You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાઘવજી પટેલ : ભાજપ સરકારના એ કૃષિમંત્રી જેમણે ભાજપ સરકારનો જ એક રેકૉર્ડ તોડી નાખ્યો
રાઘવજી પટેલ ગુજરાતના રાજકારણના સૌથી અનુભવી ગણાય તેવા નેતાઓમાંથી એક છે. ભાજપ સરકારમાં કૃષિમંત્રી તરીકે રાઘવજી પટેલે એક એવો રેકૉર્ડ તોડ્યો છે, જે કોઈ રેકૉર્ડ બુકમાં તો નહીં પણ વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો અને રાજકીય માન્યતાઓમાં ચર્ચાતો રહ્યો છે.
પોતાના ખેતી આધારિત મતદારો ધરાવતા મતવિસ્તારને પૂરતું મહત્ત્વ આપીને પોતાનો પ્રભાવ જાળવી રાખનારા રાઘવજી પટેલે સૌરાષ્ટ્રની રાજનીતિમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે, જેને ભાજપ પણ અવગણી નથી શક્યો.
કઈ માન્યતા તોડી?
કેટલીક માન્યતાઓના પુરાવા નથી હોતા, જ્યારે ડેટાના સમયમાં કેટલીક માન્યતાઓ ડેટાના આધારે બંધાતી જોવા મળે છે.
ગુજરાતમાં ભાજપનાં 27 વર્ષના શાસનમાં એક માન્યતા એવી હતી કે જે ધારાસભ્યને ભાજપના મંત્રીમંડળમાં કૃષિમંત્રી બનાવવામાં આવે, તે પોતાની બેઠક આગામી વિધાનસભા ચૂંટણીમાં જાળવી નથી શકતા અને હારી જાય છે.
ભાજપના શાસનમાં કૃષિમંત્રીઓનો ભૂતકાળ તપાસીએ તો આ માન્યતા કહો કે યોગાનુયોગ તેને અનુમોદન સાંપડે છે.
આ માન્યતા બનવા પાછળ ભાજપના શાસનની સરકારોમાં કૃષિમંત્રી રહેનારા નેતાઓની ચૂંટણીનાં પરિણામો છે.
- કેશુભાઈ પટેલને દૂર કર્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી તરીકેની કૅબિનેટમાં કૃષિ મંત્રી રહેલા પરષોત્તમ રૂપાલા વર્ષ 2002 વિધાનસભાની ચૂંટણીઓમાં અમરેલી બેઠક પરથી કૉંગ્રેસના પરેશ ધાનાણી સામે હારી ગયા હતા.
- વર્ષ 2002થી 2007 દરમિયાન ભાજપની સરકારમાં કૃષિમંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમની ધોળકા વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર કાનજી તળપદા સામે હારી ગયા હતા.
- વર્ષ 2007થી 2012ની સરકારમાં કૃષિમંત્રી રહેલા દિલીપ સાંઘાણી વર્ષ 2012ની ચૂંટણીમાં પરેશ ધાનાણી સામે હારી ગયા હતા.
- એટલું જ નહીં વર્ષ 2012માં ચૂંટાયા બાદ કૃષિમંત્રી બનેલા ચીમન સાપરિયા 2017ની ચૂંટણીઓમાં તેમની જામજોધપુર બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરિયા સામે હારી ગયા હતા.
- નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ 2017માં ચૂંટાયા બાદ વિજય રૂપાણીની કૅબિનેટમાં કૃષિમંત્રી બનેલા આર સી ફળદુએ વિજય રૂપાણીની સાથે જ કૃષિમંત્રી તરીકે રાજીનામુ આપી દેવું પડ્યું હતું અને તેમના સ્થાને રાઘવજી પટેલે કૃષિમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારમાં હોદ્દો સંભાળ્યો હતો.
- આર સી ફળદુએ પણ ભાજપના અન્ય સિનિયર નેતાઓ વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજાની જેમ વર્ષ 2022ની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
પરંતુ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારમાં કૃષિમંત્રી રહેલા રાઘવજી પટેલે, જામનગર ગ્રામ્ય બેઠક પરથી ચૂંટણી જીતીને ભાજપની સરકારના કૃષિમંત્રીઓ તેમની આગામી ચૂંટણીઓ હારી જાય છે, તે માન્યતાને ખોટી સાબિત કરી દીધી છે.
કોણ છે રાઘવજી પટેલ?
કૉંગ્રેસ પક્ષમાંથી વર્ષ 1975માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા રાઘવજી પટેલ ગુજરાતના રાજકારણના સૌથી અનુભવી ગણાય નેતાઓમાંથી એક ગણાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના રાજકારણમાં પવન કઈ દિશામાં ફૂંકાય છે તેની સૂઝ ધરાવતા રાઘવજી પટેલને કોઈ એક જ પક્ષ સાથે સંબંધ હોય તેવું નથી.
કૉંગ્રેસ, ભાજપ અને કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભાજપની સરકાર સામે જ્યારે રાજકીય બળવો થયો ત્યારે તેઓ શંકરસિંહ વાઘેલાના જુથમાં જોડાઈ જનારા ધારાસભ્યોમાંથી એક હતા.
વાઘેલા સાથેની આ વફાદારીનો બદલો તેમને ગુજરાતમાં ટૂંકા સમય માટે રચાયેલી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા)ની સરકારમાં કેબિનેટ મંત્રીપદના રૂપમાં મળ્યો હતો.
શંકરસિંહ વાઘેલા અને તેમના પક્ષ રાજપાનો કૉંગ્રેસમાં વિલય થયા બાદ રાઘવજી પટેલ પણ ફરી એકવાર તેમણે જે પક્ષથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી તે કૉંગ્રેસમાં જોડાયા હતા.
રાઘવજી પટેલનો તેમના મત વિસ્તારમાં પ્રભાવને એ રીતે સમજી શકાય કે, જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપનો સૂરજ મધ્યાહ્ને હતો, ત્યારે રાઘવજી પટેલ 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ સામે કૉંગ્રેસ પક્ષમાંથી લડીને જીત્યા હતા. વર્ષ 2012માં તો તેમણે ભાજપના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ આર સી ફળદુને હરાવ્યા હતા.
જોકે, 2017ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા રાઘવજી પટેલને એ સમયે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધોરાવિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વર્ષ 2019માં ધોરાવિયા ભાજપમાં જોડાઈ જતા યોજાયેલી પેટાચૂંટણીમાં રાઘવજી પટેલ ફરી એકવાર ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપ દ્વારા વિજય રૂપાણીના નેતૃત્ત્વ હેઠળની ગુજરાત સરકારમાં મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળને બદલવાની કવાયત હાથ ધરવામાં આવી, ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલના મુખ્ય મંત્રી પદે રચાયેલા મંત્રીમંડળમાં રાઘવજી પટેલને કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા.