You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હવે 17 મહાનગરપાલિકા, મ્યુ. કૉર્પોરેશન બને તો કેવા લાભ થાય, શું સુવિધા મળે?
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
નવા વર્ષની શરૂઆત થતા જ ગુજરાતમાં એક નવા જિલ્લાની જાહેરાત થઈ છે અને નવ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો પણ ઉમેરો થયો છે. આ સાથે ગુજરાતમાં હવે 17 મ્યુનિસિપલ કૉર્પોરેશન હશે.
નવી મહાનગરપાલિકાની હદમાં આવતી તમામ ગ્રામપંચાયતો તથા નગરપાલિકાની ચૂંટાયેલી પાંખને વિખેરી દેવામાં આવી છે અને જે-તે જિલ્લાના કલેક્ટરને તેનો વહીવટ સોંપી દેવાયો છે. સરકારે નવી મ્યુનિસિપલ કૉર્પોરેશનોના કમિશનરોનાં નામ પણ જાહેર કરી દીધાં છે.
રાજ્યમાં અત્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર-એમ કુલ આઠ મ્યુનિસિપલ કૉર્પોરેશન છે.
અગાઉ 2002માં જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન બન્યું હતું અને 2010માં ગાંધીનગર કૉર્પોરેશનની રચના થઈ હતી.
હવે નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને પણ મ્યુનિસિપલ કૉર્પોરેશન બનાવવામાં આવશે.
ગુજરાતમાં મોટા પાયે શહેરીકરણ થઈ રહ્યું છે તેથી નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોનો સમાવેશ કરવામાં આવે તો રાજ્યની લગભગ 35 ટકાથી વધુ વસતી હવે મ્યુનિસિપલ કૉર્પોરેશનનો હિસ્સો બની જશે તેમ કહી શકાય.
મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાથી કેવા ફેરફારો થાય?
નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપલ કૉર્પોરેશન બને તેનાથી ટૅક્સ વધશે એ વાત નક્કી છે. તેની સાથે સાથે રોડ, રસ્તા, પાણી, લાઇટ વગેરેની સગવડો પણ વધશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
નગરપાલિકામાં ચૂંટાયેલી પાંખના વડા પ્રમુખ હોય છે જેની જગ્યાએ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મેયર આવશે અને ચીફ ઑફિસરની જગ્યાએ મ્યુનિસિપલ કમિશ્નર નિયુક્ત થાય છે. ફંડની માંગણી સંતોષાય તો આયોજનબદ્ધ વિકાસ, ગટર, પશુનિયંત્રણ, આરોગ્ય કેન્દ્રો વગેરેની સુવિધા વધતી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવી રચાયેલી ગાંધીધામ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મેહુલ દેસાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "નગરપાલિકામાંથી મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાથી સૌથી મોટો ફરક એ પડશે કે હવે બધો વહીવટ બીપીએમસી ઍક્ટ (બૉમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ) હેઠળ ચાલશે. નગરપાલિકાઓનો જે રીતે વહીવટ થતો તેના કરતા આ વધારે અસરકારક ધારો છે."
"તેમાં ટૅક્સ ઉઘરાવવાથી લઈને નવા વિકાસના કામો અને લૅન્ડ ડેવલપમેન્ટના કામ વધુ સારી રીતે થઈ શકશે. નગરપાલિકામાં ફંડની અછત હોય છે અને સ્ટાફ પણ ઓછો પડે છે. તેની જગ્યાએ મ્યુનિસિપલ કૉર્પોરેશન બને ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર તરફથી વધારે ફંડિગ મળે છે. મેનપાવરની અછત હોય તે પણ દૂર કરવાનું સરળ બને છે. જુદા જુદા વિકાસના કામો માટે ગ્રાન્ટ પણ વધારે મળે છે."
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેસાઈએ જણાવ્યું હતું કે, "રોડ અને રસ્તાના કામોથી લઈને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના જે કામો માટે ફંડની તંગી રહેતી હતી તે હવે હળવી થઈ શકે છે."
શહેરી આયોજનમાં કઈ ત્રણ વાતો ધ્યાનમાં રાખવી પડશે
અમદાવાદના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના ચૅરમૅન પી.કે. ઘોષે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "નવા મ્યુનિસિપલ કૉર્પોરેશનની રચના થાય ત્યારે ત્રણ વાતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. એક, જિયોહાઇડ્રોલૉજિસ્ટ અને ભૂસ્તરશાસ્ત્રીઓની સલાહ લઈને સ્ટોર્મ વૉટર પાઇપલાઇનનું સૌથી પહેલાં આયોજન કરવું જોઈએ. વરસાદ પછી પાણીનો ભરાવો એ આપણા શહેરોમાં સૌથી મોટી અને કાયમી સમસ્યા છે. આગામી સમયમાં વસતી કેટલી વધશે તેનો અંદાજ કાઢીને સ્ટોર્મ વોટર પાઈપલાઈનનું વ્યવસ્થિત કામ કરવું જોઈએ."
"બીજું, શહેરોને જોડતા રસ્તાની બંને બાજુ બાંધકામપ્રવૃત્તિ પર નિયંત્રણ હોવું જોઈએ. આજે દરેક મોટા શહેરને જોડતા રસ્તાની બંને બાજુએ એ પ્રકારે અવ્યવસ્થિત બાંધકામ થાય છે જેના કારણે પરિવહનમાં સમય લાગે છે. "
પૂર્વ સનદી અધિકારી પી.કે. ઘોષના માનવા પ્રમાણે ત્રીજો મહત્ત્વનો મુદ્દો બાળકો માટે રમતગમતનાં મેદાનોનો છે.
તેઓ કહે છે, "ભવિષ્યમાં શહેરોમાં જે વસતી થવાની છે તેનો અંદાજ રાખીને બાળકો માટે પૂરતાં પ્રમાણમાં પ્લે ગ્રાઉન્ડ હોય તે આવશ્યક છે. આ ઉપરાંત પ્રાઇવેટ વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને દરેક જગ્યાએ પાર્કિંગ સ્પેસ બનાવવી જોઈએ અને લોકો ત્યાં જ વાહનો પાર્ક કરે તેનું ચુસ્ત રીતે પાલન થવું જોઈએ. નવા મ્યુનિસિપલ કૉર્પોરેશનો અમલમાં આવે ત્યારે ગટરની પાઈપલાઈન અને ઘન કચરાનો નિકાલ પણ એક મહત્ત્વની ચેલેન્જ રહેશે."
પી.કે. ઘોષે એમ પણ જણાવ્યું કે, "મોટા શહેરોનો વિસ્તાર વધે અને તેમાં નવા એરિયાનો સમાવેશ થાય ત્યારે તેની ઓળખ મટી ન જાય તે જોવું જરૂરી છે. તેથી હેરિટેજ ઇમારતોને જાળવી રાખીને બધા માટે ફાયદાકારક સ્થિતિ હોય તેવી રીતે ટાઉન પ્લાનિંગ કરવું જોઈએ."
લોકોની અપેક્ષા તાત્કાલિક વધશે, શહેરીકરણમાં વેગ આવશે
ગ્રામીણ વિસ્તારોને સમાવીને મ્યુનિસિપલ કૉર્પોરેશનનો વિસ્તાર વધશે સમસ્યાઓનો તાત્કાલિક અંત નહીં આવે, પરંતુ ઘણા બધા પડકારો વધી જશે.
એક મ્યુનિસિપલ ઑફિસરે જણાવ્યું કે, "મ્યુનિસિપલ વિસ્તારમાં સમાવેશ થવાથી લોકો પર ટૅક્સ બોજ વધશે અને તેની સામે તેઓ ઘણી બધી સુવિધાઓની અપેક્ષા રાખશે જે સંતોષવી મુશ્કેલ પડશે. હાલમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનોની જવાબદારીઓની તુલનામાં આવક ઘણી ઓછી છે તેથી તે રાજ્ય અને કેન્દ્રની ગ્રાન્ટ પર વધારે આધાર રાખે છે. લોકો હવે માત્ર રોડ-રસ્તા, પાણી અને રોડલાઇટની પાયાની સગવડો નહીં માગે, તેમને કૉમ્યુનિટી હોલ, હેલ્થ સેન્ટર્સ, બગીચા, ફાયર સ્ટેશન, લાઇબ્રેરી સહિતની વધારે સુવિધા પણ આપવી પડશે."
મ્યુનિસિપલ વહીવટ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું કે, "મ્યુનિસિપલ કૉર્પોરેશન પોતાની ટૅક્સની આવક અને ગ્રાન્ટની મદદથી વિકાસકાર્યોને પહોંચી નહીં વળે ત્યારે તેણે લોન લેવી પડશે અને લોનની પુનઃચુકવણીની ક્ષમતા પણ હોવી જરૂરી છે. મહાનગરપાલિકા બનવાના કારણે તેમાં નવી ગ્રામપંચાયતો પણ ઉમેરાશે તેથી શહેરીકરણને વેગ મળશે. લોકોને સમાવવા માટે સરકારે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમ અમલમાં મૂકવી પડશે જેની સામે ખેતીની જમીનમાં ઘટાડો થશે. કૉર્પોરેશન એરિયામાં આવવાથી જમીન, મકાન અને દુકાનોના ભાવ વધશે અને લોકોને મોંઘવારી અનુભવાશે."
મ્યુનિસિપલ કૉર્પોરેશન હોવાના ફાયદા કયા છે?
મ્યુનિસિપલ કૉર્પોરેશનની સામે પડકારો છે તો કેટલાક ફાયદા પણ છે.
જેમ કે નગરપાલિકાઓને જે ટેક્નોલૉજી અથવા કન્સલ્ટન્સી સર્વિસ નહોતી મળતી, તે હવે મ્યુનિસિપલ કૉર્પોરેશન બન્યા પછી મળી શકશે.
જુદા જુદા પ્રોજેક્ટ માટે નિષ્ણાતોની સલાહ લેવાનો ખર્ચ ઉઠાવી શકાશે. વેપાર, ધંધા માટે લોકો શહેરી વિસ્તારોમાં જશે અને શહેરોના કુલ જીડીપીમાં વધારો થશે. તેમાં રિયલ એસ્ટેટનો સૌથી ઝડપથી વિકાસ થાય તેવી શક્યતા છે.
અધિકારીઓ અને પદાધિકારીઓ વિદેશમાં સ્ટડી ટૂરમાં જઈ શકશે, સેમિનારોમાં ભાગ લઈ શકશે જેથી તેમને નવું શીખવા મળશે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ વિનામૂલ્યે અથવા બહુ ઓછા ખર્ચે કેટલીક મદદ કરી શકે છે જેમાં ઍનર્જી અને વેસ્ટ મૅનેજમૅન્ટનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત મ્યુનિસિપલ કૉર્પોરેશન બનવાથી તેના તરફ રાજકીય ફોકસ વધશે અને વિકાસકાર્યો કરવા માટે હરીફાઈ પણ થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન