ઑસ્ટ્રેલિયા વિ. ભારત: ચાર બૉલ 16 રન, અંતિમ ઓવરના છેલ્લા બૉલે શું થયું કે જીતતાં-જીતતાં ભારત હારી ગયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની ત્રીજી ટી-ટ્વેન્ટી મૅચ પાંચ વિકેટથી જીતી લેતા સિરીઝ જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા સામે ઋતુરાજ ગાયકવાડની દમદાર શતકીય ઇનિંગના દમે 20 ઓવરમાં 222 ફટકાર્યા હતા. આટલો મોટો સ્કોર કરીને ખેલાડીઓના ચહેરા પર સ્વાભાવિકપણે જ જીતનો આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો.

પરંતુ મૅક્સવેલના ઝંઝાવાતમાં ભારતનું ઇનિંગ પર કબજો કરવાના સ્વપ્ન ઊડી ગયું. આ ઇનિંગના દમે ઑસ્ટ્રેલિયા એ છેલ્લા બૉલ સુધી રમીને આ રોમાંચક મૅચમાં જીત મેળવી હતી.

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રિત કરેલું. ત્યારે ઋતુરાજ ગાયકવાડની ઇનિંગે એક ક્ષણે આ નિર્ણય ‘ભૂલભરેલો’ હોવાનો આભાસ કરાવ્યો હતો.

પરંતુ મૅક્સવેલ ફરી એક વાર ભારતની ધરતી પર ‘યાદગાર પર્ફૉર્મન્સ’ આપવામાં સફળ

ગુવાહાટી ખાતે આયોજિત મૅચમાં ભારત તરફથી બેટિંગમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે 57 બૉલમાં અણનમ 123 રનની ઇનિંગ રમી હતી. જેમાં સાત છગ્ગા અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

પરંતુ ઑસ્ટ્રેલિયાના ગ્લૅન મૅક્સવેલ અને મૅથ્યૂ વેડની બેટિંગે ભારતની જીતની આશા છીનવી લીધી અને ભારતનો પરાજય થયો.

પરંતુ આ પરાજય કરતાં પણ વધુ વાત એ ઑસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાનની અંતિમ ઓવરમાં મૅક્સવેલની ફટકાબાજીએ ફરી એક વાર વનડે વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન સામે એકલપંડે ટીમને જીત અપાવવા રમેલી ધુંઆધાર ઇનિંગની યાદ અપાવી એની થઈ રહી છે.

આમ, ગાયકવાડની સદી એળે ગઈ હતી.

ઑસ્ટ્રેલિયા તરફથી કૅન રિચાર્ડસન, જેસોન બેહરેન્ડોર્ફ અને એરોન હાર્ડિએ એક-એક વિકેટ લીધી હતી.

મૅક્સવેલનો 'ઝંઝાવાત'

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંતિમ ઓવરમાં મૅક્સવેલની તાબડતોડ બેટિંગે વધાર્યો મૅચનો રોમાંચ

મૅચની છેલ્લી ઑવર એકદમ રોમાંચક રહી હતી. જેમાં ઑસ્ટ્રેલિયાને છ બૉલમાં 21 રનોની જરૂર હતી.

ભારત તરફથી અંતિમ ઓવર નાખવાની જવાબદારી પ્રસિધ ક્રિષ્નાને અપાઈ હતી.

ઑસ્ટ્રેલિયા તરફથી ક્રીઝ પર મૅથ્યૂ વેડ અને ગ્લેન મૅક્સવેલની ધુરંધર જોડી જામેલી હતી.

બંને બૅટ્સમૅનો આક્રમક અંદાજમાં બેટિંગ કરી રહ્યા હતા. એમાં પણ ગ્લેન મૅક્સવેલે તો પોતાની લાજવાબ બેટિંગને બળે માત્ર 44 બૉલ રમીને જ સદીની ખૂબ નજીક પહોંચી ગયા હતા. તેમજ મૅથ્યૂ વેડ 14 બૉલે 23 રન બનાવીને સ્ટ્રાઇક પર હતા.

અંતિમ ઓવરના પ્રથમ બૉલે મૅથ્યૂ હેડે ચોગ્ગો ફટકાર્યો અને પોતાના જીતના ઇરાદા વ્યક્ત કરી દીધા. બીજા બૉલ પર એક રન લેતા મૅક્સવેલની સ્ટ્રાઇક આવી.

હવે ઑસ્ટ્રેલિયાને 4 બૉલમાં 16 રનોની જરૂર હતી. જેમાંથી પહેલો બૉલ પર મૅક્સવેલે ડીપ કવરમાં જબરદસ્ત છગ્ગો ફટકારી દીધો.

હવે ઑસ્ટ્રેલિયા જીત અને મૅક્સવેલ સદીની ખૂબ જ નિકટ પહોંચી ગયા હતા.

અંતિમ ત્રણ બૉલમાં જીત માટે દસ રનની જરૂરિયાત હતી. આગામી બે બૉલમાં સતત બે ચોગ્ગા ફટકારીને મૅક્સવેલે આક્રમક અંદાજમાં પોતાની સદી પૂરી કરી.

આ સદી એટલા માટે પણ ખાસ હતી કારણ કે આ મૅક્સવેલની 100મી આંતરરાષ્ટ્રીય ટી20 ઇન્ટરનૅશનલ મૅચ હતી.

