You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનમાં કોરોના : 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે, ભારતમાં ચિંતા
ચીનમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ભારત સરકાર હરકતમાં આવી છે અને તેના પગલે ગુજરાતની નવી ચૂંટાયેલી સરકાર પણ સંબંધિત પગલાં લેવાના આયોજનમાં લાગી છે.
ચીનમાં કોવિડ-19ની અત્યાર સુધીની સૌથી મોટી લહેર આવી છે. ચીનમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં આવનારા કેટલાક મહિનામાં કોવિડથી 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.
એનપીઆરનો રિપોર્ટ કહે છે કે ચીનમાં કોરોનાથી મરનારની સંખ્યા પાંચ લાખ થઈ શકે છે, પરંતુ ચીનમાં વર્તમાન સમયનો આંકડો આ સંખ્યાથી ઘણો ઓછો છે.
ચીન સહિત જાપાન, દક્ષિણ કોરિયામાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
સ્થિતિની ગંભીરતા જોતા ભારત સરકાર પણ હરકતમાં આવી છે. ગુજરાતમાં પણ કોરોનાને લઈને રાજ્ય સરકાર આયોજનમાં લાગી છે.
મીડિયા અહેવાલો અનુસાર, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં કોરોના મામલે બેઠક મળવાની છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા બહુ ઓછી છે.
ગુજરાતમાં આરોગ્ય વિભાગની યાદી અનુસાર, 20 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના માત્ર બે કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કુલ 20 કેસ સક્રિય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યાદી અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ 11,043 લોકોનાં મોત થયાં છે.
તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી છે.
ભારતમાં ચિંતા વધી
ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે.
સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું, "ભારત પોતાના પાંચ તબક્કાના કોવિડ ઉપાય ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-રસીકરણ અને કોવિડ-સંબંધિત યોગ્ય વ્યવહારના પાલનથી કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે સક્ષમ છે. ચીન, જાપાન, બ્રાઝિલ, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં કોરોના ઝડપથી વધતા આપણે બધા પૉઝિટિવ કેસની જીનોમ સિક્વેન્સિંગ કરીએ, જેથી વૅરિયન્ટને ટ્રૅક કરી શકાય. બધાં રાજ્યોને અપીલ છે કે દરરોજ સામે આવતા કોરોનાના કેસના સૅમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે લૅબમાં મોકલે."
તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ પણ કોરોનાની સ્થિતિ અને સમીક્ષા માટે એક બેઠક બોલાવી છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, મંગળવારે ભારતના કોરોનાના 112 નવા કેસ નોંધાયા છે અને દેશમાં કુલ સક્રિય કેસ આ સમયે 3400 છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને ભારત જોડો યાત્રાને "સ્થગિત કરવા" અપીલ કરી છે.
તેમણે પત્રમાં લખ્યું, "રાજસ્થાનમાં ચાલી રહેલા ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન થાય, માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરાય તેમજ માત્ર કોવિડની વૅક્સિન લીધેલા લોકો જ ભાગ લે એ સુનિશ્ચિત કરવામાં આવે."
પત્રમાં વધુમાં લખ્યું, "જો ઉપરોક્ત કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવું શક્ય ન હોય તો પબ્લિક હેલ્થ ઇમરજન્સીની સ્થિતિ જોતા અને દેશને કોવિડ મહામારીથી બચાવવા માટે ભારત જોડો યાત્રા સ્થગિત કરવાનો અનુરોધ છે."
ભીડવાળી જગ્યામાં માસ્ક પહેરવાની સલાહ
ચીનમાં કોરોના વાઇરસના સંક્રમણનો કાળો કેર વર્તાઈ રહ્યો છે, ત્યારે બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
કોવિડ અંગેની કેન્દ્રીય આરોગ્યપ્રધાનની બેઠક બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વી. કે. પૉલે જણાવ્યું હતું કે, “માત્ર 27-28 ટકા લોકોએ કોરોનાની રસીનો ત્રીજો ડોઝ લીધો છે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરીએ છીએ. સાવચેતીનો ડોઝ ફરજિયાત છે અને દરેકને માર્ગદર્શન આપવામાં આવે છે.”
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, “જો તમે ભીડભાડવાળી જગ્યા, ઘરની અંદર કે બહાર હોવ ત્યારે માસ્કનો ઉપયોગ કરો. કોમોર્બિડિટીઝ ધરાવતા લોકો અથવા વધુ ઉંમરના લોકો માટે આ બધું વધુ મહત્ત્વનું છે. હજુ સુધી હવાઈ મુસાફરીને લઈને કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.”
એઇમ્સના પૂર્વ નિદેશક રણદીપ ગુલેરિયાએ કોરોના મહામારીના નવા જોખમ મામલે કહ્યું કે ભારતમાં મહામારીનાં ત્રણ વર્ષમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ છે.
અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "જ્યારે મહામારીની શરૂઆત થઈ ત્યારે આપણી અંદર વાઇરસ સામે લડતી રોગપ્રતિકારક ક્ષમતા નહોતી, જેના કારણે ઘણા લોકોને ગંભીર ચેપ લાગ્યો હતો. પરંતુ હવે મહામારીનાં ત્રણ વર્ષ બાદ આપણે એવી સ્થિતિમાં છીએ જ્યાં પ્રાકૃતિક સંક્રમણ મોટી સંખ્યામાં છે અને ઘણા લોકો અનેક વાર સંક્રમિત થયા છે. તો રસી પણ ઘણી વસ્તી સુધી પહોંચી ગઈ છે."
"આપણી પ્રતિરક્ષા શક્તિ વાઇરસ સામે લડવા માટે ઘણી મજબૂત છે અને તેના કારણે વાઇરસ ગંભીર રીતે બીમારી ન કરી શકે. પહેલાં આપણે અલ્ફા, બીટા અને ડેલ્ટા વૅરિયન્ટ જોયા હતા, પરંતુ છેલ્લા એક વર્ષમાં આપણે સતત ઓમિક્રૉન વૅરિયન્ટના અલગઅલગ પ્રકાર જોયા છે. કોઈ એવો વૅરિયન્ટ નથી જે સંપૂર્ણ અલગ હોય."
તેમણે વધુમાં કહ્યું, જોકે આપણે સતર્ક અને સક્રિયતાની સાથે નિરીક્ષણ કરવાની જરૂર છે, કેમકે, આપણને ખબર નથી કે વાઇરસ કેવી પ્રતિક્રિયા આપશે. લાગે છે કે વાઇરસ સ્થિર અને સામાન્ય થઈ ગયો છે. પણ આપણે મૃત્યુઆંક વધવાનું અને લોકોના હૉસ્પિટલમાં ભરતી થવાનું કારણ જોવું પડશે."
કોવિડ સામેના પડકારોની અંગે વાત કરતા તેમણે કહ્યું, "ચીન અને ઇટાલીમાં જે સ્થિતિ બની હતી એને જોઈને લાગે છે કે ઓછી તૈયારી કરતાં વધુ તૈયારી કરવી જોઈએ. આ રીત કારગત છે, કેમ કે વૈજ્ઞાનિક, ક્લિનિક અને નીતિનિર્માતા આંતરિક રીતે જોડાયેલાં છે."
ગુલેરિયાએ કહ્યું, "આપણે પહેલાં જ લૉકડાઉન લાગુ કર્યું હતું, જોકે ઘણા લોકોને તેના પર આપત્તિ હતી કે લૉકડાઉન બહુ વહેલાં લગાવી દીધું. પરંતુ તેનાથી જાગરૂકતા ફેલાવવા અને તૈયારીના સમય માટે મદદ મળી. આ દરમિયાન આપણે દર્દીઓની સંભાળ માટે પ્રાથમિક ઢાંચો બદલવા અને તૈયારી માટે ઘણું કામ કર્યું. આ કાંટાળો રસ્તો હતો, પણ આપણે ઘણા પશ્ચિમી દેશો કરતાં વધુ સારું કામ કર્યું."
ચીનમાં શું થઈ રહ્યું છે?
ચીનના સાર્વજનિક આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે આવનારા કેટલાક મહિનામાં કોરોનાથી 80 કરોડ લોકો સંક્રમિત થશે અને મૃત્યુઆંક પાંચ લાખ થઈ શકે છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર, ચીનના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍૅન્ડ પ્રિવેન્શનના અધિકારી શુ વેન્બોએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે વાઇરસનો નવો વૅરિયન્ટ ઝડપથી મ્યૂટેટ થશે, પરંતુ તેમણે તેના જોખમને ઓછું આંક્યું.
અમેરિકન મીડિયા સંસ્થા એનપીઆરમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, યેલ યુનિવર્સિટીના જાહેર આરોગ્ય પર સંશોધન કરનાર અને ચીનની સ્વાસ્થ્ય-પ્રણાલીના નિષ્ણાત શી ચેને કહ્યું છે કે ચીનના આરોગ્ય અધિકારી ડૉ. શાઓફેંગ લિયાંગનું કહેવું છે કે કોરોનાની આ લહેરથી ચીનમાં લગભગ 60 ટકા વસ્તી પ્રભાવિત થઈ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "આનો અર્થ થયો કે પૃથ્વીની 10 ટકા વસ્તી આવનારા 90 દિવસમાં કોરોનાથી સંક્રમિત થઈ શકે છે."
આ મહિનાની શરૂઆતમાં ચીને તેની સખત ઝીરો કોવિડ નીતિ હળવી કરી અને ત્યારથી ત્યાં કોરોનાના કેસોનું જાણે કે પૂર આવ્યું છે.
ચીનના અધિકારીઓ અનુસાર, મંગળવારે સંક્રમણથી માત્ર પાંચ અને સોમવારે બે લોકોનાં મોત થયાં છે. હકીકતમાં ચીન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માપદંડોથી વિપરીત મોતના આંકડાને માપી રહ્યું છે.
ચીનમાં દર્શાવાતાં મૃત્યુના આંકડા ઘણા ઓછા માનવામાં આવે છે, કેમ કે ચીનનો મૃત્યુનો માપદંડ જરા જુદો છે.
ચીન એ મૃત્યુને જ કોવિડથી થયેલું માને છે, જે મૃત્યુ શ્વાસની બીમારીથી થઈ રહ્યું હોય.
ચીન એ જ મૃત્યુને કોરોનાથી થયેલું માને છે, જે ન્યૂમોનિયાના કેસ અથવા એવા કેસ જેમાં મોત માટે શ્વાસની બીમારી કારણભૂત હોય.
ચીનની આ પદ્ધતિ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોરોનાના માપદંડથી અલગ છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું પણ કહેવું છે કે દેશો પોતપોતાની રીતે માપદંડો નક્કી કરીને કોવિડથી થયેલાં મૃત્યુની નોંધણી કરે છે, આવી સ્થિતિમાં દેશ વચ્ચે સરખામણી કરવી મુશ્કેલ બની જાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવા મૃત્યુને પણ સામેલ કરે છે, જે સીધી રીતે ભલે કોરોનાથી સંક્રમિત થવાને કારણે ન થયું હોય, પણ તેના પર કોરોના સંક્રમણની પરોક્ષ અસર પણ પડી હોય.
ચીનમાં તે અંગે કડક નિયમો છે, ચીન તેને કોરોનાને કારણે થયેલું મૃત્યુ માને છે, જેમાં મૃતકોનાં ફેફસાં ચેપથી પ્રભાવિત થયાં હોય. આ પુષ્ટિ સ્કૅન દ્વારા કરવામાં આવી રહી છે.
દવાો ખલાસ, હૉસ્પિટલો ઊભરાઈ
સમાચાર એજન્સી રૉયટર્સ લખે છે કે વર્ષ 2019થી જ્યારે વુહાનમાં કોરોના આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધીમાં ચીનના સત્તાવાર આંકડા અનુસાર, સંક્રમણને લીધે માત્ર 5242 લોકોનાં મોત થયાં છે.
ચીન જે આંકડા રજૂ કરી રહ્યું છે તેના પર પણ શંકા વ્યક્ત કરાઈ છે અને માનવામાં આવે છે કે વાસ્તવિક આંકડા આના કરતાં ઘણા વધારે છે.
સાત ડિસેમ્બરથી ચીનમાં કોરોનાના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો છે.
રૉયટર્સના સંવાદદાતાઓ અનુસાર, "રાજધાની બીજિંગમાં કોરોનાથી થયેલાં મૃત્યુ માટે તૈયાર કરેલા સ્મશાનઘાટની બહાર લોકો લાંબી કતારોમાં ઊભા છે. સુરક્ષા ગાર્ડ પ્રવેશદ્વાર પર પેટ્રોલિંગ કરી રહ્યા છે."
રૉયટર્સનું કહેવું છે કે ચેપનું હૉટસ્પોટ બીજિંગ છે. જ્યાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે એ શાંઘાઈના રસ્તાઓ પર હાલના સમયે કોઈ નજરે ચડતું નથી. સ્વાભાવિક છે કે કોરોના વધતા દેશની આરોગ્ય-પ્રણાલી પર પણ દબાણ વધી રહ્યું છે અને આ સ્થિતિમાં ચીનની હૉસ્પિટલોમાં સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરાઈ રહ્યો છે. નવાં ICU બનાવાઈ રહ્યાં છે, તાવ માટે ક્લિનિક્સ તૈયાર કરાઈ રહ્યાં છે, પથારીની સંખ્યા વધારાઈ રહી છે.
ગત અઠવાડિયે બીજિંગ, શાંઘાઈ, ચેંગ્ડુ અને વાનઝાઉ સહિતનાં મોટાં શહેરોએ જાહેરાત કરી હતી કે તેમણે સેંકડો તાવ ક્લિનિક્સ બનાવ્યાં છે અને કેટલાંક રમતગમત સંકુલોને ક્લિનિક્સમાં રૂપાંતરિત કરાયાં છે.
ચીનમાં ઘણી હૉસ્પિટલો દર્દીઓથી ભરેલી છે, દવાઓની દુકાનો ખાલી થઈ ગઈ છે, લોકો ગભરાઈને દવા ખરીદી રહ્યા છે અને તેનો સંગ્રહ કરી રહ્યા છે.
હાલના સમયમાં દુકાનોમાં લોકોને જરૂરી દવાઓ મળી રહી નથી, લોકો ઘરોમાં પૂરાઈ ગયા છે અને ડિલિવરી સેવામાં જબરદસ્ત તેજી આવી છે.