સંસદ પર 22 વર્ષ અગાઉ થયેલો હુમલો અને સુરક્ષામાં હાલમાં થયેલી ચૂક: સરકાર અને વિપક્ષનું તે સમયનું વલણ અને હાલનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
થોડા દિવસો અગાઉ 13 ડિસેમ્બરે ચાર લોકોએ સંસદમાં પ્રવેશ કર્યો અને તેઓ મુખ્ય હૉલમાં કૂદી ગયા. આ લોકોએ અહીં પીળા રંગનો ધુમાડો છોડ્યો હતો. તે સમયે સંસદ બહાર પણ બે લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ બધાને પકડી લેવાયા હતા.
જે પ્રદર્શનકારીઓ સંસદમાં પ્રવેશ્યા હતા તેમણે ભાજપના મૈસુરના સાંસદ પ્રતાપસિંહા થકી મુલાકાતીઓ માટેનો પાસ મેળવ્યા હતા. અત્યાર સુધી ભાજપના સાંસદ પ્રતાપસિંહા સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તો દૂર તેમની કોઈ પૂછપરછની વાત પણ સામે નથી આવી.
આ ઘટનાએ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ ઇમારતની સુરક્ષા બાબતે સવાલો ઊભા કર્યા છે. આ પછી જે પણ થયું તેને ‘લોકતંત્રની હત્યા’ ગણાવાઈ રહ્યું છે.
સંસદની સુરક્ષામાં ચૂક જ 146 સંસદસભ્યોના સસ્પેન્શનની પૃષ્ઠભૂમિ પણ છે. જ્યારે સંસદમાં આ બધું બન્યું એ દિવસે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મધ્ય પ્રદેશમાં નવા મુખ્યમંત્રી મોહન યાદવની શપથવિધિ સમારોહમાં ભાગ લેવા ભોપાલમાં હતા.
આ ઘટના પછી વિપક્ષના નેતા માગ કરી રહ્યા હતા કે ગૃહમંત્રી સંસદની સુરક્ષાની ખામી બાબતે સંસદમાં નિવેદન આપે. આ માગણી ઉગ્ર થયા પછી વિપક્ષી સંસદસભ્યોને સામૂહિક રીતે સસ્પેન્ડ કરી દેવાયા. સંસદસભ્યોને સસ્પેન્ડ કરવાનું કારણ ‘હોબાળો કરવો અને સંસદમાં કામમાં વિઘ્નો ઊભા કરવા’નું અપાયું.
વાજપેયીના સમયે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના સંસદ ભવન પર ભૂતકાળમાં ભયાવહ હુમલો થયો હતો. 13 ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલો થયો હતો. જેમાં નવ લોકોનાં મોત થયાં હતાં. 22 વર્ષ પછી આ હુમલાની વરસી પર સંસદમાં પ્રદર્શનકારીઓ પ્રવેશ્યા હતા. જોકે આ હુમલો તો નહોતો પણ સુરક્ષામાં મોટી ખામી જરૂર હતી.
કૉંગ્રેસના સંસદ અધીરરંજન ચૌધરીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ એક પત્ર લખીને કહ્યું કે 2001 અને 2023માં જે થયું છે તે બંને અલગ પ્રકારની ઘટનાઓ છે. પણ “આ ઘટનાએ દેશની એ સંસ્થાની સુરક્ષા પર સવાલો ઊભા કર્યા છે જે આપણા લોકતંત્રના કેન્દ્રમાં છે. જ્યારે 2001માં સંસદ પર હુમલો થયો ત્યારે લાલકૃષ્ણ અડવાણીએ સંસદમાં વિસ્તૃત નિવેદન આપ્યું હતું અને વિપક્ષ તેમની સાથે ઊભો રહ્યો હતો. આજના સંદર્ભમાં એ ઉચિત રહેશે કે ગૃહમંત્રી સુરક્ષામાં ખામી બાબતે સંસદમાં નિવેદન આપે.”
વિપક્ષો એ જ માગ કરી રહ્યા છે અને આ માગણીને લઈને હોબાળો કરવાના આરોપમાં સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સાંસદો પર આરોપ છે કે તેમણે સંસદમાં પ્લેકાર્ડ દર્શાવ્યાં, વૅલમાં તેઓ ધસી આવ્યા, સૂત્રોચ્ચાર કર્યા અને સંસદના નિયમોનું ઉલ્લંઘન કર્યું.
સંસદનાં બંને ગૃહોના મળીને 146 સંસદસભ્યો સસ્પેન્ડ થયા છે જે સંસદ બહાર પ્રદર્શન કરી રહ્યા છે. સરકારે લોકસભામાં કેટલાક મહત્ત્વપૂર્ણ કાયદાઓને ચર્ચા વિના જ પસાર થઈ ગયા હોવાની જાહેરાત કરી દીધી છે.
