You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યૂટ્યૂબ પર વીડિયો જોઈ, કોર્સ કરીને 'નૉર્મલ ડિલિવરી' કરાવી, પછી શું થયું?
- લેેખક, અમાંડા રુગ્ગેરી
- પદ, બીબીસી વર્કલાઈફ
ઘણી સ્ત્રીઓ તબીબી હસ્તક્ષેપ વિના ‘સુંદર’ પ્રસૂતિનો અનુભવ પામવા પ્રયાસ કરે છે. કેટલીક મહિલાઓ માટે તે શક્ય બને છે, પણ બધું અપેક્ષા અનુસાર ન થાય તો તેમાં સમસ્યાઓ સર્જાઈ શકે છે.
(ચેતવણીઃ આ સ્ટોરીમાં પ્રસૂતિની આઘાતજનક અને વિચલિત કરે તેવી વિગતો છે.)
એમ્મા કાર 2021માં ગર્ભવતી થયાં ત્યારે તેમણે આદર્શ પ્રસૂતિ વડે બાળકને જન્મ આપવાનું સપનું જોયું હતું. મૂળભૂત રીતે તેઓ બાળજન્મની સમગ્ર પ્રક્રિયા હિંમતભેર અને જાગૃત અવસ્થામાં પાર પાડવા ઇચ્છતાં હતાં.
ઘણી અન્ય સ્ત્રીઓની માફક એમ્મા કારની અપેક્ષા પણ વધારે હતી. તેઓ નેચરલ બર્થ ઇચ્છતાં હતાં. આ પદ્ધતિમાં શક્ય તેટલા ઓછા તબીબી હસ્તક્ષેપ અને પીડાશામક દવાઓના ઉપયોગ વિના કુદરતી રીતે બાળકનો જન્મ કરાવવામાં આવે છે.
એમ્માએ બે કોર્સ કર્યા હતા. તેમાં હિપ્નોબર્થિંગ તરીકે ઓળખાતા લોકપ્રિય અભિગમનો સમાવેશ થાય છે. પ્રસૂતિ દરમિયાન કેવી રીતે સજાગ રહેવું, રિલેક્સ રહેવું, પીડાને હળવી કરવા માટે કેવી રીતે શ્વાસ લેવા તે હિપ્નોબર્થિંગમાં શીખવાડવામાં આવે છે. પ્રશિક્ષકોની ભલામણ અનુસાર, એમ્માએ પોતાને માનસિક રીતે તૈયાર કરવા માટે સ્વસ્થ, આનંદદાયક અને માનસિક આઘાત ન લાગે તેવી પ્રસૂતિના વીડિયો નિહાળ્યા હતા.
લંડનમાં રહેતાં 36 વર્ષનાં એમ્મા કાર કહે છે, “બાળજન્મના આ બધા વીડિયો બહુ સુંદર છે. શિશુ આસાનીથી બહાર આવે અને સ્ત્રી તેને પકડી લે, એટલું આસાન. મને એમ હતું કે મારી પ્રસૂતિ પણ એવી જ રીતે થશે.”
વાસ્તવમાં બન્યું કંઈક અલગ. એમ્માનું બધું ગર્ભજળ બહાર આવી ગયું હતું. તે પ્રવાહીમાં મેકોનિયમ એટલે કે (ગર્ભમાંના બાળકનો મળ) હતો. તે માતા અને બાળક બન્ને માટે જોખમી બની શકે છે.
એમ્માને હૉસ્પિટલે લઈ જવામાં આવ્યા પછી ડૉક્ટરે તેમને જણાવ્યું હતું કે તેમણે બાળકને તત્કાળ બહાર કાઢી લેવું પડશે. બે કલાક પછી એમ્માને ઓપરેશન ટેબલ પર સુવડાવી દેવામાં આવ્યાં હતાં અને કુદરતી પ્રસૂતિને બદલે તેમના બાળકનો જન્મ સીઝેરિયન સૅક્શન પદ્ધતિથી કરાવવો પડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમ્માના જણાવ્યા મુજબ, તેનાથી પણ વધારે ખરાબ બાબત એ હતી કે હકારાત્મક માનસિકતા કેળવવા તેમણે અનેક કોર્સ કર્યા હતા, પરંતુ આવા અલગ અંતિમ પરિણામ માટે તેમણે ક્યારેય તૈયારી કરી જ ન હતી.
એમ્મા કહે છે, “મેં ધાર્યા મુજબનું બધું થયું હોત તો કુદરતી પ્રસવમાં નિષ્ફળ રહ્યાની અનુભૂતિ મને થઈ ન હોત. હું ઇચ્છું છું કે આવી પ્રસૂતિ કઈ રીતે થાય છે, એ બાબતે મારા પ્રશિક્ષકો પણ જાણે તો સારું. હીપ્નોબર્થિંગનો કોર્સ કર્યો હોવાને લીધે બધું કાયમ અપેક્ષા અનુસાર થતું નથી.”
એમ્માના કહેવા મુજબ, તેઓ ગર્ભવતી હતાં ત્યારે મિત્રોએ તેમને ચેતવણી આપી હતી કે તારી અપેક્ષા અનુસાર પ્રસૂતિની પીડા ન થાય તે શક્ય છે, પરંતુ તેમણે એવું વિચારીને એમની ચેતવણીની અવગણના કરી હતી કે, જે સ્ત્રીઓ સાથે આવું થાય છે તેમની માનસિકતા અથવા તો તેમની ટેકનિક કદાચ અલગ હશે.
એમ્મા કહે છે, “સામાન્ય રીતે આપણે જે લોકોની વાત સાંભળતા હોઈએ તે સાંભળવાનું બંધ કરી દઈએ છીએ. કારણ કે લોકોએ આપણા મનમાં ઠસાવી દીધું હોય છે કે પ્રસૂતિ તો કુદરતી તથા જાદુઈ રીતે જ થવી જોઈએ અને આપણું શરીર તેમ કરવા સક્ષમ છે, પણ મારું શરીર એવું હોય તેવું મને લાગતું નથી.”
ઘણી સ્ત્રીઓને આ પ્રકારના અભિગમથી લાભ થાય છે. કેટલાંક મહિલાઓની પ્રસૂતિ અપેક્ષા અનુસાર થાય છે. શ્વાસ લેવા, આસપાસના લોકો દ્વારા આપવામાં આવતી ધરપતને ધ્યાનમાં લેવી જેવી યોગ્ય તકનીકોનો ઉપયોગ કરીને, બાળકના જન્મની પ્રક્રિયાને આનંદદાયક બનાવી શકાય છે, એવું કેટલાક હિમાયતીઓ કહે છે. બીજી તરફ એમ્મા કાર જેવી મહિલાઓને આઘાતજનક અનુભવ થાય છે. બીજી કોઈ રીતે પ્રસૂતિની તૈયારી ન કરી હોવાને લીધે તેમને ખરાબ લાગે છે.
પૉઝિટિવ બર્થ જેવા કોર્સનું ચલણ ક્યારથી શરૂ થયું?
મોટાભાગના ઇતિહાસમાં સ્ત્રીઓ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામતી રહી છે.
1600 અને 1700ના દાયકામાં પ્રત્યેક 100માંથી એક સ્ત્રીનું પ્રસૂતિ દરમિયાન મૃત્યુ થતું હતું.
ઍન્ટિબાયોટિક્સ સહિતની વૈજ્ઞાનિક પ્રગતિનો અર્થ એ છે કે, પ્રસૂતિ દરમિયાન માતાનાં મૃત્યુદરમાં ઘટાડો થયો છે. ચિકિત્સકોએ સલામતી પર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું છે, ત્યારથી ઍપિડ્યૂરલ જેવી દર્દશામક દવાઓ અનેક દેશોમાં ઉપલબ્ધ થઈ છે.
આજે પણ જે દેશોમાં પ્રસૂતિ સંબંધી સમસ્યાઓની સારવાર માટે પૂરતી ચિકિત્સા સુવિધાઓ નથી ત્યાં માતાનો મૃત્યુદર સૌથી વધારે છે.
બાળકોનો જન્મ થવાનો હોય એવાં અનેક યુગલો આધુનિક પીડા-પ્રબંધન માટેના યોગ્ય વિકલ્પો પસંદ કરતાં થયાં છે, અને ઘણા ડૉક્ટર પણ તેની સલાહ આપે છે. પરંતુ તેનાથી ભિન્ન મત ધરાવતાં અન્ય મહિલાઓ અને સ્વાસ્થ્ય ચિકિત્સકો માને છે કે પ્રસવની પ્રક્રિયા આ દિશામાં બહુ આગળ વધી ગઈ છે.
તેમનું કહેવું છે કે, તબીબી હસ્તક્ષેપ પરની વધુ પડતી નિર્ભરતા બિનજરૂરી, જોખમી અને અમાનવીય પણ હોઈ શકે છે. દાખલા તરીકે 1960ના દાયકામાં સમૃદ્ધ દેશોમાં મહિલાઓ મોટાભાગે એનેસ્થેસિયાની અસર હેઠળ બેહોશીની હાલતમાં બાળકોને જન્મ આપતી હતી. તેમને પીડાનો અનુભવ ન થયો હોય તે શક્ય છે, પરંતુ તેઓ તેમની પીડાનો તત્કાલ અનુભવ કરી શકતી નહોતી કે તત્કાળ નિર્ણય લઈ શકતી નહોતી.
આજે અનેક મહિલાઓ પૉઝિટિવ બર્થ તરીકે ઓળખાતી પદ્ધતિ મારફત પ્રસૂતિના પ્રયાસ કરે છે. બ્રિટનના બાળજન્મ ઍક્ટિવિસ્ટ અને પૉઝિટિવ બર્થ મૂવમેન્ટનાં સ્થાપક મિલી હિલે બનાવેલા પૉઝિટિવ બર્થ શબ્દનો મૂળ અર્થ કોઈ ખાસ પ્રકારની પીડાના વર્ણનનો હતો. હવે તે વ્યાપક બની ગયો છે.
ઍસોસિયેશનની વેબસાઇટ પરનું લખાણ જણાવે છે “પૉઝિટિવ બર્થ પ્રાકૃતિક કે દવામુક્ત હોય તે જરૂરી નથી. તેને ડરથી વિપરીત હકારાત્મક ગણવો જોઈએ. તમે તબીબી હસ્તક્ષેપ સાથે કે તેના વિના હૉસ્પિટલ કે ઘરમાં હકારાત્મકતા સાથે બાળકને જન્મ આપી શકો છો.”
વેબસાઇટ એમ પણ જણાવે છે કે પૉઝિટિવ બર્થ એક એવો અનુભવ છે, જેમાં મહિલાને “પસંદગીની સ્વતંત્રતા હોય, ચોક્કસ જાણકારી મેળવવાની સુવિધા હોય, પ્રસૂતિની પ્રક્રિયા દરમિયાન જાત પર તેનો અંકુશ હોય, તે સશક્ત તેમજ આદરપાત્ર હોય. એ ઉપરાંત તેમને પ્રસૂતિનો આનંદ માણવા મળે અને બાદમાં મહિલા ગર્વ અને ઉષ્મા સાથે તેની યાદો માણી શકે.”
તેમ છતાં પૉઝિટિવ બર્થના કોર્સ કરતી અનેક મહિલાઓ કહે છે કે ખાસ કરીને કુદરતી રીતે પ્રસૂતિને આદર્શ માનવાનો અન્ડરકરન્ટ તેઓ સતત અનુભવતી રહે છે. કેટલાક પ્રશિક્ષકો ભારપૂર્વક જણાવે છે કે પૉઝિટિવ બર્થનો મોટો આધાર મહિલાનું શરીર એ રીતે બાળકનો જન્મ આપવા ડિઝાઈન થયેલું છે કે કેમ તેના પર હોય છે. તેનો અર્થ એ થાય કે તબીબી હસ્તક્ષેપ આ પ્રક્રિયામાં સહાયક બનવાને બદલે અવરોધક બને છે.
દાખલા તરીકે, એ પૈકીના ઘણા દૃષ્ટિકોણનો એક મુખ્ય સિદ્ધાંત એ છે કે ભય અને ચિંતાને કારણે શરીરમાં ઍડ્રિનેલિન જેવા અંતઃસ્ત્રાવોનું ઉત્પાદન વધે છે, જે પ્રસૂતિની પીડાને ધીમી કરી શકે છે અને સંકોચનને મુશ્કેલ બનાવી શકે છે. બાળકના જન્મ માટેના સ્થળને ઘર જેવું અને આરામદાયક બનાવવા સહિતની તકનીકો ઉપરાંત બર્થ પાર્ટનર (કે ટીમ)નો આધાર, શ્વાસ તથા ધ્યાનની તકનીકનો ઉપયોગ તેમજ પ્રસૂતિ પૂર્વે પ્રસૂતા હળવાશ અને આત્મવિશ્વાસસભર હોય તે જરૂરી છે. આમ કરીને પ્રસૂતા તેના શરીરમાં ઑક્સિટોસિનનું ઉત્પાદન વધારી શકે છે. તેનાથી પ્રસૂતિ ઝડપથી અને ઓછી પીડાદાયક બનશે.
પૉઝિટિવ બર્થને લોકપ્રિય બનાવવાની ઝુંબેશનો ઇતિહાસ લાંબો છે. તેના પગલાં છેક 1930ના દાયકામાં મળે છે. રસપ્રદ વાત એ છે કે બરાબર એ જ સમયગાળામાં પ્રસૂતિ તથા સ્ત્રી રોગ વિજ્ઞાનની સૌપ્રથમ કૉલેજની સ્થાપના કરવામાં આવી હતી.
બીજી તરફ ઘણી મહિલાઓએ આ પ્રકારની બાળજન્મ પદ્ધતિઓને ક્યારેય ખાસ મહત્ત્વ આપ્યું નથી. કોઈ સ્ત્રી ઓછામાં ઓછી પીડા સાથે બાળકને જન્મ આપવા ઇચ્છતી હોય તો તમામ આધુનિક તબીબી હસ્તક્ષેપ અને દવાઓનો ઉપયોગ શા માટે ન કરે?
જોકે, અન્ય મહિલાઓના મનમાં ‘કુદરતી’ રીતે પ્રસૂતિની કરાવવી એવી માન્યતા ઘર કરી ગઈ છે. ધમધમતા બાળજન્મ-શિક્ષણ ઉદ્યોગે તે માન્યતાને ગાઢ બનાવી છે. સુખદાયક સંગીત અને મીણબત્તીઓના પ્રકાશ વચ્ચે પાણીમાં પ્રસૂતિની સુંદર કથાઓ સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
આ પ્રકારની જન્મ ઝુંબેશના ઘણા લાભ છે, પરંતુ તેનો ઉદ્દેશ નિર્ણય લેવાનો અધિકાર પ્રસૂતા તથા તેના પતિના હાથમાં સોંપવાનો નથી. પૉઝિટિવ અને નેચરલ એમ બન્ને પ્રકારની પદ્ધતિ ઝડપથી સાંસ્કૃતિક આદર્શ બની રહી છે, ત્યારે કેટલીક મહિલાઓને તેમાં નકારાત્મક પાસું પણ દેખાય છે.
દરેક પ્રસૂતિના સંજોગો અલગ-અલગ હોય છે તે હકીકતને ગમે તેટલો અભ્યાસ કે રિલેક્સેશન તકનીક ભૂંસી શકતા નથી. દેખભાળની ગુણવત્તામાં મોટી વંશીય અને જાતીય અસમાનતા છે. માતૃત્વ દેખભાળની ગુણવત્તા અત્યંત નિમ્ન સ્તરની હોઈ શકે છે, અથવા પ્રસૂતા પર તબીબી હસ્તક્ષેપ સ્વીકારવાનું દબાણ આવી શકે છે.
પ્રસવ દરમિયાન શક્તિશાળી હોવાની અનુભૂતિ કરવાનું કે પોતાના સંતાનની સુખદ સ્મૃતિ સંભારવાનું સરળ લક્ષ્ય પણ પ્રસૂતાની પહોંચ બહારનું હોઈ શકે છે. (પ્રસૂતિ સંબંધી ક્લાસિસની ફી અને નાણાકીય રોકાણ પણ બધી મહિલાઓ માટે શક્ય હોતું નથી એ વાતની નોંધ પણ લેવી જોઈએ)
આ દૃષ્ટિકોણના સમર્થકોનું કહેવું છે કે, માતાઓ તેમની અપેક્ષા ઘટાડે, તેના બદલે તબીબી સેવા આપતા લોકોએ આ સમસ્યાનું નિવારણ કરવું જોઈએ. પરંતુ જે મહિલાઓની અપેક્ષા અનુસાર પ્રસૂતિ થતી નથી તેમના પર માનસિક દબાણ સર્જાઈ શકે છે.
પ્રસૂતિ દરમિયાન શું થશે તે આખરે તો, અણધાર્યો અનુભવ હોય છે. સૌથી ખરાબ કિસ્સામાં પ્રસૂતાને પોતે નિષ્ફળ રહી હોવાની અનુભૂતિ થઈ શકે છે.
કુદરતી રીતે પ્રસૂતિ ન થાય તો એ મહિલાની નિષ્ફળતા છે?
નેચરલ બર્થની પ્રક્રિયા કોઈ પણ પ્રકારની ગડબડ વિના અને તબીબી હસ્તક્ષેપ વગર પાર પડે છે. તે નિર્ધારિત ધારાધોરણોથી બહુ દૂર હોય છે. દાખલા તરીકે, સીડીસીના આંકડા દર્શાવે છે કે, અમેરિકામાં 2020માં લગભગ એક તૃતિયાંશ પ્રસૂતિ તબીબી મદદથી કરવામાં આવી હતી. અન્ય એક તૃતિયાંશ પ્રસૂતિ સિઝેરિયન વડે કરવામાં આવી હતી. ઘરમાં કરવામાં આવતી અને જેને ખરેખર કુદરતી પ્રસૂતિ માનવામાં આવે છે તેનું પ્રમાણ માત્ર એક ટકા હતું.
ઘણી ગર્ભવતી મહિલાઓ તેમના હકારાત્મક દૃષ્ટિકોણના લક્ષ્ય રૂપે કુદરતી પ્રસૂતિનો આગ્રહ રાખતી હોય છે. તેમની પ્રસૂતિ ધાર્યા પ્રમાણે થતી નથી અને તેની ગંભીર અસર થઈ શકે.
કેટલીક માતાઓના જણાવ્યા મુજબ, માત્ર આદર્શ પ્રસૂતિ પર ધ્યાન આપવાને કારણે તેઓ વાસ્તવિકતાને ધ્યાનમાં લઈ શકતાં નથી અને ઇચ્છા અનુસારની પ્રસૂતિ ન થવાને લીધે તેઓ વધારાની પીડા અનુભવે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સંજોગવશાત્ સિઝેરિયન કરાવવું પડ્યું હોય તેવી 15 ટકા મહિલાઓને “નિષ્ફળતા”નો અહેસાસ થયો હતો.
ટોરોન્ટોનાં 38 વર્ષીય ઍન્ડી પેરિસ પહેલેથી જ ઇચ્છતાં હતાં કે તેમની પહેલી પ્રસૂતિ શક્ય તેટલી કુદરતી રીતે થાય. ઍન્ડીના કહેવા મુજબ, તેમણે હિપ્નોબર્થિંગનો કોર્સ કર્યો હતો. રિલેક્સેશનના ઑડિયો ટ્રૅક સાંભળ્યા હતા અને ઈના મે ગાસ્કિનનું બાળજન્મ વિશેનું પુસ્તક પણ વાચ્યું હતું. એ પુસ્તકમાં પોતાના શ્વાસ મારફત બાળકને શરીરની બહાર ધકેલવાની સાથે શરીર પરનો અંકુશ જાળવી રાખવાની અનેક કથાઓ છે.
ઍન્ડી કહે છે, “મેં બાળકનાં જન્મની આવી સુંદર ઘટનાઓ જોઈ હતી, તેની કથાઓ સાંભળી હતી અને મેં બધું કામ કર્યું હતું એટલે મને આશા હતી કે મારી સાથે પણ એવું જ થશે. તેનાથી મારી પ્રસૂતિનું પરિણામ બદલાઈ જશે તેની મને ખાતરી હતી.”
તેને બદલે ઍન્ડીએ લગભગ 24 કલાક સુધી પ્રસવની પીડા સહન કરવી પડી હતી. તેમનો ‘યોની માર્ગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો.’ તેમનું બાળક ગર્ભાશયમાંથી સહેલાઈથી નીચે આવી નહોતું રહ્યું. આખરે તેને વૅક્યૂમ દ્વારા બહાર લાવવામાં આવ્યો હતો. ઍન્ડીને પ્રસવ બાદ પણ રક્તસ્ત્રાવ થયો હતો.
એ ઘટનાને યાદ કરતાં ઍન્ડી જણાવે છે કે તેમનું સિઝેરિયન થવું જોઈતું હતું, પરંતુ તેઓ તેની વિરુદ્ધમાં હતા. તેઓ કહે છે, “બાળકને જન્મ આપવાની તે યોગ્ય રીત છે, એવી અનુભૂતિ થતાં મેં તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ણય લીધો હતો. બીજો કોઈ વિકલ્પ જ ન હતો, પરંતુ કુદરતે પ્રસૂતિ માટે કેવી સુંદર વ્યવસ્થા કરી છે, તેના વિચારમાં જ હું અટવાઈ ગઈ હતી.”
ઍન્ડીના જણાવ્યા મુજબ, પ્રસૂતિ પહેલાં તેમનું ધ્યાન હકારાત્મક માનસિકતા જાળવી રાખવા પર કેન્દ્રીત હતું, તેથી તેમણે બીજી શક્યતાનો વિચાર જ કર્યો ન હતો.
તેના પરિણામે “વિપરીત પરિસ્થિતિ સર્જાવા લાગી ત્યારે તેની સાથે અનુકૂલન સાધવાનું મારા માટે મુશ્કેલ બની ગયું હતું.”
બીજી પ્રસૂતિ વખતે પણ તેમણે, પહેલી પ્રસૂતિ વખતે સાંભળેલા રિલેક્સેશન ઑડિયો ટ્રૅક્સ જ સાંભળ્યા હતા. બીજી વખતે એ ટ્રૅક્સ તેમને એટલા ચિંતાજનક લાગ્યા હતા કે તેમણે એ સાંભળવાનું બંધ કરવું પડ્યું હતું.
ઍમિલિયાના હૉલ બ્રિટનસ્થિત એક દાયણ છે અને માઇન્ડફૂલ બર્થ ગ્રૂપનાં સ્થાપક છે.
આ ગ્રૂપ સ્ત્રીઓને પ્રસૂતિ માટે તૈયાર કરે છે. ઍમિલિયાનાનાં જણાવ્યા મુજબ, તેમનો અભિગમ કોઈ પણ પ્રકારની પ્રસૂતિની પીડાને આદર્શ ગણતો નથી.
તેને બદલે તમામ સંભવિત પરિણામોને ધ્યાનમાં રાખે છે. પહેલા બાળકને જન્મ વખતે પૉઝિટિવ અભિગમ અપનાવવાનું પરિણામ અપેક્ષા મુજબનું ન રહ્યું હોવાનું અનેક મહિલાઓએ તેમને જણાવ્યું છે.
કોર્સ કર્યા બાદ નૉર્મલ પ્રસૂતિ ન થાય ત્યારે તણાવ અનુભવાય?
ઍમિલિયાના હૉલના જણાવ્યા અનુસાર, સમસ્યા માત્ર એ નથી કે એ બધી સ્ત્રીઓને નકારાત્મક અનુભવ થયો હતો. સમસ્યા એ છે કે તેઓ ખુદને દોષી માને છે.
માનસિકતા પર ધ્યાન કેન્દ્રીત કરવાનું જણાવતો આ અભિગમ જોખમી સાબિત થઈ શકે છે. ઘણા કોર્સિસમાં બાળકનાં જન્મની હકારાત્મક કથાઓ સાંભળવાની જ સલાહ આપવામાં આવે છે. નકારાત્મક શબ્દોને પણ તેમાં બદલી નાખવામાં આવે છે, જેથી સ્ટ્રેસ હોર્મોન્સ અને પીડાને દૂર રાખી શકાય.
કોઈ પ્રસૂતાને પીડાનો અનુભવ ન થાય તો તે એવો સવાલ કરી શકે કે તેમને પૂરતો આરામ ન મળ્યો હોવાને કારણે આવું થયું હશે?
ઍમિલિયાના કહે છે, “જ્યારે આવા કોર્સ ઉપયોગી થતા નથી ત્યારે તેમને નિષ્ફળ રહ્યાની અથવા તો સમય બરબાદ કર્યાની લાગણી થાય છે. પરંતુ એવી ઘણી બાબતો છે, જેને નિયંત્રણમાં રાખી શકાતી નથી.”
ઍમિલિયાના તેમના પોતાના કોર્સમાં પોઝિટિવ બર્થ એવા શબ્દનો ઉપયોગ કરવાનું બને ત્યાં સુધી ટાળે છે. કારણ કે સારી રીતે પ્રસવ કરવાની તકનીક શીખવવા છતાં બધું ધાર્યા મુજબ જ પાર પડશે તેની કોઈ ખાતરી હોતી નથી.
‘હું ત્રણેય વખત તો નસીબદાર ન હોઈ શકું, ખરુંને?’
ઘણી એવી માતાઓ પણ છે, જેમના માટે પૉઝિટિવ બર્થ અભિગમ બહુ જ સહાયક અને પરિવર્તનકારી પણ પુરવાર થયો છે.
બર્લિનનાં 32 વર્ષીય ઍડવિના મૂરહાઉસને આ બધું વિચિત્ર લાગ્યું હતું, પરંતુ એક યુટ્યૂબ બ્લૉગરે પોતના અનુભવ વિશે ઉત્સાહપૂર્વક જણાવ્યું ત્યારે ઍડવિનાની શંકા દૂર થઈ ગઈ હતી. ઍડવિના કહે છે, “હું એ બ્લૉગર જેવો જ આનંદ પ્રાપ્ત કરવા ઇચ્છતી હતી.” તેમણે હીપ્નોબર્થિંગનો કોર્સ કર્યો હતો, શ્વાસ લેવાની તકનીકનો અભ્યાસ કર્યો હતો અને સાપ્તાહિક ઍક્યૂપંક્ચર પણ કરાવ્યું હતું.
તેની પ્રસૂતિ પાણીમાં ઝડપભેર થઈ હતી. તેમની બીજી પ્રસૂતિ પણ આસાનીથી જ થઈ હતી. ત્રીજી પ્રસૂતિ વખતે તેઓ હૉસ્પિટલના રૂમને આરામદાયક બનાવવા માટે ગુલાબી હિમાલયન સૉલ્ટ લેમ્પ, મોટા હેડફોન્સ અને હુંફાળા મોજાં સાથે લઈ ગયાં હતાં.
ઍડવિના કહે છે, “હું ત્રણેય વખત સદનસીબ સાબિત ન થઈ શકું, ખરુંને? તેમાં કંઈક તો ખાસ હશે. મારા ત્રીજા દીકરાનો જન્મ થવાનો હતો, ત્યારે હું સંપૂર્ણ નિષ્ઠા સાથે હિપ્નોબર્થિંગ એમપીથ્રી સાંભળતી હતી. યૂટ્યૂબ પરની પૉઝિટિવ બર્થના સંખ્યાબંધ વીડિયો જોતી હતી. જેની સુગંધને લીધે પીડામાંથી તત્કાળ રાહત મળતી હતી એવાં શૅમ્પૂ ખરીદવા બહુ પૈસા ખર્ચતી હતી. છ વર્ષ પહેલાં જે મહિલા ગર્ભવતી હતી તેનાથી આજે હું તદ્દન અલગ છું.”
વાસ્તવમાં, આવા ઘણા પોઝિટિવ બર્થ કોર્સમાં શીખવાડવામાં આવતી તકનીકોને લીધે પીડા તથા ઍપિડ્યૂરલના ઉપયોગમાં ઘટાડો થતો હોવાના, તબીબી હસ્તક્ષેપની ઓછી જરૂરિયાતના, સિઝેરિયનના દરમાં ઘટાડો થતો હોવાના અને પ્રસૂતિનો સમગ્ર અનુભવ બહેતર બનતો હોવાના કેટલાક પુરાવા છે. પરંતુ આવું કાયમ બનતું નથી. કેટલીક બાબતો અન્ય કરતાં વધારે ઉપયોગી હોય તેવું લાગે છે.
