓ પડકારને તક તરીકે જોતાં અને તેના આધારે પ્રોડક્ટ લૉન્ચ કરવાને કારણે સફળતા મળી.

વર્ષ 2008માં કંપની સામે મોટો આર્થિક પડકાર આવ્યો હતો. આવા સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી કંપનીની વ્હારે આવ્યા હતા. આગળ જતાં આ સોદો અંબાણીને માટે લાભકારક સાબિત થવાનો હતો.

ફૉર્બ્સના આંકડા પ્રમાણે, આજે એશિયન પૅઇન્ટ્સના ત્રણ ભાગીદારોમાંથી એક દાણી પરિવાર સાત અબજ સિત્તેર કરોડની સંપત્તિ ધરાવે છે. તેની સંચાલનવ્યવસ્થા વ્યાવસાયિક મૅનેજમૅન્ટ નિષ્ણાતોને પણ ચોંકાવે એવી છે.

75 વર્ષ કરતાં વધુ ઉંમરે સ્ફૂર્તિ સાથે હરતા-ફરતા અશ્વિનભાઈ પોતાના સ્વાસ્થ્યનું શ્રેય યોગને આપતા. જે તેમણે બી.કે.એસ. અયંગર પાસેથી શીખ્યા હતા.

પિતા તથા ત્રણ અન્યો દ્વારા સ્થાપિત કંપનીમાં તેમણે નીચલા સ્તરેથી કામકાજ શરૂ કર્યું હતું અને ચૅરમૅનપદ સુધી પહોંચ્યા હતા. વર્ષ 2021માં તેમણે ચૅરમૅનપદ છોડ્યું હતું. ગુરુવારે કંપનીના શૅરના ભાવોમાં લગભગ ચાર ટકા જેટલો કડાકો બોલી ગયો હતો.

છોડી જનાર કર્મચારી માટે પૂજા

અશ્વિન દાણી

ઇમેજ સ્રોત, Getty Images

'પ્રોફેશનલ' રીતે કંપની ચલાવવામાં માનતા અશ્વિન દાણી તેમના કર્મચારીઓને પરિવારની જેમ સાચવવાનો પ્રયાસ કરતા અને તેમાં 'પર્સનલ' ટચ રહેતો. આવો જ એક કિસ્સો ભરત પુરીનો છે.

જાહેરાતક્ષેત્રે મોટું નામ એવા પીયૂષ પાંડેએ 'પાંડેમોનિયમ' નામનું પુસ્તક લખ્યું છે. જેમાં તેઓ લખે છે કે ભરત પુરી એશિયન પૅઇન્ટ્સ માટે કામ કરતા અને તેઓ અશ્વિન દાણીના 'બ્લૂ-આઈ બૉય' હતા. લગભગ 16 વર્ષના કાર્યકાળ પછી તેમણે કંપનીમાંથી રાજીનામું આપ્યું હતું.

અશ્વિન દાણીએ કંપની છોડી જનાર ભરત પુરીને માટે પોતાના ઘરે ફૅરવૅલ પાર્ટી રાખી હતી. આ કદાચ સામાન્ય શિરસ્તો જણાય, પરંતુ તેની પહેલાં જે કંઈ થયું તે અનોખું હતું. ભરત પુરીના ઉજ્જવળ ભવિષ્યને માટે અશ્વિન દાણીએ પોતાના ઘરે પૂજા રખાવી હતી.

પાંડે લખે છે, 'આવી ઉદારતા જ્વલ્લે જ જોવા મળે છે અને તે પ્રફુલ્લિત કરી દે છે. ભરત પુરી માટે અનેક વિદાય સમારંભ યોજાયા હશે, એ કદાચ એમને ભુલાઈ પણ જશે, પરંતુ દાણીના ઘરની પૂજા તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.'

એશિયન પૅઇન્ટ્સ છોડીને તેઓ કૅડબરીમાં જોડાયા. કંપની મૅન્ડોલેઝ બની ત્યારે પણ તેની સાથે જોડાયેલા રહ્યા. આજે તેઓ પીડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝમાં મૅનેજિંગ ડાયરેક્ટર છે, જેની અમુક પ્રોડક્ટ્સ એશિયન પૅઇન્ટ્સ સાથે સીધી જ સ્પર્ધા કરે છે.

શરાબને કારણે સંશોધન

એશિયન પૅઇન્ટ્સ વાહન, લાકડાં, મેટલ, વૉટરપ્રૂફિંગ, દીવાલ, બહારની દીવાલ સહિત અનેક પ્રોડક્ટ્સ બનાવે છે. તેમની ઍપિકોટ નામની પ્રોડક્ટ દાયકાઓ સુધી સફળ રહી હતી. જે લાકડા ઉપરનો પારદર્શક પૅઇન્ટ છે.

એ ઘટનાને યાદ કરતા અશ્વિન દાણીએ એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે એક વખત કંપનીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે અશ્વિનભાઈને પડકાર ફેંક્યો અને કહ્યું કે 'અશ્વિનભાઈ, મને પુષ્કળ બરફ નાખીને ડ્રિંક્સ લેવાની આદત છે, પરંતુ બરફને કારણે જે ગ્લાસની બહાર જે પાણી રેલાયું છે, તેના કારણે મારા ટેબલનો ફ્રૅન્ચ પાલિશ ખરાબ થઈ જાય છે. શું તમે કંઈ કરી શકો?'

અશ્વિનભાઈએ આ પડકારને ઉપાડી લીધો અને લગભગ છ મહિનાના સંશોધન અને પ્રયોગ બાદ તેમણે 'ઍપ્કોલાઇટ' નામની પ્રોડક્ટ લૉન્ચ કરી, જેને અશ્વિનભાઈ પોતાના 'બાળક જેવું' માનતા.

દાણીના કહેવા પ્રમાણે, આગામી 15 વર્ષ સુધી આ પ્રોડક્ટની બજારમાં મૉનૉપોલી રહી અને લગભગ 25 વર્ષ સુધી તેની ફૉર્મ્યુલામાં કોઈ ફેરફાર નહોતો કરવામાં આવ્યો.

સંશોધનના સારથિ સંચાલક

અશ્વિન દાણી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કમ્પ્યુટર અપનાાાનરા દેશના પ્રારંભિક ઉદ્યોગગૃહોમાંથી એશિયન પૅઇન્ટ્સ એક હતું, જેના કારણે તેને ક્યારે કઈ પ્રોડ્ક્ટની માગ રહેશે તેનું અનુમાન હરીફો કરતાં વધુ સારી રીતે રહેતું.

કૅમિકલ એન્જિનિયરિંગમાં સંશોધક એમ.એમ. શર્માએ કહ્યું હતું કે 'દાયકાઓથી મેં અશ્વિનભાઈને જોયા છે, કંપની ટેકનૉલૉજીક્ષેત્રે સંશોધન, વિસ્તરણ, ગ્રામીણક્ષેત્ર સુધી વિતરણ દ્વારા આગળ વધી છે. તેમણે સૌ પહેલા પ્લાસ્ટિકના ડબ્બામાં રંગ વેચવાનું શરૂ કર્યું હતું. તેમનું ઍન્ટેના હંમેશા જ ઊંચું રહે છે અને નવી-નવી ચીજો પકડતું રહે છે.'

કંપનીએ અમેરિકાની કંપની સાથે 50 :50 ભાગીદારી કરીને વાહનોને રંગવાનું એકમ ખોલ્યું હતું. જે આજે અગ્રણી વ્હિકલ પૅઇન્ટ ઉત્પાદકોમાંથી એક છે.

કંપનીની વેબસાઇટ પર કરવામાં આવેલા દાવા પ્રમાણે, વિશ્વના 12 કરતાં વધુ દેશોમાં તેમના સંશોધકો કાર્યરત છે જેઓ સ્થાનિક કાચામાલને આધારે અલગ-અલગ પ્રકારની પ્રોડકટ્સ તૈયાર કરવા માટે પ્રયાસરત્ રહે છે.

