You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં જેના કેસ નોંધાયા એ ઓમિક્રૉનનો સબવૅરિયન્ટ BF.7 શું છે?
ચીનમાં ઓમિક્રૉનના જે સબવૅરિયન્ટના કારણે એકાએક કોરોના કેસમાં ઉછાળો નોંધાયો છે. એ BF.7 સબવૅરિયન્ટનો વડોદરામાં એક પૉઝિટિવ કેસ નોંધાયો છે.
ચીનના સરકારી મીડિયા 'ગ્લોબલ ટાઇમ્સ' અનુસાર, ઓમિક્રૉન સબવૅરિયન્ટ BF.7 ચીનમાં એકાએક વધી રહેલા કોરોના સંક્રમણ માટે જવાબદાર છે.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારપરિષદ સંબોધીને આ અંગે માહિતી આપી હતી.
વડોદરામાં નોંધાયેલો કેસ 61 વર્ષીય મહિલાનો છે. આ મહિલા 11 સપ્ટેમ્બર 2022ના રોજ અમેરિકાથી આવી હતી. એક અઠવાડિયા બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ મહિલાએ કોરોના વૅક્સિનના ત્રણેય ડોઝ લીધા હતા અને હોમ આઇસોલેશનમાં રહીને સારવાર લીધી હતી.
મહિલા હાલમાં ઘરે જ હોવાનું અને તેમની તબિયત સામાન્ય હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.
આ અહેવાલમાં આપણે જાણીશું કે ઓમિક્રૉનનો આ વૅરિયન્ટ શું છે અને તેણે ચીનમાં કેવો હાહાકાર મચાવ્યો છે.
શું છે BF.7 સબવૅરિયન્ટ?
ત્રણ વર્ષ પહેલાં SARS-CoV-2 નામથી ઉદ્ભવેલો વાઇરસ સતત વિકસી રહ્યો છે. તેનાં સંખ્યાબંધ નવા વૅરિયન્ટ અને સબવૅરિયન્ટ આવ્યા છે. ઓમિક્રોન નામથી પ્રચલિત BA.5નો આ સબવૅરિયન્ટ છે. આ વિશે યુનિવર્સિટી ઑફ વેસ્ટમિન્સટરમાં મેડિકલ માઈક્રોબાયોલોજીના વરિષ્ઠ લૅક્ચરર મનલ મોહમ્મદે 'ધ કૉન્વર્ઝેશન'માં વિસ્તારે વાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પણ કોઈ વાયરસ સ્વરૂપ બદલે છે, ત્યારે તે નવી શ્રેણી (લીનીએજ) અથવા પેટા-શ્રેણી શરૂ કરી દે છે. BF.7 એ પહેલા આવી ચૂકેલો BA.5.2.1.7 સિવાય બીજું કંઈ નથી. તે ઑમિક્રોનના સબવેરિયન્ટ BA.5માંથી સ્વરૂપ બદલીને (તૂટીને) બને છે. આ મહિને, સાયન્ટિફિક જર્નલ 'સેલ હોસ્ટ ઍન્ડ માઇક્રોબ'માં પ્રકાશિત થયેલા એક લેખમાં, તેને તેના વાસ્તવિક પ્રકાર કરતાં ચાર ગણી વધુ રોગપ્રતિકારક શક્તિ સાથેના વાયરસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે પ્રયોગશાળામાં ચેપગ્રસ્ત અથવા રસી આપવામાં આવેલ લોકોમાં BF.7નો નાશ કરવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે. જર્નલમાં કહેવામાં આવ્યું હતું કે આ ક્ષમતા વુહાન વાયરસ કરતા પણ ઓછી છે. એવું માનવામાં આવે છે કે આ સબવેરિયન્ટને કારણે ચીનમાં આ સમયે સંકટ વધુ ઘેરું બની રહ્યું છે. આ વેરિયન્ટમાં સંક્રમણની ક્ષમતા ખૂબ જ મજબૂત હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલો અનુસાર, આ સબવેરિયન્ટ પહેલેથી ચેપગ્રસ્ત લોકો અથવા રસી લીધેલા લોકોને ચેપ લગાવી શકે છે.
ચીનમાં કેવી છે પરિસ્થિતિ?
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ચીને જેવી તેની 'સખત ઝીરો કોવિડ નીતિ' હળવી કરી, કોરોના કેસોનું જાણે ઘોડાપૂર આવી ગયું છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍૅન્ડ પ્રિવેન્શનના અધિકારી શુ વેન્બોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે વાઇરસનો નવો વૅરિયન્ટ ઝડપથી મ્યૂટેટ થશે, પરંતુ તેમણે તેના જોખમને ઓછું આંક્યું.
રૉયટર્સના સંવાદદાતાઓ અનુસાર, "રાજધાની બીજિંગમાં કોરોનાથી થયેલાં મૃત્યુ માટે તૈયાર કરેલા સ્મશાનઘાટની બહાર લોકો લાંબી કતારોમાં ઊભા છે. સુરક્ષા ગાર્ડ પ્રવેશદ્વાર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે."
રૉયટર્સનું કહેવું છે કે ચેપનું હૉટસ્પોટ બીજિંગ છે. જ્યાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે એ શાંઘાઈના રસ્તાઓ પર હાલના સમયે કોઈ નજરે ચડતું નથી. સ્વાભાવિક છે કે કોરોના વધતા દેશની આરોગ્ય-પ્રણાલી પર પણ દબાણ વધી રહ્યું છે અને આ સ્થિતિમાં ચીનની હૉસ્પિટલોમાં સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાઈ રહ્યો છે. નવાં ICU બનાવાઈ રહ્યાં છે, તાવ માટે ક્લિનિક્સ તૈયાર કરાઈ રહ્યાં છે, પથારીની સંખ્યા વધારાઈ રહી છે.
ગત અઠવાડિયે બીજિંગ, શાંઘાઈ, ચેંગ્ડુ અને વાનઝાઉ સહિતનાં મોટાં શહેરોએ જાહેરાત કરી હતી કે તેમણે સેંકડો તાવ ક્લિનિક્સ બનાવ્યાં છે અને કેટલાંક રમતગમત સંકુલોને ક્લિનિક્સમાં રૂપાંતરિત કરાયાં છે.
ચીનમાં ઘણી હૉસ્પિટલો દર્દીઓથી ભરેલી છે, દવાઓની દુકાનો ખાલી થઈ ગઈ છે, લોકો ગભરાઈને દવા ખરીદી રહ્યા છે અને તેનો સંગ્રહ કરી રહ્યા છે.
હાલના સમયમાં દુકાનોમાં લોકોને જરૂરી દવાઓ મળી રહી નથી, લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને ડિલિવરી સેવામાં જબરદસ્ત તેજી આવી છે.
ચીનમાં દર્શાવાતાં મૃત્યુના આંકડા ઘણા ઓછા માનવામાં આવે છે, કેમ કે ચીનનો મૃત્યુનો માપદંડ જરા જુદો છે.
ચીન એ જ મૃત્યુને કોરોનાથી થયેલું માને છે, જે ન્યૂમોનિયાના કેસ અથવા એવા કેસ જેમાં મોત માટે શ્વાસની બીમારી કારણભૂત હોય.