એક વ્યાપક સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે પ્રસૂતિ માટે તાલીમબદ્ધ સાથીની હાજરી અથવા આરામ માટે સંગીત કે માલિશનો ઉપયોગ કરવા જેવી કેટલીક લોકપ્રિય તરકીબ, મહિલા તેની પ્રસૂતિના અનુભવને નકારાત્મક સ્વરૂપે યાદ કરે એવી સંભાવના ઘટાડવામાં મદદ કરી શકે છે, જ્યારે બીજી તકનીકો ઓછી ઉપયોગી હતી.
એક અન્ય સમીક્ષામાં જાણવા મળ્યું હતું કે સંગીત, યોગ અને નિર્દેશિત ધ્યાન જેવી અન્ય તકનીકો પીડા ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે, પણ તેનાથી સિઝેરિયનના પ્રમાણમાં કે પછી પ્રસૂતાને આખરે પીડાશામક દવાની જરૂર પડે છે કે કેમ તેમાં કોઈ ફરક પડતો નથી.
પ્રસૂતિની પીડા ઘટે તે માટે ડૉક્ટરની મદદ લેવી કે નહીં?
તબીબી દૃષ્ટિકોણથી વાત કરીએ તો સામાન્ય રીતે એવું સ્વીકારવામાં આવે છે કે પ્રત્યેક તબીબી દરમિયાનગીરીના પોતાના જોખમ અને કિંમત હોય છે. તેથી બિનજરૂરી હસ્તક્ષેપ કરવો ન જોઈએ અથવા પીડા નિવારણ માટેની દરમિયાનગીરી સંપૂર્ણ સહમતી વિના કરવો જોઈએ નહીં. દાખલા તરીકે, ઍપિડ્યૂરલ (પ્રસૂતિ વખતે પીઠમાં આપવામાં આવતું ઇન્જેક્શન)ને પ્રસવના બીજા લાંબા તબક્કા સાથે સંબંધ હોઈ શકે છે. તેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ બર્થની જરૂરિયાતની સંભાવના વધુ હોઈ શકે છે.
કેટલાક કિસ્સામાં તેને તાવ કે મજ્જાતંત્રમાં ક્ષતિ સાથે સંબંધ હોઈ શકે છે, પરંતુ પૉઝિટિવ બર્થ અભિગમને અનુસરતી મહિલાઓ જણાવે છે કે તેમાંનો કશુંક અણધાર્યું થવાના ભયને લીધે પ્રસૂતાને એવું લાગે છે કે કોઈ પણ પ્રકારની દરમિયાનગીરી ખરાબ બાબત છે.
લાઈફસ્ટાઇલ બ્લૉગર અને મધરહૂડ એડિટના સંસ્થાપક બૅથ સૅન્ડલૅન્ડ કહે છે, “તેનો સંદેશ સ્પષ્ટ છેઃ તમારું સર્જન એ કામ માટે થયું છે. તે કુદરતી છે. મહિલાઓ પ્રાચીન કાળથી આવું કરતી રહી છે. પોતે શું કરી રહ્યું છે એ તમારું શરીર જાણતું હોય છે. તમારું બાળક જાણતું હોય છે કે તે શું કરી રહ્યું છે. હું તેને ભય ફેલાવવાની પ્રવૃત્તિ નહીં કહું. હૉસ્પિટલ્સ કાયમ દર્દીના હિતમાં જ કામ કરતી નથી, એવી શંકા તે જરૂર દર્શાવે છે. ડૉક્ટરો શારીરિક જન્મ માટે યથાર્થવાદી દૃષ્ટિકોણ ધરાવતા હોય તે જરૂરી નથી.”
પોતે આવું કેટલાક કોર્સમાં અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જોયું હોવાનું 26 વર્ષનાં બૅથ સૅન્ડલૅન્ડ જણાવે છે.
તેમ છતાં તબીબી દરમિયાનગીરી પૉઝિટિવ અનુભવનો સર્વોત્તમ મધ્યસ્થ હોય એ જરૂરી નથી. વાસ્તવમાં સંશોધનમાં જાણવા મળ્યું છે કે પોતાની પ્રસૂતિ પૉઝિટિવ હતી કે નહીં તે કોઈ મહિલા માટે જાણવાનું મહત્ત્વનું પાસું, તેના પ્રસવમાં કેટલો સમય લાગ્યો હતો તે હોય છે. જેમને પ્રસવમાં ઓછો સમય થયો હતો, તેઓ વધારે સંતુષ્ટ હતાં. પ્રસવના લાંબા ગાળાની અસરને ધ્યાનમાં લેતાં સંશોધકોએ એવું તારણ કાઢ્યું હતું કે “તેમાંથી બચવા માટેનો તબીબી દરમિયાનગીરી આખરે લાભદાયક પૂરવાર થતી હોય છે.”