આજે એશિયન પૅઇન્ટ્સના વેપારીઓ કમ્પ્યુટર દ્વારા રંગની ફૉર્મ્યુલા તૈયાર કરીને મનપસંદ રંગ તૈયાર કરી આપે છે.

મોટા શહેરોમાં વિશ્વાસપાત્ર સેવાની ઉણપ દેખાતા કંપનીએ પૅઇન્ટિંગ, વૉટરપ્રૂફિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, બાથરૂમ ડિઝાઇનિંગ અને મૉડ્યુલર કિચન જેવાં ક્ષેત્રોમાં પણ ઝંપલાવ્યું.

સમયની માગને જોઈને કોરોનાકાળ દરમિયાન કંપનીએ ઘરની સપાટીઓને જંતુમુક્ત કરતી પ્રોડક્ટ્સ લૉન્ચ કરી હતી. આ સિવાય હૅન્ડ સૅનિટાઇઝર પણ લૉન્ચ કર્યાં હતાં. આ એવો સમય હતો કે જ્યારે પૅઇન્ટની માગ ઘટે અને કાચામાલમાંથી આ આનુષંગિક ઉત્પાદો તૈયાર કરી શકાય એમ હતા.

ચઢાવ-ઉતારનું ચક્ર

1990ના દાયકાની શરૂઆતમાં કંપનીનો સ્થાપક પરિવાર આક્રમક વિસ્તરણ ઇચ્છતો હતો, જેના કારણે સ્થાપક પરિવારોનો કંપનીમાં હિસ્સો ઘટે તેમ હતો એટલે તેમણે વિરોધ કર્યો.

વિવાદ વકરતા સ્થાપક પરિવારમાંથી એક ચૌક્સેએ તેમનો હિસ્સો બ્રિટિશ હરીફ કંપનીને વેચી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્યોની બહુમતી હોવાને કારણે આ પ્રયાસ અટકી ગયો હતો. છેવટે ચૌક્સેએ તેમનો અડધો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડોને તથા બાકીનો અડધો ભાગ ત્રણ પરિવારોને વેચીને છૂટા થઈ ગયા.

આ અરસામાં જ અશ્વિનભાઈ કંપનીના મૅનેજિંગ ડાયરેક્ટર બન્યા હતા અને કંપનીનો એક પ્લાન્ટ આગમાં હોમાઈ ગયો હતો. તેમણે બાઇપાસ સર્જરી પણ કરાવી પડી હતી. અશ્વિનભાઈ કહેતા કે યોગને કારણે તેમને મનને સ્વસ્થ રાખવામાં સફળતા મળી હતી.

વર્ષ 2002માં કંપનીએ સિંગાપોરમાં લિસ્ટ થયેલી બર્જર ઇન્ટરનેશનલને ખરીદી લીધી, જેના કારણે કંપનીને ચીન, મલેશિયા, સિંગાપોર, થાઇલૅન્ડ, વિયેતનામ સહિત દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં પગપેસારો કરવાની તક મળઈ.

વર્ષ 2007 આસપાસ વૈશ્વિક મંદી છવાઈ ગઈ અને કંપની આર્થિક રીતે સંઘર્ષ કરી રહી હતી. પૅઇન્ટ્સ ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ કાચામાલ સમાન ક્રૂડઑઇલના ભાવો આકાશને આંબી રહ્યા હતા.

આવા તબક્કે મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેમાં પાંચ ટકા જેટલો હિસ્સો ખરીદ્યો હતો. પછીનાં વર્ષોમાં આ સોદો અંબાણીને સસ્તો પડવાનો હતો.

એશિયન પેઇન્ટ્સની માર્કેટ કૅપિટલ વધવાની સાથે રિલાયન્સે લાભ થયો હતો ઉપરાંત વર્ષો સુધી ડિવિડન્ડ પણ રળ્યું હતું.

