સુબ્રતો રૉય પછી સહારા જૂથના રોકાણકારોને પૈસા કેવી રીતે પાછા મળશે? હવે જૂથને કોનો સહારો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
એક સમય હતો જ્યારે સહારાજૂથ પાસે લંડનથી માંડી ન્યૂયૉર્ક સુધી હોટલ હતી, પોતાની ઍરલાઇન હતી અને આઈપીએલથી માંડી ફૉર્મૂલા વન ટીમ હતી. એટલું જ નહીં, સહારાજૂથ ભારતીય ક્રિકેટ ટીમને પણ સ્પૉન્સર કરતું હતું.
કંપનીની પહોંચ ઇમારતોના નિર્માણથી લઈને આર્થિક સેવાઓ, નગર વિકાસ, મ્યુચ્યુઅલ ફંડ અને જીવનવીમા વગેરે સૅક્ટર સુધી હતી.
આ કંપની પાસે એમ્બે વૅલી ટાઉનશીપ હતી. લખનઉ સહિત કેટલાંય શહેરોમાં જમીનો હતી.
દેશ આખામાં હજારો કર્મચારીઓ આ કંપની માટે કામ કરતા હતા. કંપનીનું પોતાનું મીડિયા સામ્રાજ્ય હતું.
પોતાના શરૂઆતના દિવસોમાં સ્કૂટર પર મુસાફરી કરનારા સહારાશ્રી સુબ્રત રૉયની પાર્ટીઓમાં રાજનેતાઓ અને ક્રિકેટથી લઈને બોલીવૂડ સહિત તમામ અન્ય ક્ષેત્રોના મહાનુભાવો નજરે પડતા. રૉય વર્તમાનપત્રોની હેડલાઇન્સમાં ચમકતા રહેતા.
એક અહેવાલ અનુસાર 2004માં તેમણે તેમના બે દીકરાના લગ્નમાં 500 કરોડથી વધારે રૂપિયા ખર્ચ્યા હતા. તેમાં 11,000થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા. ચાર દિવસીય લગ્ન સમારોહ કાર્યક્રમમાં સામેલ થનારા મહેમાનોને પ્રાઇવેટ જેટથી સમારોહ સ્થળ પર લવાયા હતા.
પણ જ્યારે 14 નવેમ્બરે સુબ્રત રૉયનું અવસાન થયું અને તેના સમાચાર આવ્યા તો કંપનીની સ્થિતિ પહેલા કરતા ઘણી અલગ છે. સહારાજૂથે તેની કેટલીય સંપત્તિને વેચી દીધી છે. પહેલા જેવી જાહોજલાલી નથી રહી.
જાણકારોના મતે કંપનીની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે. એ સ્પષ્ટ નથી કે સુબ્રત રૉય પછી કંપનીનો ભાર કોના ખભા પર હશે. કહેવાય છે કે તેમના બંને દીકરા ભારતમાં નથી પણ અમે તેની પુષ્ટિ નથી કરી શક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોતાના ચરમ પર સહારાના 4,799 ઑફિસ અને 16 અલગ અલગ પ્રકારના બિઝનેસ હતા પણ નવા માહોલમાં આ જૂથનું બચી શકવું ખૂબ જ મુશ્કેલ છે.
સુબ્રત રૉયને જાણનારા તેમને લઈને બહુ અલગ વિચાર રાખે છે. પોતાનું નામ ના આપવાની શરતે તેમને ઓળખનારા એક વ્યક્તિએ તેમને ‘ડાયનેમિક, સેલ્ફ-મેઇડ મૅન’ અને ‘જાદુઈ વ્યક્તિ’ ગણાવ્યા. ‘જેમને જે મળતા તે તેમના ચાહક બની જતા હતા’
સુબ્રત રૉયની કારકિર્દીને લાંબા સમયથી જોઈ રહેલા વરિષ્ઠ શોધ પત્રકાર શરત પ્રધાન તેમને ‘ફાઇનાન્શિયલ જગલર’ કે ‘આર્થિક જાદુગર’ ગણાવે છે, જેણે ગરીબોને સપનાંઓ વેચ્યા.
શરત પ્રધાન અનુસાર, “સહારાનો મોટાભાગનો વેપાર પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના ગરીબ વિસ્તારોમાં રહ્યો જ્યાં ગરીબી છે અને જ્યાં લોકો આશાઓ પર જીવે છે કારણ કે ત્યાં લોકોની હાલત સુધરતી નથી.”
સહારા પર પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ના લેખક અને પત્રકાર તમલ બંધોપાધ્યાય મુજબ પોતાના ચરમ પર સહારાના 4,799 ઑફિસ અને 16 અલગ પ્રકારના બિઝનેસ હતા પણ નવા વાતાવરણમાં આ જૂથનું બચવું મુશ્કેલ છે.