વડા પ્રધાન અને ગૃહ મંત્રીએ અત્યાર સુધી શું કહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં તો નહીં પણ હિન્દી અખબાર 'દૈનિક જાગરણ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લોકસભાની સુરક્ષામાં ખામી બાબતે વાત કરી હતી.
તેમણે કહ્યું, “સંસદમાં જે ઘટના બની તેની ગંભીરતાને સહેજ પણ ઓછી ના આંકી શકાય. એટલે જ સ્પીકર મહોદય પૂરી ગંભીરતાથી જરૂરી પગલાં લઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ કડકાઈથી તપાસ કરી રહી છે. આની પાછળ કોનો હાથ છે, શું હેતુ છે તેના મૂળમાં જવું જરૂરી છે. એક થઈને સમાધાનના રસ્તાઓ પણ શોધવા જોઈએ. આવા મામલાઓ વિશે બધાએ વાદ-વિવાદ કે વિરોધ ના કરવો જોઈએ.”
ગૃહમંત્રી અમિત શાહે એક ન્યૂઝ ચૅનલની ઇવેન્ટમાં આ બાબતે વાત કરતા કહ્યું હતું, “લોકસભા આ મામલે તપાસ કરી રહી છે. બધાને ખબર છે કે લોકસભાની સુરક્ષા સ્પીકરના અધિકારક્ષેત્રમાં આવે છે. સ્પીકરે ગૃહમંત્રાલયને પત્ર લખ્યો છે અને અમે એક પૂછપરછ સમિતિ બનાવી છે. જેનો અહેવાલ જલદી જ સ્પીકરને સોંપી દેવાશે.”
ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં નિવદેન તો નથી આપ્યું પણ સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સરકાર તરફથી નિવેદન આપ્યું.
તેમણે બધા સંસદસભ્યોને કોઈને પણ પ્રવેશ પાસ આપવા બાબતે સતર્ક કર્યા છે અને કહ્યું, “દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની અમે બધાએ નિંદા કરી છે અને સ્પીકરે તેની નોંધ લેતા તપાસના આદેશ આપ્યા છે.”
વાજપેયી સરકાર અને 22 વર્ષ અગાઉ સંસદ પર થયેલો હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
13 ડિસેમ્બર 2001 સમયે તત્કાલીન એનડીએ સરકારે સંસદ પરના હુમલા બાબતે કેવા પ્રકારની રાજકીય ચર્ચા કરી અને આખરે એ સમયે સંસદના શિયાળુ સત્રમાં વાતાવરણ કેવું હતું?
આ વાતને સમજવા માટે અમે તે સમયનાં સત્તાવાર નિવેદનો શોધ્યાં. જેથી એ સમજી શકાય કે ભૂતકાળમાં સરકાર અને વિપક્ષોનું વલણ કેવું હતું.
18 ડિસેમ્બર 2001ના રોજ એટલે કે સંસદ પર થયેલા હુમલાના પાંચમા દિવસે તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ ફક્ત સંસદ પર હુમલા બાબતે નિવેદન નહોતું આપ્યું હતું પણ તપાસમાં શું સામે આવ્યું તેની વિગતવાર જાણકારી આપી હતી.
સંસદમાં તે સમયના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું, “ગત અઠવાડિયે સંસદ પર થયેલો હુમલો 20 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદનો સૌથી મોટો મામલો છે. ભારતનું નેતૃત્વ કરતા નેતાઓને ખતમ કરવાનો પ્રયાસ થયો છે. આ મામલે ભારતમાં રહેલા પાકિસ્તાન હાઈ કમિશનને સમન્સ અપાયો છે.”
મોદી સરકાર અને વાજપેયી સરકાર બંને સરકારો સંસદની સુરક્ષાના મામલે સવાલોના ઘેરામાં રહી છે પણ બંને સરકારોના જવાબ અને આખા મામલે તેમના વલણમાં કેટલું અંતર છે? આ સમજવા અમે એ પત્રકારો સાથે વાત કરી, જેમણે 2001માં સંસદ પર થયેલા હુમલા સમયે પૉલિટિકલ રિપોર્ટિંગ કર્યું હતું, અને હાલના રાજકીય ઘટનાક્રમ પર પણ જેઓ નજર રાખી રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર અને ન્યૂઝ વેબસાઇટ ‘ધ વાયર’ના એડિટર સીમા ચિશ્તીએ પત્રકાર તરીકે સંસદ પરના 2001ના હુમલાનું રિપોર્ટિંગ કર્યું હતું.
તેઓ કહે છે, “હું એમ નહીં કહું કે તે સમયની સરકાર બધા જ લોકતાંત્રિક મૂલ્યોનું નિર્વહન કરતી હતી પણ હાલ સંસદમાં જે થઈ રહ્યું છે તે સમગ્રતયા લોકતંત્રની મજાક છે. ભાજપની સંસદીય બેઠકમાં પીએમ આ વાત પર કહી રહ્યા છે, વર્તમાનપત્રો સાથે વાત કરે છે. પણ તેમને સંસદમાં આ વિશે વાત નથી કરવી.”
તેમણે કહ્યું, “જવાબદારી કોની છે? અગાઉ જ્યાર રેલવે દુર્ઘટનાઓ વિશે રેલવેમંત્રી રાજીનામુ આપી દેતા હતા તો એ એટલા માટે નહોતા આપતા કે તેઓ રેલવેમાં લૉકિંગ-ઇન્ટરલૉકિંગ કરતા હતા પણ તે જવાબદારીના ભાગરૂપે આવું કરતા હતા. જે લોકતંત્ર માટે બહુ જરૂરી છે.”
અટલબિહારી વાજપેયીનાં બે નિવેદન

વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણીસે પણ પૉલિટિકલ રિપોર્ટર તરીકે 2001ના સંસદ પરના હુમલાનું રિપોર્ટિંગ કર્યું હતું.
તેઓ કહે છે, “અટલબિહારી વાજપેયીની સરકારના સમયમાં કેટલીયે ગંભીર ઘટનાઓ બની હતી. સંસદ પર હુમલો થયો, વિમાનનું અપહરણ થયું, આતંકવાદીઓને મુક્ત કરવા પડ્યા, પણ એ સરકાર સંસદમાં ચર્ચા બાબતે સહજ હતી. વિગતવાર નિવેદન આપતી હતી. મુદ્દાઓ પર ચર્ચા પણ થતી હતી પણ હવે આ સરકારમાં કંઈ થતું નથી. આનું કારણ એ છે કે આ સરકાર એવું કરી શકે છે અને એટલે એ આવું જ કરી રહી છે.”
કેટલાક લોકોનો આરોપ છે કે સરકાર આ સત્રમાં આવનારા બિલ પર ચર્ચા નહોતી ઇચ્છતી એટલે મોટા પ્રમાણમાં સાંસદોને સસ્પેન્ડ કર્યા?
અદિતિ ફડણીસ આ પ્રકારની દલીલો વિશે કહે છે, “આ સરકાર પાસે એટલા આંકડા છે કે તેઓ તેમના દમ પર સંસદમાં બિલ પાસ કરાવી શકતી હતી.”
સીમા ચિશ્તી પણ આવું જ માને છે કે આ સરકાર પાસે સંસદમાં બિલ પાસ કરાવવું કોઈ મોટો પડકાર નથી.

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ કહે છે, “જેમણે પર નરેન્દ્ર મોદીનું કામકાજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોયું છે, તેમને આ સરકારના વલણ પર નવાઈ નહીં લાગે. આ જ એમની રીત છે. તેઓ માને છે કે સરકાર અમારી છે અને અમે જણાવીશું કે સંસદ કેવી રીતે ચાલશે.”
તેમણે ઉમેર્યું, “જોકે આ લોકતંત્રની રીત નથી પણ આ સરકારની આ જ રીત છે-'માય વે ઓર હાઈવે'. પણ તે સમયના વિપક્ષ અને હાલના વિપક્ષમાં પણ ભારે તફાવત છે, હાલ તો વિપક્ષમાં પણ વાત કરવાની ઇચ્છા નથી દેખાતી.”
વિપક્ષની જવાબ માગવાની રીત ખોટી છે. આ વાતને સીમા ચિશ્તી સાચી નથી માનતાં. તેઓ કહે છે, “એક નવો તર્ક આવી ગયો છે. જેમાં લોકો વિપક્ષને નાકામ ગણાવીને સરકારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકતંત્ર વિશે વિકસિત દેશોમાં કહેવાય છે કે ‘વિપક્ષને તેમની વાત કહેવા દો, સરકાર પાસે તો (એમનું કામ કરી લેવા માટે) બહુમત તો છે જ.’”
સીમા ચિશ્તી કહે છે, “હવે એવો સમય આવી ગયો છે, જ્યારે વિપક્ષ આરોપ લગાવે છે કે તેમનું માઇક બંધ કરી દેવાય છે, કૅમેરા પર નથી બતાવાતા, તેમનો બોલવાનો સમય ઓછો કરી દેવાય છે.”
તેઓ કહે છે, “લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે દેશને લોકતાંત્રિક બનાવી રાખવા માટે જવાબદાર સંસ્થાઓને ખતમ કરવાના આરોપો લાગી રહ્યા છે.”
જ્યારે સોનિયા ગાંધીએ હુમલા પછી તરત જ વાજપેયીને ફોન કર્યો

ઇમેજ સ્રોત, Getty Images
તે સમયે દેશનું રાજકારણ વર્તમાન રાજકારણથી કેટલું અલગ હતું તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે જ્યારે સંસદ પર હુમલો થયો તો તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીને પહેલો ફોન કર્યો હતો.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના પૉલિટિકલ એડિટર વિનોદ શર્માએ આ ઘટનાને યાદ કરતા એક કાર્યક્રમમાં કહ્યું હતું, “જ્યારે 2001માં સંસદ પર હુમલો થયો તો અટલબિહારી વાજપેયી સંસદમાં હતા અને તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી હુમલો થયો એ અગાઉ પોતાનાં ઘરે પહોંચી ગયાં હતાં.”
“જેવી તેમને ખબર પડી કે સંસદ પર હુમલો થયો છે તો તેમણે પહેલો ફોન અટલબિહારી વાજપેયીને કર્યો અને એ સુનિશ્ચિત કર્યુ કે તેઓ સુરક્ષિત તો છે ને. આ વાત મને સોનિયા ગાંધીએ જણાવી હતી.”
સંસદસભ્યોનું સામૂહિક સસ્પેન્શન પહેલીવાર નથી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના સંસદીય ઇતિહાસમાં પણ એવી ઘટનાઓ બની છે, જ્યારે મોટા પ્રમાણમાં સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા હોય. 1989માં લોકસભામાં 63 સંસદસભ્યોને એક જ દિવસમાં સસ્પેન્ડ કરી દેવાયા હતા.
હકીકતમાં થયું એવું હતું કે 15 ડિસેમ્બર, 1989ના દિવસે ઠક્કર કમિશનનો અહેવાલ આવ્યો હતો. આ અહેવાલ પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાબતે હતો. આ પછી 63 સાંસદોને સંસદની પ્રક્રિયા ના ચાલવા દેવાના આરોપમાં સસ્પેન્ડ કરાયા હતા. આ સાંસદો અહેવાલ પર ચર્ચાની માગ કરી રહ્યા હતા.
14 ડિસેમ્બરે એક વર્તમાનપત્રએ છાપ્યું કે ઠક્કર કમિટીના અહેવાલમાં કહેવાયું છે કે ઇન્દિરા ગાંધીની હત્યાના ષડ્યંત્રમાં કૉંગ્રેસના નેતા આર. કે. ધવન પણ કથિત રીતે સામેલ હતા. જ્યારે સંસદની કાર્યવાહી 14 ડિસેમ્બરે શરૂ થઈ તો જનતાદળના સંસદસભ્ય એસ. જયપાલ રેડ્ડીએ પ્રશ્નકાળ રોકવા અને આ અહેવાલ પર ચર્ચાની માગ કરી હતી.
રાજીવ ગાંધી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ સંસદસભ્યોને સામૂહિક રીતે સસ્પેન્ડ કરાયા હતા
તત્કાલીન લોકસભા સ્પીકર બલરામ જાખડે ત્યારે કહ્યું કે પ્રશ્નકાળને રોકી ના શકાય કારણ કે કોઈએ પણ તેને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ નથી આપ્યો અને તેઓ સંસદને કોઈ વર્તમાનપત્રમાં છપાયેલા અહેવાલ પર ચર્ચા કરવા માટેની પરવાનગી ના આપી શકે.
આ પછી સંસદસભ્યોએ તેમની માગણીઓ યથાવત્ રાખી અને આગામી દિવસે 63 સંસદસભ્યોને સંસદમાંથી બહાર કાઢી મુકાયા.
રાજદીપ કહે છે, “મને યાદ નથી કે ક્યારેય ભૂતકાળમાં 146 સંસદસભ્યોને સસ્પેન્ડ કરાયા હોય. 1989માં 63 સંસદસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પણ આટલી મોટી સંખ્યા ક્યારેય નથી નોંધાઈ.”
પણ તેઓ આ પ્રકારના વર્તન પાછળનું કારણ સરકારને મળેલી ભારે બહુમતીને માને છે.
રાજદીપ કહે છે, “આ ચલણ છેલ્લાં 10-15 વર્ષમાં વધ્યું છે. મનમોહનસિંહની સરકાર ગઠબંધન સરકાર હતી તો બધા સાથે મળીને સરકાર ચલાવવી તેમની મજબૂરી હતી પણ જ્યારે રાજીવ ગાંધીની સરકાર પૂર્ણ બહુમતીવાળી સરકાર હતી તો તેમનું વલણ કડક હતું. મને લાગે છે કે જ્યારે પણ સરકાર પાસે મોટી બહુમતી હોય તો તે આ પ્રકારે વર્તવા લાગે છે.”