હવે અંતિમ બૉલમાં જીત માટે ઑસ્ટ્રેલિયાને બે રનની જરૂર હતી. ક્રિષ્નાએ યૉર્કર ફેંકવાનો પ્રયાસ કર્યો પરંતુ લિમિટેડ ઓવર ક્રિકેટના ‘બિગ શૉ’ મૅક્સવેલે બૉલને એવો તો ફટકાર્યો કે એ બૉલરના માથાની ઉપરથી બાઉન્ડ્રીમાં સુધી જતો રહ્યો. આ ચોગ્ગા સાથે ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે મૅચ જીતી લીધી. અને સિરીઝ જીવંત રાખવામાં સફળતા મેળવી.

પોતાના ‘મૅચ વિનિંગ જબરદસ્ત પર્ફૉર્મન્સ’ને બળે મૅક્સવેલને ‘પ્લેયર ઑફ ધ મૅચ’ જાહેર કરાયા.

ઑસ્ટ્રેલિયન ટીમે બાજી પલટી નાખી

ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

મોટા સ્કોરનો પીછો કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમ શરૂઆત ધાર્યા પ્રમાણે સારી રહી નહોતી.

વર્લ્ડકપમાં ભારતની હારમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર ખેલાડી ટ્રેવિસ હેડ 35 રનમાં અને એરોન હાર્ડી 16 રન બનાવી આઉટ થઈ ગયા હતા. આ વિકેટો અને મોટા લક્ષ્યને કારણે ઑસ્ટ્રેલિયન ટીમ થોડી દબાણમાં પણ જણાઈ રહી હતી.

સાતમી ઓવરમાં જોશ ઇંગ્લિસ માત્ર દસ રને આઉટ થતાં ઑસ્ટ્રેલિયાની મુશ્કલી વધી હોય એવું લાગ્યું. આ તબક્કા સુધી ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાને 68 રન થઈ ગયો હતો.

પરંતુ બાદમાં બેટિંગમાં ઊતરેલા આવેલા ગ્લેન મૅક્સવેલે તો જાણે મૅચની બાજી જ પલટી નાખી. તેમણે આઠ છગ્ગા અને આઠ ચોગ્ગા સાથે અણનમ 104 રન ફટકાર્યાં.

મૅક્સવેલની ધુંઆધાર ઇનિંગથી ઑસ્ટ્રેલિયા મૅચ જીતી શક્યું હતું. જોકે બીજા છેડે તેમને મૅથ્યૂ વેડનો પણ સારો સાથ મળ્યો હતો. મૅથ્યૂ વેડે 16 બૉલમાં 28 રન ફટકાર્યાં હતા.

ઑસ્ટ્રેલિયાએ પાંચ વિકેટના નુકસાને ટાર્ગેટ ચૅઝ કરીને મૅચ જીતી લીધી. પાંચ મૅચની સિરીઝમાં ભારત 2-1થી આગળ છે. જો ભારત આ મૅચ જીતી ગયું હોત તો સિરીઝ પોતાને નામ કરવામાં ટીમ સફળ રહી હોત.

ભારતની બૉલિંગ કેવી રહી?

ક્રિકેટર

ઇમેજ સ્રોત, Getty Images

આ સિરીઝમાં ભારતની બેટિંગ પ્રથમ મૅચથી જ ખૂબ સારી રહી છે. સમગ્ર સિરીઝમાં જયસ્વાલ, રિંકુસિંહ, સૂર્યકુમાર અને અન્ય બૅટ્સમૅનો રંગમાં લાગી રહ્યા છે.

આ મૅચમાં ભારતના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરીને ટીમે ફરી એક વાર પોતાના મજબૂત બેટિંગ લાઇનઅપનો પુરાવો આપ્યો હતો.

ભારત તરફથી ઓપનર ઋતુરાજ ગાયકવાડે ઑસ્ટ્રેલિયન ટીમ પર દબાણ સર્જવા માટે સતત ફટકાબાજી ચાલુ રાખી હતી. પોતાની દમદાર બેટિંગને બળે તેઓ સાત છગ્ગા અને 13 ચોગ્ગાની મદદથી 123 રન બનાવીને અણનમ રહ્યા હતા.

આ સિવાય ભારતની બેટિંગમાં ઑપનર ઋતુરાજ ગાયકવાડે અણનમ 123 રન ફટકાર્યાં હતા. તેમણે માત્ર 57 બૉલમાં 123 રન કર્યાં હતા. જેમાં 7 સિક્સર અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

જોકે, ભારતના અન્ય બૅટ્સમૅનો આ મૅચમાં સરેરાશ પર્ફોર્મન્સ જ આપી શક્યા. યશસ્વી જયસ્વાલે છ રન, સૂર્યકુમાર યાદવે 39 રન અને તિલક વર્માએ 31 રન ફટકાર્યા હતા.

વળી બંને મૅચમાં ભારતીય બૉલરોએ ઑસ્ટ્રેલિયન બૅટ્સમેનેનો નિયંત્રણમાં રાખ્યા હતા. જોકે, મંગળવારે મૅક્સવેલની વિકેટ લેવામાં તેઓ સફળ ન રહ્યા.

જેથી મૅક્સવેલની ઇનિંગ ભારતે ભારે પડી ગઈ. ભારત તરફથી રવિ બિશ્નોઈએ સૌથી વધારે બે વિકેટ લીધી. જ્યારે અર્શદીપસિંહ, આવેશ ખાન અને અક્ષર પટેલે 1-1 વિકેટો લીધી હતી.

રેડ લાઇન
રેડ લાઇન