અમરેલી : બે દિવસમાં રજા અપાઈ અને 'દેખાતું બંધ' થઈ ગયું, મોતિયાના ઑપરેશનથી 'દૃષ્ટિ ગુમાવ્યા'નો સમગ્ર મામલો શો છે?

22 નવેમ્બરે અમરેલી જિલ્લામાં શાંતાબા હૉસ્પિટલમાં મોતિયાનું ઑપરેશન કરાવનાર લગભગ 12 દર્દીઓએ ‘દૃષ્ટિ ગુમાવી’ હોવાનો મામલો સામે આવ્યો હતો.

પીડિતોમાં વૃદ્ધો પણ સામેલ હોવાની ચર્ચા છે.

આ સમગ્ર બનાવ અંગે ફરિયાદ ઊઠતાં રાજ્ય સરકાર દ્વારા તપાસ અર્થે ‘તજજ્ઞોની સમિતિ’ બનાવાઈ હતી, જેમણે કથિતપણે શાંતાબા મેડિકલ કૉલેજ અને જનરલ હૉસ્પિટલ ખાતે બનેલ આ બનાવની તપાસ ચાલુ હોઈ પીડિતોની સંખ્યા અને લીધેલાં પગલાં અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

સામે પક્ષે દર્દીઓ અને તેમનાં સગાંએ મોતિયાના ઑપરેશન બાદથી ‘દૃષ્ટિ ગુમાવી’ હોવાની ફરિયાદ ઉચ્ચારી હતી.

સ્થાનિક પત્રકારો અને અહેવાલો અનુસાર આ સમગ્ર મામલામાં 25 દર્દીઓએ ‘દૃષ્ટિ ગુમાવી છે’, જ્યારે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઑપરેશન બાદ 12 લોકોને ‘અસર થઈ’ હોવાનું જણાવ્યું હતું.

હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર. એમ. જીતિયાએ તેમની પાસે આવેલી માહિતી અનુસાર માત્ર આઠથી દસ દર્દીઓ હોવાનું જણાવ્યું હતું અને દાવો કર્યો હતો કે અસરગ્રસ્ત દર્દીઓ સાથે ‘કાળજી ન લેવાના’ કારણે આ ઘટના બની છે.

આ સમગ્ર ઘટનાની વિગતો જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

દર્દીઓ અને સગાંનું શું કહેવું છે?

અસરગ્રસ્ત દર્દીઓ પૈકી એક 87 વર્ષીય રોશનબહેનનાં વહુ ફરિદાબહેન કહે છે કે 22 નવેમ્બરે તેમનાં સાસુનું ઑપરેશન થયા બાદ બે દિવસમાં રજા અપાઈ પરંતુ તેમને 'દેખાવાનું બંધ’ થઈ ગયું હતું.

તેમણે આ બાબતની ફરિયાદ કરતાં કહ્યું હતું કે, “અમને ઑપરેશનના બે દિવસ પછી રજા મળી, તે બાદ ચાર-પાંચ દિવસ બાદ પાછાં બોલાવીને અમને અમદાવાદ મોકલી આપ્યાં.”

ફરિદાબહેન આગળ જણાવે છે કે, “અમારી પાસે પૈસા–કપડાં પણ નથી, 17 દિવસથી અમે અમદાવાદ હેરાન થયાં હવે તપાસ ટીમ આવી છે ત્યારે અમને ફરીથી અમરેલી બોલાવ્યાં છે, આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન મારાં સાસુની દૃષ્ટિ તો પરત નથી જ આવી શકી.”

તેમજ અન્ય એક અસરગ્રસ્ત દર્દી લાભુબહેને પણ ઑપરેશન બાદ પોતાની ‘દૃષ્ટિ ગુમાવી’ હોવાની ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતુ કે, “આ હૉસ્પિટલમાં મારું ઑપરેશન થયું, સવારે પાટો છોડતાં મને દેખાવાનું બંધ થઈ ગયું, મેં ફરિયાદ કરી કે મને દેખાવાનું બંધ થઈ ગયું છે, તો પછી અમને રજા આપી ઘરે મોકલી દેવાયા, ત્યાં ટીપાં નાખ્યા પરંતુ સાજું ન થતાં અમને ફરીથી રાજકોટ જવા કહેવાયું.”

વૃદ્ધા લાભુબહેન પોતાની ફરિયાદ કરતાં આગળ જણાવે છે કે, “રાજકોટ પણ ઑપરેશન કરાવ્યું પરંતુ હજુ અમને દેખાતું નથી.”

