You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારને નડી શકે તેવા પાંચ પડકારો કયા છે?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલે મુખ્ય મંત્રી પદના શપથ લઈ લીધા છે. તેમના મંત્રીમંડળમાં કુલ 16 સભ્યો છે. કેટલાક જૂના જોગીઓને મંત્રીમંડળમાં સમાવાયા નથી, જ્યારે કેટલાક નવા ચહેરાઓ છે.
સરકાર સામે મોંઘવારી, આગામી 2024ની લોકસભાની ચૂંટણી, વધતું દેવું, સુશાસન સ્થાપિત કરવું અને સરકારનો પ્રભાવ વધારવો ઉપરાંત ‘લોકોની નારાજગી’ને દૂર કરવી જેવા મોટા પડકારો ઊભા છે.
આ સિવાય જાણકારો માને છે કે ખાસ કરીને ચૂંટણી પહેલાં જે લોકો પોતાની માગને લઈને પ્રદર્શનો કે દેખાવો કરતા હતા તેમને જે ખાતરી આપવામાં આવી હતી તેને પૂરી કરવી એ પણ મોટો પડકાર રહેશે.
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતીથી વિજય થયો એ સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાતની જનતાનો આભાર માનતા કહ્યું હતું કે, "તમે ભાજપની સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં જે વિશ્વાસ મૂક્યો છે તે ડગવા નહીં દઈએ. વિકાસની રાજનીતિ પર અમે કામ આગળ ધપાવીને ગુજરાતને સમૃદ્ધ બનાવવામાં હંમેશાં પ્રયત્નશીલ રહીશું."
બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને એવા પાંચ પડકારો વિશે જાણકારી મેળવી જેના પર ભૂપેન્દ્ર પટેલ સરકારે અને ભાજપે ધ્યાન આપવું પડશે.
સરકારી વહીવટમાં સુધારણા અને અસંતુષ્ટોને અંકુશમાં રાખવા
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે સૌથી પહેલો પડકાર સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે ગવર્નન્સ સુધારવાનો રહેશે.
ઘનશ્યામ શાહે બીબીસી સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, "મોરબી પુલ જેવી બીજી દુર્ઘટના ન બને તે પ્રકારે વહીવટ કરવાનો સૌથી મોટો પડકાર રહેશે. બીજો મોટો પડકાર એ છે કે ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી તરીકે પ્રભાવ પાડી શક્યા નથી. તેમણે હવે પ્રભાવશાળી બનવું પડશે. ત્રીજો મોટો પડકાર એ છે કે તેમણે પક્ષના અસંતુષ્ટો સાથે સંકલન સાધવું પડશે."
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કેટલાક નવા ચહેરા છે અને ઘણા જૂના જોગીઓને પડતા મૂકવામાં આવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે સવાલ એ થાય છે કે શું આ મંત્રીમંડળ વર્ષ 2024માં આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને બનાવવામાં આવ્યું છે?
ઘનશ્યામ શાહ આ અંગે કહે છે કે, "2024 સુધી અસંતુષ્ટો શાંત રહેશે, કારણ કે હાલની ચૂંટણીમાં જ્વલંત વિજય બાદ તેઓ સમજી ગયા છે કે ગુજરાતમાં ભાજપ એ મોદી અને શાહની પાર્ટી છે અને તેમની સામે વિદ્રોહ ટકી શકે તેમ નથી."
તો રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી ન્યૂઝની ગુજરાતની વાત કાર્યક્રમમાં કહ્યું કે, "ઘણા જિલ્લાઓને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ આપવામાં નથી આવ્યું, મહિલાઓને પૂરતું પ્રતિનિધિત્વ નથી. એટલે વિદ્રોહ તો નહીં થાય પણ અસંતોષ તો રહેશે જ."
ચૂંટણીમાં આપેલાં વચનો પૂર્ણ કરવાનો પડકાર
ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર માટે અન્ય મોટો પડકાર પાયાના સ્તરે કામ કરવાનો અને સંકલ્પ પત્રની જાહેરાતોને પૂર્ણ કરવાનો રહેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.
મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી વચનો પૂરાં કરવાં માટે ભંડોળ એકત્ર કરવું પડશે.
ભાજપે પોતાના ચૂંટણી વચનો પૂરાં કરવાં માટે વાર્ષિક કેટલાય હજાર કરોડ ખર્ચવા પડશે. જ્યારે ગુજરાત પહેલાંથી જ દેવાના બોજાથી દબાયેલું છે.
ગુજરાતના ભાજપના સહપ્રવક્તા કિશોર મકવાણા બીબીસી સંવાદદાતા હિંમત કાતરિયા સાથે વાત કરતા કહે છે, "એક તો પ્રજાની આશા આકાંક્ષાઓ પૂરી કરવાનો મોટો પડકાર છે, કારણ કે પ્રજાએ આટલી મોટી બહુમતી આપી છે. એ કારણે પ્રજાની આશાની સાથે સપનાં પણ વધારે હશે જે અમારે પૂરાં કરવાનાં છે."
તેઓ અન્ય પડકારો વિશે વાત કરતા કહે છે, "આમ તો ભાજપના કાર્યકર્તાઓ જમીન સાથે જોડાયેલા છે જ, પરંતુ બીજો પડકાર છે, કાર્યકર્તા વધુ વિનમ્ર બને તે."
કિશોર મકવાણા દાવો કરે છે કે "ગયા વખતે જે વચનો આપ્યાં હતાં તેમાંથી 75 ટકા જેટલાં પૂરાં થયાં હતાં, તેમાંથી બાકી રહેલાં વચનો જલદી પૂરાં કરવાનાં છે."
2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સંકલ્પપત્રની મહત્ત્વની વાતો
- ઍન્ટિ-રેડિક્લાઈઝેશન સેલ
- ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની ભલામણોનો અમલ
- ગુજરાતને $1 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું
- પશ્ચિમ ભારતના સૌથી મોટા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોરનું નિર્માણ
- ઍગ્રિ-માર્કેટિંગ ઇન્ફ્રા માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી
- 'ગુજરાત ઑલિમ્પિક મિશન'ના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાની રમતગમતની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું અને ગુજરાતમાં 2036ની ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવું.
- રાજ્યમાં 20 લાખ નવી રોજગારીનું સર્જન
- પાંચ વર્ષમાં મહિલાઓ માટે એક લાખ સરકારી નોકરીઓ
આ અંગે રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટ કહે છે કે, "વચનો તો ઇંદિરા ગાંધીના સમયથી આપવામાં આવે છે પણ હાલ સરકાર માટે મોંઘવારીને નાથવી અને રોજગારી આપવી એ સૌથી પહેલી પ્રાથમિકતા છે."
ગત વખતની 99 બેઠકોમાંથી આ વખતે બેઠકો વધીને 156 પર પહોંચી છે. ત્યારે ભાજપની સામે જેમને મંત્રીપદ નથી આપ્યું તેમનો ક્યાંક સમાવેશ કરવાનો પડકાર પણ હશે.
ઉપરાંત કૉંગ્રેસમાંથી આવનારા નેતાઓની રાજકીય મહત્ત્વાકાંક્ષા સફળ નહીં થાય તો શું તેઓ પણ ભાજપ માટે પડકાર બની શકે તેવી સંભાવના કેટલાક જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે ઘનશ્યામ શાહ કહે છે કે, "પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે હવે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે. નીતિન પટેલ નારાજ છે પણ હવે તેઓ નારાજગી દેખાડી શકે તેવી સ્થિતિમાં નથી."
વધતું દેવું ચિંતાજનક
ચૂંટણી વચનો પૂરાં કરવાં માટે ભાજપે દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચવા પડશે, પરંતુ કૉમ્પ્ટ્રોલર ઑફ ઑડિટર જનરલ (CAG)ના રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2016-17માં ગુજરાત સરકાર પર લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું દેવું હતું. 2022માં તે વધીને સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે.
