તુલસી તંતી : સવારે કૉમર્સ, સાંજે ઇજનેરી ભણનાર ગુજરાતી ઉદ્યોગપતિની 'વિન્ડમૅન' બનવા સુધીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ઉદ્યમી તરીકે તમે મને કહો તે કરી શકું, હું હૉસ્પિટલ પણ ચલાવી શકું. છેવટે તમે લોકો સાથે કેવી રીતે વર્તો છો તથા હિતધારકોની જરૂરિયાતોને કેવી રીતે સાચવો છે, તેના ઉપર બધો આધાર છે. ઉદ્યોગ એ માધ્યમમાત્ર છે. મને એક પછી એક પડકાર ઉપાડવા ગમે છે."
આ શબ્દો છે તુલસી તંતીના, જે તેમણે વિકાસ પોટા સાથે વાત કરતી વખતે કહ્યા હતા. તંતીએ સુઝલોન શરૂ કરી એ પહેલાં તેઓ 17 ઉદ્યમ સાથે સંકળાયેલા હતા. કૉલ્ડ-સ્ટોરેજથી લઈને સ્ટૉક માર્કેટ અને સિનેમાથી લઈને કાપડ સુધીના વ્યવસાયમાં તેઓ સંકળાયેલા હતા.
રાજકોટમાં જન્મેલા તંતીએ રાજકોટમાં પારીવારિક વ્યવસાય સાથે જોડાઈને તેમની કારકિર્દી શરૂ કરી હતી, જે તેમને સુરત દોરી ગઈ હતી.
અહીં તેમને મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો, જે આગળ જતાં તેમને વેપારની મોટી સફળતા 'સુઝલોન' સુધી દોરી ગયો.
સુઝલોન ગ્રૂપ તથા સુઝલોન ઍનર્જીના ચૅરમૅન તંતીનું હૃદય બંધ પડી જવાને કારણે અવસાન થયું છે, તેમની ઉંમર 64 વર્ષની હતી.
તંતીના અવસાનને કારણે સોમવારે કંપનીના શૅર લગભગ દસ ટકાના ઘટાડા સાથે ખૂલ્યા હતા, પરંતુ કંપની તેના રૂ. 1,200 કરોડના રાઇટ્સના ઇસ્યુ પર પૂર્વનિર્ધારિત યોજના પ્રમાણે જ આગળ વધશે, એવા અહેવાલને પગલે દિવસના અંતે તે એક ટકાના ઘટાડા સાથે સાત રૂપિયા અને 90 પૈસા પર બંધ આવ્યો હતો.

મશીન, આંકડા અને ઉદ્યમ

ઇમેજ સ્રોત, Getty Images
ઊંચા સપનાં જોવાને કારણે તથા વ્યસાયના વિકાસમાં ઊંચા લક્ષ્યાંકો રાખવાને કારણે તુલસી તંતી મિત્રવર્તુળ માટે 'ટાઇગર' હતા, તો નજીકના અને સ્નેહીજનો માટે તેઓ 'તુલસીભાઈ' હતા. તુલસી તંતીનો જન્મ બીજી ફેબ્રુઆરી, 1958ના રોજ રાજકોટ ખાતે થયો હતો.
વિકાસ પોટાએ તેમના પુસ્તક 'ઇન્ડિયા ઇન્ક'માં એક પ્રકરણ તંતી ઉપર (158-173) લખ્યું છે. તેઓ લખે છે કે : તંતી પરિવાર ખેતી સાથે સંકળાયેલો હતો, પરંતુ તેના કોલ્ડ સ્ટોરેજ તથા સિનેમા હૉલ પણ ધરાવતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તુલસીભાઈ કૉલેજમાં અભ્યાસ કરતા ત્યારે સવારે તેઓ કૉમર્સના ક્લાસ ભરતા જ્યારે સાંજે તેઓ ઇજનેરીનો અભ્યાસ કરતા. 1978માં તુલસીભાઈએ કૉમર્સમાં ગ્રૅજ્યુએશન તથા મિકેનિકલ ઇજનેરીમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા. પિતા દ્વારા તુલસીભાઈને કોલ્ડ સ્ટોરેજ કે સિનેમા હૉલ એમ પરિવારના બે ધંધામાંથી એક ધંધામાં જોડાવા માટે કહેવામાં આવ્યું.
એક દિવસ વિચાર કરીને તુલસીભાઈ કોલ્ડ સ્ટોરેજનો વ્યવસાય પસંદ કર્યો. આ અંગેનો તર્ક આપતાં તેમણે પોટાને જણાવ્યું હતું, "કોલ્ડ સ્ટોરેજના ધંધામાં ટેકનૉલૉજી જોડાયેલી હતી, મતલબ કે તેમાં ભારે વિકાસને તક હતી."
એક વર્ષમાં તુલસીભાઈએ જોયું કે ધંધામાં માર્જિન દસ ટકા જેટલું હતું, જ્યારે 40 ટકા જેટલો ખર્ચ વીજબિલમાં જતો હતો. તુલસીભાઈ એકમમાં ટેકનૉલૉજિકલ ફેરફાર કર્યા, જેના કારણે વીજળીના વપરાશમાં 40 ટકા જેટલો ઘટાડો થયો, જેના કારણે નફો 22 ટકા પહોંચી ગયો.
ત્રણ વર્ષ પછી તંતી પરિવાર ગુજરાતના ટેક્સ્ટાઇલ હબ સુરતમાં સ્થાયી થયો. અહીં પરિવારે ટેક્સ્ટાઇલ યુનિટ નાખ્યું, જેનો 90 ટકા માલ વિદેશમાં નિકાસ થતો. તેમણે કોરિયા, તાઇવાન અને જાપાનથી ઉન્નત મશીનો મંગાવીને કૃત્રિમ સિલ્કની સાડીઓ અને ડ્રેસ મટિરિયલ બનાવવાનું શરૂ કર્યું.
જોકે, જૂની સમસ્યા અહીં પણ જડબું ફાડીને ઊભી હતી, જે તેમને સુઝલોનની સ્થાપના તરફ દોરી જવાની હતી.