ઘણી મહિલાઓ માટે તબીબી દરમિયાનગીરી જીવનરક્ષક સાબિત થતી હોય છે. ઍમ્મા કાર કહે છે, “તેને એવી રીતે રજૂ કરવામાં આવે છે, જાણે કે તેઓ તમને જે કહે છે તે કરવાની જરૂર નથી. તેઓ કહે છે, આ જોખમી નથી, સ્વાભાવિક છે. એ સાચું હોઈ શકે, પરંતુ કાયમ નહીં. મને લાગે છે કે મારા માટે જોખમ હતું. મેં તબીબી મદદ ન લીધી હોત તો અમારા બે પૈકીના એકનો જીવ ગયો હોત. મેં બાળકને આસાનીથી જન્મ આપ્યો હોત, એવું હું માનતી નથી.”
‘પરીક્ષા આપવાની હોય એ રીતે અભ્યાસ કર્યો હતો’
પૉઝિટિવ બર્થ અભિયાનમાં સશક્તિકરણનો હિસ્સો મોટો છે. વાસ્તવમાં પરિસ્થિતિ પરનો અંકુશ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સંકળાયેલા હોવું એ પૉઝિટિવ બર્થના અનુભવનો મોટો હિસ્સો હોય છે. પ્રસૂતિ દરમિયાન કોઈ સમસ્યા સર્જાય તો પણ કેટલીક મહિલાઓ એવી ચોક્કસ તકનીકોનો ઉપયોગ કરે છે, જે તેમને પરિસ્થિતિ પર અંકુશ મેળવવામાં મદદરૂપ થાય છે.
ગ્લાસગોનાં 34 વર્ષનાં ઍના મુરેએ તેમની પ્રસૂતિ માટે તમામ તૈયારીઓ કરી હતી. ઍના કહે છે, “મેં પરીક્ષા આપવાની હોય એ રીતે તેનો અભ્યાસ કર્યો હતો.”
તેમણે એક દાયણ સાથે ખાનગી કોર્સ કર્યો હતો. પુસ્તકો વાંચ્યા હતાં, યોગ હિપ્નોબર્થિંગ કોર્સ કર્યો હતો. તેમણે ગૂગલ ડ્રાઇવમાં તમામ ઓડિયો ટ્રૅક્સ અને યોગ વીડિયોનું એક ખાસ ફોલ્ડર પણ બનાવ્યું હતું.
આખરે તેમણે સિઝેરિયન કરાવવું પડ્યું હતું. ગર્ભમાં તેમના પુત્રનું શરીર બહુ વિકસી ગયું હતું અને પુષ્કળ વ્યાયામ કરવા છતાં તેની સ્થિતિ બદલાવી શકાય તેમ ન હતી. પરંતુ શ્વાસ લેવાની તકનીકને કારણે તેઓ ઓપરેશન ટૅબલ પર શાંત રહી શક્યાં હતાં. ઍના કહે છે, “તે તકનીક શાંતિપૂર્ણ, નિયંત્રિત પ્રસૂતિમાં મદદરૂપ થઈ શકે છે, પરંતુ આખરે તો વાસ્તવમાં શું થવાનું છે, તેના પર વધારે નિયંત્રણ મેળવી શકાતું નથી.”
આજે કેટલી મહિલાઓ પૉઝિટિવ બર્થના આદર્શનો અનુભવ કરી શકે છે, તેની સૂક્ષ્મ પ્રકૃતિને ઍના મરેની પ્રસૂતિ દર્શાવે છે. કેટલાક માટે તે સપના જેવું હોય છે, અને તેઓ એ સપનું સાકાર કરવામાં મદદરૂપ તકનીક પ્રદાન કરે છે. બીજાને ઘોર નિરાશા સાંપડે છે. ઍના મરે જેવી સ્ત્રીઓ માટે આ તકનીક મુશ્કેલ પરિસ્થિતિનો મહત્તમ લાભ લેવા માટે ઉપયોગી સાધન જેવી પૂરવાર થઈ શકે છે.
આખરે, ઘણી મહિલાઓ માટે પૉઝિટિવ બર્થનું સૌથી મહત્ત્વનું પાસું સ્વાયત્તતા પર નિર્ભર હોય છે. તેનો અર્થ પ્રસૂતિ લેબર વોર્ડમાં થાય કે ઘરમાં થાય, ત્યારે માત્ર સશક્ત હોવાની અનુભૂતિ નથી. તેનો અર્થ બાળકને જન્મ આપતી વખતે કોઈ ચોક્કસ દબાણ અનુભવવું નહીં, એવો પણ છે.
સંસ્કૃતિના સંદર્ભમાં તેનો અર્થ એ છે કે દરેક મહિલાનું શરીર, મેડિકલ પરિસ્થિતિ તથા પ્રસૂતિની પ્રક્રિયા અલગ-અલગ હોય છે. તે જાણવું અને કોઈ ખાસ પ્રકારના અનુભવને બધા માટે આદર્શ ન ગણાવવો એ પણ છે.