તેમનું કહેવું છે કે હવે વારંવાર ઑપરેશનના ઘટનાક્રમની તેમના માનસ પર એવી અસર થઈ છે કે તેઓ હવે ‘દૃષ્ટિ ગુમાવી દીધી હોવા’ છતાં ‘ઑપરેશન કરાવવાં’ નથી માગતાં.

રાજ્ય સરકારે રચી તપાસ ટીમ

સ્થાનિક અહેવાલો અનુસાર ગુજરાત સરકારના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ ઘટના અંગે તપાસ કરવા માટે સાત સભ્યોની તપાસ ટીમ રચી હતી.

સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, “અમરેલીમાં મોતિયાના ઑપરેશન બાદ 12 લોકોને આડઅસર થતાં દર્દીઓને અમદાવાદ દાખલ કરાયા છે. કેટલાકની તબિયત સુધારા પર છે.”

તપાસ સમિતિના સભ્ય રાજકોટના નાયબ વિભાગીય નિયામક ડૉ. ચેતન મહેતા પત્રકારો સાથેની વાતચીતમાં ઘટના અંગે જાણકારી આપવાનું ટાળતાં જોવા મળ્યા હતા.

અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા બાબતે સવાલ થતાં અને સમિતિના આગળના આયોજન અંગે પૂછાતાં તેઓ વારંવાર ‘તપાસ ચાલુ છે, તમામ વિગતો મળ્યે આગળ કંઈ કહી શકીશું’, એવું કહેતા જોવા મળ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આર. એમ જીતિયાએ હૉસ્પિટલ અને ઑપરેશન કરનાર ડૉક્ટરોનો ‘બચાવ કરવાનો’ પ્રયત્ન કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “અમારા હૉસ્પિટલના આંખની સારવાર માટેના વિભાગમાં મોતિયાની સારવાર મેળવ્યા બાદ આઠ-દસ લોકોને આંખમાં સોજાની સમસ્યા થઈ હતી. આ સમસ્યાનું કારણ એ હતું કે દર્દીઓને જ્યારે ફૉલોઅપ માટે બોલાવ્યા તેમાંથી કેટલાક સમયસર ન આવ્યા અને આ સમસ્યા થઈ. જે સમયસર આવ્યા તેમને સાજું થઈ ગયું છે.”

ડૉ. જીતિયાએ હૉસ્પિટલના બચાવમાં આગળ જણાવ્યું હતું કે, “25-30 લોકોએ મોતિયાના ઑપરેશન બાદ દૃષ્ટિ ગુમાવી હોવાની વાત પાયાવિહોણી છે, અમારે ત્યાં આટલાં ઑપરેશન નથી થયાં. જેમને ઑપરેશન બાદ તકલીફ થઈ હતી તેમણે ઑપરેશન બાદ કાળજી ન લીધી હોવાના કારણે આવું થયું હોઈ શકે, અમારી પાસે તકલીફ થયા બાદ આવેલા દર્દીઓ પૈકી એકને અમે ભાવનગર અને બેને રાજકોટ રેફર કર્યા હતા. જેમાંથી એકની દૃષ્ટિ પાછી આવી ગઈ છે.”

ઑપરેશન બાદ શું કાળજી રાખવી જોઈએ?

ડૉ. સોમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, "મોતિયાનું ઑપરેશન કરાવ્યા બાદ એકથી દોઢ મહિના સુધી ટીપાં નાખીને કાળજી રાખવાની હોય છે. આ સાથે જે ચશ્માં આપવામાં આવે છે, તેને ઘરની બહાર જતી વખતે આંખમાં ધૂળ ન જાય તે માટે ખાસ પહેરી રાખવાનાં હોય છે."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "મોતિયાના ઑપરેશન બાદ દવા નિયમિત નાખવી જોઈએ. આંખોને વારંવાર અડવું ન જોઈએ. તેમજ કપડું પણ આંખ પર અડાવવું ન જોઈએ, નહીં તો ઇન્ફૅક્શન થવાની શક્યતાઓ વધી જાય છે."

"આંખમાં ટીપાં નાખવાની જે નોઝલ હોય તેને હાથ લગાવવા ન જોઈએ અને હંમેશાં હાથ ધોઈને જ ટીપાં નાખવા જોઈએ."

"ડાયાબિટીસના દર્દીઓઓનું સુગર લેવલ કંટ્રોલમાં રહેવું જોઈએ. જે દર્દીઓ ઊભા ન થઈ શકતા હોય, જેમને આર્થરાઇટિસ હોય તેમણે બાથરૂમ ગયા પછી હંમેશાં હાથ સેનિટાઈઝ કરવા જોઈએ."