અશ્વિનભાઈ 'યોગી'

અશ્વિન દાણી

ઇમેજ સ્રોત, Getty Images

એશિયન પૅઇન્ટ્સની સ્થાપના તત્કાલીન બૉમ્બેના એક ગૅરેજમાં ચાર મિત્રો દ્વારા કરવામાં આવી હતી. પાછળથી મતભેદ થતાં એક પરિવારે પોતાનો હિસ્સો વેચી દીધો. આજે દાણી ઉપરાંત ચોક્સી અને વકીલ પરિવાર કંપનીમાં 53 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

આ એ સમય હતો કે જ્યારે ગાંધીજીએ તત્કાલીન અંગ્રેજ શાસકો સામે 'ક્વિટ ઇન્ડિયા' ચળવળ શરૂ કરી હતી. બીજા વિશ્વયુદ્ધના ઓળાથી ભારત કે બ્રિટન પણ બાકાત રહી શક્યા ન હતા. યુદ્ધની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૅઇન્ટની આયાત પર હંગામી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જિયૉફ હિસકોક તેમના પુસ્તક 'ઇન્ડિયાસ ગ્લોબલ વૅલ્થ ક્લબ'માં લખે છે કે વર્ષ 1942માં ચંપકલાલ ચોક્સેના ગૅરેજમાં કંપની શરૂ થઈ હતી અને ચીમનલાલ ચોક્સી, સૂર્યકાન્ત દાણી અને અરવિંદ વકીલ તેમની સાથે જોડાયા હતા.

કંપનીની સ્થાપનાના બે વર્ષ પછી 1946માં વર્તમાન મુંબઈમાં તેમનો જન્મ થયો. સ્વાભાવિક રીતે અશ્વિન દાણી માટે પણ કંપનીમાં જોડાવાનો વિકલ્પ ઊભો હતો.

આઝાદી પછી દેશવાસીઓ, સ્વદેશી ઉદ્યોગગૃહો અને નવીન સરકારની માગને કારણે પૅઇન્ટ્સની ભારે માગ નીકળી અને લગભગ 1967 સુધીમાં તે દેશની સૌથી મોટી પૅઇન્ટ્સ નિર્માતા કંપની બની ગઈ હતી.

બૉમ્બે યુનિવર્સિટીમાંથી બીએસસી કર્યું એ પછી તેમણે યુનિવર્સિટીના જ યુડીસીટીમાંથી અભ્યાસ કર્યો. રંગકામ અંગે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યો.

1968માં તેઓ કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે જોડાયા અને એક પછી એક પ્રગતિની સીડીઓ ચઢતા ગયા.

1980 આસપાસ સ્લીપ ડિસ્ક થવાને કારણે તેમણે ડૉક્ટરની ભલામણથી બીકેએસ અયંગર પાસેથી યોગ શીખવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે નવું ઘર બનાવ્યું, ત્યારે તેમાં એક ફ્લૉર યોગ શીખવવા માટે રાખ્યો હતો, જેમાં તેમનાં પત્ની સગર્ભાઓને યોગ શીખવતાં. તેમનો પરિવાર પણ સાથે જ યોગ કરતો.

દાયકાઓ સુધી ભારતીય પૅઇન્ટ બજારમાં બર્જર, કંસાઈ નેરોલેક, ડ્યુલક્સ અને સ્થાનિક ઉત્પાદકો સાથે હરીફાઈની વચ્ચે કંપની ટોચ પર રહી શકી છે. હવે જિંદાલ ગ્રૂપ અને બિરલા ગ્રૂપ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે.

આ સિવાય ઇન્ડિગો જેવા સ્પર્ધકો પણ છે. અશ્વિનભાઈ વગર કંપની પોતાની બાદશાહત જાળવી શકે છે કે કેમ, તેની પર બજાર નિષ્ણાતોની નજર રહેશે.