આવી સ્થિતિમાં સરકાર સમક્ષ પ્રથમ પ્રાથમિકતા રાજ્યનું વધતું દેવું ઘટાડવાની પણ રહેશે.
જોકે ઘનશ્યામ શાહ કહે છે કે આ મામલે ભૂપેન્દ્ર પટેલની સરકારને વાંધો નહીં આવે, કારણ કે કેન્દ્રમાં પણ ભાજપની જ સરકાર છે તેથી તેઓ જોઈતું ફંડ ગમે ત્યારે મેળવી શકે છે.
તો રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટ કહે છે કે આપણી સામે શ્રીલંકા મોટું ઉદાહરણ છે. જો દેવું કાબૂમાં નહીં કરીએ તો આવી હાલત થઈ શકે છે એટલે નાણાકીય બાબતોમાં વ્યવસ્થાપન જરૂરી છે.
બોર્ડ-નિગમોમાં નિમણૂક
હવે જેઓ મંત્રીપદથી વંચિત રહી ગયા છે તેમને બોર્ડ કે નિગમોનાં વિવિધ પદો પર સ્થાન મળી શકે છે. ભૂપેન્દ્ર પટેલના શિરે એ પણ જવાબદારી રહેશે કે પક્ષના સંગઠન સાથે સંકલન સાધીને પાર્ટીલાઈન મુજબ તેમની નિમણૂકો કરવી. જોકે તેમાં નારાજગી વધવાની સંભાવના પણ રહેલી છે.
ઉપરાંત જેમને ચૂંટણી લડવા જ નથી મળી તેવા વરિષ્ઠ નેતાઓ સાથે કેવી રીતે સંકલન સાધવું એ પણ જોવાનું રહેશે.
આ અંગે રાજકીય વિશ્લેષક રીના બ્રહ્મભટ્ટ કહે છે કે, "પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શાહની જોડી ગુજરાતમાં સરપ્રાઇઝ આપવામાં માહેર છે. એટલે જો ભૂપેન્દ્ર સરકાર સામે અસંતોષ વધે તો લોકસભાની ચૂંટણી પહેલાં ફરી મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે અથવા અસંતોષની આગને ઠારવા માટે કેટલાકને બોર્ડ નિગમોમાં નિમણૂક આપી શકે છે. જોકે તેમાં કોને સમાવવા અને કોને નહીં તેનો આધાર મોદી અને શાહના નિર્ણય પર રહેલો છે."
કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે, કુલ લોકપ્રતિનિધિના (ધારાસભ્ય કે સંસદસભ્ય) મહત્તમ 15 ટકાને મંત્રી બનાવી શકાય.
એ હિસાબે ગુજરાતમાં કુલ 27નું મંત્રી મંડળ બની શકે, એટલે આગામી સમયમાં વધુ 10 ધારાસભ્યને મંત્રીપદ આપવાનો અવકાશ પાર્ટી પાસે રહે. અને ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોની સંખ્યા 16 થઈ છે એટલે હવે જો ભવિષ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કોનો સમાવેશ થાય તેના પર બધાની નજર રહેલી છે.
આપ અને કૉંગ્રેસને મજબૂત ન થવા દેવી
હાલની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો આવી છે જ્યારે આપ પાસે પાંચ બેઠકો છે. ત્યારે આપ હવે ગુજરાતમાં તેનાં મૂળને ઊંડાં કરીને ભાજપને નુકસાન ન કરે તે જોવાની જવાબદારી પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર અને ભાજપના સંગઠનના માથે છે.
સૌથી પહેલી કસોટી તેમની ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં થશે.
ઘનશ્યામ શાહના મત પ્રમાણે હાલની ચૂંટણીમાં બંને પાર્ટીના જે હાલ થયા છે તે જોતા તેમનું મોરલ ડાઉન થયું છે. આ આઘાતમાંથી બેઠા થતા બંને પાર્ટીને થોડી વાર લાગશે એટલે હાલ 2024ની લોકસભા ચૂંટણી સુધી બંને તેમને માટે મોટો પડકાર બને તેવું લાગતું નથી.