જાણકારોના મતે જેલમાંથી છૂટ્યા પછી સુબ્રત રૉય મીડિયાથી થોડા દૂર રહેતા હતા.
કંપનીના ભવિષ્ય પર અમારી કંપનીના કોઈ પણ અધિકારી સાથે વાત નથી થઈ શકી. સુબ્રત રૉયના એક ખૂબ જ નજીકના વ્યક્તિએ જણાવ્યું કે પરિવારનો કોઈ સભ્ય હાલ વાત કરવાની સ્થિતિમાં નથી.
સુબ્રત રૉયની ચડતીની કહાણી અથવા સુબ્રત રૉય બનવાની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાય પરિમાણોમાં સુબ્રત રૉયની કહાણી રહસ્યોમાં ઘેરાયેલી છે કે કેવી રીતે એક વ્યક્તિ માત્ર ગણતરીના વર્ષોમાં આટલી મોટી કંપની અને આટલી સંપત્તિનો માલિક બની ગયો. સત્તા, રાજકારણ, બિઝનેસ, મીડિયા અને ગ્લૅમરની ગલીઓમાં આટલું મોટું નામ બની ગયા.
લંખત તમલ બંદોપાધ્યાય મુજબ સહારાની ઝડપી પ્રગતિ પર પ્રારંભથી જ એવા આરોપ અને સવાલ ઊભા થવા લાગ્યા હતા કે "આ પૈસા આવ્યા ક્યાંથી અને શું આ કોઈ બીજાના રૂપિયા છે?"
સુબ્રત રૉયએ હંમેશા કોઈ પણ ખોટું કામ કર્યું હોવાની વાતને નકારી છે.
સફળતાના ચરમ પર પહોંચ્યા પછી એક સમય એવો પણ આવ્યો જ્યારે બજાર નિયામકો અને સુપ્રીમ કોર્ટના આદેશો વચ્ચે સુબ્રત રૉયને જેલમાં પણ જવું પડ્યું.
સાહીઠના દાયકામાં સુબ્રત રૉયના મિત્ર અજય ચૅટર્જી જણાવે છે, “સુબ્રત રૉયનો જન્મ બિહારના અરરિયામાં થયો. બાદમાં પરિવાર ગોરખપુર આવી ગયો. તેમણે ગોરખપુર ગવર્નમેન્ટ પૉલિટેકનિકમાં અભ્યાસ કર્યો. સુબ્રત રૉયે પૉલિટેકનિકમાં ડિપ્લોમા કર્યું. સુબ્રતના પિતા એક ચીની મિલમાં કેમિકલ ઇજનેર હતા.”
અજય ચૅટર્જી અનુસાર સુબ્રત ખૂબ જ ‘મિલનસાર’ વ્યક્તિ હતા અને ‘આવા વ્યક્તિત્વવાળા વ્યક્તિ મળવા મુશ્કેલ છે.’
તેઓ મુજબ ફાઇનાન્સમાં આવતા પહેલા સુબ્રત રૉય નાનો-મોટો બિઝનેસ કરતા રહ્યા જેમકે નાસ્તાની ફૅક્ટરી શરૂ કરી, નાસ્તા બનાવવા અને તેને પૅક કરી વેચવા.
સહારાની શરૂઆત પર અજય ચૅટર્જી જણાવે છે કે સિત્તેરન દાયકાના શરૂઆતના વર્ષોમાં એક કંપની બનારસ ચીટ ફંડના ડિરેક્ટર ગોરખપુર આવ્યા હતા. જેમની સાથે તેમની મુલાકાત થઈ. અજય ચૅટર્જી મહિને 15 રૂપિયા પર કંપનીમાં સભ્ય બન્યા. તેમણે સુબ્રત રૉયને પણ એ કંપનીના સભ્ય બનાવ્યા.
અજય ચૅટર્જીના જણાવ્યા મુજબ, થોડા મહિનાઓ પછી સુબ્રત રૉયની વિનંતી પર તેમણે તેમને કંપનીના વડા (ખુરાના સાહેબ) સાથે મુલાકાત કરાવી પરંતુ થોડા સમય પછી કંપની સુબ્રત રૉયને સોંપવામાં આવી. અજય ચૅટર્જીના કહેવા પ્રમાણે આ કેમ અને કેવી રીતે થયું તે અંગે તેઓ કંઈ કહી શકતા નથી.
તે કહે છે કે 'સુબ્રત રૉયના શબ્દોથી લોકો ખૂબ જ આકર્ષાતા હતા.' આ રીતે 1978માં સહારાની શરૂઆત થઈ હતી.
સહારાના વિસ્તારની કહાણી અથવા સહારાના વિકાસની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
સહારાનો વિસ્તાર એવા સમયે થયો જ્યારે દેશના ગરીબ અને પછાત વિસ્તારોમાં લોકો પાસે બૅન્ક, પોસ્ટ ઑફિસ ડિપૉઝિટ જેવી સુવિધાઓ નહોતી.
આવામાં આ ગરીબ લોકો પાસેથી જેમની પાસે કાયમી નોકરી પણ નહોતી તેમની પાસેથી રોજના 10-20 રૂપિયા લઈને કેટલાક દિવસોમાં, મહિનાઓમાં પછી તેમને સારા વ્યાજ સાથે એક સારી રકમ પરત આપવાની. આ એક એવી રીત હતી જેનાથી કંપનીનો ઝડપથી વિકાસ થયો.
આમાંથી ઘણા લોકો પાસે પાકા મકાન પણ નહોતા પણ તેમને એક સારા ભવિષ્યની આશા હતી. તેના આધારે તેઓ તેમની મહેનતની કમાણીનો એક ભાગ બચાવીને સહારાને આપી દેતા હતા.
તેમના માટે ભવિષ્યની જરૂરિયાતો, લગ્ન, અભ્યાસ માટે રૂપિયા ભેગા કરવાનો આ એક સારો રસ્તો હતો.
જાણકારોના મતે 80ના દાયકામાં આ જ આશાને કારણે લાખો ગરીબ અને વંચિત લોકો સહારા સાથે જોડાયા. કંપની પર ભરોસો તેના વિસ્તારનો એક મોટો આધાર હતો.
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન મુજબ આ એ દાયકો હતો જ્યારે સુબ્રત રૉય વીર બહાદુરસિંહ અને મુલાયમસિંહ યાદવ જેવા નેતાઓની પણ નજીક આવ્યા.
લેખક તમલ બંદોપાધ્યાય અનુસાર કિક્રેટરો અને બૉલિવુડ સ્ટાર્સની નજીક હોવાના કારણે સહારાના રોકાણકારોમાં કંપની પ્રત્યે ભરોસો વધ્યો અને કંપનીનો ઝડપથી વિકાસ થયો. તેનો સીધો લાભ સુબ્રત રૉયને થયો.
તમલ અનુસાર સુબ્રત રૉયને સરકારી નિયમોમાં બહુ વિશ્વાસ નહોતો અને કંપની ઝડપથી આગળ વધી.
પણ જાણકારો અનુસાર આવા કિસ્સાઓમાં એ સવાલ ઊભો થાય છે કે રૂપિયાની આવક અને જાવક વચ્ચે સંતુલન ક્યાં સુધી યથાવત રહી શકશે.
ખરાબ સમયનો આરંભ

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોના મતે સહારાજૂથ માટે મુશ્કેલીનો દોર એ સમયે શરૂ થયો જ્યારે સહારાની બે કંપનીઓને ત્રણ કરોડ રોકાણકારો પાસેથી 24,000 કરોડ રૂપિયા ભેગા કર્યા અને બજાર નિયામક સંસ્થા સેબીની નજર તેના પર પડી.
2010માં સેબીએ સહારાના રોકાણકારોને રૂપિયા પાછા આપી દેવા કહ્યું. બંને કંપનીઓ અને રોકાણકારો પાસેથી રૂપિયા લેવાનો ઇનકાર કરી દીધો.
સહારાના રોકાણકારો કોણ છે આ સવાલોમાં બારીકાઈ આવવાનું શરૂ થઈ ગયું.
2013માં સહારાએ 127 ટ્રકોમાં 31,000 કાર્ડબોર્ડ બોક્સમાં ત્રણ કરોડ રોકાણકારોની માહિતી સેબીને મોકલી હતી. ઘણા અંશે આ પગલું સેબીને ડરાવવા તરીકે જોવામાં આવ્યું હતું.
લેખક તમલ બંદોપાધ્યાય યાદ કરે છે, “કલાવતી નામના એક મહિલાનું નામ 5,984 વાર આવ્યું. સરનામામાં માત્ર જગ્યાનું નામ હતું.”
આવામાં રોકાણકારોની પાક્કી ખાતરી કરવી સરળ ન હતી.
તમલ કહે છે, “આરોપ લાગ્યા કે રૂપિયા સામાન્ય માણસોના નથી. આ રૂપિયા બીજા કોઈના હશે અને સહારામાં રૂપિયા મૂકી રખાતા હતા પણ તેના કોઈ પુરાવા છે કે નહીં એ મને ખબર નથી.”
મીડિયા સાથેની તમામ વાતચીતમાં સુબ્રત રૉયે કોઈ પણ ગોટાળાને સ્પષ્ટ રીતે નકારી દીધો.
પત્રકાર શરત પ્રધાન સહારા સામેની કાર્યવાહીનો સીધો શ્રેય તે સમયના સેબીના પ્રમુખ યુ. કે. સિંહાને આપે છે.
નવેમ્બર 2013માં સુબ્રત રૉયે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના જૂથની કંપનીઓ માટે મુશ્કેલીઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે કૉંગ્રેસના તત્કાલીન વડા સોનિયા ગાંધી વિશે 'ભાવનાત્મક' ટિપ્પણીમાં કહ્યું હતું કે માત્ર ભારતીય મૂળની વ્યક્તિએ દેશના જ વડા પ્રધાન બનવું જોઈએ.
સહારા સામેનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સહારાની ઘણી મિલકતો વેચાઈ ગઈ અને આખરે સુબ્રત રૉયને જેલમાં જવું પડ્યું અને રોકાણકારોના પૈસા સરકાર પાસે જમા થઈ ગયા.
આ વર્ષે જુલાઈમાં સરકારે સહારાના રોકાણકારોના પૈસા પરત કરવા એક વેબસાઈટ લૉન્ચ કરી હતી.
લોકોના પૈસા પરત કરવાના સરકારના પ્રયાસો છતાં નિષ્ણાતોના મતે બહુ ઓછા લોકો તેમના પૈસા પાછા મેળવી શક્યા છે. એવા ઘણા જરૂરિયાતમંદ લોકો છે જેઓ તેમના પૈસા પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન કહે છે, "ગરીબ લોકો જે નાખુશ છે તેઓ માથું ટેકવીને વિચારે છે કે ક્યાં જવું. કોઈ તેમને પૂછતું નથી અને તેમના પૈસા પરત કરવાની કોઈ પ્રક્રિયા નથી. કાં તો સેબીએ ઘર ખોલવું જોઈએ અથવા જેની પાસે છે તે કાગળો લાવો. આ દરેક જગ્યાએ સુવિધા આપવી જોઈએ કારણ કે ગરીબ માણસ દરેક જગ્યાએ જઈ શકતો નથી.
સહારાનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
એક સમયે હજારો કર્મચારીઓ ધરાવતી કંપની સહારાનું ભવિષ્ય શું છે?
પંડિત કૃષ્ણ ગોપાલ મિશ્રા જેઓ સુબ્રત રૉયની નજીક હતા અને તેમને પોતાના વડીલ તરીકે યાદ કરતા તેઓ કહે છે તે સુબ્રત રૉયની ગેરહાજરી કંપની પર "મોટી અસર" કરશે.
તે કહે છે, "આટલી મોટી કટોકટી છતાં તેઓ દેશ છોડીને ગયા ન હતા. તેમણે સેબીના તમામ પૈસા જમા કરાવ્યા હતા. લોકોએ તેમને પ્રેમ કર્યો, તેમના પર વિશ્વાસ કર્યો. ક્યાંકને ક્યાંક એવી માન્યતા હતી કે જો તેઓ હશે તો બધું જ સારું થઈ જશે."
લેખક તમલ બંદોપાધ્યાયના કહેવા પ્રમાણે સહારાની કંપનીઓ શૅરબજારમાં લિસ્ટેડ ન હોવાને કારણે આજે સહારાની કિંમત શું છે તે જાણી શકાયું નથી.
તમલના જણાવ્યા અનુસાર કંપની પાસે ઘણા શહેરોમાં જમીન છે, લખનઉમાં 320 એકર સહારા સિટી સહિત ઘણી મિલકતો છે પરંતુ કોઈ રોકડ રકમ નથી.
તેઓ કહે છે, "છેલ્લા દાયકામાં સહારાએ ઘણા વ્યવસાયોમાં પીછેહઠ કરી છે, કંપનીનો શ્રેષ્ઠ સમય પસાર થઈ ગયો છે."
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે પરિવારનો કોઈ સભ્ય સહારાની જવાબદારી નિભાવશે કે સુબ્રત રૉયના નજીકના ઓ. પી. શ્રીવાસ્તવ કોઈ ભૂમિકા ભજવશે કે કેમ. અમે ઓ. પી. શ્રીવાસ્તવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં.
સુબ્રત રૉયના બાળપણના મિત્ર અજય ચૅટર્જીને આશા છે કે તેમના નાના ભાઈ જે. બી. રૉય 'કદાચ આ કંપનીને પુનઃજીવિત કરે અથવા કોઈક રીતે તેને ફરી ઊભી કરે.'