વિન્ડમૅન તરીકે ઓળખાતા ગુજરાતી તુલસી તંતીનું નિધન, તેમના વિશે કેટલું જાણો છો?

- રાજકોટમાં જન્મેલા તંતીએ પારીવારિક વ્યવસાય સાથે જોડાઈને તેમની કારકિર્દી શરૂ કરી હતી, જે તેમને સુરત દોરી ગઈ હતી
- ઊંચાં સપનાં જોવાને કારણે તથા વ્યસાયના વિકાસમાં ઊંચા લક્ષ્યાંકો રાખવાને કારણે તુલસી તંતી મિત્રવર્તુળ માટે 'ટાઇગર' હતા
- તંતીએ સુઝલોન શરૂ કરી એ પહેલાં તેઓ 17 ઉદ્યમ સાથે સંકળાયેલા હતા
- પવનઊર્જાની દિશામાં સુઝલોનને 'ઇન્ટિગ્રેટેડ કંપની' બનાવવા તંતીએ 2001થી 2005ની વચ્ચે જર્મની, યુએસ, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને બીજિંગમાં પોતાની કચેરીઓ અને રિસર્ચ સેન્ટર સ્થાપ્યાં

સુઝલોન એટલે....

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયાઝ ગ્લોબલ પાવરહાઉસિઝ'માં નિર્માલ્યકુમારે તંતી ઉપર આખું (નવમું) પ્રકરણ લખ્યું છે. કુમાર લખે છે કે આ અરસામાં તંતીએ 17 જેટલી કંપનીઓ શરૂ કરી, જે પરિવારના પરંપરાગત વ્યવસાયથી અલગ હતી, જેમાં શૅરબજાર તથા રિયલ એસ્ટેટનો પણ સમાવેશ થતો હતો.
પરિવારના મુખ્ય ટેક્સ્ટાઇલ યુનિટમાં નફાનું માર્જિન પાંચ ટકા હતું, જ્યારે ઊર્જાખર્ચ 40-50 ટકા જેટલો હતો. આમ છતાં વીજપુરવઠો અનિયમિત હતો. આ સિવાય સાપ્તાહિક લોડ-શેડિંગ પણ રહેતું.
ઉત્પાદનખર્ચને ઘટાડવા તથા નિયમિત રીતે વીજપુરવઠો મળી રહે તે માટે તંતી અલગ-અલગ પ્રકારના બૉઇલર તથા જનરેટરનો તથા તેમના મિશ્રણને બેસાડવાનો પ્રયાસ કરતા રહ્યા, છતાં ઊર્જાની કિંમત ઊંચી જ રહેવા પામી હતી. 1990ના ખાડી યુદ્ધને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવો વધી જવા પામ્યા. તંતીએ વિચાર્યું કે છેવટે કોઈ ને કોઈ સ્વરૂપે ઈંધણની જરૂર રહે છે, પરંતુ કોઈ એવો વિકલ્પ હોય કે જેમાં ઈંધણની જરૂર જ ન હોય તો? આ વિચારે તેમને પવનઊર્જા તરફ વિચાર કરતા મૂક્યા.
ગુજરાત સરકારે પવનઊર્જા એકમ બેસાડવા માટે રાહત આપવાની જાહેરાત કરી હતી. જેનો લાભ લેવા માટે 1994માં તંતીએ બે પવનચક્કી વિદેશથી આયાત કરી, જેની પાછળ લગભગ એકાદ કરોડનો ખર્ચ થયો. આના માટે તેમણે મોટી લૉન લીધી. ઉત્પાદિત વીજળી જીઈબીને જતી, જેથી વીજળીના ભાવવધારા સામે કંપનીને રક્ષણ પ્રાપ્ત થયું અને બૅન્કલૉન કરતાં બચત વધુ ફાયદાકારક હતી.
આ અરસામાં તંતી પરિવારને આંચકો લાગ્યો અને પરિવારના મોભીનું અવસાન થયું, હવે તુલસીભાઈ પરિવારના મોભી હતા. વિનોદ, ગિરિશ તથા જિતેન્દ્રભાઈએ તુલસીભાઈને મોભી સ્વીકાર્યા અને તેમના દરેક નિર્ણયનો સ્વીકાર કર્યો.
તંતીએ વિચાર્યું કે જો આવું કંપની માટે થઈ શકતું હોય તો સમગ્ર સૅક્ટર, દેશ અને વિશ્વ માટે કેમ ન થઈ શકે, જેના પરથી 1995માં સુઝલોનનો જન્મ થયો, જે ગુજરાતી શબ્દ સૂઝબૂઝ અને બૅન્કલૉન (પોટા, પેજ નંબર 160) પરથી ઊતરી આવ્યો હતો.

અથથી ઇતિ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતના સમયમાં કંપની વિદેશથી પાંખિયા, ગિયરબૉક્સ અને ટર્બાઇનની આયાત કરતી અને ભારતમાં ઍસેમ્બલ કરીને તેનું વેચાણ કરતી.
પવનઊર્જાની દિશામાં સુઝલોનને 'ઇન્ટિગ્રેટેડ કંપની' બનાવવા તંતીએ 2001થી 2005ની વચ્ચે જર્મની, યુએસ, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને બીજિંગમાં પોતાની કચેરીઓ અને રિસર્ચ સેન્ટર સ્થાપ્યાં. આ સિવાય બૅન્કલૉન લઈને કેટલીક પશ્ચિમી કંપનીઓનું અધિગ્રહણ પણ કર્યું.
પવનઊર્જાની દિશામાં યુરોપમાં ખૂબ જ કામ થયું હોઈ, કંપનીને ડિઝાઇન અને રિસર્ચનો લાભ થયો, જ્યારે ભારતમાં ઉત્પાદન થવાને કારણે પશ્ચિમી હરીફો કરતાં સસ્તામાં ઉત્પાદન થતું. કંપની પવનચક્કીના કૉન્સેપ્ટથી લઈને કમિશનિંગ સુધીમાં મદદ કરતી.
કંપનીના પ્રતિનિધિ ગ્રાહકે કેવા પ્રકારની પવનચક્કી નાખવી જોઈએ, તેનાથી કેટલું ઉત્પાદન મળશે, કેટલો ખર્ચ થશે અને કેટલી બચત થશે, જેવી માહિતી આપતા. આ સિવાય ગ્રાહક સાથે જઈને બૅન્કના પ્રતિનિધિઓને લૉન આપવા માટે સમજાવવામાં પણ મદદ કરતા. કંપની દ્વારા પવનચક્કીની જાળવણીની જવાબદારી પણ લેવામાં આવતી. આ બધાં કારણોસર કંપની ભારતમાં ટોચની પવનચક્કી નિર્માતા બની ગઈ અને વિદેશી કંપનીઓ તેની સામે ટકી ન શકી.
આ અરસામાં રાજ્ય સરકારોએ પણ તેમની પવનઊર્જા નીતિઓ જાહેર કરી તથા કેન્દ્ર સરકારે પણ પુનઃપ્રાપ્ય ઊર્જાસ્રોતો તરફ વળનારી કંપનીઓને રાહત આપવાનું શરૂ કર્યું, જેના કારણે સુઝલોનને ભારે લાભ થયો.
આ અરસામાં તંતી પરિવાર સુરતથી પુના સ્થાયી થયો, જે સુઝલોનનું મુખ્યમથક પણ બન્યું. અહીં પણ પરિવાર સાથે રહ્યો અને દરેકને પોતાની સૂઝ પ્રમાણે કામ મળતું. કંપનીએ વિદેશી એકમોમાં ભારતીય કે તંતી પરિવારના પ્રતિનિધિને મોકલવાના બદલે સ્થાનિકોની પાસે જ વહીવટ રાખ્યો.

મોટાં પરિવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
'ઇન્ડિયાઝ ગ્લોબલ વૅલ્થ ક્લબ'માં (પેજ નંબર 156-157) જિયોફ હિસકોક (Geoff) લખે છે કે તા. 19 ઑક્ટોબર 2005ના દિવસે સુઝલોનનો શૅર સ્ટૉકમાર્કેટમાં લિસ્ટ થયો. રૂ. 510નો શૅર 35 ટકાના ઉછાળા સાથે રૂ. 690 પર બંધ આવ્યો.
તંતી પરિવાર પાસે કંપનીના 70 ટકા શૅર હતા, આમ રાતોરાત તુલસી તંતીનો પરિવાર દેશના ટોચના 25 ધનિકોની યાદીમાં આવી ગયો હતો. 2007માં દેશના ધનવાનોની યાદીમાં માત્ર મુકેશ અંબાણી, અનિલ અંબાણી, કેપી સિંહ (ડીએલએફવાળા), સુનિલ મિત્તલ (ઍરટેલવાળા), અઝીમ પ્રેમજી (વીપ્રોવાળા), કેએમ બિરલા અને પરિવાર (આદિત્ય બિરલા જૂથવાળા) તેમના કરતાં આગળ હતા.
ભારતમાં જમીન અધિગ્રહણ, વીજઉત્પાદન અને વિતરણના કાયદા અને સરકારી નીતિઓને કારણે સુઝલોને આંતરરાષ્ટ્રીય બજાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વળી, તે વધુ લાભકારક પણ હતો. ગિરીશભાઈના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ઑર્ડર કૂદકે અને ભૂસકે વધી રહ્યા હતા. વિકાસ માટેનો આ રસ્તો જ તેમના માટે મુશ્કેલીરૂપ બન્યો હતો.
2008માં સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મંદીમાં ઘેરાઈ રહ્યું હતું, જેની સીધી અસર ઑર્ડર બુક પર પડી. આ અરસામાં સુઝલોને અધિગ્રહિત કરેલી કંપની આરઈ પાવરે ભૂતકાળમાં વેચેલી પવનચક્કીઓની બ્લૅડની ગુણવત્તા અંગે ફરિયાદો આવી. જેનો નિકાલ કરવાની જવાબદારી તંતી ઉપર આવી પડી. કંપનીના શૅરના ભાવ 90 ટકા સુધી ગગડી ગયા અને તંતી પરિવારની કુલ સંપત્તિ એક અબજ ડૉલર કરતાં પણ ઓછી રહી.
કંપનીઓ ખરીદવા માટે કરેલું દેવું હવે કંપની માટે મુશ્કેલીરૂપ બની રહ્યું હતું. આવનારાં વર્ષોમાં તંતી પરિવારે પોતાનો હિસ્સો અને કંપનીના એકમોને વેચીને કંપનીને ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો છે. મની કંટ્રોલ પર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, સુઝલોનમાં તંતી પરિવારનો હિસ્સો 14.92 ટકા છે. કંપનીનો શૅર આઠેક રૂપિયા આસપાસ (અલબત્ત શૅરવિભાજન બાદ) ટ્રેડ કરી રહ્યો છે.
એક સમયે કંપનીમાં 15 હજાર કર્મચારી કામ કરતા હતા, આજે તે લગભગ પાંચ હજાર 500 આસપાસ છે. એક સમયે કંપની પાસે બજારનો 50 ટકા કરતાં વધુ હિસ્સો હતો, આજે કંપની દેશમાં ત્રીજા ક્રમાંકની કંપની છે. માર્ચ-2022માં પૂર્ણ થયેલા વર્ષ દરમિયાન કંપનીએ વાર્ષિક રૂ. 166 કરોડનું નુકસાન કર્યું હતું.
2015માં અન્ય એક ગુજરાતી દિલીપ સંઘવીએ (સન ફાર્માવાળા) આ ખોટ કરતી કંપનીમાં રૂ. 1800 કરોડમાં 23 ટકા હિસ્સો ખરીદ્યો હતો.
કહેવાય છે કે હવામાંથી પૈસા ન બને, પરંતુ તુલસી તંતીએ શાબ્દિક અર્થાનુસાર ન કેવળ હવામાંથી પૈસા બનાવ્યા અને પવનની દિશા પ્રમાણે કંપનીની દિશા પણ બદલી. તંતીએ પોતાની સૂઝબૂઝ અને બૅન્કની લૉનથી 'સુઝલોન'ની હવાઈ ઉડાણને શક્ય બનાવી, પરંતુ એ જ પરિબળને કારણે કંપનીનું 'હાર્ડલૅન્ડિંગ' પણ થયું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













